બીજી થોડીક/અજાતકકથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અજાતકકથા

સુરેશ જોષી

પ્રસ્તાવના

ભગવાને મને બોલાવીને કહ્યું: ‘હવે તારે ફરી જનમ લેવાનો વખત થયો છે. તારાં પુણ્યોનો હિસાબ જોતાં તને તારું જન્મસ્થાન તથા જનેતા-જનક પસંદ કરવાનો અધિકાર પ્રાપ્ત થાય છે, માટે તું નારદમુનિ સાથે પૃથ્વી પર જઈને જન્મસ્થાન તથા માતાપિતાની પસંદગી કરી આવ કે જેથી બનતી ત્વરાએ તારા જન્મની વ્યવસ્થા કરી શકાય.’

હું ને નારદમુનિ પૃથ્વી ઉપર આવતા હતા, તે દરમિયાન અન્તરીક્ષમાં ઘણા આત્માઓનો અમને ભેટો થયો. નારદમુનિએ એમને કુતૂહલથી પૂછ્યું હે આત્માઓ, શાથી જે આટલી મોટી સંખ્યામાં તમે પૃથ્વી છોડીને આવી રહ્યા છો?

એ આત્માઓ પૈકીના એકે જવાબ દીધો: હમણાં પૃથ્વી ઉપર મહાયુદ્ધ ચાલી રહ્યું છે. એમાં લાખ્ખોની સંખ્યામાં સંહાર થયો હોવાથી અમે અમારું કર્મફળ ભોગવવા જઈ રહ્યા છીએ.

પૃથ્વી પર પગ મૂકતાં જ મેં એક અદ્ભુત દશ્ય જોયું. કરોળિયાની જાળમાં માખી પકડાઈ હતી, ને તે કરોળિયાને કહી રહી હતી: ભાઈ, તારો પાડ માનું છું, હવે તું મારો અન્ત આણ, પણ કરોળિયો સાવ ઉદાસીન હતો. એ સહેજે સળવળ્યો નહીં. જ્યાં હતો ત્યાંથી જ સૂતાં સૂતાં એણે કહ્યું: તને મારીને ખાવાનો મારામાં ઉત્સાહ નથી. તારા પર દયા લાવીને તને જો ખાઉં તો મારામાં વળી શક્તિ આવે, હું વળી જાળું બાંધું ને વળી માખી પકડાય … એનો અન્ત ક્યાં આવે?

આ સાંભળીને મેં નારદમુનિને કહ્યું: ચાલો આપણે પાછા વળીએ.

એમણે આશ્ચર્ય પામીને પૂછ્યું: કેમ વારુ? હજુ તો તેં કશું જોયું નથી.

મેં કહ્યું: મેં જેટલું જોયું તેટલું પૂરતું છે, મારે હવે વધુ કશું જોવું નથી. નારદમુનિએ કહ્યું. નારાયણ નારાયણ! જેવી તારી ઇચ્છા.

ને અમે પાછા ફર્યાં. મને ભગવાન આગળ હાજર કરવામાં આવ્યો. ભગવાને મને પૂછ્યું: કેમ, શો વિચાર કર્યો?

મેં કહ્યું: જો આપ રજા આપતા હો તો હું મારો આ જનમ જતો કરવા તૈયાર છું.

ભગવાને કહ્યું: મારા નિયમમાં વ્યતિક્રમ ન થાય. જનમ તો લેવો જ પડે.

મેં કહ્યું: તો ભલે, હું આપની આજ્ઞા માથે ચઢાવીશ. પણ જન્મવાની પરિસ્થિતિમાંથી હું મારી યુક્તિથી છટકી જાઉં તો આપ એને અપરાધ ન ગણશો એટલી જ મારી વિનંતી છે.

ભગવાને કહ્યું: વારુ, તથાસ્તુ.


કથા

મારા ગર્ભાધાનના મુહૂર્તની રાતે એક ઘટના મને બહુ અનુકૂળ થઈ પડી. વિજયા શેઠાણી તથા મનોહરદાસ શેઠને તે દિવસે ઝઘડો થયો હતો. તે રાતે શેઠ શયનગૃહમાં પ્રવેશ્યા ત્યારે શેઠાણી પલંગને ખૂણે મોઢું ચઢાવીને બેઠાં હતાં. આથી મેં નિરાંત અનુભવી. શેઠાણીની આ સ્થિતિ જોઈને શેઠ વધારે ધૂંધવાયા. પગ પછાડતા એ પલંગ તરફ ગયા, ને રોષના ફૂંફાડા સાથે બોલ્યા: પણ છે શું?મોઢું ખોલીને કાંઈ બોલીશ કે નહીં?

શેઠાણી માથું ધુણાવીને બોલ્યાં: ઊંહું.

શેઠ વધારે ચિઢાયા: તો તું બેસી રહે મોઢું ચઢાવીને, હું તો આ ચાલ્યો.

શેઠાણીએ ત્રાંસી આંખે જોઈ લીધું. શેઠ ઊભા હતા ત્યાંથી એક ડગલું ચસ્યા નો’તા, એટલે એણે મોં વધારે ફુલાવીને કહ્યું: જાવને, જવું હોય તો, અબઘડી ચાલ્યા જાવ.

શેઠે ગરજીને કહ્યું: એમ, તારે જોવું છે, તો લે, આ ચાલ્યો.

આમ કહીને શેઠે એક ડગલું ઉપાડ્યું ન ઉપાડ્યું ત્યાં શેઠાણી બોલી ઊઠ્યાં: જો ઉમ્બરની બહાર પગ મૂક્યો છે તો મારા ગળાના સમ. ને શેઠ પાછા ફર્યા. પછી ફરી બોલ્યા: તો તું કાંઈ બોલ તો ખરી, હું તે કાંઈ ભગવાન છું, કે વગર કહ્યે તારી વાતની મને ખબર પડી જાય!

શેઠાણી લાડ કરતાં બોલ્યાં: તમને અમારી વાત સાંભળવાની ફુરસદ જ ક્યાં છે? રાતના નવ નવ ને દસ દસ વાગ્યા સુધી પેઢી પર બેસી રહો છો. જમી પરવારીને આવીને જોઈએ તો પથારીમાં ઘસઘસાટ ઘોરતા જ હોય! પછી મનમાં થાય કે આખા દિવસના થાક્યાપાક્યાને કોણ હેરાન કરે.

વાતાવરણ ફેરવાતું જતું હતું. ધીમે ધીમે પરિસ્થિતિ મને પ્રતિકૂળ થતી જતી હતી. કાંઈક ઉપાય શોધવો પડશે એમ મને લાગ્યું. મેં જે બનતું હતું તે જોતાં જોતાં તરકીબ શોધવા માંડી.

શેઠ શેઠાણીની પાસે જઈને બેઠા: ઓહો, એમાં આટલી ગુસ્સે થઈ ગઈ? તું ઊંઘમાંથી જગાડે તો હું કાંઈ તને વઢું નહીં.

શેઠાણી શેઠની વધુ પાસે સર્યાં ને બોલ્યાં: એ તો હવે જોયું જશે. શેઠે શેઠાણીના મુખને પોતાની પાસે ખેંચ્યું, શેઠાણી શરમાઈ ગયાં હોય તેમ થોડો કૃત્રિમ વિરોધ કર્યો. એથી શેઠ વધુ ઉત્તેજાયા ને શેઠાણીના ખભા પકડીને એમને હલાવી નાખ્યાં. આથી શેઠાણી ખુશ થઈ ને બોલ્યાં: છોડો હવે, તમને તો આવું જ સૂઝે છે.

મારો ગભરાટ વધતો ગયો. મેં મારું ભાવી કલ્પી જોયું. હું પણ આ ઘરમાં જનમ લઈને પેઢીએ બેસતો થાઉં, આંતરડાની બિમારી ભોગવું ને સામે જ આવી જ એકાદ વધુ પડતી પુષ્ટ ને ભૂખાળવી શેઠાણીનો ધણી બનું… આ કલ્પનાથી મારો ગભરાટ વધી ગયો. હવે તો કાંઈક ઉપાય શોધવો જ પડશે. પલંગની પાસેની દીવાલના ગોખલામાં ઠાકોરજીને વેશે ભગવાન બેઠા બેઠા હસી રહ્યા હતા.

શેઠશેઠાણીની પ્રણયક્રીડા આગળ ચાલી, મારે શું કરવું? શેઠાણી હવે સાવ અનુકૂળ બની ગયાં હતાં. શેઠ ઊઠ્યા ને દીવો ઠારી આવ્યા. શેઠાણીના હાથ એમને વીંટળાઈ વળ્યા. મારું હૃદય ફફડવા માંડ્યું. અંધારામાં મેં ચારે બાજુ નજર કરી. કશું મારી મદદે આવે એવું લાગ્યું નહીં. શેઠાણીના શરીર પર ઉંદર દોડાવું તો? શેઠને ઠોકર વગાડું તો? પણ એથી કાંઈ બહુ મોટો અન્તરાય નહીં ઊભો થાય. વખત વહેતો જતો હતો. હું આ પૃથ્વી પર ફરી જન્મવાની પરિસ્થિતિની બહુ નજીક ધકેલાઈ રહ્યો હતો, ત્યાં એકાએક મારી નજર ટેલિફોન પર પડી, ને મેં એકાએક એની ઘંટડી રણકાવી. એની ધારી અસર થઈ. શેઠે શેઠાણીના બાહુપાશમાંથી છટકવાને પ્રયત્ન કર્યો. શેઠાણીએ શેઠને વધારે જોરથી વળગી પડીને કહ્યું: જો તમે ઊઠશો તો હું તમારી જોડે બોલીશ નહીં.

શેઠે કહ્યું: ગાંડી થા મા, કાંઈ અગત્યનું કામ હશે. એક મિનિટમાં શું ખાટુંમોળું થઈ જવાનું હતું?

ને શેઠ શેઠાણીના બાહુપાશમાંથી મુક્ત થયા. ફોનનું રિસિવર કાને માંડ્યું: ‘એલાવ, હું આજે રાતે તો નહીં… ના ના… વધારે ઊંડા ઊતરવામાં માલ નથી… આજે તો નહીં જ… શુક્રવારે?જોઈશું… વારુ … કાલે.’ શેઠે રિસિવર મૂક્યું, ત્યારે એમના મુખ પર પ્રસન્નતાનું હાસ્ય હતું. શેઠાણી ફરી ધૂંધવાયાં. જેવા શેઠ પલંગ પર ગયા કે તરત પૂછ્યું: કોણ હતું એ?

શેઠે કહ્યું: કોઈ નહીં, એ તો અમથું…

શેઠાણી એકદમ છંછેડાઈ પડીને બોલ્યાં: અમથુંબમથું કાંઈ નહીં, બોલો, આજે રાતે ક્યાં જવાના હતા? એ ઊંડે ઊતરવાની વાત શી હતી?

શેઠ ગુસ્સે થયા: એ બધાની તારે શી પંચાત? અમારે ધંધા અંગે ગમે ત્યાં જવું પડે…

શેઠાણી વચ્ચેથી જ તૂટી પડ્યાં: જોયો તમારો ધંધો! એવા તે શા તમારા ધંધા છે કે રાતે…

શેઠ એમને વચ્ચેથી અટકાવીને ત્રાટક્યા: બસ, બસ, જીભડી બહુ ના ચલાવ.

પરિસ્થિતિ પાછી મારે માટે સુધરી ગઈ. હજી વાત આટલેથી અટકે એમ નહોતી.

શેઠાણી બોલ્યાં: હું તો બોલીશ, ઘાંટા પાડી પાડીને બોલીશ ને આખી શેરીને ગજાવી મૂકીશ.

એટલે શેઠ પલંગ પરથી અર્ધા ઊભા થઈ ગયા ને બોલ્યા: એમ જોવું છે તારે?

શેઠાણીએ ડર્યા વિના જવાબ આપ્યો: એમ ધમકી શાની આપો છો? શું કરી લેવાના છો? કરો જોઉં. હૈયાફાટ ક્રન્દન હમણાં ઓરડાને ગજાવી મૂકશે એમ લાગતું હતું. પણ એકાએક બધું શાન્ત જોઈને મને વહેમ ગયો. મેં જોયું તો પરિસ્થિતિએ અણધારો પલટો લીધો હતો. હવે મારે ઊગરવાનો કશો ઉપાય નહોતો. ગોખલામાં ભગવાન બેઠા બેઠા બધું જોતા હસી રહ્યા હતા. મેં રોષમાં એમને ગબડાવી પાડયા. ઠાકોરજીની છબિ ફરસબંદી પર પડીને ભાંગી ગઈ.

શેઠાણી સફાળાં બેઠાં થઈ ગયાં ને બોલ્યાં: હાય રે! કેવું અપશુકન! આજે નહીં… શેઠ પણ હાથ જોડી આંખ બંધ કરી જેશ્રીકૃષ્ણ જેશ્રીકૃષ્ણનો જાપ જપવા લાગ્યા. ને આમ હું તે રાતે તો અજાતક રહ્યો.