ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ/યયાતિ-દેવયાની-શમિર્ષ્ઠાની કથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


યયાતિ-દેવયાની-શમિર્ષ્ઠાની કથા

વિદ્યા પ્રાપ્ત કરીને આવેલા કચને જોઈને આનંદિત થયેલા દેવતાઓ પ્રસન્ન ચિત્તે કચ પાસેથી વિદ્યા ભણીને કૃતાર્થ થયા. પછી બધા દેવ શતક્રતુ (ઇન્દ્ર) પાસે જઈને કહેવા લાગ્યા, ‘હે પુરન્દર, તમારું પરાક્રમ દાખવવાનો સમય આવ્યો છે, તમે શત્રુઓનો નાશ કરો.’

બધા દેવોએ આમ કહ્યું એટલે ઇન્દ્ર ‘તથાસ્તુ’ કહીને નીકળ્યા અને વનમાં સ્ત્રીઓને જોઈ. ચૈત્રરથ સમાન સુંદર વનમાં ક્રીડા કરતી કન્યાઓનાં બધાં વસ્ત્ર વાયુને કારણે એકબીજામાં ભળી ગયાં. ત્યાર પછી તે કન્યાઓ એકસાથે જળમાંથી નીકળીને જેના હાથમાં જે વસ્ત્ર આવ્યું તે પહેરી લીધું. વૃષપર્વાની પુત્રી શર્મિષ્ઠાને વસ્ત્રોની આ સેળભેળનો ખ્યાલ ન આવ્યો અને તેણે દેવયાનીનું વસ્ત્ર પહેરી લીધું. આને કારણે દેવયાની અને શર્મિષ્ઠા વચ્ચે બોલાચાલી થઈ.

દેવયાનીએ કહ્યું, ‘અસુરપુત્રી, તું શિષ્યા થઈને મારું વસ્ત્ર શા માટે લે છે? આચાર વિનાની એવી તારું મંગલ નહીં થાય.’

શર્મિષ્ઠાએ કહ્યું, ‘મારા પિતા બેઠેલા કે સૂતેલા હોય ત્યારે તારા પિતા નીચે ઊભા રહીને વિનીત બનીને નિત્ય સ્તુતિ કરતા હોય છે. હે ભિક્ષુકા, તું આયુધ વિનાની છે અને હું આયુધવાળી છે. નિરર્થક ક્રોધ કરે છે. હું તને કોઈ રીતે ગણતી જ નથી.’

વસ્ત્ર માટેની દેવયાનીની આટલી બધી આસક્તિ જોઈને શર્મિષ્ઠાએ તેને કૂવામાં ધકેલી પોતાના નગરમાં ચાલી ગઈ. પાપવૃત્તિવાળી શર્મિષ્ઠાએ માની લીધું કે તે મૃત્યુ પામી છે, તેને ન જોઈને તે જતી રહી.

ત્યાર પછી નહુષપુત્ર યયાતિ થાકેલા વાહન અને અશ્વને લઈને તથા મૃગયા રમવા માટે તે વનમાં આવ્યો. પાણીની શોધમાં તેણે એક સૂકો કૂવો જોયો અને ત્યાં અગ્નિશિખા જેવી કન્યાને જોઈ. નૃપશ્રેષ્ઠ યયાતિએ દિવ્ય દેહવાળી કન્યાને જોઈને મનોહર મીઠી વાણીમાં તેને પૂછ્યું, ‘તામ્રરંગી નખવાળી, મણિકુણ્ડળવાળી શ્યામા, તું ચિંતા કરે છે, તું શોકમગ્ન છે? આ તૃણવાળા કૂવામાં કેવી રીતે પડી? તું કોની પુત્રી છે? હે સુમધ્યમા (સુંદર કાયાવાળી) સાચું કહેજે.’

દેવયાનીએ કહ્યું, ‘દેવો યુદ્ધમાં દૈત્યોને મારી નાખતા હતા અને એ મૃત દૈત્યોને વિદ્યા વડે સજીવન કરનારા શુક્રાચાર્યની હું પુત્રી છું, તેમને મારી આ હાલતનો ખ્યાલ નથી. તામ્રનખી આંગળીઓવાળો મારો જમણો હાથ પકડીને મને બહાર કાઢો, તમે કુલીન છો એમ હું માનું છું. વળી તમે ધીર, વીર્યવાન, યશસ્વી છો, એટલે કૂવામાં પડેલી મને આ કૂવામાંથી બહાર કાઢો.’

નહુષપુત્ર યયાતિએ તેને બ્રાહ્મણ સ્ત્રી માનીને તેનો જમણો હાથ પકડીને બહાર કાઢી, અને તરત જ તે પોતાના નગરમાં જતા રહ્યા.

દેવયાનીએ કહ્યું, ‘હે ઘૂર્ણિકા, તું ત્વરાથી મારા પિતા પાસે જઈને કહે કે હવે હું વૃષપર્વાના નગરમાં પ્રવેશીશ નહીં.’ તે ઘૂર્ણિકા ત્વરિત વેગથી અસુર મંદિરમાં ગઈ અને શુક્રાચાર્યને કહેવા સંભ્રમમાં પડીને બોલવા લાગી. ‘હે મહાપ્રાજ્ઞ, વૃષપર્વાની દુહિતા (પુત્રી) શર્મિષ્ઠાએ વનમાં દેવયાનીને મારી નાખવાનો પ્રયત્ન કર્યો એવું દેવયાનીએ કહ્યું છે. શર્મિષ્ઠાએ પોતાની પુત્રીને ઇજા પહોંચાડી એટલે શુક્રાચાર્ય વનમાં દેવયાનીને શોધવા દુઃખી ચિત્તે નીકળી પડ્યા.

તે વનમાં શુક્રાચાર્ય પુત્રી દેવયાનીને જોઈ સ્નેહવશ દુઃખી હૈયે તેને હૈયાસરસી ચાંપીને બોલ્યા, ‘બધા લોકો પોતાના ગુણદોષથી સુખદુઃખ ભોગવે છે. માનું છું કે તેં કોઈ ખરાબ કાર્ય કર્યું હશે, એટલે જ તને આવું ફળ મળ્યંુ છે.’

દેવયાનીએ કહ્યું, ‘આ મારું કર્મફળ હોય કે ના હોય, વૃષપર્વાની પુત્રીએ શર્મિષ્ઠાએ જે કહ્યું છે તે સાંભળો, તેણે એવું કહ્યું કે તમે દૈત્યોના ગીતકાર છો, શું એ સત્ય છે? વૃષપર્વાની દીકરીએ તીક્ષ્ણ વચનો અને ક્રોધયુક્ત રાતી આંખોથી મને એમ પણ કહ્યું; તમે સ્તુતિપાદ કરનારા છો, માગણ છો, તું દાન લેનારાની પુત્રી છે અને હું સ્તુત્ય, દાની અને અયાચકની પુત્રી છું. આ રીતે વૃષપર્વાની પુત્રી શર્મિષ્ઠાએ ક્રોધથી રાતી થયેલી આંખો વડે અને અભિમાનથી અવારનવાર મને આવું કહ્યું, હે પિતા, મેં સખીને એમ કહ્યું કે જો હું સ્તુતિપાઠ કરનારા અને દાન લેનારાની દીકરી હોઈશ તો શર્મિષ્ઠાને પ્રસન્ન કરીશ.’

શુક્રાચાર્યે કહ્યું, ‘હે ભદ્રે દેવયાની, તું સ્તુતિપાઠ કરનારા કે દાન લેનારાની દુહિતા (દીકરી) નથી, તું સ્તુતિપાઠ ન કરનારા અને બીજાઓ જેની સ્તુતિ કરે છે એવાની તું પુત્રી છે. વૃષપર્વા જેવા શક્ર (ઇન્દ્ર) અને નહુષપુત્ર યયાતિ — આ બધામાં મારું બળ નિર્દ્વન્દ્વ છે, અચિંત્ય છે અને ઐશ્વર્યપૂર્ણ છે, હે દેવયાની, જેઓ બીજાઓથી નિંદિત થઈને નિંદાને સહી લે છે તેમણે આ સર્વ જગત પર વિજય મેળવી લીધો છે. જેવી રીતે અશ્વ કાબૂમાં લેવાય છે તેવી રીતે જે ઊકળતા ક્રોધને કાબૂમાં લે છે તે સારથિ, જે માત્ર રાશ પકડીને બેસી રહે તે સારથિ ન કહેવાય.

દેવયાની, જે અક્રોધથી ક્રોધને દૂર કરે છે. તે જ સર્વ જગતને જીતે છે. જેવી રીતે સાપ કાંચળી ઉતારે છે તેવી રીતે જે ક્રોધને ક્ષમાથી રોકે છે તેમને જ પુરુષ કહે છે. જે ક્રોધને અટકાવે છે અને નિંદાને સહી લે છે, જે તપ્ત હોવા છતાં બીજાને સંતપ્ત કરતો નથી તે પુરુષાર્થનો ભાગીદાર છે. જે થાક્યા વિના દર મહિને યજ્ઞયાગ કરે છે અને જે અક્રોધી રહે છે — આ બંનેમાં અક્રોધી અધિક ચડિયાતો છે. કુમાર-કુમારીઓ અંદર અંદર વેર કરે છે પણ શાણા લોકો તેમનું અનુકરણ કરતા નથી, કુમાર-કુમારીઓ બળ એટલે શું, અબળ એટલે શું તે જાણતા નથી.’

દેવયાનીએ કહ્યું, ‘હે તાત, હું બાળક છું તો પણ ધર્મનો માર્ગ જાણું છું અને અક્રોધ, નિંદા વગેરેના બલાબલ પણ જાણું છું. પણ જે શિષ્ય હોવા છતાં, શિષ્યની જેમ વ્યવહાર કરતો નથી, જે મંગલ કામના કરનારાને ક્ષમા કરતો નથી, એવા સંકુચિત પ્રદેશમાં રહેવાનું મને ગમે નહીં; જેઓ કુળની અને ચરિત્રની નિંદા કરે છે તે પાપબુદ્ધિવાળા લોકોની સાથે શાણા લોકો રહી ન શકે. જે સાધુ કુલ, શીલ જાણે છે તેમની સાથે રહેવું ઉચિત છે, એને જ શ્રેષ્ઠ વાસ કહે છે. વૃષપર્વાની દુહિતાએ કહેલી વાત મહા ભયંકર છે, જેઓ શ્રીહીન (નિર્ધન) શત્રુઓની દીપ્તશ્રી જોઈને તેમની ઉપાસના કરે છે તેવું અસાધ્ય કાર્ય આ ત્રણે લોકમાં અન્ય નથી.’

ત્યાર પછી ભૃગુશ્રેષ્ઠ શુક્રાચાર્ય ક્રોધે ભરાઈને વૃષપર્વા પાસે જઈને વિચાર કર્યા વિના જ બોલ્યા,

‘રાજન, અધર્મનું આચરણ કરવાથી તરત તો તેનું ફળ જોવા મળતું નથી એવી જ રીતે અધર્મ ધીમે ધીમે ફળે છે, જેવી રીતે વધુ ભોજન કરવાથી ધીમે ધીમે નુકસાન થાય છે, તેવી જ રીતે પાપ પણ પોતાનામાં નહીં તો પુત્રમાં, પૌત્રમાં અવશ્ય દેખાય છે. મારે ત્યાં રહેલા ધર્મજ્ઞ, સેવક, નિષ્પાપ, બૃહસ્પતિપુત્ર કચનો તેં વધ કરાવ્યો હતો, વધને અયોગ્ય એવા કચનો વધ અને મારી પુત્રીનો પણ વધ — આને કારણે હે વૃષપર્વા, હું તને અને તારા સ્વજનોને ત્યજી દઉં છું, તારા રાજ્યમાં હું રહી નહીં શકું, હે દૈત્ય, તું મને મિથ્યા પ્રલાપ કરનાર સમજતો હોય તો તે તારો વાંક છે, અને એની તું ઉપેક્ષા કરે છે.’

વૃષપર્વાએ કહ્યું, ‘હે ભાર્ગવ, હું તમને અધર્મી કે અસત્યવાદી માનતો નથી. સત્ય અને ધર્મ તમારામાં જ ટક્યા છે, મારા પર પ્રસન્ન થાઓ, હે ભાર્ગવ, જો તમે અમને ત્યજી દેશો તો અમે સમુદ્રમાં ડૂબી જઈશું કારણ કે અન્યથા અમારી કોઈ ગતિ નથી.’

શુક્રચાર્યે કહ્યું, ‘તમે સમુદ્રપ્રવેશ કરો કે બીજી કોઈ દિશામાં જાઓ, હું મારી પુત્રીનું અપ્રિય સાંખી નહીં શકું. આ મારી પુત્રી મને ખૂબ વહાલી છે. જેવી રીતે બૃહસ્પતિ ઇન્દ્રનું યોગક્ષેમ કરે છે એવી રીતે હું તારું કરું છું. દેવયાની મારું જીવન છે. એટલે તેને પ્રસન્ન કર.’

વૃષપર્વા બોલ્યો, ‘હે ભાર્ગવ, આ ભૂમંડલમાં હાથી, ગાયો, અશ્વો, ધન સંપત્તિના અને મારા પણ ઈશ્વર છો.’

શુક્રાચાર્ય બોલ્યા, ‘હે મહાઅસુર, જો દૈત્યોનું જે કંઈ ઐશ્વર્ય છે તે સર્વનો હું સ્વામી હોઉં તો તું દેવયાનીને પ્રસન્ન કર.’

દેવયાનીએ કહ્યું, ‘હે તાત, રાજાની સંપત્તિના તમે સ્વામી છો તે હું જાણતી ન હતી. તો રાજા પોતે મને આ કહે.’

વૃષપર્વાએ કહ્યું, ‘હે શુચિસ્મિતા, તારી જે કામના હોય તે કહે, તે દુર્લભ હશે તો પણ હું પાર પાડીશ.’

દેવયાની બોલી, ‘મારી ઇચ્છા એવી છે કે સહ કન્યાઓ સાથે શર્મિષ્ઠા મારી દાસી બને. મારા પિતા મને જ્યાં વળાવે ત્યાં શર્મિષ્ઠા પણ આવે.’

વૃષપર્વાએ પાસે હતી તે દાસીને કહ્યું, ‘ઊભી થા અને શર્મિષ્ઠાને હમણાં જ બોલાવી લાવ. દેવયાનીની ઇચ્છા શર્મિષ્ઠા પૂરી કરે.’

એટલે ધામી(દાસી)એ શર્મિષ્ઠા પાસે જઈને કહ્યું, ‘દેવયાનીના કહેવાથી બ્રાહ્મણ શુક્રાચાર્ય પોતાના દૈત્ય શિષ્યોને ત્યજીને જવા માગે છે, હે અનઘા (નિષ્પાપ), અત્યારે શુક્રાચાર્યની કન્યા જે ઇચ્છે તે તમારે કરવું પડશે.’

શર્મિષ્ઠા બોલી, ‘આજે દેવયાની જે કહેશે તે કરવા હું તૈયાર છું. મારા દોષને કારણે શુક્રાચાર્ય અને દેવયાની જતા રહેવા ન જોઈએ.’

પછી પિતાની આજ્ઞા પામીને શિવિકા (પાલખી)માં બેસીને સહ કન્યાઓની સાથે શર્મિષ્ઠા પોતાના ઉત્તમ નગરમાંથી નીકળી. શર્મિષ્ઠા બોલી, ‘સહ કન્યાઓની સાથે હું તમારી પરિચારિકા છું. તમારા પિતા જ્યાં તમને આપશે ત્યાં હું તમારી સાથે આવીશ.’

દેવયાનીએ કહ્યું, ‘હું તો સ્તુતિ કરનારા અને દાન લેનારાની કન્યા છું; તંુ તો જેમની સ્તુતિ કરવામાં આવે છે તેમની પુત્રી છે, તો તું કેમ દાસી બનીશ?’

શર્મિષ્ઠા બોલી, ‘જેનાથી સ્વજનો સુખ પામે તે મારે કરવાનું, એટલે તમારા પિતા જ્યાં તમને વળાવશે ત્યાં હું તમારી પાછળ આવીશ.’

વૃષપર્વાની દુહિતા(પુત્રી)એ દાસીપણું સ્વીકાર્યું એટલે દેવયાની પિતા પાસે જઈને બોલી, ‘હે બ્રાહ્મણશ્રેષ્ઠ, હવે હું તુષ્ટ છું. હું નગરમાં પ્રવેશીશ. તમારાં વિજ્ઞાન અને વિદ્યાબળ અમોઘ છે.’

પુત્રીની આ વાત સાંભળીને મહાયશસ્વી અને દ્વિજશ્રેષ્ઠ શુક્રાચાર્ય દાનવોએ પૂજન કર્યા પછી આનંદિત થઈને નગરમાં પ્રવેશ્યા.

ત્યાર પછી ઘણા લાંબા સમયે ઉત્તમ વાનવાળી દેવયાની ક્રીડા કરવા એ જ વનમાં ગઈ. ત્યાં સહ દાસીઓ અને શર્મિષ્ઠાની સાથે ઇચ્છા થાય ત્યાં ઘૂમવા લાગી. ત્યાં બધી સખીઓ સાથે પુષ્કળ આનંદ મનાવવા લાગી. મધુુ વૃક્ષનું મધુ પીને, અંદર અંદર રમવા લાગી, વિવિધ ફળો અને વિવિધ વાનગીઓ ખાવા લાગી. એ સમયે મૃગયા રમવા માટે નહુષપુત્ર યયાતિ રાજા શ્રમ થવાથી અને પાણી પીવા ત્યાં આવી પહોંચ્યા. તેમણે ત્યાં દેવયાની, શર્મિષ્ઠા અને દિવ્ય આભરણોથી શોભતી કન્યાઓને જોઈ. ત્યાં શુચિસ્મિતા, અનુપમ સૌંદર્યવતી અને સ્ત્રીઓની વચ્ચે શર્મિષ્ઠા જેની સેવા કરતી હતી તે દેવયાનીને જોઈ.

યયાતિ બોલ્યા, ‘તમે બે કન્યાઓ છો અને સહ કન્યાઓથી વીંટળાયેલી છો. હું તમારા બંનેના નામ અને ગોત્ર જાણવા માગું છું.’

દેવયાનીએ કહ્યું, ‘હે નરાધિપ (રાજા), મારી વાત ધ્યાનથી સાંભળો, શુક્રાચાર્ય નામના અસુરોના ગુરુ છે, હું તેમની પુત્રી છું. આ વૃષપર્વા નામના દાનવરાજની દીકરી શર્મિષ્ઠા છે, તે મારી સખી અને દાસી છે, હું જ્યાં જઉં છું ત્યાં તે આવે છે.’

યયાતિ બોલ્યા, ‘હે સુંદર ભ્રમરવાળી, મને જિજ્ઞાસા છે કે આ અસુરરાજની સુંદર કન્યા તમારી દાસી અને સખી કેવી રીતે થઈ?’

દેવયાનીએ કહ્યુ, ‘હે નરશાર્દૂલ, આ બધું દૈવાધીન છે. એટલે બધું જ દૈવાધીન છે માનીને આશ્ચર્ય ન પામો, તમારા રૂપ, વેશભૂષા રાજા જેવા છે, તમે વેદવાક્ય કહો છો, કહો ત્યારે તમે કોણ છો, કોના પુત્ર છો, ક્યાંથી આવો છો?’

યયાતિએ કહ્યું, ‘બ્રહ્મચર્યવ્રત લઈને મેં વેદનો અભ્યાસ કર્યો છે, હું રાજા છું, રાજપુત્ર છું, મારું નામ યયાતિ.’

દેવયાની બોલી, ‘જળની માછલી મારવા કે મૃગયા રમવા તમે આ વિસ્તારમાં આવ્યા છો.’

યયાતિએ કહ્યું, ‘હે ભદ્રે, મૃગયા માટે હું નીકળ્યો છું, અહીં પાણી પીવા આવ્યો છું, ઘણો બધો થાક લાગ્યો છે. કહેતા હો તો જતો રહું.’

દેવયાનીએ કહ્યું, ‘આ કન્યાઓ અને દાસી શર્મિષ્ઠા સહિત હું તમને અધીન છું, તમે મારા સખા અને ભર્તા થાઓ.’

યયાતિ એ સાંભળી બોલ્યા, ‘હે શુક્રાચાર્યપુત્રી, ભામિની, દેવયાની, હું તમારા માટે યોગ્ય પાત્ર નથી. તમારા પિતા અમારા રાજાઓ સાથે વિવાહસંબંધ ન બાંધે.’

દેવયાનીએ કહ્યું, ‘બ્રાહ્મણોની સાથે ક્ષત્રિયો અને ક્ષત્રિયોની સાથે બ્રાહ્મણો મળેલા છે. હે નહુષપુત્ર, તમે પણ એ રીતે ઋષિ છો, ઋષિપુત્ર છો, માટે મારી સાથે વિવાહ કરો.’

યયાતિ બોલ્યા, ‘હે વરાંગના, ચારે વર્ણ એક જ દેહમાંથી ઉત્પન્ન થયા છે, છતાં દરેકના ધર્મ, શૌચાદિ જુદા છે, આ ચારે વર્ણમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે.’

દેવયાનીએ કહ્યું, ‘હે નહુષપુત્ર, પહેલાં કોઈ પુરુષે મારું પાણિગ્રહણ કર્યું નથી, સૌથી પહેલાં તમે જ મારો હાથ પકડ્યો હતો, એટલે હું તમને વરું છું. તમે ઋષિ અને ઋષિપુત્ર થઈને મારો હાથ પકડ્યો હતો, મારા જેવી મનસ્વિનીના હાથને બીજો કોઈ પુરુષ સ્પર્શે કેવી રીતે?’

યયાતિએ કહ્યું, ‘જ્ઞાની પુરુષો જાણે છે કે ચારે બાજુુ વિષ અને મોમાંથી અગ્નિ કાઢતા સર્પ કરતાં બ્રાહ્મણો દુરાઘર્ષ (ભયંકર) હોય છે.’

દેવયાનીએ કહ્યું, ‘હે પુરુષશ્રેષ્ઠ, બ્રાહ્મણો વિષયુક્ત અને મોંમાંથી અગ્નિ ફેંકનારા સાપ કરતાંય ભયાનક હોય છે એવું તમને કહ્યું કોણે?’

યયાતિએ ઉત્તર આપ્યો, ‘સાપ ડસે તો એક જ માનવીનું મૃત્યુ થાય, શસ્ત્રથી પણ એક જ માનવી મરી જાય, પણ બ્રાહ્મણ કોપે તો રાજ્યને અને નગરને એક સાથે નષ્ટ કરી નાખે છે. એટલે હે ભદ્રે, હું બ્રાહ્મણોને બહુ ભયંકર માનું છું. તમારા પિતા તમારું દાન કરે તો જ હું તમારી સાથે વિવાહ કરું.’

દેવયાનીએ કહ્યું, ‘રાજન્, મેં તમારી વરણી કરી છે, એટલે મને અપનાવો.’

દેવયાનીએ ત્વરિત પિતાને બધો વૃત્તાંત કહ્યો. એ સાંભળીને ભાર્ગવ શુક્રાચાર્યે રાજાને દર્શન આપ્યાં. પૃથ્વીપતિ યયાતિ બ્રાહ્મણ શુક્રાચાર્યને જોઈને હાથ જોડીને ઊભા રહ્યા.

દેવયાની બોલી, ‘હે તાત, આ નહુષપુત્ર રાજાએ આપત્તિમાં મારું પાણિગ્રહણ કર્યું હતું, હું નમન કરીને કહું છું, મારું દાન તેમને કરો. હું બીજા કોઈને હું વરીશ નહીં.’

શુક્રાચાર્ય બોલ્યા, ‘હે નહુષપુત્ર, મારી પ્રિય પુત્રીએ તમને પતિ તરીકે પસંદ કર્યા છે. મેં આપેલી દેવયાનીને તમે રાણી બનાવો.’

યયાતિએ કહ્યું, ‘હે ભાર્ગવ, આ બાબતે વર્ણસંકરતાનો મહાન અધર્મ મને ન સ્પર્શે એવો વર મને આપો.’

શુક્રચાર્યે કહ્યું, ‘હું તમને અધર્મથી બચાવું છું. ઇચ્છા પ્રમાણે વર માગો. આ વિવાહથી તમે દુઃખી ન થતા, તમારા બધાં પાપ હું દૂર કરી દઉં છું. તમે આ સુમધ્યમા દેવયાની સાથે ધર્માનુસાર વિવાહ કરો, એની સાથે રહીને તમે અનહદ પ્રીતિ પામશો. આ વૃષપર્વાની પુત્રી શર્મિષ્ઠા પણ તમારી પૂજ્ય બની રહેશે. એને શયનગૃહમાં બોલાવશો નહીં.’

શુક્રાચાર્યની આવી વાત સાંભળીને યયાતિએ એમની પ્રદક્ષિણા કરી અને મહાત્માની આજ્ઞા લઈને તે પ્રસન્નચિત્તે પોતાના નગરમાં આવ્યા. મહેન્દ્ર (ઇન્દ્ર)ની નગરીના જેવી પોતાની નગરીમાં પ્રવેશી દેવયાનીને નિવાસ આપ્યો. દેવયાનીની અનુમતિથી અશોક વન પાસે ઘર બનાવીને વૃષપર્વાની પુત્રીને માટે નિવાસસ્થાન બનાવી આપ્યું. સહ દાસીઓ સાથે અસુરપુત્રી શર્મિષ્ઠા માટે વસ્ત્ર, અલંકાર, અન્યપાન વગેરેના યોગ્ય વિભાગ પાડીને તેનો આદરસત્કાર કર્યો. નહુષપુત્રે દેવયાની સાથે વિહાર કરીને દેવોની જેમ પ્રસન્ન થઈ ઘણાં વર્ષો વીતાવ્યાં. દેવયાનીએ ઋતુકાળ આવતાં ગર્ભ ધારણ કર્યો અને તેણે એક સુકુમાર પુત્રને જન્મ આપ્યો. સહ વર્ષ વીત્યાં, શર્મિષ્ઠાનો ઋતુકાળ પણ આવ્યો. તે વિચારવા લાગી, મારો ઋતુકાળ છે, પરંતુ મારે પતિ નથી, શું થશે? શું કરું? કાર્ય કેવી રીતે થશે? દેવયાનીને પુત્ર થયો છે, મારું યૌવન વ્યર્થ જઈ રહ્યું છે. એટલે જેવી રીતે દેવયાનીએ રાજા સાથે લગ્ન કર્યું છે તેવી રીતે હું પણ તેને વરીશ. મને ચોક્કસ લાગે છે કે રાજાથી મને પુત્રપ્રાપ્તિ થશે, એ ધર્માત્માનું હું દર્શન કરું. તે સમયે રાજા ઇચ્છાનુસાર બહાર નીકળીને અશોકવનમાં શર્મિષ્ઠાને જોઈને ત્યાં બેઠા. ત્યારે ચારુહાસિની શર્મિષ્ઠાએ તેમને એકાંતમાં જોયા અને બંને હાથ જોડીને બોલી, ‘હે નહુષપુત્ર, ચંદ્ર, ઇન્દ્ર, વિષ્ણુ, યમ, વરુણના અંત:પુરમાં રહેલી સ્ત્રીને કોણ જોઈ શકે છે? હે રાજન, તમે મારા રૂપ, કુલ, શીલની વાત જાણો છો, એટલે હે નરાધિપ, હું તમને પ્રસન્ન કરી પ્રાર્થના કરું છું તો તમે મારા ઋતુકાળની રક્ષા કરો.’

યયાતિએ કહ્યું, ‘શીલસંપન્ના, અનિન્દિતા, દૈત્યકન્યા હું તને જાણું છું. તારું રૂપ સોયની અણી જેટલું પણ નિન્દનીય નથી. મેં જ્યારે દેવયાની સાથે વિવાહ કર્યો હતો ત્યારે કવિ શુક્રાચાર્યે કહ્યું હતું કે તું વૃષપર્વાની પુત્રીને શયનગૃહમાં લઈ આવતો નહીં.’

શર્મિષ્ઠાએ ઉત્તર આપ્યો. ‘હે રાજન, હસવામાં, સ્ત્રીને મળવામાં, વિવાહસમયે, પ્રાણ જવાના સમયે, ધનનું અપહરણ થતું હોય ત્યારે અસત્ય બોલવાથી પાતક લાગતું નથી. હે નરેન્દ્ર, લોકો કહે છે કે કોઈ પૂછે ત્યારે જૂઠું બોલવાથી પાપ લાગે છે એ વાત ખોટી છે. જ્યાં બંનેનો એકાર્થ સમાધાન કરવાનો હોય ત્યાં અસત્ય દોષ છે.’

યયાતિ બોલ્યા, ‘રાજા પ્રજા માટે આદર્શ રૂપ હોય છે. તે અસત્ય બોલવાથી નાશ પામે છે, એટલે ધનની આપત્તિમાં પણ મિથ્યા બોલવાનો મારો ઉત્સાહ નથી હોતો.’

શર્મિષ્ઠાએ પ્રત્યુત્તર આપ્યો, ‘સખીનો પતિ અને પોતાનો પતિ એક સરખા, એકનો વિવાહ થવાથી બંનેના વિવાહ ગણાય. મારી સખીએ પહેલાં તમને પસંદ કર્યા. એેટલે હવે તમે મારા પણ પતિ.’

યયાતિએ કહ્યું, ‘મારું એક વ્રત છે, કોઈ જે માગે તે આપવું, તું મારી પાસે યાચના કરે છે એટલે કહે, તારે માટે શું કરું?’

શર્મિષ્ઠા બોલી, ‘મને અધર્મમાંથી બચાવો અને ધર્મની રક્ષા કરો, તમારાથી પુત્રવતી થઈને આ લોકમાં ધર્માચરણ કરું. રાજન, ભાર્યા, દાસ અને પુત્ર આ ત્રણ ધનવાન નથી હોતા, તેમના સ્વામીનું ધન તેમનું હોય છે. હે રાજન, હું દેવયાનીની દાસી છું, ભાર્ગવી દેવયાની તમારી છે, એટલે અમે બંને તમારા ઉપભોગ માટે છે, એટલે તમે મારો ઉપભોગ કરો.’

રાજાએ શર્મિષ્ઠાની વાત સાંભળીને તેને સ્વીકારી, શર્મિષ્ઠાની પૂજા કરી અને તેનો મનોરથ પૂર્ણ કર્યો, ધર્મની રક્ષા કરી. ઇચ્છાનુરૂપ કામતૃપ્તિથી શર્મિષ્ઠાનો મનોરથ પૂર્ણ થયો અને તે બંને ઉચિત સમ્માન પામીને પોતપોતાના સ્થાને ગયા. ચારુહાસિની, સુંદર ભ્રમરવાળી શર્મિષ્ઠાએ પહેલા જ મિલનને પરિણામે એ રાજાથી ગર્ભ ધારણ કર્યો. રાજીવલોચના (કમળ સમાન આંખોવાળી)એ યોગ્ય સમયે દેવગર્ભ જેવો અને કમળ જેવા નેત્રવાળા પુત્રને તેણે જન્મ આપ્યો.

શર્મિષ્ઠાને પુત્ર જન્મ્યો છે એ સાંભળીને શુચિસ્મિતા દેવયાની દુઃખી થઈ. શર્મિષ્ઠા પાસે જઈને દેવયાનીએ કહ્યું, ‘હે સુંદર ભ્રમરવાળી, કામલુબ્ધ થઈને આ કેવું પાપ કર્યું છે?’

શર્મિષ્ઠાએ ઉત્તર આપ્યો, ‘મારી પાસે કોઈ વેદ પારંગત ધર્માત્મા ઋષિ આવ્યા હતા, તેઓ મને વરદાન આપવા માગતા હતા, મેં ધર્માનુસાર કામયાચના કરી. હે શુચિસ્મિતા, હું અન્યાયથી કામચારિણી થઈ નથી. હું સત્ય કહું છું, મારો આ પુત્ર એ ઋષિનો છે.’

દેવયાનીએ કહ્યું, ‘હે ભીરુ, આ સત્ય હોય તો સારી વાત છે. તું એ બ્રાહ્મણને જાણે છે? હું એ બ્રાહ્મણનાં નામ, ગોત્ર, કુળ જાણવા માગું છું.’

શર્મિષ્ઠાએ ઉત્તર આપ્યો, ‘હે શુચિસ્મિતા, તે બ્રાહ્મણ ઓજ અને તેજમાં સૂર્ય જેવો તેજસ્વી હતો, તેમને જોઈને કશું પૂછવાની મારામાં શક્તિ ન હતી.’

દેવયાની બોલી, ‘હે શર્મિષ્ઠા, જો આમ હોય અને તેં શ્રેષ્ઠ દ્વિજ દ્વારા પુત્ર પ્રાપ્ત કર્યો હોય તો મારે ક્રોધ કરવાનું કશું કારણ નથી.’ એકબીજાને આમ કહીને હસીને આ વાત બરાબર જાણીને પોતાના નિવાસે ચાલી ગઈ. ત્યાર પછી યયાતિએ દેવયાની દ્વારા ઇન્દ્ર અને વિષ્ણુ જેવા યદુ, તુર્વસુ — બે પુત્રોને જન્મ આપ્યો.

વૃષપર્વાની પુત્રી શર્મિષ્ઠાએ તે રાજાથી દ્રુહ્યુ, અનુ ને પૂરુને જન્મ આપ્યો. કેટલાક સમય પછી શુચિસ્મિતા દેવયાની યયાતિની સાથે એ મહાવનમાં ગઈ. નિરાંતે રમતા દેવ જેવા કુમારોને જોઈને દેવયાનીએ પૂછ્યું,

‘રાજન, આ દેવપુત્ર જેવા કુમારો કોના છે? મને લાગે છે કે રૂપ અને તેજમાં તમારા જેવા છે.’

રાજાને આમ કહીને દેવયાનીએ કુમારોને પૂછ્યું, ‘તમારાં નામ? તમારું ગોત્ર કયું? કયો બ્રાહ્મણ તમારા પિતા છે? સાચેસાચું કહેજો. હું એ સાંભળવા માગુ છું.’

કુમારોએ રાજા તરફ આંગળી ચીંધી, અને ‘શર્મિષ્ઠા અમારી માતા છે’ એમ કહ્યું. તેઓ એમ કહીને એક સાથે રાજા પાસે ગયા પણ દેવયાની સામે રાજાએ તેમનો સત્કાર ન કર્યો એટલે રડતાં રડતાં તેઓ શર્મિષ્ઠા પાસે ગયા. રાજા પ્રત્યે બાળકોનો પ્રેમ જોઈને દેવયાનીને સાચી વાત સમજાઈ, અને તેણે શર્મિષ્ઠાને કહ્યું, ‘તું મને અધીન હોવા છતાં મારું અપ્રિય કાર્ય કર્યું. તેં અસુર ધર્મનો આશ્રય લીધો, તને મારો ભય નથી લાગતો?’

શર્મિષ્ઠાએ ઉત્તર આપ્યો, ‘હે ચારુહાસિની, મેં તને જે ઋષિની વાત કરી હતી તે સત્ય છે, મેં ન્યાય અને ધર્મ પ્રમાણે આચરણ કર્યુ છે, એટલે હું તારાથી ડરતી નથી. હે શોભને, તેં જ્યારે રાજાની પસંદગી કરી હતી ત્યારે મેં પણ તેમની પસંદગી કરી હતી. સખીનો ભર્તા ધર્મથી તે સ્ત્રીનો પણ ભર્તા. તું બ્રાહ્મણ છે, મારાથી મોટી છે, શું તું નથી જાણતી કે આ રાજર્ષિ તારા કરતાંય વધારે મારા પૂજનીય છે.’

આ સાંભળીને દેવયાનીએ કહ્યું, ‘રાજન, હવે હું અહીં નહીં રહું. તમે મારું અપ્રિય કર્યું છે.’

તે શ્યામાને અશ્રુભીની થયેલી જોઈને અને તરત જ શુક્રાચાર્ય પાસે જતી જોઈને રાજા વ્યથિત થયા. સંભ્રાંત થઈને તેની સાંત્વના કરતા દેવયાની પાછળ પાછળ જવા લાગ્યા, પણ ક્રોધથી રાતા લોચનવાળી દેવયાની કોઈ રીતે પાછી ન ફરી. રાજાને કશું કહ્યા વિના તે ચારુલોચના તરત જ શુક્રાચાર્ય પાસે જઈ પહોંચી પિતાને જોઈને પ્રણામ કરી ઊભી રહી, ત્યાર પછી યયાતિએ પણ ભાર્ગવની પૂજા કરી. દેવયાનીએ કહ્યું, ‘અધર્મે ધર્મને જીતી લીધો છે, નીચની વૃદ્ધિ થઈ છે. વૃષપર્વાની પુત્રી શર્મિષ્ઠાએ મારું ઉલ્લંઘન કર્યું છે. આ શર્મિષ્ઠાએ યયાતિથી ત્રણ પુત્રોને જન્મ આપ્યો છે. હું દુર્ભાગી છું, મને બે જ પુત્રો છે આ હું તમને કહું છું. હે ભાર્ગવ, આ રાજા ધર્મજ્ઞ તરીકે વિખ્યાત છે, પણ હું તમને કહું છું કે રાજાએ મર્યાદા ઓળંગી છે.’

શુક્રાચાર્યે કહ્યું, ‘મહારાજ, ધર્મજ્ઞ હોવા છતાં તમે અધર્મ આચર્યો, એટલે હમણાં જ તમને દુર્જય વિજય ન મેળવી શકાય એવી વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થશે.’

યયાતિએ ઉત્તર આપ્યો, ‘ભગવન, દાનવેન્દ્રની પુત્રીએ પોતાના ઋતુકાળની રક્ષા માટે મને યાચના કરી, એ ધર્મ છે એમ માનીને મેં એ કાર્ય કર્યું, બીજા કોઈ કારણથી નહીં. કોઈ સ્ત્રી ઋતુરક્ષાની પ્રાર્થના કરે અને જે પુરુષ તે રક્ષા ન કરે તો બ્રહ્મવાદીઓ તેને ભૂ્રણહત્યાનો પાપી ગણાવે છે. જે સ્ત્રી ગમનયોગ્ય હોય અને જે કામેચ્છા ધરાવતી હોય અને પુરુષને યાચના કરવા છતાં પુરુષ જો ના પાડે તે પુરુષને જ્ઞાનીઓ, ધર્મશાસ્ત્રો ભૂ્રણહત્યાના પાપી કહે છે. હે ભાર્ગવ, અધર્મના ભયથી જ મેં આ બધાં કારણોની સમીક્ષા કરીને શર્મિષ્ઠાને હું મળ્યો છું.’

શુક્રાચાર્યે કહ્યું, ‘હું પૃથ્વીપતિ, નહુષપુત્ર, તમે મને અધીન છો. તમારે મારી આજ્ઞા લેવી જોઈતી હતી. તમે એ ન કર્યું. ધર્મ વિષયમાં આવો મિથ્યાચાર કરવો તે ચોરી કરવા બરાબર.’ શુક્રાચાર્યે ક્રોધે ભરાઈને શાપ આપ્યો એટલે નહુષપુત્ર યયાતિ પહેલાંની યુવાવસ્થા ત્યજીને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત કરી બેઠા.

યયાતિએ કહ્યું, ‘હે ભાર્ગવ, યૌવનકાળે હું દેવયાનીથી તૃપ્ત થયો નથી, તમે પ્રસન્ન થાઓ, મારામાં આ વૃદ્ધાવસ્થા ન પ્રવેશે.’

શુક્રાચાર્ય બોલ્યા, ‘હે ભૂમિપતિ, મારું વચન અસત્ય ન થાય. તમે વૃદ્ધ છો, પણ તમે ઇચ્છો તો બીજા કોઈને આ વૃદ્ધત્વ આપી શકશો.’

યયાતિએ કહ્યું, ‘હે બ્રહ્મન્, મારો જે પુત્ર મને યૌવન આપશે તે રાજ્યભાગી, પુણ્યભાગી અને કીર્તિભાગી થાય તેની અનુમતિ આપો.’

શુક્રાચાર્ય બોલ્યા, ‘હે નહુષપુત્ર, તમે એક ચિત્તે મારું ધ્યાન કરીને બીજામાં વૃદ્ધત્વ સંક્રાતિ કરી શકશો, તમને પાપ નહીં લાગે. જે પુત્ર તમને યૌવન આપશે તે આયુષ્માન, કીર્તિમાન, રાજા અને અનેક સંતાનોવાળો થશે.’

આ રીતે જરાવસ્થા પ્રાપ્ત કરેલા યયાતિ પોતાના નગરમાં આવ્યા અને જ્યેષ્ઠ, વરિષ્ઠ પુત્ર યદુને તેમણે કહ્યું, ‘હે તાત, શુક્રાચાર્યના શાપથી મને પળિયાં આવ્યાં છે, શરીરે કરચલી પડી ગઈ છે, પણ યૌવનથી અતૃપ્ત છું. એટલે હે યદુ, તું મારા આ વૃદ્ધત્વને અને એના પાપને લઈ લે તો તારા યૌવનથી વિષયસુખ ભોગવું; સહ વર્ષ પૂરાં થશે એટલે હું તને તારું યૌવન પાછું આપીશ, મારાં વૃદ્ધત્વ અને પાપ પાછાં લઈશ.’

યદુએ ઉત્તર આપ્યો, ‘જે વૃદ્ધત્વને કારણે દાઢી સફેદ થાય, લોકો દીન થાય, શિથિલ કાયાવાળા થાય, કરચલીઓવાળા થાય, દુર્દશાયુક્ત થાય, કૃશ થાય, કોઈ કાર્ય કરવા અશક્ત થાય, યુવાનો અને સાથીઓથી તિરસ્કૃત થાય તે અવસ્થાની મને કામના નથી.’

યયાતિ બોલ્યા, ‘મારા હૃદયમાંથી જન્મ્યો હોવા છતાં તું મને તારી વય આપતો નથી એટલે તારી પ્રજામાં કોઈ રાજ્યાધિકારી નહીં થાય.’

પછી તેમણે તુર્વસુને પૂછ્યું, ‘તું પાપ સાથેનું વૃદ્ધત્વ લઈ લે, હું તારા યૌવનથી વિષયો ભોગવું, સહ વર્ષ પૂરાં થશે એટલે તારું યૌવન પાછું આપી પાપયુક્ત વૃદ્ધાવસ્થા પાછી લઈશ.’

તુર્વસુએ કહ્યું, ‘હે પિતા, જે વૃદ્ધત્વથી કામભોગનો નાશ થાય છે, બળ અને રૂપ વિકૃત થાય છે, બુદ્ધિ અને પ્રાણનો નાશ થાય છે તે વૃદ્ધત્વની મને ઇચ્છા નથી.’

યયાતિએ ઉત્તર આપ્યો, ‘હે તુર્વસુ, મારા હૃદયમાંથી જન્મ્યો હોવા છતાં તારી વય મને આપતો નથી એટલે તારી પ્રજા સંપૂર્ણ નાશ પામશે જેના આચાર, ધર્મ અત્યંત સંકીર્ણ છે, જેઓ હલકા કુળમાં જન્મ્યા છે, જેઓ લોભી છે અને માંસાહારી છે તેમનો રાજા તું થઈશ. જેઓ ગુરુપત્ની પર આસક્તિ રાખે છે, જેમના આચાર પક્ષીઓ જેવા છે, જેઓ પશુધર્મી છે, મલેચ્છ છે તેમનો તું રાજા થઈશ.’

આમ તુર્વસુને શાપ આપીને શર્મિષ્ઠાના પુત્ર દ્રુહ્યુને તેમણે કહ્યું, ‘હે દ્રુહ્યુ, સહ વર્ષ માટે મારા રંગ અને રૂપનો વિનાશ કરનારી આ વૃદ્ધાવસ્થા લઈને તારું યૌવન મને આપ. સહ વર્ષ પૂરાં થશે એટલે તારું યૌવન પાછું આપીને પાપયુક્ત વૃદ્ધત્વ પાછું લઈશ.’

દ્રુહ્યુએ ઉત્તર આપ્યો, ‘જરાગ્રસ્ત પુરુષ હાથી, રથ, અશ્વ, સ્ત્રી વગેરેને ભોગવી શકતો નથી, તેની વાણી વિકૃત થાય છે, એટલે હું વૃદ્ધત્વ ઇચ્છતો નથી.’

યયાતિએ કહ્યું, ‘દ્રુહ્યુ, તેં મારા હૃદયમાંથી જન્મ લીધો હોવા છતાં તારી વય મને આપતો નથી, એટલે તારી પ્રિય ઇચ્છા ક્યારેય પૂરી નહીં થાય. તું તારા વંશ સાથે જે પ્રદેશમાં રહીશ ત્યાં લોકો તને રાજા નહીં કહે પણ ભોજ કહેશે.’

ત્યાર પછી પુત્ર અનુને કહ્યું, ‘તું પાપ સહિતની મારી વૃદ્ધાવસ્થા લઈ લે, તારા યૌવન વડે હજાર વર્ષ ભોગ ભોગવીશ.’

અનુ બોલ્યો, ‘વૃદ્ધ જન અકાળે બાળકની જેમ અશુચિ શરીર વડે અન્ન ખાય છે, યોગ્ય સમયે અગ્નિમાં આહુતિ આપી શકતા નથી, એટલે હું વૃદ્ધ થવા નથી ઇચ્છતો.’

યયાતિએ કહ્યું, ‘તું મારા હૃદયમાંથી જન્મ્યો હોવા છતાં તારું યૌવન નથી આપતો. એટલે તેં વૃદ્ધત્વના જે દોષ વર્ણવ્યા તે તને પ્રાપ્ત થશે. તારી પ્રજા યુવાનવયે જ મૃત્યુ પામશે, અગ્નિકાર્યથી તું વંચિત થઈશ.’

પછી છેલ્લે તેમણે પૂરુને કહ્યું, ‘હે પૂરુ, તું મારો પ્રિય પુત્ર છે, તું શ્રેષ્ઠ થઈશ. હું કરચલીવાળો, પળિયાંવાળો થઈ ગયો છું. શુક્રાચાર્યના શાપથી વૃદ્ધ થયો છું પણ યૌવનથી તૃપ્ત થયો નથી. તું પાપયુક્ત આ વૃદ્ધત્વ લઈ લે, થોડો સમય તારા યૌવનથી વિષયો ભોગવીશ. હજાર વર્ષ થશે એટલે પાપત્વવાળું વૃદ્ધત્વ હું પાછું લઈશ.’

આ વાત સાંભળીને પૂરુએ પિતાને ઉત્તર આપ્યો, ‘હે મહારાજ, તમારી આજ્ઞા પ્રમાણે કરીશ. હે રાજન, પાપયુક્ત વૃદ્ધત્વ હું લઈશ. તમે મારું યૌવન લઈને ઇચ્છો તે ભોગ ભોગવો. તમારી વય, રૂપ લઈને, વૃદ્ધ બનીને હું યૌવન આપીશ તથા તમારી આજ્ઞા પ્રમાણે વર્તીશ.’

યયાતિએ ઉત્તર આપ્યો, ‘હે પૂરુ, હું તારા પર પ્રસન્ન છું, પ્રીતિયુક્ત તને વરદાન આપું છું કે તારા રાજ્યમાં પ્રજા સર્વ કામનાઓ પ્રાપ્ત કરી સમૃદ્ધ થશે.’

તેમના ઉત્સાહ અને કામના પ્રમાણે યથાકાળ ધર્મથી અવિરુદ્ધ રહીને તે સુખ ભોગવવા લાગ્યા. યજ્ઞ વડે દેવોને, શ્રાદ્ધથી પિતૃઓને, ગરીબોને અનુગ્રહથી, બ્રાહ્મણોને તેમની ઇચ્છાઓ સંતોષીને, અતિથિઓને અન્નપાનથી, પ્રજાને સારી રીતે પાલન કરીને, શૂદ્રોને દયાથી, દસ્યૂઓને નિગ્રહથી, ધર્મથી બધી પ્રજાનું અનુરંજન કરીને બીજા ઇન્દ્રની જેમ પ્રજાપાલન કરવા લાગ્યા. સિંહ જેવા પરાક્રમી તે રાજા વિષયમાં આસક્ત રહીને ઉત્તમ સુખ ધર્મ અનુસાર ભોગવવા લાગ્યા. શુભ કામનાઓની તૃપ્તિથી તેઓ સંતુષ્ટ થયા, સાથે જ સહ વર્ષનો સમય પૂરો થઈ જશે એ વિચારે તેઓ ખિન્ન થયા. વીર્યવાન અને કાળને જાણનારા કલા કાષ્ઠા વગેરે કાળને ગણીને સહ વર્ષ પૂરાં થયાં એટલે પુત્ર પૂરુને કહેવા લાગ્યા.

‘હે અરિંદમ પુત્ર, તારા યૌવન વડે આકાંક્ષા અને ઉત્સાહથી યોગ્ય સમયમાં વિષયભોગ કરી ચૂક્યો છું. તું મારું પ્રિય કરનાર છે, તારા પર પ્રસન્ન થયો છું. તારું કલ્યાણ થશે, તારું યૌવન સ્વીકારી આ રાજ્ય પણ લે.’

ત્યાર પછી નહુષપુત્ર યયાતિએ વૃદ્ધાવસ્થા લઈ લીધી, પૂરુએ ફરી પોતાની યુવાવસ્થા સ્વીકારી. રાજાએ કનિષ્ઠ પુત્રને રાજગાદી આપવાની ઇચ્છા પ્રગટ કરી એટલે બ્રાહ્મણ સમેત ચારે વર્ણે રાજાને કહ્યું,

‘હે પ્રભુ, શુક્રપુત્રી દેવયાનીના જ્યેષ્ઠ પુત્ર યદુને બદલે પૂરુને શા માટે રાજ્ય આપવા માગો છો? યદુ તમારો સૌથી મોટો પુત્ર છે, ત્યાર પછી તુર્વસુ; શર્મિષ્ઠાથી જન્મે દ્રુહ્યુ ત્રીજો, અનુ ચોથો અને પૂરુ સૌથી નાનો છે. મોટા પુત્રોને બદલે નાનો પુત્ર રાજ્ય કેવી રીતે મેળવી શકે? અમે તમને નિવેદન કરીએ છીએ કે તમે ધર્મનું પાલન કરો.’

યયાતિએ ઉત્તર આપ્યો, ‘બ્રાહ્મણ સહિત બધા વર્ણના લોકો મારી વાત સાંભળો, હું કોઈ રીતે મોટા પુત્રને રાજ્ય નહીં આપું. મોટા પુત્ર યદુએ મારી આજ્ઞા માની ન હતી, જે પુત્ર પિતાને પ્રતિકૂળ આચરણ કરે છે તેને પુત્ર ન કહેવાય એવો મત સાધુઓનો છે. જે પુત્ર માતાપિતાની આજ્ઞા માને છે, જે હિતકારી છે, પિતા-માતાને પુત્રવત્ સ્નેહ કરે છે તે પુત્ર કહેવાય. યદુએ મારી અવજ્ઞા કરી છે, એ જ રીતે તુર્વસુ, દ્રુહ્યુ, અને અનુએ પણ મારી અવજ્ઞા કરી છે. પૂરુએ મારી વાતને વિશેષ રૂપે માનીને મારી વૃદ્ધાવસ્થા લઈ લીધી એટલે નાનો હોવા છતાં મારો ઉત્તરાધિકારી થશે. પુત્ર તરીકે તેણે મારી ઇચ્છા પૂરી કરી છે. અને કવિપુત્ર ઉશનાએ પોતે મને વર આપ્યો છે કે જે પુત્ર તારો આજ્ઞાંકિત હોય તે રાજા થશે, એટલે તમને હું અનુનય કરું છું કે તમે પૂરુને સિંહાસન પર બેસાડો.’

ત્યારે લોકોએ કહ્યું, ‘હે પ્રભુ, જે પુત્ર ગુણસંપન્ન, માતાપિતાને હિતકારી હોય, તે કનિષ્ઠ હોવા છતાં સર્વ કલ્યાણને પ્રાપ્ત કરી શકે. એટલે તમારો પુત્ર પૂરુ આ રાજ્ય પામવા યોગ્ય છે, આ વિશે શુક્રાચાર્યે પણ વરદાન આપ્યું છે, એટલે પછી કશો વિરોધ ન કરાય.’

નગરવાસીઓ અને જનપદવાસીઓએ સંતુષ્ટ થઈને આમ કહ્યું એટલે નહુષપુત્રે પોતાના પુત્ર પૂરુનો રાજ્યાભિષેક કર્યો, રાજા યયાતિના પુત્રોમાં યદુને યાદવવંશ પ્રાપ્ત થયો, તુર્વશુમાંથી યવનો, દ્રુહ્યુમાંથી ભોજ અને અનુમાંથી મલેચ્છોએ જન્મ લીધો.

{(આદિ પર્વ, ૭૩થી ૮૦)