બે હજાર ચોવીસ સમક્ષ/અગનખેલ(સાયંસ ફિક્શન) – આઇ. કે. વીજળીવાળા
નવલકથા (સાયન્સ ફિક્શન)
ઋષભ પરમાર
વિજ્ઞાનકથા દ્વારા નીતિનું ઉદ્બોધન
‘આવિષ્કારનો અગનખેલ : કૃત્રિમ બુદ્ધિ(AI)ના બે-લગામ વિકાસની સામે અંગુલીનિર્દેશ કરતી નવલકથા.’ – પુસ્તક પરના એ શીર્ષકમાં જ વિજ્ઞાન તરફ જોવાનો એક અભિગમ સ્પષ્ટ થઈ જાય છે. જોકે આપણે સ્વીકારવું પડે કે ન્યુરાલિંક જેવી કંપનીનો મુખ્ય ઉદ્દેશ પક્ષાઘાત કે અકસ્માતથી શારીરિક રીતે અક્ષમ થયેલી વ્યક્તિનાં હલનચલનની તકલીફને મગજમાં કૃત્રિમ ચિપ બેસાડીને વીજાણુ સાધનો દ્વારા મદદરૂપ થવાનો છે. તેમ છતાં ‘જે પોષતું તે મારતું એ ક્રમ દિસે છે કુદરતી’ના ન્યાયે એની સામે ઊભા થતા નૈતિક પ્રશ્નોને આ કથા દ્વારા વાચા મળી છે. નવલકથાકાર પોતે ડૉક્ટર છે. અગાઉ એમણે પચાસેક પુસ્તકો આપ્યાં છે. એમની બાળકથાઓ પણ લોકપ્રિય છે. આ સાથે તેઓ વિજ્ઞાનમાં નૈતિકતા જેવા સમકાલીન પ્રશ્ન પર નવલકથા લઈ આવ્યા છે. આજની ગળાકાપ હરીફાઈના યુગમાં વિજ્ઞાનના અદ્ભુત આવિષ્કારનો ઉપયોગ જ્યારે આર્થિક નફો રળવા થાય ત્યારે એ આંધળી દોટમાં નૈતિકતાનો ખો બોલી જાય છે. વિનોબા કહેતા કે વિજ્ઞાન અને નીતિના સમન્વયથી સર્વોદય થાય, પણ વિજ્ઞાન જ્યારે અનૈતિકતા સાથે સંકળાય ત્યારે વિનાશ વેરે. નવલકથાકાર પોતાની પ્રસ્તાવનામાં જણાવે છે : ‘AI મેડિકલ ક્ષેત્રનું ભવિષ્ય પણ બદલી નાખશે. ગળાથી નીચે જેને પેરાલિસિસ (Quadriplegia) હોય એવી વ્યક્તિ પોતાના વિચારોથી કોમ્પ્યુટર, લિફ્ટ કે પોતાની વ્હિલચેર ચલાવી શકશે... ઘરનાં ઉપકરણો ચાલુ-બંધ કરી શકશે, લાઇટ, પંખો કે ઍર કન્ડિશનર વાપરી શકશે. એટલી હદે કે વિચારોની મદદથી વાહન પણ ચલાવી શકશે... આ બધી શક્યતાઓના આધાર પર જ આ નવલકથાનો પિંડ બંધાયો છે.’ નવલકથા દવાની બે કંપનીઓ વચ્ચે દવાની શોધ અને એ દ્વારા વધુમાં વધુ નફો રળી લેવાની રસાકસીના ઉપલક્ષમાં માનવીય નબળાઈઓ, પ્રેમ, સૌહાર્દ અને નૈતિકતાને ઉજાગર કરે છે. અંતતોગત્વા અસત્ય સામે સત્યનો જય થાય છે, અને વાચક સમક્ષ અનીતિ સાથે વિજ્ઞાનને જોડવાથી એની ભયાનકતા કેટલી વધી જાય છે એનો ચિતાર રજૂ કરે છે. અજય અને શ્રીનિવાસન બંને મિત્રો છે. બે જુદીજુદી કંપનીમાં વૈજ્ઞાનિક સંશોધક તરીકેની ફરજ નિભાવે છે. નવલકથાની શરૂઆત અજયને હાઈ બ્લડપ્રેશરથી પીડાતા દર્દીઓ માટે બનાવાયેલા ટ્રાન્સ-ડર્મલ પેચની શોધ માટે અખબારમાં પ્રસિદ્ધિ મળ્યાના સમાચારથી થાય છે. માત્ર બે ઇંચનો ટ્રાન્સ-ડર્મલ પેચ પીઠ કે સાથળની ચામડી પર લગાવી દેવાથી એક મહિના સુધી નિયમિત રૂપે નિશ્ચિત માત્રામાં દવા શરીરમાં પહોંચાડી શકાય એટલે દરરોજ ગોળીઓ ગળવામાંથી દર્દીને છુટકારો મળે. વર્ષ દરમિયાન માત્ર બાર વખત જ પેચ બદલવો પડે. વળી એમાં શરીરને જરૂર પૂરતી માત્રા જ શરીરમાં જાય એવી તકનિકને લીધે આ શોધ અત્યંત સફળ પુરવાર થાય છે. જો કે આ શોધના સાચા અધિકારી શ્રીનિવાસન છે. તો આ તફડંચી કઈ રીતે થઈ અને કોણે કરી એ પ્રશ્ન નવલકથાના કેન્દ્રમાં છે. વૈજ્ઞાનિક હોવા છતાં આ બંને પાત્રોનાં કુટુંબ અને કૌટુંબિક સંવાદો આ કથાને જનસામાન્યને સ્પર્શે એવી પ્રતીતિકર બનાવે છે. પ્રથમ પ્રકરણમાં વાચકના મનમાં પ્રશ્નાર્થ શંકા આરોપિત કરાય છે. અજયની પત્ની અનંતા કહે છે, ‘મને યાદ છે કે તું તો કોઈ ડાયાબિટીસ માટેની અથવા તો હાર્ટ માટેની દવા પર કામ કરી રહ્યો હતો. તેં બ્લડ પ્રેશરની દવા પર ક્યારથી કામ શરૂ કર્યું એની મને ખબર નહોતી.’ એના જવાબમાં અજય કહે છે, ‘અરે હું તને જાણ કરતાં ભૂલી ગયો હતો, પરંતુ શ્રીનિવાસનની ડી.સી.એક્ષ.[સાચું ઍક્સ] કંપનીએ એ રિસર્ચ પડતું મૂકેલું. શ્રીનિવાસન પણ એથી દુઃખી હતો. એણે એ વખતે મને કહેલું કે દોસ્ત જેના નામે જે શોધ લખી હોય એ એના હાથે જ થતી હોય છે. મને લાગે છે કે આ શોધ અજય ગુપ્તાના નામે જ લખેલી છે.’ પછી શરૂ થાય છે નવલકથાને રસિક અને કંઈક અંશે રહસ્યમય બનાવવાના આટાપાટા. વચ્ચે વચ્ચે વાચક જુદીજુદી કલ્પના કરવા માટે લલચાય એવાં દૃશ્યો અને સંવાદો મુકાય છે જેથી એ સત્ય શું અને ભ્રમણા શું એવી દ્વિધામાં પડી જાય. નવલકથાને હળવી બનાવવા વચ્ચેવચ્ચે હળવા સંવાદો અને હળવી મજાકો તેમજ દૃશ્યો આમેજ થયાં છે. તેમ છતાં જેમણે સાહિત્યિક નવલકથાની અપેક્ષા રાખી હોય એને તો આ કથા સંતોષી શકશે નહીં. લગભગ દરેક પાત્રની ભાષા સમાન છે. એટલે પાત્રાલેખનમાં એકરૂપતા લાગે છે. વળી મુખ્ય પાત્રો બિનગુજરાતી હોવા છતાં કથા બોલચાલની ગુજરાતીમાં આલેખાઈ છે! ક્યાંકક્યાંક કથાના અંકોડા ઢીલા પડતા પણ અનુભવાય છે. મૂળમાં શ્રીનિવાસન દ્વારા શોધાયેલી ફોર્મ્યુલા કંપની પાસે કઈ રીતે આવી અને શ્રીનિવાસનની વર્ષોની મહેનત અચાનક અજયના નામે કઈ રીતે ચડી ગઈ એ જાણવા વાચક ઉત્સુક બને છે. જોકે પુખ્ત વાચક આખી વાર્તાનો મર્મ સરળતાથી સમજી જાય એટલી સરળતાથી આવા ગહન વિષયને ક્યારેક અન્યાય કરી બેસે છે. બીજા જ પ્રકરણમાં જ્યારે શ્રીનિવાસનનાં પત્ની રામેશ્વરી પૂછે છે કે તમને અજય પર શંકા છે ખરી? જવાબ આપતાં શ્રીનિવાસન કહે છે, ‘ના, આમાં અજય સીધી રીતે સંકળાયેલો ન જ હોય. એની નાલાયક કંપનીનું આ કારસ્તાન હોઈ શકે. અજયને એ લોકોએ મારા રિસર્ચ પેપર્સને અલગથી ટાઇપ કરીને પકડાવી દીધાં હોઈ શકે અને પછી અજયે એને મળેલાં પેપર્સ ઉપરથી એ પેચ બનાવી નાખ્યો હોઈ શકે. આ પહેલાં એક સેમિનારમાં મારા બોસે આવી દવા પર હું રિસર્ચ કરી રહ્યો છું એ જી.એમ.બી.ના સી.ઈ.ઓ.ને કહ્યું હતું.’ અહીં એક કંપનીનો સી.ઈ.ઓ. બીજી કંપનીને આવી મહત્ત્વની માહિતી આપે એ અસહજ લાગે છે વળી કથાનું રહસ્ય આ સંવાદ દ્વારા ખૂલી જાય છે. બીજી બાજુ શ્રીનિવાસને બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખવાના અગાઉ શોધેલા પેચ કરતાં વધુ અક્સીર પેચ શોધી કાઢવાના સંશોધનને આગળ વધાર્યું છે. એક સેન્ટિમીટરના આ પેચમાં કાગળ જેવી પાતળી ડિવાઇસ હશે જે બ્લડપ્રેશરનું રીડિંગ લેતી રહેશે અને વધુ-ઓછા હાઈ બ્લડપ્રેશર મુજબ દવા રિલીઝ કરશે. વધુમાં શ્રીનિવાસન જણાવે છે, ‘મને ખાતરી છે કે આપણો પેચ એકાદ મહિનામાં જ માર્કેટમાં આવી જશે. એનાથી જી.એમ.બી.નો પેચ તરત જ ભુલાઈ જશે...’ બીજીવાર ફોર્મ્યુલાની ચોરી ન થાય એટલે સિક્રેટ ચેમ્બરની માગ કરે છે. એના જવાબમાં કંપનીના વડા સુબ્બારાવ શ્રીનિવાસનને પરિવાર સાથે મહાબળેશ્વર જઈ એકાંતમાં લેપટોપ વર્ક કરવા જણાવે છે. મહાબળેશ્વરના રોકાણ દરમિયાન અજય અને એનું કુટુંબ પણ મહાબળેશ્વર આવે છે અને આખી ઘટના વાચકોને પ્રશ્નાર્થમાં મૂકી દે છે. મહાબળેશ્વરના પ્રવાસવર્ણન સાથે શ્રીનિવાસનને માથાનો દુખાવો ઊપડે છે. એના મૂળમાં એક એક્સિડન્ટ છે, જે જી.એમ.બી.ના વડા મધુસૂદનના ઇશારે કરાયો હતો. એની સારવાર દરમિયાન શ્રીનિવાસનના મગજમાં એક AI ચિપ બેસાડવામાં આવી હતી. જો કે આ રહસ્ય તો અંતે ખૂલવું જોઈએ પણ વાચકોને એનો આછો અણસાર આવી જાય એમ છે. વાચકોને જે અણસાર મળે છે એમાં છઠ્ઠા પ્રકરણની શરૂઆત મહત્ત્વની છે. એમાં જી.એમ.બી.ના સી.ઈ.ઓ. મધુસૂદન એક ખાનગી મિટિંગમાં જણાવે છે, ‘જુઓ! મને પાક્કી બાતમી મળી છે કે ડી.સી.એક્ષ.[ઍક્સ] કંપની બ્લડ પ્રેશરના નવા પેચ અંગે સંશોધન કરશે જ. મને લાગે છે કે એના અનુસંધાને જ એમણે એમના એમ્પ્લોયી મિ. શ્રીનિવાસનને આજે સવારે મહાબળેશ્વર મોકલ્યા છે. આપણી માર્કેટ ટકાવવી હશે તો આપણે એમનાથી એક પગલું આગળ જ રહેવું પડશે...’ અજય આ સંદર્ભે સામો પ્રશ્ન પણ કરે છે કે તમને એવી ખબર શાના પરથી પડી? કથા આગળ ચાલે છે. એટલે સુધી કે આવી ચિપ અને એના એમ્પ્લિફાયર અને રિસીવરોની પાછળ કોણ છે એ શોધવા એક જાસૂસ નામે તેજસ્વીકુમારને રોકવામાં આવે છે. એની ઉંમરના પ્રમાણમાં એની કુનેહ ઘણી આગળ છે. જુદા જુદા વેશપલટા કરી એ આ રહસ્યને શોધી કાઢે છે. આખરે બધા આટાપાટા અંતતોગત્વા સંકેલી લેવાયા છે. કોર્ટમાં મધુસૂદન ગુનો કબૂલ કરતાં કહે છે, ‘હું જી.એમ.બી. ડ્રગ કંપનીના ભારતીય યુનિટની માલિકી ધરાવું છું. ચાર વર્ષ પહેલાં અમારી પેરન્ટ કંપનીએ ઇલોન મસ્કની કંપની જેવો જ એક પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. એમાં બિટા-લિંક નામની માઇક્રોચિપ બનાવી હતી. એ ચિપ મગજમાં પેદા થતા વિચારોને શરીરથી દૂર આવેલી ડિવાઇસ સુધી મોકલી શકે છે અને એની પ્રિન્ટ પણ કાઢી શકાય છે. આ ચિપ ઇમ્પ્લાન્ટ કરવાની ટ્રેનિંગ પણ અમેરિકા સ્થિત બોસે ડૉ. રાજેશ્વરને અમેરિકા બોલાવીને આપી હતી. આ ડૉ. રાજેશ્વરે જ શ્રીનિવાસનના મગજમાં બિટા-લિંક ચિપ બેસાડી એ માહિતી એમ્પ્લિફાયર અને રિસીવરની મદદથી હાથવગી કરીને પેચ બનાવ્યો અને માર્કેટમાં મૂકી દીધો હતો.’ આ કેસ અલબત્ત છેલ્લે આ રીતે તફડંચી કરીને બનાવેલી કેપ્સુલની બાબતે થયો હતો જેમાં ડી.સી.એક્ષ.[ઍક્સ] કંપનીએ જાણી જોઈને જી.એમ.બી.ને મૂર્ખ બનાવવા માટે દાવ રમ્યો હતો. આમ આખી બાજી સમેટાય છે. અંતે સુબ્બારાવનું ઉદ્બોધન છે, ‘આ આખી ઘટના આપણા બધા માટે પણ એક લેસન છે – એક સબક સમાન છે. જિંદગીમાં જલદી પૈસાદાર કે પ્રસિદ્ધ થઈ જવા માટે શોર્ટકટ ક્યારેય ન લેવો જોઈએ. જી.એમ.બી. કંપનીને પૈસાની કોઈ તાણ હતી ખરી? પરંતુ કોઈના હક્કનું આંચકીને વધુ ધનવાન થવાની લ્હાયમાં એમણે ભારતનું યુનિટ બંધ કરવું પડે એવી નોબત આવી ગઈ. એટલે મિત્રો, ઓછું ખાજો પરંતુ હક્કનું ખાજો!’ ખાધું, પીધું ને રાજ કીધું જેવો સુખાંત છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ ચાલતાં આવાં કૌભાંડ પ્રાદેશિક ભાષામાં આવે એ સારી વાત છે પણ એની આંટીઘૂંટી કથામાં વ્યક્ત થઈ છે એટલી સરળ નથી હોતી. વળી સત્યના પક્ષે હંમેશાં ન્યાય ઊભો રહે છે એવું પણ ભાગ્યે જોવા મળે છે. તેમ છતાં કથા એકંદરે વાચનક્ષમ છે. વિજ્ઞાનકથા દ્વારા આ રીતે નીતિનું ઉદ્બોધન થાય એ બાળસાહિત્ય માટે ઉપકારક બની શકે પણ નવલકથા? એ દ્વારા વિશ્વના ગહન વૈજ્ઞાનિક પ્રવાહોથી વાચક સર્જનાત્મક રીતે જ અવગત થાય તો એ આદર્શ બની રહે.
[પ્રકાશકઃ લેખક, ભાવનગર.
વિક્રેતાઃ આર. આર. શેઠ, અમદાવાદ]