ભારતીયકથાવિશ્વ-૩/વસુદેવહિંડીની કથાઓ/કુબેરદત્તાનું કથાનક
મથુરા નગરીમાં કુબેરસેના નામની ગણિકા હતી. પહેલા ગર્ભના દોહદથી ખેદ પામેલી એવી તેને તેની માતાએ વૈદ્યને બતાવી. વૈદ્યે કહ્યું, ‘એના ગર્ભમાં જોડલું છે, માટે જ દર્દ થાય છે. બાકી કોઈ વ્યાધિ નથી.’ આ પ્રમાણે ખરી હકીકત જાણીને તેની માતાએ કુબેરસેનાને કહ્યું, ‘પુત્રિ, પ્રસવકાળે પીડા ન થાય એટલા માટે આ ગર્ભને ગાળી નાખવાનો ઉપાય હું જાણું છું. એથી તું વ્યાધિરહિત થઈશ, અને વિષયભોગમાં પણ વિઘ્ન નહીં આવે. ગણિકાઓને વળી પુત્રપુત્રીનું શું કામ છે?’ પરંતુ તેણે માન્યું નહીં અને કહ્યું, ‘જન્મશે ત્યારે હું બાળકનો ત્યાગ કરીશ.’ તેમ સંમત થવાથી પ્રસવસમયે તેણે પુત્ર અને પુત્રીને જન્મ આપ્યો. માતાએ કહ્યું ‘હવે આમનો ત્યાગ કર.’ એટલે તેણે કહ્યું, ‘દશ રાત્રિ પછી કરીશ.’ પછી તેણે ‘કુબેરદત્ત’ અને ‘કુબેરદત્તા’ એ નામથી અંકિત બે વીંટીઓ કરાવી.
દશ રાત્રિઓ પૂરી થતાં સુવર્ણ અને રત્નોથી ભરેલી બે નાની નાવડીઓમાં બાળકોને મૂકીને એ નાવડીઓને તેણે યમુના નદીમાં તરતી મૂકી દીધી. આ પ્રમાણે તરતાં એ બે બાળકોને દૈવયોગે સવારમાં શૌરિપુર નગરમાં બે ઇભ્યપુત્રોએ જોયાં. નાવડીઓ થોભાવી એકે છોકરો લીધો, બીજાએ છોકરી લીધી. ‘આ તો ધનયુક્ત છે’ એ રીતે તુષ્ટ થયેલા તે બન્ને બાળકોને પોતપોતાને ઘેર લઈ ગયા. બાળક અનુક્રમે ઊછરતો યુવાવસ્થાને પામ્યો. ‘આ યોગ્ય સંબંધ છે’ એમ માનીને કુબેરદત્તા કુબેરદત્તને આપવામાં આવી. લગ્નના દિવસો વીતી ગયા બાદ વધૂની સખીઓએ વરની સાથે દ્યૂત રમવાનું ઠરાવ્યું. કુબેરદત્તના હાથમાંથી નામની મુદ્રા લઈને કુબેરદત્તાની આંગળીએ પહેરાવી. મુદ્રાને જોઈને કુબેરદત્તાને વિચાર થયો. ‘આ મુદ્રાઓમાં નામનું તેજ તેમ જ મુદ્રાના આકારનું સામ્ય શાથી હશે? કુબેરદત્તમાં મને ભર્તારબુદ્ધિ થતી નથી તેમ જ અમારો કોઈ પૂર્વજ આ નામધારી હોય એમ પણ સાંભળવામાં આવતું નથી. નક્કી આ બાબતમાં કંઈક રહસ્ય હશે.’ એમ વિચારીને બન્ને મુદ્રાઓ તેણે વરની આંગળીએ પહેરાવી. એ જોઈને તેને પણ આવો જ વિચાર થયો. તે વધૂને મુદ્રા પાછી આપીને માતાની પાસે ગયો, અને સોગન આપીને સાચી વાત પૂછી. તેણે જેમ સાંભળ્યું હતું તેમ કહ્યું. કુબેરદત્તે કહ્યું, ‘માતા, તમે જાણવા છતાં આ અયોગ્ય કર્યું.’ ત્યારે માતાએ જવાબ આપ્યો, ‘પુત્ર! અમે મોહવશ આ કામ કર્યું છે. જે થયું તે થયું. પણ પુત્ર! વધૂ માત્ર પાણિગ્રહણ પૂરતી જ દૂષિત થઈ છે. એમાં કંઈ પાપ થયું નથી. પુત્રીને હવે પાછી હું તેને ઘેર મોકલું છું. તું પ્રવાસે જા. ત્યાંથી પાછો આવીશ ત્યારે તારો વિશિષ્ટ સંબંધ કરીશું.’ આમ કહીને કુબેરદત્તાને સ્વગૃહે મોકલી. તેણે પણ માતાને એ પ્રમાણે પૂછતાં જ તેની માતાએ પણ બધી હકીકત કહી. આથી નિર્વેદ પામેલી કુબેરદત્તાએ શ્રમણી તરીકે દીક્ષા લીધી અને પ્રવતિર્નીની સાથે વિહાર કરવા લાગી. પ્રવતિર્નીના વચનથી પેલી મુદ્રા તેણે સાચવી રાખી. વિશુદ્ધ ચારિત્ર્યવાળી તે કુબેરદત્તાને અવધિજ્ઞાન થયું. કુબેરસેનાના ઘેર વસતા કુબેરદત્તને તેણે જોયો. ‘અહો! અજ્ઞાનનો કેવો દોષ છે!’ એમ વિચારીને તે બન્નેના પ્રતિબોધને માટે આર્યાઓની સાથે વિહાર કરતી મથુરા ગઈ, અને ત્યાં કુબેરસેનાના ઘરમાં વસતિ માગીને રહી. કુબેરસેનાએ વંદન કરીને કહ્યું, ‘આર્યા, હું ગણિકા હોવા છતાં કુલવધૂના જેવી ચેષ્ટાવાળી છું, માટે નિ:શંકપણે રહો.’ ગણિકાને કુબેરદત્તથી થયેલો એક નાનો બાળક હતો. તેને તે વારંવાર સાધ્વી સમક્ષ લાવતી હતી. એ વખતે પ્રસંગ જાણીને તેઓના પ્રતિબોધ અર્થે બાળકને કુબેરદત્તા આ પ્રમાણે ઝુલાવવા લાગી: ‘હે બાળક, તું મારો ભાઈ છે, દિયર છે, પુત્ર છે, મારી શોક્યનો પુત્ર છે, ભત્રીજો છે; તું જેનો પુત્ર છે તે પણ મારો ભાઈ, પતિ, પિતા અને પુત્ર છે; તું જેના ગર્ભથી ઉત્પન્ન થયો છે તે પણ મારી માતા, સાસુ, બહેન અને ભોજાઈ છે.’
તેનું આવું હાલરડું સાંભળીને કુબેરદત્ત વંદન કરીને પૂછવા લાગ્યો કે ‘હે આર્યા, આવી પરસ્પરવિરોધી અને અસંબદ્ધ વાણી કેમ અને કોને માટે? કે પછી બાળકને રમાડવા માટે આવું અયોગ્ય બોલો છો?’ એમ પુછાતાં આર્યાએ કહ્યું, ‘શ્રાવક, આ સાચું જ છે.’ પછી પોતે જે અવધિજ્ઞાનથી જોયું હતું તે એ બન્ને જણાંને પ્રમાણપૂર્વક કહ્યું, અને મુદ્રા પણ બતાવી. આ સાંભળીને જેને અત્યંત તીવ્ર વૈરાગ્ય ઉત્પન્ન થયો છે એવો કુબેરદત્ત ‘અહો, અજ્ઞાને નહીં કરવાનું કરાવ્યું.’ એ પ્રમાણે (શોક કરતો) બાળકને વૈભવ આપીને, આર્યાને નમસ્કાર કરીને ‘તમે મને પ્રતિબોધ પમાડ્યો, હવે મારું હિત આચરીશ.’ એ પ્રમાણે કહી ત્યાંથી ત્વરાથી ચાલી નીકળ્યો, અને સાધુની પાસે જઈ સાધુવેશ અને આચારને ધારણ કર્યા. કુબેરસેના પણ ગૃહવાસને યોગ્ય એવા નિયમો ધારણ કરીને અહંસાિપૂર્વક રહેવા લાગી, આર્યા પ્રવતિર્ની પાસે ગઈ.