પ્રભુ પધાર્યા/૧૯. દીકરાની ચિંતામાં


૧૯. દીકરાની ચિંતામાં

હજુયે શિવશંકરની મા દેશમાંથી કાગળ લખાવતી બંધ નહોતી પડી. કાગળનો વિષય એક જ હતો : ``દીકરા! હજારેક રૂપિયાનો જોગ કરીને મોકલ, તો હું તારું સગપણ કરું. આટલી રકમ વગર આપણો પાટો ક્યાંય બાઝે તેમ નથી. ત્યાંથી આંહીં આવનારા આપણા કંઈક ભાયુંનાં ઘર બંધાણાં, કંઈક રંગેચંગે લગન કરીને પાછા વળ્યા. તયેં ભાઈ, તું કેમ કાંઈ જોગ કરતો નથી? બધા કહે છે કે તારે તો સારી નોકરી છે. તયેં તું કેમ કાંઈ વિચાર કરતો નથી? શિવે જવાબો જ લખવા બંધ કર્યા હતા. પછી એક દિવસ બર્માથી બે'ક સગાઓ માણાવદર નજીકના એક ગામે પાછા આવ્યા અને ગામમાં ચણભણ થતી વાત રાતે માળા ફેરવતી નરબદા ડોશીના કાને આવી : ``હેં નરબદા કાકીજી! કાંઈ ખબર પડી? ``ના માડી! શેની ખબર? ``આ તમારા શિવાની. ``મારા શિવાની! ડોશીનો શ્વાસ ફફડી ઊઠ્યો. `શિવે કાંઈ કાળું કામ કર્યું હશે? કાંઈ દગોફટકો કરીને નાણાં ઉચાપત કર્યાં હશે? હે મારા શંભુ! હે મહાદેવજી! મારો શિવો તો તમે સમે હાથે દીધો છે. એણે એના પિતૃઓને દૂભવ્યા જેવું કામ કર્યું હોય તો એ સાંભળું તે પહેલાં જ મારી જીવાદોરી ખેંચી લેજો!' એમ વિચારતી એ માળાના મણકા વધુ જોરથી ફેરવવા લાગી. ``તમે બહુ લાંબું કર્યું ને, નરબદા કાકીજી! વાત કરનારે વધુ ભેદ ઊભો કર્યો : ``તેનું આ પરિણામ આવ્યું. તમારી છાતીએથી હીરાકંઠી છેવટ સુધી છૂટી નહીં. ``શેની હીરાકંઠી, બાપુ! ને શી વાત? ``હીરાકંઠી તમે ચૂલાની આગોણમાં દાટી છે તે વળી — બીજી કઈ, કાકીજી? એ વખતસર વટાવી હોત તો આ દશા ન થાત તમારા શિવાની. ``પણ શી દશા થઈ છે, માડી? મા વધુ ને વધુ ચમકતી હતી. પણ એના હાથમાં માળા હતી. મન બોલ્યું કે `ઘેલી! મહાદેવને ઊઠાં ભણાવવાં છે? માળા કરતી વખતે પણ મનને સમતામાં નથી રહેવા દેવું? શીદ મને છીપર માથે લૂગડાં પછાડે તેમ પછાડી રહી છો?' શરમિંદી બનીને ડોશી પાછાં મણકા જોરથી ચલાવવા લાગ્યાં, અને વાત કહેનારને વધુ પૂછતાં અટક્યાં. કહેશે એને કહેવું હશે તો! ``આ લ્યોને ત્યારે કહી નાખું, નરબદા કાકીજી! તમારે શિવે તો ત્યાં ઘર કર્યું એક બરમણ્ય જોડે. માળાના પારા ઘડીભર બંધ રહી ગયા. પછી નરબદા ડોશીને મનમાં કોઈ ગડ બેસી ગઈ હોય તેમ તેણે પાછી માળા ચાલુ કરી. ``ઠીક, એ તો ઠેકાણાસર થઈ ગયો. પણ આ ભાઈશંકર ને લખમો આવ્યા તે કહે છે એ તો બહુ બૂરું, કાકીજી! ``શું કહે છે, બે'ન? ``કહે છે કે ત્યાં તો બરમણ્ય માછલાં રાંધી આપે છે ને તમારો શિવો એ ખાય છે. ``હશે બાઈ! મહાદેવજી જાણે શું સાચું હશે. છોકરાને કોઈ બામણે દીકરી દીધી હોત તો હું નિરાંતવી ન્યાતમાં પડી રે'ત, બેન! ``હા કાકીજી, હવે તો ન્યાતનેય વિચાર પડતી વાત થઈને! ``મા'દેવજીએ ધાર્યું હશે એ થશે, બેન! આપણે શું કરશું? આમ માળાની સમાપ્તિ થતાં સુધી નરબદા ડોશીએ વાતને પચાવ્યે જ રાખી, પણ વાત કરનાર પાડોશણના ગયા પછી એના અંતરમાં યુગો ને યુગો ભડકે બળવા લાગ્યા. બીજું તો ઠીક, પણ મારા શિવને છોકરાં થશે તેનાં પરણમરણનું શું થશે! અને આ બરમી બાયડી મારા શિવને સાચવશે કેટલા દી! એ તો ધંધારોજગાર કરનારી બાયડીઓ હોય છે. એના ધણીઓ તો બાપડા ઘેર ઢોરાં જેવાં ને ગુલામ જેવા થઈ છોકરાં રમાડવા ને રસોઈપાણી કરવા રહેતા હોય છે. મારો શિવ શું ઘરની સંજવારી કાઢતો હશે? બાયડીનાં લૂગડાં ધોતો હશે? છોકરાના ઘોડિયાની દોરી તાણવા બેસશે? અને શું એને એની બાયડી ધમકાવતી હશે? કોને ખબર મારતીયે હશે! સાંભળ્યું હતું ઘણું ઘણું કે આંહીં આપણા દેશમાં જે શાસન પુરુષો સ્ત્રી પર ચલાવતા હોય છે, તે જ શાસન ત્યાં બ્રહ્મદેશમાં સ્ત્રીઓ પુરુષો પર ચલાવે છે. જ્ઞાન અને માહિતી દ્વારા એમણે પોતાના શિવની દુર્દશા કલ્પી. બાયડી બીડી કે હોકો પીતી પીતી ખુરશી ઉપર બેઠી હશે અને શિવ શું એના પગ તળાંસતો બેઠો હશે! કે ઊભો ઊભો રસોઈ કેમ બગડી છે તેનો ઠપકો સાંભળતો હશે! પોતે ન્યાતબહાર થવાની છે તેનો વિચાર તો ઝપટમાં આવીને પસાર થઈ ગયો. પોતાનું અમંગળ કલ્પવા એ થોભી જ નહીં. પોતાનામાંથી નહીં, પણ પોતાના સંતાનના સારામાઠા ભાવિમાંથી જ જીવનનો શ્વાસ ખેંચનારી આ હિંદુ નારી આકુળવ્યાકુળ બની ઊઠી, આખી રાત એણે ગૂણપાટના કોથળા પર પડખાં બદલ બદલ જ કર્યા કર્યું. પ્રભાતે ઊઠીને એણે શિવાલયે જઈને છાનાંમાનાં મહાદેવજીને પૂછ્યું : ``હે મારા દેવાધિદેવ! તમે કહો એમ કરું. તમે હસીને જવાબ વાળો, તો હું શિવની પાસે પહોંચું. તમારી પોતાની જેવી ઇચ્છા હોય તેવું જ મને જણાવજો, મારી સ્વાર્થી વૃત્તિને લક્ષમાં લેશો નહીં, દાદા! તુરત એને મહાદેવનું સફેદ બાણ વધુ પ્રકાશિત, વધુ ચમકતું લાગ્યું હતું. પણ રખે પોતે ખોટી હોય એમ વિચારીને એણે પૂજારીને પણ પૂછી જોયું : ``આંઈ તો જુઓ, લાલગરજી મા'રાજ! આજ તો શિવનું બાણ હસી રહ્યું હોય એમ તમને નથી લાગતું? મારો દેવ મોં મલકાવીને જાણે કે મારી મનીષાનો જવાબ વાળી રહ્યો છે. ``હા માડી! પૂજારીએ પણ એટલી જ શ્રદ્ધાથી સ્વીકાર કર્યો : ``મહાદેવજી તો જેવા ભક્તો તેવા જવાબ વાળે છે. ભોળિયો નાથ મારો, કોઈને છેતરતો નથી. એ તો છે હાજરાહજૂર દેવતા! તમારું કામ ફતે કરો, માડી! ``ત્યારે તો હું જઈશ. પણ એકલી શીદ જાઉં? મારી શારદુને સાથે લેતી ન જાઉં? એય પરવારીને બેઠી છે. એને હવે શી વળગણ છે? એને જોડે લઉં, નીકર ઓલી બળૂકી બરમણ્ય મારાં ને શિવનાં તો પીંછડાં જ પાડી નાખશે. ઘરને ઉંબરે ચડવા તો નહીં દે, પણ મારા શિવને મળવાનીયે રજા નહીં આપે! તૈયારી કરવાને એક જ રાત બસ હતી. બે ઠેકાણે તાળાં દેવાનાં હતાં. પણ ચાવી તૂટી ગયેલી, ને તાળાંને પણ કાટ ચડી ગયેલાં. ગ્યાસતેલ લગાવીને તાળાં સાફ કર્યાં. ગામમાં ભમીને ચાવીઓ હાથ કરી. ચાર-પાંચ દિવસ ચાલે તેટલો સાથવો દળી લીધો. પાણીનો ગોળો ઘરમાં ઊંધો વાળ્યો, અને ગૃહરક્ષા મહાદેવને ભળાવી, છેલ્લો દીવો ઘરને ગોખલે બળતો મૂકી, નરબદા ડોશીએ, `જરી દીકરી પાસે નગર જઈ આવું છું' એમ કહીને માણાવદર છોડ્યું.