ભારતીયકથાવિશ્વ-૫/ઉર્દૂ લોકકથા/ભાનું ડોકું અને કૂવામાં પડેલો ચાંદો
મને, ઈભલાને, ફકીરાને અને સાદીકને રાતે બહાર રખડવાની ટેવ. ફકીરાને સાવ ખોટા સમયે ચા પીવાની આદત એટલે એની રાહ જોવી પડે. ફકીરા આવ્યો એટલે અમે ચારેય પાદર ભણી ફરવા નીકળ્યા. કૂવા પાસેથી જવાની કોઈ હંમિત ન કરે પણ ખબર નહીં એ રાતે અમે કૂવા ભણી નીકળી પડ્યા. મારું મન તો જાણે અંદરથી ધ્રૂજે ને સાદીકે એમાં પાછો એક નવી આફતનો ઉમેરો કર્યો. ‘લા ભાઈ, ગજબ થઈ ગયો.’ સાદીક સાવ જ અલગ અંદાજમાં બોલ્યો, ‘શું થયું ભાઈ એ તો કહે.’ અમે ત્રણેય એકસાથે બોલી ઊઠ્યા. ‘લા અલ્લાહના બંદાઓ, ચાંદો આપણા ગામના કૂવામાં પડી ગયો.’ થોડી વાર તો અમે બધા વિચારમાં પડી ગયા. પણ કૂવામાં જોયું તો ખરેખર ચાંદો પડ્યો હતો. પાંચ ગામ વચ્ચે એક સહિયારો કૂવો ને પાછો એમાં ચાંદો પડ્યો એનો વાંધો નહીં પણ આજુબાજુના ગામવાળા શું વિચારશે કે, આ લોકોએ ચાંદો ગાયબ કરી નાખ્યો! ફકીરાએ અને પેલા બે જણે પણ મારા ભણી જોયું. આમ તો અમે ચારેય જણ એકબીજાને જોતા હતા. હવે, શું કરવાનું? એક કલાક થઈ ગયો તોય કંઈ રસ્તો જડ્યો નહીં. હજી બેચાર કલાક થઈ જશે તો સવાર પડી જશે ને ગામની નામોશી બેસશે એ અલગ.
બધા જ એટલી ચંતાિમાં હતા કે કોઈ ઘરનું માણસ ઇલેક્શન ન હારી ગયું હોય! ‘દોસ્તો, આ વાતની જાણ આપણા ભાને કરીએ તો કેવું રહેશે?’ ઈભલો અચાનક જ બોલી પડ્યો. ને મારા મનથી દુઆ નીકળી ગઈ, ઈભલા, અલ્લાહ તારું ભલું કરે. અમે ચારે જણે ઈભલાની વાત સાંભળી ડોકું હલાવ્યું ને ભાના ઘર ભણી દોટ મૂકી.
ત્યાં પહોંચીને એ ત્રણેયમાંથી કોઈએ દરવાજો ખખડાવ્યો નહીં. બધા એકબીજાનાં મોંઢાં જોતા હતા. લે, આ કંઈ વાત થઈ! છેવટે મારે હંમિત કરવી પડી. ‘લા આટલી મોડી રાતે કોણ છે?’
‘આપા, એ તો અમે છીએ. ભાનું કામ હતું એટલે આવ્યા.’
તરત અંદરથી આપાએ કહ્યું, ‘પણ આટલી મોડી રાતે તમારે ભાનું શું કામ છે?’ લો બોલો, આપા તો અંદર બેઠી બેઠી પ્રશ્નો પૂછે, ‘શું થયું લા, આટલી મોડી રાતે અહીં શું કરો છો?’ બિચારા ભા કાચી ઊંઘમાંથી ઊઠીને આવ્યા.
‘અરે, ભા ગજબ થઈ ગયો! ચાંદો આપણા કૂવામાં પડી ગયો. આ તે કેવી મોટી ઉપાધિ કહેવાય! એને બહાર કાઢ્યો નહીં તો આપણા ગામનું નામ ખરાબ થશે ને આજુબાજુના ગામવાળા આપણને વઢશે, નામોશી જ બેસશે ને, ભા?’ એક કલાકથી ચૂપ બેઠેલો ફકીરા એકસામટું બોલી ગયો. ‘વાત તો સાચી છે તમારી. એટલે જ હું પણ વિચારતો હતો કે આટલું બધું અંધારું કેમ છે?’ ભાએ વાતમાં રસ દાખવ્યો ખરો. ‘ચાલો, જોઈએ તો ખરા શું થાય છે?’ ભા અને અમે ચાર કૂવા પાસે ગયા. ભાએ કૂવામાં ડોકિયું કર્યું અને બોલ્યા, ‘વાત તો સાચી છે તમારી. સાલુ, ગજબ તો થઈ જ ગયો છે?’ વિચારવામાં પાછો બીજા એક કલાક બગડ્યો. મને તો ચંતાિ થતી હતી કે સવાર ન પડી જાય. પણ ભાએ રસ્તો શોધ્યો ખરો. ‘તમે લોકો મારા પગ બાંધીને મને કૂવામાં ઊંધો લટકાવી દ્યો ને હું ચાંદો પકડી લઉં એટલે મને ઉપર ખેંચી લેજો.’
‘બીજા બે-ચાર જણને પણ બોલાવી લાવું?’ ઓચિંતું જ મારા મોંમાંથી નીકળી ગયું. ‘લા હવે, બીજા લોકોને બોલાવવાની ક્યાં વાત કરે છે! આ વાત આપણે પાંચ જ જણ જાણ્યે. આ આખો ચાંદો આપણે બહાર કાઢીએ તો સન્માન પણ આપણને જ મળવું જોઈએ ને. એક વાર આ ચાંદો બહાર નીકળી જાય એટલે કાલે પંચાયતમાં ફૂલહારથી તમારું સન્માન કરીશ.’ મને તો જાણે ઠપકો મળ્યો.
અમે લોકોએ ભાને કૂવામાં ઊંધો લટકાવી દીધા. બે-ચાર મિનિટ પછી ભાએ પગ હલાવ્યા. એટલે અમે સમજી ગયા કે, ભાએ ચાંદો પકડી લીધો. ને અમે ભાને બહાર ખેંચી લીધા. ભાને બહાર તો ખેંચી લીધા પણ પછી અમે ચાર જણ તો અવાચક જ થઈ ગયા. ભા બિચારા જમીન પર પડ્યા હતા ને એનું ડોકું જ નહોતું. બોલો ને ચાંદો તો હજીયે કૂવામાં જ હતો. અમે બધા એકબીજાને પૂછીએ કે ‘યાર, ભાનું ડોકું હતું કે ન હતું?’
‘આ ચાંદાનું જ મને તો એટલું ટેન્શન હતું કે એ જોવાનો સમય જ મળ્યો નહીં કે, ભાનું ડોકું હતું કે ન હતું?’ મેં તો કહી દીધું. સાદીકે પણ મારા જેવો જ જવાબ આપ્યો. પણ ઈભલો અને ફકીરા કહે છે, ‘અમે ભાનું ડોકું જોયું હતું.’ પછી વાત ખેંચાઈ આગળ. સવાર થવાની તૈયારી હતી. કૂવાનું પાણી હજીયે હલી રહ્યું હતું. ને ભા ત્યાં જ પડ્યા હતા, વગર ડોકે. એક બાજુ બરાબરની ઠંડી પડે ને એક બાજુ પાછું નવું ટેન્શન. ભાનું ડોકું હતું કે ન હતું? ને વળી હજીયે પેલો બિચારો ચાંદો તો કૂવામાં જ હતો, એય એકલો. ‘ભાઈ, આનું કંઈ નક્કી કરો કે ભાનું ડોકું હતું કે ન હતું?’ ‘હવે તું મૂંગો મર ને. તને બહુ ભાન છે ને તે નક્કી કરવા નીકળી પડ્યો.’ ઈભલો ને ફકીરા લડી પડ્યા, એમનું પાછું સમાધાન કરાવ્યું. ઈભલો આમ પણ એની જાતને હોશિયાર જ માને.
‘ચાલો ને, એક વાર આપાને જ પૂછી લઈએ કે, ભાનું ડોકું હતું કે ન હતું?’
‘વાત તો તારી ખોટી નથી.’ મેં હવામાં તીર છોડ્યું ને જઈ વાગ્યું નિશાના પર.
આ વખતે પણ દરવાજો મારે જ ખખડાવવો પડ્યો. ‘શું છે ’લ્યા? તમે લોકો કેમ પાછા આવ્યા? કંઈ ભાન છે કે નહીં આ રાત કેટલી થઈ!’ અમે ચારેય જણ ગભરાઈ ગયા. ‘કંઈ નહીં આપા. માત્ર એટલું જ પૂછવા આવ્યા છે કે, જ્યારે ભા ઘરેથી અમારી સાથે નીકળ્યા ત્યારે એમનું ડોકું હતું કે ન હતું?’ ઈભલો હંમિત કરીને બોલ્યો ખરો.
‘અરે, તમે બધા મૂર્ખ છો. ભાનું ડોકું(પાઘડી) તો આ પડ્યું પેટીમાં.’ યા અલ્લાહ, આપાનો જવાબ સાંભળીને અમારા બધાના જીવમાં જીવ આવ્યો. ને અમે બધા એક સાથે જ બોલી પડ્યા. ‘હા…આ…આ… આ…સ…સ…’
નઈમ એમ. કાઝી
ગુજરાતી રૂપાંતર મનોજ સોલંકી