ભારતીયકથાવિશ્વ−૪/હેમચંદ્રાચાર્યકૃત ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત/વસુમતી રાજકન્યાની કથા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


વસુમતી રાજકન્યાની કથા

શતાનિક નામના રાજાએ ચંપાનગરી પર આક્રમણ કર્યું ત્યારે ત્યાંનો રાજા તો નાસી ગયો. દુશ્મન રાજાના સૈનિકોએ ચંપાનગરી લૂંટવા માંડી. રાજાની રાણી ધારિણીને તેની પુત્રી વસુમતી સહિત કોઈ ઊંટવાળો લઈ ગયો. તેણે કૌશાંબી નગરીમાં જાહેર કર્યું કે આ સ્ત્રી સાથે હું લગ્ન કરીશ અને કન્યાને ચોકમાં લઈ જઈને વેચી દઈશ. આ સાંભળીને ધારિણી દુઃખી થઈ અને પોતે કેમ જીવે છે એનો ભારે શોક કરવા લાગી. ત્યાં તેનો જીવ જતો રહ્યો. પેલા માણસે એ બદલ દુઃખ વ્યક્ત કર્કહ્યું અને પેલી કન્યાને કૌશાંબીના રાજમાર્ગે વેચવા ઊભી કરી દીધી. ત્યાં ધનવાહ નામના શેઠે વસુમતીને જોઈ, તેના મનમાં વિચાર આવ્યો- ‘આ કોઈ સામાન્યા નથી. માતાપિતાથી વિખૂટી પડેલી આ કન્યા જો કોઈ હીન માણસના હાથમાં જશે તો શું થશે?’ આમ વિચારી તેણે પોતે જ એ કન્યા ખરીદી લીધી. તે ગભરુ બાળાને પોતાને ઘેર લઈ ગયા, તેને પુત્રીવત્ ગણીને તેની માહિતી પૂછી પણ તે કશું બોલી નહીં. એટલે શેઠે પોતાની પત્ની મૂલાને તેની સોંપણી કરી અને તે ત્યાં રોવા લાગી. શ્રેષ્ઠી પરિવારે તેનું નામ ચંદના પાડ્યું.

સમય જતાં તે કન્યા યુવાનીમાં આવી. મૂલા શેઠાણીને હવે ધ્રાસકો પડ્યો, ‘અત્યાર સુધી તો પુત્રીની જેમ રાખી છે પણ તેના રૂપથી મોહ પામીને જો તેની સાથે લગ્ન કરશે તો મારું શું થશે?’ આમ વિચારી મૂલા રાતદિવસ ઉદાસ રહેવા લાગી.

એક વાર ઉનાળાના તાપે અકળાઈને શેઠ દુકાનેથી ઘેર આવ્યા. તેમના પગ ધોવડાવવા કોઈ નોકર તે વખતે ત્યાં ન હતો. ચંદના ઊભી થઈને શેઠની નામરજી હોવા છતાં તે પગ ધોવડાવવા લાગી. તે વેળા તેનો કેશકલાપ છૂટો થઈને નીચે પડવા ગયો. ત્યારે આના કેશ કાદવમાં ન પડે એટલે શેઠે લાકડી વડે ઊંચા કર્યા. અને કેશ બાંધી દીધા. આ દૃશ્ય મૂલા શેઠાણીએ જોયું, ‘હવે ચોક્કસ આને પત્ની બનાવશે. પુત્રીનું કામ આવું નથી. એટલે આ કન્યાનો મૂળમાંથી કાકરો કાઢી નાખવો.’ શેઠ થોડો વિશ્રામ કરીને બહાર ગયા એટલે મૂલાએ એક વાળંદને બોલાવી ચંદનાનું મસ્તક મુંડાવી નાખ્યું. પગમાં બેડી નાખી તેને ખૂબ મારી. પછી ઘરના એક અવાવરુ ઓરડામાં પૂરી દીધી. આ વાત શ્રેષ્ઠીને કોઈ પણ સંજોગોમાં નહીં જણાવવા પોતાના પરિવારને કહ્યું, અને પોતે પિયર જતી રહી. સાંજે શેઠે ચંદના ક્યાં છે પૂછ્યું પણ મૂલાથી ડરી જઈને કોઈએ ઉત્તર ન આપ્યો. અહીં હશે, ત્યાં હશે, સૂઈ ગઈ હશે એમ માની લીધું. એમ કરતાં ત્રીજે દિવસે પણ તે દેખાઈ નહીં. એટલે શંકાકુશંકા કરીને ક્રોધે ભરાઈને તેમણે પૂછ્યું, ‘કહો જોઈએ, તમે જાણતાં હશો અને નહીં કહો તો તમારું આવી બનશે.’

આ સાંભળી એક ઘરડી દાસીએ વિચાર્યું, ‘હું તો કેટલું બધું જીવી છું, અને હવે તો મૃત્યુ પાસે છે. હું જો ચંદનાની વાત કરીશ તો શેઠાણી મને શું કરી લેશે?’ એટલે તેણે મૂલા અને ચંદનાની બધી વાત કહી અને જે ઓરડામાં ચંદનાને પૂરી હતી તે ઓરડો બતાવ્યો. ત્યાં ભૂખીતરસી, બેડીઓવાળી ચંદનાને જોઈ. તેને ધીરજ બંધાવી, ધનાવહ શેઠ રસોડામાં ગયા, પણ કશું ન મળ્યું. સૂપડામાં થોડા કુલ્માષ પડ્યા હતા તે ચંદનાને આપ્યા. ‘હું તારી આ બેડી તોડવા લુહારને બોલાવી લાવું છું. ત્યાં સુધી તું આ કુલ્માષ ખા.’ એમ કહીને તે બહાર ગયા. ચંદના વિચારવા લાગી, ‘ક્યાં હું રાજકુટુંબમાં જન્મેલી અને અત્યારે આ શું? એનો સામનો પણ કેવી રીતે કરું? આજે આઠમે જો કોઈ અતિથિ આવે તો તેને આ આપીને પછી જમું. ત્યાં સુધી જમીશ નહીં.’ એમ વિચારી દ્વાર પર નજર કરી. ત્યાં તો ભગવાન ભિક્ષા માટે આવી ચડ્યા. તેમને જોઈને ચંદનાને થયું, ‘આ કેવું ઉત્તમ પાત્ર — મારાં પુણ્ય કેવાં — આ મહાત્મા અહીં આવ્યા.’ એમ વિચારી તે સૂપડું લઈને એક પગ ઉમરાની અંદર અને એક પગ બહાર રાખી ઊભી રહી. બેડીને કારણે તે ઉમરો ઓળંગી ન શકી, ત્યાં રહીને ગળગળા સાદે તે બોલી, ‘ભગવાન, આ ભોજન આપને અનુકૂળ નથી છતાં એ સ્વીકારી મારા ઉપર ઉપકાર કરજો.’ બધી રીતે પોતાનો અભિગ્રહ પૂર્ણ થયેલો જાણી ભગવાને તે કુલ્માષ લેવા હાથ લંબાવ્યો. (ભગવાને એવો અભિગ્રહ લીધો હતો કે જો કોઈ સતી અને સુંદર રાજકુમારી દાસી બની હોય, પગમાં લોખંડની બેડીઓ હોય, માથું મુંડાવેલું હોય, ભૂખી હોય, રડતી હોય, એક પગ ઉમરા પર અને બીજો બહાર હોય, તેવી સ્ત્રી જો મને અડદ વહોરાવે તો પારણું કરીશ, નહીંતર નહીં કરું.’ આવી પ્રતિજ્ઞા લઈને તેઓ ભિક્ષા વહોરવા જતા હતા પણ ક્યાંય પોતાની ઇચ્છા પ્રમાણેની ભિક્ષા મળતી ન હતી. કોઈ કરતાં કોઈ રીતે ભગવાનની પ્રતિજ્ઞા પણ જાણી ન શકાઈ. પરિણામે લોકો લજ્જા અને શોક અનુભવતા હતા)

‘અરે હું તો ધન્ય ધન્ય થઈ ગઈ.’ એમ ધ્યાન ધરતી ચંદનાએ સૂપડાના અડદ ભગવાનના હાથમાં મૂક્યા. ભગવાનની પ્રતિજ્ઞા પૂરી થઈ એટલે દેવતાઓ આનંદ મનાવતા ત્યાં આવ્યા. ચંદનાની બેડીઓ તૂટી ગઈ, તેને ઠેકાણે સોનાનાં ઝાંઝર થઈ ગયાં, કેશપાશ પહેલાંના જેવો થઈ ગયો. બધા દેવતાઓએ ચંદનાને વસ્ત્રાલંકારથી શણગારી દીધી. દેવતાઓએ વાજિંત્રો વગાડ્યાં. એનો અવાજ સાંભળીને શતાનિક રાજા-રાણી પણ આવ્યાં. દધિવાહન રાજાનો એક કંચુકી સંપુલ ત્યાં આવ્યો. પોતાના રાજાની પુત્રીને જોઈને તે ચોધાર આંસુ સારવા લાગ્યો. પછી તેણે વસુમતીની વાત કરી. લોભી બનીને શતાનિક રાજાએ દેવતાઓએ પ્રગટાવેલ વસુમતીનું ધન લેવાની ઇચ્છા કરી. ત્યારે તેને કહેવામાં આવ્યું કે આ દ્રવ્યના માલિક તમે નથી. કન્યા જેને આપવા ઇચ્છે તેને આ ધન મળશે. ચંદનાને પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, ‘આ દ્રવ્ય ધનવાહ શેઠનું. તેમણે મારું પાલન કર્યું એટલે તે મારા પિતા કહેવાય.’ એટલે શેઠે તે દ્રવ્ય લીધું. ઇન્દ્રે રાજાને ચંદનાનું રક્ષણ કરવા કહ્યું. રાજા ચંદનાને પોતાને ત્યાં લઈ ગયા અને બીજી કન્યાઓ સાથે રાખી. ધનાવહ શેઠે અનર્થના મૂળ જેવી મૂલા શેઠાણીને કાઢી મૂકી, તે છેવટે મૃત્યુ પામીને નરકે ગઈ.