ભારતીયકથાવિશ્વ−૪/પંચતંત્રની કથાઓ/વાંદરો અને મગર
સમુદ્રના કોઈ કિનારા ઉપર સદા ફળવાળું જાંબુનું એક મોટું ઝાડ હતું. ત્યાં રક્તમુખ નામે વાંદરો રહેતો હતો. એક વાર કરાલમુખ નામે મગર સમુદ્રના જળમાંથી બહાર નીકળીને સુકોમળ રેતીવાળા કિનારા ઉપર તે ઝાડની નીચે બેઠો. પછી રક્તમુખે તેને કહ્યું, ‘અરે! તું અભ્યાગત અતિથિ છે. માટે મેં આપેલાં જાંબુનાં અમૃતસમાન ફળ તું ખા. કહ્યું છે કે વૈશ્વદેવ થઈ રહ્યા પછી આવેલો અતિથિ પ્રિય હોય કે અપ્રિય, મૂર્ખ હોય કે પંડિત, પણ તે સ્વર્ગની ગતિ આપનારો છે. મનુએ કહ્યું છે કે — વૈશ્વદેવ તથા શ્રાદ્ધને અંતે આવેલા અતિથિને શાખા, ગોત્ર, વિદ્યા કે કુળ પૂછવું નહિ. દૂર માર્ગેથી શ્રમથી થાકેલા તથા વૈશ્વદેવને અંતે આવેલા અતિથિને જે પૂજે છે તે પરમ ગતિમાં જાય છે.’
એમ કહીને વાંદરો તેને જાંબુનાં ફળ આપવા લાગ્યો. મગર પણ એ ફળનું ભક્ષણ કરીને, ઘણા સમય સુધી તેની સાથે ગોષ્ઠિસુખ અનુભવીને પાછો પોતાને ઘેર ગયો. એ પ્રમાણે તે વાંદરો અને મગર નિત્ય જાંબુના ઝાડની છાયામાં બેસીને, વિવિધ શાસ્ત્રગોષ્ઠિમાં સમય ગાળતા સુખપૂર્વક રહેતા હતા. તે મગર પણ ખાતાં બાકી રહેલાં જાંબુનાં ફળ ઘેર જઈને પોતાની પત્નીને આપતો હતો.
પછી એક દિવસે મગરીએ મગરને પૂછ્યું, ‘નાથ! તમને આવાં અમૃતસમાન ફળ ક્યાં મળે છે?’ તે બોલ્યો, ‘ભદ્રે! મારો પરમ મિત્ર રક્તમુખ નામે વાંદરો છે, તે મને નિત્ય પ્રીતિપૂર્વક આ ફળો આપે છે.’ એટલે તે બોલી, ‘જે નિત્ય આવાં અમૃતમય ફળોનું ભક્ષણ કરે છે તેનું હૃદય પણ અમૃતમય હશે. માટે હું કે જે તમારી પત્ની છું તેનું તમારે પ્રયોજન હોય તો એનું હૃદય મને લાવી આપો, જેથી તે ખાઈને જરામરણથી રહિત થઈને હું તમારી સાથે ભોગો ભોગવું.’ તે બોલ્યો, ‘ભદ્રે! એમ ન બોલ, કેમ કે તેને મેં મારા ભાઈ તરીકે સ્વીકારેલો છે. વળી તેને હું મારી શકું તેમ નથી. માટે તું આ મિથ્યા આગ્રહ છોડી દે. કહ્યું છે કે
એક સ્થાને વાણી મનુષ્યોને જન્મ આપે છે, બીજે સ્થાને માતા જન્મ આપે છે; સહોદર બાંધવ કરતાં પણ વાણીથી ઉત્પન્ન થયેલા બાંધવને — અર્થાત્ મિત્રને અધિક ગણેલો છે.’ એટલે મગરી બોલી, ‘તમે પહેલાં કદી પણ મારું વચન ઉથાપ્યું નથી. માટે નક્કી તે કોઈ વાંદરી હશે. કેમ કે તેના અનુરાગથી તમે આખોયે દિવસ ત્યાં વ્યતીત કરો છો. મેં ખરી વાત બરાબર જાણી લીધી છે. કેમ કે
તમે મને આનંદપૂર્વક ઉત્તર આપતા નથી. મને કોઈ ઇચ્છિત વસ્તુ આપતા નથી, રાત્રે ઘણી વાર અગ્નિની જ્વાળા જેવો ઊનો નિ:શ્વાસ વેગથી નાખો છો, કંઠના આલિંગનમાં શિથિલતા બતાવો છો, અને ચુંબનમાં આદર કરતા નથી; માટે હે ધૂર્ત! તમારા હૃદયમાં મારાથી પણ અધિક એવી કોઈ પ્રિયતમા રહેલી છે.’
એ મગર પણ પત્નીના ચરણ પકડી, તે પોતાના ખોળામાં મૂકી, અત્યંત કોપ પામેલી એવી તેને દીનતાપૂર્વક કહેવા લાગ્યો કે, ‘પ્રિયે! હું તારા ચરણમાં પડ્યો છું અને તારો દાસ થયો છું, પછી હે કાન્તા! બીજો કયો કામાતુર પુરુષ તારો કોપ દૂર કરશે?’
આંસુથી જેનું મુખ ભરાઈ ગયું હતું એવી તે પણ એ વચન સાંભળીને તેને કહેવા લાગી, ‘હે ધૂર્ત! કૃત્રિમ ભાવો વડે રમણીય એવી તે જ કાન્તા સેંકડો મનોરથોની સાથે તમારા હૃદયમાં રહેલી છે. અમારે માટે તેમાં કોઈ અવકાશ રહ્યો નથી. તેથી પગમાં પડીને મારી વિડંબના કર્યા વિના રહો!
વળી જો તે તમારી વલ્લભા ન હોય તો હું કહું છું તો પણ કેમ તેનો વધ કરતા નથી? અને જો તે વાંદરો હોય તો તેની સાથે આટલો બધો સ્નેહ કેવો? માટે વધારે શું કહું? જો તેનું હૃદય નહિ મળે તો હુ ં પ્રાણાન્તિક ઉપવાસ કરીશ, એમ તમે જાણજો.’ એ પ્રમાણે તેનો એ નિશ્ચય જાણીને ચિન્તાથી વ્યાકુળ ચિત્તવાળો તે મગર બોલ્યો, ‘અથવા આ ખરું કહ્યું છે કે
વજ્રલેપનો, મૂર્ખનો, સ્ત્રીનો, કરચલાનો, માછલાંનો, ગળીનો અને મદ્યપાન કરનારનો ગ્રહ એક જ હોય છે —- તેઓ જેને ચોંટે છે તેનાથી અલગ થતાં નથી.
માટે શું કરું? એનો વધ હું કેવી રીતે કરી શકું?’ એ પ્રમાણે વિચાર કરતો વાંદરાની પાસે આવ્યો. વાંદરાએ પણ તેને મોડો આવેલો જોઈને ઉદ્વેગપૂર્વક કહ્યું, ‘મિત્ર! તું અહીં મોડો કેમ આવ્યો? તું આનંદપૂર્વક વાતો શાથી કરતો નથી અને સુભાષિતો કેમ બોલતો નથી?’ તે બોલ્યો, ‘મિત્ર! મને તારી ભોજાઈએ કઠોર વાક્યોથી કહ્યું છે કે, હે, કૃતઘ્ન! મારી સમક્ષ તમારું મુખ બતાવશો નહિ, કારણ કે તમે દરરોજ મિત્ર ઉપર આજીવિકા ચલાવીને આવો છો, પરન્તુ આપણુંં ઘર બતાવીને પણ તેમની ઉપર સામો ઉપકાર કરતા નથી. તેથી તમારે માટે પ્રાયશ્ચિત્ત પણ નથી. કહ્યું છે કે
બ્રહ્મહત્યા કરનાર, મદ્યપાન કરનાર, ચોરી કરનાર તથા વ્રતભંગ કરનાર માટે સત્પુરુષોએ પ્રાયશ્ચિત્ત કહેલું છે, પણ કૃતઘ્નને માટે પ્રાયશ્ચિત્ત નથી.
માટે તમે મારા દિયરને લઈને, સામો ઉપકાર કરવાને માટે, આપણે ઘેર આવજો. નહિ તો તમારી સાથે મારું પરલોકમાં મિલન થશે (અર્થાત્ હું પ્રાણત્યાગ કરીશ).’ માટે તેણે આ પ્રમાણે કહેવાથી હું તારી પાસે આવ્યો છું. આજે તેની સાથે આ કલહમાં મારો આટલો સમય વીતી ગયો, માટે તું મારે ઘેર આવ. તારી ભોજાઈ ચોક પૂરીને, મણિમાણેકનાં આભરણ ધારણ કરીને તથા બારણાં ઉપર વંદનમાલા — લીલાં તોરણ બાંધીને ઉત્કંઠાપૂર્વક ઊભી છે.’ વાંદરો બોલ્યો, ‘હે મિત્ર! મારી ભોજાઈનું કથન યોગ્ય છે. કહ્યું છે કે
ડાહ્યા પુરુષે વણકરના જેવા (સ્વાર્થી) મિત્રનો ત્યાગ કરવો, કે જે લોલુપતાથી બીજાને (વણકર જેમ તારને ખેંચે તેમ) પોતાની તરફ આકર્ષે છે. (અને પોતે એની પાસે જતો નથી)
તેમ જ
આપવું અને લેવું, છાની વાત કહેવી અને પૂછવી, ખાવું અને ખવરાવવું — પ્રીતિનું એ છ પ્રકારનું લક્ષણ છે.
પણ અમે તો વનચરો છીએ અને તારું ઘર પાણીમાં છે, તેથી કોઈ રીતે ત્યાં જઈ શકાય એમ નથી. માટે એ મારી ભોજાઈને અહીં લાવ, જેથી તેને પ્રણામ કરીને તેનો આશીર્વાદ લઉં.’ તે મગર બોલ્યો, ‘મિત્ર! સમુદ્રને પેલે પાર એક રમ્ય તીરપ્રદેશમાં અમારું ઘર છે, માટે મારી પીઠ ઉપર બેસીને કોઈ પ્રકારના ભય વિના તું ત્યાં આવ.’ વાંદરો પણ તે સાંભળીને આનંદપૂર્વક બોલ્યો, ‘ભદ્ર! જો એમ હોય તો પછી શા સારુ વિલંબ કરે છે? ત્વરા કર. હું આ તારી પીઠ ઉપર બેઠો.’ પછી એ પ્રમાણે કર્યા બાદ મગરને અગાધ જળમાં જતો જોઈને ભયથી ત્રાસ પામેલા મનવાળો વાંદરો બોલ્યો, ‘ભાઈ! તું ધીરે ધીરે ચાલ. પાણીનાં મોજાંથી મારું શરીર ભીંજાઈ ગયું છે.’ તે સાંભળીને મગર વિચાર કરવા લાગ્યો. ‘આ અગાધ જળમાં આવી પહોંચ્યો છે, અને મારી પીઠ ઉપર બેઠેલો હોઈ મારે વશ છે, એટલે તલમાત્ર પણ ખસી શકે એમ નથી. માટે મારો અભિપ્રાય તેને કહું, જેથી તે ઇષ્ટ દેવતાનું સ્મરણ કરે.’ પછી તે બોલ્યો ‘મિત્ર! મારી પત્નીના વચનથી તને વિશ્વાસમાં લઈ તારો વધ કરવા માટે અહીં લાવ્યો છું. માટે ઇષ્ટ દેવતાનું સ્મરણ કર.’ વાંદરાએ કહ્યું, ‘ભાઈ! મેં તારો અથવા તેનો શો અપકાર કર્યો છે કે જેથી મારા વધનો ઉપાય વિચાર્યો?’ મગર બોલ્યો, ‘અરે! અમૃતમય રસવાળાં ફળોના આસ્વાદથી મીઠા થયેલા તારા હૃદયનું ભક્ષણ કરવાનો દોહદ તેને થયો છે. તે કારણથી આમ કર્યું છે.’ વાંદરો બોલ્યો, ‘ભદ્ર! જો એમ છે, તો તેં મને ત્યાં જ શા માટે ન કહ્યું? કારણ કે મારું હૃદય હું સદા જાંબુના ઝાડની બખોલમાં ગુપ્ત રાખું છું, તે મારી ભોજાઈને આપત. હૃદય વિનાના એવા મને તું અહીં શા માટે લાવ્યો?’ તે સાંભળીને મગર આનંદપૂર્વક બોલ્યો, ‘ભદ્ર! જો એમ છે તો એ હૃદય મને આપ જેથી એ કુભારજા તે ખાઈને અનશનમાંથી ઊઠે. હું તને તે જ જાંબુના ઝાડ પાસે લઈ જાઉં છું.’ એમ કહી પાછો વળીને તે જાંબુના ઝાડ નીચે ગયો. જેણે(પોતે જીવતો રહે તે માટે) અનેક દેવતાઓની વિધિપૂર્વકની પૂજાઓ માની હતી એવો વાંદરો માંડ તીર ઉપર આવી પહોંચ્યો. પછી એક લાંબી ફાળ ભરીને તે જ જાંબુના વૃક્ષ ઉપર ચડીને તે વિચાર કરવા લાગ્યો, ‘અહો! છેવટે પ્રાણ તો બચ્યા! અથવા આ ખરું કહ્યું છે કે
અવિશ્વાસુનો વિશ્વાસ કરવો નહિ અને વિશ્વાસુનો પણ વિશ્વાસ કરવો નહિ; વિશ્વાસ કરવાથી ઉત્પન્ન થયેલો ભય મૂળને પણ કાપી નાખે છે.
માટે આજે તો મારો ફરી જન્મ થયો.’ એ પ્રમાણે વિચાર કરતા એવા તેને મગરે કહ્યું, ‘હે મિત્ર! પેલું હૃદય આપ, જેથી તે ખાઈને તારી ભોજાઈ અનશનમાંથી ઊઠે.’ એટલે હસીને તેનો તિરસ્કાર કરતો વાંદરો બોલ્યો, ‘ધિક્કાર છે, મૂર્ખ! વિશ્વાસઘાતક! શું કોઈને બે હૃદય હોતાં હશે? માટે ચાલ્યો જા. અહીં જાંબુના ઝાડ નીચે તારે ફરી વાર આવવું નહિ. કારણ, કહ્યું છે કે
એક વાર દુષ્ટતા કરનાર મિત્રની સાથે જે ફરી સંધિ કરવા ઇચ્છે છે તે, ગર્ભ ધારણ કરવાથી જેમ ખચ્ચરી મરણ પામે છે તેમ, મરણ પામે છે.’
એ સાંભળીને મગર શરમાઈને વિચાર કરવા લાગ્યો. ‘અહો! અતિ મૂઢ એવા મેં મારા ચિત્તનો અભિપ્રાય એને શા માટે જણાવ્યો? માટે જો ફરી કોઈ રીતે માને તો તેને વિશ્વાસમાં લઉં.’ પછી તે બોલ્યો, ‘મિત્ર! મશ્કરી કરીને મેં તો તારો વિચાર જાણ્યો હતો. તારા હૃદયનું તેને કંઈ પ્રયોજન નથી. માટે પરોણા તરીકે તું મારે ઘેર ચાલ. તારી ભોજાઈ ઉત્કંઠિત થઈને બેઠી છે.’
વાંદરો બોલ્યો, ‘હે દુષ્ટ! ચાલ્યો જા! હવે હું નહિ આવું.’