ફેરો/૧૫

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૫

પ્રથમ વાર એકલી નાગર વૃદ્ધાનું ધ્યાન ભૈ તરફ ગયું. કહે, ‘આ બોલતો નથી?’ ‘હુંયે ક્યારનું એ જ વિમાસતી હતી.’ – ભૈ તરફ જોતી બિસ્તરાવાળી બાઈની ઊંચીનીચી થતી પાંપણો બોલી ઊઠી. ડોશી ટહુક્યાં, ‘દીકરા કેમ નથી બોલતો? બોલ, બોલ રાધેકૃષ્ણ.’ ભૈ અમારા બધાની સામે મજાક કરતો હોય એમ હસી પડ્યો. પત્ની કહેતી હતી, ‘લાખ ઉપાય કર્યા, પણ બોલતો જ નથી...કોક કોક વાર ઊં – આ – તા જેવું બોલે.’ પત્નીએ માથું ઊંચુંનીચું કરી ‘હા’ અને આમતેમ હલાવી ‘ના’ એમ ભૈની જેમ કરી બતાવ્યું. ‘આંગળીથી જોઈતી વસ્તુ દેખાડવા સિવાય સાંભળતો કે બોલતો નથી.’ ‘સમજે છે બધુંય. દાક્તરો કહે છે બોલશે ખરો, પણ મને આશા નથી હવે.... મને બોલતો રાખી અધવચ્ચે એ બોલી, ‘બાધા રાખવા સૂર્યમંદિરે જઈએ છીએ.’ એ બોલતી હતી ત્યારે મારા મનમાં કંઈક ઝબકારો થયો. પહેલી જ વાર મને એક પ્રતીતિ થઈ કે આ છોકરો મારું જ અને બીજા કોઈનું નહીં પણ મારું જ સર્જન છે, કેમ કે એ મૂંગો છે! એના ગતજન્મ વિષે કેટલીય વાર વિચારો કર્યા, પણ કશું પકડાતું નહોતું...અત્યારે તો પેન પણ બરાબર પકડાતી નથી. ભૈને એ પેન બહુ જ ગમે છે. મારી ગેરહાજરીમાં ખરબચડી ભીંત ઉપર આ પેન વડે (ખિસ્સામાં સલામત તો છે ને? એમ કરી હાથ ફેરવી લીધો) લીટા કરતો જોઈને પત્નીએ એને એક વાર મારેલોય ખરો. ‘આ તો નરસિંહ મહેતો થશે.’ નાગર વૃદ્ધાએ ચશ્માંની દાંડી સરખી કરતાં કહ્યું. બિસ્તરા ઉપરની બાઈ હડપચીએ જમણા હાથની આંગળી મૂકી વારાફરતી દરેકની સામે ચકળવકળ જોતી હતી. બિસ્તરાની ચાદર પર લાલ ડાઘા જોઈ કોઈ માણસને મારી તેના મડદા ઉપર આ બેઠી હોય એવો તદ્દન વિચિત્ર વિચાર મને આવી ગયો. પેલા શિક્ષકે પડતું મેલેલું સાંભર્યું, અને મારી હડપચી પાછી... ત્યાં જંકશન આવ્યું. ટ્રેનની ગતિમાં કંઈક તાજગીભર્યું ચૈતન્ય ફરી વળ્યું. પ્લૅટફૉર્મના તંબુમાં અમારું આ ટ્રેન-ઊંટ પેઠું. લોકો સામાન, પૉર્ટર, લારીઓવાળા આઘાંપાછાં થઈ ગયાં. ચાય, નાસ્તા, લેમનના અવાજે ડબ્બે ડબ્બે ઘૂમી વળ્યા. ‘જંકશન છે’ એવું તો કાળા અક્ષરે ચીતરેલું સ્ટેશનના નામવાળું પીળા રંગનું મોટું પાટિયું જ પોકાર કરી કહેતું હતું. ગતિ સુસ્ત થઈ...કાળા સાલ્લાવાળી સ્ત્રીઓના વર્તુળ આગળથી અમારો લંબચોરસ ડબ્બો પસાર થયો. એક પોમચો પહેરેલાં ડોશી એન્જિનને પગે લાગતાં હતાં... ડબ્બો પ્લૅટફૉર્મના છેક છેડે આવી ધીમે ધીમે ધીમે – કંટાળો આવે એટલો ધીમે અટક્યો. બિસ્તરાવાળી બાઈ તો પેસેન્જરો ઊતરતાં મારી જોડે જ થયેલી જગામાં બેસી ગઈ, હું પ્લૅટફૉર્મ ઉપર ઊતર્યો. કાંક વાંચવા મળે તો સારું, ચા ય પીવી હતી. સાંજ તો ક્યારનીય ઢળી પડી હતી. બહારો કંઈક ઘટ્યો હતો. ઊત્તરેલા લોકો નળે ઊભા રહી હાથમાં કોઈ લોટોપવાલો ભરી જતા હતા. ચાલતો ચાલતો ફર્સ્ટ ક્લાસના ડબ્બા આગળ આવ્યો ત્યાં એકદમ ફોટો પાડી લેવો હોય એમ ટ્રેનમાં અને બહાર વીજળીના ગોળા ઝબક્યા. કોઈ સ્ટેટનો રાજકુંવર નવવધૂ સાથે અંદર બેઠો હતો. વારે વારે એની મૂછને વળ દેતો હતો. આગળ જાંબલી રંગના મખમલના મ્યાનમાં નાનકડી કટાર પડી હતી. નવવધૂની આંખો રિમલેસ ચશ્માંમાં ઝળકતી કાચની પૂતળી જેવી રાજ-કન્યાના નકશીદાર ખોળામાં ટીલાટપકાંવાળો મોટો ઘોઘર બેઠો હતો. ભૈના દોસ્તો રોજ કૂવા પરની સાંકડી જાળીમાંથી નીકળવા ટેવાયેલા પુષ્ટ બિલાડાની પૂંછડી પકડી ખેંચાખેંચ કરે છે. એ આના કરતાં કંઈક દૂબળો છે. ઘોઘરની ઘેરીભૂરી આંખોમાં એક પ્રકારની પાશવતા હતી. હું આગળ વધ્યો...હારતોરા થતા હતા. ખાંડની લુકટીઓ રેંકડીવાળા પાસેથી ભૈ માટે લીધી. ઉધરસ થાય તોય એને આવી ચીજો જ ભાવે છે. એક પેપર વેચતો છોકરો ઝલાયો. મેં ફિલ્મફેર અને ધર્મયુગ માંગ્યાં. ધર્મયુગ એણે આપ્યું; પણ ફિલ્મફેર નહોતું. કહે, ‘જરા આઘે આવો, બીજા ફેરિયા પાસેથી કે સ્ટૉલ પરથી અપાવું છું.’ ‘અલ્યા, ગાડી તો નહીં ઊપડી જાય ને?’ ‘હજુ તો ઘણી વાર છે.’ કોઈ દરદીને સ્ટ્રેચરમાં સુવડાવી બે માણસોની મદદથી એક જાજરમાન સ્ત્રી સેકંડ ક્લાસના ડબ્બામાં સ્ટ્રેચરને લેવડાવતી હતી. સફેદ પૂણી જેવો દરદીનો ચહેરો. એના ઉપર ઓઢાડેલું સફેદ વસ્ત્ર મડદા પર ઓઢાડતા કડકડતા ધોતિયા જેવું દેખાતું હતું. પેપરવાળો છોકરો આગળ અને હું પાછળ. ગિરદીમાં હું તો ગરક થઈ ગયો. ‘પાછો વળી જઉં? એ.. જાય.’ ત્યાં પેલાનું માથું દેખાયું. ‘મનુષ્યને એક વાર આગળથી મેં જોઈ લીધો કે તરત પાછળથી ઓળખી પાડું. છોકરો સ્ટેશનના ‘ગેટ’ની બહાર નીકળી ગયો. એને હું અનુસર્યો. પાસે પહોંચ્યો ત્યારે તેણે એક આંગળી અને અંગૂઠો મોંમાં ગોઠવી તીણી સીટી મારી. આછી સીટી પણ મને મારતાં નથી આવડતું. એક બળિયાના ચાઠાવાળો માણસ જાણે પ્રગટ થયો. ‘વો ફિલ્મફેર ઉનકુ દે દે.’ ચાવી દીધી હોય એમ ચાઠાવાળાએ બુકસ્ટૉલના મોટા કબાટનું નીચેનું ખાનું ખોલ્યું. ખાનામાંથી ગંધાતા રસોડાની અજબ પ્રકારની વાસ વછૂટી. થોડી વાર પછી પેલાએ બહાર મોં કાઢીને કહ્યું, ‘અપની કાપી ભી નહીં રહી. ખલાસ હો ગયા.’ છોકરાએ ખેદપૂર્વક બે વાર ‘કૈસે કૈસે’ એમ કહ્યું. આવા આ છોકરાને મારા તરફ થોડી લાગણી થવાનું કંઈ કારણ? પેલી બિસ્તરાવાળી બાઈ અને નાગર વૃદ્ધ એ બંનેનું નામ પણ એક જ હતું. એ બંનેનો એકબીજા સાથે અને મારી સાથે તેમ જ મારો તેમની સાથે શો સંબંધ? માજી તો અહીં જંકશને ઊતરી જવાનાં હતાં. આવજે કહ્યા સિવાય હું ચાલી નીકળ્યો. આટલામાં ક્યાંય વરતાતાં નથી. સામે બુકસ્ટૉલના કાચમાં વીજળીદીવાના ઝાંખા તેજમાં મારું અસ્પષ્ટ પ્રતિબિંબ હતું. પરિવેશ કોઈ પ્રેતસૃષ્ટિનો લાગતો હતો. ધર્મયુગના પૈસા ચૂકવી હું મારા ડબ્બા તરફ લગભગ દોડ્યો. કાયમની માફક મારા ઢીંચણની ઢાંકણીઓ અથડાણી... મોડું ઘણું થઈ ગયું. મને મારો ડબ્બો જડતો નહોતો. એન્જિનથી ત્રીજા કે ચોથા ડબ્બાની નિશાની રાખી હતી, પણ ડબ્બો નહોતો. ડબ્બા બધા એકસરખા હતા. ડબ્બો હોવાને કારણે જ ડબ્બો, ડબ્બો નહોતો. પત્ની બિસ્તરાવાળી અને ભૈ – આ બધા વિનાના ડબ્બા હતા. મારો ડબ્બો? ઘડિયાળમાં જોયું. પાંચેક મિનિટની વાર હતી. હાંફળોપાંફળો થઈ ગયો. એક ખુલ્લા નળમાંથી ધડધડાટ પાણી વહી જતું હતું. કોઈક પ્રેરણાથી મેં નળ બંધ કરી દીધો... છીંકણી સૂંઘવાનું મન થયું ત્યાં સીટી વાગી. ગાડીમાં ચડી બેસું? આ બધાં ક્યાં ગયાં હશે? ગાડી તો ભૂલ્યો નથી? કોઈ ઉપાડી ગયું હશે? પ્રશ્નો...પ્રશ્નો... ભૈ... ભૈ... આ બધાં છે – નહીં – એ ગાડીમાં જવાનો શો અર્થ? હૅન્ડલ પકડેલું છોડી દીધું. ધર્મયુગ ટ્રેન નીચે પડી ગયું. એક પોલીસ ગમે તેમ પણ સમજી ગયો હશે તે મને કહે, ‘તમારો ડબ્બો કદાચ સામા પ્લૅટફૉર્મ પર હશે. અહીંના ડબ્બા કપાઈ ગયા ને ત્યાં જોડાઈ ગયા. પેલો પુલ ચઢી પહોંચી જાઓ. ગાડી ઊપડવાનો ટાઈમ થવા આવ્યો છે.’ હું મુઠ્ઠી વાળી દોડ્યો... પુલનાં પચ્ચીસ પગથિયાં એકીશ્વાસે ચઢી ગયો. નીચે ઊભેલી ગાડી ગોકળગાયની જેમ ખસવા માંડી. બીજાં પચ્ચીસ પગથિયાં હાંફભેર – એકાદુંં જો ચૂકી ગયો તો? – ઠેકી ગયો. ત્યાં એ દેખાણી. મારો હાથ પકડી મને અંદર ચઢાવી દીધો.