બે હજાર ચોવીસ સમક્ષ/કન્નુ કીડી જિંદાબાદ(બાળવાર્તા) – નટવર પટેલ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

બાળવાર્તા

‘કન્નુ કીડી ઝિંદાબાદ’ : નટવર પટેલ

શ્રદ્ધા ત્રિવેદી

આનંદ સાથે મૂલ્યશિક્ષણ આપતી બાળવાર્તાઓ

૧૫ બાળવાર્તાઓના આ સંગ્રહમાં બાળકની મનોસૃષ્ટિનું પ્રતિબિંબ એકદમ પારદર્શકતાથી ઝિલાયું છે એની પ્રતીતિ પહેલી વાર્તાથી જ થાય છે. મોન્ટુને કૂકડો કૂકડે... કૂક... કરે એટલે ઊઠવું પડે તે ન ગમે. ઓટલા પર બ્રશ કરવા બેસે ત્યાં તો રોફભેર આવેલા કૂકડા સાથે લઢવા જ માંડે. કૂકડો તો વિનયથી ‘નમસ્તે મોન્ટુભાઈ’ કહે પણ મોન્ટુ તો ચિડાઈ જાય ને પાછો કહે : ‘તમે મોડા કેમ નથી ઊઠતા મારી જેમ? મારી ઊંઘ કેમ બગાડો છો?’ કૂકડો કહે : ‘હું જ્યાં સુધી બાંગ ન પોકારું ત્યાં સુધી સૂરજદાદા જાગે જ નહીં ને?’ આ સાંભળી મોન્ટુ વધારે અકાળાયો. કહે : ‘જો તમે સૂરજદાદા માટે બાંગ પોકારતા હો તો તળાવની પાળે જઈને પોકારો ને!’ અને છેવટે મોન્ટુએ કહી જ દીધું કે, ‘કૂકડાભાઈ, છેલ્લી વાત સાંભળી લો. મારા વાડામાંથી તમારે બોલવાનું નહીં.’ – ને બસ, પછી તો કૂકડાનેય ખોટું લાગ્યું. તે કૂકડો બોલ્યો જ નહીં. જતો રહ્યો. બીજે દિવસે શું થયું? કૂકડાની બાંગથી જ ઊઠવા ટેવાયેલી મમ્મી, મોન્ટુ બધાંય મોડે સુધી ઊંઘી જ રહ્યાં. ને જ્યારે જાગ્યાં ત્યારે બહુ જ મોડું થઈ ગયેલું. મમ્મીએ કહ્યું કે, આજે કૂકડો ના બોલ્યો તેમાં મારે મોડું થઈ ગયું. એ સાંભળી પહેલાં તો મોન્ટુ ખુશ થયો કે વાહ! આખરે કૂકડાએ મારી વાત માની ખરી! આ વાર્તાઓમાં થતા ભાવપલટાઓ વાર્તાને જીવંત બનાવે છે. પછી જ્યારે મોન્ટુ બ્રશ કરવા ઓટલે બેઠો ત્યાં તો કૂકડો આવ્યો. મોન્ટુ ખિજાયો : ‘એય કૂકડા, આજે કેમ ના બોલ્યો?’ કૂકડાએ તરત જ કહ્યું : ‘તમે તો ના પાડી હતી ને!’ ને પછી પૂછ્યું : ‘આજે તો ઊંઘ નથી બગડી ને?’ – ત્યાં તો મોન્ટુ કહે : ‘અરે! પણ મોડું થયું તેનું શું?’ – આમ તેણે પોતાને મોડું થયું તેની ચિંતા વ્યક્ત કરી. કૂકડો આ સાંભળી ખુશ થયો પણ તેણે પોતાનો હરખ બહાર દેખાડ્યો નહીં. છેવટે મોન્ટુએ જ કહેવું પડ્યું કે, ‘કૂકડાભૈ, કાલથી રોજની જેમ બોલજો હોં.’ માનવ જેવાં ભાવપરિવર્તન–ભાવપલટાનું કૂકડામાં આરોપણ થયું તેથી વાર્તા વધુ હૃદયસ્પર્શી અને વાસ્તવિક બને છે. લગભગ દરેક વાર્તાનો આવો અનુભવ રહે છે. આવા ભાવપરિવર્તનના આલેખનથી વાર્તાઓ જીવંત બની છે. અહીં કબૂતરનું ડરપોક બચ્ચું નીડર બને છે; બગલીનાં બચ્ચાં માની શિખામણ માને છે, કન્ની કીડી ચતુરાઈપૂર્વક મોટાં પ્રાણીઓના અભિમાનને ખલાસ કરે! – જેવી જીવનમૂલ્યોને સાંકળતી વાર્તાઓ છે તો સાથે જ પ્રાણીઓ માનવજાતનું અનુકરણ કરવા જાય તો કેવી હાસ્યાસ્પદ સ્થિતિ સર્જાય – તેવી રમૂજભરી વાર્તા પણ છે. અહીં કથાનક અને ભાષા બાલભોગ્ય છે, બાલપથ્ય છે. ઉદા. : ‘આ સાંભળી ત્રણેયના ચહેરા કમળની પાંદડીઓની જેમ ખીલી ઊઠ્યા.’ આ રીતે ભાષાશિક્ષણ પણ થયું છે. આ જ રીતે પ્રાણીઓ વચ્ચેના સંવાદો માનવીય દૃષ્ટિકોણથી જ લખાયા છે. રતન સસલું કહે : ‘મને બૌ બીક લાગે છે.’ બાળક બોલે તેવું લેખન થયું છે. સાથે જ રતન સસલાનો માતા-પિતા સાથેનો સંવાદ જાણે કે માનવકુટુંબનું ચિત્ર રજૂ કરે છે. અહીંની મોટાભાગની પ્રાણીવાર્તાઓમાં પણ માનવકુટુંબ જેવી લાગણીઓ, ભાવનાઓ, આનંદ, ડર, લોભ જેવી બાબતો વ્યક્ત થઈ છે. અને તે પણ બાળકને મઝા પડે એવી ભાષામાં. અને તેથી બાળક આપોઆપ શીખે તેવો માહોલ ઊભો થાય છે. ‘કન્નુ કીડી ઝિંદાબાદ’ વાર્તા નિમિત્તે એક વાત કરવી છે. આ વાર્તાની શરૂઆતમાં જ મન્નુ મંકોડાએ જ્યારે વાઘ, હાથી અને અજગરના અભિમાનની વાત કરી ત્યારે જ કન્નુ કીડીએ મનમાં નક્કી કર્યું છે કે, ‘હું આ ત્રણેયનું અભિમાન ઉતારું તો જ હું કન્ની કીડી ખરી.’ બસ, પછી ચતુરાઈથી ત્રણેયનું અભિમાન ઉતાર્યું એટલે વાર્તા ત્યાં પૂરી થાય. તેથી અંતે લખાયેલાં ચાર-પાંચ વાક્યોની જરૂરિયાત નહોતી. આ નિમિત્તે બાળકને ટૂંકીવાર્તાના સ્વરૂપનો પરિચય કરાવી શકાય. વળી કીડીનું લક્ષ્ય પૂરું થયું ત્યાં જ સાંપ્રત બાળક અભિમાન ન કરવું – એ સમજી જાય છે ને વળી વ્યક્તિ નાની હોય કે મોટી – કોઈની પણ શક્તિની ઉપેક્ષા ન કરવી. નાની વ્યક્તિ પણ ભલભલાને હરાવી શકે છે – આવીઆવી અનેક બાબતો આ તેમ જ અહીંની બીજી વાર્તાઓ બાળકને સમજાવે છે. કથારસ અને શિક્ષણ – સરસ રીતે ગૂંથાઈને અહીંની વાર્તાઓનું પોત બંધાયું છે. અહીંની વાર્તાઓની મુખ્ય વિશેષતા એ છે કે એ પ્રારંભથી જ બાળકને વાર્તારસમાં ખેંચી જાય છે. બાળકોનું આસપાસના પ્રાણીજગત સાથેનું મનોમય તાદાત્મ્ય લેખકે સહજતાથી રજૂ કર્યું છે. આ સંગ્રહની વાર્તાઓ એક વાસ્તવિક ભૂમિકા પર રચાય છે તેમ જ તેની ભાવસૃષ્ટિ જીવંત આલેખાઈ છે. આનંદ સાથે મૂલ્યશિક્ષણ આપતો આ એક સારો બાળવાર્તાસંગ્રહ છે.

[અવનિકા પ્રકાશન, અમદાવાદ]