ફેરો/૧૬
‘તમે ક્યાં હતા? આ બહેને અને મેં કેટલા શોધ્યા, કેટલી બૂમો પાડી, હું તો ઊતરી જવાનો વિચાર કરતી હતી.’... કશો જવાબ આપ્યા વિના લુકટીનું પડીકું ભૈને આપી દીધું. એ લોકોએ તો ગાંઠિયા, જાડી સેવ પણ લીધાં હતાં. મારી સીટ પર ઢોળાયેલું પાણી બિસ્તરાવાળી બાઈએ હાથ વડે નીચે નિતારી દીધું. પત્નીએ પાછળ ને પાછળ એક ગુલાબી રંગના કાર્ડના કકડા વડે એ બધું લૂછી લીધું. મને થયું : એક સુંદર કાગળ બગાડ્યો. ભીના થઈ ગયેલા એ કાર્ડનો ગુલબ રંગ હવે ઘેરો બની ગયેલો માલૂમ પડ્યો. કાર્ડ સરસ રીતે ગોળ કાપેલું હતું. કાતરની જેવી મારી દૃષ્ટિ, કાર્ડની ધારો પર ગોળગોળ ઘૂમી વળીને અક્ષર પર સ્થિર થઈ. ‘મહાશય, આ લાવનાર મહાત્મા મૂંગો કે બહેરો નથી. ૧૨ વર્ષથી તેમણે સ્વેચ્છાએ મૌન પાળ્યું છે. તે કદી બોલવા માગતો નથી ને બોલશે પણ નહિ. એ મદદને પાત્ર છે. કાશી વિશ્વનાથ તમારું શુભ કરો. લિ. મહોપાધ્યાય, વિશ્વનાથ સંસ્કૃત પાઠશાળા, વારાણસી’ ...એને મેં પૂછ્યું, ‘આવું કાર્ડ તારી પાસે ક્યાંથી?’ ‘એક દાઢીવાળો સાધુ હમણાં આવી ગયો. એણે આપેલું. ગાડી ઊપડી એટલે ઉતાવળમાં લેવાનું ભૂલી ગયો. જો કે મેં એને પૈસા આપ્યા છે...’ ઝાંખાં કોડિયાં બળતાં હોય એમ ડબ્બાના દીવા ટમટમતા હતા. પત્ની પાસે આધેડ વયના સુકલકડી શરીરવાળા એક ચશ્માં પહેરેલાં નવાં બેન આવીને બેઠાં હતાં. એમનો છોકરો ખોળામાં માથું રાખી સૂતો હતો. ઊતરતી રાત ભૈની આંખમાં અંજાતી હતી. ગાડીનો શુ-શુ-શુ અવાજ સમગ્ર વાતાવરણને ‘હિપ્નોટિક ટ્રાન્સ’માં નાખી દેવા પૂરતો હતો. આખી ગાડીનાં અસ્થિસમાં તમામ બારી-બારણાં અને લૂઝ ફિટિંગ સતત દાંત કકડાવતાં હતાં. જંકશન ટ્રેઈન આગળ વધવાથી પાછળ રહેતું ગયું તેમ તેમ એની હસ્તી ધીરે ધીરે ધ્વનિ કરતાં પ્રકાશ પર જ ઠરી રહી; પરંતુ દૂર શહેરમાં બળતા દીવા ટ્રેનમાંથી ઝબકિયા આગિયા જેવા દીસતાં એ શહેર, શહેર ન રહેતાં એક ઘનઘોર વન ભાસવા લાગ્યું. રાત્રે ટ્રેનની ધીમી વ્હીસલ રાની પશુના ભક્ષભોજન પછીના ઓડકાર સમી સંભળાતી હતી. બિસ્તરાવાળી બાઈનાં મા એની પાસે ક્યારનાંય આવીને બેસી ગયાં હતાં. અરે! હું તો ધારતો હતો કે હજુય તે તો ત્યાંનાં ત્યાં જ હશે. ડબ્બામાં જગા જ જગા હતી – ભય પમાડે એટલી બધી જગા. મોકળી જગાની મને બીક લાગે છે. અવકાશમાં વાયુદેહવાળી યોનિઓ મુક્તિ માણે છે... ખુલ્લા મેદાનોમાં કોઈ ઉષ્મા કે આત્મીયતાનો અનુભવ થતો નથી. બધું અધ્ધર રહે છે ને મારા જેવાને અધ્ધર રાખે છે. પત્નીને તો ગાડી જ્યારે મંથર ગતિએ ચાલતી ત્યારે પિયરના હીંચકા પર પોઢી હોય એમ ઊંઘી જવાની આદત છે. એ ઝોકે ચઢી છે, ભૈ ઊંઘે છે. મારા સ્કંધ પર કોઈનું માથું મુકાય છે. હું જાગતો છું. બિસ્તરાવાળી સ્ત્રી! કોઈ જોઈ જશે તો? સૌ સૌમાં ગ્રસ્ત છે. પણ એ બાઈથી તો ઊંઘમાં ય આમ થયું હોય ને... પછી સ્ત્રીના ચરિત્રને તો કોણ ઓળખે છે? આ વૈભવશાળી ઘરમાં કેટલાં બારીબારણાં હશે? My heart keeps open house My doors are widely swung તાલુકાના એક ટાઉનમાં બસો ને બાવન બારીઓવાળું વ્હોરાનું એક આલીશાન મકાન... પવન કેટલો બધો આવતા હશે...? પ્રકાશ પણ કેટલો...? પણ ‘પ્રાઈવસી’ જેવું કંઈ હશે? હા, એ માટે તો એ મકાનની નીચે કેટલાંય ભોંયરાં પણ હતાં ને...? બાઈના માથાના કેશનો સ્પર્શ દરિયાકાંઠે જીવતી માછલીને મેં હાથમાં લીધેલી તેની સ્મૃતિ જગાડે છે. ધક્કા સાથે એક સખત આંચકો વાગે છે અને અમે બધાંય જાગી જઈએ છીએ. હુંયે ઊંઘતો જ હતો. જાગું છું એ મારો શ્રમ હતો. બિસ્ત્રાવાળી તો બિસ્તરાની છૂટી ગયેલી દોરી બાંધતી હતી અને એની બાને છીંકણીની ડાબડી વાખી આપતી હતી. મેં મારી હડપચીની દાબડી - લબડતી હતી તે પટ દઈ બંધ કરી દીધી. હું શરમાયો – ‘આવું વારેવારે કેમ થઈ જતું હશે!’ શું થયું? શું થયું? – ના પોકારો એકાગ્ર થયા. ફાળિયાવાળા એક કાકા એ ટ્રેનની નીચે ઊતરેલા તે પગથિયે ઊભા રહી મોટો ઘાંટે જાહેર કર છે : ‘અલ્યા કશું નથી. જનાવર વચમાં આવી ગયું તે બ્રેક મારી.’ ‘કયું જનાવર? ભેંસ હશે, નહીં ભયા?’ ‘ના, ગાય હતી. એક પગ તો કચરાઈને જુદો જ થઈ ગયો. મરશે નહીં, પણ લોહી બહુ વહ્યું. પાટા બધા લાલલાલ થઈ ગયા છે.’ થોડીક જ વારે ગાડી ધીરેથી હાલી. ગાયને મેં – અમે જોઈ. બેભાન હતી. ગોવાળિયા ડાંગો પકડી વીંટળાઈ ઊભા હતા. મારી સ્ત્રીએ કાન પાસે આવી એકદમ ધીમેથી કહ્યું, ‘લ્યો થયું, મારો હાથ ચોખ્ખો નથી.’ અભડાઈ? મારા મોઢે આવેલો શબ્દ થૂંકની સાથે ગળી જઈ મેં નાકે આંગળી મૂકી ‘ચૂપ’ કર્યું. ટ્રેન સંકોડાતી નરવી નરવી ચાલવા લાગી. મને એકાએક સાંભર્યું કે પરીક્ષિતે આ જિલ્લામાં જ લોખંડનું –‘લેટનું’ મોટું કારખાનું નાખ્યું છે. પૃથ્વી પર પાપનો ભાર વધ્યો છે, હળાહળ કળજુગ આવ્યો છે - આવી વાતોએ બીજા સ્ટેશન સુધી સ્ત્રીઓને ચલાવી