બે હજાર ચોવીસ સમક્ષ/વર્ષા પારિજાતની – ડંકેશ ઓઝા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

નિબંધ

‘વર્ષા પારિજાતની’ : ડંકેશ ઓઝા

યજ્ઞેશ દવે

કેટલાક લલિત, કેટલાક વિચારલક્ષી

‘નિબંધ લખવા, તે જેવી તેવી વાત નથી’ એમ નર્મદે કહ્યું ત્યારે નર્મદના મનમાં નવોન્મેષધારી સર્જનાત્મક નિબંધનો ખ્યાલ ન હતો કારણ કે તેવો નિબંધ ત્યારે અસ્તિત્વમાં જ ન હતો, બલકે ચન્દ્રકાન્ત ટોપીવાળા કહે છે તેમ પરલક્ષી કોઈ વિષય પર મુદ્દાસર શિસ્તબદ્ધ લખાયેલો લેખ જ નિબંધ તરીકે ઓળખાયો. સર્જનાત્મક નિબંધ તો પાછળથી આવ્યો. આધુનિક સર્જનાત્મક નિબંધના પુરોધા ફ્રેંચ નિબંધકાર મોન્તેઈને તો કહ્યું. “I am myself the matter of my book.” – મારા ‘નિબંધનો કે પુસ્તકનો વિષય હું પોતે જ છું – ઉમાશંકર કહે છે, ‘નિબંધનું રસબિન્દુ વિષય નહીં પણ લેખક પોતે હોય છે.’ આવા નિબંધની એક ખાસિયત તે તેનો અંગત ટોન – લેખકે આપણી સાથે વાત માંડી હોય તેવું લાગે. ‘વર્ષા પારિજાતની’ એ નિબંધસંગ્રહમાં લેખકને પણ એવો નિબંધ અપેક્ષિત છે, ‘જે સહજ હોય, સરળ હોય, પ્રવાહી હોય અને લખનારનું વ્યક્તિત્વ તેમાં ભળેલું હોય.’ આ ભૂમિકા પછી હવે સંગ્રહના નિબંધો વિશે વાત. ડંકેશ ઓઝાના નામથી ગુજરાતી વાચક અજાણ્યો નથી. મુખ્યત્વે અભ્યાસુ કર્મશીલ, જાગૃત નાગરિક અને ચર્ચાપત્રી. તેમનાં મોટાભાગનાં પુસ્તકોમાં સામાજિક નિસ્બત ડોકાય. ગુજરાતને ઘણાં કર્મશીલો મળ્યાં છે પણ સામાજિક સમરસતા, લોકશાહી મૂલ્યો અને સાંપ્રત રાજકારણ સમાજકારણ અંગે સતત ચિંતા અને ખેવના રાખી વિચારોને પુસ્તક રૂપે આપનારાં ઓછાં. ડંકેશ ઓઝા તેમાંના એક. જ્યાંજ્યાં કહેવા જેવું લાગે ત્યાં ત્યાં મુખર રીતે કહે – નામ પ્રમાણે ડંકા વગાડી તે તરફ ધ્યાન જરૂર ખેંચે. પણ આ નિબંધસંગ્રહમાં જે ડંકેશ ઓઝા છે તે આમ તો એ જ ડંકેશ છે પણ થોડા જુદા છે. થોડા અંગત, થોડા લલિત, થોડા પ્રવાસી છે તો સાથેસાથે સામાજિક નિસ્બતધારી તો ખરા જ. અહીં અગિયાર લલિત નિબંધો, ત્રણ પ્રવાસનિબંધો અને ત્રણ ચિંતનાત્મક વિચારપ્રેરક નિબંધો છે. ‘ઓળખીતી’ નિબંધનો ઉપાડ જ થાય છે હૂંફાળા સંવાદથી – ‘રમણભૈ કાલે બપોરે જમવા આવી જજો’ આપણને થાય કે શીર્ષકમાં જે છે તે ‘ઓળખીતી’ સાથે ભોજન-આમંત્રણને શું લેવાદેવા? ત્યાં તો રહસ્ય પરથી પડદો પડે છે કે ‘ઓળખીતી’ એટલે ખૂબ ભાવતી ‘પૂરણપોળી’ કે ‘વેડમી’. ‘ઓળખીતી’ એ તો પૂરણપોળી લાડકું નામ – ઓઝાકુટુંબપૂરતું. અહીં પૂરણપોળીના કેટકેટલા અધ્યાસો સંકળાયેલા – છેક નાનપણથી અત્યાર સુધીના – સ્વાદને નાદ સાથે જોડતી એક ઇમેજ બહુ ગમી. ‘દૂધનો રંગ બદલાઈ જાય એવો ઘટ્ટ દૂધપાક તૈયાર થયો હોય એમાં ઘીવાળી વેડમી ઝબોળી બ્રાહ્મણભાઈ ખાય એના સબડકાનું સંગીત અતિશય કર્ણપ્રિય.’ ચા આમ તો સામાજિક પીણું – ઘણીવાર તો નિરાંતે મળી વાતો કરવાનું એક બહાનું. એ ચા પર પણ એક નિબંધ ‘ચા-ની ચૂસકી’. ઘરમાં ચાનો વિરોધ, પછી લાગેલો ચસ્કો, પછી ગમતી થઈ ગયેલી એક ટેવ. ચાએ તો સ્મૃતિનો પટારો ખોલી આપ્યો. આ નિબંધમાં એક વાક્ય તો કથાબીજ જેવું. ‘ફોઈની ચાની રકાબીમાં અમે બાળકો ક્યારેક ફોઈની આંખમાંથી દદળેલાં આંસુઓનું ઉમેરણ પણ જોતા.’ એવો જ એક સરસ નિબંધ ‘હીંચકાનો લય’ સુખી ગુજરાતી ઘરની એક ઓળખ તે હીંચકો. હીંચકા નિમિત્તે અહીં કેટકેટલુ ગૂંથાયું – સાદી પાટ, પાટિયું, હીંચકો પીત્તળની કલાત્મક સાંકળે બાંધેલ હિંડોળો’ કવિ નાનાલાલનો ‘વિરાટનો હિંડોળો ઝાકમઝોળ! હિંડોળા ખાટ અને લાલાને પોઢાડવાનું વૈષ્ણવોનું પારણું. દરેકની વિશેષતા છતાં કામ એક – આપણને લયબદ્ધ રીતે ઝુલાવવાનું. ‘કદંબ અને કાગડો’ શીર્ષક વિચિત્ર લાગે. ક્યાં કૃષ્ણપ્રિય કદંબ ને ક્યાં ઓઘરાળો કાગડો. થાય કે કદંબ સાથે તો કોયલ શોભે. પણ ના. અહીં આપણે શ્રાદ્ધપ્રસાદ પિતૃ સુધી પહોંચાડતા કાગડાએ પોતાનો માળો બાંધવા કદંબ વૃક્ષ પસંદ કર્યું અને લેખકને કદંબડાળે માળો બાંધતા કાકદંપતીની મનોહર મથામણ જોવા મળી. ઘંટ પર પણ એક સરસ નિબંધ છે ‘ઘંટ’. અહીં સંકળાય છે સ્કૂલનો ઘંટ, મંદિરનો ઘંટ, કોઈ મંદિરે માનતા પૂરી થયે ચડાવેલા ઘંટોનું તોરણ. ઘંટનાદનો લય. ઘરમાં પૂજાના અંતે વાગતી ઘંટડી કે સ્વીટ્‌ઝરલૅન્ડમાં ગાયોની ડોકે બાંધેલી મંજુલ ઘંટડીઓ. બધું એકમેક સાથે ગૂંથાયું. જુઓ એક ગતિમાન દૃશ્ય– ‘રિસેસનો બેલ પડે પછી અમે બધાં જે ગતિથી ક્લાસની બહાર નીકળવા પ્રયત્ન કરીએ એની સરખામણી કૂવામાંથી કોશ છલકાઈને આવે પછી જે ઝડપથી પાણી ફોર્સ સાથે બહાર વહેવા લાગે તે સાથે જ થઈ શકે.’ ‘ફૂલો સાથે વાત કરવાનો સમય રહ્યો નહીં’ નિબંધ તેમની પુષ્પપ્રીતિનો દ્યોતક. આ નિબંધમાં તેમણે ગ્રીષ્મરાજ ગરમાળો, ગુલાબ, ચંપા-ની અછડતી વાત કરી પણ ફૂલની જેમ ખીલ્યાં તેમણે જપાનયાત્રા દરમિયાન જોયેલાં ‘ચેરી બ્લોઝમ’. ટુર દરમ્યાન ઠેરઠેર જોયેલાં ગુલાબી શ્વેત જાંબલી ઝાંયવાળાં ચેરી ફૂલો વિશેની વાત. આ બધાં છતાં તેમનો પક્ષપાત તો રહ્યો આંગણામાં જ રહેલા પારિજાત પર. લેખક કહે છે કે, “મારા મતે તો પુષ્પોનો રાજા પારિજાત છે. એના સૌંદર્ય અને સુગંધની તોલે બીજું કશું જ ન આવે! વળી સવાર પડે ને ધરતી પર જે બિછાત થઈ જાય છે એ બિછાવવી એ માત્ર અને માત્ર પારિજાતની મોનોપોલી. ‘નમામિ દેવી નર્મદે’ નિબંધ વાંચતાં લાગે કે જેમનું શૈશવ જ નર્મદાને તીરે વીત્યું હોય, જેણે અનેક કાળખંડમાં નર્મદાની ઋતુએ ઋતુ અને પર્વ તહેવારો જોયાં-ઊજવ્યાં હોય એ લેખક પાસે તો નર્મદાની કેટકેટલી સ્મૃતિઓ સાહચર્યો હોય. પણ આપણી એ અપેક્ષા અહીં અધૂરી જ રહે છે. શક્ય છે ભવિષ્યમાં પૂરી થાય. બીજા વિભાગમાં ત્રણ પ્રવાસનિબંધો મળે છે. જેમાં એક તો છે પ્રવાસ દરમ્યાન જોયેલાં અનુભવેલાં જાતજાતનાં ‘ગાઇડ’ કે ભોમિયા વિશે. બાકીના બે છે માથેરાન અને બનારસ-પ્રવાસના. ‘ભોમિયા વિના ભમવા’તા ડુંગરા’ નિબંધમાં ત્રણ ગાઇડ વિશેના અનુભવો આલેખાયા છે. ઊટી પ્રવાસ દરમ્યાન બસડ્રાઇવર પોતે જ ગાઇડ. ગાડી ચલાવતાંચલાવતાં જ આખા રસ્તે રનીંગ કોમેન્ટ્રી આપતો જાય – જેમાં માહિતી ઓછી ને મનોરંજન ભરપૂર. બીજો બેંગલોર ટુરનો ગાઇડ તો લોભિયો નીકળ્યો. મૈસૂરમાં જે ભોમિયો મળ્યો તે ગાઇડ કરતાં પોલીસ જેવો વધારે લાગેે. તે બધું બતાવતો જાય પણ ભાષા અને વર્તન તોછડાં. અહીં એમ લાગે કે લેખકે આવા ગાઇડોની વાત કરવા કરતાં ઊટી, બેંગ્લોર અને મૈસૂર જેવાં સુંદર સ્થળોની વાત કરી હોત તો! ‘માથેરાન’ નિબંધમાં પર્વતશ્રેણીઓ, ખીણો અને જંગલની દૃશ્યશ્રાવ્ય રમણા જરૂર છે, અને સાથેસાથે વૃક્ષોનાં નિકંદન, મજૂરોના શોષણની જિકર પણ છે. છતાં પૂરો તોલ નથી થતો. યાત્રાના સ્થૂળ અનુભવો પ્રમાણભાન વિનાના લાગે. કેટલાક ચમકારા જરૂર ધ્યાન ખેંચે : ‘આમે ય સૂરજ વાદળોમાં છૂપાછૂપી રમતો હોય અને જંગલનાં વૃક્ષો તમને સતત ધૂપછાંવનું સૌંદર્ય આપતાં રહે છે... ગમે ત્યારે વરસાદ અલપઝલપ આવતો-જતો હોય તેથી જંગલનાં વૃક્ષો અને તેનાં પાંદડાં સદ્યસ્નાત લાગવાનાં. તેમાં પંખીઓનો કલરવ તમારું ધ્યાન ખેંચવાનો. પક્ષીઓ દેખાય ઓછાં પણ વધુ તો તેમનો અવાજ સંભળાય.’ બે નિબંધો છે બનારસ-ડાયરી રૂપે. બનારસ નામ પડતાં જ તેની સાથેના અધ્યાસો યાદ આવે વિર્સ્તીણ ધીરગંભીર ગંગાપ્રવાહ, જુદાજુદા ઘાટો પર ચાલતી સ્નાન પૂજા શ્રાદ્ધથી માંડી અંત્યેષ્ટ સંસ્કાર સુધીની, કાશી વિશ્વનાથનું મંદિર. ગંગાપટ પર તરતી હોડીઓ. બિસ્મિલ્લાખાન કે સિદ્ધેશ્વરી દેવીનું સંગીત. આ બધું તો ભૂતકાળની જાહોજલાલી. લેખક તો વારાણસી અને ત્યાંની ગંગાની વર્તમાન દશાથી વ્યથિત છે. ત્યાંની પ્રસિદ્ધ ગંગાઆરતી પણ તેમના પર કોઈ પ્રભાવ નથી પાડતી. ‘મને તો જો કે આરતીમાં કોઈ મજા ન પડી. આરતીગાનનું સંગીત અને તેની સાથે ઘંટારવનું પરફેક્ટ મેચિંગ થવું જોઈએ.’ એક કાળે ગંગાતટે સહેલતાં સઢવાળાં વહાણો બનારસી શોભા હતી તેની યાદ કરતાં લેખક કહે છે, ‘અહીં પણ સઢવાળાં વહાણોની શોભા ન હતી, પવનની ગતિ ન હતી અને લાંબા વાંસનો ઠેકો ન હતો. હવે બધું ડીઝલ મશીનના હવાલે હતું. ઘાટ પરની આરતીમાંની ઘીની કે કપૂરની સુવાસ તો અમને ચડી ન હતી પણ હવે ડીઝલની વાસ પરેશાન કરતી હતી.’ બનારસમાં તેમને ગમ્યાં ઊંચા ઘાટોનાં પગથિયાં અને નિરાંતે બેસી શકાય તેવા ઓટલાઓ. ‘બનારસ ડાયરી-૨’ નિબંધમાં તો બનારસ લગભગ અદૃશ્ય છે. આ નિબંધમાં એવું તો ડાયવર્ઝન આવે છે કે વાત પહોંચે છે ‘હિંદુ અખબાર’, રેલ્વેની વ્યવસ્થા-અવ્યવસ્થા, અને જે. કૃષ્ણમૂર્તિ સુધી, જે ફરી પાછી મૂળ વિષય ‘બનારસ’ સુધી પહોંચતી જ નથી. થાય કે આના કરતાં બનારસની ગલીઓ ઘાટો અને ગંગાતટે આપણને ફેરવ્યાં હોત તો! આ સંગ્રહમાં આકાશવાણી પર આવેલા છ વાર્તાલાપો સમાવ્યા છે ૧. ‘નમામિ દેવી નર્મદે’ ૨. ‘તિમિર ગયું ને જ્યોત પ્રકાશ્યાં’ ૩. ‘સુંદરતા’ ૪. ‘ખુશ રહો’ ૫. ‘વાચન’ ૬. ‘પ્રતીક્ષા.’ આકાશવાણીના કાર્યક્રમોનું એક સહેલું લાગતું સ્વરૂપ એટલે ‘વાર્તાલાપ’ – ‘Radio talk’. વાર્તાલાપ અને talk બંનેમાં નિહિત છે કે વાર્તાલાપ આપનારી વ્યક્તિ (ભલે અદૃશ્ય રૂપે હોય) સાથે વાત માંડે, વાત કરે અને વાતવાતમાં વિષય ગૂંથાતો જાય. એનો ટોન થોડો અંગત હૂંફાળો બોલચાલના લયનો હોય. આ પુસ્તકમાં સમાવિષ્ટ છ વાર્તાલાપો એ વાર્તાલાપ કે સર્જનાત્મક નિબંધ કરતાં તો લેખ છે તેમ કહેવું વધું ઉચિત રહેશે. ઉમાશંકરે પણ કહેલું – ‘નિબંધ એે વાર્તાલાપ છે. જે કોઈ અદીઠ વાચક સાથેનું સંભારણ છે.’ બાકીના નિબંધો પણ આમ જુઓ તો વિવિધ વિષય પર લખાયેલા લેખો જ છે જેમાં વિચારો તો છે પણ સર્જનાત્મક નિબંધને અભિપ્રેત ભર્યાભર્યા વ્યક્તિત્વને પામ્યાનો આહ્‌લાદ નથી. આમ છતાં આ નિબંધોમાં કેટલાક મનનીય વિચારો છે. ‘સુખ કોને કહો છો?’ નિબંધમાંથી – ‘સુખનો અનુભવ કરનાર જ પછી બીજાને સુખી કરવા યત્નશીલ બનશે. તેને કોઈ એજન્ડા કે અસાઇન્મેન્ટ આપી દેવાની ઉતાવળ કરવા જેવી નથી.’ ‘બહુ મોટી અપેક્ષા યુવાનો પાસે સમાજે રાખી છે. બાળકો વૃદ્ધો ભાગ્યે જ કંઈ નવું કરી શકે. એક ભેળસેળ કરી શકે બીજું કદાચ જાળવણી કરી શકે સાચવી શકે. પણ નવસર્જન તો યુવા પેઢી જ કરી શકે. (સાંપ્રત યુવાધર્મ) ‘ઈશ્વર સત્ય છે એ વિચાર લઈને શરૂ કરેલી યાત્રા જ્યારે અંત તરફ પહોંચવા આવી ત્યારે ઉમેર્યું કે સત્ય એ જ ઈશ્વર છે. (સત્ય – ગાંધીજીના સત્યના પ્રયોગો વિશે.) છેલ્લે બે વિગતદોષની વાત, ‘તમે સુખી કોને કહો છો’ નિબંધમાં લેખકે અંગ્રેજ કવિના નામે અવતરણ મૂક્યું છે, ‘હાથમાં દારૂનો પ્યાલો, બ્રેડનો ટુકડો પ્રિય સખી બાજુમાં તું – પછી સુખ જ સુખ છે.’ આ અવતરણ બારમી સદીના જાણીતા પર્સિયન કવિ ઉમર ખયામની એક રૂબાઈ છે જેમાં પ્રિયતમના હાથમાં કવિતાનું પુસ્તક પણ છે. અહીં લેખક ‘એક કવિ’ એમ પણ કહી શક્યા હોત. ‘વિધાયક રીતે વિચારીએ’ નિબંધમાં એક વાક્ય છે. “ગ્લોબલ વોર્મિંગ કે બ્લેકહોલ જેવી વૈશ્વિક સમસ્યામાં તમે કોઈ જ અગવડ વધારી તો નથી જ, કોઈ ઉમેરો નથી કર્યો.” અહીં ગ્લોબલ વોર્મિંગ બરાબર છે પણ બ્લેકહૉલ અસ્થાને છે. બ્લેકહૉલ એટલે એવું અતિસઘન અવકાશીદળ કે જેનું એટલું ગુરુત્વાકર્ષણ છે કે તે પ્રકાશનાં કિરણોને પણ પોતામાં શોષી લે છે અને તેથી તે અતિઘન અવકાશી પદાર્થ દેખાતો જ નથી. બ્લેકહૉલને આપણી પૃથ્વી પરની કોઈ ઘટના સાથે લેવાદેવા નથી. સમગ્ર નિબંધસંગ્રહમાંથી પસાર થતાં એવું લાગે કે અન્ય ભોજનસમારંભમાં વરાની થાળીમાં અપોષણ તરીકે કોળિયો ભરાય તેટલો ભાત પીરસ્યો છે, પણ અવનવી વાનગીઓ પીરસવાની રાહ છે. લેખક ઘણું ફર્યા છે, નર્મદાતટના નાના ગામથી મહાનગરના નિવાસનાં સ્મરણો છે, અદના આદમીથી માંડી અનેક મહાનુભાવોને એ મળ્યા છે, આ જગતને જોયા-જાણ્યા-માણ્યાનું સાતેક દસકાઓનું ભાથું છે એટલે એવી અપેક્ષા રહે કે તેઓ જાતભાતના અવનવા સર્જનાત્મક નિબંધોનો થાળ હવે જરૂર ધરશે અને આપણને ધરવી દેશે.

[ગૂર્જર સાહિત્યભવન, અમદાવાદ]