zoom in zoom out toggle zoom 

< પ્રભુ પધાર્યા

પ્રભુ પધાર્યા/૧૧. ત્રણ દિવસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૧૧. ત્રણ દિવસ

મૈઈયા મયુ
 ભે મૈઇયા મયુ
 લેંઓ નાભા પ્યેભવ ભારેદુ
 શાફવે સોંજા
 યાંગૂન મયોદુ
(એક બર્મી લોકગીત)
હું એવી સ્ત્રી પરણીશ.
 તું કેવી સ્ત્રીને પરણીશ?
 જે સ્ત્રી પાંચ કર્મને પાળનારી હોય.
 એવીને હું યાંગુન(રંગૂન)માંથી જ મેળવીશ.

કેટલાક દિવસથી નીમ્યા ડૉ. નૌતમને ઘેર ફરકતી નહોતી. હેમકુંવબહેનનો બટુક વારંવાર દાદરે દોડ્યો જતો ને વાટ જોતો. બજારમાં જઈ દુકાને દુકાનની બ્રહ્મી લલનાઓનું લાલન પામવાની એને લત પડી ગઈ હતી. હેમકુંવરબહેનને પણ હવે તો ખાતરી થઈ હતી કે બેએક વર્ષ સુધી પતિને કોઈએ પોપટ કે ઘેટો બનાવી મૂકેલ નથી, તેમ બટુક પણ એકેય વાર આ જુવાનજોધ અપ્સરાઓથી નજરાયો નથી, એટલે એમને પણ નીમ્યાનું અલોપ થવું ગમતું નહોતું. એને ખરેખર ચેન પડતું નહોતું. હવે તો પોતે પણ કડકડાટ બર્મી બોલતાં હતાં. નીમ્યાને જોડે લઈ શહેરની બજારે બજારે ઘૂમતાં હતાં. નીમ્યા ભેગી હોય પછી કોઈના બાપની બીક નહીં. કોઈ વાર ચાંદનીભરી રાતે નીમ્યાને કાઠિયાવાડી વસ્ત્રો પહેરાવી અને પોતે બર્મી લુંગી એંજી ધારણ કરી ચૂપકીદીથી બહાર ફરી પણ આવતાં.

એ તો ઠીક, પણ બાબલાને તો બચીઓ વરસાવી અકળાવી નાખતી અને ઊંચે-નીચે ફંગોળતી નીમ્યા હવે બાબલા વગર રહી કેમ કરીને શકતી હશે!

ત્રણ-ચાર દિવસ થઈ ગયા.

પાંચેક દિવસ પર પોતે આવી હતી. પૂછ્યું હતું હેમકુંવબહેનને, કે ``મારે તમારા ઘરમાં ત્રણેક દિવસ રહેવું હોય તો રાખો કે નહીં?

``કેમ ન રાખું?

``પણ લાગટ ત્રણ દિવસ ને ત્રણ રાત!

રાતનું રોકાણ ફાળ પડાવે તેવું હતું. આ ડૉક્ટરોનું કંઈ કહેવાય છે, બાપુ! — એમ હેમકુંવરબહેન વિચારતાં રહ્યાં, ત્યાં તો નીમ્યા બોલી : ``હું એકલી નહીં હોઉં હો, મારી જોડે કોઈક હશે. કહેતી કહેતી એ મલકી પડી હતી.

``તો તો કેમ રાખી શકાય? કોણ હશે જોડે? તારાં માતાપિતા જો હા પાડે તો રાખું.

``ના, એમને તો કહેવાનું જ નહીં. એ શોધવા આવે તોપણ પત્તો આપવાનો નહીં.

વિમાસણમાં પડી ગયેલાં હેમકુંવરબહેને કહ્યું : ``હું ડૉક્ટરને પૂછું.

``ના, એમને તો પૂછશો જ નહીં. કાંઈ નહીં. હું તો અમસ્તી અમસ્તી પૂછતી હતી.

``પણ વાત શી છે?

``કાંઈ નહીં. ખાલી ગમ્મત કરતી હતી. એમ કહીને નીમ્યા ચાલી નીકળેલી.

એક સાંજે બાબલો બહુ બહુ રોવા લાગ્યો, એટલે હેમકુંવરબહેન ડૉક્ટરને લઈ સોનાંકાકીને ઘેર ચાલ્યાં. નૌતમ પોતે સ્ત્રીસ્વભાવનો પારખુ હતો, એટલે નીમ્યા નથી આવતી એ પોતાને પણ સાલેલું તે છતાં પોતે ઘરમાં એ વાત ઉચ્ચારેલી નહીં. હેમકુંવરે કહ્યું તેના જવાબમાં એ ફક્ત એટલું જ બોલેલ : ``વારુ! ચાલો, જઈ આવીએ.

``ચ્વાબા! નીમ્યાની માતાએ મહેમાનોનું સ્વાગત કર્યું અને પતિ બગીચામાં હતો ત્યાં એ દોડી ગઈ.

``જોયું, હાથણી! દાક્તરે પત્નીને કહ્યું, ``તમે કાઢો લાંબા ઘૂમટા, અને પછી લફર લફર લૂગડે પુરુષોની પડખે થઈને જતાં લાજો નહિ; ને આણે તસોતસ લુંગી પહેરી છે, સાંકડી લુંગીમાં જકડાયેલા પગ માંડ દોઢ્યે ડગલાં ભરી શકે છે, બુઢ્ઢી ખોખર થઈ ગઈ છે, છતાં કેટલી સ્ફૂર્તિમાન છે! કેટલી સંકોડાઈને ચાલે છે!

હેમકુંવરબહેનનું હાસ્ય પણ એના દેહ જેવું જ ગૌર અને ગરવું હતું; એણે છણકો કરવાને બદલે હસીને કહ્યું, ``આટલા વખતે પણ હજુ આપની સરખામણી પૂરી ન થઈ. એક સભા ભરો તો હું જાહેર કરું કે ગુજરાતમાં બર્મી પોશાક કાયદો કરીને દાખલ કરાવો. બાકી કોઈ દી કાઠિયાણી કે મેરાણી જોઈ છે? પણ મડદાં ચીરે તેને દોષો કાઢવા વિના શું સૂઝે!

હેમકુંવરબહેને આગળ ચાલતાં ચાલતાં પોતાનું શરીર ડોલાવીને પાછળ મરોડ્યું, એટલે દાક્તર સાહેબે કબૂલ કર્યું : ``છે — ખરેખર, ગુજરાતણોમાં શણગારની કળા છે!

``પરાયા દેશોનાં દૂષણ જોનારી પરગજુ આંખો અને પરાયાં ભૂષણોમાં જ અંજાઈ જનારી આંખો, બેઉ આંખો ત્રાંસી છે.

``એ ત્રાંસનું નસ્તર તમે અચ્છી તરહથી કર્યું, મારાં સર્જન!

``નસ્તર થયું હોય તો હવે બેઉને સીધી નજરે જ જુઓ અને માણો, મારા દાક્તર-દરદી!

``દાક્તર તો બીજાનો. તારો તો સદાનો દરદી.

નીમ્યાનો પિતા ઊભો ઊભો એક નવો પાયો ખોદાવી તેનું પુરાણ જોતો હતો. તેમણે પણ ત્રણેને `ચ્વાબા' કહ્યું. ઉપકારભરી દૃષ્ટિએ એ દાક્તર તરફ નીરખી રહ્યો. એવામાં એકાએક એણે પાયામાં એક માછલું તરફડતું જોયું, અને એના મોંમાંથી અરેરાટી નીકળી ગઈ. મજૂરે પીપમાંથી ડબલું ભરીને પાયામાં જે પાણી નાખ્યું તેમાંથી જીવતું માછલું પાયામાં પડ્યું હતું.

ઘડીનો પણ વિલંબ કર્યા વગર એણે પોતાના માથા પર લપેટેલો રેશમી ઘાંઉબાંઉ ઉતારીને તરફડી રહેલ માછલાને જતનભેર એ ઘાંઉબાંઉમાં લીધું, ને પછી પોતે છેક નદી સુધી એને નાખવા ગયો. પત્નીને કહેતો ગયો કે પરોણાને અંદર બેસારજે.

દાક્તર તો દિંગ જ બની ગયા.

``એ ઘાંઉબાંઉ ચાર-પાંચ રૂપિયાનું હશે, હો હાથણી, ડૉ. નૌતમે કહ્યું, ``માંસમચ્છીના આહારી છતાં આ લોકો...

નીમ્યાની માતા આ ગુજરાતીમાં ચાલતી વાતને પોતાના કુતૂહલથી અપમાન્યા વગર જ અંદર જઈ પાનનો દાબડો લઈ આવી, અને હૈયા-સમાણા હાથે એ દાબડો (આપણે બે હાથમાં કોઈ શુભ પ્રસંગે શ્રીફળ ધારણ કરીએ તેવી ધાર્મિક અદાથી) ઉપાડી લાવીને, દોઢ્યે ડગલાં ભરતી હળવે હળવે સન્મુખ આવી, નજીક પહોંચી, ઘૂંટણભર બનીને, અને પોતાના પગની પાની પણ ન દેખાય તેવી કાળજીથી પગ પાછળ રાખી દાબડો બાજઠ ઉપર ધરી આપ્યો અને શિર ઝુકાવ્યું. માથાનો સઢો નીચે નમતાં એની કેશગૂંથણી દેખાઈ.

``લે જો, તારી કાઠિયાણી કે મેરાણી એની જીમી પહેરીને આમ ઘૂંટણભર બેસી શકશે? ડૉક્ટરે ફરી પાછી બર્મી છટાને આગળ કરી. ``કેટલી સુગંધ આવે છે!

``એ એના શરીરની છે. હેમકુંવરબહેને જાણ કરી. ``શરીરે આ પ્રત્યેક બ્રહ્મી સ્ત્રી ચંદનનો લેપ કરે છે.

દાક્તરે સોનાંકાકીને પૂછ્યું : ``પેલી દુત્તી ક્યાં?

``કોણ, મા-નીમ્યા! ઢો-સ્વેએ ઠંડે કલેજે કહ્યું : ``એ તો તમને લઈને નાસી જવાની હતી ને!

ડૉક્ટર-દંપતી તો આભાં જ બની ગયાં. એમના મોં પરથી લોહી ઊડી ગયું. ઢો-સ્વે સમજી ગઈ. એ હોઠને સહેજ માત્ર સ્મિતમાં પલાળીને બોલી : ``ગભરાયા! કુંવારી છોકરીઓની મશ્કરી અમે કરી શકીએ. કાલથી આપણે કોઈ નીમ્યાની ઠેકડી નહીં કરી શકીએ. આજે સાંજે એના ત્રણ દિવસ પૂરા થાય છે. અમે એનું ગુપ્ત સ્થાન પકડી શક્યાં નથી.

``એ વળી શું?

પછી માતાએ સ્પષ્ટીકરણ કર્યું : ``નીમ્યા અમારી ઇચ્છા મુજબ પરણવા નહોતી માગતી, પોતાના કોઈક પ્રેમિકની સંગાથે ચાલી ગઈ છે. ત્રણ દિવસ એ પ્રેમિક પોતાના કોઈક સગાસંબંધી મિત્રને ઘેર સંતાડી રાખશે. અમે શોધ કરી; એ પકડાઈ ગયાં હોત તો લગ્ન ફોક થાત, પણ ન પકડાયાં એટલે હવે એ લગ્ન અમે માબાપ મંજૂર રાખશું. આજે સાંજે તો બેઉ આવવાં જોઈએ. માતાએ ખાતરી આપી.

``ગઈ છે કોની સાથે?

``આવે એટલે જાણીએ.

પુત્રીના આવા આચાર વિશે પેટમાં પાણી પણ ન હલતું હોય એવી જનેતાને જોઈ હેમકુંવરબહેનને વિચિત્રતા લાગી. એણે પૂછ્યું :

``મારે ઘેર મેં સંતાડ્યાં હોત તો તમે રોષ ન કરત?

``ના રે, રોષ શાનો? આ પ્રકારનું લગ્ન એ તો અમારી સન્માનિત પરંપરા છે. માત્ર એટલું જ કે તમારે ઘેર એ બેઉ અમારાથી પકડાઈ ગયાં હોત તો લગ્ન ફોક થાત.

``પણ નાસી શીદ જાય? સંતાય શા માટે? તમે ગોતવા કાં જાવ?

``એને અમારી પસંદગી મુજબ શાદી ન કરવી હોય એટલે નાસે.

``તો તો પછી એ પાછાં આવશે ત્યારે —

``ત્યારે અમે આશીર્વાદ જ દેવાના.

``સંબંધ રાખવાનો?

``શા સારુ નહીં?

``પણ જમાઈ તમને અણગમતો હોય તોપણ?

``પછી તો ગમતા-અણગમતાનો પ્રશ્ન જ નહીં. જે હોય તે સોના સરીખો.

નદીએ માછલું નાખી આવીને નીમ્યાનો પિતા પાછો આવ્યો ત્યારે રેશમી ઘાંઉબાંઉ બગડ્યાના કશા જ અફસોસ વગર નવું રેશમ માથે લપેટીને એ બેઠો. પછી દાક્તરે એને પૂછ્યું : ``તમે જીવ ખાનારાં છતાં આવી જીવદયા કેમ?

``અમે ખાઈએ ખરા, પણ જાતે ઊઠીને સંહારતા નથી. જાળ નાખનારા અમે નથી. અમારાથી મરતા જીવનો ત્રાસ જોવાય નહીં.

ગૃહિણી થાળમાં ફળમેવા લઈ આવી, ફરી વાર એ જ વિનયછટાથી પગલાં ભર્યાં, ફરી ઘૂંટણભર ઝૂકી અને થાળ મૂક્યો.

પરોણા આરોગવાનો આદર કરતાં હતાં ત્યાં જ ધારણા મુજબ બે જણાંએ ફળિયાનું ફાટક ખોલ્યું. ગૃહિણીએ પૂર્ણ સ્વસ્થતાથી કહ્યું : ``મા-નીમ્યા આવી. બેઉ બહાર ગયાં. માબાપે બેઉએ સાથેના જુવાનને જોયો. એ બ્રહ્મી યુવાન હતો, ઝેરબાદી કે હિંદી નહોતો. બેઉનાં હૈયાં ઠર્યાં. યુગલે ઉપર આવીને વડીલો સન્મુખ ઘૂંટણભર નમન કર્યું. વડીલોએ શાંત આશીર્વાદ આપ્યા. પિતાનું મન ઉદ્વેગિત બન્યું તે દેખાઈ આવતું હતું, પણ માતાનો મનસંયમ જરીકે ચળ્યો નહીં. બ્રહ્મી નર અને નારી બેઉ વચ્ચેનો આ પ્રકૃતિ-શીખવ્યો સંસ્કારભેદ છે.

``અંદર તો જા — જો, કોણ આવ્યું છે? માએ નીમ્યાને કહ્યું.

ત્યાં તો નીમ્યાએ બાબલાનો અવાજ સાંભળ્યો. એ અંદર દોડી જઈને બાબલાને ભેટી પડી. ``પાંચ દિવસથી તને દીઠો જ નથી, લુચ્ચા! તારી બાએ મને ના કહી એટલે જ તો! નહીંતર સતત તારી જ પાસે રહી હોત. એમ કહેતી એ હેમકુંવરબહેન તરફ ફરીને દાઢવા લાગી : ``કાં, તમે અમને સંઘરવા ના પાડી તો શું અમે રઝળી પડ્યાં? પૂછો માને, ત્રણ દિવસથી પરેશાન થતી થતી અમને ગોતતી હતી, તોપણ હું પકડાઈ?

``ઓ રે ઘેલી! હેમકુંવરબહેને કહ્યું, ``તમે તમારો ચાલ પૂરેપૂરો સમજાવ્યો હોત તો હું કદી ના કહેત જ નહીં. એ તો ઠીક, પણ તું લાવી છે કોને? કોઈક લાગે છે માલદાર!

``કેમ જાણ્યું?

``જોને તારા આખા શરીરને મઢ્યું છે. આ શ્વે (સોનું), આ નુવેં (ચાંદી), આ સેંઈ(હીરા)માં તો લેટી રહી છે!

``હા હા, બધું એનું જ હશે, એમ ને?

``ત્યારે કોનું? માનું?

``બિલકુલ નહીં.

``ત્યારે?

``કહું? — જઈને કાનમાં બોલી : ``એક વેપારીનું છે. જોવા લઈ જવાનું કહી ઉઠાવી લાવી છું.

``તો હવે?

``હવે શું? જઈને પાછું આપી દઈશ. મારું કામ પતી ગયું. મારે તો આને રાજી કરવો હતો.

``પછી એ ન જુએ તો?

``તો શું કરશે? એની લૂંગી વેચીને મને શણગારે તો છે!

``કેમ, કાંઈ નુવેઝા મોઈઝા(રૂપિયા)વાળો નથી?

``અરે રાતો ટભ્યો (પૈસો) પણ પાસે નથી.

``એવાને કેમ પસંદ કર્યો?

``બર્મી છોકરીને એ પ્રશ્ન જ ન પુછાય. માએ તો પસંદ કરેલો સોનારૂપા અને હીરાવાળો. મને ગમ્યો મજૂર. રાણીને ગમે તે રાજા.

``પણ મા તને વારસામાંથી ગડગડિયું પકડાવશે તો પૈસા ક્યાંથી કાઢીશ?

``પૈસા ફયા પેમરે — પૈસા તો પ્રભુ દેશે. પૈસા પૈસા શું કરો છો? બાકી તો મેં એને પસંદ કર્યો છે. હું એનાં કપડાં સાંધીશ.

વાક્યે વાક્યે નીમ્યા હીરે ને હેમે લળકતી હતી. વાક્યે વાક્યે એનું હાસ્ય રેલતું હતું. એની એંજીની પહોળી બાંયો ઝૂલતી હતી. પોતે પોતાની પસંદગીનાને — ભલે મજૂરને — પરણી શકી હતી તેનો નશો એનાં નયનોમાં ઘોળાતો હતો. બહાર માબાપ પાસે એનો પતિ બેઠો હતો અને પ્રશ્નોના જવાબમાં પોતાની પિછાન દેતો હતો. સામાન્ય મજૂર જેવો હતો. માબાપ બેઉ હતાં. થોડી જમીનનાં ધણી હતાં. ઢો-સ્વેએ કે એના પતિએ જમાઈની ગરીબીની આ આખી વાત સાંભળ્યા પછી પણ છોકરીએ ગાંડપણ કર્યું એવો અથવા તો છોકરા પ્રત્યે કોઈ ટોણામહેણાનો શબ્દ ઉચ્ચાર્યો નહીં.

જમાઈ ભણી ફરીને ઘરધણીએ કહ્યું : ``હવે તો અહીં રહીને મારી જમીનનો ભાર ઉપાડી લે, બાપુ. હું થાક્યો છું.

``નહીં, સાસુએ શાંતિથી કહ્યું : ``તમે વળી શું કરીને ઢગલો વળી જાવ છો? એનાં માબાપ એકલાં જ છે. ગરીબ અને અશક્ત છે. આંહીંનું તો હું હજુ સંભાળનારી બાર વરસની બેઠી છું. નીમ્યાની અને આની ફરજ તો ત્યાંની સ્થિતિ સાચવવાની છે. વળી છેટે પણ ક્યાં છે?

નાસ્તો વગેરે પતાવીને પરોણા ઊઠ્યા. મા-દીકરીએ ઊઠીને વિનયભેર રસ્તો કરી આપ્યો, અને દાક્તરાણીએ જતાં જતાં નીમ્યાને બરડે હાથ ફેરવીને કહ્યું : ``જ્યારે કાંઈ જરૂર પડે ત્યારે આવજો, હાં કે?

નીમ્યાએ શિર નમાવ્યું. એ નમને એની કમ્મરનો અદ્ભુત વળાંક બતાવ્યો.

``ભગવાન આપણી જરૂર ના પાડે. દાક્તરે નીમ્યા પ્રત્યે નિહાળી એની ગુલાબી તંદુરસ્તીને અવળવાણીમાં આશિષો આપી.

``તમારી તો નહીં જ, પણ મારી તો પડે ના! હેમકુંવરે કહ્યું.

``હા; કદાચ આજથી નવ મહિને...

દાક્તર એટલું જ બોલ્યા ત્યાં હાથણીએ બ્રેક ચાંપી : ``હવે એ પરણેલી છે, હો કે! જરીકે વિનોદ કરશો નહીં; નકર આવડો આ એનો વર ઓલી `ધ'ને કાનો ઉપાડશે. આમેય એની આંખ તો ફાટેલ છે જ.

``હા ભાઈ! મૂઆ પડ્યા. કહેતાકને દાક્તર ઝડપથી મોટર પર પહોંચી ચડી બેઠા.

``સાચોસાચ જો કોઈ `ધ'ને કાનો લઈને આવે તો તો તમે આમ પહેલા જ ભાગો ને! હેમકુંવરબહેને ટોણો લગાવ્યો.

``તમને સ્ત્રીને તો રક્ષણ છે પુરુષોની `શિવલ્રી'નું, બાપુ! તમને થોડો કોઈ પુરુષ હાથ પણ લગાડવાનો હતો!

``ઈ વાતમાં કાંઈ માલ નહીં, હો દાક્તર! હાથણીએ ચાલતી મોટરે કહ્યું : ``આ ખોપરિયું નોખી છે. શિવલ્રી કે ફિવલ્રી; કાંઈ આડે ન આવે. ઈ તો `ધ'ને કાનો ધા!