ભારતીયકથાવિશ્વ−૪/સ્કંદપુરાણ/એક નિષાદની કથા
ભૂતકાળમાં પાંચાલ દેશના રાજાને સિંહકેતુ નામનો એક ક્ષત્રિયધર્મી પુત્ર હતો. તે એક વેળા સેવકોને લઈને શિકાર કરવા વનમાં ગયો. રાજકુમારનો એક સેવક ભીલ કુળમાં જન્મ્યો હતો. તે શિકારની શોધમાં આમતેમ ભમતો હતો, ત્યાં તેણે એક જૂનું શિવાલય જોયું. ત્યાં ચબૂતરા ઉપર એક શિવલંગિ પડેલું હતું. પૂર્વજન્મના સંસ્કારને કારણે તેણે એ શિવલંગિ જોયું અને રાજકુમારને બતાવ્યું. ‘જુઓ, આ કેવું સુંદર શિવલંગિ છે. હું હવે આદરપૂર્વક તેની પૂજા કરીશ. મને તમે પૂજાવિધિ બતાવો, જેથી મારા પર શિવ પ્રસન્ન થાય.’
રાજકુમારે હસીને તેને બધો વિધિ બતાવ્યો એટલે ચંડક નામના નિષાદે ઘેર આવીને પૂજન આરંભ્યું. પૂજા કર્યા પછી જ તે પ્રસાદ લેતો. આમ તે પત્ની સાથે પૂજા કરતો રહ્યો અને એમ કરતાં વર્ષો વીતી ગયાં. એક દિવસ જ્યારે તે પૂજા કરવા બેઠો ત્યારે ચિતાની ભસ્મ હતી જ નહીં. તે ભસ્મ શોધવા બધે ભમી વળ્યો છતાં તે મળી નહીં. છેવટે તે થાકીને ઘેર આવ્યો અને પત્નીને કહેવા લાગ્યો, ‘ચિતાભસ્મ તો મળતી નથી, હવે શું કરું? આજે પૂજામાં વિઘ્ન આવ્યું, હું પૂજા વિના તો જીવિત નહીં રહી શકું.’
પતિને આવો વ્યાકુળ જોઈ તે બોલી, ‘તમે ચંતાિ ન કરો, આ આપણું ઘર બહુ જૂનું થઈ ગયું છે. હું એ સળગાવીને તે અગ્નિમાં પ્રવેશી જઈશ. આમ બહુ બધી ચિતાભસ્મ મળશે.’
પતિએ કહ્યું, ‘આ માનવશરીર ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું ઉત્તમ સાધન છે. આ નવયૌવનસંપન્ન શરીર શું કામ તું ત્યજી રહી છે?’
નિષાદપત્ની બોલી, ‘જીવનની સફળતા પરહિત માટે પોતાના પ્રાણ આપી દેવા એમાં છે. વળી જે શંકર ભગવાન માટે પ્રાણત્યાગ કરે તેની તો વાત જ શી? ભગવાન શંકરને માટે પ્રજ્વલિત અગ્નિમાં શરીરનો ત્યાગ કરું એવી મેં ઘોર તપસ્યા ક્યાં કરી છે?’
પોતાની પત્નીની આવી વાત સાંભળીને તેના પતિએ હા પાડી. પછી તેણે સ્નાન કર્યું, અલંકાર ધારણ કર્યા અને અગ્નિની ભક્તિપૂર્વક પ્રદક્ષિણા કરીને મનમાં ભગવાન શંકરનું સ્મરણ કરીને અગ્નિમાં પ્રવેશવા તૈયાર થઈ. ભગવાનની સ્તુતિ કરીને તે અગ્નિમાં પ્રવેશી. તે તરત જ ભસ્મ થઈ ગઈ અને તે ભસ્મ વડે નિષાદે શિવપૂજા કરી. પૂજન કરીને નિયમિત રીતે પ્રસાદ લેવા આવતી પત્નીને યાદ કરી. યાદ કરતાંવેંત તે હાથ જોડીને ઊભી રહી ગઈ. તેનો પતિ તો ભારે નવાઈ પામ્યો, ‘અરે અગ્નિ તો ગમે તેવી વસ્તુને ભસ્મ કરી નાખે. સૂર્ય માત્ર કિરણો વડે દઝાડે, રાજા દંડ દઈને અપરાધીને દઝાડે, બ્રાહ્મણ મનથી દઝાડે પણ મારી પત્ની તો સાચેસાચ અગ્નિમાં ભસ્મ થઈ ગઈ હતી. તે જીવતી કેવી રીતે થઈ? આ સ્વપ્ન છે કે ભ્રમમાં નાખનારી માયા?’
આમ વિચારતાં તેણે પત્નીને પૂછ્યું, ‘તું તો અગ્નિમાં ભસ્મ થઈ ગઈ હતી, અહીં પાછી કેવી રીતે આવી? અને આ શરીર પહેલાંના જેવું કેવી રીતે થઈ ગયું?’
તેની પત્નીએ કહ્યું, ‘જ્યારે હું ઘરમાં આગ લગાડીને તેમાં પ્રવેશી ત્યારે મને કશી સુધબુધ ન રહી. ન મેં આગ જોઈ, ન મેં તાપ અનુભવ્યો. મને એમ જ લાગ્યું કે હું પાણીમાં પ્રવેશી છું. હું અર્ધી ક્ષણમાં સૂતી અને અર્ધી ક્ષણમાં જાગી. તરત જ મેં જોયું કે ઘર સળગી ગયું ન હતું, પહેલાંના જેવું જ છે, અત્યારે હું ભગવાનનો પ્રસાદ લેવા આવી છું.’
આમ બંને વાતો કરી રહ્યા હતા ત્યારે તેમની આગળ એક અદ્ભુત વિમાન આવ્યું, તેના ઉપર ભગવાન શંકરના ચાર ગણ બેઠા હતા, તેમણે દંપતીના હાથ પકડીને વિમાનમાં બેસાડી દીધા. તેમણે શરીરનો ત્યાગ પણ કરવો ન પડ્યો.
(બ્રાહ્મ ખંડ — બ્રહ્મોત્તર ખંડ)