બે હજાર ચોવીસ સમક્ષ/ખિસકોલીઓનો ડાન્સ(બાળવાર્તા) – સ્વાતિ મેઢ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

બાળવાર્તા

‘ખિસકોલીઓનો ડાન્સ’ : સ્વાતિ મેઢ

નટવર પટેલ

પર્યાવરણલક્ષી સુંદર વાર્તાઓ, કેટલીક ક્ષતિઓ

સ્વાતિ મેઢનો આ પ્રથમ બાળવાર્તાસંગ્રહ છે. અહીં દરેક વાર્તામાં મહદંશે પ્રકૃતિ, પર્યાવરણ અને તેનાં તત્ત્વો કેન્દ્રસ્થાને છે. પશુપંખી અને જીવજંતુનાં પાત્રોની સાથે માનવપાત્રોની, સહકાર અને સમરસતાની ભાવનાથી સર્જાયેલી આ તાજગીસભર વાર્તાઓ છે. પ્રથમ વાર્તા ‘ખિસકોલીઓનો ડાન્સ’. ઉજાણીએ ગયેલાં બાળકોએ બાગમાં કરેલી ગંદકી ખિસકોલીઓ પોતાની પૂંછડીઓ દ્વારા ગીત-સંગીત સાથે ડાન્સ કરતાં-કરતાં સાફ કરી દે છે. આ ગંદકી બાળકોએ કરી, તો અમે શીદ સાફ કરીએ એવી કોઈ દલીલબાજી અહીં નથી ને તેથી સહજ રીતે સ્વચ્છતાનો સંદેશ બાળકોને પહોંચે છે. બીજી વાર્તા ‘જે જાગે તે જીતે’ એ શીર્ષકમાં જ વાર્તાનો સારાંશ સમાઈ જાય છે, ને લેખક કાચબા-સસલાની બીજી વારની દોડસ્પર્ધા ગોઠવી સસલાને જીતાડી સંદેશ પૂરો પાડે છે. અહીં સસલાને જંગલી બિલાડો, વાંદરો વગેરે પ્રાણીઓ હતોત્સાહ કરવા કોશિશ કરે છે છતાં કાબર, બુલબુલ જેવાં મિત્રોની પ્રેરણાથી એ જીત મેળવે છે. હતોત્સાહ થતાં બાળકો માટે આડકતરો સંદેશ અહીં આપોઆપ મળી જાય છે. તે પછીની ચાર વાર્તાઓમાં મુખ્ય પાત્ર કિટ્ટી અને પિન્કીની આસપાસ પર્યાવરણનાં પાત્રો અનુક્રમે કીડી, પતંગિયું, પતંગિયાનો જીવનક્રમ અને અળસિયાની દોસ્તીની વાર્તાઓ છે. કિટ્ટી કીડી બની કીડી સાથે દરમાં જઈ કીડીજગતની, તો ચોથી અને પાંચમી વાર્તામાં કિટ્ટી-પિન્કી બંને પતંગિયાં બની પતંગિયાં સંગે ઊડી તેના જીવનક્રમની તથા છઠ્ઠી વાર્તામાં બંને જીતુકાકાના ખેતર-વાડીમાં જઈ મુન્ની પાસેથી અળસિયાની માહિતી મેળવે છે. ત્રીજી કીડીની વાર્તામાં છેલ્લો ફકરો જરૂરી નથી. ચોથી વાર્તામાં કિટ્ટી-પિન્કી આફતમાં ફસાતાં બચે છે, ત્યારે બંનેને લાગે છે કે પતંગિયાની જિંદગી કંઈ સરળ તો નથી. ‘ફૂલવાડીમાં મેઘધનુષ’ (વાર્તા-૫) શીર્ષક છેતરામણું લાગે, કેમ કે અહીં બાળકોને તો વરસાદી મેઘધનુષની અપેક્ષા રહે; વળી એ અંગેની ચર્ચા પણ વાર્તામાં નથી, વાર્તામાં તો પતંગિયાનો જીવનક્રમ દર્શાવ્યો છે. ‘અળસિયાની દોસ્તી’ ( વાર્તા-૬)માં કિટ્ટી મુન્નીને એક સાથે પાંચ પ્રશ્નો પૂછે છે. એ બાળવાર્તાને ઉપકારક નથી. વળી, પ્રત્યુત્તર તો બેના જ મળે છે! આવો જ વધુ પ્રશ્નવાળો સંવાદ (પૃ. ૩૩) ફરી જોવા મળે છે. આ વાર્તામાં પૃ. ૩૪ ઉપરનું કાગડા દ્વારા અળસિયાના શિકારનું ચિત્ર ઔચિત્યભંગ ગણાય. માંસાહારી પ્રાણીઓનાં, શિકાર કરતાં ચિત્રો ઘણાં બાળકોને ન પણ ગમે. વાર્તામાં ચર્ચા હોઈ શકે પરંતુ ચિત્ર તો હકારાત્મક ભાવને અને રુચિને પોષે તેવું જ સારું. એ પછીની છ વાર્તાઓ (૭–૧૩) અલગ પાત્રો, દ્વારા વિવિધ વિષયો પરની પર્યાવરણ-વિષયક જ વાર્તાઓ છે. ‘નાની ભણેશરી’માં બહુ વાંચ-વાંચ કરતી નંદી અને જંગલમાં લાગેલી આગની કથા છે. વાર્તામાં અતિશયોક્તિ વધારે પડતી છે. દૂર લાગેલી આગ ફક્ત નંદીને જ દેખાય, ગામનાં અન્ય કોઈને નહીં, એ મગજમાં ન ઊતરે એવું છે; ને છેલ્લે નંદી સૌને પુસ્તક વાંચવાની સલાહ આપે તે પ્રસંગ સાથે સુસંગત લાગતું નથી. ‘નવો સાથી’માં પ્રથમ ફકરામાં લીમડો ને નીલગિરિનું ઝીણવટભર્યું વર્ણન વાર્તાને ઉપકારક બનતું નથી. બંને વૃક્ષો વચ્ચે માળી દ્વારા રોપેલા બોગનવેલના છોડને ન ઓળખી શકતાં પરિચય માટે લીમડો છેક વાર્તાના છેડે પૂછે : ‘તારું નામ શું?’ આમ કેમ? કદાચ લેખક આ શેના છોડ છે એ વિશેની બાળ વાચકોની જિજ્ઞાસા ટકાવવા ઇચ્છતાં હશે. અહીં લીમડાની વધુ પડતી ચિંતા, માળીનું ચુપચાપ કલમો રોપવી, નીલગિરિનું લીમડાને સાંત્વન વગેરે વાર્તાને કુતૂહલપ્રેરક બનાવે છે. પરંતુ માળી કશો પ્રતિભાવ ન પાઠવે એ કેવું? ‘ત્રિરંગી ચંપો’માં જૂઈ નામની છોકરીના બાગમાં ત્રણ રંગ – કેસરી, સફેદ અને લીલો–નાં ફૂલ આપે એવા ચંપાના ત્રણ નવા છોડ રોપવાની સરસ કુતૂહલપ્રેરક ચર્ચા છે. છોકરીઓ આ ત્રણ રંગને ભારત દેશના રાષ્ટ્રધ્વજના રંગો સાથે સરખામણી કરે છે, તે વાતે બાળવાચકો અવશ્ય રોમાંચિત બનશે. ‘ગજુ ડાહ્યો થયો’માં અભિમાની ગજુ મદનિયાનું ગુમાન દૂર કરી કેવી રીતે ડાહ્યો થયો એ વાત બાળકોને રસ પડે તેવી છે. અહીં લેખકે ‘પાણીનાં પંખીઓ’ને બદલે ‘જળચર’ શબ્દ વાપરી બાળકોને નવા શબ્દનો પરિચય કરાવ્યો હોત તો? એવું જ ‘નાના હાથી’ને બદલે ‘મદનિયું’ મૂકી શકાય. વાર્તા દ્વારા બાળકોનું શબ્દભંડોળ પણ વધે એ જરૂરી છે. ‘અટકચાળી ખિલ્લી’માં સૌને હેરાન કરતી નાની ખિસકોલીની વાત છે. અહીં (પૃ. ૬૧) મધમાખીના કાર્યનું વર્ણન કરતાં બે વાક્યો વાર્તાના પ્રવાહને રોકે છે, તે ઉપકારક નથી. એ જ રીતે અંતનો ફકરો પણ ઉપયોગી નથી. બાળકોને શીખ શા માટે? ‘મધમીઠી ઉજાણી’માં પતંગિયાં ફૂલોનો રસ, કીડીઓ ખાંડ, મધમાખીઓ મધ અને મંકોડા ગોળ એકઠો કરી ભેગાં મળી કેવી રીતે ઉજાણી કરે છે તેની કથા છે. અહીં છેલ્લા ફકરામાં સૌની મસ્તી એક મજેદાર શબ્દચિત્ર ઊભું કરે છે. સં૫નું મહત્ત્વ સમજાવતી નોખા પ્રકારની આ વાર્તા છે. ‘ઝાડનું નસીબ’ વાર્તામાં મેદાન વચ્ચે ઊભેલા અને સૌ જીવોને આશરો આપતા ઝાડને કાપી નાખીને તે મેદાનનો માલિક ત્યાં મકાનો બાંધવાની વાત કરે છે. સ્કૂલનાં બાળકોને જાણ થતાં આખા મેદાનમાં ગોઠવાઈ ઝાડ કાપનારાનો વિરોધ કરી ઝાડને બચાવે છે. આ વાર્તામાં લેખકે ‘આટલી વાત... એનાથી શું થાય?’ (૬૮) એક આખા ફકરામાં ચિંતનનો ભાર ઠાલવ્યો છે. એના બદલે સંવાદો દ્વારા આ વિચાર મૂક્યો હોત તો? વળી, વધુ ચોખવટ કરવા જતાં વાર્તાનો અંત વેરણછેરણ થઈ ગયો છે. વળી, ‘મોટાઓ તો જ સાંભળી રહ્યા. (૭૨) – આ વાક્યમાં ભારવાચક નિપાત ‘જ’ યોગ્ય સ્થાને વપરાયો નથી. તે આમ હોઈ શકે – ‘મોટાઓ તો સાંભળી જ રહ્યા.’ આ સમગ્ર સંગ્રહમાંથી પસાર થતાં લાગ્યું કે લેખક પાસે નવા વિષયો છે, જે બાળકોમાં જિજ્ઞાસા જગાડે છે. પરંતુ જ્યાં સંવાદોથી વાત વધુ રસમય બની શકે એમ છે ત્યાં માત્ર વર્ણન મૂકી એમણે ઇતિશ્રી માની લીધી છે. તો વળી, ક્યાંય સંવાદમાં વધુ પ્રશ્નો મૂકી વાત ગૂંચવી દીધી છે. સંવાદોમાંય પૂરાં વાક્યો ન મૂકીએ તોય ચાલે. જેમ કે, ‘અલ્યા, તમે બધાં કેમ ભેગાં થયાં છો?’-ના ઉત્તરમાં ‘અમે તો મીઠી વસ્તુઓની ઉજાણી કરીએ છીએ’ જેવું સંદિગ્ધ વાક્ય ન મૂકતાં ફક્ત ‘ઉજાણી કરવા.’ પૂરતું છે.

[ગૂર્જર, અમદાવાદ]