ભારતીયકથાવિશ્વ−૪/પંચતંત્રની કથાઓ/પ્રત્યુત્તર આપતી ગુફા અને શિયાળ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પ્રત્યુત્તર આપતી ગુફા અને શિયાળ

કોઈ એક વનપ્રદેશમાં ખરનખર નામે સિંહ રહેતો હતો. એક વાર આમતેમ ભમતાં ભૂખ્યા થયેલા તેને કોઈ પ્રાણી મળ્યું નહિ. પછી સૂર્યાસ્ત કાળે એક મોટી ગુફા પાસે આવી પહોંચી, તેમાં પ્રવેશ કરી તે વિચારવા લાગ્યો, ‘નક્કી, રાત્રે આ ગુફામાં કોઈ પ્રાણી આવશે, માટે છાનોમાનો બેસું.’ એ પ્રમાણે તે ત્યાં બેઠો, એટલામાં અધિપુચ્છ નામનો એ ગુફાનો સ્વામી શિયાળ આવ્યો. તે જુએ છે તો સિંહનાં પગલાં ગુફામાં પ્રવેશેલાં હતાં, પણ બહાર નીકળેલાં નહોતાં. તેથી તે વિચાર કરવા લાગ્યો, ‘અહો! મારો વિનાશ આવી પહોંચ્યો છે. નક્કી આ ગુફાની અંદર સિંહ હોવો જોઈએ. માટે શું કરું? કેવી રીતે જવું?’ એ પ્રમાણે વિચાર કરીને તે દ્વાર આગળ જ ફૂંફાડા મારવા લાગ્યો. ‘અહો! ગુફા રે!’ એમ બોલીને તે ફરી વાર પણ કહેવા લાગ્યો, ‘અરે! તું શું નથી જાણતી કે તારી સાથે મારે સંકેત થયેલો છે? — જ્યારે હું બહારથી આવું ત્યારે મારે તને બોલાવવી અને તારે મને બોલાવવો. માટે જો તું નહિ બોલાવે તો હું બીજી ગુફામાં જઈશ.’ સિંહે પણ તે સાંભળીને વિચાર્યું, ‘ખરેખર, જ્યારે તે હંમેશ આવતો હશે ત્યારે આ ગુફા તેને બોલાવતી હશે. પણ આજે તે મારા ભયથી કંઈ બોલતી નહિ હોય. અથવા આ ખરું કહ્યું છે કે

જેમનું મન ભયથી ત્રાસ પામેલું હોય છે તેમના હાથપગની ક્રિયાઓ તથા વાણી ચાલતી નથી, અને શરીરમાં અધિક કંપ થાય છે.

માટે હું જ તેને બોલાવું, જેથી તે અંદર પ્રવેશીને મારું ભોજન બને.’ એમ વિચારીને તેણે શિયાળને બોલાવ્યો. એટલે સિંહના શબ્દના સેંકડો પડઘાથી ગુફા ભરાઈ ગઈ, અને તેથી દૂર રહેલાં પ્રાણીઓ પણ ત્રાસ પામ્યાં. શિયાળ પણ નાસતાં નાસતાં આ શ્લોક બોલ્યો,

‘ભવિષ્યનો વિચાર કરીને જે કાર્ય કરે છે તે શોભે છે, જે ભવિષ્યનો વિચાર કરતો નથી તે શોક પામે છે; આ વનમાં રહેતાં મને વૃદ્ધત્વ આવ્યું, પણ મેં ગુફાની વાણી કદી સાંભળી નથી.’