બે હજાર ચોવીસ સમક્ષ/સરસ્વતી – જયંત રાઠોડ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

નવલકથા

‘સરસ્વતી’ : જયંત રાઠોડ

ભરત મહેતા

સંભાવના અને પ્રશ્નો

જયંત રાઠોડ એક જ વાર્તાસંગ્રહ ‘ધોળી ધૂળ’થી સમકાલીન વાર્તાકારોમાં મહત્ત્વના વાર્તાકાર ગણાય છે. ‘સરસ્વતી’ એમની પ્રથમ નવલકથા છે. આ નવલકથામાં ઘણી સંભાવનાઓ છે. સજર્કની પ્રથમ નવલકથા હોવા છતાં એ સહૃદયોને સ્પર્શી જાય તેવી છે. અલબત્ત, પ્રથમ નવલકથાલેખનની કચાશ નથી એમ ન કહી શકાય. લેખકે ટૂંકીવાર્તાઓ લખી છે તેથી સંવેદનક્ષણને ઊંડાણ લગી આલેખવાનું એમને ફાવે છે. નવલકથાના કેન્દ્રમાં કહેવાપૂરતો પાર્થ છે. પાર્થ કલકત્તાના પોર્ટ પર નોકરી કરે છે. એક દિવસ એને સામાનમાંથી સરસ્વતીમામીની ડાયરી મળે છે. આ ડાયરી એ વાંચે છે. આ રીતે નવલકથામાં ડાયરી પ્રયુક્તિ લેખે ઉપયોગમાં લેવાતી રહી છે. આ નવલકથાનાં પચ્ચીસ પ્રકરણોમાંથી પંદર પ્રકરણોમાં ડાયરી છે. તેથી નવલકથા સરસ્વતીની જીવનકથાના ઢાંચામાં વહે જાય છે. એ જીવનકથાના અતીતની સમાંતરે ડાયરી વાંચનાર પાર્થના સમકાલીન જીવનને મૂકવામાં આવ્યું છે. પરંતુ પાર્થની પછવાડે ઊભેલાં સરસ્વતીમામી જ કથાના કેન્દ્રમાં છે. નવલકથાનું નામ પણ કદાચ આ જ સૂચવે છે. પાર્થ ઈ.સ. ૧૯૯૭થી કલકત્તા નોકરી કરે છે. ઈ.સ. ૨૦૦૧નો ભૂકંપ એણે નજરોનજર જોયો છે કચ્છનો છે એટલે કલકત્તાથી કચ્છ આવતો રહેતો હશે. સ્ટેટસમેન છાપું વાંચે છે – દોઢ વરસથી ચિત્રાંગદા સાથે લિવ ઈનમાં છે. રામકિંકરનાં ચિત્રો જુએ છે, યાદ રાખે છે! લાલ સરકારના દિવસો પૂરા થવા આવ્યા છે ને મમતાદીદીના દિવસો આવ્યા છે એની પણ એણે ખબર છે. લિવ-ઈન ખુદ જ એની આધુનિકતા છે. પરણવાની ઉમ્મરવાળો ગુજરાતી છોકરો આધુનિક વિચારો ધરાવે છે. સિગારેટ પીવે છે. છતાં આખા બંગાળને હચમચાવી નાખનાર નંદિગ્રામ ઘટનાની નવલકથામાં નોંધસુદ્ધાં નથી! પાર્થના કલકત્તાનિવાસના કારણે નવલકથામાં કલકત્તાનો પરિવેશ નિરૂપાયો છે. પાર્થ કલકત્તા પોર્ટમાં નોકરી મળવા જેટલું ક્યાં ભણ્યો? એનો છાંટો માત્ર નવલકથામાં નથી. ઈ.સ. ૧૯૯૭થી કલકત્તા છે, બાર વર્ષથી કલકત્તામાં રહે છે છતાં એના કલકત્તાના અનુભવો સીમિત છે. એને વિસ્તારોનાં નામ આવડે છે. બંગાળી પરિવેશમાં ચાલતી આ કૃતિમાં ક્યાંય માછલીની ગંધસુધ્ધાં નથી આવતી. બંગાળી મીઠાઈઓ પણ નથી. કલકત્તાની સંસ્કૃતિ ખાસ્સી પરિઘમાં રહી જાય છે. નવોસવો પ્રવાસી વિસ્તારો કે મંદિરો જોતો હોય એટલું માત્ર ન ચાલે. કચ્છ છોડીને આવેલો આપણો આ નાયક વતનઝુરાપો ખાસ અનુભવતો નથી. એકાદ સ્થળે વતનઝૂરાપો શબ્દોમાં પ્રગટ થયો છે, ક્રિયામાં નહીં. બધાં સ્થળોના ચોક્કસ નામ જ આપતા લેખકે સરસ્વતી મામીનું ગામ, નાયકનું મોસાળ, જે કૃતિનું અગત્યનું સ્થળ છે એનું નામ જ આપતા નથી એનું મને વાચક તરીકે આશ્ચર્ય થાય છે! ઈ.સ. ૧૯૯૭થી ઈ.સ. ૨૦૦૯માં તો સંદેશાવ્યવહાર ઝડપી છે પરંતુ પાર્થને એની માની યાદ આવતી નથી! બા ભૂકંપ પછી કલકત્તા રહેવા આવેલી પણ થોડા જ સમયમાં વતન ચાલી ગઈ હતી એ દિવસો પણ નિરુપાયા નથી! ભૂલેચૂકે પણ પાર્થ, ચિત્રાંગદા, કુંજરબાબુ કે પૌલોમી કોઈ કરતા કોઈ પાર્થની મા ને યાદ કરતા જ નથી! લેખકની સરસ્વતીમાની મોહિનીએ કરાવેલી આ મોટી સરતચૂક છે. પાર્થ કલકત્તાનિવાસ દરમ્યાન ચિત્રાંગદાનો પડોશી હોઈ સંપર્કમાં આવે છે. બેઉ એકબીજાને ચાહે છે. લગ્નથી જોડાયા નથી, લિવ ઈનમાં રહે છે. ચિત્રાંગદાનું સ્વાયત્ત વ્યક્તિત્વ નવલકથામાં એક ઓળખ ઊભી કરે છે. ચિત્રાંગદાના વર્ણન સમયે લેખકની કલમ ખીલી ઊઠી છે એમ કહેવાનુંય મન થાય. ચિત્રાંગદા વિધુર કુંજરબાબુની દીકરી છે. ચિત્રાંગદાની મા સરલા દેવી મૃત્યુ પામ્યાં છે. ચિત્રાંગદાની મોટી બહેન પૌલોમીનું અગમબાબુ સાથે લગ્ન થયેલું છે. એ લગ્નજીવન ખોરંભે પડ્યું છે. કથાના પ્રારંભે પૌલોમી પિયરમાં રહે છે. આ દિવસોમાં પાર્થના જીવનમાં મહત્ત્વની ઘટના હોય એમ અહીં ડાયરી નિરૂપાઈ છે. સામાનમાંથી ચિત્રાંગદાને મળેલી ડાયરી દ્વારા આપણે સરસ્વતી મામીના જીવનથી પરિચિત થઈએ છીએ. ઓછા ભણતરે ઝાઝું સંવેદતાં સરસ્વતીમામીની ડાયરી નવી પેઢીના પાર્થના હાથમાં આવતાં સદેહે જોયેલાં મામીના કંઈ કેટલાય અજાણ્યા પ્રસંગો જાણી રોમાંચ અનુભવે, પ્રેમ આદરમાં પલોટાય. કહો તો આ કથા છે. ડાયરી મળી આવતાં ડાયરીનું પહેલું પ્રકરણ પાર્થે એકલા જ વાંચ્યું હતું. ચિત્રાંગદા પૂછે છે – તું આજે ડાયરી વાંચતો હતો ને? ખબર પડી કોણે લખી છે? મામીએ લખી હોવાની સંભાવના વધારે છે. છ દાયકા પહેલા લખાયેલી આ ડાયરી વિશે ચિત્રાંગદા કહે છે. ‘ડાયરી જેણે પણ લખી હોય. પાર્થ! જરા વિચાર. આઝાદીનો એ કપરો સમય, યાત્રાની અસુવિધા, આવી લાંબી યાત્રા કેમ સંભવ થઈ હશે? નાના બચ્ચાને લઈને કેવી રીતે સલામત પહોંચ્યા હશે? મારી અંતરદૃષ્ટિ કહે છે કે તારાં મા પ્રતાપી મહિલા હોવાં જોઈએ.’ (પૃ. ૪૩) આમ, મામીને પ્રતાપી મહિલા તરીકે ચિત્રાંગદા લેખક નિમિત્તે પ્રારંભે જ સ્થાપી દે છે. પાર્થ-ચિત્રાંગદાની કથાના તાણામાં સરસ્વતી મામીની જીવનકથાનો વાણો પરોવી દેવાયો છે. ‘રાતના ભોજન પછી આંગણમાં ફરવાનો ક્રમ છોડીને પાર્થે પોથી હાથમાં લીધી. જલદીજલદી પરવારીને આવેલી ચિત્રાંગદા પણ પાર્થ જેમ જ આતુર જણાઈ. કોઈ સંસ્કાર કે વિધિ થવાનો હોય એમ એની સામે બેસી ગઈ.’ (પૃ. ૪૪) આ ડાયરી નવલકથામાં ક્રમશઃ વંચાય છે. જે નાનકડી ડાયરીએ આ બેઉ પાત્રોમાં આટલી ઉત્સુકતા જગાડી છે. આ ઉત્સુકતા ઉત્કટ પણ છે છતાં ડાયરીનાં પંદર અત્યંત નાનકડાં પ્રકરણો સમયાંતરે જ વંચાયાં! આ લેખકની સગવડ છે. ડાયરીને વાંચવાની પાત્રની ઉત્સુકતા-ઉત્કટતા લેખકની પ્રયોજનાથી વાસ્તવિક રહેતી નથી. જો ડાયરી આમ ક્રમશઃ જ રજૂ કરવાની હોત તો થોડીક નિર્લેપતા પણ રાખવી જરૂરી હતી. અન્યથા ડાયરી તાકીદે જ વાંચવાની થાય. ડાયરીવાચનનો પડતો વિરામ સહ્ય નથી બનતો. બીજું કૃતિમાં એક મહત્ત્વની સરતચૂક છે કે ઈ.સ. ૧૯૯૭માં કલકત્તા આવેલો પાર્થ સરસ્વતી મામીથી ખૂબ જ પ્રભાવિત છે. એમને મા જ કહે છે. છતાં ડાયરી દ્વારા મામીના જીવનનાં અજાણ્યાં પૃષ્ઠો ખૂલે છે વાસ્તવિક મામીની સ્મૃતિઓ અત્યંત પાંખી છે. ડાયરી વાચન અને કથાનો સમય ચાર-પાંચ મહિનાનો છે. ડાયરીમાંથી સરસ્વતી મામીની જે કથા આપણી સમક્ષ મુકાય છે. જેમાં સરસ્વતી જન્મી ત્યારે બાપનું મોં જોવા ન પામી! તેથી પોતાની જાતને અપશુકનિયાળ માને છે. સરસ્વતીના ડાયરીમાંથી સાસરી અને પિયરના એકાધિક પાત્રો ઊભરે છે પરંતુ બધાં જ પાત્રો સદ્‌પાત્ર છે. તેથી સરસ્વતીમા મનુષ્યજનિત કોઈ મોટી કટોકટીનો સામનો નથી કરતાં પરંતુ નિયતિજનિત સંકટો ઘણાં ઊભાં થાય છે. પરણીને સીધું જ સાવ નાની વયે કચ્છથી ઓરિસ્સાના આદિવાસી વિસ્તારમાં જવું પડે, સાહિત્યનો રસિક પતિ એકાએક ખોવાઈ જાય? કસુવાવડમાં સરસ્વતીના બાળકનું મૃત્યુ થાય. મામીના પતિની શોધમાં નીકળેલા જેઠનું મૃત્યુ થાય, જેઠાણી પિયર ચાલ્યાં જાય, સાસુના અવસાન પછી સસરા નવાં લગ્ન કરે, બે બાળકોના પિતા બની તરત જ મૃત્યુ પામે. જેઠાણી અને સ્વયં સરસ્વતી નિઃસંતાન હોઈને નાની વયે જ કુટુંબકબીલાને સાચવવાની જવાબદારી સરસ્વતી પર આવે છે. ઓરિસ્સાની સંપત્તિ વેચી મામી વતન પાછાં ફરે છે. દિયર, નણંદ અને ભાણેજને ઉછેરે છે. સરસ્વતીમામીને ભલે થોડુંક દામ્પત્યજીવન મળ્યું પરંતુ પતિ સાહિત્યરસિક હોઈને એમને ટાઢક વળે છે. જ્યારે સરસ્વતી મામી પેટથી હોય છે ત્યારે ભાઈ પુત્ર માટે શુભેચ્છા આપે છે ત્યારે આ દંપતીની પ્રતિક્રિયા એમની ઊંચાઈને સહજતાથી વ્યક્ત કરે છે. ‘ભાઈને બદલે બાપે આપ્યા બરાબર એ શિખામણ મેં માથે ચડાવી. પણ કુળનો દીપક જ જન્મશે એવું એમણે કેમ માની લીધું હશે? દીકરો જનમે તો દીપક ને દીકરી હોય તો, શું ચીમની જનમી કે’વાય? પાછા મોટા માણસો જ ડહાપણ ડોળતા કે બાળક તો ભગવાનનું રૂપ. મેં મારા વરને જ સીધું પૂછી લીધું’તું તમને દીપક ખપે કે ચીમની? ચીમનીવાળી વાત જાણીને એ કાંય હસ્યા છે. અને પછી એમણે જે વેણ કાઢ્યાં. આવો ભેદ કરીને આપણે બ્રહ્માની રચનાનું અપમાન કરીએ છીએ. મને થયું આ તો અસલ ગાંધી બાપુની વાણી. એમના એ શબદ મારા હૈયામાં કોતરાઈ ગ્યા છે.’ (પૃ. ૧૦૪) આમ એક તરફ પાર્થ-ચિત્રાંગદા, પૌલોમી-અગમ, કુંજરબાબુ-સરલાની સામે સરસ્વતીમામી-મામા, જેઠાણી-જેઠ આવાં યુગલોનો સમૂહ અહીં છે. નવલકથાની સૌથી સ્પર્શી જતી ઘટના છે સરસ્વતીની ગાંધી પ્રત્યેની આસ્થા. કિશોરાવસ્થામાં સરસ્વતીને ગાંધીજી ગમતા હતા તેથી મા કન્યાવિદાય વખતે કહે છે, ‘સરસતી, હવે ગાંધી બાપુને ભૂલી જાજે! ડાહી થઈને સાસરે રેજે. દેશની સેવા તો ઘરમાં રઈને પણ થાય.’ (પૃ. ૪૭) સરસ્વતી વિચારે છે, ‘બાપુની હાકલ પડતાં દેશ બેઠો થઈ ગયો તો. બાપુએ તો બેન દીકરીયું ને પણ ઘૂમટાને ઘરમાંથી બહાર કાઢી! દેશની કોઈ મોટી ખબર આવે તો હું માને વાત કરતી. એ બિચારી આવી બધી વાતોથી ગભરાતી. એને એમ કે ક્યાંક હું આશ્રમમાં રેવા ન હાલી જાઉં. મારાં લગન થયા એ વરસે ગામમાં મોટું સંમેલન ભરાણું, તું એમાં સ્વયંસેવક માટે અમારી નિશાળની છોકરીઓને જાવાની છૂટ મળી તી. એમાં મારુંયે નામ હતું. સંમેલનમાં ગઈ તંયે ખબર પડી કે સાતેક વરસ પહેલાં બાપુ ને સરદાર અમારા ગામે આવ્યા’તા.’ (પૃ. ૪૮) આવી સરસ્વતી પરણીને ઓરિસ્સાના આદિવાસી વિસ્તારમાં ગઈ હતી જ્યાં સાસરિયાઓ રેલવે કૉન્ટ્રાકટ, વેપારમાં સંકળાયેલા હતા ત્યાં કામવાળી છોકરી લખમીને નિમિત્તે એ આદિવાસીઓને ભણાવવાં, સ્વચ્છતા રાખવા શીખવવું જેવી પ્રવૃત્તિ કરે છે. એની સેવાથી પ્રભાવિત આદિવાસી સ્ત્રીઓ મામીને છોટી મા કહે છે. પ્રસૂતા સ્ત્રીઓની સેવા કરવી, સિવણકામ શીખવવું. આદિવાસી વસ્તીમાં જવાથી સરસ્વતીમાનો અનુભવવ્યાપ વધે છે. આ અનુભવવ્યાપને ડાયરીમાં આ રીતે વાચા મળી છે. ‘લખમીની માને જોઈ? કેવી છોતા જેવી થઈ ગઈ છે. એની પાછલી પાંચ સુવાવડમાંથી એક લખમી જ જીવી ગઈ. હવે આ બિચારું કેટલા દિ કાઢવાનું? પણ ભૂલેચૂકે આપણે એનું મોઢું જોઈ ગયા તો એના મરવાનું પાતક આપણા માથે અડાવે એવું આ વરણ.’ (પૃ. ૬૨) ‘ખબર નહીં કેમ આ વરણની બાઈઓ સારુ મારું પેટ બળવા માંડ્યું. પણ જેઠાણીનો મત જુદો હતો. એમણે તો સોઈઝાટકીને કઈ દીધું એનાથી છેટા જ સારા. એવાના વેમનું ઓસડ ન મલે. આપણે પાછું રેવું તો એમના ભેરુ ને? હું તારી જેમ ભણેલી નથી પણ ગણેલી ખરી. અંગૂઠા જેવડી છોકરી! તું કરી કરી ને શું કરીશ? એના ભાયડા સાવ ગમાર. દારૂ પીવે, પરમાટી ખાય એટલે મતિ મારી જાય. ભાન ભૂલીને ભાઈયું તો ઠીક, છોરાંઉનાં માથાંય ભાંગી બેસે. આવા લોકો સારું પેટ બાળવું નઈ. તું આવાં ગાંડા ન કાઢતી. તારા ભેગી મારેય ઘરમાંથી બારે જોવાનો વારો આવશે. સસરાની ઉપરવટ જઈને આપણા ધણી હાથ ઝાલશે એવું સપનેય ના વિચારતી!’ (પૃ. ૬૨–૬૩) ‘બસ્તીની ગંદકી સાફ કરવી એ નેવાનાં પાણી મોભે ચડાવવા જેવું કામ, તોયે ચાલુ રાખ્યું. ગંદકી તો ઓછી થઈ. જડ ઘાલી ગયેલી કેટલીક પ્રથા પણ ધીરે ધીરે મટી. ભૂવાને બદલે બસ્તીમાં દાક્તર દેખાતો થયો. નાગાં-પૂંગાં છોકરાં ઘોયેલ કપડાં પેરતાં થ્યાં. મારી માએ દીધેલ સિવણની તાલીમ અહીં કામ આવી ગઈ. ઘરના માણસોએ કોઈ દિ અમને ટોક્યા નહિ. ઊલટું મારા સસરા તો ખાદી મંગાવી દેતા. ખાદીનાં કપડાં સીવીને હું બસ્તીમાં દઈ આવતી.’ (પૃ. ૬૩) વચ્ચેવચ્ચે સરસ્વતી મામી બાપુને પત્રોય લખે છે. બાપુના જવાબ પણ આવે છે! ગાંધી ક્યાં સુધી પહોંચતા હતા એનો આ કથા એક સશક્ત અંદાજ આપે છે. આવા દિવસોમાં બિહાર-ઓરિસ્સામાં ભૂકંપ આવે છે. સંવેદનશીલ સરસ્વતીમામી ચોકીદાર નિમિત્તે આ ભૂકંપને આ રીતે નિરૂપે છે. ‘એક રીતે અમારાં ઘર સુધી ભૂકંપની અસર આવી પહોંચીતી. વખાર માટે રાખેલો ચોકીદાર બિહારી હતો. રાતના એનું મોં જોઈને જ માણસ છળી મરે. એના મોઢા ઉપર ઘાનું નિશાન હતું. બરાબર આંખ નીચેથી શરૂ થઈ ઉપલો હોઠ ચીરીને નિશાન અટકી ગયું તું. એનાથી એ ભયંકર દેખાતો. રાતના એ ચોકીદારી કરતો. દિનના ભાગમાં એ જંગલમાં જતો. એકાદ મધપૂડો લઈને પાછો ફરતો. કોક દિ આખે ડિલે ખાલી મધમાખીના ડંખ ખાઈને પાછો આવતો. થોડા થોડા દિવસે શેરમાં મારા જેઠ ભેગો જઈને ભેગું કરેલું મધ વેચી આવતો. એકની એક દીકરી સારું આમ રૂપિયા બચાવીને મારા સસરા પાસે મૂકી રાખતો. કોઈ કે’તું એણે પોતાની જ સ્ત્રીને મારી નાંખી છે. એવું પણ સંભળાતું કે બીજા કોઈ સાથે એ ભાગી ગઈ છે. જે પણ બન્યું હોય, એ વાત પાકી હતી. એણે દીકરી મોટી કરવામાં પોતાની જુવાની ખરચી નાખી તી. દીકરી એના ખભે આવી એટલે એને પરણાવી નાખી, એ સીતામઢીમાં છે. ભૂકંપના ખબર સાંભળી આ ડાકુ જેવો માણસ નરમઘેંસ થઈ ગયો. દિ-રાત વખારમાં સૂનમૂન પડ્યો રેતો, ખાવા-પીવાની પણ કોઈ સૂઘ નઈ. મારા સસરાને ખબર પડી, એટલે એના સીતામઢી જાવાની જોગવાઈ કરી. ચોખાની લોરીમાં એ ગયો, એવું લાગે જાણે કોઈ મૂંગું ઢોર બાંધેલું બેઠું હોય.’ (પૃ. ૬૦) આવાં સંવેદનશીલ સરસ્વતીમામી જીવનના અંતિમ દિવસોમાં અનુભવે છે – ‘આટલા વરસે રહીરહીને સવાલ થાય કે શું આપણે ખરેખરાં આઝાદ થઈ ગ્યાં? રોજ રાતે ફળિયાની બત્તી નીચે બેસીને રાજકારણ ચર્ચતા, સરકારની ટીકા કરતા, આખા દેશના સવાલોના હલ ચીંધતા જુવાનિયાને સાંભળ્યા છે. બીજા દિવસે એ જ લોકોને સુધરાઈના પ્રમુખ કે બીજા કોઈ અમલદારને ભાઈ બાપા કરીને કામ કઢાવતા પણ જોયા છે. એ જોઈને થાય કે અંગ્રેજ ભલે ભારત છોડી ગ્યા પણ આઝાદી હજી પૂરી નથી આવી!’ (પૃ. ૧૪૮) સરસ્વતીમામીનું પાત્ર ગુજરાતી નવલકથામાં ચિરંજીવ બને એવું થયું છે. લેખકની કમાલ એ બાબતે છે કે મામીની ડાયરી નિમિત્તે ૨૦મી સદીના પૂર્વાર્ધમાં તળેઉપર થયેલ આપણા દેશનું ચિત્ર એ લીટીના લસરકે ઊભું કરી શક્યા છે. બિહારનો ભૂકંપ, કચ્છનો ભૂકંપ (ઈ.સ. ૧૯૫૭), હિંદ છોડો આંદોલન, મહાદેવ દેસાઈ-કસ્તુરબાનું અવસાન, નોઆખલી, ભારત વિભાજનની ઘટનાના ઊડેલાં ઠેરઠેર છાંટા કેટકેટલું! આ વિગતોમાં કથા બરાબર સામાજિક વાસ્તવ વચાળે રોપાય છે. તેથી ઉપયોગી ઘટક છે. નવલકથામાં કોઈ સંઘર્ષ નથી તેથી નવલકથાકાર તાણીતૂસીને સાળી-બનેવીના એક નાનકડા આકર્ષણનું રજનું ગજ કરે છે. પૌલોમી-અગમના લગ્નજીવનમાં રસ લેતો પાર્થ પૌલોમીનું ક્ષણિક શારીરિક આકર્ષણ અનુભવે, પૌલોમી આ ઘટનાથી એને નીચો દેખાડે, પાર્થ આ ઘટનાનો ચિત્રાંગદા પાસે એકરાર કરે, પૌલોમીનું કોકડું થાળે પડે. એના કારણે ચિત્રાંગદા-પાર્થના સંબંધ વચ્ચે નાનકડું તોફાન આવી જાય! આધુનિક પાત્રોની આ અવદશા એમના સંવેદનનું સ્તર જોતાં યોગ્ય નથી લાગતી. કથાએ ક્રમશઃ જે ઉડ્ડયન સિદ્ધ કર્યું હતું એ પૌલોની-પાર્થના સ્ખલનના નૈતિક દાબથી જમીનસરસું થઈ ગયું. પૌલોમીનું ચરિત્ર ઠરતું નથી. પૌલોમી અને અગમનો સંબંધ તેથી અધ્ધરતાલ લાગે છે. એમની છોકરમતને લેખકે મોકળું મેદાન કેમ પૂરું પાડ્યું? એમાં પણ જ્યારે કથા સરસ ચાલતી હોય ત્યારે, તેથી ગૌણ ઘટના વિક્ષેપકર બની જાય છે. નવલકથાનાં પચ્ચીસ પ્રકરણોમાંથી પંદર પ્રકરણોમાં ડાયરી છે. ડાયરી સિવાયનું જીવન નિરૂપવાનાં લેખકનાં ફાંફાંમાંથી પૌલોમી-દુર્ઘટના જન્મી છે. એ વૃત્તાંત નબળું છે. કૃતિમાં અન્ય કોઈ સંઘર્ષ ન હોવાથી ઊભો કરાયેલો હોય એવો બોદો સંઘર્ષ છે. પૌલોમી-અગમના લગ્નજીવનનું ગૂંચવાયેલું કોકડું પેલા તાણાવાણાને સુદૃઢ કરનારું નથી. સરસ્વતી મામીની પતિ માટેની પ્રતીક્ષા અગમ માટે સ્નેહ જન્માવનારી નીવડે છે. પણ મુખ્ય કથાને પૌલોમીવૃત્તાંત ઉપયોગી નથી. પૌલોમીવાળી ઘટનાના કારણે પાર્થ-ચિત્રાંગદા વચ્ચે મનદુઃખ રચાય છે ત્યારની પાર્થની વ્યથાને લેખકે સરસ નિરૂપી છે. – ‘પાર્થને થતું તડકો નીકળે જ નહીં તો સારું. ઘરની એક એક વસ્તુ ઉપર ચિત્રાંગદાનો ભીનો સ્પર્શ સુકાવા ન પામે. ધીરે ધીરે એ ભેજની અસર આખા ઘર ઉપર લીલ જેમ છવાઈ જાય! વરંડાની ખુરશીમાં બેસીને હું રાહ જોયા કરું અને છાતીમ(સપ્તપર્ણી) નિસહાય બની મને તાક્યા કરે!’ (પૃ. ૧૦૦) આ સિવાય કથામાં બિનજરૂરી પ્રસ્તાર છે કુંજરબાબુવાળા બે પ્રકરણો અને ડાયરી પૂરી થયાં પછીના પ્રકરણો ધ્યાનથી જોનારને એની પ્રતીતિ થશે. અંતિમ પ્રકરણ ‘સંગમ’માં નબુ કહે છે કે સરસવતી ડોસીના ફૂલ રઝળે છે. સાતસાત વરસ લગી મસાણમાં સરસ્વતીમામીનાં અસ્થિ નહીં સગો, નહીં સંબંધી એવો નબુ જાળવી રાખે છે! મસાણની દીવાલના પોલાણમાં આ અસ્થિનું હોવું સાત વરસ લગી એ વધારે પડતું છે. હકીકતે લેખક પાર્થના હાથે અસ્થિવિસજર્ન કરાવવા માંગે છે પણ સાત વર્ષનો સમય ગળે ઊતરતો નથી. નવલકથાનું ગદ્ય રસપ્રદ છે. થોડાં ઉદાહરણો જોઈએ. ‘થોડાં બેલનાં ફળ સિવાય, ફ્રીજ લગભગ ખાલી હતું. ભાડુઆતે ખાલી કરેલા મકાન જેવા દેખાતા ફ્રીજનો દરવાજો પાર્થે બંધ કર્યો.’ ‘બાળપણનો એ રોમાંચ, શરીર પરના તલના નિશાન જેમ હજુ અકબંધ છે.’ ‘રણનાં આંસુ જેવા ઝાકળથી રાતને ભીંજવતી, વતનની ભૂમિ મને સાદ પાડે છે. મોરચંગના સૂર જેવો અવસાદ સંભળાય છે.’ ‘એમના હોઠેથી નીકળેલું નામ મંદિરની આરતી જેમ હજીયે મારા કાનમાં ગુંજે છે!’ નવલકથામાં જોડણીની ભૂલો ખૂબ છે એમાંય ગોધૂલિ, ભંગિમા, પૂર્ણાહુતિ, પરીક્ષા, ત્રુટિ, બાલિશ, પગથિયું, વ્યવસાયિક, હરિ, યોનિ, અસ્થિ જેવા જાણીતા શબ્દોની જોડણી ખોટી છે. નવલકથાનામી ફાસફૂસિયાં લખાણોની વચ્ચે ‘સરસ્વતી’ રાહત આપનારી નવલકથા છે.

[ડિવાઈન પબ્લિકેશન, અમદાવાદ]