ભારતીયકથાવિશ્વ−૪/દંડીકૃત દશકુમારચરિત/(છઠ્ઠો ઉચ્છ્વાસ) શક્તિકુમારની કથા
દ્રવિડ દેશમાં કાંચી નામની નગરી, ત્યાં કોઈ કરોડપતિનો પુત્ર શક્તિકુમાર નામે રહેતો હતો. તે જ્યારે અઢાર વરસનો થયો ત્યારે તેને વિચાર આવ્યો, પત્ની વિના અને સારી પત્ની વિનાનું જીવન જીવન જ ન કહેવાય. તો એવી સુશીલ પત્ની લાવવી ક્યાંથી? બીજાઓએ ચીંધેલી સ્ત્રીઓમાં ગુણ ન હોવાને કારણે તે સામુદ્રિક શાસ્ત્રના જાણકારનો વેશ સજીને ઝોળીમાં ચારેક શેર શાલિ (છડ્યા વિનાના ચોખા) લઈને ફરવા નીકળી પડ્યો. જ્યારે તે કોઈ સુંદર લક્ષણોવાળી પોતાની જાતિની કન્યાને જોતો ત્યારે તેને કહેતો, ‘કલ્યાણી, તું આટલી ડાંગરમાંથી મને સ્વાદિષ્ટ ભોજન બનાવી આપે?’ બધા તેની મજાક ઉડાવતા અને તેને હાંકી કાઢતા. આમ તે એક ઘેરથી બીજા ઘેર ભટકતો જ રહ્યો.
એક વખત શિવિ દેશમાં કાવેરી નદીના કિનારે વસેલા કોઈ નગરમાં પોતાના માતાપિતા સાથે આવેલી એક કન્યા તેણે જોઈ. તેમના ઘરનો બધો વૈભવ ક્ષીણ થઈ ચૂક્યો હતો, ખાલી જર્જરિત મકાન બચ્યું હતું. ઘરેણાં બહુ થોડાં પહેર્યાં હતાં. ધાવમાતાએ તે કન્યા દેખાડી. તેના પર નજર ઠેરવતાં લાગ્યું આ કન્યાનાં બધાં અંગ સપ્રમાણ છે. આંગળીઓ રાતી છે. હાથ પર જવ, માછલી, કમળ, કુંભ વગેરે મંગળ રેખાઓ છે. કાંડાં સુંદર છે. પગ ભરાવદાર છે, નસો દેખાતી નથી. પિંડીઓ નીચેથી વધુ ગોળાકાર થતી જાય છે. ઘુંટણ દેખાતા નથી કારણ કે તે તેની ગોળાકાર સાથળો સાથે મળી જાય છે. નિતંબ ગોળાકાર છે અને રથનાં પૈંડાં જેવાં દેખાય છે. નાભિ પાતળી છે, સપાટ અને ઊંડી. તેના ઉદર પર ત્રિવલિ છે, તેનાં સ્તન ઉન્નત છે અને સ્તનાગ્ર ઊપસેલાં છે, લતા જેવા હાથની રેખાઓમાં ધન, અન્ન અને પુત્રવતી હોવાનાં ચિહ્ન છે. રાતી આંગળીઓ સીધી, અને આગળ જતાં પાતળી થતી જાય છે, ખભા થોડા ઝૂકેલા છે, તેની ગ્રીવા શંખાકાર છે, તેના હોઠ ગોળાકાર અને રાતા છે. હડપચી અત્યંત સુંદર છે, કપોલ ભરાવદાર છે. લતા જેવી ભ્રમરો વાંકી, કાળી અને સુંદર છે. નાક તલના ફૂલ જેવું છે, આંખો વિશાળ, નિમીલિત અને કાળી, શ્વેત અને રાતી છે, ચમકદાર છે, વાંકડિયા કેશ સુંદર છે, તેનો સ્વભાવ સુંદર હોવો જોઈએ; મારું મન એના પ્રત્યે ખૂબ આકર્ષાયું છે. તો તેની પરીક્ષા કરીને લગ્ન કરવું જોઈએ. પૂરતો વિચાર કર્યા વગર કામ કરનારને પાછળથી પસ્તાવાનો વારો આવે છે. એટલે સ્નેહપૂર્ણ દૃષ્ટિથી તેની સામે જોઈને તે બોલ્યો, ‘આ ડાંગરમાંથી તું મને ભોજન કરાવી શકીશ?’
પછી તે કન્યાએ પોતાની વૃદ્ધ દાસી સામે જોયું. તેના હાથમાંથી થોડા ચોખા લીધા, તેને સ્વચ્છ કરેલા, જળનો છંટકાવ કરેલા ચોકમાં બેસાડ્યો. તે કન્યાએ સુગંધિત ચોખા સાફ કર્યા, થોડી વાર સૂર્યપ્રકાશમાં સૂકવ્યા અને વારે વારે મસળીને છડ્યા, પછી કુસકી જુદી કરી. તેણે દાસીને કહ્યું, ‘આ કુસકીનો ઉપયોગ સોનીઓ ઘરેણાં ચમકાવવા માટે કરે છે. આ લઈ જા અને તેમાંથી જે પૈસા મળે તેના વડે ઈંધણ ખરીદી લાવજે, જોેજે બળતણ બહુ લીલું કે સૂકું ન હોય, બે હાંલ્લાં પણ લેતી આવજે.’
પછી તે ચોખા ખાયણીમાં કચરવા લાગી. જે કુશળતાથી તે છડતી હતી તેનાથી ચોખા તળે ઉપર થતા હતા. વારેવારે આમ કરીને તે આંગળીઓ વડે ઉપરનીચે કરતી હતી. પછી તેણે સૂપડામાં ચોખા નાખી ઝાટક્યા, પાણીમાં વારેવારે ધોયા, પછી પાંચગણું પાણી લઈને ચૂલો પૂજ્યા પછી રાંધવા બેઠી. જ્યારે પાણી ઊકળવા લાગ્યું, ચોખા ચઢી ગયા અને ફૂલ્યા ત્યારે જુદા કાઢ્યા અને તે વેચવા દાસીને મોકલી, ‘આમાંથી જે પૈસા આવે તેમાંથી લીલાં શાકભાજી, ઘી, દહીં, તલનું તેલ, આમલી, આમળાં- જે મળે તે લઈ આવજે.’ પછી તેણે બે ત્રણ વાનગી બનાવી અને પંખાથી પવન નાખીને ઠંડી કરી, મીઠું વગેરે મસાલા નાખ્યા અને પાસ બેસાડ્યો. આમળાંનું ચૂર્ણ તૈયાર કરી કમળસુવાસ જેવું બનાવ્યું, અને પછી સ્નાન માટે તે પુરુષને બોલાવ્યો. પછી તેણે પણ સ્નાન કર્યું અને સ્વચ્છ કરેલી ભોંય પર આંગણામાં ઊગેલી કેળનાં પાંદડાં પાથર્યાં અને તેણે પહેલાં કાંજી પીરસી. એ પીતાંવેંત ચાલવાથી લાગેલો થાક દૂર થઈ ગયો, રોમાંચિત થયો, શરીરે પરસેવો થયો. પછી થોડું ઘી, ચટણી અને શાક સાથે ભાત પીરસ્યો, બાકીનો ભાત દહીં સાથે પીરસ્યો, ઉપર જાયફળ, જાવંત્રી, એલચી નાખ્યાં હતાં. છેલ્લે થોડો ભાત વધ્યો. તે ધરાઈ ગયો એટલે તેણે પાણી માગ્કહ્યું. પછી કૂંજામાં સુગંધિત પાણી ભરીને તેણે આપ્યું. પાણી પીતી વખતે તેની આંખો પર ઠંડાં જળબિંદુઓનો સ્પર્શ થયો. તે આવું પાણી પીને તૃપ્ત થયો અને કન્યાને ઇશારો કર્યો, તેણે આચમન માટે બીજું પાણી આપ્યું. પછી તેનો વધેલો ખોરાક દાસીએ લઈ લીધો, તે છાણ વડે લીંપેલી ફરસ પર પોતાનું વસ્ત્ર પાથરીને આડો પડ્યો. તે કન્યાથી પ્રસન્ન થઈને તેની સાથે તેણે વિધિપૂર્વક લગ્ન કર્યું, ઘેર લઈ ગયો. પાછળથી તેણે પત્નીની ઉપેક્ષા કરી અને કોઈ બીજી સ્ત્રી લઈ આવ્યો. તેણે આ નવી આગંતુકા સાથે સખી જેવો વ્યવહાર કર્યો, પતિસેવા દેવસેવા જેમ કરી, ઉદાર બનીને બધા દાસદાસીઓને વશ કરી લીધા. તેના સદ્ગુણોથી આકર્ષાઈને પતિએ તેને આખો ઘરસંસાર સોંપી દીધો, અને ધર્મ, અર્થ, કામ ભોગવ્યા.
(છઠ્ઠો ઉચ્છ્વાસ)