ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ/વસુ-ગંગા આપવ અને વસુઓની કથા
પ્રાચીન સમયમાં વરુણ દેવે જેને પોતાના પુત્ર તરીકે સ્થાપ્યા હતા તે વસિષ્ઠ મુનિ આપવના નામે વિખ્યાત થયા હતા. નગેન્દ્ર મેરુ પર્વતની પાસે તેમનો પુણ્ય આશ્રમ હતો. તે આશ્રમ મૃગ, પક્ષીઓથી ભરચક હતા, બધી ઋતુઓનાં પુષ્પો થતાં હતાં. પુણ્યશાળીઓમાં શ્રેષ્ઠ એવા વરુણપુત્ર સ્વાદિષ્ટ ફળ, મૂળ, જળવાળા આશ્રમમાં તપ કરતા હતા. દક્ષ રાજાને સુરભિ નામની એક અતિ ગર્વિતા પુત્રી હતી, તેણે કશ્યપ ઋષિ દ્વારા એક ગાયને જન્મ આપ્યો. જગત ઉપર અનુગ્રહ કરવા માટે બધી કામધેનુઓમાં શ્રેષ્ઠ ગાયને હોમધેનુ બનાવી. તે ગાયની મુનિઓ સેવા કરતા હતા, ધર્મયુક્ત અને રમ્ય અરણ્યમાં ગાય અભય બનીને ચરતી હતી.
કોઈ એક કાળે પૃથુ આદિ વસુઓ દેવર્ષિઓ જ્યાં તપ કરતા હતા તે વનમાં આવ્યા, તેઓ પોતપોતાની પત્નીઓ સાથે વનમાં વિહરવા લાગ્યા અને રમણીય પર્વત, વનમાં આનંદપ્રમોદ કરવા લાગ્યા. એમાંથી એક સુંદરીએ વસિષ્ઠ મુનિની બધી જ કામધેનુઓમાં જે શ્રેષ્ઠ હતી તેને જોઈ. શીલ, ગુણથી સમૃદ્ધ એવી વસુપત્ની તેને જોઈને વિસ્મય પામી. તેણે પોતાના પતિને દેખાડી. તે ગાય શુભ હતી, શીલવતી હતી અને સર્વગુણવતી હતી.
વસુનન્દિનીએ આવી ગુણવાળી ગાય પોતાના વસુને દેખાડી. દ્યુ નામના વસુએ તે ગાયને જોઈને પોતાની દેવીને તેના રૂપગુણ કહ્યા. ‘હે કાળી આંખોવાળી સુંદરી, જે ઋષિનો આ આશ્રમ છે તે વરુણપુત્રની ઉત્તમ ગાય છે. હે સુમધ્યમા (સુંદર કાયાવાળી) જે આનું સ્વાદિષ્ટ દૂધ પીએ તે ચિરંજીવ યૌવનવાળો થઈ દસ હજાર વર્ષ જીવે.’ તે સુંદર વસુપત્નીએ આ સાંભળીને અત્યંત દીપ્તિવાળા પોતાના ભર્તાને કહ્યું,
‘મનુષ્યલોકમાં જિનવતી નામની રૂપ યૌવનવાળી રાજકન્યા મારી સખી છે, તે બુદ્ધિમાન, સત્યવાન ઉશીનર રાજાની પુત્રી છે, પોતાની રૂપસંપદાથી મનુષ્યલોકમાં વિખ્યાત છે, હે મહાભાગ, વાછરડા સાથેની આ ગાય મારે તેને માટે જોઈએ છે. હે પુણ્યશાળી અમરશ્રેષ્ઠ તમે ત્વરાથી આ ગાય લઈ આવો. હે માનવંતા, મારી એ સખી આનું દૂધ પીને આ મનુષ્યલોકમાં વૃદ્ધાવસ્થા અને રોગથી મુક્ત થઈ જશે. હે અનિન્દિત મહાભાગ, આટલું મારું કામ કરી આપો. આ કામ મારું અત્યંત પ્રિય છે, આનાથી વધારે પ્રિય કશું નથી.’
પોતાની પ્રિય દેવીની આ વાત સાંભળીને તેની ઇચ્છા પૂરી કરવા પૃથુ વગેરે ભાઈઓએ એ ગાયનું હરણ કર્યું. તે સમયે કમલનયના પત્નીની વાતોમાં આવી જવાથી તે ઋષિના તીવ્ર તપને સમજી શક્યો નહીં. આ ગાયને હરી જવાથી આપણું પતન થશે એવો વિચાર ન આવ્યો.
ત્યાર પછી વરુણપુત્રો ફળફળાદિ વીણીને આશ્રમમાં આવ્યા પણ પોતાના ઉત્તમ કાનન(ઉદ્યાન)માં વાછરડા સાથેની ગાય જોઈ નહીં. તે ઉદાર, બુદ્ધિશાળી તપોધન મુનિ વનમાં આમતેમ શોધવા લાગ્યા. પણ ઘણો સમય વીત્યા છતાં ગાય મળી નહીં. દિવ્ય દૃષ્ટિથી જોયું તો જાણવા મળ્યું કે વસુઓએ ગાયનું હરણ કર્યું છે, તેને તે જ સમયે તેમણે વસુઓને શાપ આપ્યો. ‘વસુઓએ મારી સુલક્ષણા, સુંદર પુચ્છવાળી, દૂધાળુ ગાયનું હરણ કર્યું છે એટલે તે બધા માનવી તરીકે જન્મશે.’ તે મુનિશ્રેષ્ઠે વસુઓને આવો શાપ આપ્યો. મહાપ્રભાવી બ્રહ્મર્ષિ તપોધને ક્રોધે ભરાઈને તે આઠ વસુઓને શાપ આપ્યો અને આવો શાપ આપીને તેઓએ તપસ્યામાં મન પરોવ્યું.
શાપની ઘટના સાંભળીને તે વસુઓ મહાત્મા ઋષિના આશ્રમે જઈ પહોંચ્યા, વસુઓએ ઋષિને મનાવવાનો બહુ પ્રયત્ન કર્યો પણ તે સર્વધર્મના જાણકાર ઋષિ પ્રસન્ન ન થયા. ત્યાર પછી તે ધર્માત્મા ઋષિએ કહ્યું, ‘મેં દ્યુર સમેત સાત વસ્તુઓને જે શાપ આપ્યો છે તે શાપથી તમે એક વર્ષમાં મુક્ત થશો પણ જેને કારણે તમે શાપ પામ્યા છો તે દ્યુ નામના વસુએ પોતાના કર્મફળથી મનુષ્યલોકમાં દીર્ઘકાળ રહેવું પડશે. ક્રોધે ભરાઈને જે શાપવાણી ઉચ્ચારી છે તેને હું મિથ્યા કરી શકતો નથી, આ મહામના દ્યુ મનુષ્યલોકમાં સંતાનોને જન્મ આપી નહીં શકે. તે સ્ત્રીસંગ ત્યજી દેશે, આ ધર્માત્મા સર્વશાસ્ત્ર વિશારદ થઈને પિતાનાં પ્રિય કાર્ય કરતો રહેશે.’ િ બધા વસુઓને આમ કહીને ભગવાન ઋષિ ચાલ્યા ગયા.
(આદિ પર્વ, ૯૧થી ૯૩)