ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/સુદર્શન અને ઓઘવતીની કથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સુદર્શન અને ઓઘવતીની કથા

મનુના વંશજોમાં દુર્જય નામનો વિખ્યાત રાજા થઈ ગયો. દુર્જયને દુર્યોધન નામનો એક પુત્ર થયો અને તેની કાયા ઇન્દ્ર જેવી હતી, તેનું તેજ અગ્નિ જેવું હતું. ઇન્દ્ર જેવા પરાક્રમી, યુદ્ધમાં પીછેહઠ ન કરનારા રાજાના રાજ્યમાં લોકો શ્રી અને પરાક્રમમાં એકસરખા હતા. અનેક પ્રકારનાં ધાન્ય, પશુ, ધન, રત્નોથી તેનાં રાજ્ય અને નગર છલોછલ હતાં. તેના રાજ્યમાં કોઈ કૃપણ નહીં, કોઈ દરિદ્ર નહીં, કોઈ મનુષ્ય રોગી નહીં, કોઈ દુર્બળ નહીં, તે રાજા ઉદાર, મધુરભાષી, અસૂયાહીન, જિતેન્દ્રિય, ધર્માત્મા, દયાવાન, પરાક્રમી હતો. તે વિધિપૂર્વક યજ્ઞ કરનાર, વાગ્વીર, મેધાવી, બ્રહ્મનિષ્ઠ, સત્યવચની, કોઈનું અપમાન ન કરનાર, દાનવીર, વેદવેદાંત જાણનારો હતો. આ પુરુષશ્રેષ્ઠની કામના શીતળ જળવાળી, કલ્યાણકારી, પુણ્યશાળી દેવનદી નર્મદાએ કરી અને તેની પત્ની બની. આ રાજાને નર્મદા દ્વારા સુદર્શના નામે રાજીવલોચના (કમલનયની) કન્યા જન્મી, તે માત્ર નામથી જ નહીં, રૂપથી પણ સુદર્શના હતી. દુર્યોધનની આ કન્યા અતિ સુંદર હતી, સ્ત્રીઓમાં આટલી સુંદર કન્યા કદી જન્મી ન હતી. સાક્ષાત્ અગ્નિ બ્રાહ્મણનું રૂપ લઈને રાજકન્યા સુદર્શનાને વરવાની ઇચ્છાથી રાજા પાસે ગયા હતા. ‘આ બ્રાહ્મણ અસવર્ણ અને દરિદ્ર છે એમ વિચારીને રાજાએ તે વિપ્રને સુદર્શના આપવાની ના પાડી. ત્યાર પછી એ રાજાએ આરંભેલા યજ્ઞમાંથી હવ્યવાહન અગ્નિ જતા રહ્યા, રાજા દુર્યોધને તે સમયે ઋત્વિજોને કહ્યું, ’હે દ્વિજશ્રેષ્ઠો, મારાથી કે તમારાથી કયું દુષ્કૃત્ય થયું છે જેથી કુપુરુષના ઉપકારની જેમ અગ્નિ જતા રહ્યા છે. આ આપણો નાનો અપરાધ નથી, કારણ કે અગ્નિ અદૃશ્ય થઈ ગયા છે, આ મારું કે તમારું પાપ છે, એના પર વિચારો.’

તે સમયે બધા બ્રાહ્મણો રાજાનું વચન સાંભળીને નિયમનિષ્ઠ અને વાક્સંયમથી અગ્નિદેવને શરણે ગયા. શરદ્ ઋતુના સૂર્ય જેવા તેજસ્વી અગ્નિદેવે બ્રાહ્મણોને દર્શન આપ્યાં. ત્યાર પછી મહાત્મા અગ્નિએ તે શ્રેષ્ઠ બ્રાહ્મણોને કહ્યું, ‘હું દુર્યોધનની કન્યાને વરવા માગું છું.’

આ સાંભળીને બ્રાહ્મણો વિસ્મય પામ્યા અને અગ્નિએ કહેલી વાત સવારે રાજા પાસે જઈને તેમણે કરી. બુદ્ધિમાન રાજાએ બ્રાહ્મણોના મોઢે આ વાત સાંભળીને પરમ હર્ષ પામી કહ્યું, ‘ભલે, એમ જ થશે.’ રાજાએ ભગવાન અગ્નિ પાસે જઈને શુલ્ક રૂપે વરદાન માગ્યું કે ‘હે ચિત્રભાનુ (અગ્નિ) આ સ્થળે તમે સદા નિવાસ કરો.’ ભગવાન અગ્નિદેવે રાજાનું વચન સાંભળીને કહ્યું, ‘ભલે, એમ જ થશે.’

ત્યારથી માહિષ્મતી નગરીમાં અગ્નિદેવ સદા વિદ્યમાન છે, સહદેવ જ્યારે દક્ષિણ દેશમાં વિજય માટે ગયા હતા ત્યારે તેમણે અગ્નિદેવને જોયા હતા. પછી રાજા દુર્યોધને વસ્ત્રાભૂષણ સહિત તે કન્યા મહાત્મા પાવક (અગ્નિ)ને અર્પી. અગ્નિએ પણ યજ્ઞમાં જેવી રીતે વસુધારા ઝીલાય તેવી રીતે રાજકન્યા સુદર્શનાને વેદોક્ત વિધિથી ગ્રહણ કરી. તે કન્યાનાં રૂપ, શીલ, કુળ, શરીર સંપત્તિ, શ્રી જોઈને અગ્નિદેવ પ્રસન્ન થયા અને તેને ગર્ભવતી બનાવી. તે રાજકન્યાએ સુદર્શન નામના પુત્રને જન્મ આપ્યો, તેણે બાલ્યાવસ્થામાં જ બધા જ સનાતન વેદનું અધ્યયન કર્યું હતું. તે સમયે નૃગ રાજાના પિતામહ ઓઘવાન્ નામના રાજા હતા, તેમને ઓઘવતી નામની કન્યા અને ઓઘરથ નામનો કુમાર સંતાનોમાં હતા. ઓઘવાને સ્વયં વિદ્વાન સુદર્શનને પોતાની દેવરૂપિણી કન્યા પત્ની રૂપે આપી. સુદર્શને તે ઓઘવતી સાથે ગૃહસ્થાશ્રમમાં રત રહીને કુરુક્ષેત્રમાં નિવાસ કર્યો હતો. મહાતેજસ્વી, ધીમાન સુદર્શને ગૃહસ્થધર્મનું પાલન કરતાં કરતાં મૃત્યુને જીતી લેવાની પ્રતિજ્ઞા કરી હતી. પાવકપુત્રે ઓઘવતીને કહ્યું,

‘તારે અતિથિઓના સંદર્ભે કોઈ પ્રતિકૂળ આચરણ નહીં કરવું. અતિથિ જેના જેનાથી સંતોષ પામે તે બધું તારે આપવું, જો એમ કરવા જતાં તારી જાત આપવી પડે તો પણ એમાં વિચાર ન કરવો. હે સુશ્રોણી, મારા હૃદયમાં સદા અતિથિસેવાનું વ્રત છે, ગૃહસ્થો માટે અતિથિસેવાથી વિશેષ કોઈ વ્રત નથી. હે શોભના, હે વામઉરુ, જો તું મારું આ વચન માને તો અવ્યગ્ર રહીને સાદ હૃદયમાં આ વચન ધારણ કરી રાખજે. હે કલ્યાણી, હે અનઘા(પાપરહિતા) હું ઘરમાં હોઉં કે બહાર, મારું વચન તને પ્રમાણ લાગતું હોય તો અતિથિની અવમાનના કદી ન કરતી.’

મર્યાદાશીલ ઓઘવતી હાથ જોડી મસ્તકે લગાવી તેને કહેવા લાગી, ‘તમારી આજ્ઞાનું પાલન ન કરું એવું કોઈ કાર્ય નથી.’

તે વખતે મૃત્યુ સુદર્શનને જીતવા માટે એનું છિદ્ર શોધવા તેની પાછળ પાછળ ભમ્યા કરતું હતું. જ્યારે અગ્નિપુત્ર સુદર્શન સમિધ લાવવા માટે બહાર ગયા ત્યારે યમ તેજસ્વી બ્રાહ્મણ વેશે અતિથિ થઈને આવી ઓઘવતીને કહેવા લાગ્યા, ‘હે વરવણિર્ની, જો તને ગૃહસ્થાશ્રમ ધર્મ યોગ્ય લાગ્યો હોય તો હું તારા દ્વારા અતિથિસત્કાર પામવા માગું છું.’

યશસ્વિની રાજપુત્રીએ તે વિપ્રનું આવું વચન સાંભળીને વેદોક્ત વિધિ પ્રમાણે તેનો અતિથિસત્કાર કર્યો, તે બ્રાહ્મણને આસન અને પાદ્ય આપીને ઓઘવતી બોલી, ‘હે વિપ્રવર, તમારું શું પ્રયોજન છે? હું તમને શું આપું?’

ત્યારે તે બ્રાહ્મણ રાજપુત્રી સુદર્શનાને કહેવા લાગ્યો, ‘હે કલ્યાણી, હું તને ઇચ્છું છું. તું નિ:શંક થઈને એવું આચરણ કર. હે રાજકન્યા, જો તને ગૃહસ્થાશ્રમ પ્રમાણ હોય તો તું જાત સમર્પી મારું પ્રિય કર.’

રાજપુત્રીએ બીજી બીજી વસ્તુઓ આપવાની વાત કરી, તો પણ તેણે શરીર સિવાય બીજી કોઈ માગણી ન કરી. ત્યારે પતિની વાત યાદ કરીને તે રાજકન્યાએ લજ્જા પામીને કહ્યું, ‘ભલે.’ ત્યાર પછી તે કન્યા ગૃહસ્થાશ્રમ ધર્મનું પાલન કરવાની ઇચ્છાવાળા પતિનું વચન યાદ કરીને તે વિપ્રર્ષિની સાથે ઘરમાં પ્રવેશ કર્યો. તે દરમિયાન સુદર્શન સમિધ લઈને ઘેર આવ્યા. રૌદ્ર ભાવવાળું મૃત્યુ કોઈ સુહૃદની જેમ પાછળ પાછળ આવતું હતું.

અગ્નિપુત્ર આશ્રમમાં આવીને ઓઘવતીને, ‘તું ક્યાં છે?’ એમ કહી વારે વારે બોલાવવા લાગ્યા. તે બ્રાહ્મણે બંને હાથે સુદર્શનાનો સ્પર્શ કર્યો હોવાથી તે સાધ્વી પતિવ્રતા પતિને કોઈ ઉત્તર આપી ન શકી. હું ઉચ્છિષ્ટ થઈ ગઈ એમ માનીને પતિથી લાજ પામીને તે સાધ્વી મૂગી થઈ ગઈ, કશું બોલી નહીં. ત્યાર પછી સુદર્શને ફરી તેને બોલાવી, ‘અરે સાધ્વી, તું ક્યા છે? તે ક્યાં ચાલી ગઈ? મારી સેવા કરતાં ચઢિયાતું કયું કામ છે? પતિવ્રતા, સત્યવ્રતી, સદા સરળ પ્રિયતમા આજે પહેલાંની જેમ બોલતી કેમ નથી?’

એ સાંભળી કુટીરમાંથી બ્રાહ્મણે સુદર્શનને ઉત્તર આપ્યો, ‘હે અગ્નિપુત્ર, હું બ્રાહ્મણ છું, અતિથિ રૂપે આવ્યો છું. તારી ભાર્યાએ દૃઢ મન કરીને અનેક પ્રકારના અતિથિસત્કાર વડે મારી ઇચ્છા પૂર્ણ કરવાનું વચન આપ્યું છે. આ વિધિથી આ શુભાનના મારું સમ્માન કરે છે, આ વિશે તારે જે કહેવું હોય તે તું કહી શકે છે.’

અતિથિવ્રતનો ત્યાગ કરવાથી તે પોતાની પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થશે અને હું તેનો વધ કરીશ. એમ વિચારતું મૃત્યુ લોહદંડ હાથમાં લઈને ઊભું રહી ગયું. સુદર્શન આ સાંભળીને મન, વચન, કર્મ, નેત્રમાંથી ઈર્ષ્યા અને ક્રોધ ત્યજીને હસતાં હસતાં કહેવા લાગ્યા. ‘હે વિપ્રવર, તમારા સુરતથી મને પરમ પ્રસન્નતા થશે. કારણ કે ઘેર આવેલા અતિથિનો સત્કાર કરશે ગૃહસ્થનો ધર્મ છે. જે ગૃહસ્થના ઘરમાં અતિથિ પુજાય છે તેનાથી મોટો કોઈ ધર્મ નથી એવું વિદ્વાનો કહે છે. મારા પ્રાણ, મારી પત્ની, અને બીજું ધન — આ બધું અતિથિઓને આપીશ, આ મારું વ્રત છે. હે વિપ્ર, મારું આ વાક્ય અસંદિગ્ધ છે, આ સત્ય સિદ્ધ કરવા હું મારા સોગંદ ખાઉં છું. પૃથ્વી, વાયુ, આકાશ, જળ, અને અગ્નિ આ પાંચ તથા બુદ્ધિ, આત્મા, મન, કાળ અને દિશા — બધા મળીને આ દસ ગુણ દેહધારીઓના શરીરમાં સ્થિત રહીને સુકૃત — દુષ્કૃત કર્મોને જુએ છે. આજે મેં જે કહ્યું છે તે મિથ્યા નથી, એ સત્યની સહાયથી દેવતાઓ મારું પાલન કરે અને જો એ અસત્ય હોય તો મને બાળીને ભસ્મ કરી નાખે.’

ત્યાર પછી ‘આ સત્ય છે, એમાં કશું અસત્ય નથી.’ એનો શબ્દ ચારે બાજુથી સંભળાવા લાગ્યો.

ત્યાર પછી તે બ્રાહ્મણ કુટીરની બહાર નીકળ્યો, તે વાયુની જેમ પોતાના શરીરને પૃથ્વી અને આકાશને પરિપૂર્ણ કરીને ઊભો રહ્યો. ત્યાર પછી શિક્ષાનુસાર ત્રણે લોકને અનુનાદિત કરતા તે ધર્મજ્ઞનું નામ લઈને તેમણે કહ્યું,

‘હે અનઘ, તારું કલ્યાણ થાવ. હું ધર્મ છું. હું જિજ્ઞાસાથી અહીં આવ્યો હતો. તારામાં સત્ય છે એ જાણીને તારા પર મારી પ્રીતિ થઈ છે. છિદ્રાન્વેષી મૃત્યુ તારો પીછો કરતું હતું, તેને તેં જીતી લીધું છે. અને તેં ધૈર્ય વડે તેને વશ કરી લીધું છે. તારી આ પતિવ્રતા સાધ્વી સ્ત્રીને સ્પર્શ તો શું એની સામે જોવાની શક્તિ પણ ત્રિલોકમાં કોઈની નથી. તે તારા અને એના પોતાના પતિવ્રતા ગુણોથી રક્ષાઈ છે; તે સાધ્વી જે કહેશે તે સત્ય જ હશે, તે મિથ્યા નહીં થાય. આ બ્રહ્મવાદિની પોતાની તપસ્યાથી જગતને પાવન કરવા માટેની શ્રેષ્ઠ નદી થશે. આ મહાભાગ અડધા શરીરથી ઓઘવતી નામની નદી થશે અને અડધા શરીરથી તારી સેવા કરશે, યોગ નિત્ય તેના વશમાં રહેશે. તેં તપોબળથી જે લોક પ્રાપ્ત કર્યા છે તે લોકમાં, ત્યાં જવાથી આ લોકમાં આવવું નહીં પડે. તું આ જ દેહ વડે તે સનાતન શાશ્વત લોકમાં જઈશ. મૃત્યુ તારાથી પરાજિત થયું છે. તેં ઉત્તમ ઐશ્વર્ય પ્રાપ્ત કર્યું છે. તેં તારા આત્મબળથી મનોભવ થઈને પંચમહાભૂતોને અતિક્રમ્યા છે. તેં આ ગૃહસ્થ ધર્મની સહાયથી કામ અને ક્રોધને જીત્યા છે. આ રાજકન્યાએ તારી સેવાના આશ્રયે સ્નેહ, રાગ, આળસ, મોહ, દ્રોહને સારી રીતે જીત્યા છે. ત્યાર પછી ભગવાન વ્યવસાય શ્વેત રંગના હજાર અશ્વોવાળા ઉત્તમ રથને લઈને તેમની સમીપ ઉપસ્થિત થયા. તે સુદર્શને અતિથિ વિષયમાં મૃત્યુ, આત્મા, સર્વલોક, પંચભૂત, બુદ્ધિ, કાલ, મન, વ્યોમ, કામ, ક્રોધને પણ જીત્યા હતા. આમ ગૃહસ્થાશ્રમી પુરુષ માટે અતિથિ જેવો બીજો કોઈ દેવ નથી, મનમાં આ વાત દૃઢ કરી લો. અતિથિપૂજાથી મનોમન જે શુભચિંતન કરે છે તેની તુલના સો યજ્ઞફળ સાથે પણ ન થઈ શકે. એટલે જ પંડિતો કહે છે કે અતિથિસત્કારનું ફળ તેનાથી પણ વધારે છે. શીલવાન સત્પાત્ર અતિથિની જો પૂજા નથી થતી તો તે અપૂજિત અતિથિ પુણ્યફળ આપીને જતો રહે છે.’ (અનુશાસન પર્વ, ૨)