બીજી થોડીક/નરવાનરકથા
સુરેશ જોષી
‘વેલકમ સ્ટોર’માં દાખલ થઈને એણે ચારે બાજુએ આકર્ષક રીતે ગોઠવેલી વસ્તુઓ તરફ નજર નાંખી. એક બાજુ ‘ક્વીન્ક’ની શાહીથી જ પોતે પોતાના પ્રિયતમને પત્ર લખે છે એમ એક નમણી યુવતી જાહેરાત કરતી હતી તો બીજી બાજુ જિંદગીનું ઉત્તમ સુખ તે અમુક પ્રકારની સિગારેટ પીવામાં જ છે એમ એક યુવાન સ્મિતપૂર્વક સૂચવી રહ્યો હતો. એ આ જોઈને મનમાં ને મનમાં બબડ્યો: આ લોકોને મન જિંદગી એટલે શું? અમુક સિગારેટ, અમુક ચોકલેટ કે અમુક સાબુ! આખી દુકાનમાંથી આવતી એક મિશ્ર ગન્ધ આ જંદિગીના પ્રતીકરૂપ એને લાગી. એ દુકાનના અંદરના ભાગ તરફ વળ્યો. ત્યાં એક કાઉન્ટર આગળ એને અનેક પ્રકારનાં ટોનિકોનાં નામો સાંભળ્યાં, એ કાઉન્ટર કેમ જાણે કલ્પવૃક્ષ ન હોય! ઊંઘ જોઈએ તો ઊંઘ, લોહી જોઈએ તો લોહી, એ કલ્પવૃક્ષની છાયા એના પર પડે તે પહેલાં એ દૂર સરી ગયો. ત્યાં એક બાજુના કબાટમાં એણે મોટા લાલ અક્ષરે લખાયેલો શબ્દ વાંચ્યો ‘Poison’ – ને એ કબાટની પાસે જઈને ઊભો રહ્યો. એમાંથી એક શીશી એણે બહાર કઢાવી ને કેવળ કુતૂહલથી એના ખોખા ઉપરનું દવાનું વર્ણન વાંચવા માંડ્યું. એ દવાની ‘ફોર્મ્યુલા’માંના પચ્ચીસ છવ્વીસ અક્ષરવાળા શબ્દને એણે બરાબર ગોઠવીને વાંચ્યો. એના અર્થ વિશે તો કાંઈ પ્રકાશ ન પડ્યો, પણ એ શબ્દની લંબાઈનો એના પર પ્રભાવ પડ્યો ખરો. એનો એક એક અક્ષર કાતિલ ઝેર છુપાવીને જાણે બેઠો ન હોય પણ આ ઝેર જ જીવનને ટકાવવાની, લંબાવવાની રામબાણ દવા છે! બલિહારી છે મનુષ્ય જાતિની – દેવો અમૃત પી ગયા તો એણે ઝેરમાંથી સંજીવની શક્તિ ઉપજાવી. એ કબાટમાંના વિષસમુદાયને મુગ્ધ બનીને જોતો ઊભો જ રહી ગયો. ત્યાં પાસે જ એક પૂઠા પરના ચિત્ર પર એની નજર ગઈ. એમાં સામાન્યથી સો ગણા કદની માખીને ખંજરથી વીંધાતી બતાવી હતી. એ જોઈને વળી એ હસ્યો ને મનમાં બબડ્યો: જીવવાને માટે માણસને કેટલું બધું મારવું પડે છે. કેટલીક વાર તો માણસ પોતે પોતાને મારીનેય જીવવા મથે છે!
ત્યાં એને કાને શબ્દ પડ્યા: ‘દુખાવો તરત નરમ પડી જશે ખરો?’
‘અરે હા, મારા સાહેબ, એક મિનિટમાં તો તમે બધું દુ:ખ ભૂલીને હસતા થઈ જશો.’
ને એણે કુતૂહલથી એ તરફ નજર કરી. એ દુ:ખી માણસ દુ:ખના ગૌરવને લીધે કંઈકેય જોવા લાગતો હતો, એ જો હસે તો કેવો ભયંકર કદરૂપો લાગે! આ વિચારે એને વળી હસવું આવ્યું.
ત્યાં એકાએક કશીક તીવ્ર વાસે એને ઘેરી લીધો. એણે જોયું તો એક પ્રૌઢ વયની સ્ત્રી પાસેના આયનામાં જોઈને હોઠે લિપસ્ટીક લગાડી રહી હતી. એના ચાલી ગયેલા યૌવનને સ્થાને પ્રસાધનોની મદદથી એ જે ભ્રાન્તિને મરણિયો પ્રયત્ન કરીને ખડી કરવા માગતી હતી તેથી એ કેટલી તો જુગુપ્સાજનક બની જતી હતી! ને એની સામે ખડકાયેલા ‘પોન્ડ્ઝ ક્રીમ,’ ‘એ નાઇટ ઇન પેરીસ’, ‘યાર્ડલી’ના ઢગલાને એ જોઈ રહ્યો. એ ખડકલાની નીચે નૈસગિર્ક સૌન્દર્યની કબર ચણાઈ ગઈ હતી. એ કબરમાંથી જ ઊભા થયેલા કોઈ પ્રેતાત્માના જેવી પેલી સ્ત્રી એની સામે ઊભી હતી. એ સ્ત્રીની પાસે જઈને એને સાનમાં લાવવાની ઇચ્છા થઈ, પણ પાવડરના લપેડાથી અતિ ગૌર બનેલા એના મુખની ફાટેલી દૂધના જેવી ચામડીને જોઈને એને ઊબકો આવ્યો, ને એ ફરી ઝેરવાળી દવાઓના કબાટ આગળ ઊભો રહ્યો. દવાઓનાં નામો વાંચવાની એને મજા પડી. એ આખી નવી જ સૃષ્ટિ હતી. એ શીશીના રંગ, એના પરના લેબલ પરનું લખાણ, રોગોનાં નામ, એ દવાઓની ‘ફોર્મ્યુલા’, એની અંદરના ‘ટીસ્યુપેપર’ પર છાપેલું દવાનો પરિચય આપતું લખાણ – એની પાછળ જિંદગીને ટકાવી રાખવા મથતી માનવજાતિના કરુણ ચહેરાનું એને દર્શન થયું. એટલામાં રસ્તા પર અને સ્ટોરમાં કોલાહલ મચી ગયો. ‘આગ લાગી કે શું?’ એમ એણે બાજુમાં ઊભેલા ગૃહસ્થને પૂછ્યું. પેલા સજ્જન જરા રસિક આદમી હતા. એમણે હસીને જવાબ આપ્યો: ‘હા, આગ જ લાગી છે, પણ તે રૂપની આગ.’ ને એમણે દુકાનનાં પગથિયાં ચઢતી સિનેમાનટીના તરફ આંખના અણસારાથી ધ્યાન ખેંચ્યું. એ આંખના અણસારામાં રહેલી અશ્લીલતાથી એ અકળાયો. એણે નટી તરફ નજર કરી. એ પોતાના કૂતરાને માટેના ખોરાકનો ડબ્બો ખરીદી રહી હતી. એનો કૂતરો રસ્તા પર ઊભેલી મોટરમાંથી મોઢામાંથી જીભ કાઢીને એની શેઠાણીને સન્તોષપૂર્વક જોઈ રહ્યો હતો. આજુબાજુના જનસમુદાયને ઉપેક્ષાથી હડસેલીને એ મોટરમાં જઈને બેઠી ને કૂતરાને વહાલથી ખોળે લીધો. બે ચાર મવાલીઓએ સીટી મારી. દુકાનમાં માણસોએ ફરી સ્વસ્થતા પ્રાપ્ત કરી ને કામકાજ ફરી શરૂ થયું.
એની બાજુમાં જ એક સ્ત્રી એકાએક બોલી ઊઠી: ‘કેવી સરસ માછલીઓ છે, નહીં?’
‘એનો રંગ કેવો સોનેરી છે!’
‘એમ થાય છે કે જાણે એને આમ તરતી જોયા જ કરીએ.’
એ યુવતી ખરેખર મુગ્ધ દૃષ્ટિએ માછલીઓને જોતી જ ઊભી રહી ગઈ. એની સાથેનો પુરુષ અધીરો બન્યો, એણે પેલી સ્ત્રીને ત્યાંથી લગભગ ખેંચી કાઢી. દુકાનનાં પગથિયાં ઊતરતાં ઊતરતાં પણ પેલી સ્ત્રીએ એક વાર એ સોનેરી માછલીઓ તરફ નજર નાંખી લીધી. આ જોઈને એ હસ્યો ને બબડ્યો: ‘સોનેરી માછલી!’
ઝેરને વધારે લેવામાં આવે તો શી અસર થાય, કેટલી માત્રામાં ઝેર લેવાય તો એ પ્રાણઘાતક બને, સૌથી વધુ ઓછું કષ્ટકારક ઝેર કયું, આ વિશે એની પાસે શાસ્ત્રીય માહિતી હતી. અત્યન્ત રસપૂર્વક એણે બધી વીગતો એકઠી કરી હતી. એણે જે ઝેરને પસંદ કર્યું હતું તે આ કબાટમાં છે કે નહીં તે એ શોધતો હતો. એણે આખરી પત્ર કે આપઘાતનું એકરારનામું કે એવું કશું લખી રાખ્યું નહોતું. મર્યા બાદ શરીરને ‘પોસ્ટમોર્ટમ’માં ચૂંથશે એ ખ્યાલ એને જરા અકળાવતો હતો. એ જે પથારીમાં આખરી નિદ્રા લેવાનો હતો તે એણે જાતે બહુ કાળજીપૂર્વક બિછાવી હતી. એની એક્કેય ડાઘ વગરની ધોળી ચાદર, શરીરને સર્વથા અનુકૂળ થઈને વર્તનારાં ગાદલાં, પોચા ઓશીકાં, પાસેના ટેબલ પર રેડિયો, પાસે ચાની કીટલી, થોડાં અર્થશાસ્ત્રનાં પુસ્તકો– બધું એ ગોઠવીને આવ્યો હતો. સાંજ હજુ પડી નહોતી. સૂર્યના ગયા પછી બધું પતાવવું એવું એણે ધાર્યું હતું.
ઓફિસો છૂટવાને લીધે શહેરમાંથી પાછા ફરતા નોકરિયાતો ને વેપારીઓની ભીડ રસ્તા પર જામી હતી; કોઈ હોંશીલો પત્ની માટે વેણી લઈ જતો હતો તો કોઈ ‘ફ્રૂટ સોલ્ટ’ની તપાસમાં હતો. ઘડીભર એ રસ્તા પરની ભીડને જોઈ રહ્યો. એની પાસેના ‘શો કેઇસ’ પર એક માઇક્રોસ્કોપ ગોઠવ્યું હતું. એની નીચે કાચની પટ્ટી પર પાણીનાં ટીપાં હતાં. એણે માઇક્રોસ્કોપમાંથી એ ટીપાંઓ જોયાં, ને એને જે દેખાયું તેથી એ વળી વિચારે ચઢી ગયો. માઇક્રોસ્કોપની નીચેના પાણીના ટીપામાં એકની પાછળ એક એમ અસંખ્ય અણુઓની મૂક વણઝારને અણથંભી ચાલી જતી એણે જોઈ, ને ફરી એ સામેના રસ્તા પરથી ચાલી જતી વણઝારને જોઈ રહ્યો.
ત્યાં એક ગર્ભવતી સ્ત્રીએ દુકાનમાં પ્રવેશ કર્યો. એ ભારે કષ્ટે ચાલતી હતી, એના મોઢા પર સોજો ચઢ્યો હોય તેવું લાગતું હતું. એની આંખની આજુબાજુ કાળાશ છવાઈ ગઈ હતી. એણે સ્વેટર ગૂંથવાનું ઊન માંગ્યું. એની પસંદગી એણે કાળજીપૂર્વક કરી. ગર્ભમાં ઘડાતા બાળકને માટે, એ જન્મે તે પહેલાં રક્ષણ આપે એવું હૂંફાળું વસ્ત્ર પણ તૈયાર થઈ જશે! ગર્ભાશયનું આચ્છાદન છોડે કે બીજું આચ્છાદન તૈયાર જ. સ્ત્રીનું સૌથી મોટું અર્પણ તે આચ્છાદન છે, ને એ આચ્છાદન કેટલું માયાવી હોય છે! – એણે આગળ કંતાયે જતા વિચારોના દોરને એકદમ કાપી નાખ્યો.
સાંજ પડી ચૂકી હતી. હવે એણે કામ સંકેલી લેવું જોઈએ. આથી એણે ચાર પાંચ દવાનાં નામ આપ્યાં, ને એ દવાઓ આવે તેની રાહ જોતો ઊભો. ત્યાં રમકડાંના વિભાગનું બારણું ખૂલ્યું, એને સહેજ કુતૂહલ થયું. અંદર દાખલ થતાં એક માદીકરાની સાથે એ પણ રમકડાંની દુનિયામાં ગયો. એની ચારે બાજુ રમકડાં જ રમકડાં હતાં – એક તરફ ઢીંગલીઓની હાર હતી. એ ઢીંગલીઓની આંખોમાં કદી ન લોપાય તેવું આશ્ચર્ય હતું, ને હોઠ પર હાસ્ય હતું. એને જોતાં એમ લાગતું હતું કે જાણે એ હમણાં જ બોલી ઊઠશે: જુઓ, કેવું અદ્ભુત! આ ઢીંગલીઓમાં એને બહુ રસ પડ્યો. એક ઢીંગલીનું મોઢું જોઈને તો એ થંભી જ ગયો. એની જોડે એક બે ગપ્પાં માર્યા વિના આગળ જ નહીં જવાય એવું એને લાગ્યું. ને એ કેવી લાગતી હતી! હમણાં પૂછોને કે ‘કેમ શી ખબર?’ બસ એટલી જ વાર, જુઓ પછી કેવી અલકમલકની વાતો હાંકે છે તે! એ ઢીંગલીને ભારે રસપૂર્વક ધારી ધારીને જોઈ રહ્યો. નહીં બોલવા છતાંય જાણે એની જોડે ઘણી વાતો કરી લીધી. આ વાતો ચાલુ જ હતી ત્યાં દુકાનદારનો અવાજ સંભળાયો:
‘જુઓ, બાબાભાઈને શું જોઈએ? આ ‘સ્પીટફાયર’ બોમ્બર છે, આ જેટ છે, આ ટેન્ક છે, આ તોપ છે, આ રોકેટ છે… યાદીમાં લગભગ બધી જ સંહારક સામગ્રીનો સમાવેશ થઈ ગયો. પેલો નાનો શિશુ એ બધું જોઈ રહ્યો. એ બાળકે ‘સ્પીટફાયર’ બોમ્બર હાથમાં લીધું એટલે દુકાનદારે એને ચાવી આપી, ને તણખા ઓકતું એ વિમાન આંટા લેવા લાગ્યું. આ જોઈને બાળક હસીને તાળી પાડવા લાગ્યું. પછી આવ્યો ટેન્કનો વારો, પછી મનવાર પણ આવી, બાળક હસ્યે જ ગયું.
ત્યાં બાળકની નજર વાંદરાના રમકડા પર પડી. એ એકદમ એ રમકડા તરફ દોડી ગયું. દુકાનદારે એ રમકડું હાથમાં લઈને એની ખૂબી બતાવી. ચાવી આપો એટલે વાંદરબહાદુર સડસડાટ સીડી ચઢી જાય પણ ચાવી ખલાસ થતાં સડસડાટ નીચે આવી પડે. પણ ખૂબી એ કે ઉપર ચઢતાં કે નીચે આવતાં એમની મુખમુદ્રા એક સરખી જ રહે. એમના મુખ પર એકાએક છેતરાઈ ગયા જેવું બની જાય ત્યારે પોતાની બાઘાઈ ખુલ્લી પડી જતાં જે જાતનું હાસ્ય ઉદ્ભવે તે પ્રકારનું હાસ્ય હતું. વાંદરાની ઉન્નતિઅધોગતિના પલટા જોઈને બાળક રાજી થઈને નાચવા લાગ્યું. એણે માને એની કાલીકાલી ભાષામાં કહી દીધું: મા, મને આ વાંદરો અપાવ.
આજુબાજુની ઢીંગલીઓ જાણે આ સાંભળીને ખુશ થઈને હસવા લાગી. એમાંની પરીઓ પાંખ પસારીને ઊડવા લાગી. એમાંનાં પંખીઓનો કણ્ઠ ખુલ્યો, ને એમના કિલકિલાટથી એ ઓરડો જાણે છલકાઈ ઊઠ્યો. રમકડાંની સૃષ્ટિની બહાર જતા એ વાંદરાભાઈને વદાય આપતાં જાણે હર્ષની ભરતી આવી – કેમ જાણે માણસોની દુનિયા પર રમકડાંની દુનિયાનો એ વિજય ન હોય! – ને એણે ફરી રમકડાંની સૃષ્ટિ પર નજર ફેરવી, પેલી વાચાળ હસમુખી ઢીંગલી, આ તટસ્થ ફિલસૂફ વાંદરાભાઈ, આ તરફ ગમ્ભીર મોં કરીને બેઠેલા ઘુવડભાઈ – ને એણે રસ્તા પર નજર કરી. ત્યાં પણ એ જ સૃષ્ટિનું પ્રતિબિમ્બ દેખાયું. એ દરમિયાન ઝેરી દવાના કાઉન્ટર પરના માણસે એનું ધ્યાન ખેંચ્યું: ‘શેઠ, તમારી દવાઓ આવી ગઈ છે.’
એણે કહ્યું: ‘એ દવાઓ રહેવા દો. મને આ વાંદરાવાળું રમકડું બાંધી આપો.’ ને એ પેલા બાળકની જોડે રમકડું લઈને રસ્તાની ભીડ વચ્ચે ચાલ્યો ગયો.