પ્રતિસાદ/રંજના હરીશનું પુસ્તક અને થોડાં બીજાં નારી-પ્રશ્નો


ભર્યો ભર્યો તલસાટ આપણને જંગલ માટે છે. આ ઝંખનાની સામે સંસ્કૃતિએ માન્ય કરેલા કેટલાક પ્રતિકારો છે. આવી તૃષ્ણા માટે શરમ લગાડવાનું આપણને શીખવવામાં આવ્યું છે. આપણે લાંબા વાળ ઉગાડ્યા અને આપણી લાગણીઓને સંતાડવા એનો ઉપયોગ કર્યો. પણ જંગલી સ્ત્રીનો પડછાયો હજી પણ દિવસ-રાત આપણી પાછળ લપાયેલો છે. આપણે ગમે ત્યાં કેમ ન હોઈએ આપણી પાછળ ચાલતો પડછાયો ચોક્કસ જ ચારપગો છે... તંદુરસ્ત વરુઓ અને તંદુરસ્ત સ્ત્રીઓ વચ્ચે કેટલીક સમાન માનસિક લાક્ષણિકતાઓ છે – ગંધ પારખાપણું, રમતિયાળપણું અને ભક્તિમય નિષ્ઠાની ક્ષમતા.... આ તદ્દન અંતઃસ્ફુરિત છે... છતાં બંનેનો શિકાર થાય છે, બંનેને ત્રાસ અપાય છે અને ભક્ષક અને ધૂર્ત હોય એમ ખોટી રીતે વગોવાય છે... જે લોકો જંગલો તેમજ સાઇકીના જંગલી પ્રદેશોને સફા કરી અંતઃપ્રેરણાને બુઝાવી દે છે એમનાં એ નિશાન બને છે.... અને પ્રથમ વાર આર્કિટાઇપ તરીકે જંગલી સ્ત્રીની સંકલ્પના મારે માટે નિર્માણ થઈ. આપણને જે બનાવટી કોટ પહેરાવવામાં આવ્યો છે તેને ત્યજી દો. ઇન્સ્ટિંક્ટ અને નોઈંગનો કોટ પહેરી લો. પાટાઓ ખોલી નાખો, ઔષધ તૈયાર કરો. ચાલો, આપણે પાછા ફરીએ, હસતી, ત્રાડ પાડતી, ગાતી જંગલી સ્ત્રીઓ – આપણને આટલો પ્યાર કરતી.

ક્લેરિસા પિંકોલા એસ્ટેસ



રંજના હરીશનું પુસ્તક અને થોડાં બીજાં નારી-પ્રશ્નો

સ્ત્રી, સ્ત્રી અને પુરુષ બંને માટે અત્યંત રસપ્રદ રીતે પડકારરૂપ બની રહી છે, ખાસ કરીને આજના સમયગાળામાં. આજના સમયમાં વિશેષ એટલા માટે કે સ્ત્રીએ પહેલી વાર સ્વતંત્ર વાતાવરણમાં ડગ ભરવા માંડ્યાં છે અને હમણાંના દાયકાની શરૂઆતથી તો જાણે એણે ફાળો ભરવા માંડી છે, ગુણાત્મક બદલાવ સાથે. એ અત્યંત રસપ્રદ એટલા માટે બની રહી છે કે અચંબો લાગે એ રીતે ક્યારેક આત્યંતિકતામાં સરી પડીને પણ પૂર્ણ આત્મવિશ્વાસપૂર્વક એ પરિસ્થિતિનો મુકાબલો કરી રહી છે. એની હિંમત અને નિખાસલતા દાદ માંગી લે એવી દેખાવા માંડી છે. પુરુષજાતિ ગૂંચવાયેલી છે; બધું ઉપરતળે થવા માંડ્યું છે. આ વિકાસ શહેરી સ્તરે જ બહુધા જોવા મળે છે એ ખરું, પણ પ્રક્રિયા બધે શરૂ થઈ ગઈ છે. અત્યંત પછાત રૂઢિવાદી મુસ્લિમ સ્ત્રીઓ પણ બેઠી થવા લાગી છે. પણ મજલ હજી ઘણી લાંબી છે; સ્વતંત્રતા ઉપરાંત સ્ત્રીને પોતાની સજ્જતા પણ વધુ ને વધુ કેળવવાની છે. અવારનવાર ભૂતકાળમાં પણ જિજ્ઞાસાપૂર્વક આપણી નજર દોડે છે – કોશેટામાંથી બહાર આવવા મથતી નારીની છબિ નિહાળવાનું કૌતુક આપણી અભ્યાસીવૃત્તિને ઉત્તેજે છે. આ સંદર્ભમાં આપણે ડૉ. રંજના હરીશનું ગયા વર્ષે બહાર પડેલું પુસ્તક ‘The Female Footprints’ તપાસીશું અને આજના સંકુલ સમાજમાં ઊભા થતા નારી પ્રશ્નો પણ જોવા યત્ન કરીશું. આ પુસ્તકની વાત કરતાં પણ જરૂર લાગે તો બીજા ઊભા થતા સંદર્ભો ઉપર પણ વિચારીશું.

‘The Female Footprints’ ગયા વર્ષે પ્રસિદ્ધ થઈ એ પહેલાં ૧૯૯૩ની સાલમાં આ જ વિષય ધરાવતું રંજનાબેનનું ‘Indian Women’s Autobiographies’ પુસ્તક બહાર પડ્યું હતું. ફેર જોઈએ તો પહેલા પુસ્તકમાં અંગ્રેજીમાં લખેલી નારી-આત્મકથાઓ આવરી લેવાઈ હતી જ્યારે આ બીજા પુસ્તકમાં પ્રાદેશિક ભાષાઓમાં લખાયેલા પણ અંગ્રેજીમાં અનુવાદિત થયેલા આત્મવૃત્તાંતો લેવામાં આવ્યા છે. સમયગાળો પણ બંને પુસ્તકોમાં લગભગ સરખો જ છે. પહેલા પુસ્તકમાં ૧૮૬૪થી માંડીને ૧૯૪૫ના જન્મકાળ સુધી છે તો બીજામાં ૧૮૫૮થી માંડીને ૧૯૪૪ના જન્મકાળ સુધી છે. રંજનાબેન કહે છે કે એનું આ બીજું પુસ્તક લખવાનું કારણ એ છે કે પહેલા પુસ્તકમાં જે મહિલાઓ રેખાઈત થઈ છે તે ઉચ્ચવર્ગીય, શિક્ષિત અને કંઈક અંશે આધુનિક કહેવાય એવી હતી. સામાન્ય ભારતીય નારી કરતાં એમની સંવેદનસૃષ્ટિ થોડી નિરાળી હોવાની. રંજનાબેનને એથી લાગ્યું કે કદાચ પ્રાદેશિક ભાષામાં મહિલાઓ તળભારતીય અનુભૂતિની વધુ નજીક હોવા સંભવ છે અને એથી વધુ સચ્ચાઈપૂર્વક ભારતીય નારીજીવનને પ્રતિબિંબિત કરી શકે. જોકે મારે કહેવું જોઈએ કે બંને પુસ્તકો વચ્ચે મને ખાસ કોઈ આવો તફાવત નજરે પડ્યો નહીં. એનું કારણ કદાચ અંગ્રેજી ભાષાનો ઉપયોગ પણ હોય. ‘The Female Footprints’માં છ નારીઓની કથા છે. આ નારીઓ છે રમાબાઈ રાનડે, નવાબ સુલતાન જહાં બેગમ, પાર્વતીબાઈ આઠવલે, લક્ષ્મીબાઈ તિલક અને ઇન્દિરા ગોસ્વામી. દરેક લેખ બે ભાગમાં વિભાજિત થયો છે. પહેલા ભાગમાં આત્મવૃત્તાંતમાંથી ઊપસતું સંક્ષિપ્ત રેખાચિત્ર આપવામાં આવ્યું છે. બીજા ભાગમાં નમૂનારૂપે મૂળમાંથી લખાણના થોડા અંશો લેવામાં આવ્યા છે, પુસ્તકનું શીર્ષક ‘The Female Footprints’ નારીનાં પદચિહ્નો, દૃષ્ટિપૂર્વકનું છે. રંજનાબહેન એમની આ નામની પસંદગીનું કારણ પણ જણાવે છે. મહાપુરુષો સમય-રેત ઉપર પડેલાં પોતાનાં પગલાં આત્મકથાઓનાં પૃષ્ઠો ઉપર સ્પષ્ટ રીતે અંકિત કરી ગયા છે. દુનિયાભરમાં કોઈ પણ સાંસ્કૃતિક નકશા ઉપર સ્ત્રીઓનું અસ્તિત્વ તો માત્ર પરિઘ ઉપરનું રહ્યું હતું. એટલે આત્મકથા લખવાનો વિશેષાધિકાર માત્ર પુરુષનો હતો. આમ છતાં સ્ત્રીઓની પણ આત્મકથાના ક્ષેત્રમાં એક પરંપરા રહી છે. પુરુષોનાં પગલાં ભલે વધુ સ્પષ્ટ, ઘેરા અને ચોક્કસ રીતે રેખાઈત થયાં હોય અને એની તુલનામાં સ્ત્રીઓનાં ઓછાં સ્પષ્ટ – ઓછાં ઘેરાં હોય, છતાં સ્ત્રીઓનાં આ પદચિહ્નોને પોતાનું મૂલ્ય અને પોતાની ઓળખ છે. ચાલો, આ નારી કથાઓ લઈ થોડી વાત કરીએ. જન્મકાળ પ્રમાણે આપણી સમક્ષ સહુ પહેલાં આવે છે ૧૮૫૮ની સાલમાં જન્મેલાં ભોપાલનાં શાસનકર્તા નવાબ સુલતાન જહાં બેગમ. આ મુસ્લિમ ઓરતે પોતાની જીવનકથા મૂળ ઉર્દૂમાં લખી છે. રંજનાબેને આપેલું લેખનું શીર્ષક છે Power and Passivily – સત્તા અને નિષ્ક્રિયતા, જે નાયિકાના ચારિત્ર્યને બરાબર પ્રતિબિંબિત કરે છે. આત્મકથાનો સમયગાળો ૧૯૦૧ની સાલ સુધીનો છે; આ સાલનું મહત્ત્વ એ કે એ સાલમાં બેગમસાહિબાના માતા જે સ્વયં ભોપાલના શાસનકર્તા હતા તે અવસાન પામ્યા હતા. આ આત્મકથાનું મધ્યબિંદુ, એનો ઉદ્દેશ સ્વ-જીવન, સ્વ-ઓળખ નથી; લેખિકાનો ઇરાદો તો માતાની હકૂમતનો સમય (૧૮૬૦થી ૧૯૦૧) આવરી લેવાનો છે. આત્મકથા તો નહીં જ, પણ આ પૂરી જીવનકથા પણ નથી. મુખ્યત્વે એ સમયનો ઐતિહાસિક આલેખ છે. માતાના જીવનની જે વિસ્તૃત વિગતો આલેખાયેલી છે એની વચ્ચે લેખિકાની અલપઝલપ વિગતો મળે છે. એકમાત્ર નોંધપાત્ર બિનાનો ઉલ્લેખ છે તે એ છે કે માતાના બીજાં લગ્ન પછી શક્તિશાળી વારસદાર હોવા છતાં લેખિકાના વર્ષો દુઃખભર્યા હતા; માતાનો આ કાવતરાબાજ બીજો પતિ માના મનમાં મૃત્યુ પર્યંત પોતાની પુત્રી પ્રત્યે તીવ્ર અભાવ જગાડવામાં સફળ રહ્યો હતો. આમ છતાં ૧૮૫૮ની સાલમાં જન્મેલી એક મુસ્લિમ ઓરત આટલી પાંખી તો પાંખી અભિવ્યક્તિ આપી શકી એ આવકારપાત્ર બિના ગણાવી જોઈએ. આ દાયકામાં ઊભા રહી આપણે માટે ન્યાય તોળવો દુષ્કર છે. સમાજસુધારક જસ્ટિસ રાઉસાહેબ રાનડેના પત્ની રમાબાઈનો જન્મ ૧૮૬૨ની સાલમાં થયો હતો. લેખનો આરંભ નારીવાદ વિવેચક એલેઇન શોવોલ્ટરે સ્ત્રીઓની ઉપસંસ્કૃતિના વિકાસના ત્રણ તબક્કાઓ દર્શાવ્યા છે એનાથી થયો છે. આ ત્રણ તબક્કાઓ તે feminine, feminist અને female છે. બીજા શબ્દોમાં આ અનુકરણાત્મક, પ્રતિભાવાત્મક અને આત્મપૂર્ણતાના તબક્કાઓ છે. પ્રથમ Feminine તબક્કામાં સ્ત્રી પ્રવર્તતી પ્રભાવક સંસ્કૃતિની રીતોનું અનુકરણ કરે છે એટલે કે જ્યાં સ્ત્રી પુરુષપ્રધાન સંસ્કૃતિના સંરક્ષક તરીકેની ભૂમિકા ભજવે છે. લેખિકા પ્રમાણે રમાબાઈ રાનડેનું આત્મવૃત્તાંત આ તબક્કાનું તાદૃશ ચિત્ર છે. અગિયાર વર્ષના રમાબાઈના લગ્ન બત્રીસ વર્ષના વિધુર રાઉસાહેબ રાનડે સાથે થાય છે. પણ રાઉસાહેબ પ્રખર સુધારક છે અને પત્નીને અક્ષરજ્ઞાન આપવાની એમને ધગશ છે. બહોળું સંયુક્ત કુટુંબ છે જેમાં કમમાં કમ દસ સ્ત્રીઓ છે. રોજ રાત્રે કામમાંથી પરવારેલી રમાબાઈને પતિ વાંચતા લખતા શીખવે છે. કુટુંબની સ્ત્રીઓની ટીખળ-વિટંબણા સહી સહી રમાબાઈ મરાઠી ભાષાના અભ્યાસમાં સફળ થાય છે. અને પાછળથી આનાથી પણ અનેક ગણો કૌટુંબિક ત્રાસ વેઠી પતિના સમર્થ પીઠબળને કારણે અંગ્રેજી ભાષા ઉપર પણ કાબૂ મેળવે છે. રમાબાઈની આત્મકથા પતિના મૃત્યુ પર્યંતની એટલે કે ૧૯૦૧ની સાલ પર્યંતની છે. રમાબાઈ પતિના અવસાન પછીના પોતાના સામાજિક જીવનની સફળતા અને ખ્યાતિને આલેખવા માટે ઉદાસીન રહ્યા છે. આરંભકાળમાં સ્ત્રીઓનો વિકાસ મોટે ભાગે ઉદાર ચિત્ત ધરાવનારા સમાજસુધારક પુરુષોથી થયો છે. સ્વાભાવિક જ પતિ પ્રત્યે રમાબાઈ રાનડેનો ભક્તિભાવપૂર્ણ આદર અને પ્રેમ છે. સ્ત્રી લખતા-વાંચતા શીખે એ તે સમયના ભારતીય સમાજમાં અકલ્પ્ય ગણાતું એટલું જ નહીં પણ એવી જબરદસ્ત માન્યતા હતી કે પત્ની અક્ષરજ્ઞાન મેળવે તો પતિ મૃત્યુ પામે! નવાઈ લાગે છે આ વાંચીને. ગુજરાતમાં સ્ત્રીઓ નિરક્ષર જરૂર હતી, પણ આવી જાતની માન્યતા પ્રવર્તતી હતી એવો મને ખ્યાલ નથી. આ સંદર્ભમાં ‘કુમાર’ના એપ્રિલ, ૧૯૯૭ના અંકમાં કુંજલતા શાહ, મકરન્દ મહેતા અને શિરીન મહેતાનો મહીપતરામ રૂપરામના પત્ની અને રમણભાઈ નીલકંઠના માતા પાર્વતીકુંવર ઉપરનો અભ્યાસપૂર્ણ લેખ જોઈ જવા જેવો છે. પાર્વતીકુંવરનો જન્મ ૧૮૩૦ની સાલમાં એટલે કે રમાબાઈ રાનડે અને નવાબ સુલતાન જહાં બેગમ કરતાં અઠ્ઠાવીસ-ત્રીસ વર્ષ પહેલા થયેલો છે. પાર્વતીકુંવરના પિતા સાહેબરાય સુધારક વિચારનાં અને સંગીતના શોખીન હતા. પુત્રીને તંબૂરો વગાડતાં શીખવવું શરૂ કર્યું. પણ કુટુંબીજનોએ વિરોધ કર્યો તેથી તે બંધ થયું. પણ પિતા એમને લખતા-વાંચતા શીખવીને જ રહ્યા. પાર્વતીકુંવર ધ્રુવાખ્યાન, કુંવરબાઈનું મામેરું અને નળદમયંતી જેવી પૌરાણિક કથાઓ વાંચી અને ગાઈ શકતાં, એટલું જ નહીં, આગળ જતાં પતિને સમાજ-સુધારાના કાર્યોમાં પણ એમણે સાથ આપ્યો. સ્ત્રીની અક્ષરજ્ઞાન પ્રાપ્તિ પ્રત્યેના અભિગમમાં ગુજરાત અન્ય પ્રદેશો કરતાં કંઈક અંશે ઓછું રૂઢિગ્રસ્ત દીસે છે. ગાંધીજીએ પણ લગ્નના શરૂઆતના વર્ષોમાં કસ્તૂરબાને અક્ષરજ્ઞાન આપવા યત્ન કર્યો હતો, પણ કસ્તૂરબાએ એનો પૂરતો લાભ ન લીધો કે લઈ શક્યા એ જુદી વાત છે. પાર્વતીબાઈ આઠવલેનો મહારાષ્ટ્રમાં દેવરૂખ નામના ગામમાં ૧૮૭૦ની સાલમાં જન્મ થયો હતો. એમને દસ ભાઈબહેનો હતા. ચૌદ વર્ષની વયે એમના લગ્ન થયા હતા અને વીસ વર્ષની વયે એ વિધવા થયા હતા. પોતાના નાના પુત્રને લઈને એ પિયર પાછા ફર્યા. પાર્વતીબાઈ જ્યારે પચ્ચીસ વર્ષના થયા ત્યારે એક એવી ઘટના બની કે એથી એમના જીવનનો આખો ક્રમ બદલાઈ ગયો. સૌથી મોટી વિધવા બેન બાયા પ્રખર ક્રાન્તિકારી અને સુધારક ડી. કે. કર્વેને પરણ્યા. આને કારણે ઘણી હિચકિચાટ વિરોધ પછી પાર્વતીબાઈ માટે પૂના જઈ કર્વેના હાથ નીચે અભ્યાસ કરવાનું શક્ય બન્યું. એમણે શિક્ષકની તાલીમ લીધી અને કર્વેએ વિધવા-ગૃહ શરૂ કર્યું હતું ત્યાં શિક્ષિકા તરીકે જોડાયા. એકાદ વર્ષ પછી સંસ્થા માટે ભંડોળ એકઠું કરવા દેશભરમાં ઘૂમ્યા. અનુભવે પાર્વતીબાઈને શીખવ્યું કે પરિસ્થિતિ બદલવી હશે તો વિધવાએ પોતે બદલાવું પડશે. ૧૯૧૨ની સાલમાં એમણે વિધવાનો પહેરવેશ તજ્યો અને માથું મુંડાવાનું બંધ કર્યું. દરમ્યાન કર્વેએ એમને ઇંગ્લૅન્ડ કે અમેરિકા જઈ ત્યાંની સ્ત્રીઓને લગતી સંસ્થાઓનો અભ્યાસ કરવાનું સૂચવ્યું. કર્વેએ એ માટે માત્ર એક જ શરત મૂકી હતી – જ્યાં જાય ત્યાં એમણે પોતાની રોજી રળી લેવી. ૧૯૧૮ની સાલમાં અડતાલીસ વર્ષની ઉંમરે પાર્વતીબાઈ આખરે અમેરિકા જવા સફળ થયાં. ત્યાંથી પરિપક્વ થઈ ૧૯૨૦ની સાલમાં એ ભારત પાછાં ફર્યાં. કર્વેની નારી પ્રત્યેની ઊંડી સંવેદનશીલતાએ એક વિધવા-નારીના જીવનમાં મહત્ત્વનો ક્રાન્તિકારી ભાગ ભજવ્યો એ અહીં પ્રત્યક્ષ થાય છે. રંજનાબેન લખે છે કે લક્ષ્મીબાઈ તિલક (જન્મ ૧૮૬૮) એ પહેલાંના જમાનાની પોતાની જાતને ભૂંસી નાખતી પતિવ્રતા ભારતીય પત્નીનું એક ઉત્તમ ઉદાહરણ છે. કદાચ એમને કહેવાનું કારણ એ હશે કે એમણે પતિએ અંગીકાર કરેલા ખ્રિસ્તી ધર્મને સ્વીકારી લીધો. ઉપરછલ્લી રીતે એમ લાગે કે પતિને કારણે લક્ષ્મીબાઈ બીજો ધર્મ સ્વીકારવાને તૈયાર થયાં એ એમનું અંતિમ પ્રકારનું આત્મવિલોપન હતું. પણ ખરેખર જોવા જાઓ તો ખ્રિસ્તી થયેલા પતિ સાથે રહેવા જાઓ એ જ રૂઢિચુસ્ત સમાજ સામેનો બળવો હતો. ફરી પતિએ પત્ની ઉપર ખ્રિસ્તી ધર્મ લાદવાની બળજબરી નથી કરી. હિંદુ ધર્મને અનુસરવાની અને એનું આચાર-પાલન કરવાની પત્નીને છૂટ હતી. અગિયાર વર્ષની ઉંમરે લક્ષ્મીબાઈનાં લગ્ન નારાયણ વામન તિલક સાથે થયાં હતાં. સાસુ અવસાન પામ્યાં અને સસરા વામનરાવ એકહથ્થુ સત્તા ભોગવતા હતા. એમનો સ્વભાવ ચીડિયો અને જિહ્વા કટુ હતી. પતિને કવિતા, વક્તૃત્વ અને સમાજસેવાનો લગાવ હતો. પિતા પ્રત્યે પુત્રને તીવ્ર અણગમો હતો. એને કારણે આખા કુટુંબ પ્રત્યે – જેમાં પત્નીનો પણ સમાવેશ થતો હતો – એ ઉદાસીન બની ગયા હતા. બેએક વાર પત્નીને સાથે લીધા વગર ઘરમાંથી ભાગી છૂટ્યા હતા. પણ પત્ની પ્રત્યે કંઈક જવાબદારી લાગતાં પાછા ફર્યા હતા. છેવટે પછી એક વખત એ હંમેશ માટે ઘર છોડી ગયા. સસરાએ આખરે પુત્રવધૂ લક્ષ્મીબાઈને ખ્રિસ્તી પતિ પાસે ક્યારેય નહીં જવાની કડક સૂચના આપીને પિયર મોકલી આપ્યાં. ખૂબ મુશ્કેલ પરિસ્થિતિ છતાં આખરે પતિ-પત્નીનો મેળાપ થયો. પતિએ પત્નીને ખાતરી આપી કે એના ઉપર કોઈ ધર્મ લાદવાની ફરજ નહીં પાડવામાં આવે કે એને કોઈ પણ ન ગમતી વસ્તુ એની પાસે કરાવવામાં નહીં આવે. આવી ખાતરી મળવા છતાં શરૂઆતમાં તો લક્ષ્મીબાઈએ ખચકાટ જ અનુભવ્યો. પણ આખરે જવા તૈયાર થયાં. પછીથી સ્વયં લક્ષ્મીબાઈને ખ્રિસ્તી ધર્મ હૈયે વસ્યો અને એ ધર્મ અંગીકાર કર્યો તેમજ પતિના સમાજસેવાના કાર્યમાં જોડાયાં. ખ્રિસ્તીધર્મ સ્વીકારવા પાછળ પતિ સાથે સંવાદિતા સાધવાનું અર્ધ સભાન કારણ પણ લક્ષ્મીબાઈના મનમાં રહ્યું હોય એ નકારી શકાય એમ નથી. પણ આને આત્મવિલોપનનો અંતિમ દાખલો જે રીતે રંજનાબેન ગણે છે એ સાથે સમ્મત નથી થવાતું. છેક છેવટે રંજનાબેન સુઝિ થોરુ અને કે. લલિતાને ટાંકીને કહે છે કે આ વાતચીતની ઢબમાં લખાયેલી વિનોદી આત્મકથા જીવનઆલેખ કરતાં વધુ તો એક કલાકૃતિ છે. આવી કલાકૃતિ પૂર્ણ શરણાગતિમાં તો ન જ સંભવે. પુસ્તકના છેવટનાં બે અમૃતા પ્રીતમ (૧૯૧૮) અને ઇન્દિરા ગોસ્વામી (૧૯૪૪)થી આત્મકથાનો સૂર વધુ અંગત, વધુ વ્યક્તિગત અને વેદનાસિક્ત બનતો આવે છે. શીખ પરિવારનાં અમૃતા પ્રીતમમાં પિતાએ પહેલેથી શબ્દો પ્રત્યે લગાવ સીંચ્યો છે. અમૃતાને પહેલા લગ્નથી એક પુત્ર અને પુત્રી છે. સાહિર, સજ્જદ અને ઇમરોઝ એ ત્રણ પુરુષોએ અમૃતાના જીવનમાં અગત્યનો ભાગ ભજવ્યો છે. પાછળથી અમૃતા એમનાથી છ વર્ષ નાના ઇમરોઝને પરણે છે. સાહિર લુધિયાનવી પ્રત્યે અમૃતાને એકતરફી તીવ્ર આસક્તિ-ઉન્માદી પ્રેમ છે. તે એટલે સુધી કે એક વખત એમનો પુત્ર એમને પૂછી બેસે છે કે એ કોનો પુત્ર છે ત્યારે અમૃતા એને કહે છે કે હું ઇચ્છું કે તું સાહિરનો પુત્ર હોત. લેખિકા કહે છે કે અમૃતા પ્રીતમની આત્મકથાની ધ્યાન દોરે એવી હકીકત એ છે કે એનો સ્ત્રીપુરુષ સંબંધ પરત્વે નિખાલસ અરૂઢિવાદી દૃષ્ટિકોણ હોવા છતાં એ દૈહિક પ્રેમની વાત કરવાનું સ્ત્રીસહજ સંકોચથી ટાળે છે. વાત સાચી છે. પણ સ્ત્રીઓ મુક્તપણે જાતીયતા – સેક્સને લઈને વાત કરે કે સર્જનમાં આલેખે એ તો હમણાં હમણાં થોડાં વર્ષોથી જ થવા માંડ્યું છે. સુવર્ણાની ‘અષાઢ તું આવ’ જુઓ કે બિંદુ ભટ્ટની ‘મીરાં યાજ્ઞિકની ડાયરી’માં એક સ્ત્રીની સજાતીય દૈહિક આકર્ષણની વાત જુઓ – પણ તે તદ્દન હમણાંની ઘટના છે. આ ગણ્યાં ગાંઠ્યાં વર્ષોમાં જ સ્ત્રીઓના અભિગમમાં આમૂલ ફેરફાર થઈ ગયો છે, પછી એ શોભા ડે હોય કે પછી બચી કરકરિયા. આસામિઝ પરિવારનાં ઇન્દિરા ગોસ્વામીની આત્મકથાનો અંગત સૂર વળી વધુ તીવ્રતર બને છે. ઇન્દિરાને પિતા પ્રત્યે એવી તો ગાઢ આસક્તિ હતી કે પિતા મરી જશે તો શું થશે એની એમને સતત ભીતિ રહેતી. એમની આવી સતત ભીતિઓ પછી એ પિતાના મૃત્યુ માટે હોય કે પતિના મૃત્યુ માટે હોય એ જોગાનુજોગ એમના જીવનમાં સાચી પડતી આવી. પિતાના મૃત્યુ પછી ઇન્દિરાએ એક વાર આત્મહત્યાનો પ્રયાસ કર્યો. પતિનો સાથ ગુમાવ્યા પછી હવે માતાએ પુત્રીમાં રસ લેવા માંડ્યો ને મુરતિયાઓ શોધવા માંડ્યા, પણ એમાં સફળ ન થયાં. જીવ ઉપર આવી માનસિક રાહત મેળવવા માટે હવે ઇન્દિરાએ કૉલેજના છોકરાઓનો સાથ શોધવા માંડ્યો. આખરે એક માધવ આયંગર સાથે પરણવાનું બન્યું. માધવની નિમણૂક કચ્છમાં થઈ હતી અને બંનેએ ત્યાં સ્થળાંતર કર્યું. પિતાના મૃત્યુ પછી ઘણે વખતે ઇન્દિરાને જાણે કે સલામત ઘરનો અહેસાસ થયો. પિતાની જેમ પતિના મૃત્યુની પણ સતત ભીતિ આખરે સાચી પડી અને માધવન કાશ્મીરમાં જ્યાં એમની નિમણૂક થઈ હતી ત્યાં અકસ્માતમાં માર્યા ગયા. એ પછી ઇન્દિરાની કથા એક પછી એક સોપાન ચઢતી કારકિર્દીની કથા છે. એમાં વિગતે આપણે નહીં જઈએ. છેવટે ૧૯૭૦ના નવેમ્બર મહિનામાં દિલ્હી યુનિવર્સિટીમાં એ આસામિઝ ભાષાનાં પ્રાધ્યાપિકા તરીકે નિમાયાં ત્યાં કથા પૂરી થાય છે. આ પુસ્તક દ્વારા છ નારીકથાઓનાં સંક્ષિપ્ત સુરેખ ચિત્રો આપણને મળે છે એટલું જ નહીં, પણ સાથે સાથે આપણને પ્રતિભાવાત્મક વિચાર કરતા જવાની તક પણ પૂરી પાડે છે એ માટે, રંજનાબેન આનંદ અને આભાર. પણ આજે નારી માટે પ્રશ્નો ઘણા સંકુલ બની ગયા છે. એક બાજુ ઉપભોક્તાવાદી સમાજ છે એનાં બધાં પ્રલોભનો સમેત અને બીજી બાજુ છે નારીની પોતાની સ્વતંત્રતાનો પ્રશ્ન. જાગૃત નારીવાદી સ્ત્રીને અનેક બનતી બિનાઓ ઉપર વિરોધાભાસી લાગતા નિર્ણયો લેવાનો વારો આવે છે. નિવેદિતા મેનને એમના ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયાના એક લેખમાં આ પરિસ્થિતિની બહુકોણીય તપાસ કરવાનો યત્ન કર્યો છે તે જોઈએ. ઉત્તર પ્રદેશના એક સામયિકના મુખપૃષ્ઠ ઉપર એક અર્ધ-નગ્ન મહિલા વકીલની તસવીર છપાઈ ત્યારે ભારે ઊહાપોહ મચ્યો હતો. ત્યારે નારીવાદીઓએ શો દૃષ્ટિકોણ અપનાવ્યો હતો? નિવેદિતા મેનન કહે છે કે અભિવ્યક્તિની સ્વતંત્રતાનો બચાવ કરનારા અશ્લીલતાના પ્રવર્તકોની બાજુએ રહેવાની અમને ફરજ પડી હતી. એ મહિલા વકીલનો બહિષ્કાર કરવાની માંગ કરતા પુરુષ–વકીલોના નૈતિક કોપ સામે અમે વ્યક્તિની પ્રાઇવસીના હક્કનું પ્રતિપાદન કર્યું. એક બાજુ સૌંદર્ય-સ્પર્ધાઓ સ્ત્રીને એક પદાર્થ તરીકે ગણે છે એની ભારોભાર નિંદા કરી; કોર્પોરેટ પેઢીઓ કુશળતાપૂર્વક જેમ સાબુ અને શેમ્પૂ પેદા કરી બજારમાં વેચે એમ એ નવી સ્ત્રીને પેદા કરી બજારમાં વેચે છે. તો બીજી બાજુ સ્ત્રીને પોતાને પદાર્થ બનવાનો હક્ક છે એમ કહેવાની અમને ફરજ પડી; એણે શું કરવું અને શું ન કરવું એ કહેવાનો કોઈને અધિકાર નથી. અશ્લીલતાના નારીવાદી વિરોધને નીતિમત્તા સાથે કંઈ લાગતું વળગતું નથી. એનો વિરોધ છે સ્ત્રીઓનો સેક્સ-પદાર્થ તરીકે ઉપયોગ થાય છે તેનો. સ્ત્રીઓને પોતાની જાતીયતા ઉપર નિયંત્રણ નથી; એ તો માત્ર પુરુષની તૃષ્ણાની વસ્તુ છે. માલ વેચવા માટે સ્ત્રીના શરીરનો ઉપયોગ કરાય છે એ સ્ત્રી એક વસ્તુ છે એ વાતને વધુ દોહરાવે છે. મિસ ઇન્ડિયા સ્પર્ધામાં ભાગ લેતી સ્ત્રીઓનાં શરીરો એ સ્પર્ધા ગોઠવતી પેઢીઓ વચ્ચે વિભાજિત થઈ જાય છે. પેદાશો વેચવા માટે સ્ત્રીઓનાં શરીરો ઉપર પેઢીઓને હક્ક મળી જાય છે. આ જ વસ્તુ ઘરને આંગણે નાના સ્તરે ભજવાય છે. સ્ત્રીને વસ્તુ તરીકે દહેજ ચૂકવીને પરણાવી દેવામાં આવે છે. બીબી અને ટીવી એક સાથે વરને પ્રાપ્ત થાય છે. પરંપરાવાદીઓનો અશ્લીલતાનો વિરોધ જાહેર નીતિમત્તા અને સ્ત્રી જ્યાં તાબેદાર છે એ સામાજિક દરજ્જો જાળવવા માટે થતો હોય છે. સ્ત્રી-તાબેદારીના પારંપરિક પ્રકારો ઉપભોક્તાવાદી સમાજ જેટલા જ સ્ત્રી માટે હિંસક છે. ઉપભોક્તાવાદ મુક્તિ અને વ્યક્તિગત પહેલ (initiative) જેવા પ્રકર્ષક શબ્દો વાપરી હિંસા આચરે છે, નારીવાદી ભાષા વાપરીને પેઢીઓ પોતાની પેદાશો વેચે છે. દાખલા તરીકે ‘વૉશિંગ મશીન – આજની મુક્ત સ્ત્રી માટે.’ છતાંયે એ પણ એટલું જ સાચું છે કે ઉપભોક્તાવાદ સાથે જે મૂલ્યો જોડાયાં છે એ પરંપરાની નિરર્થકતામાંથી ઊગરવા માટેનો માર્ગ બની જાય છે. એટલે જ ‘પ્લે બૉય’ના ભૂતપૂર્વ સંપાદકે એક વાર કહ્યું હતું કે સ્ત્રીઓ સૌંદર્ય- સ્પર્ધાઓમાં ભાગ લે છે એ તો જે સામાજિક વ્યવસ્થાને નારીવાદીઓ પડકારે છે એની સામેનો જ વિદ્રોહ છે. આમ કહી એમણે સ્પર્ધાઓ સામેના નારીવાદી આક્ષેપને અનુચિત ઠરાવ્યો. એથી ઊલટું એશિયાઈ અને આફ્રિકી સમાજોમાં જ્યાં પશ્ચિમી સંસ્કૃતિ આક્રમક ભૂમિકામાં છે ત્યાં નારીવાદી મહિલાઓને પરંપરા સાધનો પૂરાં પાડતી દેખાય છે. અલ્જિરિયાની નારીવાદી મહિલાઓ પરદા તરફ પાછી વળી છે. શરૂઆતમાં જે મહિલા-વકીલની વાત કરી એના હક્કને ન્યાયાધીશે માન્ય કર્યો. પણ પોતાનો નિર્ણય જાહેર કરતા Young અને Pretty શબ્દોનો ઉપયોગ એમણે ઘણી વાર કર્યો. આવી સ્ત્રીને પોતાની મરજી અને સમયે પોતાની મનોહરતા પ્રદર્શિત કરવાનો હક્ક છે. નિવેદિતા મેનન કહે છે કે કોઈ મોટી ઉંમરની કે કુરુપ સ્ત્રીને એ હક્ક નથી મળતો? આ રમૂજ નથી. જ્યારે અબજો ડોલરોના ઉદ્યોગો સ્ત્રીના શરીરને ઘડવાનું અને વિભાજિત કરવાનું બંધ કરશે ત્યારે જ સ્ત્રી પોતાના શરીર ઉપરનો હક્ક મેળવી શકશે. ઉપભોક્તાવાદ અને ટેક્નોલૉજીના અકલ્પ્ય પૂરઝડપી વિકાસથી ઊભો થયેલો સંકુલ સમાજ જાગૃત નારી માટે કેવા તો વિચિત્ર વિકલ્પો ઊભા કરે છે તે આપણે ઉપર જોયું. એક ભયાનક ડર સર્વને ગ્રસી રહ્યો છે. ક્યાં જઈ રહ્યાં છીએ? – મૂંઝવણ સર્વત્ર છે. અહીં નિવેદિતા મેનનના લેખને લઈને આજના સંદર્ભમાં ઊભી થતી નારીવાદી સમસ્યાને આલેખવા યત્ન કર્યો. ઉકેલ શો? ઉકેલ તો આજના તબક્કે માનવ જ્યાં ઊભો છે એ બહોળા પ્રેરિપ્રેક્ષ્ય સાથે જુટાયેલો છે. આપણા હાથની વાત છે માત્ર પ્રશ્નને અનેક કોણથી તપાસવાની અને સમજવાની સાથે સાથે એ પણ ખરું કે સ્ત્રીએ પોતાનો સ્વતંત્રતાનો હક્ક જાળવીને પણ ધીરે ધીરે સેક્સ-પદાર્થ ન બનવાની સમજ કેળવવાની જરૂર છે – એ જેટલું વહેલું સમજાય એટલું સારું છે.


તા. ૨૦-૬-૯૭