ભારતીયકથાવિશ્વ−૪/હેમચંદ્રાચાર્યકૃત ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત/ગોવાળે કરેલી હિંસા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગોવાળે કરેલી હિંસા

એક વખત ભગવાન ગામની બહાર હતા. ત્યારે એક ગોવાળ ભગવાનની પાસે બળદો મૂકીને ગાયો દોહવા ગયો. એ દરમિયાન બળદો ચારો ચરતા દૂર જતા રહ્યા. ગોવાળે પાછા આવીને બળદ જોયા નહીં એટલે તેણે પૂછ્યું, ‘અરે અધમ દેવ, મારા બળદ ક્યાં ગયા? તું બોલતો કેમ નથી? શું તારા કાન નકામા છે?’ તો પણ મહાવીર ન બોલ્યા ત્યારે તે ગોવાળે ભગવાનના બંને કાનમાં સળીઓ નાખી. અને પછી તે સળીઓ જાણે એક જ હોય તેવી થઈ ગઈ. પછી તે ગોવાળ તે સળીઓનો બહાર દેખાતો ભાગ છેદીને જતો રહ્યો. કાનમાં નાખેલા આ શલ્યથી ભગવાન કંપ્યા નહીં. પછી પારણા કરવા માટે સિદ્ધાર્થ વણિકને ત્યાં ગયા. ત્યાં સિદ્ધાર્થનો એક વૈદ્ય મિત્ર ખરક પહેલેથી બેઠો હતો. તે બુદ્ધિશાળી હતો એટલે ભગવાનને જોઈને તેને થયું કે ભગવાન થોડા મ્લાન દેખાય છે. ક્યાંક શલ્ય હોવું જોઈએ. એટલે સિદ્ધાર્થે તે શલ્ય શોધી કાઢવા કહ્યું. પછી તે વૈદ્યે ભગવાનના કાનમાં ખીલા જોયા. સિદ્ધાર્થે કહ્યું, ‘કોઈ પાપીએ આ કાર્ય કર્યું છે. શલ્ય ભગવાનના કાનમાં છે પણ પીડા મને થાય છે.’ વૈદ્ય ભગવાનની ચિકિત્સા કરવા શરૂમાં તો તૈયાર ન હતો પણ પાછળથી તેણે હા પાડી. ભગવાનને તેલની કુંડીમાં બેસાડ્યા. ચંપી કરનારા બળવાન માણસો પાસે ભગવાનના શરીરનું મર્દન કરાવ્યું. શરીરના બધા સાંધા ઢીલા કરી નાખ્યા. પછી બે સાણસી લઈને બંને ખીલા એક સાથે ખેંચ્યા. ભગવાનને તે વેળા એટલી બધી વેદના થઈ કે તેઓ મોટેથી ચીસ પાડી બેઠા. પછી સંરોહિણી ઔષધિથી કાન રુઝવ્યા, વૈદ્ય પોતાને ઘેર ગયા, ગોવાળ મરણ પામી નરકે ગયો. ભગવાને ત્યાં મોટો નાદ કર્યો એટલે તે ઉદ્યાન મહાભૈરવના નામે જાણીતું થયું, લોકોએ ત્યાં એક દેવાલય બંધાવ્યું.