બોલે ઝીણા મોર/આ પણ ઉમાશંકર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


આ પણ ઉમાશંકર

ભોળાભાઈ પટેલ

લગનસરાના દિવસો હતા. એક સાંજે કવિ ઉમાશંકરના ઘર ‘સેતુ’થી એમની સાથે વાતો કરતા બહાર નીકળ્યા. ત્યાં ત્રણ કન્યાઓ કોઈ લગ્નમાં જવા માટે ભારે વસ્ત્રાભૂષણ સજી ગલીના એક ઘરમાંથી હસતી હસતી કંઈક ઉતાવળે પગલાં ભરતી નીકળી. સત્તર-અઢારની વયનું અલંકૃત સૌન્દર્ય બરબસ નજરને ખેંચી રહે એવું. પણ ઉમાશંકરભાઈ સાથે હોય એટલે એની મેળે જ અદબ રહે. નજર કરી ફરી ને ફરી વાતોનો દોર ચાલુ રાખી એમની સાથે ચાલતો રહ્યો. પેલી કન્યાઓ ગલીનો વળાંક પૂરો થતાં મુખ્ય સડકની જમણી બાજુએ વેગથી વળી ગઈ. અમે ડાબી તરફ વળી સેન્ટ ઝેવિયર્સ કોર્નર ભણી વળ્યા.

ઝેવિયર્સ આગળથી ચાલી આવતી આખી સડક અને આસપાસ સાંજનો રમણીય તડકો ઢળતો હતો. એવો એ તડકો કે એની એ ઇમારતો પણ કોઈ રંગીન તસવીરમાં જોતાં હોઈએ એવી લાગે. આજુબાજુ કોઈ વાહન તો નથી આવતું એ જોવા અમે બન્ને આગળપાછળ જોઈ સડકની ધારે જરા આગળ વધીએ ને બાજુમાંથી ત્રણ ગોપકન્યાઓ નીકળી. એમની વય પણ સોળસત્તરની હશે. રોજબરોજનો ઓઢણી-ઘાઘરા-પોલકાનો એમનો વેશવાસ. અમારી તરફ એ જેવી વળી કે પેલો આથમતો તડકો એમના ઉલ્લસિત ચહેરા પર એકદમ ખીલી ઊઠ્યો. સૌન્દર્યની જ ઝાંકી. કશોક સાહજિક ઉદ્ગાર નીકળી જ જાત જો કવિ સાથે ન હોત. અમારી વાતો ચાલતી રહી, પણ એમાં મારું ધ્યાન ન હતું. મને થયું કે આ વખતે તો હું પકડાઈ જઈશ. અવાજ કે ચહેરાનો ભાવ ન બદલાય એ માટે મથવા લાગ્યો.

ત્યાં ચાલતી વાત એકદમ અટકાવી દઈ કવિ ઉમાશંકરે ધીમે સાદે કહ્યું :

‘જોયું?’

મેં ચાલતાં ચાલતાં પ્રશ્નસૂચક નજરે એમની સામે જોયું.

‘જોયું?’ કવિ જાણે સ્વગત બોલતા હોય એમ કહેતા ગયા.

‘આપણે ઘેરથી નીકળ્યા ત્યારે પેલી ત્રણ કન્યાઓ સામે મળેલ. સજીને જતી હતી અને પછી આ બીજી ત્રણ કન્યાઓ! પણ આ કેવી વધારે શોભતી હતી! તેમાં વળી તડકો…’

હું સ્તબ્ધ. શું હું પકડાઈ ગયો હતો? ના, કવિની વાણીમાં પણ એક અ-પૂર્વ સૌન્દર્યદર્શનનો લય હતો. હું સાંભળતો ગયો, એકદમ ઉલ્લસિત થતો.

તો શું કવિની નજર આ બધું નોંધતી હતી? મને થયું હું મૂરખ છું.

કવિની નજર જો આ બધું ન નોંધતી હોય તો પછી કોની નજર નોંધે? અને તેમ છતાં ઉમાશંકરભાઈની એક છાપ એવી મનમાં કે…

એટલે આ ક્ષણોએ મારું મન કવિની એ અકુંઠ દૃષ્ટિની સરાહના કરી રહ્યું. પછી તો ચાલતા ચાલતા કૉમર્સ અને એલ. ડી. વચ્ચે સાંકડી સડક પાર કરતા એ. જી.ના માર્ગ ઉપરના ખૂણે લીમડાના ઝાડ નીચે કંઈ કેટલુંય ઊભા રહ્યા, એ સાંજ ટાણે વાતો કરતા.

*

એ દિવસોમાં કવિ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિની ફરજોમાંથી મુક્ત થઈ કુલપતિનિવાસ છોડી ફરી ‘સેતુ’માં આવી ગયા હતા. કુલપતિ થયા તે પહેલાં તેઓ ભાષાસાહિત્યભવનના અધ્યક્ષ અને ગુજરાતીના પ્રોફેસર હતા. કુલપતિ થયા પછી પણ અધ્યક્ષપદે ચાલુ રહ્યા, પણ અધ્યક્ષ તરીકેનો વધારે પગાર છોડી દઈ કુલપતિને એ વખતે મળતું માત્ર નામનું માનદ વેતન લેતા હતા. (આજે તો કુલપતિઓને ઘણી સારી રકમ મળે છે.) પછી રાજસભાના સભ્ય થતાં અધ્યપક્ષપદેથી તેઓ છૂટા થયેલા.

૧૯૭૩-૭૪નું વર્ષ હશે. એક દિવસ સાંજે ‘સેતુ’માં એમના અભ્યાસખંડમાં (જેને પોતે ક્યારેક વિનોદમાં સુથારલુહારની કોઢની જેમ ‘લેખકની કોઢ’ કહેતા) મારા હાથમાં એક ચેક આપી કહે : ‘જરા આટલું કામ કરશો? આ ચેક કુલસચિવ કંચનભાઈ પરીખને પાછો આપશો.’

મેં જોયું કે બારતેર હજારનો ચેક હતો.

કહે : ‘યુનિવર્સિટી પ્રોફેસરોનાં નવાં પગારધોરણો આવતાં યુનિવર્સિટીએ મારા એ વખતના પગારનાં એરિયર્સ પાછલી બાકી પેટે નીકળતાં નાણાંનો હિસાબ કરીને આ ચેક મોકલ્યો લાગે છે. પરંતુ મારો ખ્યાલ છે ત્યાં સુધી આ નવાં પગારધોરણ આવ્યાં ત્યારે હું મારો પ્રોફેસર તરીકેનો પગાર નહોતો લેતો, માત્ર કુલપતિનું માનદ વેતન લેતો હતો. તો પછી એ પગારવધારાનો ચેક હું કેવી રીતે લઈ શકું?’

કવિ બહુ સહજ રીતે વાત કરતા હતા – જાણે કોઈ બારતેર રૂપિયા પાછા આપવાની વાત હોય એમ. યુનિવર્સિટીએ તો નિયમ અનુસાર પૈસા ગણ્યા હશે, પણ એ પૈસા પર પોતાનો કોઈ નૈતિક હક્ક નથી, એવું એમને લાગ્યું હશે. આટલી મોટી રકમ ચૂપચાપ પાછી.

હિસાબના થતા ચાર પૈસા પણ પાછા લેવા માટે એક વાર એ મુંબઈ રેલવે સ્ટેશનના બુકિંગ ક્લાર્ક સાથે લઢેલા.

આપણને વિચાર થાય કે કઈ ધાતુમાંથી આ માણસ બન્યો હતો?

*

‘લેટ અસ સેલિબ્રેટ’ – નાનોમોટો કંઈ પ્રસંગ હોય એટલે કવિના મોઢામાંથી આ શબ્દો સરે. ‘લેટ અસ સેલિબ્રેટ’ – ચાલો ઊજવીએ. કોઈ નવી ચોપડી આવી હોય, કોઈ સારો લેખ પ્રકટ થયો હોય, કોઈ પ્રસંગ બન્યો હોય. આવે વખતે કવિ ઘરમાં જાય અને મીઠાઈ લઈ આવે. એક વાર આવે પ્રસંગે એમણે જોયું તો મીઠાઈમાં માત્ર સુખડીનો એક કકડો. કવિ પ્લેટ સાથે છરી લઈને આવ્યા. ‘લેટ અસ સેલિબ્રેટ.’ પોતે છરીથી મહાસમારોહપૂર્વક ચાર ટુકડા કર્યા, બધાને એક એક આપ્યો અને હસતાં હસતાં એ પ્રસંગ ઊજવ્યો.

*

કવિએ જાતે ચા બનાવીને પાઈ હોય એવું એમને ત્યાં જનાર ઘણા મિત્રોને બન્યું હશે.

અતિથિસત્કાર હંમેશાં ઉષ્માભર્યો. એક વખતની વાત છે. કહે : ‘ચા પીએ.’ મેં કહ્યું : ‘પણ બનાવીશ હું.’ તો કહે, ‘અરે હું તો તમને દાળભાતરોટલી બધું રાંધીને જમાડી શકું છું. આવડે છે બધું.’ પછી પણ મેં કહ્યું, ‘તમારી બનાવેલી ચા મને જરા ફિક્કી લાગે છે. રંગ આવતો નથી.’ કહે : ‘આ તો લિપ્ટન છે. રંગ ન આવે.’ મેં કહ્યું, ‘જરા ઊકળવા દો, વધારે પત્તી નાખો, તો રંગ આવે.’ ‘જોઈએ ત્યારે’ કહી પોતાની ચા ગાળી લીધા પછી ફરી મારે માટે થોડી વધારે પત્તી નાખી ઉકાળી અને પછી કહે – ‘હવે?’

પછી તો સ્વાતિ-નંદિનીબહેન હોય તો કહેશે, ‘જરા લાલ ચા.’ દિલ્હીના ડિફેન્સ કોલોનીના ઘરમાં પણ મને આપવાની ચાનો રંગ લાલ થવા દે. આવું તો એમની નજીકમાં આવેલા સૌને માટે.

*

આપણને આશ્ચર્ય થાય એટલી હદે કવિ સામાજિક પણ હતા. એમના નિકટના મિત્રો અને એમનાં કુટુંબીજનો જાણે છે. પણ જરા જુદા અર્થમાં કહું તો એમનું કુટુંબ ઘણું મોટું. નાનામોટા સૌ સાહિત્યકારો એમના કુટુંબમાં. બને ત્યાં સુધી દરેક એવા કુટુંબીજનને ત્યાં સારે-માઠે પ્રસંગે જાય જ. સૌને, સૌનાં છોકરાંનેય નામથી ઓળખે. આમ તો ભાગ્યે જ પત્રનો જવાબ લખે, પણ આવે વખતે તો કદી ન ચૂકે. દુઃખને પ્રસંગે એમની હાજરી ઘા ઉપર મલમલેપ બની જાય. સુખના પ્રસંગોમાં સુખ બમણું બની જાય એમની હાજરીથી. કશોય ભાર ન હોય. હાસ્ય-વિનોદ ભરપૂર. મીઠી મજાક પણ કરી લે. ક્યારેક થોડી વાર પછી સમજાય.

મારા પુત્ર મધુના લગ્નપ્રસંગે બહારગામ હોવાથી હાજર નહિ રહી શકેલા. અમદાવાદ આવ્યા એટલે પછી અનુકૂળતા થતાં તરત મારે ઘર નવદંપતીને આશીર્વાદ આપવા આવ્યા. મધુ અને શર્મિષ્ઠાનાં પ્રેમલગ્ન હતાં. તેઓ બંને દાહોદની કૉલેજે જ્યારે જર્મન કવિ રિલ્કેની શતાબ્દી પ્રસંગે ત્રણચાર દિવસનો પરિસંવાદ રાખેલો, ત્યાં પ્રથમ મળેલાં અને એકબીજાની નિકટ આવેલાં. એ પરિસંવાદમાં કવિ ઉમાશંકર, કવિ સુરેશ જોષી અને બીજા ઘણા મિત્રો પણ હતા.

મધુ-શર્મિષ્ઠાને આશીર્વાદ આપતાં કહે :

‘શર્મિષ્ઠા, રિલ્કે બહુ સારો કવિ, નહિ?’

રિલ્કેના સેમિનારમાં મધુ-શર્મિ પ્રથમ મળેલાં તે પણ યાદ. થોડી વાર પછી એમની આ ઉક્તિ વિષે ટ્યૂબલાઇટ થતાં અમે સૌ ખૂબ હસ્યાં. શર્મિષ્ઠા ખરેખરું હવે શરમાઈ.

*

હા, તો એ દાહોદના એ ‘રિલ્કે સેમિનાર’ના જ એક પ્રસંગની વાત કહું. કૉલેજના આચાર્ય ચંદ્રકાન્ત ટોપીવાળાએ સૌને કૉલેજના જુદા જુદા ખંડોમાં ઉતારાની વ્યવસ્થા કરેલી. દિવસે ચર્ચાઓ ચાલે, એના કરતાં રાત્રે વધારે ચાલે. કોઈ એકના ખંડમાં સૌ ભેગા થઈ જાય. એક વાર સુરેશ જોષીના ઓરડામાં સૌ બેઠેલાં. રિલ્કે હોય અને સુરેશ જોષી હોય, દિગીશ હોય, પ્રબોધ હોય, અનિરુદ્ધ હોય પછી કહેવાનું હોય?

ત્યાં ‘હાઉક્’ કરીને ઓરડાના બારણામાંથી કોઈએ કૂદકો માર્યો. એક હાથમાં ચકચકતું ડાવ (કાકોર વિનાના દાતરડા જેવું હથિયાર) અને ખભે ભાલાનું ભરત ભરેલી નાગા આદિવાસીની લાલઘૂમ શાલ. અચાનક આ આક્રમક કૂદકાથી પહેલાં તો બધા ભયકંપિત, ચકિત. પછી હાસ્યનો હિલ્લોળ — એ હતા કવિ ઉમાશંકર.

તાજેતરમાં નાગાલૅન્ડ, અસમ વગેરે પ્રદેશના પ્રવાસથી આવેલા. નાગાલૅન્ડના મુખીએ આપેલાં એમની સભ્યતાનાં પ્રતીકરૂપ એ શસ્ત્ર અને શાલ ધરીને કવિએ આમ નાટકીય પ્રવેશ કરી કેવો તો સૌને આનંદ આનંદ કરાવી દીધો

આ પણ ઉમાશંકર! ૧૯-૧૨-૯૦