પ્રભુ પધાર્યા/૧૮. લૂંટાયાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૧૮. લૂંટાયાં

પણ એ જ મોટી ચિંતાનો વિષય બન્યો. બાપ બીમાર પડ્યાના ખબર મળ્યા. પોતે માને ઘેર ગઈ. બાપનું અલમસ્ત શરીર, મીઠાનો ગાંગડો પાણીમાં ઓગળતો હોય તેવી ઝડપે ગળવા લાગ્યું, કારણ કે એને દીકરીના દુ:ખનો આઘાત લાગ્યો હતો. માના મન પરથી જે પ્રસંગ સરી ગયો, તે પ્રસંગે બાપની સમતાને અંદરથી કરકોલી ખાવા માંડી. બેઠો બેઠો એ તો ચિરૂટ જ પીતો હતો. આક્રંદ એ કરતો નહોતો. દીકરીની વાત પણ એ ઉચ્ચારતો નહોતો. સેલેના ધુમાડાનાં ગૂંચળાં જ એના અંતરનાં ગૂંચળાંના આકાર કહી બતાવતાં હતાં. બેઠાં બેઠાં જ એ ગળવા લાગ્યો. નીમ્યા આવી તેને બાપે હમેશની માફક સ્મિત કરીને જ સત્કારી; વધુ કશો વલોપાત બતાવ્યો નહીં એટલું જ નહીં, પણ બનેલા બનાવની વધુ બીના પૂછી પણ નહીં. મતલબ કે વેદનાના બળતા ઈંધણાને એણે અંદર ઉતાર્યું. ડૉ. નૌતમની સારવાર બર આવી નહીં. એક સવારે ડૉ. નૌતમને ઘેર માણસ આવીને એટલું જ કહી ગયો : ``સોનાંકાકીના સ્વામી શૌંબી (દેવ થયા). રતુભાઈને ઘેર પણ એ કહેણ પહોંચ્યું હતું. ડૉ. નૌતમ હેમકુંવરને અને રતુભાઈને લઈ શોક દાખવવા પહોંચ્યા. ઘરના ચોગાનમાં એક તંબૂ ઊભો કરીને અંદર લાંબી નવી પેટી મૂકવામાં આવી હતી. આ પેટીમાં શબને સુવાર્યું હતું. હવા ન પેસી જાય તેવા બંદોબસ્ત સાથે પેટી પૅક કરી હતી. પેટી ઉપર ગુજરાતી કુટુંબે પુષ્પો મૂક્યાં. મૃત્યુને ચોવીસેક કલાક થઈ ગયા હતા. એક તરફ ખાંઉ ખાલી પેટીને તીત્તા અથવા તીટા કહે છે. (શબની પેટી) બનતી ગઈ ને બીજી તરફ શબને સુગંધી જળે નવરાવી-ધોવરાવી નવાં વસ્ત્રો પહેરાવી તૈયાર કર્યું. પિતાના પગને અંગૂઠે નીમ્યાના વાળની લટો તોડીને બાંધવામાં આવી. એ કલાકોમાં જેને રડવું હતું તેણે રડી પણ લીધું હતું. નજીક ચોગાનમાં તંતુવાદ્ય વગડતાં હતાં. વગાડનારાં બ્રહ્મી સગાંવહાલાં હતાં. સૂરો મૃત્યુના અવસરને અનુરૂપ હતા. બીજા કેટલાક બેઠા બેઠા કાંઈ ખાતા હતા, કાંઈ પીતા હતા, કેટલાક ગંજીફો પણ ટીપતા હતા, જુગાર પણ ખેલાતો હતો, દારૂ પીવાનો વાંધો નહોતો. કોઈ પણ વાતે એમ સમજવાનો યત્ન હતો કે મૃત્યુ એ કોઈ અણધાર્યો અસાધારણ બનાવ નથી; મૃત્યુ પણ રોજિંદા જીવન જેવો, ખાવા ને પીવા જેવો, ખેલવા ને ખુશી થવા જેવો બનાવ હતો. પરસાળમાં બીજા બેઠા હતા ત્યાં ડૉ. નૌતમે ને રતુભાઈએ બેસીને ખરખરો કર્યો. ઘરવાળાઓએ જવાબ વાળ્યો કે `ફયા લોજીંદે લુ, ધી અલૌ મશીબુ.' (પ્રભુને જે માણસની જરૂર પડે છે તેનું અહીં કામ રહેતું નથી.) એક ખૂમચો પડ્યો હતો. તેમાં ટોપરાના ખમણ વગેરેનું કંઈક ખાવાનું બનાવ્યું હતું. આવેતુઓ સહુ એમાંથી મૂઠી મૂઠી લઈને બુકડાવતા હતા. શોક કરીને પાછાં વળ્યાં ત્યારે હેમકુંવરે વાત કહી કે ``ઘરની અંદર બધાં બૈરાંમાં આ જલસાની જમાવટ જણાતી હતી, પણ સોનાંકાકીની આંખો ફૂલીને લોલસાં થઈ ગઈ હતી. પોતે જાહેરમાં સૌને ખવરાવતી-પિવરાવતી ને ગમ્મત કરતી હતી. પણ મને મળી ત્યારે એકાંતે એની આંખોમાંથી આંસુનો ઢગલો થઈ ગયો હતો. રતુભાઈએ કહ્યું : ``આખા પીમનામાં જેની હાક વાગે તેવી જવાંમર્દ આ કાકીને પણ કેટલું લાગે છે! કોઈ ન કલ્પી શકે કે આટલી ઉમ્મરે ને આટલા ગૃહસંસાર પછી પણ એ રડે. ``શબને તો પંદર દિવસ ઘરમાં રાખે એમ લાગે છે. હેમકુંવરબહેને ખબર આપ્યા. ``તો તો નીમ્યા રઝળી પડશે. રતુભાઈને ચિંતા થઈ. ``કેમ? ડૉ. નૌતમે પૂછ્યું. ``પંદર દિવસ સુધી રોજ જ્યાફત ને જલસા ઊડશે. ``મારે તો કાકીને કહેવું હતું કે આવા કુચાલનો ભોગ દીકરીને ન કરી મૂકે. હેમકુંવર બોલી. ``તેં એ ન કહ્યું તે સારું કર્યું. મેં વારંવાર કહ્યું છે ને કે આપણને આ પરદેશી લોકોને સુધારવા જવાનો હક નથી. એ તો અંગ્રેજોને માટે જ રહેવા દઈએ! ``હજુ તો એ બુદ્ધની પ્રતિમા પર સોનારૂપાનાં પતરાં ચોડવા ચાહે છે. ``બચાડીને ફોલી ખાશે! ``પણ નીમ્યા પોતે જ માને આગ્રહ કરી કહેતી હતી, કે મારી વાત વિચારીને મારા બાપુની સદ્ગતિ ન બગાડજો. ``કોને રોશું? આપણા અજ્ઞાનને કે તેમના? ડૉ. નૌતમે ફરી ફરી એકની એક વાત કહી. ``પણ જંગલીપણાની તો હદ કહેવાય ને? ઘરમાં મડદું પડ્યું છે, ને ખાણાંપીણાં ચાલે છે. ગળે શે ઊતરે? ``તારા ને મારા બાપ મૂઆ ત્યારે બારમે જ દિવસે કારજની મીઠાઈઓ ઊડી હતી તે ગળે શે ઊતરતી હતી આપણા હિંદી લોકોને? વાત એમ છે કે મૃત્યુના આઘાતમાંથી કોઈ પણ પ્રકારે માણસ પાછો ચાલુ સ્થિતિમાં મુકાવા મથે છે. ``પણ આ તો ઘરમાં મુડદું... ``વત્તા-ઓછા અંશની જંગાલિયતની એ બધી એકની એક કથા છે. તને ખબર છે કે સ્મશાને આપણા ગુજરાતીઓ શું કરે છે? ``શું? ``ચિતા બળતી હોય ત્યારે બીડી ને ચા પીએ છે. અને બીજી તને તો ખબર છે કે તું જો આજે મરી જાય તો સ્મશાનમાં તારી બળતી ચિતા સામે જ મારે માટે નવા વેવિશાળની વાતો ચલાવાય! બધું એકનું એક. ત્યાં આપણાં મૃત્યુ વેળા ભૂદેવો લૂંટે, આંહીં ફુંગીઓ લૂંટશે. ધર્મના નામે ચાલતી એ લૂંટનો, સ્મશાનયાત્રાનો દિન પણ આવી પહોંચ્યો. કતારબંધ ફુંગીઓ આગળ ચાલતા હતા. તેમના હાથમાં અક્કેક પંખો હતો. પંખા પર સો સો રૂપિયાની નોટો ચોંટાડી હતી. એ નોટો ફુંગીઓને ગઈ. અને શબની ધામધૂમ ખતમ થયા પછી માને ખબર પડી કે પોતે છેલ્લી વાર લૂંટાઈ ગઈ છે.