ભારતીયકથાવિશ્વ−૪/સ્કંદપુરાણ/શારદાની કથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


શારદાની કથા

આનર્ત દેશમાં ઉત્તમ કુળમાં જન્મેલા વેદરથ નામના એક બ્રાહ્મણ હતા, તેમને ત્યાં જન્મેલી કન્યાનું નામ શારદા પાડ્યૂં. તે જ્યારે બાર વરસની થઈ ત્યારે પદ્મનાભ નામના એક પ્રૌઢ બ્રાહ્મણે તેનું માગું કર્યું, તે બહુ ધનવાન, શાંત અને રાજાના મિત્ર હતા. વેદરથે ભયથી હા પાડી અને એક બપોરે લગ્ન થયું. પદ્મનાભ જ્યારે સંધ્યા કરવા એક સરોવરકાંઠે ગયા ત્યારે અંધારામાં એક સાપે તેમને ડંખ માર્યો અને તે મૃત્યુ પામ્યા. વિવાહ કર્યા પછી તરત જ તેમનું મૃત્યુ થયું એટલે સ્વજનો વિલાપ કરવા લાગ્યા. મરનારના અગ્નિસંસ્કાર કરીને બધા પોતપોતાને ઘેર ગયા. શારદા પિતાને ઘેર જ રહી ગઈ.

એક દિવસ નૈધ્રુવ નામના અંધ મુનિ શિષ્યનો હાથ પકડી શારદાને ઘેર આવ્યા. ઘરમાં બીજું કોઈ ન હતું, એટલે શારદાએ પાસે જઈને કહ્યું, ‘અહીં બેસો, તમારું સ્વાગત છે. તમને મારા નમસ્કાર. તમારી શી સેવા કરું?’ એમ કહી તે મુનિના પગ ધોવડાવ્યા અને પંખો નાખવા લાગી. થાકેલાપાકેલા મુનિને સ્નાન કરાવ્યું અને ભોજન કરાવ્યું. પછી તૃપ્ત થઈને તે કન્યાને આશીર્વાદ આપ્યા, ‘પતિ સાથે વિહાર કરીને ઉત્તમ પુત્ર મેળવજે. સંસારમાં બહુ કીર્તિ પામી દેવકૃપા મેળવજે.’

આ સાંભળી શારદાને નવાઈ લાગી, ‘મુનિવર, તમારું વચન સત્ય જ હોય, કદી અસત્ય ન હોય, પણ મારા જેવી દુર્ભાગી માટે તે વચન સાચું કેવી રીતે થશે? હું તો વિધવા છું. તમારા આશીર્વાદ મને કેવી રીતે ફળશે?’

મુનિએ કહ્યું, ‘હું અંધ હોવાને કારણે તને જોઈ ન શક્યો, પણ તારા માટે જે કહ્યું તે નિશ્ચિત સિદ્ધ કરીશ. તું ઉમામહેશ્વર વ્રત કરજે.’

શારદા બોલી, ‘તમે બતાવેલું વ્રત કાળજી રાખીને પાળીશ. મને એ વ્રત વિસ્તારીને કહો.’

મુનિએ તેને વ્રતનો વિધિ વિસ્તારથી સમજાવ્યો. શારદાએ વ્રત કરવા માંડ્યું અને એમ કરતાં એક વરસ વીતી ગયું. પિતાના ઘરમાં જ વ્રત ઉજવ્યું. બ્રાહ્મણોને દક્ષિણા આપી. તે દિવસે પણ શારદાએ ઉપવાસ કરીને શંકરનું પૂજન કર્યું અને આખી રાત તે જાગતી રહી. શારદા અને મુનિની તપસ્યાથી સંતુષ્ટ થઈ જગન્માતા પાર્વતી તેમની આગળ પ્રગટ થયાં, અને તે જ વેળા અંધ મુનિને નેત્રજ્યોતિ સાંપડી. બંને પાર્વતીમાતાને પગે લાગ્યા. માતાએ મુનિને વરદાન માગવા કહ્યું.

મુનિએ કહ્યું, ‘આ શારદા વિધવા છે. હું અંધ હોવાને કારણે તેને જોઈ શક્યો ન હતો એટલે મેં તો આશીર્વાદ આપ્યા કે તું પતિ સાથે લાંબો સમય વિહાર કરીને એક પુત્રને જન્મ આપજે. હવે હે માતા, તમે મારા આ વચનને સાર્થક કરી આપો.’

પાર્વતીએ કહ્યું, ‘આ શારદા પૂર્વજન્મમાં એક દ્રવિડ બ્રાહ્મણની બીજી પત્ની હતી. તેનું નામ ભામિની હતું. તે પતિને બહુ વહાલી હતી. પોતાના રૂપથી અને વશીકરણ જેવા ઉપાયોથી તેણે પતિને વશ કરી લીધા હતા. તેનો પતિ આગલી પત્ની પાસે જતો જ ન હતો. પતિસમાગમથી વંચિત હોવાને કારણે તે પુત્ર વગરની રહી. મનમાં ને મનમાં તે બળ્યા કરતી હતી, એવા જ સમયે તેનું મૃત્યુ થયું. ભામિનીના ઘરની પાસે એક યુવાન બ્રાહ્મણ રહેતો હતો. તે ભામિનીને જોઈ તેના પર મોહી પડ્યો હતો. એક દિવસ તેણે ભામિનીનો હાથ પકડી લીધો. આ સ્ત્રીએ ક્રોધે ભરાઈને તેને દૂર ધકેલી દીધો. તે રાતદિવસ ભામિનીનો વિચાર કરતાં કરતાં મૃત્યુ પામ્યો.

તેણે પોતાના પતિને વશ કરી લીધો હતો અને જેઠાણીને પતિથી દૂર કરી દીધી હતી તેને કારણે આ જન્મમાં તે વિધવા થઈ. જે સ્ત્રીઓ પતિપત્નીમાં વિયોગ કરાવે છે તે એકવીસ જન્મ સુધી વિધવા રહે છે, પેલો કામમોહિત યુવાન પારકી સ્ત્રીના વિરહથી દુઃખી થઈને મૃત્યુ પામ્યો હતો તે આ જનમમાં માત્ર પાણિગ્રહણ કરીને મૃત્યુ પામ્યો. પૂર્વજન્મમાં જે આનો પતિ હતો તે પાંડ્ય દેશમાં એક બ્રાહ્મણ તરીકે જન્મ્યો છે. તેની પાસે સંપત્તિ છે, સ્ત્રી છે. આ શારદા તે પતિ સાથે સ્વપ્નમાં પ્રત્યેક રાતે સમાગમ કરીને એક વેદજ્ઞ પુત્ર પામશે. તે બ્રાહ્મણ પણ પોતાના પુત્રને જોશે. પૂર્વજન્મમાં તેણે મારી આરાધના કરી છે એટલે જ તેને વરદાન આપવા અહીં પ્રગટ થઈ છું.’

પછી માતાએ શારદાને કહ્કહ્યું, ‘પુત્રી, ક્યારેય પણ કોઈ દેશમાં સ્વપ્નમાં જોયેલા પૂર્વપતિને જુએ તો સમજી લેજે કે તે તારો પતિ છે. તે પણ તને જોઈને ઓળખી લેશે. તમારી વચ્ચે વાતચીત થશે. તે વખતે તું તારો પુત્ર તેને સોંપી દેજે. સ્વપ્નમિલન સિવાય ક્યારેય શારીરિક સંબંધ ન રાખીશ. તે જ્યારે મૃત્યુ પામે ત્યારે તેની સાથે જ તું પણ ચિતામાં પ્રવેશજે. પછી તું મારા ધામમાં આવીશ.’

આમ કહી પાર્વતીમાતા અંતર્ધાન થઈ ગયાં. શારદા આવું વરદાન પામીને બહુ આનંદ પામી. પછી સવારે તે મુનિએ માતાપિતાને બધી વાત કહી. આમ શારદાએ થોડા દિવસ સ્વપ્નમાં પતિ સાથે સમાગમ કર્યો અને તેને કારણે તેને દિવસો રહ્યા. વિધવા સગર્ભા થઈ તે જાણીને લોકો તેને ધિક્કારવા લાગ્યાં. મૃત પતિના સ્વજનોએ જ્યારે આ કડવી વાત સાંભળી ત્યારે બધા શારદાના પિતાને ત્યાં આવ્યા. બધાએ વડીલો સાથે ચર્ચા કરી. સંકોચથી શરમાતી સગર્ભા શારદાને બોલાવી બધાએ તેને ઠપકો આપ્યો. કેટલાક નિર્દય વૃદ્ધોએ ચુકાદો આપ્યો, ‘આ પાપી બંને કુળનો નાશ કરનારી છે તેનું માથું મુંડાવી દો, નાકકાન કાપીને ગામની બહાર કાઢી મૂકો.’ આ સાંભળી કેટલાક તૈયાર થઈ ગયા. તે વેળા આકાશવાણી થઈ, ‘આ કન્યાએ ન કોઈ પાપ કર્યું છે, ન કુળને કલંકિત કર્યું છે, નથી તેના પાતિવ્રત્યનો ભંગ થયો. આ સ્ત્રી સદાચારી છે. હવે પછી જે તેને કુલટા કે વ્યભિચારિણી કહેશે તેની જીભ કપાઈ જશે.’

આ આકાશવાણી સાંભળીને તેના માતાપિતાને તથા બીજાઓને બહુ આનંદ થયો. કેટલાક શંકાશીલ બોલ્યા કે આ આકાશવાણી ખોટું બોલે છે. આમ કહેતાંવેંત તેમની જીભ કપાઈ ગઈ. પછી તો બધાં જ સ્વજનોએ શારદાની પ્રશંસા કરી. બધી સ્ત્રીઓ પ્રસન્ન થઈ ગઈ. કેટલાક બોલ્યા, ‘દેવતાની વાત કદી અસત્ય ન હોય. પણ એક વાત સમજાતી નથી કે તેણે ગર્ભ કેવી રીતે ધારણ કર્યો?’

કોઈ વૃદ્ધે દાખલા દલીલો કરીને તે ઘટનાને ભગવાનની લીલા તરીકે ઓળખાવી.

પછી કેટલીક સ્ત્રીઓએ તેને એકાંતમાં આ બાબતે પૂછ્યું, શારદાએ તેમને બધી વાત સમજાવી. પછી સમય જતાં બાલસૂર્ય જેવા પુત્રને શારદાએ જન્મ આપ્યો. દસ વરસ સુધીમાં તો તેણે વેદ ભણી લીધા. પછી શિવપર્વ આવ્યું એટલે બધાની સાથે શારદા પુત્રને લઈ ગોકર્ણ તીર્થમાં ગઈ. ત્યાં તેણે પૂર્વજન્મના પતિને જોયો. તેમને જોઈને તે ભાવવિભોર બની ગઈ. બ્રાહ્મણ પણ રૂપ અને લક્ષણોથી શારદાને ઓળખી ગયો, સ્વપ્નમાં ભોગવેલી પત્નીને તથા પુત્રને જોઈ તે અચરજ પામ્યો. તેની પાસે જઈને પૂછ્યું, ‘તું કોણ છે, કોની સ્ત્રી છે, કોની પુત્રી છે, વતન કયું?’

શારદાએ પોતાની કથા કહી. પુત્ર વિશે પૂછ્યું ત્યારે તે બોલી, ‘આ મારો જ પુત્ર છે. મારા નામથી તેને બધા શારદેય કહે છે.’

આ સાંભળી તેના પતિએ પૂછ્યું, ‘તારો પતિ તો લગ્ન કરીને તરત મરી ગયો હતો, તો પછી આ પુત્રનો જન્મ કેવી રીતે થયો?’

હવે શારદાએ દેવી સાથે થયેલી વાત કહી અને પોતાનો પુત્ર સોંપી દીધો. બ્રાહ્મણ પ્રસન્ન થયો અને શારદાના માતાપિતાની આજ્ઞા લઈ તે શારદાને તથા તેના પુત્રને પોતાને ઘેર લઈ ગયો. ઘણો સમય વીત્યો એટલે તે બ્રાહ્મણનું મૃત્યુ થયું અને શારદાએ તેની ચિતામાં પ્રવેશી પતિનું અનુસરણ કર્યું. બંને દિવ્ય વિમાનમાં બેસી કૈલાસમાં ગયાં.


(બ્રાહ્મ ખંડ — બ્રહ્મોત્તર ખંડ)