બે હજાર ચોવીસ સમક્ષ/બીજો છેડો – નીલેશ મુરાણી
વાર્તા
અજય સોની
‘બીજા છેડા’ના વાર્તાકાર નીલેશ મુરાણી
જીવનના પાંચમા દાયકામાં પહોંચેલા વાર્તાકાર નીલેશ મુરાણીનો આ પ્રથમ વાર્તાસંગ્રહ. વ્યવસાયે ગેટકોમાં ઇલેક્ટ્રીક એન્જિનિયર છે. આ સંગ્રહમાં ૨૦ વાર્તાઓ છે. લેખકે સોશિયલ મીડિયાનાં જુદાંજુદાં પ્લૅટફોર્મથી વાર્તાઓ લખવાની શરૂઆત કરી અને તે પછી એમની વાર્તાઓ સામયિકો સુધી પહોંચી છે. પોતાના નિવેદનમાં લેખકે નિરાંતે પોતાની વાર્તાસમજ અને સફરની વાતો કરી છે. પહેલા પુસ્તકમાં લખાયેલું લેખકનિવેદન મોટેભાગે લેખકના મનોજગત અને વાર્તાજગતમાં પ્રવેશવાની ચાવી બનતું હોય છે. અહીં નીલેશ મુરાણીએ બે-ત્રણ નિવેદનો આપ્યાં છે. જે એમની વાર્તાસમજ અને અભિગમને સમજવામાં મદદરૂપ બને તેમ છે. ‘વાર્તાકાર બનવું એટલે નગ્ન તન અને મન ઉપર એક પારદર્શક ભેખ ધારણ કરવો.’ પ્રતિભાવો વિશે કહે છે : ‘વાર્તા બનતી નથી. વાર્તા ખૂલી જાય છે. મનોમંથન નથી! અંત સરલીકરણ તરફ જાય છે. અને વળી વગેરે વગેરે’ લેખકને થાય છે : ‘બે શબ્દોની વચ્ચેથી મને વાર્તા શોધવાનું ગમે છે ત્યારે ‘વાર્તા બનતી નથી’ એ વિધાન હું સમજી શક્યો નથી.’ (પૃ. ૧૩) ‘પાછું વળીને જોઉં છું તો હું પોતાને સમસ્યાઓનાં સમાધાન કરતો કે સમસ્યાઓ ઉપર ઉકળાટ કરતો જોવા મળું છું.’ (પૃ. ૧૪) એક વાત ઊડીને આંખે વળગે તેવી છે કે લેખક કચ્છના હોવા છતાં વાર્તામાં વાતાવરણ કે પરિવેશ પ્રત્યે ઉદાસીન રહ્યા છે. એમની વાર્તાઓની લાક્ષણિતા રૂપે પણ આ વાત નોંધી શકાય છે. અને બીજી વાત કે રણ અને દરિયો જેવા કચ્છના પ્રચલિત પરિવેશથી પણ એ અળગા રહ્યા છે. આમ પરંપરામાં રહીને નહીં પરંતુ પોતીકાં સાધનો વડે નીલેશ મુરાણીએ વાર્તાને ઘાટ આપ્યો છે. પરંપરા કે વ્યક્તિવિશેષથી પ્રભાવિત થયા વિના પોતાને જે આવડે છે, જે રીતે આવડે છે, જેમ કરવું છે તેમ કરીને જ જંપ્યા છે. અમુક વાર્તાઓ વણસી છે તો પણ પોતાના સૂરને નથી છોડ્યો. તો કેટલીક વાર્તાઓ આ અભિગમને કારણે જ નોખી તરી આવી છે. સંગ્રહની ‘એકાવન કટીંગ’, ‘વિન્ટેજ વ્હિસકી’, ‘વાસી છાપું’, ‘ભીનાં પગલાં’, ‘બાઝ’ જેવી વાર્તામાં લેખકની પોતીકી મુદ્રા ઊપસી છે. ‘એકાવન કટીંગ’માં વરવી વાસ્તવિકતાનું ચિત્રણ છે. વાર્તાનો મુદ્દો સ્ત્રીના શિથિલ ચારિત્ર્યનો છે. કોર્ટમાં છૂટાછેડા માટે મળેેલાં પતિ-પત્ની અંતિમ નિર્ણયના બદલે નવી તારીખ લઈને છૂટાં પડે છે. ત્યારે પતિ કોર્ટની બહાર એક જુદું જ દૃશ્ય જુએ છે. જ્યાં પંચ દ્વારા ન્યાય તોળાય છે. મુદ્દો એ છે કે મનિયા નામનો માણસ ભીમાની પત્ની સાથે સૂઈ ગયો છે. આ ઘટનાને નજરે જોનાર રઘલો મેલડી માના સોગંદ ખાઈને પંચ સામે સાક્ષી આપે છે. મનિયો કબૂલે છે. પંચ ભીમાને પૂછે છે કે આ બન્નેને શું સજા કરવી છે. ત્યારે ભીમો કહે છે, ‘ભૂલ તો આની પણ સે, પન આ રાંડને મું જાતે હમજાઈ દઈશ. મારે ખાલી એટલું જ કેવાનું સે કે ઇ મુવો મેલડીના સોગંધ ખાઈને આંય હંધાયની વચ્ચે પાણી મેલે કે હવે પસે ઇ મુવો મારી બયરી હામે ઊંચું ઉપાડીન નૈ જોવે.’ (પૃ. ૨૦) અને ન્યાય થઈ જાય છે. કોર્ટરૂમથી બહાર નીકળેલો પતિ આ બધું નજરે જુએ છે. લેખકે મુખર થયા વિના બે દૃશ્યો મૂકી દીધાં છે. આજની સ્થાપિત ન્યાયપ્રણાલી અને જ્ઞાતિપંચો દ્વારા થતો ન્યાય એકસાથે મૂકીને વાચકને વિચારતા કર્યા છે. જીવન તર્કથી નહીં પણ વ્યવહારુ ઉકેલ અને માનવીય સમજથી ચાલે છે. લેખક માનવમૂલ્યો પ્રત્યે આપણું ધ્યાન દોરે છે. જો કે ચોક્કસ જ્ઞાતિની બોલીનો પ્રયોગ કરવા જતા લેખક ક્યાંક થાપ ખાઈ જતા દેખાય છે. ‘વિન્ટેજ વ્હિસ્કી’માં સાસુ-વહુના સંબંધોમાં જે પ્રકારનું તાદાત્મ્ય જોવા મળે છે તે આજનું કઠોર વાસ્તવ છે. નાયિકા અર્ચનાનો પતિ લશ્કરમાં છે. તેને ભાગ્યે જ છુટ્ટી મળે છે. માટે પત્ની તરીકે જે પ્રકારનો સહવાસ ઇચ્છે છે તેવો સહવાસ મળતો નથી. વહુ હિજરાય છે તે સાસુ બરોબર જાણે છે. એક સાંજે બન્ને વચ્ચેનો પડદો સાસુ હટાવે છે. અને ફ્રીજમાંથી પોતાના દીકરા દ્વારા અધૂરી છોડી દેવાયેલી વ્હિસ્કીની બોટલ સાસુ પોતાના હાથે પૅગ બનાવીને વહુને આપે છે. અને સાથે પોતે પણ પીવે છે. પૅગ બનાવતાં પૂર્વે સાસુ દ્વારા બોટલને પંપાળવાનું વર્ણન લેખક દ્વારા કરવામાં આવ્યું છે તેમાં વાર્તાનો મુખ્ય સૂર મળે છે. વહુની એકલતાને દૂર કરવા માટે સાસુ વહુ સાથે વ્હિસ્કી પીવે છે. અને બીજી સવારે જ્યારે વહુ જાગે છે ત્યારે ડ્રેસિંગ ટેબલ ઉપર બન્ને ખાલી ગ્લાસને આડા પડેલા જુએ છે. પાછળથી સાસુનો અવાજ કાને પડે છે. ‘કેવો લાગ્યો જૂનો શરાબ!’ (પૃ. ૪૪) અને વહુ શરમાઈ જાય છે. વહુની એકલતા સાસુના સહવાસથી દૂર થાય છે. વાર્તાનો વિષય બોલ્ડ કહી શકાય તેવો છે. પરંતુ લેખકે ભાષા પર સંયમ જાળવી સંકેતોની મદદથી ચોટદાર રજૂઆત કરી છે. નારીચેતનાનો અહીં જુદો જ સૂર સંભળાય છે. ‘ભીનાં પગલાં’ વાર્તામાં એક ગૃહિણીને સતત એવું લાગ્યા કરે છે કે પોતાની ઉપર કોઈ નજર રાખી રહ્યું છે. સામેના ઘરવાળો યુવાન તેના દરેક વર્તનને નોંધી રહ્યો છે. છાના ગમા સાથે નાયિકા ઘરનું કામ કર્યે જાય છે. નાયિકાના ઘરકામ કરવાની ક્રિયાઓનું ડિટેઇલીંગ લેખકે નિરાંતે કર્યું છે. લેખકે એક તરફ સ્ત્રીની મનોકામનાઓ દર્શાવી છે. તો વાર્તાના અંતે ગૃહિણીનું વાસ્તવ બતાવાયું છે. જો કે આ વાર્તા આત્મમુગ્ધ બની ગયેલી નાયિકાના ચિત્તમાં વ્યાપેલી એકલતાને દર્શાવે છે. ‘વાસી છાપું’ વાર્તામાં આજનું કડવું વાસ્તવ વ્યંગની ભાષામાં રજૂ થયું છે. રોજ બનતી નવી નવી ઘટનાઓ છાપાંમાં પ્રગટે છે અને સાંજ સુધી તો વાસી થઈ જાય છે. એ હદે કે ઘટી ગયેલી ઘટના નવી હતી કે જૂની તે પણ લોકોને યાદ નથી રહેતું. તંત્રની જડતા અને આમજનતાનું વાસ્તવથી મોં ફેરવી લેવું. આ બે બાજુઓને લેખકે વાસ્તવિક રીતે રજૂ કરી છે. પોલિસ-સ્ટેશનની આસપાસનો પરિસર, દૃશ્યો અને પાત્રો થકી વાર્તા દૃશ્યાત્મક બને છે. રજૂઆતની રીતે પણ વાર્તા જુદી પડી આવે છે. ‘બાઝ’ વાર્તામાં જે-તે સમુદાયમાં પ્રચલિત ‘હલાલા’પ્રથાને કેન્દ્રમાં રાખીને સ્ત્રીઓની સ્થિતિ વિશે વાત કરી છે. વાર્તાકારે બહુ સંયમથી સામાજિક રૂઢિની યોગ્યતા કે અયોગ્યતા પર નિશાન સાધવાના બદલે રઝિયા નામના પાત્રની નિઃસહાયતાને કેન્દ્રમાં રાખી છે. અહીં બાઝ એ પ્રતીક બનીને ઊપસે છે. વાર્તાકાર એટલું જ કહેવા માગે છે કે રઝિયાનો શિકાર કરવા ઘણી વ્યક્તિઓ તૈયાર છે. જ્યારે રઝિયા પ્રેમ માટે તરસે છે. એક કરુણતા વાચકના ચિત્તમાં છોડી જતી વાર્તા નોંધપાત્ર બની છે. આપણે સૌ કોઈ ને કોઈ માન્યતાઓને પાળીને જીવીએ છીએ. એ આપણને ઉપકારક પણ છે અને નડતરરૂપ પણ બને છે. ‘મારો દોસ્તાર’ વાર્તાના કેન્દ્રમાં આવી માન્યતાઓથી પિડાતો વ્યક્તિ છે. જે જાણે છે છતાં છોડી નથી શકતો. જો કે વાર્તામાં લેખક પોતાના મુદ્દાને સ્પષ્ટ નથી કરી શક્યા. ‘સંબંધોનું વાવાઝોડું’ વાર્તામાં હાસ્ય અને કરુણને સાથે લઈને લેખકે કામ કર્યું છે. પત્નીની ગેરહાજરીમાં ‘મહેફિલ’ માણતા પતિઓની હાલત ત્યારે બગડે છે જ્યારે એકાએક પત્ની પાછી આવી જાય છે. આ વાર્તામાં બોલચાલની સામાન્ય ભાષાનો સરસ ઉપયોગ થયો છે. તો ‘ક્લૉકટાવર’ અને ‘એબ ઈનીશ્યો રોંગ’ તેની કથનકળાના કારણે ધ્યાન ખેંચે તેવી વાર્તાઓ છે. ‘ક્લૉકટાવર’ વાર્તામાં સેન્ડવીચની લારી વાર્તાનું કેન્દ્ર છે. શહેરના પ્રતિષ્ઠિત બેકરીના માલિકનું એક યુવતિ સાથેનું કાંડ બહાર પડે છે અને તોડપાણી થાય છે. ભીનું સંકેલાઈ જાય છે. વાર્તાના અંતે એક વાક્ય આવે છે. ‘આ ખર્ચો અમારામાંથી જ કાઢવાનો?’ (પૃ. ૧૩૬) બેકરીવાળો બ્રેડના ભાવ વધારે છે. સેન્ડવીચવાળો સેન્ડવીચના ભાવ વધારે છે. આખાય પ્રકરણમાં જેને કોઈ લેવા દેવા નથી તે સામાન્ય જનતાના ખિસ્સામાંથી પેલી મોટી તોડપાણીની રકમ વસૂલાય છે. ‘એબ ઈનીશ્યો રોંગ’ વાર્તામાં ફિક્સ્ડ પગારની જાળમાં ફસાયેલા એક ગુજરાતી કર્મચારીને પોતાનો જ સિનિયર કઈ રીતે બચાવી લે છે એની વાત છે. જે વાર્તા પરથી પુસ્તકનું નામ છે તે ‘બીજો છેડો’ વાર્તાનો ઉઘાડ સરસ રીતે થાય છે. ખાણેત્રાનું વર્ણન અને સાથોસાથ ભાણાબાપાના ચિત્તમાં ચાલતી લીલાઓને એકસાથે મૂકીને લેખકે સુંદર ઉઘાડ કર્યો છે. પરંતુ આગળ જતાં વાર્તા દિશાવિહીન બની જાય છે. જો લેખક અગાઉની વાર્તાની જેમ આ વાર્તામાં કલાસંયમ દાખવી શક્યા હોત તો વાર્તાને બચાવી શકત. આ ઉપરાંત આ સંગ્રહમાં ‘સોદો’, ‘ખારા પાણીની’, ‘વચોવચ્ચ’, ‘પવન’, ‘મારણ’, ‘રમખાણ’, ‘ફટકડી’, ‘આરંભકાળ’, ‘ટાઢું પાણી’ જેવી વાર્તાઓ છે. પરંતુ સામાન્ય ચમકારા સિવાય વિશેષ નોંધપાત્ર આ વાર્તાઓમાં જોવા નથી મળતું. દરેક વાર્તા વિશે વિગતે વાત કરવાની આ જગ્યા નથી. ઘણી વાર્તાઓમાં લેખકનો હસ્તક્ષેપ નજરે ચડ્યા વિના નથી રહેતો. બધું જ લેખકના તાબામાં હોય તેવો દાબ વાર્તાને સહજતા તરફ સરવા નથી દેતી. ક્યાંક કૃતકતા પણ નજરે ચડે છે. તો ભાષા અને બોલીની ભેળસેળની જે સર્વસામાન્ય ભૂલ છે તે અહીં પણ દેખાય છે. પુસ્તકની જોડણી પણ ખૂંચે છે. કેટલાક વાક્યપ્રયોગો અકારણ વ્યાકરણને પડકારતા હોય એવું લાગે છે. આ સંગ્રહની વાર્તાઓનું એક નોંધપાત્ર લક્ષણ એ છે કે લેખકે દરેક વાર્તામાં જુદીજુદી રચનારીતિ અપનાવી છે. પાત્રોનાં મનમાં સીધા પ્રવેશને બદલે નિર્જીવ સાધનોને કામે લગાડ્યાં છે. માત્ર તર્કને આગળ ધરવાના બદલે માનવીય મૂલ્યો અને સત્યને આગળ કરશે તો ભવિષ્યમાં વધુ કલાત્મક વાર્તાઓ નીલેશ મુરાણી પાસેથી મળશે. જો કે નીલેશ મુરાણીના પહેલા જ સંગ્રહમાં પાંચેક વાર્તાઓ તો એવી છે જે ચર્ચા ખમી શકે છે અને કંઈક અંશે ગુજરાતી વાર્તામાં નવું ઉમેરણ કરી શકે તેમ છે. પહેલા જ સંગ્રહ માટે આટલી ઉપલબ્ધિ કાંઈ ઓછી ન આંકી શકાય.
[પ્રકાશક – નીલેશ મુરાણી, અંજાર-કચ્છ]