ભારતીયકથાવિશ્વ−૪/શ્રીમદ્ ભાગવત્/યમલ-અર્જુનના શાપની કથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


યમલ-અર્જુનના શાપની કથા

કુબેરના લાડકા પુત્રો નલકુબેર અને મણિગ્રીવ હતા. એક બાજુ કુબેરના પુત્રો અને બીજી બાજુ રુદ્ર ભગવાનના અનુચરો હતા. એને કારણે તેઓ અભિમાની થઈ ગયા. એક દિવસ કૈલાસના રમણીય ઉપવનમાં મંદાકિનીના કાંઠે તેઓ મદિરા પીને ઉન્મત્ત થયા હતા. તેમની આંખો ચકળવકળ થતી હતી. ઘણી સ્ત્રી તેમની સાથે ગાયનવાદન કરી રહી હતી, પુષ્પાચ્છાદિત વનમાં તેઓ વિહાર કરી રહી હતી. ગંગામાં અનેક પ્રકારનાં કમળ હતાં. તેઓ સ્ત્રીઓની સાથે પાણીમાં પ્રવેશ્યા અને હાથીઓ જેવી રીતે હાથણીઓ સાથે મસ્તીએ ચઢે તેવી રીતે તેઓ યુવતીઓ સાથે ક્રીડા કરવા લાગ્યા. સંયોગવશાત્, ત્યાંથી નારદ નીકળ્યા. આ યક્ષકુમારોને જોઈ નારદને સમજાઈ ગયું કે અત્યારે તેઓ છકી ગયા છે. દેવષિર્ નારદને જોઈને વસ્ત્રહીન અપ્સરાઓ શરમાઈ ગઈ, શાપની બીકે ઉતાવળે વસ્ત્ર ધારણ કર્યાં પણ યક્ષોએ વસ્ત્ર ન પહેર્યાં; દેવષિર્ નારદે જોયું કે દેવતાઓના પુત્ર થઈને મદિરાપાનથી ઉન્મત્ત થયા છે ત્યારે તેમણે શાપ આપ્યો. ‘જાઓ તમે વૃક્ષ થવાને લાયક છો. મારી કૃપાથી તમને ભગવાનની સ્મૃતિ રહેશે, સો વર્ષે ભગવાન કૃષ્ણ મળશે અને પછી તમે તમારા લોકમાં પાછા આવશો.’

દેવષિર્ નારદ આમ કહી ભગવાન નર-નારાયણના આશ્રમે જતા રહ્યા. નલકુબેર અને મણિગ્રીવ- આ બંને એક સાથે અર્જુન વૃક્ષ થઈને યમલાર્જુનના નામે જાણીતા થયા. ભગવાન શ્રીકૃષ્ણ પોતાના ભક્ત દેવષિર્ નારદની વાત સાચી કરવા માટે જ્યાં યમલઅર્જુન વૃક્ષ હતાં ત્યાં ધીરે ધીરે ખાંડણિયો ઘસેડતાં ગયા. ભગવાને વિચાર્યું, દેવષિર્ નારદ મારા પ્રિય છે, આ બંને ધનદ(કુબેર)ના પુત્રો છે. એટલે નારદની વાત સાચી કરવા માટે હું આમ કરીશ. આમ વિચારી તેઓ બંને વૃક્ષોની વચ્ચે પ્રવેશ્યા. તેઓ તો એમાંથી બહાર નીકળી ગયા પણ ખાંડણિયો વાંકો થઈને અટકી ગયો. દામોદર કૃષ્ણની કમરે દોરડું બાંધ્યું હતું. તેમણે પોતાની પાછળ રહેલા ખાંડણિયાને જરા જોર વાપરીને ખેંચ્યો એટલે વૃક્ષોનાં બધાં મૂળિયાં ઊખડી ગયાં. ભગવાને જરા જોર વાપર્યું એટલે તરત જ વૃક્ષોનાં થડ, શાખાઓ, નાનાં ડાળીડાંખરાં અને બધાં પાંદડાં ધૂ્રજી ઊઠ્યાં અને તે બંને વૃક્ષ જોરથી હચમચીને ભૂમિ પર પડી ગયાં. તે બંને વૃક્ષોમાંથી અગ્નિ સમાન બે સિદ્ધ પુરુષો નીકળ્યા. તેમના ઝળહળતા સૌેંદર્યથી દિશાઓ ચમકી ઊઠી. તેમણે સંપૂર્ણ લોકોના સ્વામી ભગવાન શ્રીકૃષ્ણ પાસે આવીને તેમની ચરણવંદના કરી, હાથ જોડી શુદ્ધ હૃદયથી સ્તુતિ કરી.

ખાંડણિયા સાથે બંધાયેલા ગોકુલેશ્વર શ્રીકૃષ્ણે આ પ્રકારની સ્તુતિ સાંભળીને હસતાં હસતાં કહ્યું,

‘તમે લોકો શ્રીમદથી આંધળા થઈ ગયા હતા. હું પહેલેથી જાણતો હતો કે કરુણાનિધાન ઋષિએ શાપ આપીને તમારું ઐશ્વર્ય ખલાસ કરી નાખ્યું અને આમ તમારા પર અનુગ્રહ(કૃપા) કર્યો. જેવી રીતે સૂર્યોદય થતાં મનુષ્યનાં નેત્રો સામે અંધકાર રહી શકતો નથી તેવી રીતે જેમનું ચિત્ત સમદશિર્ની છે, તે સાધુ પુરુષોના દર્શનથી તેમનું બંધન શક્ય નથી. એટલે નલ કુબેર અને મણિગ્રીવ મારામાં પરાયણ થઈને તમારે ઘેર જાઓ. તમે ઇચ્છ્યો હતો તેવા સંસારચક્રમાંથી છોડાવનાર ભક્તિભાવની પ્રાપ્તિ થઈ ગઈ છે.’

ભગવાને આમ કહ્યું એટલે બંનેએ તેમની પરિક્રમા કરી અને વારેવારે પ્રણામ કર્યાં. પછી ખાંડણિયા સાથે બંધાયેલા ભગવાનની આજ્ઞા મેળવીને તેઓ ઉત્તર દિશામાં ચાલી નીકળ્યા.

વૃક્ષોના પડવાથી થયેલો મોટો અવાજ નંદબાવા અને બીજા ગોપોએ પણ સાંભળ્યો. વીજળી ત્રાટકવાની શંકા થઈ અને તેઓ ભય પામીને વૃક્ષો પાસે આવી પહોંચ્યા. ત્યાં પહોેંચીને જોયું તો બંને અર્જુન વૃક્ષો પડી ગયાં હતાં. તેમના પડવાનું કારણ અસ્પષ્ટ હતું. ત્યાં તેમના દેખતાં જ દોરડે બંધાયેલો બાળક ખાંડણિયો ખેંચી રહ્યો હતો પણ વાત સમજાઈ નહીં: ‘આ કોનું કામ, આવી આશ્ચર્યજનક ઘટના કેવી રીતે થઈ એમ વિચારી તેઓ બી ગયા. ત્યાં કેટલાંક બાળકો રમતાં હતાં, તેમણે કહ્યું, ‘આ એનું જ કામ છે. તે બંને વૃક્ષોની વચ્ચેથી નીકળી રહ્યો હતો. ખાંડણિયો વાંકો થઈ ગયો એટલે તેણે જોરથી ખેંચ્યો એટલે વૃક્ષો પડી ગયાં. અમે તો તેમાંથી નીકળેલા બે પુરુષો પણ જોયા.’ ગોપલોકોએ તેમની વાત ન માની. તેઓ બોલ્યા, ‘એક નાનું છોકરું આટલા મોટાં મોટાં વૃક્ષોને ઉખેડી નાખે એ શક્ય નથી.’ શ્રીકૃષ્ણની પહેલી લીલાઓને યાદ કરીને કેટલાકના ચિત્તમાં શંકા પણ થઈ. નંદબાવાએ જોયું કે તેમનો પ્રિય કૃષ્ણ દોરડે બંધાઈને ખાંડણિયો ખેંચી રહ્યો છે. આ જોઈ તેઓ હસવા લાગ્યા અને જલદીથી દોરડાની ગાંઠ તેમણે છોડી નાખી.

ભગવાન ક્યારેક ગોપીઓના ફોસલાવાથી સામાન્ય બાળકોની જેમ નાચવા લાગતા. ક્યારેક ભલાભોળા બાળકની જેમ ગાવા બેસતા. ક્યારેક કૃષ્ણની આજ્ઞાથી ગોપીઓ પીઠિયું લઈ આવતી, તો ક્યારેક કશું તોલવા માટેનાં સાધન લઈ આવતી. કદીક પાદુકા લઈ આવતી, ક્યારેક પ્રેમી ભક્તોને આનંદિત કરવા પહેલવાનોની જેમ સાથળ પછાડતા, આનંદ પમાડતા. સંસારમાં જેઓ તેમના રહસ્યને જાણે છે તેમને તેઓ બતાવતા કે ‘હું મારા સેવકોના કહેવામાં છું.’

જ્યારે નંદબાવા તથા વૃદ્ધ ગોપલોકોએ જોયું કે મહાવનમાં તો મોટા મોટા ઉત્પાત થઈ રહ્યા છે ત્યારે હવે શું કરવું જોઈએ તેનો વિચાર કરવા બધા ભેગા થયા. તેમાં એક ગોપ હતા ઉપનન્દ. તેઓ ઉમ્મરમાં મોટા હતા અને જ્ઞાનમાં પણ મોટા હતા. કયા સમયે ક્યાં શું કરવું તેની તેમને જાણ હતી. બલરામ અને કૃષ્ણ સુખે રહે અને તેમના પર કોઈ આફત ન આવે એવું પણ તે ઇચ્છતા હતા.

તેમણે કહ્યું, ‘ભાઈઓ, અહીં બાળકો માટે અનિષ્ટકારી હોય એવા ઘણા ઘણા ઉત્પાતો થઈ રહ્યા છે. ગોકુળ અને ગોકુળવાસીઓનું હિત ઇચ્છતા હોય તો અહીંથી આપણે જતા રહેવું જોઈએ. બાળકો માટે કાલઘાતક રાક્ષસીના પંજામાંથી તો આ બાળક છૂટ્યો પછી ઈશ્વરકૃપાએ એના પર મોટું ગાડું પડતાં પડતાં રહી ગયું. ચક્રવાત રૂપી દૈત્યે તેને આકાશમાં લઈ જઈ મોટી આફતમાં નાખી દીધો. ત્યાંથી તે જ્યારે શિલા પર પડ્યો ત્યારેય કુળના દેવતાઓએ એની રક્ષા કરી. વૃક્ષો ઊખડી ગયાં ત્યારે તેમની વચ્ચે હોવા છતાં આ કે બીજું કોઈ બાળક ન મર્યું. ભગવાને આપણી રક્ષા કરી. કોઈ વધુ ભયાનક અનિષ્ટ આપણને કે વ્રજને ખતમ ન કરે ત્યાં સુધી આપણે બાળકોને, અનુચરોને લઈને અન્યત્ર જતા રહીએ. અહીં વૃંદાવન છે, એમાં નાનાં મોટાં નવાં નવાં વન છે. પશુઓ માટે ઉત્તમ છે. ગોપગોપીઓ, ગાયો માટે સેવન કરવા યોગ્ય છે. જો તમને આ વાત સ્વીકાર્ય હોય તો આપણે આજે જ નીકળી પડીએ. ગાડાં તૈયાર કરીએ, પહેલાં આપણી સૌથી મોટી સંપત્તિ એવી ગાયોને રવાના કરીએ.’

તેમની વાત સાંભળીને બધા ગોપોએ એકી અવાજે ‘બહુ સારું, બહુ સારું’ કહ્યું. બધાએ પોતપોતાની ગાયો ભેગી કરી, ગાડાં ઉપર ઘરવખરી લાદી. બાળકો, સ્ત્રીઓ તથા ઘરવખરીને ગાડામાં ચઢાવી દીધાં અને પોતે હાથમાં ધનુષબાણ લઈ ચાલી નીકળ્યા. તેમણે ગાયો, વાછરડાને બધાની આગળ કર્યા અને તેમની પાછળ પાછળ તૂર્ય, શૃંગ વગાડતા ચાલ્યા. તેમની સાથે પુરોહિતો પણ ચાલતા હતા. ગોપીઓ વક્ષ:સ્થળે કુંકુમની અર્ચા કરીને, ગળામાં સુવર્ણહાર પહેરીને, કૃષ્ણલીલાનાં ગીત ગાતી એક ગાડામાં બેઠી હતી. બંને બાળકોની કાલીઘેલી વાતો સાંભળીને ધરાતી ન હતી, વધુ ને વધુ સાંભળવા ઇચ્છતી હતી. કોઈ પણ ઋતુમાં વૃંદાવન સુંદર જ છે. તેમાં પ્રવેશીને ગોપાલકોએ અર્ધચંદ્રાકારમાં ગાડાં ઊભાં રાખ્યાં અને પોતાના ગોધન માટે સ્થાન નિયત કર્યાં. વૃંદાવનનું લીલુંછમ વન, ગોવર્ધન પર્વત તથા યમુનાના કિનારા જોઈ કૃષ્ણ-બલરામના હૃદયમાં ઉત્તમ પ્રીતિ પ્રગટી. બલરામ અને કૃષ્ણ બાલોચિત લીલાઓ તથા કાલીઘેલી વાણી વડે ગોકુળની જેમ વૃંદાવનમાં પણ વ્રજવાસીઓને આનંદ પમાડતા હતા…

એક દિવસ શ્યામ અને બલરામ ગોપબાલોની સાથે યમુનાતીરે વાછરડા ચરાવતા હતા. તે સમયે તેમને મારવા માટે એક દૈત્ય આવ્યો. ભગવાને જોકહ્યું કે તે વાછરડાનું રૂપ લઈને જૂથમાં ભળી ગયો છે. બલરામને આંખો વડે સંકેત કરીને ધીમે ધીમે તેની પાસે પહોેંચી ગયા. તેમણે દેખાડ્યું કે તે સુંદર વાછરડા પર મુગ્ધ થઈ ગયા છે. ભગવાને તેના પૂંછડા સાથે પાછલા બંને પગ પકડ્યા અને આકાશમાં ઘુમાવ્યો, મરી ગયો એટલે કોઠાના ઝાડ પર ફેંકી દીધો. તે મહાકાય દૈત્ય કોઠાનાં ઘણાં ઝાડ પાડીને પોતે પણ પડી ગયો. આ જોઈને ગોપબાલોને બહુ અચરજ થયું, ‘વાહ વાહ’ કરીને કૃષ્ણની પ્રશંસા કરવા લાગ્યા. દેવતાઓએ પણ આનંદમાં આવીને પુષ્પવર્ષા કરી.

સમગ્ર લોકોના એક માત્ર રક્ષક કૃષ્ણ અને બલરામ હવે વત્સપાલક બન્યા. તેઓ સૂરજ ઊગતાં જ વાછરડા ચરાવવા નીકળી પડતા અને એમ કરતાં એક વનમાંથી બીજા વનમાં જઈ ચઢતા. એક દિવસ બધા ગોપબાલ પોતપોતાનાં જૂથના વાછરડાને પાણી પીવડાવવા જળાશયે લઈ ગયા. પહેલાં વાછરડાને પાણી પીવડાવ્યું, પછી જોયું તો એક મસમોટો જીવ ત્યાં બેઠો હતો. પર્વતશિખર પડ્યું હોય એવું લાગ્યું. તે બક નામનો મહાઅસુર બગલાનું રૂપ લઈને આવ્યો હતો. તરાપ મારીને કૃષ્ણને તે ગળી ગયો. બલરામ અને બીજા ગોપબાલોએ જોયું કે તે ભયાનક બગલો કૃષ્ણને ગળી ગયો છે, પ્રાણ જતા રહે ત્યારે ઇન્દ્રિયોની જે હાલત થાય તે તેમની થઈ. તેઓ બેસુધ થઈ ગયા. જગદ્ગુરુ એવા કૃષ્ણ ગોપાલબાળક બન્યા છે. જ્યારે તેઓ બગલાના તાળવે પહોેંચ્યા ત્યારે તેઓ આગની જેમ તેના તાળવાને બાળવા લાગ્યા. એટલે તે દૈત્યે શ્રીકૃષ્ણને ઇજા પહોેંચાડ્યા વિના તરત જ મોઢામાંથી બહાર કાઢ્યા. પછી ક્રોધે ભરાઈ પોતાની ચાંચ વડે કૃષ્ણ પર ઘા કરવા તે ટૂટી પડ્યો. તે હજુ તો કશું કરે તે પહેલાં ભગવાને બંને હાથે તેની ચાંચ પકડીને ગોપબાલોના દેખતાં જ કોઈ વીરણ ચીરે તેમ તેને ચીરી નાખ્યો. દેવતાઓને આનંદ થયો. તેમણે મલ્લિકા વગેરે પુષ્પો વરસાવ્યાં, નગારાં-શંખ વગાડી સ્તવનો ગાયાં. નંદનવનનાં અનેક પુષ્પો વરસાવી તેમને પ્રસન્ન કર્યા. આ જોઈને ગોપબાલો નવાઈ પામ્યા. બલરામે તથા બીજા ગોપબાલોએ જોયું કે કૃષ્ણ બગલાના મોંમાંથી નીકળીને આપણી પાસે આવી ગયા છે ત્યારે જાણે પ્રાણના સ્પર્શે ઇન્દ્રિયો સચેત થઈ ગઈ ન હોય એવો આનંદ થયો. બધા કૃષ્ણને ભેટ્યા, પછી પોતપોતાના વાછરડા હાંકીને બધા આવ્યા અને ત્યાં સ્વજનોને આખી વાત તેમણે કરી.

એ વાત સાંભળીને ગોપ-ગોપી અચરજ પામ્યા અને જાણે કૃષ્ણ મૃત્યુના મેંમાંથી બહાર આવ્યા છે એવું તેમને લાગ્યું…

એક દિવસ વનમાં જ ખાઈશું પીશું એવો વિચાર કરીને કૃષ્ણ તડકો થતાં ઊઠી ગયા અને શૃંગરવ વડે પોતાના મનની વાત ગોપબાલોને કરી તેમને જગાડ્યા, વાછરડાને આગળ કરીને તેઓ નીકળી પડ્યા. શ્રીકૃષ્ણની સાથે જ તેમના વહાલા ગોપબાલો શૃંગ, વાંસળી વગેરે લઈને અને હજારો વાછરડાને આગળ કરીને આનંદ પામતાં ઘરમાંથી નીકળી પડ્યા. કૃષ્ણના અસંખ્ય સાથીઓએ કાચ, પ્રવાલ, મણિ, સુવર્ણનાં આભૂષણો પહેર્યાં હતાં તો પણ વૃંદાવનમાં રંગબેરંગી ફૂલોથી, કૂંપળોથી, મોરનાં પીંછાંથી, રૂપોથી, પોતાને સજાવ્યા. એકબીજાની વસ્તુઓ ચોરી લેતા હતા, કોઈ વાંસળી તો કોઈ શીકું. જ્યારે એ વસ્તુઓના મૂળ માલિકને ખબર પડતી ત્યારે એને લઈ જનારો બીજાની પાસે ફેંકતો, બીજો ત્રીજા પાસે અને ત્રીજો દૂરના કોઈ ચોથાને. પછી હસતાં હસતાં ચીજવસ્તુઓ પાછી અપાતી. જો શ્રીકૃષ્ણ વનની શોભા જોવા માટે થોડા આગળ નીકળી પડતા તો ‘પહેલાં હું અડકીશ, પહેલાં હું’ એવી હોડ બકીને બધા તેમની નજીક જવા દોટ મૂકતા અને તેમને સ્પર્શીને આનંદ પામતા…

તે સમયે અઘાસુર નામનો મહાન દૈત્ય આવી ચડ્યો. તેનાથી શ્રીકૃષ્ણ અને ગોપબાલોની આનંદક્રીડા વેઠી ન શકાઈ. તેને ઈર્ષ્યા થઈ. તે એટલો ભયાનક હતો કે અમૃતપાન કરી અમર થયેલા દેવતાઓ પણ તેનાથી પોતાના જીવનની રક્ષા કરવા સદાચિંતાતુર રહેતા અને તેના મૃત્યુના અવસરની રાહ જોઈને બેઠા હતા. અઘાસુર પૂતના અને બકાસુરનો નાનો ભાઈ હતો, કંસે તેને મોકલ્યો હતો. શ્રીકૃષ્ણ, ગોપબાલોને જોઈ મનમાં વિચારવા લાગ્યો, ‘આ મારા સગાભાઈ અને બહેનના હત્યારા છે. આજે હું ગોપબાલોની સાથે એને પણ મારી નાખીશ. એમનું મૃત્યુ એટલે મારાં ભાઈબહેનનું તર્પણ. પછી બધા વ્રજવાસીઓ જીવતાં છતાં મરેલાં. સંતાનો જ મૃત્યુ પામે તો પછી માતાપિતા ક્યાંથી જીવશે?’ એમ વિચારી તેણે અજગરનું રૂપ લીધું અને રસ્તામાં આડો પડ્યો. એક યોજન જેટલા મોટા પર્વત જેવી તેની કાયા. તેની ઇચ્છા બધાં બાળકોને ગળી જવાની હતી એટલે પોતાનું મોં ગુફા જેવું પહોળું કરીને તે પડ્યો હતો. તેનો નીચલો હોઠ ધરતીને અને ઉપલો હોઠ વાદળોને અડકતો હતો. તેનાં જડબાં કંદરા જેવાં અને દાઢ પર્વતશિખર જેવી, મોંની અંદર ઘોર અંધારું, જીભ એક પહોળી રાતી સડક જેવી, શ્વાસ આંધી જેવા અને દાવાનળ પ્રગટાવતા હતા.

અઘાસુરનું આવું રૂપ જોઈ બાળકોએ એમ માન્યું કે આ પણ વૃંદાવનની જ એક શોભા છે. તેઓ રમતાં રમતાં બોલ્યા, જાણે આ અજગરનું પહોળું મોં છે. એકે કહ્યું, આપણી સામે કોઈ પ્રાણી છે અને આપણને ગળી જવા માગતા અજગરના ખુલ્લા મોં જેવું છે. બીજાએ કહ્યું, સૂર્યકિરણોને કારણે રાતા થઈ ગયેલાં વાદળ જેવો તેનો ઉપલો હોઠ છે. વાદળોના પડછાયાને કારણે નીચેની રાતી દેખાતી ધરતી જાણે તેનો નીચલો હોઠ છે. ત્રીજાએ કહ્યું, આ જમણે અને ડાબે દેખાતી ગિરિકંદરા અજગરના જડબાં જેવી નથી લાગતી? આ ઊંચી ઊંચી શિખરપંક્તિઓ તો તેની દાઢ છે. ચોથાએ કહ્યું, અરે આ લાંબી પહોળી સડક અજગરની જીભ જેવી દેખાય છે. ગિરિશિખરોની વચ્ચેનો અંધકાર તેના મોંના અંદરના ભાગ જેવો છે. કોઈએ કહ્યું, જાણે ક્યાંક જંગલમાં આગ લાગી છે એટલે જ આ ગરમ આકરો પવન વાય છે. એ આગમાં બળી મરેલાં પ્રાણીઓનાં શરીરની દુર્ગંધ અજગરના પેટમાં જ મરેલાં પ્રાણીઓની દુર્ગંધ છે. કોઈએ કહ્યું, ‘જો આપણે આના મેંમાં જઈએ તો શું એ આપણને ગળી જશે? અરે ના-એવું કરશે તો એક જ ક્ષણમાં બકાસુરની જેમ નાશ પામશે.’ આમ કહેતા ગોપબાલ બકાસુરને મારનાર કૃષ્ણનું મેં જોતાં અને તાલી વગાડતાં તેના મેંમાં પેસી ગયા. ‘આ અજાણ્યાં બાળકોને તો સાચો સાપ જૂઠો લાગ્યો.’ ભગવાન તો બધાં પ્રાણીઓનાં હૃદયમાં વસે છે. તેમણે નિર્ધાર કર્યો કે આ બાળમિત્રોને તેનાં મેંમાં જતાં અટકાવું. તેઓ આમ વિચારતા જ હતા ત્યાં બધા ગોપબાળ વાછરડા સહિત અસુરના પેટમાં જતા રહ્યા. પરંતુ અઘાસુર પોતાના ભાઈ અને બહેનના વધની યાદ કરતો શ્રીકૃષ્ણ તેના મોઢામાં આવી જાય તેની રાહ જોતો હતો. બધાને અભય આપનારા શ્રીકૃષ્ણે જોયું કે આ બધાનો એક માત્ર રક્ષક હું છું- મારા હાથમાંથી તેઓ નીકળી ગયા, અઘાસુરના જઠરાગ્નિનો કોળિયો થઈ ગયા, ત્યારે દૈવની આ લીલા પર વિસ્મય થયું. તેઓ વિચારવા લાગ્યા, હવે શું કરવું — એવો કયો ઉપાય કરવો — આ દુષ્ટનું મૃત્યુ થાય અને આ નિષ્પાપ બાળકોની હત્યા ન થાય. તેઓ પોતાનું કર્તવ્ય નિશ્ચિત કરી તેના મેંમાં પ્રવેશ્યા. તે વેળા વાદળોમાં સંતાયેલા દેવો ભયવશ પોકારો કરવા લાગ્યા અને અઘાસુરના કંસ વગેરે બાંધવો હર્ષ પ્રગટ કરવા લાગ્યા.

અઘાસુર વાછરડા ને ગોપબાલો સમેત શ્રીકૃષ્ણને પોતાના દાંત તળે ચાવીને કૂચો કરવા માગતો હતો. પરંતુ તે વેળા કૃષ્ણે તેના ગળામાં પોતાના શરીરને વધાર્યું. પછી તો ભગવાને પોતાના શરીરને એટલું વધાર્યું કે રાક્ષસનું ગળું જ રૂંધાઈ ગયું. આંખો ફાટી ગઈ. તે આકળવિકળ થઈને હેરાનપરેશાન થઈ ગયો. મૂર્ધાને ફાડીને વાછરડા બહાર નીકળી ગયા. તેની સાથે બીજું બધું પણ શરીરની બહાર નીકળી ગયું. તે જ વેળા ભગવાને પોતાની દૃષ્ટિ વડે મરેલા વાછરડા અને ગોપબાલોને જીવતા કરી દીધા અને એ બધાને લઈને તે અઘાસુરના મેંમાંથી બહાર નીકળ્યા. અજગરના સ્થૂળ શરીરમાંથી એક અદ્ભુત — મહાન જ્યોતિ — પ્રગટ્યો અને તેના પ્રકાશથી દસે દિશાઓ પ્રજ્વલિત થઈ ઊઠી.

તે જ્યોતિ થોડી વાર તો આકાશમાં સ્થિર થઈ અને ભગવાન બહાર આવે તેની રાહ જોવા લાગી. જ્યારે તેઓ બહાર આવ્યા ત્યારે બધા દેવતાઓના દેખતાં તેમનામાં જ સમાઈ ગઈ. ત્યારે દેવતાઓએ પુષ્પવર્ષા કરી, અપ્સરાઓએ નૃત્ય કર્યાં, ગંધર્વોએ ગીત ગાયાં, વિદ્યાધરોએ વાજિંત્રો વગાડ્યાં, બ્રાહ્મણોએ સ્તવનો ગાયાં, પાર્ષદોએ જયજયકાર કર્યો. આ અદ્ભુત સ્તુતિઓ, સુંદર વાદ્યો, મંગળ ગીતો, જયજયકાર અને ઉત્સવનો ધ્વનિ બ્રહ્માજી સુધી પહોેંચ્યો અને તે તરત જ પોતાના વાહન પર ચઢીને આવ્યા અને આ જોઈને તેમને વિસ્મય થયું. વૃંદાવનમાં અજગરનું ચામડું સુકાઈ ગયું એટલે વ્રજવાસીઓ માટે ઘણા દિવસો માટે રમવા માટેની એક અદ્ભુત ગુફા બની રહી. ભગવાને ગોપાલકોને જીવનદાન આપ્યું હતું અને અઘાસુરને મોક્ષ અપાવ્યો હતો તે લીલા ભગવાને કૌમાર્યાવસ્થામાં કરી હતી, ગોપબાલોએ પણ એ જોઈ હતી, પરંતુ છઠ્ઠા વર્ષે આશ્ચર્ય પામીને વ્રજમાં તેનું વર્ણન કર્યું. અઘાસુર મૂતિર્માન પાપ જ હતો પણ ભગવાનના સ્પર્શથી તેનાં પાપ ધોવાઈ ગયાં…

ગોપબાલોને અઘાસુરના મેંમાંથી બચાવ્યા પછી કૃષ્ણ તેમને યમુનાતટે લઈ આવ્યા અને બોલ્યા, ‘મિત્રો, યમુનાનો આ કિનારો ખૂબ જ રમણીય છે, જુઓ જુઓ — અહીંની રેતી કેટલી કોમળ અને સ્વચ્છ છે. એક બાજુ રંગબેરંગી કમળ ખીલ્યાં છે, તેની ગંધથી આકર્ષાઈને ભમરા ગુંજારવ કરે છે, સુંદર પક્ષીઓનાં કૂજન થાય છે. એના પ્રતિધ્વનિથી સુશોભિત વૃક્ષ એ સ્થાનની શોભા વધારે છે. હવે દિવસ પણ ખાસ્સો થયો છે, આપણે ભોજન કરી લેવું જોઈએ. આપણે ભૂખ્યા થયા છીએ, વાછરડા પાણી પીને અહીં પાસે જ ઘાસ ચરતા રહે.

ગોપબાલોએ એકી અવાજે હા પાડી. તેમણે વાછરડાને પાણી પીવડાવી લીલા ઘાસમાં છોડી દીધા, પોતપોતાનાં ભોજનપાત્રો લઈને ભગવાન સાથે આનંદપૂર્વક ભોજન કરવા બેઠા. બધાની વચ્ચે શ્રીકૃષ્ણ બેઠા, તેમની ચારે બાજુ નાનીમોટી પાંખડીઓ શોભે તેમ કૃષ્ણની સાથે બેઠેલા ગોપબાલો શોભતા હતા. કેટલાક ફૂલ, કેટલાક પાંદડાં, અંકુર, ફળ, ભોજનપાત્ર, પથ્થરના પાત્ર બનાવીને ભોજન કરવા લાગ્યા. શ્રીકૃષ્ણ અને ગોપબાલો પોતપોતાની રુુચિનું પ્રદર્શન કરતા હતા. એકબીજાને હસાવતા, પોતે પણ હસી હસીને બેવડ વળી જતા. આમ બધા ભોજન કરતા હતા. શ્રીકૃષ્ણે વાંસળી કમરબંધમાં ખોસી હતી. શૃંગ અને નેતર બગલમાં દબાવ્યા હતા. ડાબા હાથમાં મધુર ઘીવાળા દહીંભાતનો કોળિયો હતો અને આંગળીઓમાં ફળ હતાં. ગોપબાલ તેમને ચારે બાજુએ ઘેરીને બેઠા હતા અને પોતે નર્મમર્મભરી વાર્તા કરીને બધાને હસાવતા હતા. બધા યજ્ઞોના ભોક્તા એવા ભગવાન બાલકેલિ કરતા હતા અને સ્વર્ગના દેવો આશ્ચર્યથી જોતા હતા.

ભોજન કરતા કરતા ગોપબાલ ભગવાનની લીલામાં તન્મય થઈ ગયા અને તે વેળા વાછરડા લીલા ઘાસની લાલચે જંગલમાં દૂર નીકળી ગયા. ગોપબાલોનું ધ્યાન એ તરફ ગયું તો તેઓ ગભરાઈ ગયા. ભક્તોના ભયને દૂર કરનાર કૃષ્ણે કહ્યું, ‘મિત્રો, તમે ભોજન કરતા રહો, હું હમણાં વાછરડાને લઈને આવું છું.’ આવું કહી કૃષ્ણ હાથમાં દહીંભાત લઈને જ પહાડો, ગુફાઓ, કુંજો વગેરે ભયંકર સ્થાનોમાં પોતાના અને સાથીઓના વાછરડા શોધવા નીકળ્યા.

બ્રહ્મા આકાશમાં હતા જ, અઘાસુરનો મોક્ષ જોઈને તેમને અચરજ થયું. તેમણે વિચાર્યું- લીલા માટે બાળક બનેલા ભગવાનની બીજી કોઈ લીલા જોવી જોઈએ. એમ વિચારી પહેલાં તો વાછરડાને, કૃષ્ણના ગયા પછી ગોપબાલોને ક્યાંક મૂકી દીધા અને પોતે અંતર્ધાન થઈ ગયા. વાછરડા ન મળ્યા એટલે કૃષ્ણ યમુનાકાંઠે પાછા આવ્યા, પણ ત્યાં ગોપબાલ ન હતા. વનમાં તેમને શોધવા ફરી વળ્યા. જ્યારે વાછરડા અને ગોપબાલ ન મળ્યા એટલે તરત ખ્યાલ આવી ગયો કે આ બ્રહ્માનું કાર્ય છે. વાછરડા અને ગોપબાલોની માતાઓને તથા બ્રહ્માને આનંદિત કરવા પોતાને જ વાછરડા અને ગોપબાલોના રૂપમાં વહેંચી કાઢ્યા. તેઓ તો સંપૂર્ણ વિશ્વના સર્વશક્તિમાન ઈશ્વર છે. ભગવાન પ્રગટ થયા. આ સંપૂર્ણ જગત વિષ્ણુરૂપ છે એવી વેદવાણી જાણે મૂતિર્મંત થઈ.

સર્વાત્મા ભગવાન પોતે વાછરડા બની ગયા અને ગોપબાલ પણ. અને આમ વાછરડા અને ગોપબાલોને લઈ અનેક રમતો રમતાં તેઓ વ્રજમાં પ્રવેશ્યા. જેના જેના વાછરડા હતા તે બધાને પોતપોતાની કોઢમાં પેસાડ્યા, બાળકો પણ પોતપોતાનાં ઘરમાં ગયાં.

ગોપબાલોની માતાઓ વાંસળીવાદન સાંભળીને દોડી આવી. ગોપબાલ બનેલા ભગવાનને પોતાનાં જ સંતાન માનીને ગળે લગાડ્યા. તેમને સ્તનપાન કરાવવા લાગી. આમ દરરોજ સાંજે શ્રીકૃષ્ણ ગોપબાલોની સાથે વ્રજમાં આવતા અને માતાઓને આનંદિત કરતા. માતાઓ બાળકોને શણગારતી, ગાલે કાજળ લગાવતી, ભોજન આપતી. તેમની જેમ ગાયો પણ જંગલમાંથી ચરીને હંભારવ કરતી પ્રવેશતી ત્યારે તેમના વાછરડા દોડી આવતા, વાછરડાને ધવડાવતી. આમ ને આમ દિવસો વીતવા લાગ્યા. એ બાળકો અને વાછરડા જેટલાં હતાં, તેમનાં નાનાં નાનાં શરીર જેવાં હતાં, તેમના હાથપગ જેવા હતા, તેમની પાસે જેટલી લાકડીઓ, સીંગ, વાંસળી, પર્ણો, છીંકા, વસ્ત્રાભૂષણ, શીલ-સ્વભાવ-ગુણ-નામ, રૂપ અવસ્થાઓ જેવી હતી, જેવી રીતે ખાતાપીતા હતા, તે જ રીતે એટલાં રૂપોમાં ભગવાન પ્રગટ થયા. એક વર્ષ પૂરું થવામાં પાંચેક રાત બાકી હતી ત્યારે એક દિવસ કૃષ્ણ બલરામ સાથે વાછરડા ચરાવવા વનમાં ગયા. તે સમયે ગોવર્ધન પર ગાયો ઘાસ ચરી રહી હતી ત્યાંથી વ્રજની પાસે જ ગાયોનો વાત્સલ્યભાવ ઊમટી આવ્યો. તેઓ સુધબુધ ખોઈ બેઠી અને ગોપબાલોના રોકવાના પ્રયત્નોની પરવા ન કરતી જે રસ્તે તેઓ જઈ શકતી ન હતી ત્યાંથી હંભારવ કરતાં ઝડપથી દોડી. તે વેળા તેમના આંચળમાંથી દૂધ વહ્યે જતું હતું. તેમની ગરદન સંકોચાઈને શરીર સાથે ભળી ગઈ હતી. પૂંછડું તથા માથું ઊંચું કરીને એવી ઝડપથી દોડી કે જાણે તેમને બે જ પગ છે. જે ગાયોને બીજા પણ વાછરડા હતા તે પણ ગોવર્ધન પર્વતની નીચે પહેલા વાછરડા પાસે દોડી આવી અને તેમને પોતાની મેળે ઝરતું દૂધ પીવડાવવા લાગી. એવું લાગતું હતું કે તે વાછરડાને પોતાના પેટમાં સમાવી લેશે. ગોપબાલોએ તેમને રોકવાનો બહુ પ્રયત્ન કર્યો પણ તે પ્રયત્ન નિષ્ફ્ળ નીવડ્યો. તેમને પોતાની નિષ્ફળતા બદલ ભોેંઠપ લાગી અને ગાયો પર ખૂબ ગુસ્સો આવ્યો. તેઓ બહુ કષ્ટપૂર્વક તે દુર્ગમ રસ્તેથી તે સ્થાને પહોેંચ્યા ત્યારે તેમણે વાછરડાની સાથે પોતાનાં બાળકો પણ જોયાં. તેમને જોતાંવેંત તેમનું હૃદય પ્રેમથી તરબતર થઈ ગયું. બાળકો પ્રત્યે પ્રેમનાં પૂર ઉમટ્યાં અને તેમનો ક્રોધ ઊડી ગયો. બાળકોને ઊંચકીને ગળે લગાડ્યાં, તેમનાં મસ્તક સૂંઘીને આનંદ પામ્યા. વૃદ્ધ ગોપબાલોને પોતાનાં બાળકોને ભેટીને ખૂબ આનંદ થયો. તેઓ ન્યાલ થઈ ગયા. પછી મહામહેનતે તેઓ મન મૂકીને ધીમે ધીમે ચાલતા થયા. પછી પણ બાળકોના તથા તેમના આલિંગનના સ્મરણથી પ્રેમાશ્રુ વહેતાં રહ્યાં.

બલરામે જોયું કે વ્રજવાસી ગોપ, ગાયો, ગોવાલણોએ જેમણે દૂધ પીવાનું છોડી દીધું છે તે સંતાનો માટે ક્ષણેક્ષણે પ્રેમ અને ઉત્કંઠા વધતાં જ ગયાં છે. ત્યારે તેઓ વિચારમાં પડી ગયા. પ્રેમ અને ઉત્કંઠા વધતાં જ ગયા તેના કારણની તેમને જાણ ન હતી. .. આ કેવી માયા છે? કોઈ દેવતાની છે, માનવીની છે કે અસુરોની છે? તેમનું સ્મિત, ચંદ્રિકા જેવું ઉજ્જ્વળ હતું. તેઓનો કટાક્ષ મધુર હતો. એવું લાગતું હતું કે આ બંને દ્વારા સત્ત્વ-રજસ્ ગુણનો સ્વીકાર કરી ભક્તજનોના હૃદયમાં શુદ્ધ લાલસા જગવી તેને પૂર્ણ કરી રહ્યા હતા. બ્રહ્મા જ ચરાચરજીવ મૂર્ત થઈ નાચતા-ગાતા અનેક પ્રકારની પૂજાસામગ્રીથી અલગ અલગ ભગવાનનાં બધાં રૂપોની ઉપાસના કરી રહ્યા છે. તેમની ભિન્નભિન્ન અણિમા-મહિમા વગેરે સિદ્ધિઓ, માયા વિદ્યા વગેરે વિભૂતિઓ, મહત્ત તત્ત્વ તથા ચોવીસ તત્ત્વો ચોતરફ છે. પ્રકૃતિમાં ક્ષોભ ઉત્પન્ન કરનાર કાલ, તેના પરિણામના કારણ રૂપ સ્વભાવ, વાસનાઓને પ્રદીપ્ત કરનારા સંસ્કાર, કામનાઓ, કર્મ, વિષય, ફળ-બધાં જ મૂતિર્માન થઈને ભગવાનના પ્રત્યેક રૂપની પૂજા કરી રહ્યાં છે. ભગવાનનાં સત્તા અને મહત્તા સાથે તે બધાનાં સત્તા, મહત્તા પોતાનું અસ્તિત્વ ગુમાવી બેઠાં હતાં. બ્રહ્માએ એ પણ જોયું કે બધા ભૂત, ભવિષ્ય, વર્તમાનકાળ દ્વારા સીમિત નથી, ત્રિકાલાબાધિત સત્ય છે. તે બધા જ સ્વયંપ્રકાશ, અનન્ત આનંદસ્વરૂપ છે. તેમનામાં જડતા અને ચૈતન્યનો કશો ભેદ નથી. બધા એકરસ છે. એટલે સુધી કે ઉપનિષદના ઋષિઓની દૃષ્ટિ પણ તેમના અનન્ત મહિમાનો સ્પર્શ કરી શકતી નથી. આમ બ્રહ્માએ એક સાથે જોયું કે તે બધા શ્રીકૃષ્ણનાં જ સ્વરૂપ છે, તેમના પ્રકાશથી જ આ સમગ્ર ચરાચર કે વિશ્વ પ્રકાશિત થઈ રહ્યું છે.

આ જોઈ બ્રહ્મા ચકિત થઈ ગયા. તેમની બધી ઇન્દ્રિયો ક્ષુબ્ધ થઈ ગઈ. ભગવાનના તેજથી નિસ્તેજ થઈ મૌન થઈ ગયા. વ્રજના અધિષ્ઠાતા દેવની સામે કોઈ પૂતળી ઊભી ન હોય એવા તે સ્તબ્ધ થઈ ગયા. ભગવાનનું સ્વરૂપ તર્કાતીત છે. તેમનો મહિમા અસાધારણ છે,

બ્રહ્માએ મીંચી દીધેલી આંખો ફરી ઉઘાડી. તેમને પોતાનું શરીર અને જગત દેખાયાં. બ્રહ્મા ચારે બાજુ જોવા લાગ્યા ત્યારે તેમને તરત જ પોતાની સામે દિશાઓ દેખાઈ, વૃંદાવન દેખાયું. વૃંદાવન બધાને માટે એક સરખું પ્રિય, જ્યાં જુઓ ત્યાં જીવોને જીવન આપનાર ફળફૂલ, લીલાંછમ પાંદડાંથી લહેરાતાં વૃક્ષો દેખાયાં…બ્રહ્માએ કૃષ્ણની ચરણવંદના કરી, લાંબો સમય ને ચરણોમાં પડી રહ્યા. પછી ધીમેથી ઊભા થઈને ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા.

બલરામ અને શ્રીકૃષ્ણના સખાઓમાં એક શ્રીદામા નામનો ગોપબાલ હતો. એક દિવસ તેણે તથા સુબલ અને સ્તોકકૃષ્ણ વગેરે ગોપબાલોએ બંને ભાઈઓને કહ્યું, ‘બલરામ, તમારા બાહુબળની તો સીમા નથી. હે કૃષ્ણ, દુષ્ટોનો નાશ કરવો એ તમારો સ્વભાવ છે. અહીંથી થોડે દૂર એક મોટું વન છે. ત્યાં જાતજાતનાં તાડવૃક્ષો છે. ત્યાં પાકેલાં ફળ પડ્યાં કરે છે, પરંતુ ત્યાં ધેનુક નામનો એક દુષ્ટ રાક્ષસ રહે છે. તેણે બધાં ફળ પોતાના માટે રાખ્યાં છે. તે દૈત્ય ગધેડાના રૂપે રહે છે. તેની સાથે એના જ જેવા બળવાન દૈત્ય ગધેડાના રૂપે જ રહે છે. અત્યાર સુધી તે ન જાણે કેટલા બધા માણસોને ખાઈ ગયો છે. એના ડરને લીધે જ માણસો ફળ ખાઈ શકતાં નથી, પશુપક્ષી પણ ત્યાં જતાં નથી. એ ફળ તો છે સુવાસિત, ચારે બાજુથી તેમની આછીપાતળી સુગંધ આવે છે. જરા ધ્યાન આપીએ તો તેમનો રસ મળી શકે. તેમની સુગંધે અમારું મન લલચાઈ ગયું છે. ક્યારે એ ફળ ખાવા મળશે…તમે અમને એ ફળ ખવડાવો. એ ફળ ખાવાની બહુ ઇચ્છા છે. તમને જો ગમે તો ત્યાં જઈએ.’

પોતાના સુહૃદોની વાત સાંભળીને બંને હસ્યા અને તેમને રાજી રાખવા તેમની સાથે તાલવન જવા નીકળી પડ્યા. તે વનમાં જઈને બલરામે પોતાના હાથ વડે તાલવૃક્ષોને પકડીને મદનિયાની જેમ તેમને હલાવી ઘણાં ફળ નીચે પાડ્યાં. ફળના પડવાનો અવાજ સાંભળીને ગધેડાના રૂપે રહેતો રાક્ષસ પર્વતની સાથે, આખી પૃથ્વી કંપાવતો દોડ્યો. તે બહુ બળવાન હતો. તે બહુ જોરથી હોંચી કરતો બલરામ પાસે પહોેંચ્યો અને તેમની બાજુ પીઠ કરીને ફરી પાછલા પગ ઉગામ્યા. બલરામે એક જ હાથ વડે તેના બંને પગ પકડી લીધા અને આકાશમાં ઘુમાવીને એક તાડ વૃક્ષ પર ફંગોળ્યો. ઘુમાવતી વેળા જ તેના પ્રાણ જતા રહ્યા હતા. તેના પડવાને કારણે ઉપર વિશાળ તાડ વૃક્ષ તૂટી પડ્યું.

તે વૃક્ષ તો પડી ગયું પણ પાસેના વૃક્ષનેય પાડી નાખ્યું, પછી તેણે ત્રીજાને, ત્રીજાએ ચોથાને -આમ એક બીજાને પાડી નાખતાં ઘણાં વૃક્ષો પડી ગયાં. બલરામ માટે તો આ રમત હતી. પણ તેણે ફંગોળેલા ગર્દભના શરીરના ઘાથી બધાં તાડવૃક્ષો હાલી ઊઠ્યાં, જાણે ઝંઝાવાતે બધાને પાડી નમાવ્યાં. બલરામ પોતે જગદીશ્વર છે. તેમનામાં આખો સંસાર સમાયેલો છે. જેવી રીતે સૂતરમાં વસ્ત્ર. તે વેળા ધેનુકાસુરના બાંધવો પોતાના ભાઈના વધથી ક્રોધે રાતાપીળા થઈ ગયા. બધા જ ગર્દભો બલરામ-કૃષ્ણ પર ટૂટી પડ્યા. જે જે પાસે આવ્યા તે બધાંનો પગ પકડીને રમતાં રમતાં તાડ વૃક્ષો પર ફંગોળ્યા. તે વેળા બધી જમીન તાડનાં ફળોથી છવાઈ ગઈ. જેવી રીતે વાદળોથી આકાશ છવાઈ જાય તેવી રીતે તે ધરતી દેખાવા લાગી. બલરામ અને કૃષ્ણની લીલા જોઈને દેવતાઓએ વાજિંત્રો વગાડીને પુષ્પવૃષ્ટિ કરી. જે દિવસે ધેનુકાસુર મરી ગયો તે દિવસથી લોકો નિર્ભય થઈને તે વનનાં તાડ ફળ ખાવા લાગ્યા અને પશુઓ પણ નિરાંતે ઘાસ ચરતા થયાં.