બે હજાર ચોવીસ સમક્ષ/જપાન – ડંકેશ ઓઝા
પ્રવાસ
અજયસિંહ ચૌહાણ
જપાન-પ્રવાસનો વિગત ખચિત હેવાલ
જપાને સદીઓ સુધી પોતાનાં દ્વાર વિદેશી લોકો માટે ચસોચસ બંધ રાખ્યાં; એટલે ઓગણીસમી સદીના મધ્યમાં જ્યારે એણે પોતાના દરવાજા ઉઘાડ્યા ત્યારે સમગ્ર વિશ્વનું ધ્યાન એની તરફ ગયું. જપાનનું આકર્ષણ ભારતીયોને વિશેષ છે. એનું એક કારણ તો એ હતું કે પૂર્વના એક દેશે પોતાને કઈ રીતે બદલ્યો કે જેથી એ પશ્ચિમના દેશોની સમક્ષ પહોંચે; એટલું જ નહીં ઘણી બાબતોમાં તો એમનાથી પણ આગળ હોય. ભારતની વસતી-ઘનતા અને જપાનની વસતી- ઘનતામાં ઝાઝોે ફરક નથી. એટલે વધુ વસતી હોય તો વિકાસ ન થઈ શકે એ વાત જપાનને લાગુ પડતી નથી. પરંપરાઓને સાથે રાખી, પ્રાકૃતિક સંપદા સાચવીને પણ આધુનિક અને વિકસિત કઈ રીતે થઈ શકાય એનો દાખલો વિશ્વસમક્ષ જપાને બેસાડ્યો. ગુજરાતીમાં કાકાસાહેબ કાલેલકરના ‘ઉગમણો દેશ જાપાન’થી માંડીને તાજેતરમાં પ્રગટ થયેલા ભારતી રાણેના ‘સાકુરા સંગાથે’ સુધી અનેક લોકોએ જપાન વિશે પ્રવાસપુસ્તકો લખ્યાં છે. ત્યારે ડંકેશ ઓઝાનું ‘જપાન’ (પ્રગતિ અને સંસ્કૃતિની અનોખી દુનિયા) પુસ્તક જોઈને સ્વાભાવિક જ ઉત્કંઠા હોય. પણ, પુસ્તક વાંચતાં નિરાશ થવાય. આ પુસ્તકમાં ડંકેશ ઓઝા-દંપતીએ ૨૮ માર્ચથી ૯ એપ્રિલ ૨૦૨૩ દરમ્યાન કરેલા જપાનપ્રવાસનું વર્ણન છે. જેમાં કુલ એકવીસ પ્રકરણ છે. ઉપરાંત પરિશિષ્ટમાં અન્ય લેખકોના જપાનપ્રવાસોના અંશો મૂક્યા છે. પુસ્તકની શરૂઆતનાં ચાર પ્રકરણ ‘સાકુરા વૃક્ષોની છાયામાં’, ‘જપાનનો પ્રાચીન ઇતિહાસ’, ‘જપાનનો ધર્મ’, ‘જપાનની સંસ્કૃતિ’માં જપાન વિશેની પ્રાથમિક અને સપાટી પરની માહિતી છે. પુસ્તકનો વાચક જપાન વિશે કશું જ ન જાણતો હોય તો એને વિષયપ્રવેશ માટે ઉપયોગી થઈ શકે; બાકી ગૂગલના આ સમયમાં એનું બહુ મહત્ત્વ નથી. કારણ કે એનાથી વધુ સૂૂક્ષ્મ માહિતી તસ્વીરો સાથે ગૂગલ પર ઉપલબ્ધ છે. પ્રવાસનું અંગત વર્ણન પાંચમા પ્રકરણથી શરૂ થાય છે. એમાં પણ નિવાસની હોટેલ્સ, મુસાફરી માટેનો કોચ, રોજિંદી દિનચર્યા, ટૂર ઓપરેટર, વગેરેની વિગતો છે. એક ભાવક તરીકે એમ થાય કે આટલી માહિતીલક્ષી વાત પછી હવે પછીનાં પ્રકરણોમાં જપાનનું સર્જનાત્મક ચિત્ર મળશે. પણ, એવું બનતું નથી. ક્યાંથી-ક્યારે નીકળ્યાં, ટુર ઓપરેટરે કેવી વ્યવસ્થા કરી હતી એ વિગતો અને જોયેલાં સ્થળોનું ઉપરછલ્લું વર્ણન જ વધારે જગ્યા રોકે છે. ‘માઉન્ટ ફ્યુજિયામા’ નામનું આખું પ્રકરણ માહિતી અને વિગતોથી ભરેલું છે. પ્રવાસનિબંધનું મહત્ત્વનું અંગ છે સર્જક વ્યક્તિત્વનું પ્રગટીકરણ. એ સ્થળ કે પ્રાકૃતિક પરિવેશને જુએ છે; એની એના મન પર શું અસર થઈ એના સંવેદનભર્યાં આલેખનમાં ભાવકને રસ પડે છે. અહીં સીધું-સપાટ કથન છે. માઉન્ટ ફ્યુજિયામાને જોતાં એ લખે છે, ‘આપણે માટે જેમ હિમાલય પવિત્ર છે એવું જ સ્થાન જપાનની સંસ્કૃતિમાં ફ્યુઝ પર્વતનું છે. કોઈપણ સ્થળેથી માઉન્ટ ફ્યુજી દેખાય, એનું ઝાંખુંઝાંખું શિખર દેખાય તો પણ લોકો સંકેત કરીને તેની નોંધ લેવાના અને બાજુમાં જે કોઈ હોય તેને તે બતાવવાના. આ પવિત્ર પર્વતનું દર્શન નસીબદારને જ થાય એવી વ્યાપક માન્યતા સ્થાનિક પ્રજા ધરાવે છે, એ વાત અતિ જાણીતી પણ છે. તોકાઈદો રોડની બાજુમાં આવેલું સરોવર જે રોડ ક્યોતો અને ટોકિયોને જોડે છે. અમારી સ્ટીમરનું નામ પણ ક્વીન આશિનોકો જ હતું.’ (પૃ. ૫૬) એ પર્વત જોઈ પોતાને શું સંવેદન થયું કે શું લાગ્યું એની કોઈ વાત લેખક કરતા નથી. અન્ય વિગતો જ વધુ જગ્યા રોકે છે. એવું જ ‘હિરોશીમા-વિશ્વશાંતિની ઝંખના’ પ્રકરણમાં છે. કયા વર્ષે અણુબૉમ્બ ફેંકાયો, યુનોમાં શું થયું, કાકાસાહેબ શાંતિસંમેલનમાં આવ્યા હતા એ બધી વિગતો છે. વિશ્વની આવી મોટી વિભીષિકા થઈ એ જગ્યાએ પહોંચતાં હૃદયમાં કેવાકેવા ભાવ જનમ્યા એની કોઈ વાત નથી. હું એમ નથી કહેતો કે વિગતો ન હોવી જોઈએ પણ માત્ર વિગતોથી પ્રવાસનિબંધ થતો નથી. પ્રવાસ- નિબંધને લલિત નિબંધનો જ એક પ્રકાર ગણવામાં આવે છે. પ્રવાસનિબંધમાં સૌંદર્યવર્ણન, લાલિત્ય-યુક્ત ભાષા, સર્જકનો ‘હું’, લેખનની છટાઓ, સ્થળ સાથે જોડાતી સર્જકચેતના, સર્જકના સંવેદનવિશ્વનો ઝંકાર ભાવકને આનંદિત અને રોમાંચિત કરે... એવી અપેક્ષા રહે. પ્રવાસનિબંધ કે પ્રવાસકથાનું બીજું પાસું સ્થાનિક લોકજીવનનું, સંસ્કૃતિનું વર્ણન છે. અહીં ‘જપાનની સુખ્યાત ટી-સેરિમની’માં એનું રસપ્રદ આલેખન જરૂર મળે છે. ટી-સેરિમની જાપાની ગેઈશાના ઘરે હોય છે. ચા પીવી એ પણ જાપાની પરંપરામાં કેવું ઉત્સવનું રૂપ છે એની વાત કરીને એ લખે છે ‘ગેઈશા પરણતી નથી. એ પરણી હોય છે કલાને, સંસ્કૃતિને, પરંપરાને. એનો પહેરવેશ, એની આગતા-સ્વાગતા, એનું પુરુષ-યજમાન સાથેનું વર્તન એ બધામાં એક ઊંચા પ્રકારની ભદ્રતા અને સંસ્કારિતા હોય છે. પ્રવર્તમાન એવી સૂક્ષ્મ મર્યાદા ઓળંગવાની હોતી નથી. કોઈકે નોંધ્યું છે કે કિમોનો વેશ્યા અને ગેઈશા બંને પહેરે છે. ગેઈશામાં પાછળ એક પ્રકારનું વસ્ત્ર અને ગાંઠ હોય છે, જે વેશ્યાના પહેરવેશમાં આગળ હોય છે! નવી ભૌતિકતા અને આનંદપ્રમોદની દુનિયામાં ક્યાંક પરંપરાઓ ભૂંસાતી ગઈ હોય અને સંસ્કારિતાનો છેદ ઊડી જતો હોય એવું સંભવ છે. પણ વ્યાપક પરંપરા તો પેલી જ છે. એના ઘરમાં પ્રવેશતાં તમે તમારાં બૂટ-ચંપલ બહાર ઉતારો અને ત્યાંની પરંપરા મુજબ એ તમારા પગ ધોઈને ઘરમાં પહેરવાનાં વિશિષ્ટ પગરખાં પહેરાવે ત્યાંથી લઈને હૂંફાળા ગરમ પાણીથી તમારું શરીર ચોળીને તમને સ્નાન પણ કરાવે છે. પણ આ બધામાં ક્યાંય અયોગ્ય છૂટછાટ લેવાની હોતી નથી, આ છે જપાનની ગેઈશા-પરંપરા.’(પૃ. ૮૩) પરંતુ આવાં મર્મસ્થાનો આ પુસ્તકમાં ઓછાં છે. એનું એક કારણ તો લેખકે સ્વીકાર્યું છે કે કન્ડક્ટેડ ટૂરમાં ગયાં હોવાથી સ્થાનિક લોકો સાથે સંવાદના પ્રસંગો ઓછા બનતા રહ્યા. સમગ્રતયા જોતાં એમ કહીં શકાય કે જપાન પ્રવાસની પૂર્વ તૈયારી રૂપે; એ દેશની ઉપરછલ્લી માહિતી મેળવવા માટે આ પુસ્તક કામ આવે. ગદ્યનું લાલિત્ય, વર્ણનનું સૌંદર્ય, અંગત સંવેદનનો સંસ્પર્શના અભાવે સર્જનાત્મક પ્રવાસકથાનો આનંદ આ પુસ્તક વાંચતાં મળતો નથી.
[આર. આર. શેઠ, અમદાવાદ]