ભારતીયકથાવિશ્વ−૪/શ્રીમદ્ ભાગવત્/કૃષ્ણજન્મકથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કૃષ્ણજન્મકથા

ભૂતકાળમાં લાખો દૈત્યોએ અભિમાની રાજાઓનું રૂપ લઈને પોતાના ભારથી પૃથ્વીને કચડી નાખી હતી. તેમાંથી બચવા માટે પૃથ્વી બ્રહ્મા પાસે ગાયનું રૂપ લઈને ગઈ. તેની આંખોમાંથી આંસુ વહીને મોં પર આવતાં હતાં. તેનાં તનમન સાવ કંતાઈ ગયાં હતાં. તેણે પોતાની આખી કથા કહી. પછી બ્રહ્મા શંકર ભગવાનને, પૃથ્વીને તથા મુખ્ય દેવતાઓને લઈને ક્ષીરસાગરને કાંઠે ગયા. ત્યાં જગતના એક માત્ર સ્વામી ભક્તોની ભીડ ભાંગવા બેઠા હતા. બધાએ પુરુષસૂક્ત વડે ભગવાનની સ્તુતિ કરી. એટલે આકાશવાણી થઈ અને તે સાંભળીને બ્રહ્માએ કહ્યું, ‘મેં ભગવાનની વાણી સાંભળી છે અને હવે તમે મારી પાસેથી સાંભળો, તેનું પાલન કરો. પૃથ્વીની દારુણ કથા તે જાણે છે. તેઓ પૃથ્વી પર અવતરી લીલા કરશે અને તમારે યદુકુલમાં જન્મીને તેમની લીલામાં સાથ આપવાનો. વસુદેવને ત્યાં ભગવાન જન્મ લેશે, તેમની અને તેમની પ્રિયાની સેવા માટે દેવાંગનાઓ જન્મ લે. ભગવાન શેષ પણ તેમના મોટા ભાઈના રૂપે જન્મ લેશે. જગતભરને મોહ પમાડનારી ભગવાનની ઐશ્વર્યશાલિની યોગમાયા પણ તેમની લીલાનું કાર્ય પૂરું કરવા અવતાર લેશે.’

આમ પ્રજાપતિ બ્રહ્મા દેવતાઓને આજ્ઞા આપી અને પૃથ્વીને ધીરજ બંધાવી પોતાના લોકમાં ચાલ્યા ગયા.

ભૂતકાળમાં યદુવંશી રાજા હતા શૂરસેન. તેઓ મથુરામાં રહી માથુરમંડલ અને શૂરસેનમંડલ પર શાસન કરતા હતા ત્યારથી મથુરા સમગ્ર યદુવંશી રાજાઓની રાજધાની થઈ હતી. એક વાર શૂરના પુત્ર વસુદેવ વિવાહ કરીને નવવિવાહિતા દેવકીને લઈને ઘેર જઈ રહ્યા હતા. તેમની સાથે બેઠેલા ઉગ્રસેનના પુત્ર કંસે પોતાની પિત્રાઈ બહેનને પ્રસન્ન કરવા રથ પોતે હાંકવા માંડ્યો. તે રથની સાથે સેંકડો સુવર્ણરથ હતા. દેવકીના પિતા દેવકને પુત્રી બહુ વહાલી હતી. કન્યાને વળાવતી વખતે સુવર્ણહારથી અલંકૃત કરેલા ચારસો હાથી, પંદર હજાર અશ્વ, અઢારસો બીજા રથ, સુંદર રીતે સજાવેલી બસો દાસીઓ પહેરામણીમાં આપ્યાં હતાં. કન્યાવિદાય વેળાએ વરવધૂના મંગલ માટે એક સાથે શંખ, તૂર, મૃદંગ અને દુંદુભિઓના ધ્વનિ થયા. કંસ જે વેળા અશ્વોની લગામ પકડીને રથ ચલાવી રહ્યો હતો તે વેળા આકાશવાણીએ કંસને કહ્યું, ‘અરે મૂર્ખ, તું જેને રથમાં બેસાડીને લઈ જઈ રહ્યો છે તે દેવકીનો આઠમો પુત્ર તને મારી નાખશે.’

કંસ હતો તો પાપી. તેની દુષ્ટતાની કોઈ સીમા ન હતી. તે ભોજવંશનું કલંક હતો. આકાશવાણી સાંભળીને તેણે દેવકીનો ચોટલો પકડીને તેને મારી નાખવા તલવાર ઉગામી. આ જોઈ વસુદેવે તેને શાંત કરતાં કહ્યું, ‘તમે ભોજવંશના ઉત્તમ રાજવી, કુળની કીર્તિ વધારનાર, તમારા ગુણોની પ્રશંસા તો ભલભલા શૂરવીરો કરે છે. એક તો આ સ્ત્રી, વળી તમારી બહેન, અને વિવાહનો પ્રસંગ. આવી સ્થિતિમાં તમે તેને મારો કેવી રીતે? જે જન્મે છે તે આજે નહીં તો સો વરસે પણ મૃત્યુ તો પામે જ છે. શરીર જ્યારે નાશ પામે છે ત્યારે જીવ પોતાના કર્મ પ્રમાણે બીજા શરીરમાં પ્રવેશે છે. જેવી રીતે માનવી ચાલતી વખતે એક પગ ઉપાડીને બીજો પગ મૂકે છે તેવી રીતે જીવ પણ એકમાંથી બીજામાં પ્રવેશે છે. …

આ તમારી બહેને હજુ તો લગ્નનો શણગાર પણ ઉતાર્યો નથી તો તમારે એનો વધ કરવો ન જોઈએ.’

આમ ઘણી બધી રીતે વસુદેવે કંસને સમજાવ્યો પણ તે તો રાક્ષસી સ્વભાવવાળો થઈ રહ્યો હતો. તે તો દેવકીને મારી જ નાખવા માગતો હતો. વસુદેવે કંસની આ સ્થિતિ જોઈ વિચાર કર્યો કે હમણાં તો આ વાત ટાળવી જોઈએ. હું કંસને મારા પુત્ર આપવાની વાત કરું. અત્યારે તો દેવકીને બચાવી લઉં. મારા પુત્ર જન્મે ત્યાં સુધીમાં કંસ પોતે મૃત્યુ પામે અથવા મારો પુત્ર જ તેને મારી નાખે. વિધાતાની ગતિ તો કોણ પામી શકે? પછી વસુદેવે પાપી કંસની પ્રશંસા દુઃખી થઈને કરી, પોતાના મોંને હસતું રાખીને કહ્યું, ‘તમને દેવકીનો તો કોઈ ભય નથી. ભય છે તો પુત્રોથી, તો હું તમને એના પુત્રો આપી દઈશ.’

કંસ એટલું તો જાણતો હતો કે વસુદેવ સત્યવાદી છે અને તેમની વાત તેને સાચી પણ લાગી. એટલે બહેન દેવકીને મારી નાખવાનો વિચાર માંડી વાળ્યો. વસુદેવ પ્રસન્ન થઈ પોતાને ઘેર ગયા. દેવકી સતીસાધ્વી હતી, તેના શરીરમાં બધા દેવતા રહેતા હતા. સમયાનુસાર દેવકીએ આઠ પુત્ર અને એક કન્યાને જન્મ આપ્યો.

પહેલા પુત્રનું નામ કીર્તિમાન, તેને લઈને કંસ આગળ ધરી દીધો. આમ કરતાં દુઃખ તો થયું પણ જિતેન્દ્રિય તો ત્યાગ કરી શકે. કંસે જોયું કે વસુદેવ તો પુત્રના જન્મ અને મૃત્યુને સમાન ભાવે જુએ છે ત્યારે તેણે પ્રસન્ન થઈને કહ્યું, ‘તમે આ નાના સુકુમાર પુત્રને લઈ જાઓ. મને તેનાથી કોઈ ભય નથી. આકાશવાણીએ તો આઠમા પુત્રની વાત કરી હતી.’

વસુદેવ ‘ભલે’ કહીને પુત્રને લઈને ઘેર આવ્યા. પણ તે જાણતા હતા કે કંસ બહુ દુષ્ટ છે અને તે ગમે ત્યારે ફરી જાય એવો છે.

આ સમયે નારદ મુનિ કંસ પાસે આવ્યા, તેમણે કંસને કહ્યું, ‘ વ્રજવાસી બધા ગોપ, તેમની પત્નીઓ, વસુદેવ અને બીજા યાદવો, તેમનાં સ્વજનો બધા દેવતા છે. જે અત્યારે તારી સેવા કરે છે તે પણ દેવતા છે. દાનવોને કારણે પૃથ્વીનો ભાર વધી ગયો છે એટલે તેમના વધની તૈયારીઓ ચાલી રહી છે.’

આમ કહી નારદમુનિ તો જતા રહ્યા, કંસને પ્રતીતિ થઈ ગઈ કે યાદવો દેવતા છે અને દેવકીના પેટે ભગવાન વિષ્ણુ મને મારવા જન્મશે. એટલે તેણે વસુદેવ અને દેવકીને બેડીઓ પહેરાવી કારાવાસમાં નાખી દીધા. તેમના બધા પુત્રોનો વધ કરતો ગયો. તે વખતે તેને શંકા રહેતી કે રખે ને વિષ્ણુ બાળક રૂપે આવી તો નથી ગયા ને? કંસને એ તો જાણ હતી કે હું પૂર્વભવમાં કાલનેમિ નામનો અસુર હતો અને મને વિષ્ણુ ભગવાને મારી નાખ્યો હતો. એટલે તેણે યાદવો સાથે વેર બાંધ્યું. તેણે યદુ, ભોજ અને અંધક વંશના અધિનાયક પિતા ઉગ્રસેનને કારાવાસમાં નાખી પોતે શૂરસેનદેશ પર રાજ કરવા લાગ્યો.

કંસ પોતે તો બળવાન હતો જ. વળી મગધરાજ જરાસંધ સાથે તેને સારું બનતું હતું. તે ઉપરાંત પ્રલંબાસુર, બકાસુર, ચાણૂર, તૃણાવર્ત, અઘાસુર, મુષ્ટિક, અરિષ્ટાસુર, પૂતના, કેશી, ધેનુક, બાણાસુર, ભૌમાસુર જેવાઓની સહાયથી યાદવોનો નાશ કરવા લાગ્યો. તેઓ ગભરાઈને કુરુ, પંચાલ, કેકય, શાલ્વ, વિદર્ભ, નિષધ, વિદેહ અને કોસલ જેવાં રાજ્યોમાં જતા રહ્યા. કેટલાક ઉપર ઉપરથી તેની સેવા કરતા રહ્યા. આમ કરતાં કરતાં દેવકીનાં છ બાળક મારી નાખ્યાં. હવે દેવકીના પેટે શેષ નારાયણ પ્રવેશ્યા. તેને કારણે દેવકીને બહુ આનંદ થયો. કદાચ આને પણ કંસ મારી નાખે એ વિચારથી તે દુઃખી પણ થયાં.

ભગવાને જોયું કે મને સર્વસ્વ માનવાવાળા યાદવોને કંસ ત્રાસ આપી રહ્યો છે ત્યારે તેમણે યોગમાયાને કહ્યું, ‘તું ગોપલોકો, નંદબાવા અને ગાયોથી શોભતા વ્રજમાં જા. ત્યાં નંદના ગોકુળમાં વસુદેવની પત્ની રોહિણી રહે છે. તેમની બીજી પત્નીઓ કંસથી ડરીને બીજે જતી રહી છે. અત્યારે મારો અંશ શેષ દેવકીના ગર્ભમાં છે. તું તેને ત્યાંથી હટાવી રોહિણીના ઉદરમાં નાખી આવ. હું મારા સમસ્ત જ્ઞાન, બળ સાથે દેવકીનો પુત્ર બનીશ. તારે નંદની પત્ની યશોદાના પેટે જન્મ લેવાનો છે. તું લોકોને મનપસંદ વરદાન આપી શકીશ. બધા માનવીઓ તેમની અભિલાષા પૂર્ણ કરવાવાળી તને માની તારી પૂજા કરશે. તારાં ઘણાં થાનક ઊભાં કરશે. તને દુર્ગા, ભદ્રકાલી, વિજયા, વૈષ્ણવી, કુમુદા, ચંડિકા, કૃષ્ણા, માધવી, કન્યા, માયા, નારાયણી, ઈશાની, શારદા, અંબિકા જેવાં નામે ઓળખશે. દેવકીના ગર્ભમાંથી ખેંચી કાઢવાને લીધે શેષને બધા સંકર્ષણ કહેશે, લોકરંજન કરવાને કારણે રામ કહેશે અને બળવાનોમાં શ્રેષ્ઠ હોવાને કારણે બલભદ્ર પણ કહેશે.’

ભગવાનની આજ્ઞા માથે ચઢાવી તેમની પ્રદક્ષિણા કરી તે પૃથ્વીલોકમાં આવી ચઢી અને તેણે ભગવાને જેમ કહ્યું હતું તેમ કર્યું. દેવકીનો ગર્ભ રોહિણીના ઉદરમાં મૂકી દીધો ત્યારે દેવકીનો ગર્ભ નાશ પામ્યો તે જોઈને નગરજનો દુઃખી થયા. ભગવાન તો સર્વવ્યાપી છે. તેઓ વસુદેવના મનમાં પોતાની બધી કળાઓ સમેત પ્રગટ થયા. ભગવાનની જ્યોતિ ધારણ કરવાને કારણે તે સૂર્ય જેવા તેજસ્વી થઈ ગયા. તેમને જોઈને લોકોની આંખો અંજાઈ જતી. કોઈ પણ વ્યક્તિ પોતાનાં બળ, વાણી કે પ્રભાવથી તેમને ઢાંકી શકતી નહીં. ભગવાનના એ જ્યોતિર્મય અંશને વસુદેવે ગ્રહણ કર્યો અને પછી દેવકીએ ગ્રહણ કર્યો. જેવી રીતે પૂર્વ દિશા ચંદ્રને ધારણ કરે છે તેવી રીતે શુદ્ધ સત્ત્વસંપન્ન દેવકીએ વિશુદ્ધ મનથી ભગવાનને ધારણ કર્યા. દેવકી ભગવાનનું નિવાસસ્થાન બની ગઈ. તેમની કાંતિથી કારાગૃહ ઝગમગવા લાગ્યું. કંસે જ્યારે દેવકીને જોયાં ત્યારે મનોમન તે બોલ્યો, ‘હવે મારા પ્રાણઘાતક વિષ્ણુએ તેના ઉદરમાં પ્રવેશ કર્યો છે. પહેલાં તે આવી દેખાતી ન હતી. હવે મારે આમાં તરત ને તરત તો શું કરવું જોઈએ? દેવકીનો વધ તો ન થાય. વીર પુરુષ સ્વાર્થવશ પોતાના પરાક્રમને કલંકિત કરતા નથી. એક તો તે સ્ત્રી છે, બીજું તે સગર્ભા છે, અને પાછી મારી બહેન છે. તેને મારવાથી તો મારાં કીર્તિ, લક્ષ્મી અને જીવાદોરી નાશ પામવાનાં. જે ક્રૂરતા આચરે છે તે જીવતો હોવા છતાં મરેલો છે. તેના મૃત્યુ પછી લોકો તેને ગાળો આપે છે. તે ઘોર નરકમાં પણ જાય છે.’

જો કે કંસ દેવકીનો વધ કરી શકતો હતો પરંતુ તે પોતાના ક્રૂર વિચારથી દૂર જતો રહ્યો. હવે ભગવાન પ્રત્યેના વેરને યાદ રાખીને તે તેમના જન્મની પ્રતીક્ષા કરવા લાગ્યો. તે ઊઠતાંબેસતાં, ઊંઘતાં કે જાગતાં, હાલતાંચાલતાં શ્રીકૃષ્ણનું જ ધ્યાન ધરતો રહ્યો. જ્યાં તેની આંખ પડતી ત્યાં તેને શ્રીકૃષ્ણ દેખાતા હતા.

ભગવાન શંકર, બ્રહ્મા, દેવતાઓ અને નારદ વગેરે ઋષિઓ કારાગૃહમાં આવ્યા. તેઓ ભગવાનની સ્તુતિ કરીને જતા રહ્યા.

હવે શુભ ગુણવાળો સમય આવી પહોંચ્યો. રોહિણી નક્ષત્ર હતું. આકાશી ગ્રહનક્ષત્રો સૌમ્ય થયાં. દિશાઓ સ્વચ્છ હતી. ધરતી પરનાં મોટાં મોટાં નગર, આહીરોની વસતી, અને હીરામોતીની ખાણો મંગલમય બની રહી. નદીઓનું પાણી નિર્મળ થયું. રાતે પણ સરોવરોમાં કમળ ખીલ્યાં. વૃક્ષો રંગબેરંગી પુષ્પોથી ભરચક થયાં. પક્ષીઓનું કૂજન અને ભમરાઓનો ગુંજારવ થવા માંડ્યાં. શીતળ, મધુર, સુવાસિત પવન વાતો હતો. કંસને કારણે બ્રાહ્મણોના અગ્નિહોત્રો બંધ હતા તે આપોઆપ ચાલુ થયા.

સાધુલોકો પહેલેથી ઇચ્છતા હતા કે અસુરોની સંખ્યા ન વધે. હવે તે બધા રાજી રાજી થઈ ગયા. ભગવાનના જન્મનો અવસર આવ્યો કે સ્વર્ગમાં દેવતાઓનાં દુંદુભિ આપોઆપ વાગવા માંડ્યાં, કિન્નર અને ગંધર્વ મધુર સ્વરે ગાવા લાગ્યા. સિદ્ધ અને ચારણ ભગવાનના મંગલ ગુણોની સ્તુતિ કરવા લાગ્યા. અપ્સરાઓની સાથે વિદ્યાધરીઓ નૃત્ય કરવા લાગી. મોટા મોટા દેવતા અને ઋષિમુનિઓ પુષ્પવર્ષા કરવા લાગ્યા. જલભરેલાં વાદળ સાગર પાસે જઈને ધીરે ધીરે ગરજવા લાગ્યાં. જન્મમૃત્યુના ચક્કરમાંથી છોડાવનારા ભગવાનનો જન્મસમય હતો મધરાત. ચારે બાજુએ અંધકારનું સામ્રાજ્ય હતુું. તે જ વેળા દેવકીના ઉદરમાંથી ભગવાને જન્મ લીધો, જાણે પૂર્વ દિશામાં બધી જ કળાઓથી પૂર્ણ ચંદ્રનો ઉદય થયો!

વસુદેવે જોયું, તેમની સામે એક અદ્ભુત બાળક છે. તેનાં નેત્ર કમળ જેવાં કોમળ અને વિશાળ છે. ચાર સુંદર હાથમાં શંખ, ચક્ર, ગદા, પદ્મ છે. વક્ષ:સ્થળે શ્રીવત્સ ચિહ્ન છે, ગળામાં કૌસ્તુભમણિ છે. ઘનશ્યામ કાયા પર સુંદર પીતાંબર છે. વાંકડિયા વાળ, કમરે લટકતા કંદોરા, હાથે બાજુબંધ, કંકણ: આ આભૂષણોને કારણે બાળકની કાંતિ અદ્ભુત લાગતી હતી. વસુદેવે જોયું કે મારા પુત્ર તરીકે ભગવાન જ આવ્યા છે ત્યારે આનંદિત થઈને તેમણે ભગવાનની સ્તુતિ કરવા માંડી. પછી માતા દેવકીએ પણ સ્તુતિ કરી. ભગવાને પણ તેમને બંનેને તેમના પાછલા જન્મોની વાત કરી. પછી પોતાની યોગમાયા વડે સામાન્ય બાળક બની ગયા. વસુદેવે પુત્રને લઈને સૂતિકાગૃહમાંથી બહાર જવાની ઇચ્છા કરી. તે જ વખતે નંદપત્ની યશોદાએ યોગમાયાને જન્મ આપ્યો. તે યોગમાયાએ દ્વારપાળ, નગરજનોની ચેતના હરી લીધી. બધા બેસુધ થઈને ઢળી પડ્યા. કારાગૃહનાં બારણાં બંધ હતાં. તેમાં લોખંડી સાંકળો અને તાળાં હતાં. વસુદેવ ભગવાનને હાથમાં લઈને જ્યાં આગળ ચાલ્યા કે તરત બધાં બારણાં આપોઆપ ખૂલી ગયાં. વાદળ ધીરે ધીરે ગરજીને વરસવા લાગ્યાં. શેષ ભગવાને પોતાની ફેણ વડે પાણીને બાળક પર પડતું અટકાવ્યું, તે દિવસોમાં અવારનવાર વરસાદ પડતો હતો એટલે યમુનામાં પૂર આવ્યું હતું. તરલ તરંગોના કારણે ફીણ ફીણ થયાં હતાં. જેવી રીતે સીતાપતિ રામને સમુદ્રે માર્ગ આપ્યો હતો તેવી રીતે યમુનાએ માર્ગ આપ્યો. વસુદેવે ગોકુળમાં જઈને જોયું તો બધા ગોપ બેસુધ હતા. તેમણે પોતાના પુત્રને યશોદાની સોડમાં સૂવડાવી દીધો અને તેમની નવજાત કન્યાને લઈને કારાગૃહમાં આવી ગયા. દેવકીની પાસે પેલી કન્યાને સૂવડાવી દીધી. પોતાના પગે સાંકળો બાંધી દીધી. નંદપત્નીને એટલી તો જાણ થઈ કે પ્રસવ થયો છે પણ તેમને એ જાણ ન થઈ કે પુત્ર છે કે પુત્રી. પ્રસૂતિનો ભાર પણ હતો અને યોગમાયાએ તેમને અચેત કરી દીધાં હતાં.

વસુદેવ પાછા ફર્યા એટલે કારાગૃહનાં દ્વાર પહેલાંની જેમ જ બંધ થઈ ગયાં. પછી નવજાત બાળકનું રુદન સાંભળીને દ્વારપાળોએ દેવકીને બાળક જન્મ્યું છે તેવા સમાચાર કંસને આપ્યા. કંસ તો આ સમાચારની પ્રતીક્ષા આકુળવ્યાકુળ થઈને કરી રહ્યો હતો. તે સમાચાર સાંભળતાં વેંત પલંગમાંથી ઊભો થયો અને સૂતિકાગૃહે જવા ધસ્યો. અત્યારે તો મારા કાળનો જન્મ થયો છે એમ માનીને તે વિહ્વળ થયો અને પોતાના વિખરાયેલા કેશનો પણ તેને ખ્યાલ ન રહ્યો. રસ્તે કેટલીય વાર પડતાં પડતાં રહી ગયો. કારાગૃહમાં દેવકીએ કંસને કહ્યું, ‘ભાઈ, આ કન્યા તો તારી પુત્રવધૂ જેવી છે. સ્ત્રી છે, તારે સ્ત્રીની હત્યા નહીં કરવી જોઈએ. તેં અત્યાર સુધી મારાં બધાં બાળકનો વધ કર્યો છે, હવે આ એક કન્યા જ બચી છે, મને તે આપ. હું તારી નાની બહેન છું. મને, મંદભાગિનીને આ એક સંતાન આપ.’

પોતાની સોડમાં કન્યા રાખીને દેવકીએ દુઃખી થઈને યાચના કરી પણ કંસે તે કન્યા આંચકી લીધી. નવજાત બાળકીના પગ પકડીને એક શિલા પર પછાડી. તે કન્યા સાધારણ તો હતી નહીં, તે તો તેના હાથમાંથી છટકી ગઈ અને આઠ હાથમાં શસ્ત્ર લઈને આકાશમાં દેખાઈ. તેના શરીરે દિવ્ય માળા, વસ્ત્ર, ચંદન અને મણિમય આભૂષણો હતાં. તેના હાથમાં ધનુષ, ત્રિશૂળ, બાણ, ઢાલ, તલવાર, શંખ, ચક્ર, ગદા હતાં. સિદ્ધ, ચારણ, ગંધર્વ, અપ્સરા, કિન્નર, નાગ તેની સ્તુતિ કરતા હતા. તે વેળા દેવીએ કંસને કહ્યું, ‘અરે મૂર્ખ, મને મારીને તને શું મળશે? તારા પૂર્વજન્મનો શત્રુ તો ક્યારનો જન્મી ચૂક્યો છે. હવે તું નિર્દોષ બાળકોની હત્યા ના કરીશ.’

આમ કહીને તે યોગમાયા જતી રહી અને પૃથ્વીનાં અનેક સ્થળે તે ભિન્ન ભિન્ન નામે પ્રસિદ્ધ થઈ.

દેવીની વાત સાંભળીને કંસને બહુ નવાઈ લાગી. તે જ વેળા વસુદેવ અને દેવકીને કારાગૃહમાંથી છોડી દીધાં અને નમ્રતાથી તે બોલ્યો, ‘મારા બહેન, બનેવી, હું ખરેખર પાપી છું. રાક્ષસ જેવી રીતે પોતાનાં જ બાળકોને મારી નાખે તેવી રીતે મેં તમારાં બાળકો મારી નાખ્યાં. મને બહુ દુઃખ થાય છે. મારામાં દયાભાવ જ ન હોય એવો દુષ્ટ હું થઈ ગયો છું. મેં મારા ભાઈ, બાંધવોને દૂર કર્યા, ન જાણે હું કયા નરકમાં જઈશ. હું બ્રહ્મઘાતીની જેમ જીવતો હોવા છતાં મરેલો છું. માત્ર મનુષ્યો જ અસત્ય નથી બોલતા, વિધાતા પણ અસત્ય બોલે છે. તેની વાત માનીને મેં બહેનના પુત્ર મારી નાખ્યા. હું કેવો પાપી! તમે બંને મહાન છો. પુત્રોનો શોક ન કરતા. તેમને તેમના કર્મનું ફળ મળ્યું. … મને ક્ષમા કરો.’

એમ કહીને તેણે વસુદેવ અને દેવકીના પગ પકડી લીધા. તેની આંખોમાંથી આંસુ વહેવાં લાગ્યાં. દેવકીએ જોયું કે કંસ પસ્તાઈ રહ્યો છે એટલે તેમણે ક્ષમા આપી. વસુદેવે કંસને કહ્યું, ‘તમારી વાત સાચી.’ અને પછી નિષ્કપટ ભાવથી થોડી વાતો કરી. પછી કંસ તેમની રજા લઈ પોતાના મહેલમાં જતો રહ્યો. બીજે દિવસે સવારે કંસે પોતાના મંત્રીઓને બોલાવી યોગમાયાએ કહેલી બધી વાત કરી. કંસના મંત્રી નીતિજ્ઞ ન હતા. દૈત્ય હોવાને કારણે તેઓ દેવોના દુશ્મન હતા. રાજા કંસની વાત સાંભળીને તેઓ દેવતાઓ પર વધુ ચિડાઈ ગયા અને કંસને કહેવા લાગ્યા,

‘ભોજરાજ, જો વાત આમ હોય તો મોટાં મોટાં નગરોમાં, નાનાં નાનાં ગામોમાં, આહીરોની વસતીમાં અને બીજે જ્યાં પણ બાળકો જન્મ્યાં હોય, તે દસ દિવસનાં હોય કે એથી નાનાં હોય અમે એમને મારી નાખીશું. યુદ્ધથી ડરી જનારા દેવલોકો શું કરી લેવાના છે? તમારા ધનુષનો ટંકાર સાંભળીને તો ગભરાઈ જાય છે. તમે જ્યાં તેમના પર આક્રમણ કરવા માંડો છો ત્યાં તે ઘવાઈને ભાગી જાય છે. કેટલાક પોતાનાં અસ્ત્રશસ્ત્ર નીચે નાખી દે છે અને બે હાથ જોડીને તમારી દયા માગે છે. કેટલાક તો તમારી પાસે આવીને કરગરે છે, ‘અમારી રક્ષા કરો, અમે શરણમાં આવ્યા છીએ.’ જે અસ્ત્રશસ્ત્ર ભૂલી ગયા હોય, જેમના રથ ભાંગી ગયા હોય, યુદ્ધ છોડીને અન્યમનસ્ક થઈ ગયા હોય, જેમનું ધનુષ તૂટી ગયું હોય, યુદ્ધથી પીછેહઠ કરી હોય તેમના પર તમે પ્રહાર કરતા નથી. જ્યાં કોઈ લડાઈ ન હોય ત્યાં દેવલોકો વીર બને છે. રણભૂમિની બહાર શેખી મારે છે. તેમનાથી કે એકાંતવાસી વિષ્ણુ, વનવાસી શંકર, અલ્પશક્તિશાળી ઇન્દ્ર, તપસ્વી બ્રહ્મા: આ બધાથી આપણને કયો ભય છે? છતાં દેવતાઓની ઉપેક્ષા કરવી નહીં. કારણ કે તેઓ છે તો શત્રુ. તેમને જડમૂળથી ઉખાડી નાખવા હોય તો અમારા જેવા વિશ્વાસપાત્ર સેવકોને કામ સોંપી દો. રોગ શરીરમાં દાખલ થાય અને જો તેનો ઉપાય કરવામાં ન આવે તો રોગ અસાધ્ય બની જશે. એવી જ રીતે જો શત્રુની ઉપેક્ષા કરી તો તેમને જીતવા અઘરા થાય. દેવતાઓને મૂળ આધાર છે વિષ્ણુ. સનાતન ધર્મના મૂળમાં છે વેદ, ગાય, બ્રાહ્મણ, તપ, યજ્ઞ. એટલે હે મહારાજા, અમે વેદવાદી બ્રાહ્મણો, તપસ્વી, યાજ્ઞિક અને યજ્ઞમાં વપરાતા પદાર્થો, ગાયો આ બધાંનો નાશ કરીએ. બ્રાહ્મણ, ગાય, વેદ, તપ, સત્ય, ઇન્દ્રિયદમન, મનોનિગ્રહ, શ્રદ્ધા, દયા, તિતિક્ષા અને યજ્ઞ વિષ્ણુનું શરીર છે. આ વિષ્ણુ બધા દેવોનો સ્વામી છે અને અસુરોનો શત્રુ છે. તે કોઈ ગુફામાં ભરાઈ બેઠો છે. મહાદેવ, બ્રહ્મા અને બધા દેવતાઓના મૂળમાં તે છે. ઋષિઓને મારી નાખવાથી તેનું મરણ થશે.’

કંસ તો આમેય ભ્રષ્ટ બુદ્ધિનો હતો, તેમાં વળી તેનાથી પણ વધારે દુષ્ટ મંત્રીઓ હતા. મંત્રીઓની વાત માની લીધી અને નિર્ધાર કર્યો કે બ્રાહ્મણોનો વધ કરીએ. તે હંસિક કંસે ઋષિમુનિઓને મારી નાખવાનો આદેશ રાક્ષસોને આપ્યો. તેઓ ઇચ્છાનુસાર રૂપ બદલી શકતા હતા. તેઓ આમતેમ ગયા એટલે કંસે મહેલમાં પ્રવેશ કર્યો. અસુરોની પ્રકૃતિ રજોગુણી, તમોગુણને કારણે કંસનું ચિત્ત યોગ્યઅયોગ્યનો વિવેક કરી શકતું ન હતું. તેમના માથે મોત હતું. એટલે જ તેમણે સાધુઓનો વિરોધ કર્યો.

નંદબાવા બહુ મનસ્વી અને ઉદાર હતા. પુત્રજન્મથી તેમનું હૃદય અપૂર્વ આનંદથી છલકાઈ ઊઠ્યું. સ્નાન કરીને સુંદર વસ્ત્રાભૂષણ ધારણ કર્યાં. વેદજ્ઞ બ્રાહ્મણોને બોલાવી સ્વસ્તિવાચન અને પુત્રના જાતકર્મસંસ્કાર કરાવ્યા. દેવતાઓ અને પિતૃઓની વિધિવત્ પૂજા કરી. બ્રાહ્મણોને વસ્ત્રાભૂષણ આપ્યાં અને બે લાખ ગાય આપી. રત્ન અને સુંદર વસ્ત્રોથી ઢાંકેલા તલના સાત પહાડ દાનમાં આપ્યા… બ્રાહ્મણો, સૂત, માગધ અને બંદીજનો વગેરેએ આશીર્વાદ આપ્યા અને સ્તુતિ કરવા લાગ્યા. ગાયક ગાવા લાગ્યા, ભેરી અને દુંદુભિ વાગવાં લાગ્યાં. વ્રજમંડલનાં બધાં ઘરોનાં આંગણામાં અને અંદર સુવાસિત જળનો છંટકાવ થયો. ચિત્રવિચિત્ર ધ્વજાપતાકા, પુષ્પમાળા, વંદનવારથી બધું સુશોભિત થયું. ગાય, બળદ અને વાછરડાના શરીરે હળદર, તેલ લગાવવામાં આવ્યાં. તેમને ગેરુ, મોરપંખ, પુષ્પહાર, ભાતભાતનાં વસ્ત્રો અને સોનાની સાંકળોથી સુશોભિત કર્યાં. બધા ગોપ કિમતી વસ્ત્ર, ઘરેણાં, અંગરખા અને પાઘડીઓ પહેરી હાથમાં ભેટસોગાદ લઈને નંદબાવાના ઘરે આવ્યા.

યશોદાને પુત્ર જન્મ્યો એટલે નિતંબિની ગોપીઓને બહુ આનંદ થયો. તેમનાં મુખકમલ શોભી ઊઠ્યાં. કમલના પરાગની જેમ તેમનું કુંકુમ દેખાતું હતું. તે ભેટસામગ્રી લઈને યશોદા પાસે ઉતાવળે આવી. તેમનાં સ્તન ઝૂલી રહ્યાં હતાં. તેમના કાનમાં મણિમય કુંડળ હતાં. સુંદર રંગબેરંગી વસ્ત્ર પહેરેલી ગોપીઓના કેશમાં ગૂંથેલાં ફૂલ ઝરતાં હતાં. હાથે પહેરેલાં કંકણ ચમકતાં હતા. નંદબાવાને ઘેર જતી વખતે તેમની શોભા બહુ સુંદર લાગતી હતી. તેમને ઘરે જઈ નવજાત બાળકને ચિરંજીવ રહેવાનો આશીર્વાદ આપ્યો. લોકો ઉપર તેલમિશ્રિત હળદરના પાણીનો છંટકાવ તે કરતી હતી.

ભગવાનનાં ઐશ્વર્ય, માધુર્ય, વાત્સલ્ય અનંત, તેમના જન્મનો મોટો ઉત્સવ મનાવવામાં આવ્યો. વાજિંત્રોવાગ્યાં, આનંદમાં આવીને ગોપલોકો એકબીજા ઉપર દહીં, દૂધ, ઘી અને પાણી છાંટવા લાગ્યા. એકબીજાનાં મોં પર માખણ ચોપડીને આનંદ કરવા લાગ્યા. નંદબાવાએ ગોપલોકોને બહુ વસ્ત્રાભૂષણ અને ગાયો આપ્યાં. સૂત, માગધ, બંદીજનો, નૃત્ય-સંગીત વડે જીવનનિર્વાહ કરનારાઓને મોંમાગી વસ્તુઓ આપી. પછી પરમ સૌભાગ્યવતી રોહિણીએ દિવ્ય વસ્ત્ર, માળા અને અલંકારોથી વિભૂષિત થઈ ગૃહસ્વામિનીની જેમ સ્ત્રીઓને આવકારી. તે દિવસથી નંદબાવાના વ્રજમાં બધા જ પ્રકારની સમૃદ્ધિ જોવા મળી. તેમનું ઘર લક્ષ્મીનું ક્રીડાસ્થળ બની ગયું.

થોડા દિવસ પછી નંદબાવા ગોકુલની રક્ષાનો ભાર બીજા ગોપલોકોને સોંપી કંસને વાષિર્ક કર ચૂકવવા મથુરા ગયા. વસુદેવને તેની જાણ થતાં તેઓ જ્યાં નંદબાવા ઊતર્યા હતા ત્યાં જઈ ચઢ્યા. વસુદેવને જોઈ નંદબાવા ઊભા થઈ ગયા, જાણે મરેલામાં જીવ આવ્યો ન હોય! બંને ઉમળકાથી ભેટ્યા. નંદબાવાએ વસુદેવનો આદરસત્કાર કર્યો. તે વેળા તેમનું મન પુત્રોમાં રોકાયેલું હતું. પછી વસુદેવ બોલ્યા,

‘ભાઈ, તમારી ઉમર વધી ગઈ હતી અને અત્યાર સુધી કોઈ સંતાન ન હતું. સંતાનની આશા પણ ન હતી. હવે તમને પુત્ર થયો એ ઘણા આનંદની વાત. આજે આપણે મળ્યા તે પણ આનંદની વાત… અત્યારે તમે જ્યાં રહો છો ત્યાં પાણી, ઘાસ, વનસ્પતિ તો છે ને? એ જગ્યા પશુઓને અનુકૂળ છે અને રોગચાળાનો ભય તો નથી ને? મારો પુત્ર રોહિણીની સાથે તમારા વ્રજમાં રહે છે. તેને તમે ઉછેરો છો એટલે તે તો તમને જ માતાપિતા માનતો હશે ને? તે કુશળ છે ને?’

નંદબાવાએ કહ્યું, ‘ભાઈ, કંસે દેવકીના પેટે જન્મેલા કેટલા બધા પુત્ર મારી નાખ્યા. છેલ્લે એક નાની કન્યા બચી હતી તે પણ સ્વર્ગે જતી રહી. બધાનાં સુખદુઃખનો આધાર ભાગ્ય પર છે.’

વસુદેવ બોલ્યા, ‘તમે કંસનો કર તો ચૂકવી દીધો ને? આપણે પણ મળી લીધું. હવે તમારે અહીં બહુ રહેવું ન જોઈએ. આજકાલ ગોકુળમાં બહુ ઉત્પાત થઈ રહ્યા છે.’

આ સાંભળીને નંદ અને બીજા ગોપ વસુદેવની સંમતિ લઈ બળદગાડામાં બેસી ગોકુળ જવા નીકળી પડ્યા.

નંદબાવા જ્યારે મથુરાથી ચાલી નીકળ્યા ત્યારે રસ્તામાં વિચારે ચઢ્યા- વસુદેવની વાત ખોટી તો ન હોય. એટલે મનમાં અનિષ્ટ થવાની શંકાઓ થવા લાગી. પછી મનોમન કહ્યું- ‘ભગવાનનું જ શરણ છે, તે જ રક્ષા કરશે.’

પૂતના નામની એક ખૂબ જ ક્રૂર રાક્ષસી હતી. તેનું એક જ કાર્ય — બાળકોને મારી નાખવાનું. કંસની આજ્ઞાથી તે નગર, ગામડાં અને આહીરોની વસતીમાં બાળકોને મારી નાખવા ભમ્યા કરતી હતી. જ્યાં લોકો પોતાનાં નિત્યકર્મો કરતી વખતે રાક્ષસોના ભયને દૂર કરનારા ભગવાનનું નામસ્મરણ- કીર્તન નથી કરતા ત્યાં આવી રાક્ષસીઓનું જોર ચાલે છે. આ પૂતનાએ નંદબાવાના ગોકુળમાં જઈને પોતાની માયા વડે એક સુંદરીનું રૂપ ધારણ કર્યું. તેનું રૂપ અસાધારણ હતું. માથામાં સુવાસિત ફૂલ ગૂંથ્યાં હતાં, વસ્ત્રો સરસ હતાં. જ્યારે તેનાં કર્ણફૂલ ડોલતાં ત્યારે તેની ચમકથી મોઢા પર આવેલી અલકલટો વધુ સોહામણી લાગતી હતી. તેના નિતંબ અને સ્તન ઉન્નત હતાં, કમર પાતળી હતી. તે પોતાના મધુર સુંદર હાથમાં કમળ લઈને આવતી હતી તે જોઈને ગોપીઓએ કલ્પના કરી કે આ તો સાક્ષાત્ લક્ષ્મી પતિદર્શને આવી રહ્યાં છે.

પૂતના બાળકો માટેનો કાળ હતી. આમતેમ બાળકોને શોધતી તે નંદબાવાના ઘરમાં પેઠી. ત્યાં જોયું તો બાળક શ્રીકૃષ્ણ પથારીમાં સૂતા હતા. ભગવાન તો દુષ્ટોના કાળ છે, જેવી રીતે રાખના ઢગલામાં અગ્નિ હોય છે એવી રીતે ભગવાને પોતાના તેજને છુપાવી રાખ્યું હતું. ભગવાન તો ચર-અચર બધાં પ્રાણીઓનો આત્મા છે. તેમને તે જ વખતે ખ્યાલ આવી ગયો કે બાળકોનો વધ કરનાર આ પૂતના-ગ્રહ છે, તેમણે પોતાની આંખો મીંચી દીધી. જેવી રીતે કોઈ દૃષ્ટિભ્રમથી સાપને દોરડું માનીને ઉઠાવે એવી રીતે પૂતનાએ કાલસ્વરૂપ ભગવાન શ્રીકૃષ્ણને પોતાના ખોળામાં લઈ લીધા. મખમલી મ્યાનની અંદર છુપાયેલી તીક્ષ્ણ ધારવાળી તલવારની જેમ પૂતનાનું હૃદય કુટિલ હતું. પણ બહારથી તો તે બહુ મીઠો અને સુંદર વ્યવહાર કરતી હતી. તે દેખાવે તો ઉચ્ચ ખાનદાન ધરાવતી સ્ત્રી લાગતી હતી. એટલે જ રોહિણીએ અને યશોદાએ પોતાના ઘરમાં પ્રવેશેલી પૂતનાની સુંદરતાથી અંજાઈ જઈને એને રોકી નહીં, ચુપચાપ ઊભી રહીને તેઓ જોતી રહી. આ તરફ ભયંકર રાક્ષસી પૂતનાએ શ્રીકૃષ્ણને ખોળામાં લઈને પોતાનું સ્તન કૃષ્ણના મેંમાં મૂકી દીધું. તેણે તો પોતાના સ્તન પર ખૂબ ભયાનક અને પચી ન શકે એવા ઝેરનો લેપ કર્યો હતો. ભગવાને ક્રોધને પોતાનો સાથી બનાવ્યો અને બંને હાથે તેનાં સ્તનને દબાવી દૂધ અને તેના પ્રાણ પીવા લાગ્યા. હવે તો પૂતનાનાં મર્મસ્થાન ફાટવાં લાગ્યાં. તે ચીસ પાડી ઊઠી, ‘અરે છોડ, છોડ, બસ કર.’ તે વારે વારે હાથપગ પછાડવા લાગી. તેની આંખો ફાટી ગઈ, આખા શરીરે પરસેવો વળી ગયો. તેની બૂમો જોરશોરથી સંભળાતી હતી. તેના પ્રભાવથી પૃથ્વી, અંતરીક્ષ ધૂ્રજી ઊઠ્યાં. સાતે પાતાળ અને દિશાઓ કાંપી ઊઠ્યાં. ઘણા લોકો વજ્ર પડ્યું હોય તેમ ભૂમિ પર પડી ગયા. અને આમ નિશાચરી પૂતનાનાં સ્તન એટલાં બધાં દુખ્યાં કે તેનું પોતાનું મૂળ રૂપ પ્રગટ થઈ ગયું, વાળ વિખરાઈ ગયા. જેવી રીતે ઇન્દ્રના વજ્રથી ઘાયલ થઈને વૃત્રાસુર ધરતી પર ફંગોળાઈ ગયો હતો તેવી રીતે પૂતના ચોકમાં પડી ગઈ.

પૂતનાના શરીરે નીચે પડતાં પડતાં છ કોશ સુધીનાં વૃક્ષો કચડી નાખ્યાં. આ તો એક મોટું આશ્ચર્ય, તેની દાઢો ભયાનક હતી, નસકોરાં આંધળા કૂવા જેવાં, નિતંબ નદીની કરાડ જેવા ભયંકર, પેટ સુકાઈ ગયેલા સરોવર જેવું, તેનું આવું શરીર જોઈને બધા ગોપબાલ બી મર્યા. તેની મોટી ચીસ સાંભળીને તેમનાં હૃદય, કાન, મસ્તક પહેલાં જ ફાટી ગયાં હતાં. ગોપીઓએ જોયું કે શ્રીકૃષ્ણ તેની છાતી પર નિર્ભય બનીને રમી રહ્યા હતા, ત્યારે ખૂબ જ ગભરાઈ જઈને ઉતાવળે પહોેંચી ગઈ અને તેમણે કૃષ્ણને ઊંચકી લીધા. પછી યશોદાએ અને રોહિણીએ ગોપીઓ સાથે મળીને ગાયનું પૂછડું હલાવી શ્રીકૃષ્ણના શરીરની બધી રીતે રક્ષા કરી. સૌથી પહેલાં તો કૃષ્ણને ગોમૂત્રથી નવડાવ્યા, આખા શરીરે ગોરજ લગાવી અને બાર અંગો પર છાણ ચોપડીને ભગવાનનાં કેશવ વગેરે નામ બોલીને રક્ષા કરી. અને પછી સ્તુતિ કરવા માંડી…

આમ ગોપીઓએ પ્રેમવશ થઈને ભગવાન શ્રીકૃષ્ણની રક્ષા કરી. માતા યશોદાએ તેમને સ્તનપાન કરાવી પારણામાં સૂવડાવી દીધા. તે જ વેળા નંદબાવા અને તેમના સાથીઓ મથુરાથી ગોકુળમાં આવી પહોેંચ્યા. તેમણે જ્યારે પૂતનાનું વિરાટ શરીર જોયું ત્યારે અચરજ પામ્યા. તેઓ બોલ્યા, ‘આ તો આશ્ચર્યની વાત છે. વસુદેવના રૂપમાં કોઈ ઋષિએ જન્મ લીધો છે. કદાચ પૂર્વજન્મમાં વસુદેવ યોગેશ્વર પણ હોય; તેમણે જે ઉત્પાતની વાત કરી હતી તે અહીં જોવા મળે છે. ત્યાં સુધીમાં વ્રજવાસીઓએ પૂતનાના શરીરના ટુકડેટુકડા કુહાડી વડે કરી નાખ્યા, અને ગોકુળથી દૂર જઈને તેને લાકડા પર મૂકી અગ્નિદાહ આપ્યો. તેનું શરીર બળી રહ્યું હતું ત્યારે તેમાંથી અગરની સુવાસવાળો ધુમાડો નીકળ્યો. ભગવાને તેનું દૂધ પીધું હતું, તેનાં બધાં પાપ ભસ્મ થઈ ગયાં હતાં. પૂતના એક રાક્ષસી હતી. બાળકોને મારી નાખવાં, તેમનું લોહી પીવું એ જ તેનું કામ હતું. ભગવાનને પણ મારી નાખવા માટે સ્તનપાન કરાવ્યું હતું. અને છતાં સત્પુરુષોને મળનારી ગતિ તેને પ્રાપ્ત થઈ. જે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રીકૃષ્ણને શ્રદ્ધા અને ભક્તિથી માતા જેવા પ્રેમ વડે પોતાની પ્રિયમાં પ્રિય અથવા તેમને પ્રિય લાગનારી વસ્તુ સમર્પે તો તો પૂછવું જ શું? તે બધાના વંદનીય છે. આ જ પગ વડે ભગવાને પૂતનાનું શરીર દબાવીને સ્તનપાન કર્યું હતું. તે ભલે રાક્ષસી હોય પરંતુ તેને માતાને મળવાપાત્ર ઉત્તમોત્તમ ગતિ પ્રાપ્ત થઈ. તો પછી જેમનું દૂધ ભગવાને પ્રેમથી પીધું તે ગાયો અને માતાઓની તો વાત જ શી? દેવકીનન્દન ભગવાન કૈવલ્ય વગેરે બધા જ પ્રકારની મુક્તિ તથા અન્ય બધું આપનાર છે. વ્રજની ગોપીઓ અને ગાયોનું દૂધ ભગવાન પ્રત્યેના પુત્રસ્નેહને કારણે આપોઆપ વહેતું જ રહ્યું, તેનું પાન પેટ ભરીને કર્યું. આ ગાયો અને ગોપીઓ ભગવાનને પુત્રરૂપે જોતી હતી એટલે જન્મમરણના વારાફેરામાં તે કદી પડી જ શકતી ન હતી, કારણ કે આ સંસાર તો અજ્ઞાનને કારણે છે.

નંદબાવાની સાથે આવનારા વ્રજવાસીઓને ચિતાના ધુમાડાની સુવાસ આવી તો ‘આ શાની સુવાસ છે, ક્યાંથી આવે છે?’ એમ કહેતા તેઓ વ્રજમાં આવી પહોેંચ્યા. ત્યાં ગોપબાલોએ તેમને પૂતનાના આગમનથી માંડીને તેના મૃત્યુ સુધીની કથા કહી સંભળાવી, તેઓ પૂતનાના મરણની તથા અને શ્રીકૃષ્ણ બચી ગયા તેની વાત સાંભળીને ખૂબ જ અચરજ પામ્યા. ઉદાર શિરોમણિ નંદબાવાએ મૃત્યુના મોઢામાંથી બચેલા પોતાના પુત્રને ઊંચકી લીધો અને વારંવાર તેનું મસ્તક સૂંઘીને તેઓ આનંદ પામ્યા. આ ‘પૂતના મોક્ષ’ ભગવાનની અદ્ભુત બાળલીલા છે. જે શ્રદ્ધાપૂર્વક આ કથા સાંભળે છે તેને ભગવાન માટે પ્રેમ જન્મે છે.

એક વેળા ભગવાન શ્રીકૃષ્ણે પડખું બદલ્યાનો ઉત્સવ ઊજવાઈ રહ્યો હતો. તે દિવસે તેમનું જન્મનક્ષત્ર પણ હતું. ઘરમાં બહુ બધી સ્ત્રીઓ ભેગી થઈ હતી, ગાયનવાદન થઈ રહ્યું હતું. તે સ્ત્રીઓની વચ્ચે ઊભેલાં સતી યશોદાએ પુત્રનો અભિષેક કર્યો. તે સમયે બ્રાહ્મણો મંત્રોચ્ચાર કરી આશીર્વાદ આપી રહ્યા હતા. નંદપત્ની યશોદાએ બ્રાહ્મણોનો ખૂબ જ સત્કાર કર્યો. તેમણે બધાને અન્ન, વસ્ત્ર, માલા, ગાય વગેરે મેંમાંગી વસ્તુઓ આપી. બ્રાહ્મણો પાસે સ્વસ્તિવાચન કરાવીને તેમણે પોતે બાળકને સ્નાન કરાવ્યું. પછી મારા લાલને હવે ઊંઘ આવે છે એ જોઈને તેને પથારીમાં સૂવડાવી દીધો. થોડી વારે ભગવાનની આંખ ખૂલી, તેઓ દૂધ પીવાની ઇચ્છાથી રડવા લાગ્યા. તે સમયે મનસ્વિની યશોદાજી ઉત્સવમાં આવેલા વ્રજવાસીઓના આદરસત્કારમાં પરોવાયેલાં હતાં. એટલે તેમને શ્રીકૃષ્ણના રુદનનો અવાજ સંભળાયો નહીં. ત્યારે શ્રીકૃષ્ણ રડતાં રડતાં પગ ઊછાળવા લાગ્યા. તેઓ એક ગાડાની નીચે સૂતા હતા. તેમના પગ હજુ રાતીરાતી કૂંપળો જેવા કોમળ અને નાના હતા. પણ એ નાનકડા પગના સ્પર્શથી ગાડું ઊથલી પડ્યું. તે ગાડા પર દૂધદહીંથી ભરેલાં વાસણ હતાં, બીજાં વાસણ પણ હતાં. તે બધાં ફૂટી ગયાં અને ગાડાનાં પૈંડાં અને ધૂંસરી અસ્તવ્યસ્ત થઈ ગયાં. પડખું બદલવાના ઉત્સવમાં આવેલી સ્ત્રીઓ ઉપરાંત યશોદા, રોહિણી, નંદબાવા અને ગોપલોકો આ વિચિત્ર ઘટના જોઈને અસ્વસ્થ થઈ ગયાં. તેઓ કહેવાં લાગ્યાં, ‘આ શું થઈ ગયું? ગાડું પોતાની મેળે કેવી રીતે ઊંધું થઈ ગયું?’ આનું કોઈ કારણ તેમને મળ્યું નહીં. ત્યાં રમતાં બાળકોએ ગોપ અને ગોપીઓને કહ્યું- કૃષ્ણે રડતાં રડતાં જ પગની ઠોકર વડે ગાડું ઊથલાવી પાડ્યું.’ પણ બાળકોની વાત પર તેમને વિશ્વાસ ન આવ્યો. વાત તો સાચી, તે ગોપલોકોને બાળકના અતુલ બળની જાણકારી ન હતી.

યશોદાએ આ ઘટનાને કોઈ ગ્રહના ઉત્પાત તરીકે માની લીધી. રડતાં રડતાં શ્રીકૃષ્ણને ઊંચકી લીધા અને બ્રાહ્મણો પાસે શાંતિપાઠ કરાવ્યો. પછી સ્તનપાન કરાવ્યું. બળવાન ગોપલોકોએ ગાડાને સરખું કરી દીધું. તેના પર બધી ચીજવસ્તુઓ ગોઠવી દીધી. બ્રાહ્મણોએ હવન કર્યો. દહીં, ચોખા, કુશ અને જળ વડે ભગવાનની અને ગાડાની પૂજા કરી…

એક દિવસ યશોદા કૃષ્ણને ખોળામાં લઈને બેઠાં હતાં. એકાએક શ્રીકૃષ્ણ મોટી શિલા જેટલા ભારે થઈ ગયા. યશોદા તેમનો ભાર જિરવી ન શકી, એટલે શ્રીકૃષ્ણને જમીન પર મૂકી દીધા. આ નવી ઘટનાથી તે બહુ ચકિત થઈ ગયાં. પછી ભગવાન પુરુષોત્તમના નામનું સ્મરણ કરીને ઘરકામમાં પરોવાઈ ગયાં.

તૃણાવર્ત નામનો દૈત્ય કંસનો સેવક હતો. કંસના કહેવાથી તે ચક્રવાત બનીને ગોકુલમાં આવ્યો અને કૃષ્ણને ઊંચકીને આકાશમાં લઈ ગયો. ધૂળ વડે ગોકુળને ઢાંકી દીધું, લોકો જોવાને અશક્ત બની ગયાં. તેના ભયાનક અવાજથી દસે દિશા કાંપી ઊઠી. આખું વ્રજ બે ઘડી સુધી ધૂળ અને અંધકારથી છવાયેલું રહ્યું. યશોદાએ કૃષ્ણને જ્યાં બેસાડ્યા હતા ત્યાં જઈને જોયું તો કૃષ્ણ ત્યાં ન હતા. તૃણાવર્તે તે સમયે ચક્રવાત દ્વારા એટલી બધી ધૂળ ઉડાડી હતી કે લોકો બહુ જ અસ્વસ્થ થઈ ગયા અને બેસુધ થઈ ગયા. તેમને પોતાનું — પારકું કશું સમજાયું નહીં. ભયાનક વાવાઝોડા અને ધૂળમાં જશોદા પોતાના પુત્રને ન જોઈ બહુ દુઃખી થયાં. પુત્રને યાદ કરીને તે ખૂબ અસ્વસ્થ થયાં, વાછરડાના મૃત્યુને કારણે ગાયની જેવી દશા થાય તેવી તેમની દશા થઈ.

તેઓ જમીન પર પડી ગયાં. વાવાઝોડું શમ્યું, ધૂળની આંધી ઓછી થઈ ત્યારે જશોદાના રુદનનો અવાજ સાંભળી બીજી ગોપીઓ ત્યાં દોડી આવી. નંદકુંવર શ્રીકૃષ્ણને ન જોઈ તેમને પણ ભારે સંતાપ થયો. આંખોમાંથી આંસુ વહેવાંં લાગ્યાં. તેઓ ધૂ્રસકે ધૂ્રસકે રડવા માંડી.

આ બાજુ તૃણાવર્ત ઝંઝાવાત રૂપે ભગવાન શ્રીકૃષ્ણને આકાશમાં લઈ તો ગયો, પણ તેમના ભારે વજનને સંભાળી ન શક્યો, તેની ઝડપ ઘટી ગઈ. તૃણાવર્ત પોતાનાથી પણ વધુ ભારે બનેલા શ્રીકૃષ્ણને નીલગિરિની શિલા માનવા લાગ્યો. તેમણે તેનું ગળું એવી રીતે પકડ્યું કે તે આ અદ્ભુત બાળકથી છૂટો પડી જ ન શક્યો. ભગવાને તેનું ગળું એટલા જોરથી પકડ્યું હતું કે તે રાક્ષસ ચૈતન્યહીન થઈ ગયો. તે નિષ્પ્રાણ થઈ ગયો અને બાળક શ્રીકૃષ્ણની સાથે તે વ્રજમાં પડી ગયો. ત્યાં જે સ્ત્રીઓ એકઠી થઈને રડી રહી હતી, તેમણે જોયું કે તે વિકરાળ રાક્ષસ આકાશમાંથી નીચે એક શિલા પર પડ્યો હતો, તેનાં બધાં જ અંગ કચડાઈ ગયાં હતાં, જેવી રીતે ભગવાન શંકરનાં બાણોથી વીંધાઈને ત્રિપુરાસુર જમીનદોસ્ત થઈ ગયો હતો તેવી રીતે. ભગવાન શ્રીકૃષ્ણ તેની છાતીએ લટકતા હતા. આ જોઈ ગોપીઓને ખૂબ જ આશ્ચર્ય થયું, તેમણે ઝટ ઝટ ત્યાં જઈને શ્રીકૃષ્ણને ઊંચકી લીધા, અને જશોદાને સોેંપી દીધા. બાળક મૃત્યુના મોઢામાંથી હેમખેમ પાછો આવ્યો. રાક્ષસ તેને ઉઠાવી ગયો હતો છતાં તે બચી ગયો. આમ બાળક શ્રીકૃષ્ણને મેળવીને યશોદા, ગોપીઓ, નન્દબાવા અને બીજા ગોપલોકોને બહુ આનન્દ થયો… નંદબાવાએ જોયું કે વ્રજમાં બહુ અદ્ભુત ઘટનાઓ થઈ રહી છે ત્યારે તેમણે વસુદેવની વાતને વારે વારે અનુમોદન આપ્યું.

એક દિવસ યશોદા શ્રીકૃષ્ણને ખોળામાં લઈ પ્રેમપૂર્વક તેને સ્તનપાન કરાવી રહ્યાં હતાં, વાત્સલ્યભાવ એટલો બધો ઉમટ્યો હતો કે તેમનાં સ્તનમાંથી આપમેળે દૂધ ઝમી રહ્યું હતું. સ્તનપાન પૂરું થયું, યશોદા કૃષ્ણના સુંદર સ્મિતવાળા મુખને ચુમ્બન કરતાં હતાં, ત્યારે ભગવાનને બગાસું આવ્યું અને માતાએ તેમના મેંમાં જોયું. તેમાં આકાશ, અન્તરીક્ષ, જ્યોતિર્મંડલ, દિશાઓ, સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વાયુ, સમુદ્ર, દ્વીપ, પર્વત, નદીઓ, વન અને સઘળાં ચરાચર પ્રાણીઓ જોયાં. પુત્રના મેંમાં આમ સમગ્ર જગત જોઈ મૃગનયની યશોદાનું શરીર કંપવા લાગ્યું, તેમણે પોતાની મોટી આંખો બંધ કરી દીધી, તે ખૂબ અચરજ પામ્યાં.

યદુવંશીઓના કુલપુરોહિત હતા મહાન તપસ્વી ગર્ગાચાર્ય. વસુદેવની પ્રેરણાથી એક દિવસ તેઓ નંદબાવાના ગોકુળમાં આવ્યા. તેમને જોઈને પ્રસન્ન થયેલા નંદબાવાએ હાથ જોડી ઊભા થઈને પ્રણામ કર્યાં. ‘આ સાક્ષાત્, ભગવાન છે’ એમ માનીને તેમની પૂજા કરી. આતિથ્યસત્કાર પછી નંદબાવાએ કહ્યું, ‘ભગવન્, તમે તો સ્વયં પૂર્ણકામ છો, પછી હું તમારી કઈ સેવા કરું?… તમે મારાં બંને બાળકોના નામસંસ્કાર કરો.’

ગર્ગાચાર્યે કહ્યું, ‘હું બધે યદુવંશીઓના આચાર્ય તરીકે જાણીતો છું. જો તમારા પુત્રના સંસ્કાર કરીશ તો લોકો માનશે કે આ તો દેવકીનો પુત્ર છે. કંસ તો પાપી છે, તે પાપ જ વિચારે છે. વસુદેવ સાથે તમારી ગાઢ મૈત્રી છે. દેવકીની કન્યાના મોઢે તેણે સાંભળ્યું છે કે મને મારનારો ક્યાંક બીજે જન્મ્યો છે. ત્યારથી તે એમ જ વિચાર્યા કરે છે કે દેવકીના પેટે આઠમો જન્મ કન્યાનો ન હોઈ શકે. જો તમારા પુત્રના સંસ્કાર કરીશ અને આ બાળકને વસુદેવના પુત્ર માનીને તેને મારી નાખશે તો મારાથી બહુ મોટો અન્યાય થશે.’

નંદબાવાએ કહ્યું, ‘આચાર્ય, તમે નામકરણ સંસ્કરણ ચુપચાપ કરી દો. બીજાઓની વાત જવા દો, મારાં સગાંઓને પણ આ વાતની જાણ નહીં થાય.’

ગર્ગાચાર્ય તો સંસ્કાર કરવા માગતા જ હતા. નંદબાવાએ જ્યારે આવી પ્રાર્થના કરી ત્યારે તેમણે એકાંતમાં ગુપ્ત રીતે બંને બાળકોના નામસંસ્કાર કર્યા. તેમણે કહ્યું, ‘આ રોહિણીનો પુત્ર છે એટલે તેનું બીજું નામ રામ. તેના બળની કોઈ સીમા નથી એટલે તેનું નામ બલ. તે યાદવોમાં અને તમારામાં કોઈ ભેદભાવ નહીં જુએ, લોકોમાં કુસંપ થશે તો તે સંધિ કરાવશે એટલે તેનું એક નામ સંકર્ષણ પણ. અને આ જે શ્યામ વર્ણનો છે તે દરેક યુગમાં અવતાર લે છે. આગલા યુગોમાં તેનો શ્વેત, રાતો, પીળો રંગ હતો. આ વેળા તે કૃષ્ણ વર્ણનો છે એટલે તેનું નામ કૃષ્ણ. નંદજી, આ તમારો પુત્ર પહેલાં વસુદેવને ઘેર પણ જન્મ્યો હતો એટલે આ રહસ્ય જાણનારા તેને વાસુદેવ કહેશે. તમારા પુત્રના બીજાં પણ ઘણાં નામ છે, રૂપ છે…ગુણ, સંપત્તિ, સૌંદર્ય, કીર્તિ, પ્રભાવ જે દૃષ્ટિથી જોવું હોય તે…આ બાળક નારાયણ સમાન છે. તમે સાવધાનીથી, તત્પરતાથી તેની રક્ષા કરજો.’

થોડા જ દિવસોમાં યશોદા અને રોહિણીના પુત્રો ઊભા થઈને ગોકુલમાં હરતાફરતા થયા.

એક દિવસ કૃષ્ણ અને બલરામ ગોપબાલો સાથે રમતા હતા. તે ગોપોએ યશોદા પાસે આવીને ફરિયાદ કરી, ‘મા, કનૈયાએ માટી ખાધી છે.’ યશોદાએ કૃષ્ણનો હાથ પકડી લીધો. તે વેળા તેમની આંખો બીકને કારણે ધૂ્રજવા લાગી. યશોદાએ ઠપકારીને કહ્યું, ‘કેમ, તું બહુ છકી જાય છે. તેં છાનામાના માટી કેમ ખાધી? આ બધા ગોઠિયાઓ શું કહે છે. તારા મોટાભાઈ બલ પણ એમાં સૂર પુરાવે છે.’

કૃષ્ણે કહ્યું, ‘મા, મેં માટી નથી ખાધી. આ બધા જૂઠું બોલે છે. જો તું એમની વાત સાચી માને છે તો તે આ રહ્યું મારું મેં તારી આંખે જ જોઈ લે.’

યશોદાએ કહ્યું,‘ભલે તો તું તારું મેં ઉઘાડ.’

માના કહેવાથી ભગવાને પોતાનું મેં ખોલ્યું. યશોદાએ જોયું તો તેના મેંમાં ચર-અચર જગત આખું હતું. આકાશ, દિશાઓ, પર્વત, દ્વીપ, સમુદ્ર સમેત આખી પૃથ્વી, વાયુ, વિદ્યુત, અગ્નિ, ચંદ્ર, તારા સમેત સમગ્ર જ્યોતિમંડળ, જલ, તેજ, પવન, આકાશ, દેવતા, મન-ઇન્દ્રિય, પંચ તન્માત્રા, ત્રણે ગુણ…જીવ, કાળ, સ્વભાવ, કર્મ, વાસના, શરીર, વિભિન્ન રૂપે દેખાતો સમગ્ર સંસાર, વ્રજ, પોતાને પણ યશોદાએ નાનકડા મેંમાં જોયાં. તે તો દ્વિધામાં પડી ગયાં. ‘આ સ્વપ્ન છે કે ભગવાનની માયા? — જશોદા શ્રીકૃષ્ણનું તત્ત્વ સમજી ગયાં…

અને થોડી વારમાં તેઓ એ ભૂલી પણ ગયાં. પોતાના પુત્રને ઊંચકી લીધો.

નંદબાવા પૂર્વજન્મમાં એક દ્રોણ નામના ઉત્તમ વસુ હતા, તેમની પત્ની હતી ધરા. તેમણે બ્રહ્માને કહ્યું, ‘ભગવન્, જ્યારે અમે પૃથ્વી પર જન્મ લઈએ ત્યારે કૃષ્ણમાં અમારી અનન્ય ભક્તિ રહે.’ બ્રહ્માએ તથાસ્તુ કહ્યું. એ જ દ્રોણ પછી નંદ થયા અને ધરા યશોદા થઈ.

એક વેળા યશોદાએ ઘરની દાસીઓને બીજાં કામમાં પરોવી દીધી અને પોતે દહીં વલોવવા બેઠાં. તેમણે રેશમી ઘાઘરો પહેર્યો હતો. પુત્રસ્નેહને કારણે તેમનાં સ્તન દૂધથી ઊભરાતાં હતાં. દહીં વલોવવાને કારણે તેમના હાથ થાક્યા હતા. હાથના કંગન અને કાનનાં કુંડળ ઝૂલતાં હતાં. મેં પર પરસેવાનાં ટીપાં હતાં. માથામાં ગૂંથેલાં માલતી ફૂલ ઝરી રહ્યાં હતાં. સુંદર ભ્રમરવાળાં યશોદા દહીં વલોવતાં હતાં. એવામાં ભગવાન શ્રીકૃષ્ણ સ્તનપાન માટે જશોદા પાસે આવ્યા. માતૃહૃદયમાં પ્રેમ અને આનંદની વૃદ્ધિ કરતાં કરતાં રવૈયો પકડી લીધો અને વલોણું અટકાવ્યું. શ્રીકૃષ્ણ માતાના ખોળામાં બેસી ગયા. પુત્રસ્નેહને કારણે દૂધ તો ઝરી જ રહ્યું હતું, તે કૃષ્ણને સ્તનપાન કરાવતાં કરાવતાં તેનું મેં જોવા લાગ્યાં. એટલામાં જ સગડી પર મૂકેલા દૂધમાં ઊભરો આવ્યો. એ જોઈ કૃષ્ણનું સ્તનપાન અટકાવી જલદી દૂધ ઉતારવા દોડી ગયાં. એટલે કૃષ્ણ રિસાયા. તેમના રાતા હોઠ ફફડ્યા. દાંત વડે હોઠ દબાવી પાસે પડેલા કશાકથી દહીંનું માટલું ફોડી નાખ્યું. ખોટાં ખોટાં આંસુ આવ્યાં. બીજાનાં ઘરમાં જઈને માખણ ખાવા લાગ્યા.

યશોદા દૂધ ઉતારીને જુએ છે તો દહીંની ગોળી તો ભાંગી ગઈ હતી. તેમણે માની લીધું કે આ બધું કૃષ્ણનું પરાક્રમ છે. તે તો ત્યાં હતો નહીં; પછી આમ તેમ શોધવા લાગ્યાં. પછી ખબર પડી કે કૃષ્ણ ઊંધા ખાંડણિયા પર બેઠા છે અને શીકા પરથી માખણ ઉતારી વાંદરાઓને ખવડાવી રહ્યા છે. પોતાની ચોરી પકડાઈ ન જાય એટલે આમતેમ નજર કરી રહ્યા છે. આ જોઈ યશોદા પાછળથી તેમની પાસે ગયાં. મા હાથમાં લાકડી લઈને મારી પાસે આવી રહી છે એ જોયું એટલે ગભરાઈને ભાગ્યા. તેમની પાછળ પાછળ યશોદા દોડ્યાં. થોડી જ વારમાં વિશાળ નિતંબોને કારણે તેમની ચાલ ધીમી પડી ગઈ. ઝડપથી દોડવા જતાં અંબોડો છૂટી ગયો. જેમ જેમ તે આગળ જતાં તેમ તેમ માથામાંથી ફૂલ ઝરતાં ગયાં. છેવટે જશોદાએ કૃષ્ણને પકડી લીધા. કૃષ્ણનો હાથ પકડીને ધમકાવવા લાગ્યાં. શ્રીકૃષ્ણની હાલત વિચિત્ર થઈ. વાંક તો હતો, આંસુ રોકાતાં ન હતાં. હાથ વડે આંખો ચોળવા લાગ્યા, એટલે મેં પર કાજળ છવાઈ ગયું. મારશે એવું ધારીને આંખો તંગ થઈ. યશોદાએ જોકહ્યું તો દીકરો ડરી ગયો છે ત્યારે તેમના હૃદયમાં વાત્સલ્ય પ્રગટ્યું. તેમણે લાકડી ફેેંકી દીધી. પછી વિચાર્યું, આને દોરડે બાંધવો જોઈએ. યશોદાને આ બાળકના મહિમાની જાણ ન હતી.

જ્યારે જશોદા કૃષ્ણને દોરડે બાંધવા લાગ્યાં ત્યારે દોરડું ટૂંકું પડ્યું- બીજું દોરડું લાવ્યાં તો તે પણ ટૂંકું પડ્યું. આમ જેમ જેમ દોરડા જોડતાં ગયાં તેમ તેમ તે બધાં ટૂંકાં પડવા લાગ્યાં. યશોદાએ ઘરમાં હતાં તે બધાં દોરડાં જોડ્યાં તો પણ કૃષ્ણને તેઓ બાંધી ન શક્યાં. તેમની નિષ્ફળતા જોઈ ગોપીઓ હસવા લાગી, તેમને પણ આશ્ચર્ય તો થયું. ભગવાન કૃષ્ણે જોયું કે માનું શરીર પરસેવે રેબઝેબ છે, માથામાં ગૂંથેલી પુષ્પમાળાઓ પડી ગઈ છે, થાકી ગયાં છે ત્યારે તે દયા આણીને જાતે જ બંધાઈ ગયા…

પછી તો યશોદા ઘરના કામકાજમાં ખોવાઈ ગયાં. ખાંડણિયા સાથે બંધાયેલા કૃષ્ણે અર્જુન વૃક્ષોને મુક્તિ અપાવવાની ઇચ્છા કરી. તેઓ કુબેરના પુત્ર હતા. તેમની પાસે ધન, સૌંદર્ય, ઐશ્વર્યની કશી ખોટ ન હતી. તેમનો ઘમંડ જોઈ દેવષિર્ નારદે તેમને શાપ્યા અને તેઓ વૃક્ષ બની ગયા.