બહુવચન/સુરેશ જોષી : અસ્તિત્વની પુનઃ પ્રાપ્તિ ઝંખતું જગત

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
Bahuvachan Photo 11.jpg


સુરેશ જોષી : અસ્તિત્વની પુનઃ પ્રાપ્તિ ઝંખતું જગત
જે. બિરજે પાટીલ

સુરેશ જોષીની પ્રથમ કવિતા જ્યાં અવતરી ત્યાંથી શરૂઆત કરવી હોય તો આપણે ઝાંખરી નદીના કાંઠા સુધીનો પ્રવાસ ખેડવો પડે. ઝાંખરી, તાપી તટનાં લહેરાતાં ખેતરોથી ઝાઝી દૂર નથી. પશ્ચિમ રેલવેના સૂરત-ભુસાવળ તરફ ફૂટતા એક ફાંટા પર રેલવેના ખખડધજ ડબ્બા આજે પણ અહોરાત ચીંચવાતા દડબડી રહ્યા છે. હમણાં સુધી આ પ્રદેશ પરીઓનો દેશ ગણાતો; નદીની ખીણ પર ઝળૂંબી રહેલો કિલ્લો, ત્યાંના વગડાની ભોંય પર ચાંદરણાં પાથરતો દિવસનો તડકો અને કોઈ મહારાજાના મહેલની સોનેમઢી છતની જેમ ઝગમગતું રાત્રિનું તારાખચિત આકાશ. સોનગઢ એટલે વડોદરાના ગાયકવાડી દેશી રાજ્યની લશ્કરી ચોકી. સુદૂરની એક માયાવી સૃષ્ટિ. સુરેશભાઈ પોતાનાં લખાણોમાં વારંવાર એ સૃષ્ટિમાં પહોંચી જતા એમાં કશું જ અચરજ નથી. શિશુમનની ભોળી નિશ્ચિતતાઓનો ઝુરાપો નિવારવા કે શૈશવકાળની સ્મૃતિઓના લાડકોડ પામવા ખાતર જ એઓ ત્યાં પહોંચી જતા એવું નહિ, વસ્તુઓના મર્મસ્થાને વળગેલી વ્યાધિથી અંતર કેળવવાના ભાવ સાથે પણ એઓ ત્યાં પહોંચી જતા. એઓ જનાન્તિકેમાં જણાવે છે, ઝાંખરીના વહેણમાં : “એના અસ્ખલિત ખળખળ નાદમાં તાપીની વાણી સંભળાય...” સૂતર કાંતનારાઓની જનેતા એવી આ ફળદ્રુપ ખીણ અવારનવાર ઇતિહાસના ઘડવૈયાઓને પણ આકર્ષતી રહી. ૧૬૦૮માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીવાળા કૅપ્ટન વિલિયમ હૉકિન્સ અને એના ખલાસીઓને આ જ તાપી અરબી સમુદ્રમાંથી ઉપરવાસમાં તાણી ગઈ હતી. પડખેના જ બારડોલી ખાતે સરદાર પટેલ, ખેડાના ખેડૂતોનો શકવર્તી સત્યાગ્રહ આદરવાના હતા અને ગાંધીની નમક કૂચથી ખ્યાતિ પામેલું દાંડી હાક પાડો તો સંભળાય એટલે જ દૂર. શીતકાળના પાછોતરા દિવસોથી ગ્રીષ્માન્ત સુધી મંદપ્રાણ બનતી નદી આસપાસના ગ્રામીણ પ્રદેશનો ભૂખરો કાંપ ઠાલવતી, એ કાંપમાંથી મરેલાં માછલાંની, લીલની ને ભંગારની ગંધ ઊઠતી રહે. વર્ષાના આગમન સાથે જ નદી કામવિહ્‌વળ અભિસારિકાની જેમ સમુદ્રને ભેટવા ધસમસી જાય ને પોતાની અંદર જાનવરોનાં ફુગાઈ ગયેલાં મડદાંને પણ ઘસડી જાય. આવા પ્રદેશમાં વસનારા માટે તો વારતાની માંડણી, જીવનમાં વણાઈ ગયેલો અંશ હતો. ભૂતોની ને રાક્ષસોની વારતાઓ, પ્રેમકહાણીઓ, દંતકથાઓ, આસમાની સુલતાનીનાં કથાનકો, એની સાથે કિલ્લાની ધાર પર તોળાઈ રહેલા મંદિરની દીવાલ પર ચીતરેલાં, તરાપ મારવા તત્પર એવાં રાની પશુઓની વારતાઓ. સુરેશભાઈ જીવનભર આવો જ એક ચટાપટાવાળો પીળો વાઘ એમની તરફ ઘુરકિયાં કરતો હોવાનો ભય અનુભવતા રહ્યા. પણ દમના ઉગ્ર હુમલા દરમિયાન પણ સુરેશભાઈએ એ પશુને પીઠ દેખાડી હોય એવું બન્યું નહિ. એમની અંતિમ ક્ષણોમાં પણ, એમની બંને કિડની કામ કરતી બંધ પડ્યા પછી, એમણે પોતાના ડૉક્ટરોને જીવનરક્ષક સરંજામ વ્યવસ્થા હટાવી લેવાનું શાંતચિત્તે જણાવી દીધેલું. જેમ જીવનમાં તેમ મરણમાં, નિશ્ચિહ્‌ન બની રહેવાનું એમને કદાપિ મંજૂર નહોતું. સુરેશભાઈને કાફકાની એક બોધકથા અત્યંત પ્રિય હતી. એમાં પણ મંદિરની વંડી ઠેકીને અંદર ઘૂસી આવી પવિત્ર પાનપાત્રમાંનું પીણું પી જતા ચિત્તાઓની વાત છે. એઓ માનતા કે પુનિત અને ધૃષ્ટ, સમય અને સમયાતીતતા, નૃત્ય અને નૃત્યકાર – આ બધાંનું છેદનબિંદુ જ જીવનનો આખરી અલંકાર છે. એમને માટે પ્રત્યેક દિવસ એ પુનર્જન્મનો દિવસ હતો ને છતાં એમના શબ્દો કાગળ પર અવતરવા પડાપડી કરતા હોય કે પડતા-આખડતા ચાલતા હોય એવું વરતાયું નથી. કશી જ કટુતા વગર, પોતે જેમ જીવનનાં આનંદ અને સૌંદર્યને માણતાં માણતાં વિહરતા એવી ધીર, સ્થિર ગતિએ એમના શબ્દો પણ વિહરતા વરતાય છે. રિલ્કે માટે એમને અપાર આદર, તેમ છતાં રમણીયતાનું પ્રાગટ્ય એમને પૂરતું પડ્યું નહિ, તેથી જ એક પ્રકારના ઉગ્ર આત્મ-સંશયને એમણે ફરી ફરી વાચા આપ્યા કરી. આવા આત્મ-સંશયે, પોતાને પ્રાપ્ત થયેલી પ્રતિષ્ઠામાં પણ એમને જંપવા દીધા નહિ : જુવાનીમાંથી જ શરીરે બળવો માંડ્યો. દમને કારણે શ્વાસનો લય તૂટ્યો. શ્વાસ લેવાની મથામણ અને શબ્દ મેળવવાની મથામણ એકસરખી કપરી બની રહી. દમની અસ્વસ્થતામાંથી છૂટવા મારું મન જેમાં પૂરું કેન્દ્રિત થાય એવી પ્રવૃત્તિને સામે પલ્લે મૂકવાની જરૂર ઊભી થઈ. આમ મેં એક આંતરિક આવશ્યકતાવાળી વાર્તા લખવી શરૂ કરી. વાક્યો જોડવા કરતાં તોડવાનું પણ જરૂરી લાગ્યું. સમય પણ તૂટક તૂટક અનુભવાતો હતો. આથી વાક્યની અસ્ખલિતતા કૃતકતાની ચાડી ખાતી હતી. ભાષાનાં પોત બદલાતાં રહ્યાં. માંહ્યલો ડોલ્યો નહિ. નિષ્ફળતાની એક ઉગ્ર સંંવેદના મને ક્રિયાશીલ બનાવતી રહી... આવી પ્રભાવી ક્રિયાશીલતા સુરેશ જોષીના જીવનનું વ્યાકરણ બની રહી. ગુજરાતના ટપકા જેવા, નકશામાં શોધ્યું ન જડે એવા, વાલોડ ગામે એક ઔદીચ્ય બ્રાહ્મણ પરિવારમાં ૧૯૨૧માં એમનો જન્મ. સોનગઢની પ્રાથમિક શાળામાં ભણતર. હજુ તો માંડ માધ્યમિક શાળામાં હતા એવામાં જ કિશોર સુરેશ જોષીએ પોતાના પ્રથમ સામયિકના સંપાદનમાં ઝંપલાવ્યું. પોતાના જીવનકાળમાં સાહિત્યિક સામયિકોની એક આખી શ્રેણી એઓ રચવાના હતા. કરાચીમાં પ્રા. ભવાનીશંકર વ્યાસની છત્રછાયા હેઠળ શિક્ષક તરીકે ગાળેલો ટૂંકો ગાળો એમને માટે જીવનનો દીક્ષાકાળ બની રહ્યો. ત્યાંની કૉલેજના પુસ્તકાલયનો યુરોપીય સાહિત્ય વિભાગ દંગ કરી મૂકે એવા આવિષ્કાર સમો નીવડ્યો. એ વિભાગમાં ઝળહળતી કલ્પનાશક્તિ ને મેધાવી વૈભવથી ભરપૂર એવી રચનાઓનો ખડકલો હતો. અત્યાર સુધીમાં પોતે લખેલું, : બધું કાચું લખાણ ફાડી નાખ્યું. – સર્જક થવા માટે કેવી ગુંજાયશ કેળવવી પડે એનો ખ્યાલ આવ્યો. બધું કાચું લખાણ ફાડી નાખ્યું. પછી એકદમ કલમ ઝાલવાની હિમ્મત ચાલી નહિ. લગભગ બાર વર્ષનું એ મૌન આવશ્યક હતું... આ લાંબા સાધનાકાળ દરમિયાન પુષ્કળ વાચન કરતા રહ્યા. કાગળ પર એકેય અક્ષર પાડ્યો નહિ : – આ વાચનમનનને પરિણામે સમજાયું કે શબ્દને શબ્દ સાથે જોડવો એ ભારે કપરું કામ છે... શબ્દો વચ્ચે વ્યવસ્થા સ્થાપવાનું કાર્ય ભલેને ગમે તેટલું ધીમું અને પરિશ્રમ માગી લે એવું રહ્યું હોય, એક વાર એમની કલ્પનાશક્તિનો સ્ફોટ થયા પછી આ કાર્ય વાર્તાઓ રૂપે આકાર ધરવા લાગ્યું. આ વાર્તાઓમાં આધુનિક ભારતની વાસ્તવિકતાને એમણે જે રીતે ઝીલી છે તે રીતે ઝીલવામાં જૂનાં, ખરચાઈ ચૂકેલાં રૂપો નિષ્ફળ નીવડ્યાં હતાં અને મૂળભૂત રીતે સર્જનના ‘રસકીય’ અંગ સાથે એમની નિસ્બત રહી. છતાં એમનું માનવું હતું કે : – રસનિષ્પત્તિની પ્રક્રિયા અનુભવોની સંરચનાને પણ પ્રગટ કરી આપે છે. સૌથી વિશેષ વેદના માનવસંબંધોની કડી તૂટે છે ત્યારે મેં અનુભવી છે. માનવ્યનું ગૌરવ રહ્યું નથી. ક્ષુલ્લક સ્વાર્થ માટે અમાનુષી બની જતા લોકોને જોયા છે. મને લાગે છે કે આપણા સમયમાં કરુણનું મુખ્ય આલંબન આ જ છે... એમણે પૂર્વ અને પશ્ચિમનાં દર્શનશાસ્ત્ર અને સાહિત્યનું ઊંડું પરિશીલન કરેલું અને આ સમગ્ર ભંડારમાંથી એઓ કલાકીય પ્રયુક્તિઓનો વિનિયોગ કરતા રહ્યા. ગુજરાતીમાં એમણે સિનેમેટિક મોન્ટાજ અને trompe-૧’oil જોડે હરીફાઈમાં ઊતરે એવાં કથાનકો અંગે પ્રયોગો કર્યા, જેમાં ગૌણસ્થાને જડેલું વાસ્તવ મૂળભૂત જગતનું સ્થાન પચાવી પાડતું હોય. અર્વાચીન ભારતીય સમાજમાં એક તરફ અસ્પષ્ટ સ્વરૂપની સંભવિતતાઓને ખૂલવા માટેનો અવકાશ હતો તો બીજી તરફ અત્યંત અકળાવી મૂકનારી અને છેક જ દિશાશૂન્ય બની ગયા જેવી અવસ્થા હતી. આ બંને વચ્ચે રહેલા અસમતુલનને કોયડાનું રૂપ આપીને વાચકના વાસ્તવિકતા વિશેના ખ્યાલને જ ગૂંચવણમાં મૂકી દેવાનો પ્રયત્ન કર્યો. એના પ્રગટ રૂપમાં, આ ઊહાપોહનો આકાર એમની આરંભની ‘જન્મોત્સવ’ અને ‘પદ્મા, તને’ જેવી વાર્તાઓમાં સહેલાઈથી પારખી શકાય છે. આ પુસ્તકમાં આ બંને વાર્તાનો સમાવેશ કર્યો છે, કિન્તુ એમની વધુ મહત્ત્વાકાંક્ષી રચનાઓ કોઈ વર્ગીકરણને ગાંઠે એવી નથી. તેમને પામવા તીક્ષ્ણ ધાર કાઢેલા કૌશલ્યની આવશ્યકતા રહે છે. આવું જ કૌશલ્ય કાફકા, જોય્‌સ અને બોર્હેસને વાંચતી વખતે જરૂરી બની રહેતું હોય છે. કહેવાનો આશય એવો નથી કે એમણે રૂપ અને સામગ્રી વચ્ચે એકધારું આટલું સૂક્ષ્મ સંલયન સિદ્ધ કરેલું. એમની કેટલીક વાર્તાઓ (જેનો અહીં સમાવેશ નથી)માં શૃંગારનું તત્ત્વ સહેજે રેઢિયાળ બન્યા વિના મૂળ ગુજરાતીમાં અભિવ્યક્તિ પામે છે તે જ તત્ત્વ અનુવાદમાં શરબતી ચાસણી જેવું બની બેસે છે. આશા રાખીએ કે હું અહીં જે કેટલુંક કરી શક્યો છું તેથી વધુ સરસ કરવા, હવે પછી આવનાર કોઈ વધુ સાહસિક દ્વિભાષી પ્રતિભા આ વાર્તાઓ હાથ ધરે. કરાચી છોડ્યું તે પછી ચાર વર્ષ વલ્લભ વિદ્યાનગરમાં શિક્ષક તરીકે ગાળ્યા. પછી એઓ વડોદરા આવે છે. વડોદરા એટલે વિખ્યાત કવિ પ્રેમાનંદ, મહર્ષિ અરવિંદ, ચિત્રકાર રાજા રવિ વર્મા, ઉસ્તાદ ફૈયાઝખાં જેવી સાંગીતિક પ્રતિભા, નવલકથાકાર ર. વ. દેસાઈ અને નાટ્ય મહારથી ચં. ચી. મહેતાની આશ્રયભૂમિ. આવી આ નગરીએ સુરેશભાઈને, નવી જ સ્થપાયેલી વિદ્યાપીઠમાં આવવા લલચાવ્યા. તે પછીનો સમય ગુજરાતના સાહિત્યિક અને સાંસ્કૃતિક ઇતિહાસનો ભાગ છે. શિક્ષણકાર્યનો અતિભારે બોજ, વ્યાવસાયિક તાવણીઓ અને વિસ્તરતા જતા પરિવાર ઇત્યાદિથી વિચલિત થયા વિના એક વાર એમની સિસૃક્ષામાં જે ઊભરો આવ્યો તેણે, છેક એમના ૧૯૮૬માં થયેલા અકાળ અવસાન પર્યંત શમવાનું નામ લીધું નહિ. એમના જીવનકાળ દરમિયાન એમણે કવિતાનાં બે પુસ્તકો, ટૂંકી વાર્તાના આઠ સંગ્રહો – જેમાં સાહિત્યિક એકોક્તિઓ પણ સમાવિષ્ટ થઈ જાય અને વિવેચનના આઠ ગ્રંથો પ્રગટ કર્યાં. છ જેટલાં અત્યંત પ્રતિષ્ઠા અપાવનાર સામયિકોનું સંપાદન કર્યું. આ સામયિકોએ આધુનિકતા અને અનુઆધુનિકતા અંગે સમીક્ષક સંવાદની ભૂમિકા રચી આપવાની દિશામાં ખાસ્સું એવું કામ કર્યું. વધારામાં ભારતના અન્ય પ્રદેશો તેમ જ પશ્ચિમના સર્જકોની ઉર્વર રચનાઓના અનુવાદ આપવા માંડ્યા. ઉપરાંત, સંખ્યાતીત પરિસંવાદો અને વ્યાખ્યાનો તો ખરાં જ, જેમાં એઓ પોતાની સાથે લેખકોને વિમર્શાત્મક વિનિમયમાં સંડોવતા રહ્યા, જેથી ઝડપથી આધુનિક સ્વરૂપ ધારણ કરી રહેલા સમાજના કલાકારોની સમક્ષ ઉપસ્થિત થતા રહેતા મુદ્દાઓ પરત્વે પુનર્વિચારણા થતી રહે. સુરેશ જોષી પોતાના સાહિત્યિક ઉદ્યમ થકી ગુજરાતનો સાંસ્કૃતિક ચહેરો બદલી આપવામાં સહાયક રહ્યા. રાવજી પટેલ જેવા યુવા કવિઓ તેમ જ પોતાની ચિત્રકૃતિઓ દ્વારા આંતરરાષ્ટ્રીય નામના પ્રાપ્ત કરનાર ભૂપેન ખખ્ખર અને ગુલામ શેખ જેવા કલાકારોને ઊછરવા માટે કુક્ષી પણ પૂરી પાડી. કવિ, નવી શૈલીના સાહિત્ય વિવેચક, વિરલ મેધાવી સુગ્રથિતતા ધરાવનાર બહુશ્રુત; અત્યંત માયાળુ અને સમુદાર સખા, કીર્તિ પરત્વે વિનમ્ર, આપત્તિ વેળાએ ગરિમાયુક્ત સુરેશભાઈ, એમની વિદાયથી એક શૂન્યાવકાશ સર્જી ગયા. જેને પૂરવો સહેજે સહેલો નથી. ‘શૂન્યાવકાશ’ શબ્દે કરુણનો સૂર જાળવી રાખીને, સાચા અર્થમાં, એમણે પ્રાપ્ત કરેલી કલાવિષયક ઉપલબ્ધિઓ ભણી અંગુલિનિર્દેશ કરી આપવો જોઈએ. આ ટૂંકી પ્રાસ્તાવિકમાં એને ઝીલવો લગભગ અશક્ય છે. સુરેશ જોષી નામ ઉચ્ચારતી વખતે આપણે કોનો ઉલ્લેખ કરતા હોઈએ છીએ? તુલનાઓ તો અળખામણી જ રહેવાની અને એમ કરવા જતાં સુરેશ જોષીના જગતમાં જે વિશિષ્ટ ઐતિહાસિકતા રહેલી છે એની હાંસી જ ઊડે. એક સર્જનાત્મક જીવનના વ્યાપને એની સમગ્રતામાં એકત્રિત કરવાનો પ્રયત્ન વિફળ જ રહેવાનો, સિવાય કે એના પર રૂપકાત્મક ઐક્ય ઠોકી બેસાડવામાં આવે. સુરેશ જોષી સંજ્ઞાને એની પ્રયોગભૂમિ પરના બિંદુએથી ખેસવીને અતિક્રમવા જતાં એક આખી ભૂતાવળને આહ્‌વાન આપવા સમું નીવડે. આ અર્થમાં વિચારણા કરવાથી એઓ પ્રબોધકાળના માનવી બની રહે છે. સત્યજિત રાયે જે ભારતીય સિનેમા માટે કર્યું તે સુરેશભાઈએ ગુજરાતી સાહિત્ય માટે કર્યું. અંતસ્થ રહેલા આગવા સ્વને આકાર આપવાની આવશ્યકતા એમના કાર્યનું ચાલકબળ બની રહ્યું. પ્રાદેશિક તેમ જ રાષ્ટ્રીય સરહદોને ઓળંગી પેલી પાર રહેલા મનોજગતને ક્રિયાશીલ કરતું રહ્યું. સહૃદયી ભાવક તુરત કળી શકશે કે સુરેશ જોષીની સ્વ-પરાવર્તિત નાગરી શિષ્ટતા, રશ્દીથી અભિન્ન નહિ એવી, અનેકદેશીય અને અનેકવિષયી એવો અવકાશ સર્જી આપે છે. તેમ છતાં એમનું લેખનકાર્ય ગુજરાતનાં અને ભારતનાં ભૂમિ અને ક્ષિતિજમાં જ રોપાયેલું રહ્યું. એમની આરંભની, સાંસ્કૃતિક પ્રત્યાયન પામેલી રચના ‘જન્મોત્સવ’ની ભાષા જ દેખાડી આપે છે કે એ કંઈ કળાના છદ્મવેશમાં રહેલી રાજનૈતિક રૂપકકથા નથી. મનોજગત સુધી પહોંચવાની યોજના ઘડતી વખતે ત્યાં સુધી દોરી જતાં અંકોડા અને કેડીઓમાં કેટલી તો સાંસ્કૃતિક તિરાડો રહેલી છે તે છતી કરી દેખાડવાનો સુરેશ જોષીનો સદાયનો પ્રયાસ રહ્યો છે. ઉદાહરણ તરીકે એમની ખાસ્સી પોંખાયેલી રચના ‘કુરુક્ષેત્ર’, એમાંના કાફકાકીય જાદુ થકી, પુરાણકથિત મહાભારતની રણભૂમિ અને આધુનિક વાર્તાકારની આંતરિક ઊષરભૂમિ વચ્ચે રહેલા સીમાડા લોપી નાખે છે. ‘પદ્મા, તને’માંનું જળ રૂપાંતર પામતી રહેલી લિપિ બની રહે છે, જેમાં હિંદુ પુરાણોમાંના સમુદ્રગર્ભીય અવતારોની જેમ પદ્મા ફરી ફરી અવતરતી રહે છે. આ સઘળું એક પછી એક આવ્યે જતા કામનાના મૂંઝવી મૂકતા અલંકારો દ્વારા બને છે. તો બીજી તરફ ‘ગૃહપ્રવેશ’માં ગૃહ છોડીને ભાગી છૂટેલો ‘હું’ પસ્તાવો પામીને ‘સ્વગૃહે’ પાછો ફરે છે. ‘વારતા કહોને’ રચનામાં કામનાઓનું નર્યું પ્રાચુર્ય, અતૃપ્ત માતૃત્વના ખતરનાક સામીપ્યમાં રજૂ થયું છે. ધરબી દીધેલા અતીતનાં ગ્લાનિભર્યાં પડ એક પછી એક ઊખળતાં જાય છે તેમ તેમ ભાવિમાં કોઈ પર પુરુષને પોતાની મોહજાળમાં ફસાવનાર નારી, પોતે જે ઝંખતી હતી તેવું સ્વયં બાળ-સ્વરૂપ બની જાય છે અને આસન્ન બેવફાઈ મિલનમાં પરિણમે છે. નામસ્રોતીય એવી ‘જન્મોત્સવ’ અને ‘કુરુક્ષેત્ર’ તેમ જ ‘પદ્મા, તને’ અને ‘વારતા કહોને’માં પુરાકથાત્મક સમય અને વર્તમાન સમય ઘણા બધા સ્તરોએ એકબીજાને છેદતા હોય છે. જોય્‌સની કૃતિઓમાં બનતું હોય છે તેમ પુરાકથાત્મક ભાગ, સંસ્કૃતિ દ્વારા નિર્વસ્ત્ર કરાયેલા વર્તમાન સમય સાથે વ્યંગાત્મક રીતિએ સમાંતરપણે ચાલતો રહે છે. મુંબઈ અને વડોદરા જેવાં શહેરી કેન્દ્રોમાં લાંબો કાળ વિતાવ્યા છતાં અને પશ્ચિમના લેખકોના સુદીર્ઘ પરિશીલન છતાં તાપી તટનાં ગામડાંમાં ભરપેટ માણેલી સૃષ્ટિ સાથે પોતાને જોડી રાખતી સબળ કડીઓને સુરેશ જોષી પોતાનાં લખાણોમાં જાળવી રાખે છે. આ એક એવી સૃષ્ટિ છે જેમાં દુન્યવી અને આત્મિક અંશો એકબીજાને વળગીને રહેલા છે. દૈનંદીય જીવનની ભીતરમાં પ્રછન્ન સ્વરૂપે પડેલી એ સૃષ્ટિની અંધારી ઓળખો વચ્ચે વચ્ચે ડોકિયાં કરી જતી હોય છે. ઉત્તરકાળનાં એમનાં સર્જનો-જેવાં કે ‘થીગડું’, ‘ઝેર’, ‘પદભ્રષ્ટ’ અને ‘વર્તુળ’, –માં સુરેશ જોષી ખરેખર ઉઘાડ પામતા હોવાનું વરતાય છે. પૂર્વેનાં સઘળાં ભૂતપ્રેતોને ધરબી દેવામાં આવ્યાં છે અને પ્રચંડ મૌલિકતાથી ભરીભરી એક હસ્તપ્રત આકાર ધારણ કરે છે. સ્મૃતિના અધ્યાસોને કામે લગાડી એમની ભાષા સ્વ-વિગલનની એક ધીમી ભીતરી પ્રક્રિયાને નોંધતી રહે છે. પ્રતિસાદ પામ્યા વગરનો પ્રેમ અને મૃત્યુ માટેની ઝંખનાના બે સાધિત ધ્રુવો વચ્ચે રહેલી, અનુવાદને ન ગાંઠે એવી રચના છે – ‘બે સૂરજમુખી અને’. આ વાર્તા શ્વાસ અધ્ધર કરી મૂકે એવા યદૃચ્છાવિહારની ગલીકૂંચીઓમાં અટવાતી રહીને અંગત ઇતિહાસનું એક વિરાટ અવકાશીકરણ પામે છે. અગાઉની વાર્તાઓની જેમ એમાં પોતાના ખંડિયેરને ત્રાંસો ટેકો આપીને ઊભા કરવાના કોઈ પ્રયાસ કરવામાં આવ્યા નથી. એટલે કે, ખંડિત ટુકડા કોઈ કથાવસ્તુની આસપાસ એકત્રિત થઈ શકે એવી કોઈ ગુંજાયશ એમાં રહેવા દેવામાં આવી નથી, કેમ કે અહીં કથાનક પોતે જ ખુદ પોતાની ચેતના છે અને વાર્તાપાઠને ગોઠવવાના કાર્યમાં વાચકને સંડોવવામાં આવ્યો હોઈ એ એક કામણગારું, ભૂરકી ભભરાવનારું સ્થાન બની રહે છે. એમાંની સંરચનાત્મક ક્રમવિહીનતા આ વાર્તાને સુરેશ જોષીના સમગ્ર કથાવિશ્વના ચક્રનું નાભિબિંદુ બનાવે છે. સુરેશ જોષી સ્વયં એક વિદ્યાપીઠ હતા. અમારામાંના ઘણા શિક્ષક તરીકે વડોદરા પાછા ફર્યા પછી, અમે બધાએ એમના છત્ર નીચે અમારા કૌશલ્યને સરાણે ચઢાવ્યું. પોતાની કલાકીય ઉપલબ્ધિઓને અને અગાધ પાંડિત્યને કશા ભાર વગર એઓ વહેતા. એમણે કદાપિ કોઈની બોલતી બંધ કરી નહિ. આમ જુઓ તો અમારામાંના કેટલાક ઔપચારિક રીતે એમના વિદ્યાર્થીઓ તો હતા નહિ, છતાં અમે અમારા શિક્ષકો પાસેથી જે કંઈ પ્રાપ્ત કરેલું એટલું જ સુરેશભાઈ પાસેથી પણ કર્યું. એમની કથનકલા સાદાં સીધાં સત્યો પર આધારિત દેશી સામગ્રીને પણ એટલા જ આદરપૂર્વક આવકારતી. ગુજરાતી દૈનિક ‘લોકસત્તા’ માટે એઓ સાપ્તાહિક કૉલમ લખતા રહેલા. સિત્તેરના દાયકામાં આવી પડેલી કટોકટીના કાળમાં લોકશાહીના અંચળા હેઠળ સરકારે આદરેલા દમનને એમણે જીવના જોખમે ઉઘાડું પાડી બતાવ્યું. ચાલતી ગાડીએ ચઢી બેસેલા અને ગાંધીપ્રેર્યા આદર્શોને અભરાઈએ ચઢાવી પોતાનાં ખિસ્સાં ભરવા મંડી પડેલા તકસાધુ રાજકારણીઓને વારંવાર ચાબખા મારતા : – સંસ્કૃતિના સીમાડાના પથ્થરોનો ભાર ઊંચકીને ફરતા યુગપુરુષોને હાંફતા સાંભળું છું. ગાંધીના પડછાયાને ગામને પાદરે રઝળતો જોઉં છું ને નગરના ચોકમાં એનાં પૂતળાંની પૂજા થતી જોઉં છું... આમાંનો પ્રત્યેક ખંડ ઐતિહાસિક પાર્શ્વમુખાકૃતિ ધારણ કરી સર્જનાત્મક દિવાસ્વપ્નનું રૂપ પામે છે, પ્રત્યેક ખંડ એક લઘુકદનો પથદર્શક નકશો છે. દૂરને ખૂણે રહેલી અમથી એવી ઘીસીને પણ એમાં બાકાત રાખવામાં આવી નથી. ૧૯૮૫માં એમના અવસાનના એક વર્ષ અગાઉ, સુરેશભાઈએ મને એમની વાર્તા ‘વર્તુળ’નો અંગ્રેજીમાં અનુવાદ કરવામાં સહાય કરવા કહેલું. મૂળ વાર્તામાં રહેલાં રમતિયાળપણું અને હળવાશનો સ્પર્શ અનુવાદમાં પણ જળવાઈ રહે એવી એમની ઇચ્છા હતી. કેટલાક મહિના સુધી અમે એના પર કામ કર્યું. કહેવાનું એ કે એક ભાષામાં રહેલી શબ્દચ્છટાઓને પર ભાષામાં બદલવી એ તો નર્યું અશક્ય છે એવું કહેવું એ તો દીવા જેવી ચોખ્ખી વાત થઈ. પછીથી આ પુસ્તક પર કામ કરતી વેળા કેટલાક નામાંકિત દ્વિભાષી વિદ્વાનો સાથે કાર્યવિનિમય થતાં એક વાતથી હું ભારે સભાન બન્યો કે સુરેશ જોષીના ગુજરાતી ગદ્યના આકાર અને ભાવને અંગ્રેજીમાં ઉતારવા એટલે ઘાસ વિના ઈંટો પાડવી. આ બાબતમાં એક શબ્દની જગ્યાએ બીજા શબ્દની આખરી પસંદગી પાછળ એવો ખ્યાલ હતો, જેને જ્યોર્જ સ્ટાઇનરે : ભાવજગતની સાથે મળીને માણેલી સંગતિ : તરીકે ઓળખાવી છે. એક સંસ્કાર પરંપરામાંથી અન્ય સંસ્કાર પરંપરામાં દોરી જતા છૂપા માર્ગોની શોધ કરવામાં આવી સંગતિ સહાયક નીવડી શકે. અમારું માનવું છે, ભાષા ભાષા વચ્ચેના સીમાડાઓને રન્ધ્રિત કરી દઈને વાક્‌ અને અર્થની જેમ સંપૃક્ત કરી દેવામાં આવે અને સ્થાનચ્યુત ન કરી શકાય એવી વિશિષ્ટતાઓને દબાવી દેવાને બદલે મોખરે આણવામાં આવે – ત્યારે જ અનુવાદ શક્ય બને. ભારતીય કુળની કોઈ ભાષાનો જ્યારે અંગ્રેજી અનુવાદ કરી રહ્યા હોઈએ ત્યારે સામે એક મોટો પડકાર આવીને ઊભો રહે છે : લિંગગત કર્તાને લિંગરહિત કેમ બનાવવો? તેમાંય સુરેશ જોષી તો પાછા ભાષાની રૂઢિઓની જોહુકમીનો સતત સવિનય કાનૂનભંગ કરનારા! ભાષાને વ્યંગથી કઈ રીતે ખંડિત કરવી ને ચોક્કસ અર્થ અને બહુઅર્થકતા વચ્ચે પાંખ ફેલાવીને કઈ રીતે ઊંચે સ્થિરપણે ઊડતા રહેવું – એ સુરેશ જોષીની વિશેષતા હતી. સુરેશ જોષીના ગુજરાતી પર મેટાનેરેટિવ નામે પોલીસનો ચોકીપહેરો નથી કે માનવકૃત કલાની પેઠે એ ગુજરાતી મ્યુઝિયમમાં સચવાઈ રહેલું નથી. રોજબરોજના વપરાશમાંના શબ્દોને જ્યારે એઓ અસામાન્ય પૂર્વાપરતામાં યોજે છે ત્યારે તે શબ્દના અર્થ અંગે પાયામાંથી જ પુનર્વિચારણા થઈ હોય છે. એઓ કહેતા : લેખન પોતે જ આવશ્યક શબ્દોને બહુધા જન્માવી લેતું હોય છે; યોગ્ય શબ્દ આગલા વાક્યમાંથી કુદરતી પ્રસવની જેમ આપમેળે સરકી આવતો હોય છે. વળી બોલાતી રહેલી ગુજરાતીની સ્વાભાવિક લવચિકતાને પણ એઓ પોતાના લેખનકાર્યમાં બહાર લાવતા રહ્યા છે. વાક્યવિન્યાસનું તિરોધાન કરી અપરિચિત અને અસાધારણ રીતે એની પુનર્રચના કરી આપે છે. આવું એમણે ‘બે સૂરજમુખી અને’ વાર્તામાં કર્યું છે. વાક્યવિન્યાસની અવનવી યોજના એ એમની ઢબ છે. એમની આ ઢબમાંના અવનવાપણાનો હ્રાસ કરી તેને રૂઢિગત ઢાંચામાં ઢાળી દેવી એટલે એમની ઊર્જસ્વિતા હરી લેવી. ગુજરાતીમાં રચાયેલી એમની કૃતિઓ સંસ્કૃત, બંગાળી, હિંદી, મરાઠી તેમ જ અંગ્રેજી, ફ્રેંચ અને જર્મન આદિ ભાષાઓના શબ્દાર્થશાસ્ત્રને આત્મસાત્‌ કરીને પ્રગટ થઈ છે. સુરેશ જોષીનો કૃતિપાઠ સદાયનો અને ક્યારનોય ‘શુદ્ધ’ ગુજરાતી કિલ્લાની રાંગની બહાર રહેલો છે. એ એક એવું લેખન છે જે ભાષાના આદેશાત્મક સિદ્ધાંતોને અનુરૂપ ન બનવું એને પોતાનો ધર્મ સમજતું હોય. એમનો કૃતિપાઠ કેવળ ભંજકપ્રક્રિયા નથી, તેની ભીતરમાં પણ અન્ય ભાષાનાં ભૂતો પ્રછન્નપણે ધૂણતાં હોય છે. એમના કૃતિપાઠના પ્રવાહને અસલ સ્વરૂપના અંગરેજ નમૂનાઓથી અવરોધવાથી કૃતિપાઠના પોતને હાનિ પહોંચાડવામાં પરિણમે. અમારું માનવું છે : અનુવાદકો તરીકે અમારું એ કર્તવ્ય બની રહે છે કે એમની બહુઅર્થકતાને સમાવી શકવા અમારે અંગ્રેજી ભાષાની સાધનસમૃદ્ધિનો જ વ્યાપ વિસ્તારવો રહ્યો. પ્રત્યેક અનુવાદ એટલે ‘ખાંભી’ ખોડેલું થાનક, મૂળમાંનું મહામૂલું કશુંક તો ક્યારનુંય હાથતાળી દઈ ચૂક્યું હોય છે. અનુવાદે ‘મરણોત્તર હયાતી’રૂપે રહીને પણ અસલના મિજાજને ગુમાવી દીધાના શોકનું શ્લોકત્વમાં રૂપાંતર કરી આપવું જોઈશે.

સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા જે. બિરજે પાટીલ સંપાદિત, ‘Ten short stroies by Suresh Joshi’ સંચયમાંથી સંપાદકની પ્રાસ્તવિકતાનો ગુજરાતી અનુવાદ. (‘સોનગઢનો કળાધર-સુરેશ જોષી’ પુસ્તકમાંથી. સંપાદક : ગીતા નાયક, પ્ર. આ. જુલાઈ ૨૦૦૩, પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર)