પ્રતિસાદ/સારી મા અને ખરાબ મા : સુધીર કકર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

જ્યારે આપણે એક સંસ્કૃતિનું અવલોકન કરીએ ત્યારે અને જો એ એવી સંસ્કૃતિ હોય કે જેમાં આપણે મોટા થયા હોઈએ કે જેમાંથી આપણે આપણા આદર્શો ઊભા કર્યા હોય ત્યારે બનવાજોગ છે કે અતિપક્ષપાતને કારણે આપણે એની ખામીઓ ઓછી કરી બતાવીએ અથવા તો અતિપરિચિતતાને કારણે એવી બાજુઓ કે મૂલ્યોને ચૂકી જઈએ જે બિન-ટેવાયેલી આંખ પકડી પાડી શકે, અને એટલે બીજા કેવી રીતે જુએ છે એ જાણવું હંમેશાં ઉપયોગી અને રસપ્રદ હોય છે. એથી આપણું દૃષ્ટિબિંદુ આપણે નહીં બદલીએ; પણ આ જાતના અભ્યાસમાંથી આપણને તાજગીભર્યો પ્રકાશ લાધી શકે અને આપણા આત્મવિશ્લેષણને મદદરૂપ થાય. પણ પરદેશી સભ્યતા અને સંસ્કૃતિ જોવાની જુદી રીતો હોય છે. ત્યાં સમભાવ અને અંતઃસ્ફુરણામય દૃષ્ટિ હોય અને મૂલ્યાંકનાત્મક એકરૂપતા સધાઈ હોય; આ આપણને સિસ્ટર નિવેદિતાનું પુસ્તક ‘Web of Indian Life’ કે શ્રી ફિલ્ડિંગનું બર્મા ઉપરનું પુસ્તક કે જૉન વૂડરોફનું તંત્ર ઉપરના અભ્યાસનું પુસ્તક આપે છે... એ બને કે એ લોકો આપણને બધી બાહ્ય હકીકતો ન પણ આપે, પણ આપણને એ એવી કોઈક ઊંડી વસ્તુથી જાગૃત કરે કે જેને વધારે મોટું વાસ્તવ હોય.

અરવિંદ ઘોષ



સારી મા અને ખરાબ મા : સુધીર કકર

આપણામાંનાં ઘણાં પ્રકૃતિ લઈને જ અપાર કુતૂહલ લઈને આવ્યાં છે. કઈ ચીજ કેમ કામ કરે છે, આપણી આજુબાજુનું વાસ્તવ શું છે, આ અસ્તિત્વ શું છે વગેરે પ્રશ્નો એમને સતત થયા કરે છે અને એ માટે બુદ્ધિને બરાબર ચકાસી જુએ છે, જ્ઞાનને પૂર્ણ રીતે કામે લગાડે છે. પણ ઘણા પ્રશ્નોનો ઉત્તર બુદ્ધિ આપી શકતી નથી; જ્ઞાનમાં ખાલી જગ્યાઓ રહી જાય છે. કહેવાય છે કે જ્ઞાનની આ ખાલી જગ્યાઓ પૂરવા માટે પુરાકલ્પનો અસ્તિત્વમાં આવ્યાં. દાખલા તરીકે આદમ ફૉક્સ એના પુસ્તક ‘Plato for Pleasure’માં કહે છે કે લગભગ બધી આદિમ જાતિઓ પાસે ચંદ્રની હસ્તી સમજાવતી કથાઓ છે. યુંગ તો કહે છે કે આદિમ જાતિ માટે પ્રતીકો રચવાં, ધર્મ ઊભો કરવો એ શિકાર કરવો, માછલીઓ પકડવી કે ખેતી કરવા જેટલી સહજ વસ્તુ હતી. પુરાકલ્પનો પણ આમ જ રચાતાં આવ્યાં હોવાં જોઈએ.

પણ આપણે અહીં ઊંધું કરવાનું છે. મિથ પાછળ રહેલાં મનોવૈજ્ઞાનિક સંચલનો જાણીતા ભારતીય મનોવિશ્લેષક સુધીર કકરની આંખે નિહાળવાનાં છે. કેટલાંક પુરાકલ્પનોનો અભ્યાસ એમના પુસ્તક ‘The Inner World’માંના એક પ્રકરણમાં એમણે મનોવિશ્લેષણીય અભિગમથી કર્યો છે. એ એમણે ખાસ ભારતીય બાલ્યાવસ્થા અને સમાજના એમના મનોવિશ્લેષણીય અધ્યયનની પશ્ચાદ્ભૂમાં કર્યો છે. આપણે અહીં આ લેખમાં એમનાં કૃષ્ણને લગતાં પુરાકલ્પનોવાળા પ્રકરણમાંથી એકાદ પુરાકલ્પન લઈ વાત કરીશું. કકર કહે છે કે અનેક દેવતાઓની, પંથોની, સંપ્રદાયોની આ ભૂમિમાં સૌથી વધુ લોકપ્રિય દેવતા કૃષ્ણ છે. બે હજાર વર્ષ પૂર્વે મહાભારતના કૃષ્ણ વધુ ઠરેલ, સાદગીને વરેલા હતા; એ પૂર્ણ ડહાપણ ધરાવતા મદદગાર સલાહકાર હતા. ઈ. સ. ૫૦૦ની સાલની આસપાસ હરિવંશમાં કૃષ્ણની પ્રકૃતિમાં ફેરફાર થવા માંડ્યો. બાલ્યકાળના નટખટ કૃષ્ણ, યુવાનીના ગોપીઓના દૈવી પ્રેમી તરીકે એ હરિવંશમાં અવતર્યા. પછીથી વિષ્ણુપુરાણ, પદ્મપુરાણ અને બ્રહ્મવૈવર્ત પુરાણ કૃષ્ણની આ બાજુથી વધુ મોહિત થયાં. ભક્તિમાર્ગમાં કૃષ્ણની આ પ્રકૃતિને વધુ પ્રાધાન્ય મળ્યું. મહાભારત અને ભગવદ્ગીતાની ઉપાસના વધુ યમનિયમોવાળી, નૈતિક-સામાજિક ધોરણોવાળી હતી. પણ ભક્તિમાર્ગમાં ભક્તિ નિષેધ અને રૂઢિવાદી હિંદુત્વના નિગ્રહ અને નિયમોથી બહુધા મુક્ત અને વધુ કેફી હતી. કૃષ્ણ-ભક્તિ એ મુક્ત, સ્વયંસ્ફૂર્ત, નટખટ અને અરાજક દિવ્યતાનું દર્શન છે. સદીથી સંમાર્જિત થતી આવતી ઉપાસના—વિધિઓ અને નાટ્યાત્મકતાનો એકમાત્ર હેતુ વ્યક્તિની ભક્તિ વધારવાનો રહ્યો છે. કૃષ્ણ ભક્તને પોતા સાથે એક થવા માટે નિમંત્રે છે; આનંદ ઉપર એણે મંજૂરી બક્ષી છે. મનોવૈજ્ઞાનિક પરિભાષામાં કહીએ તો કૃષ્ણ સામાજિક અને સુપરઇગોનાં નિયંત્રણોથી મુક્ત થઈ વ્યક્તિને પ્રાઇમલ સેલ્ફ સાથે એકરૂપ થવા માટે પ્રોત્સાહિત કરે છે. પ્રાચીન ગ્રીસના ડાયોનિસસની જેમ કૃષ્ણનું આહ્વાન પૂર્ણ સ્વાતંત્ર્ય અને સહજસ્ફૂર્ત ઉલ્લાસનું છે. ભક્તિનો મનોવૈજ્ઞાનિક-સામાજિક અર્થ એ છે કે નાતજાતના વાડામાં જડ થઈ ગયેલી સામાજિક વ્યવસ્થાને કારણે ઊભા થયેલાં બાહ્ય અને આંતિરક દમનોમાંથી મુક્ત થવાની સ્વૈરકલ્પનાઓ એ પૂરી પાડે છે. આ સંદર્ભમાં હોળીના પર્વને ટાંકી શકાય. અલબત્ત હોળી અસામાન્ય-અપવાદરૂપ ઉત્સવ-ક્રિયાકાંડી ઘટના છે. કૃષ્ણભક્તોની રોજિંદી ભક્તિનું એ પ્રતિનિધિત્વ કરતી નથી અથવા તો હોળીની આ અશ્લીલતા એક નોર્મલ વ્યક્તિના નર્વસ બ્રેકડાઉનમાં જે છતું થાય છે એવી જ રીતે અંદર પડેલી મથામણો અને સાયકીના પાયાના બંધારણને ખુલ્લાં પાડે છે. (કકરની આંખ સમક્ષ, અલબત્ત ઉત્તર ભારતમાં પુરુષ-સ્ત્રીઓ વચ્ચેના ભેદ ભૂલી ખુલ્લેઆમ ઉજવાતો હોળી-ઉત્સવ છે. આપણે મહારાષ્ટ્રમાં કે ગુજરાતમાં એટલી હદ સુધીના એ જાતના હોળી-ઉત્સવના સાક્ષી નથી એ ધ્યાનમાં રાખવું અહીં જરૂરી છે.) હોળી-પર્વ એની ઊભરાતી જાતીયતા અને આક્રમકતા વડે થોડા વખત માટે પણ વય, સેક્સ, વર્ણ અને વર્ગને ભૂંસી નાખે છે. અન્તઃપ્રેરણા(instinctuality)ને ટોચ ઉપર લઈ જાય છે. કૃષ્ણનો પંથ એના ભક્તોને અભાનપણે કૃષ્ણ સાથે એકરૂપતા કેળવી બધી જાતની સ્વૈરકલ્પિત, અંતઃપ્રેરિત તૃપ્તિ માટે અવકાશ ઊભો કરે છે. કૃષ્ણ-પંથની લોકપ્રિયતાને માત્ર મનોવૈજ્ઞાનિક નહીં, સામાજિક આધાર પણ છે. સંપત્તિરહિત વર્ગને પણ મોક્ષ માટેની એ પંથે આપેલી ખાતરી છે. રૂઢિવાદી હિંદુ સૂત્ર પ્રમાણે વ્યક્તિનો જન્મ, એનો સામાજિક હોદ્દો અને એનો વર્ગ મોક્ષપ્રાપ્તિ માટે નિર્ણાયક બને છે એ વાતનો અસ્વીકાર કરી કૃષ્ણ-પંથ કચડાયેલી જ્ઞાતિઓ અને વર્ગોને આવકારે છે. કૃષ્ણ-ઉપાસનાનો કેટલી માત્રામાં અને તીવ્રતાથી તમે કૃષ્ણની ભક્તિ કરો છો તે એકમાત્ર માપદંડ છે. ભાગવત પુરાણમાં કૃષ્ણ કહે છે, “મારી માન્યતા છે કે બારે ગુણો ધરાવતો બ્રાહ્મણ જેણે ભગવાનના (કૃષ્ણના) ચરણકમળ તરફથી મોઢું ફેરવી લીધું છે એ ચાંડાલ જેણે પોતાનાં મન, વચન, કાર્ય, સંપત્તિ અને જીવન ભગવાનના ચરણોમાં ધરી દીધાં છે એ કરતાં નીચી કક્ષાનો છે; ચાંડાલ પોતાના આખા કુટુંબનો તારણહાર બને છે જ્યારે પોતાના હોદ્દાનો ઘમંડ રાખતો બ્રાહ્મણ પોતાને પણ બચાવી શકતો નથી.” કકર ભાગવતમાંની કૃષ્ણની આ વાતને ન્યૂ ટેસ્ટામેન્ટની ઘણી નજીક આવતી ગણે છે. અત્યાર સુધી કૃષ્ણ-પંથની લોકપ્રિયતાની વાત કરી એના ખુલાસાઓ આપ્યા. હવે જોઈએ કૃષ્ણનાં બાલ્યાવસ્થાની આસપાસનાં પુરાકલ્પનો ફરી મનોવૈજ્ઞાનિક અનુભવ તરફ કેવી રીતે લઈ જાય છે. કળા અને લોકકથાના અલંકૃત પ્રતીકવાદમાંથી ચળાઈને આવેલાં આ પુરાકલ્પનો મનોવૈજ્ઞાનિક મથામણો અને સામાજિક કક્ષાએ સ્વીકાર્ય સ્વૈરકલ્પિક ઉકેલો રજૂ કરે છે. સ્વપ્નો એક વખત પોતાનો રાત્રિનો સહજસ્ફૂર્ત દબાણનો ભાર ઉતારી દે કે ભૂલી જવા માટે હોય છે જ્યારે પુરાકલ્પનો યાદ રાખવા માટે અને પુનરાવર્તન કરવા માટે હોય છે જેથી અભાન સ્વૈરકલ્પનાઓની વહેંચણી સભ્યોની એકબીજા સાથેની એકરૂપતાને વધુ પુષ્ટિ આપે અને દૃઢ કરે. પુરાકલ્પનોમાં અસંપ્રજ્ઞ સ્વૈરકલ્પનાઓની તીવ્ર ઇચ્છાઓ અને આવેગો વ્યક્તિગત રીતે નહીં, પણ સામૂહિક રીતે અનુભવાતાં હોવાથી પાંખાં થઈ જતાં હોય છે, અને તે સાદી પ્રયુક્તિથી તેમને બાહ્યરૂપ આપીને અને પુરાકથાકીય વીરનાયકો અને નાયિકાઓમાં પ્રક્ષિપ્ત કરીને થાય છે. કૃષ્ણને લગતાં પુરાકલ્પનો પુરુષ અને સ્ત્રી બંનેમાં સરખી રીતે લોકપ્રિય છે. પૌરુષીય (મૅસ્ક્યુલિન) અને સ્ત્રૈણ (ફેમિનિન) બંને પ્રકારની કૃષ્ણ-દંતકથાઓ છે. મનોવૈજ્ઞાનિક વિશ્લેષણમાં એક જ દેવ-નાયક માટેનાં પુરાકલ્પનોના પૌરુષીય અને સ્ત્રૈણ એવા ભેદ ભાગ્યે જ પાડવામાં આવે છે કારણ કે પુરાકલ્પન – અર્થઘટન પિતૃસત્તાક પરંપરાથી રંગાયેલાં હોય છે, અને સ્ત્રીઓની ત્યાં તદ્દન અવગણના હોય છે. કૃષ્ણ-પુરાકલ્પનોમાં પુતના, કાલીયાનાગ, અગાસુર અને ગોવર્ધન પર્વતની અપીલ અને અભિમુખતા મુખ્યત્વે પૌરુષીય છે જ્યારે કૃષ્ણ-જશોદા અને કૃષ્ણ-રાધાને લગતી દંતકથાઓ મુખ્યત્વે સ્ત્રીઓને અપીલ કરતી હોવા છતાં માત્ર તેમને જ એમ નહીં એવી દંતકથાઓ છે. સુધીર કકર પુતના-પુરાકથાને પોતાનું મનોવિશ્લેષીય ઓજાર કેવી રીતે લાગુ પાડે છે તે હવે જોઈએ. પુતના-પુરાકથાનાં કેટલાંક ઘટકો બીજી સંસ્કૃતિઓનાં પુરાકથાશાસ્ત્રોમાં પણ છે. કૃષ્ણના આ સ્તનપાનના પરાક્રમની સમાન્તરતા પ્રાચીન ગ્રીકની એક કથામાં પણ જોવા મળે છે. હેરાકલસ હેરાના સ્તનને એટલું સખ્ત રીતે ધાવે છે કે હેરા હેરાકલસને વેદનાની મારી ધક્કો મારી દૂર ફેંકી દે છે. હેરાકલસના મોઢામાંથી બહાર નીકળી આવેલું દૂધ આકાશગંગા બને છે. છતાં પુતના પુરાકથામાંનાં કેટલાંક ઘટકો હિંદુ સંસ્કૃતિનાં વિશિષ્ટ ઘટકો છે – જેમ કે ઝેર લગાડેલું સ્તન, નઠારી મા અને અકરાંતિયા બાળક વચ્ચે જીવતા રહેવા માટે ચાલતો સંગ્રામ અને માને મૃત્યુદંડ અને પછીથી નઠારી માની મુક્તિ. ઝેરી દૂધ જે પોષણ છે તે મારે છે એ ગુપ્ત સ્વૈરકલ્પના જીવનના ખૂબ આરંભના તબક્કે મા અને બાળકની જુદાઈ શરૂ થાય છે ત્યારે ઉદ્ભવે છે. આ સ્વૈરકલ્પનાને વિસ્તારવામાં આવે ત્યારે એ આખી સંસ્કૃતિ માટે પુરાકલ્પન બની જાય છે અને એ ભારતીય પરિવેશમાં મા અને બાળકની થતી જુદાઈ સાથે સંલગ્ન આંતરિક મથામણોની તીવ્રતા દર્શાવે છે. ઝેરી સ્તન બાળકના પરિચિત રક્ષણની અને માના સ્તનપાનની ખોટનું પ્રતીક છે. (ભારતમાં આ સ્તનપાન બાળક ત્રણથી ચાર વર્ષનું થાય ત્યાં સુધી પણ ચાલતું હોય છે.) અને જોગાનુજોગ એવું બને કે એ સમયે બીજા બાળકનો જન્મ થયો હોય તો બાળક માટે આ ઘા દ્વિગુણિત બની જાય. પ્રેમના દૂધ માટેની બાળકની ભાવનામય ભૂખ – હજી સુધી તો એ વિપુલ પ્રમાણમાં મળતું હતું – એને માટે અસહ્ય બની જઈ શકે. એનો (ગૂંચવાયેલો) ગુસ્સો મામાં પ્રક્ષિપ્ત થાય અને એની સ્વૈરકલ્પનામાં માની દુશ્મનાવટભરી ભયપ્રેરક આકૃતિ ઊભી થાય; છોકરાની પોતાની ખાઉધરાપણાની જરૂરિયાત માના ફાડી ખાતા મુખરૂપી કલ્પનમાં પ્રક્ષિપ્ત થાય. પ્રક્ષેપની આ પ્રાચીન પ્રયુક્તિ – ‘હું’ મારી માને એણે મને હતાશ કર્યો છે એથી મારી નાખવા નથી માંગતો, પણ મારી એને માટેની ભૂખાળવી જરૂરિયાતને કારણે એ મારો નાશ કરવા માગે છે.’ – આ અસંપ્રજ્ઞ સ્વૈરકલ્પનાનો અંશ ઝેરી સ્તનના પ્રતીકને બળતણ પૂરું પાડે છે. આ સાથે બાળક-પુત્રનો થતો શારીરિક વિકાસ એને એની માથી અલગ વ્યક્તિ થવા તરફ ધકેલે છે. પુતનાનું ઝેરી સ્તન ભારતીય બાળક-પુત્રની કટોકટરીભરી માનસિક-સામાજિક મડાગાંઠનું પ્રતીક છે. કેવી રીતે ઝેર બની ન જાય એ રીતે પોષણ મેળવવું, કેવી રીતે પોતાની ઊગતી વ્યક્તિતાને પંગુ બનાવ્યા વગર માના પ્રેમને માણવો—આ સાર્વત્રિક મડાગાંઠ ભારતીય પાર્શ્વભૂમાં વધુ વકરી છે કારણ કે હિંદુ માની બાળક-પુત્રને આવેગમય લાગણીને કારણે છોડી દેવાની ઘણી વાર અસંપ્રજ્ઞ નામરજી હોય છે કારણ કે બાળક-પુત્ર માની અસ્મિતાને (આઈડેન્ટિટિને) માનસિક-સામાજિક ગેરંટી આપનાર છે. આપણે હવે અહીં આગળ જઈએ એ પહેલાં શ્રી કકર એમના આ પુસ્તકમાં ભારતીય કૌટુંબિક પરિવેશનું અધ્યયન-વિશ્લેષણ કરી સારી મા અને ખરાબ માની સંકલ્પના કેવી રીતે લાવ્યા છે તે જોવું અત્યંત જરૂરી છે. આ પુસ્તકની નિસબત ભારતીય બાલ્યાવસ્થામાં રહેલાં મનોવૈજ્ઞાનિક ઘટકો સાથે અને પછી ભારતીય સાંસ્કૃતિક પરિવેશ સાથે એને કેવી રીતે relate કરાય એની સાથે છે. અહીં વિશિષ્ટ ભારતીય કૌટુંબિક પરિસ્થિતિમાં મા અને બાળક-પુત્ર વચ્ચેનો સંબંધ કેવો રહે છે અને કેમ વિકસે છે અને કકરે એને કઈ રીતે નિહાળ્યો છે એ ટૂંકમાં જોઈશું. અને પછી પુતના-પુરાકથામાં કકરે એને કેવી રીતે પ્રતિબિંબિત થતો જોયો છે એ વાત ઉપર આવીશું. ભારતીય કન્યાને સામાન્યતઃ એની પ્રારંભિક કિશોરી-અવસ્થામાં એટલે કે ૧૨થી ૧૮ સુધીની વયમાં પરણાવી દેવામાં આવે છે. કન્યા માટેનો આ વહેલાં લગ્નનો રિવાજ કિશોરી અવસ્થામાં ફરી સ્વચ્છંદપણે સજીવન પામતી બાલ્યાવસ્થાની રમતિયાળ જાતીયતાની પિછાન છે અને એથી હિંદુ સામાજિક સંગઠનને જે ભય ઊભો થયો મનાય છે એની સામેનું રક્ષણ છે. ગમે તેમ પણ જ્યારે એ એના પતિના પરિવારમાં પ્રવેશ કરે છે ત્યારે એ હજી નાની કિશોરી હોય છે. જ્યારે એ પરણે છે ત્યારે એની માનો આધાર અને પ્રેમ, એની સાહેલીઓ સાથેની ગુસપુસ ખાનગી વાતો – આ આખી કિશોરી અવસ્થાની પ્રક્રિયા અધૂરી રહે છે અને એકાએક એ અપરિચિત કમમાં કમ શરૂઆતમાં તો ડરામણા સાસરિયાના પરિસરમાં આવી પડે છે. આ પરાયા અને ક્યારેક અપમાનજનક પરિવેશમાં ભારતીય કન્યા જે રીતે પોતાની અસ્મિતા અને કિશોરી-અવસ્થાના દરજ્જા માટે મથે છે એની ઉપર તો જેટલો ભાર આપો એટલો ઓછો છે. પોતાના પતિના પરિવારમાંના સામાજિક સંબંધોમાંનો એનો પ્રવેશ અનુકૂળ મનોવૈજ્ઞાનિક સંજોગોમાં થતો નથી. સારી પત્ની અને આદર્શ પુત્રવધૂ બનવાનો એનો સભાન નિર્ણય હોવા છતાં પોતાના પતિના કુટુંબમાં એ ભયાનક ચિંતા અને પિયર માટેની તીવ્ર ઝંખના સાથે દાખલ થાય છે. પોતાની માની જગ્યા પચાવી પાડનારી સાસુ માટે શત્રુભાવ અને અજાણ્યા માણસ એવા પતિ પ્રત્યે કુમાશભરી લાગણી અને શત્રુભાવની દ્વિધાભરી મનોદશામાંથી એ પસાર થતી હોય છે. એના નવા પરિવારમાં આ નવી વધૂનો હોદ્દો છેક છેલ્લી પાયરી ઉપર હોય છે. પરિવારની વડીલ સ્ત્રીઓ અને ખાસ કરીને સાસુ પ્રત્યેની એની આજ્ઞાંકિતતા માટે તો એ સિવાય બીજું કશું હોઈ શકે એવું કોઈના પણ વિચારમાં આવી શકે નહીં. વડીલ પુરુષો સાથે એનો વાર્તાલાપ ઓછામાં ઓછો હોય અથવા તો બિલકુલ જ ન હોય. એની કંઈ ભૂલો થાય કે ચૂક રહી જાય તો એની આવડત ઉપર કે એના પિયરના ઉછેર ઉપર કટાક્ષમય ઉલ્લેખો થાય. પતિની સૌ પહેલાં વફાદારી વિશાળ કુટુંબ પ્રત્યે હોય અને પછી પત્ની પ્રત્યેના સ્નેહનું સ્થાન આવે. વધૂને પત્ની કરતાં સૌ પહેલાં પુત્રવધૂની ભૂમિકા ભજવવાની રહે. પણ એટલું નોંધવું જોઈએ કે હિંદુ કુટુંબમાં વધૂ પ્રત્યે શંકા કે વિરોધ ભાગ્યે જ હેતુપૂર્વકના શોષણની કક્ષાએ પહોંચી જાય છે. સંયમ અને ડહાપણની સાંસ્કૃતિક પરંપરા તરફ એ નિર્દેશ કરે છે. સમાજના સ્ત્રી-સભ્યો પ્રત્યે આદર અને એમનું રક્ષણ મુખ્ય નૈતિક ફરજ ગણાય છે. પણ સગર્ભાવસ્થાથી ભારતીય વધૂની સ્થિતિમાં નાટ્યાત્મક ફેરફાર થાય છે અને એ પતિના કુટુંબમાં એકદમ સ્વીકાર્ય બને છે અને એનું ઊર્મિશીલ-તંત્ર વધુ સંતૃપ્ત થાય છે. સગર્ભાવસ્થા એ સ્ત્રીનું સૌથી મોટું સદ્ભાગ્ય ગણાય છે. હિંદુ પરંપરાની લોકકથાઓ અને પુરાકથાઓ સગર્ભા સ્ત્રી માટેના સાંસ્કૃતિક આદરથી ભરપૂર છે. પછી બંગાળી કથામાંથી કકર એક ફકરો ટાંકે છે : “એકાએક એમ લાગ્યું કે ભગવાને પ્રાર્થનાને ધ્યાનમાં લીધી. રાણી સુલતાને દહાડા જતા હતા. આ સારા સમચારથી રાજા આનંદઘેલો બની ગયો. એનો સુલતા પ્રત્યેનો સ્નેહ દ્વિગુણિત બન્યો. એ એની સગવડો જોતો અને બધી ઇચ્છાઓ પૂરી કરતો.” સગર્ભ સ્ત્રી માટેના આ કાળજીભર્યા આદરનું મૂળ ધાર્મિક અને ઐતિહાસિક પરંપરામાં રહ્યું છે. જ્યાં સ્ત્રીને માની સમાન્તર ગણવામાં આવે છે અને પુત્રના જન્મને માબાપના અને કુટુંબના મોક્ષના માર્ગ ઉપર જરૂરી પગથિયું મનાય છે. “A Hindu woman’s motherliness is a relatively more inclusive element of her identity formation than is among western women... Motherhood is an event in which the culture confirms her status as a renewer of the race and extends to her a respect and consideration which were not accorded to her as a mere wife.’ આ પશ્ચાદ્ભૂ આપીને કકર સારી મા અને ખરાબ માની સંકલ્પના ઉપર આવે છે. સાધારણ રીતે ઇન્ફન્સી-શિશુઅવસ્થા એટલે બાળક હજી ચાલતાં નથી શીખ્યું એ ગણાય. પણ ભારતમાં ઇન્ફન્સી બાળકનાં પહેલાં ચારથી પાંચ વર્ષ સુધી વિસ્તરે છે. આ સમય દરમ્યાન આહાર લેવો, ચાલવું, બોલવું વગેરે અનેક ક્રિયાઓ બાળક કરતું થાય છે. આ અવસ્થા દરમ્યાન સ્તનપાન કરાવતી માને બાળક પૂર્ણપણે આધીન છે અને ઊંડી આસક્તિથી એની સાથે જોડાયેલું છે. આ બાલ્યાવસ્થા ભારતમાં એવી રીતે લંબાઈ છે કે જ્યાં બીજો પછી ત્રીજો વિકાસનો તબક્કો એમ નહીં, પણ આ બીજા-ત્રીજા વિકાસના તબક્કા એકમાં જ સમાઈ ગયા છે. એટલે બાળક ત્રણથી પાંચ વર્ષ પહેલાં સૌથી અગત્યના ‘અન્ય’ એટલે કે એની માથી – મનોવૈજ્ઞાનિક અર્થમાં અલગ થતો નથી. આ સમયે પિતાની ભૂમિકા બહુ મહત્ત્વની હોતી નથી. “Constantly held, cuddled, crooned and talked to, the Indian infant’s experience of his mother is a heady one, his contact with her is of an intensity and duration that differentiate it markedly from the experience of infancy in western worlds.’ ભારતીય કન્યા માબાપને ઘરે પુત્રી તરીકે માત્ર મુસાફર જેવી છે; પરણે છે પછી પત્ની કરતાં પુત્રવધૂ વધારે છે, માત્ર જ્યારે માતૃત્વ પ્રાપ્ત થાય છે ત્યારે એ સ્ત્રી તરીકે પૂરી બહાર આવે છે અને કુટુંબમાં અને કોમમાં અને જીવનચક્રમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કરે છે, આને કારણે બાળક પ્રત્યે એને માતૃત્વનું વિશિષ્ટ કર્તવ્ય લાગે છે અને બાળકમાં એનું લાગણીનું રોકાણ અમર્યાદિત હોય છે. આવી જાતની શિશુઅવસ્થા બાળકને એક સલામત આધાર આપે છે જ્યાંથી એ પોતાની આજુબાજુની પરિસ્થિતિને આત્મવિશ્વાસપૂર્વક તપાસે છે. ભારતના લોકો સહજ પ્રેમાળતાથી બીજા સાથે ભળતા હોય છે અને એમને એવો વિશ્વાસ હોય છે કે મુશ્કેલીના સમયમાં સાચા દાતાઓ હંમેશાં એમને મળી રહેશે. શંકા અને સંકોચશીલતા એ એમના માનસની વિરલ ઘટના છે. ભારતીય બાળકનો પોતાની માનો અનુભવ લગભગ સારી માનો છે. પોતાની મા માટે ભયાનક અણગમો, ભય કે તિરસ્કાર સંપ્રજ્ઞ સ્તરે અનુભવે કે વ્યક્ત કરે એવા ભારતીયોનું પ્રમાણ અત્યંત નાનું છે. શરદચંદ્રે અને પ્રેમચંદે સાધારણ રીતે માને માયાળુ અને અન્નપૂર્ણા તરીકે ચીતરી છે અને મા માટેની ઝંખનામાં જરા પણ ગુનાહિત ભાવનું કે વિરોધનું ચિહ્ન જોવા મળતું નથી. હવે ખરાબ માની વાત ઉપર આવતાં કકર ચોખવટ કરે છે કે માની ખરાબ બાજુ એ ભારતની જ વિશિષ્ટતા નથી. આપણી બધાની સ્વૈરકલ્પનાઓમાં સારી માની સામે બીજા ધ્રુવ ઉપર ખરાબ મા રહે છે. એરિક નેયુમાને પુરાકલ્પનો અને પ્રાચીન સંસ્કૃતિઓના કરેલા વિશ્લેષણમાં બતાવ્યું છે એમ અને વૈદકીય અહેવાલોએ પુરવાર કર્યું છે એમ સમકાલીન સમાજમાં જીવન બક્ષનારી, પોષણ પૂરું પાડનારી અને અનુકંપાશીલ સ્ત્રીત્વની સાથે સાથે બીજી બાજુ ડિમાન્ડિંગ, ભક્ષી જનારી, નાશ કરનારી સ્ત્રીત્વની પ્રતિમા રહી છે. પોતાની મા માટેના દ્વિર્ભાવમાંથી કોઈ મુક્ત નથી. ભારતીય સંદર્ભમાં આ ખરાબ માનો વિષય વધુ ધ્યાન ખેંચે છે તે એટલા માટે કે એની તીવ્રતા અને વ્યાપકતા અસાધારણ છે. આપણે જોઈ ગયા કે ભારતીય મા નવા જન્મેલા શિશુ દ્વારા ખાસ કરીને પુત્ર દ્વારા પોતાની અસ્મિતા (આઇડેન્ટિટિ) સ્થપાતી જુએ છે; કુટુંબમાં અને સમાજમાં એનો દરજ્જો વધે છે. એ પુત્રને તારણહાર તરીકે જોવા લલચાય છે; એ કૃતજ્ઞતાપૂર્વક અને અત્યંત આદરપૂર્વક કહેવાય એવી લાગણીથી અને દરકારથી એને ઉછેરે છે. આમાં જો પલ્લું વધુ એ બાજુ ઢળી જાય તો માને પોતાની અપૂર્ણ તૃષ્ણાઓ અને ઇચ્છાઓ સંતોષવા બાળક સાધન તરીકે કામ આવે, પછી બાળક માટે એ કેટલુંય અરુચિકર કેમ ન હોય. માનાં અસંપ્રજ્ઞ સૂચનો અને માંગોની સમક્ષ બાળક ગૂંચવાઈ જાય અને અસહાયતા અને અપૂરતાપણું અનુભવે. માની ચગદી નાખે એવી નજીકતાથી ગભરાયેલું છતાં એથી દૂર જવા અશક્ત એવી સ્થિતિમાં એની સ્વૈરકલ્પનામાં માની ઉપસ્થિતિ એક ડારતી મુખમુદ્રા બની જાય. અતિ ટૂંકમાં આપણે આ સારી મા અને ખરાબ માની કકરે કરેલી સંકલ્પનાઓ જોઈ ગયા. હવે આપણે ફરી પુતનાના પુરાકલ્પન તરફ વળીએ. પુતનાની પુરાકથા ખરાબ માની જાતીયતાની ડરામણી બાજુને એટલી જોરપૂર્વક રજૂ કરતી નથી છતાં કૃષ્ણનું પુતનાના સ્તનની ડીંટીનું એ પ્રાણ ગુમાવી જાય ત્યાં સુધી પોતાના મુખમાં જોરથી પકડી રાખવું એ મૌખિક લૈંગિક હિંસાની ક્રિયા છે જેમાં બાળકનો ક્રોધ અને રોમાંચ બંને સાથે છે. આ પ્રતિરૂપનું સ્વૈરકલ્પનામાંની માની લૈંગિક માંગો અને એની સાથે જ આવી માંગો કરવા બદલ એના ઉપરનું કરડું વેર એવું અર્થઘટન કરી શકાય. જે લોકો આવા અર્થઘટનને એ તો મનોવિશ્લેષકની દૂરવર્તી–ફારફેચ્ડ ઇચ્છાપૂર્તિએ ઊભી કરેલી બનાવટ છે, બધી જગ્યાએ એમને તો જાતીયતા જ દેખાય છે એમ માને છે એ કનૈયાલાલ મુનશીએ જે રીતે પુતનાની દંતકથા વર્ણવી છે તે જાણે તો આઘાત પામે. કનૈયાલાલ મુનશી તો તત્ત્વજ્ઞાનીય ધાર્મિક વિષયોના ભાવિક હિંદુ લેખક છે જેને માટે એમ ન કહી શકાય કે સ્તનપાનના એ દૃશ્યમાં કોઈ પણ જાતની લૈંગિક વસ્તુની એને સંપ્રજ્ઞ જાગરૂકતા હોય. કકર પછી અહીં મુનશીના કૃષ્ણાવતારના પહેલા ભાગમાંથી અવતરણ લઈ એનું અંગ્રેજી ભાષાંતર આપે છે, આપણે તો આ મુનશીની ભાષામાં જ જોઈએ : “પોતાનું હૃદય આનંદથી ઊભરાઈ જતું હોય એમ પુતનાને લાગ્યું. આનંદસમાધિ અનુભવતાં એણે કૃષ્ણને ફરીથી છાતીએ ચાંપ્યો. એના હૃદયની સુષુપ્ત માતૃત્વની ભાવના નદીના ધસમસતા પૂરની પેઠે બહાર ધસી આવી. જાણે પોતાની ચામડી ભીની થઈ ગઈ હોય એમ એને લાગ્યું. એકાએક પ્રગટી ઊઠેલી માતૃત્વભાવનાને લીધે એના વિશાળ સ્તનમંડળમાંથી દૂધની ધારા છૂટી હતી; એની ચોળી ભીંજાઈ ગઈ હતી.” “એનું હૃદય, મન, આત્મા બધું જાણે આ બાળકને માટે તલસી રહ્યું હતું. એની આનંદસમાધિની નીચે એના મગજમાં, ચિત્રવિચિત્ર વિચારો ઊભરાઈ રહ્યા હતા. આ સુંદર બાળકને સ્તનપાન કરાવવું જ પડશે.” “એનું હૃદય જાણે વારંવાર એને ખૂબ આગ્રહપૂર્વક પ્રેરણા કરી રહ્યું હતું કે ‘આ બાળકને લઈને તારી છાતીએ વળગાડ! તું તો છે જ દુષ્ટ ને દુખાર્ત નારી! સમસ્ત શરીર ને મનને ભરી દેતો, ઉન્મત્ત બનાવી મૂકે એવો આનંદ આ પહેલાં તેં કદી અનુભવ્યો નથી. આજે ખરેખરી તક સાંપડી છે, એવા વખતે તું, તારા પતિ, તારાં સંતાનો ને તારા પોતાના જીવનને પણ હોડમાં મૂકી દે તો એમાં કંઈ ખોટું નહિ. આ બાળકને છાતીએ વળગાડ.’ પુતનાનો બધો સંયમ સરી ગયો. બાળક માટેના અપૂર્વ આનંદભર્યા તલસાટથી સ્તન પર પોતે ઝેર ચોપડ્યું છે એ વાત ભૂલી જઈને એણે કૃષ્ણને ખોળામાં લીધો. હસતાં હસતાં કૃષ્ણે એના હાથમાંથી છટકવા માટે ખેંચતાણ કરવા માંડી. પુતનાને પોતાની જાત ઉપર કાબૂ રહ્યો નહિ... પોતાનું મગજ જાણે કામ કરતું અટકી ગયું હોય એમ એને લાગ્યું. આનંદસમાધિને લીધે એને મૂર્છા તો નહોતી આવતી? એને તો હવે એક જ ઇચ્છા હતી : યશોદાનો બાળ પયપાન કરે – એને ગમે તો દૂધ સાથે એની આખી જિંદગી, આશા, અરે! સર્વસ્વ ચૂસી લે! હા, હું તારા પર મારું સર્વસ્વ ન્યોછાવર કરવા તૈયાર છું, મારા લાલ!’ એના મગજમાં એક વિચાર ઝબકી ઊઠ્યો, ‘હું તારી જ છું!’ ” કૃષ્ણે કરેલી પુતનાની હત્યા અને પછી પુતનાની એક વિશુદ્ધ થયેલી વ્યક્તિ તરીકેની મુક્તિ પુત્રની મથામણનો એક ઉકેલ બતાવે છે. ખરાબ માને સ્વૈરકલ્પનામાં મારી નાખીને પુત્ર પોતાની સાયકીમાં ઊભી થયેલી આક્રમક ભૂખાળથી માની પ્રતિમાને ભૂંસી નાખે છે. અને માની સંરક્ષક-માયાળુ પ્રતિમાને અખંડિત રાખે છે. એને માટે બચી જવાની આ એક જ રીત છે. ખરાબ મા મરી જ જવી જોઈએ જેથી પુત્રની અખિલાઈ અને જાતીયતા અને બીજાને ચાહવા માટેની શક્તિ ઉદય પામી શકે. પુતનાના પુરાકલ્પનમાં આ ખરાબ મામાંથી વિષયાશક્તિ અને જાતીય શક્તિ ખાલી કરી નાખવી અને એની અને એના પુત્ર વચ્ચે હદ બાંધી દેવી એ આખી વસ્તુ એક વેધક કલ્પનમાં ઘનીભૂત થઈ છે. સુધીર કકરે પારંપરિક ભારતીય સંયુક્ત કુટુંબના પરિવેશની પડછે પુતનાની પુરાકથામાં રહેલાં મનોવૈજ્ઞાનિક સંચલનો સમજાવવાનો જે યત્ન કર્યો છે એની પ્રતીતિકરતા લાગ્યા વગર રહેતી નથી, અને એ માટે છેવટે એમણે કનૈયાલાલ મુનશીના અવતરણનો પૂરો લાભ લીધો છે. આપણી પાસે તો પુતનાની પુરાકથા બાલકૃષ્ણના એક અતિ પરાક્રમરૂપે જ આવે છે, અને કૃષ્ણની દિવ્યતામાં રંગ પૂરે છે, અને કંસની આ તબક્કે હાર આપણને આનંદ આપે છે. હિંદુ-અવતારની વિચારધારામાં તો શત્રુભાવે વેર રાખતા છતાં છેવટે ભગવાનને હાથે હત્યા થતાં એ વ્યક્તિનો મોક્ષ થાય છે એવું ઘણી કથાઓમાં નિરૂપાયું છે. પુતના એમાં અપવાદ નથી. એટલે કે કોઈ પણ પુરાકથાની સંકુલતાનો પરિપ્રેક્ષ્ય તો આપણે ધ્યાનમાં રાખવો પડે, છતાં કકરની આ મનોવૈજ્ઞાનિક તીક્ષ્ણ દૃષ્ટિ અમુક પરિપ્રેક્ષ્યમાં આપણી આંખ ઉઘાડનારી બની છે એ આનંદપૂર્વક સ્વીકારવું જોઈએ. આખા પુસ્તકમાં કકર આવી રીતે સફળ રહ્યા છે એમ પુસ્તકના પૂરા અધ્યયન વગર કહી શકાય નહીં. મેં એમનું વિવેકાનંદના જીવન ઉપરનું અર્થઘટન વાંચ્યું તે ઉપલક દૃષ્ટિએ તો મને સંતોષકારક લાગ્યું નથી. આપણું બીજું પણ એક વાસ્તવ હોય છે. હરિવંશના કૃષ્ણ હસ્તી ધરાવતા હતા કે નહીં, પણ સાધારણ હિંદુ જનસમુદાયમાં તો બાલકૃષ્ણની નટખટ પ્રતિમા એમને મન ધબકતી વાસ્તવિકતા છે. સ્વપ્નની વાસ્તવિકતાની જેમ એનો પણ અમુક રીતે સ્વીકાર કરવો પડે. છતાં જ્યારે સંશોધનમાં આપણને કોઈ વસ્તુની નક્કર સાબિતી મળી આવે છે ત્યારે એ રોમાંચકારી હોય છે. અરવિંદ ઘોષ એમના ‘ગીતા નિબંધો’ પુસ્તકમાં લખે છે, “ઇતિહાસના શ્રીકૃષ્ણ અલબત્ત થયા હતા. એમના નામનો ઉલ્લેખ છાંદોગ્ય ઉપનિષદમાં આવે છે. ત્યાં તો શ્રીકૃષ્ણ બ્રહ્મજ્ઞાનીઓમાં એક પ્રખ્યાત વ્યક્તિ હતા એમ જણાય છે. અને તે એટલે સુધી કે એમના વ્યક્તિત્વના અને જીવનના સંજોગોનો પરિચય આપવા માટે ‘દેવકીના પુત્ર’ એટલા વર્ણન પરથી કઈ વ્યક્તિનો ઉલ્લેખ છે તે લોકો સમજી લેતા એટલા સુવિખ્યાત હતા. એ જ ઉપનિષદમાં ધૃતરાષ્ટ્ર વિચિત્રવર્યનો પુત્ર હતો એવો ઉલ્લેખ પણ આવે છે. મહાભારતમાં ધૃતરાષ્ટ્ર અને શ્રીકૃષ્ણ એ બંને આગળ પડતો ભાગ લેનારા સમકાલીન નેતાઓ તરીકે વર્ણવાયા છે તે ઉપરથી આપણે અનુમાન તારવી શકીએ કે એ બંને હકીકતમાં સમકાલીન હોવા જોઈએ.” ઇતિ અલમ્.

તા. ૨૦-૩-૯૩