ભારતીયકથાવિશ્વ-૫/સીદી-કચ્છી લોકકથા/જારી-વિજારી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


જારી-વિજારી

એક ગામ હતું, આ ગામમાં એક રાજા હતો. રાજા પરણેલો હતો પરંતુ સ્ત્રીઓ રહેતી ન હતી, રાણીઓ રહેતી ન હતી. એક દિવસ એ ગામના એક મહોલ્લાવાળીઓ (સ્ત્રીઓ) જાજરુ જવા માટે ગઈ. આમાં એક બ્રાહ્મણની દીકરી હતી. એ બધી (બાઈઓ) જાજરુ જવા બેઠી. બેઠાંબેઠાં વાતો કરે છે કે ‘રાજા તે કેવો છે? તેને એકે રાણી જ પસંદ નથી!’

હવે રાજા વાડની આડે ઊભો ઊભો વાતો સાંભળે છે. ત્યારે બે બાઈઓ કહે છે કે ‘રાજાને કોઈ રાણી જ પસંદ નથી પડતી.’ ત્યારે બ્રાહ્મણની દીકરી કહે છે કે ‘બાઈ, એઓમાં, રાંડોમાં, જારી-વિજારી નહીં હોય. જો તેઓમાં જારી-વિજારી હોય તો તે રાજા તેઓને કાઢી શું શકે? (એમનાં) પગ ન ચાટે પગ? પરંતુ જે જાણે જારી તે ન જાણે વિજારી.’ ત્યારે રાજા વિચાર કરે છે કે ‘તે કોણ બોલી?’

જાજરુ જઈને (બધી) પોત-પોતાને ઘેર ગઈ, ફળિયે ગઈ. (ત્યાં) તો રાજા (તેમની) પાછળ આવ્યો. આવીને જોયું કે, ‘આ ફળિયામાં આવી છે.’ એટલે ત્યાં જઈને તે કહે છે કે ‘બહેનો, બહાર આવો.’ એટલે ફળિયાવાળી (સ્ત્રીઓ)મંડી બહાર નીકળવા. રાજાને જોઈને (એ) સ્ત્રીઓ વિચાર કરે કે ‘આ શું? રાજા અહીં આવ્યો!’ આવી, સલામ કરી અને મંડી, ‘અન્નદાતા, અન્નદાતા’ કરવા. ત્યારે રાજા પૂછે છે કે ‘તમે અમુક જગા પર જાજરુ જવા માટે ગઈ હતી. તેમાં જારી-વિજારીની વાત કોણે કરી હતી?’ એટલે બાઈઓ માંડી ધૂ્રજવા.

બાઈઓ કહે, ‘અન્નદાતા, તે અહીં છે, અન્નદાતા, તે અહીં છે.’ રાજા કહે, ‘અહીં કોણ?’ બાઈઓ કહે, ‘બ્રાહ્મણની દીકરી.’ રાજા કહે ‘ક્યાં છે? બહાર કાઢો.’ એટલે (એ) છોકરીને બહાર કાઢી. રાજા તેને પૂછે છે ‘જારી-વિજારીની વાત તું કરતી હતી?’ તો એ કહે, ‘હા અન્નદાતા, હું (કરતી હતી). શું છે?’ રાજા તો આટલું પૂછી કરીને ચાલી નીકળ્યો. આવ્યો દરબાર-ગઢમાં. આવીને પોલીસને કહે, ‘જાઓ, અમુક બ્રાહ્મણ છે તેને તેડી આવો.’ પોલીસો ગયા. (જઈને) બ્રાહ્મણને કહે, ‘એય બ્રાહ્મણ, ચાલો, રાજાસાહેબ બોલાવે છે.’ એટલે બ્રાહ્મણ વિચાર કરે કે ‘મને રાજાએ શા માટે બોલાવ્યો હશે?’ બ્રાહ્મણ ધોતિયું સરખું કરે ત્યાં પાઘડી પડી જાય અને પાઘડી સરખી કરે ત્યાં ધોતિયું સરી પડે. બ્રાહ્મણ તો મંડ્યો ધૂ્રજવા. ત્યારે તેની દીકરી કહે છે કે ‘ઓ બાપુ, આમાં ગભરાઓ છો શું? રાજાસાહેબ મારી નહીં નાંખે. તમે જાઓ. નિરાંતે જાઓ. બ્રાહ્મણે તો પાઘડી બાંધી લીધી, અને ભેઠબેઠ બરાબર વાળીને ગયો. જઈને સલામ કરીને રાજા પાસે ઊભો રહ્યો. ઊભો રહ્યો એટલે રાજા કહે, ‘એ બ્રાહ્મણ બેસ.’ બ્રાહ્મણ બેઠો.

રાજા કહે, ‘બ્રાહ્મણ, મેં તને શા માટે બોલાવ્યો છે તે જાણે છે?’

તો બ્રાહ્મણ કહે છે, ‘ના જી હજૂર, શાથી બોલાવ્યો છે ?’

એટલે રાજા કહે ‘તારી દીકરી મને (લગ્નમાં) આપવી પડશે.’

ત્યારે બ્રાહ્મણ કહે છે ‘અરે હજૂર, અમે તો તમારા બાવા છીએ, ભિક્ષુક છીએ. અને અમારી દીકરીઓ રાજમાં શોભે નહીં.’ તો રાજા કહે ‘ગમે તે થશે પણ તારી દીકરી આપવી પડશે. તું આપશે તોય લઈશ અને નહીં આપે તોય લઈશ.’

બ્રાહ્મણ તો ઘેર આવ્યો. ઘેર આવીને વિચારમાં બેઠો છે. ત્યારે દીકરી કહે છે, ‘બાપુ, શું છે?’ તો બ્રાહ્મણ કહે, ‘રાજા મને કહે છે ‘તારી દીકરી મારે જોઈએ છે.’ ત્યારે ‘બાપુ, એમાં શું? આપી દ્યો, લગ્ન કરી દ્યો.’ (એટલે) બ્રાહ્મણ કહે, ‘હેં! અરે બેટા!’ તો દીકરી કહે, ‘હા બાપુ.’

પછી ધામધૂમથી લગ્ન કરી દીધું. હવે અહીં લગ્ન ચાલુ અને બીજી બાજુ રાજાએ એકલથંભો મહેલ ઊભો કર્યો. રાજાએ તો ચોરીના આંટા ફરીને રાણીને એકલથંભા મહેલ પર ચડાવી દીધી. માથે ચડાવીને (તેને) બે દાસીઓ આપી. બે દાસીઓને (પણ) ઉપર ચડાવી દીધી. ખાવાપીવાનું બધુંય દોરીથી સીંચીને ડોલમાં. ડોલ નીચે ઉતારે, જે કંઈ જોઈએ તે દોરીથી સીંચે. બાકી નીચે ઉતારવાનો હુકમ નહીં.

બાઈ તો જુએ છે. જોઈને વિચાર કરે કે ‘મારા બાપુએ રાજા પાસેથી આટલો પૈસો લીધો છે તે શું કામ આવશે? હું તેની એકની એક દીકરી છું. બાકી આગળપાછળ કોઈ નથી.

બાઈ અહીં વિચારમાં બેઠી છે. અને ફળિયાવાળીઓ (સ્ત્રીઓ) પાણી (ભરવા માટે) નીકળી. બાઈએ કાંકરી લઈને ઘા કર્યો, એક (બાઈ)ના બેડા પર, ફળિયાવાળી જુએ તો ચિઠ્ઠી ફેંકી. ચિઠ્ઠી ફેંકીને કહે ‘આ ચિઠ્ઠી મારા બાપુને આપી દેજો.’ ફળિયાવાળી કહે, ‘સારું.’ પાણીવાળીઓ પાણી ભરીને ચાલી ગઈ. પછી ઘેર જઈને બ્રાહ્મણને ચિઠ્ઠી આપી દીધી. કહે ‘આ તારી દીકરીએ આપી છે.’ બ્રાહ્મણે ચિઠ્ઠી વાંચી, દીકરી લખે છે, ‘બાપુ, હું તમારી એકની એક દીકરી, તમારી પાસે આટલો પૈસો છે તે કોને કામ આવશે? માટે કશોક રસ્તો કાઢો, તમારા ઘરમાંથી સુરંગ કાઢી, ભોંયરું કાઢી અને છેક મારા એકલથંભા મહેલ પર કાઢો.’

બ્રાહ્મણ કહે ‘ભલે દીકરી.’ અને રાતોરાત (તે) કામ કરાવતાં કરાવતાં ભોંયરું છેક એકલથંભા મહેલ સુધી પહોંચાડી દીધું.

પછી એક દિવસ રાજા કહે છે કે ‘આપણે શિકાર કરવા જવું છે. અને છ મહિને આપણે પાછા આવશું. તે સિવાય આવવું નથી.’ રાણીને, તે બ્રાહ્મણીને ખબર પડી કે રાજા શિકારે જાય છે. ત્યારે રાણી વિચાર કરે કે ‘આ તક છે.’ કાલે રાજા જવાનો છે એવી ખબર પડી એટલે પોતે ત્યાંથી (મહેલ પરથી) ઊતરી ચાલી, અને દાસીને કહે છે, ‘ઓ દાસી, ધ્યાન રાખ. જે રીતે ખાવાનું આવે છે અને તું સ્વીકારી લે છે તે જ પ્રમાણે ખાવાનું સ્વીકારી લેવાનું. તારાથી ખવાય એટલું ખાવું અને બીજાનો ખૂણામાં ઢગલો કરી દેવો. મારા ભાગનો (ખાવાનું છે તેનો) ઢગલો કરી રાખજે. હું છ મહિને પાછી આવીશ.’ દાસી કહે છે, ‘અરે બાઈ, તને કોઈ કહેવાવાળું નથી?’ રાણી કહે, ‘નથી. તું ખા, પી અને મજા કર.’ દાસી કહે, ‘ભલે, બીજું શું?’

રાણી તો ઊતરીને થઈ રવાના. આવી બાપુ પાસે. અહીંથી સાધ્વીનો વેશ લઈ, તંબૂરો હાથમાં રાખી અને થઈ રવાના. પછી જુએ કે રાજા હવે ગામની બહાર નીકળશે એટલે પોતે ગામની બહાર નીકળીને બેસી ગઈ. ત્યાં રાજા નીકળ્યો. રાજા જુએ તો સાધ્વી! ‘ઓ…હો …હો…હો…અરે! આપણે નસીબદાર છીએ, અહીં ગુરુમહારાજનાં દર્શન થયાં. આપણાં ભાગ્ય ખૂલી ગયાં.’ રાજા ત્યાં જઈને પગમાં પડ્યો. રાજાએ વીંટી કાઢીને આપી દીધી. પછી થયા ચાલતા. સાધ્વી પણ (તેમની) સાથે છે.

હવે આગળ રાજા, તેનો પતિ ચાલે અને પાછળ તે બાઈ આવે. મિત્ર, દોસ્ત, બધાંને લઈને રાજા તો સીમમાં પહોંચી ગયા. સીમમાં પહોંચ્યા ત્યારે સૂરજ આથમી ગયો. એટલે અહીં પડાવ નાખ્યો. બધા આરામ કરે છે અને પેલી બાઈ આજુબાજુમાં કોઈ ગામડું હતું ત્યાંથી માટીના ઘડા લેવા (માટે) ગઈ. છ કાચા અને એક પાકો એમ સાત ઘડા લઈને એક સ્થળે રાખી આવી.

હવે સાંજનો સમય થયો છે ત્યારે પોલીસ આવીને સાધ્વીને કહે, ‘બાઈ ચાલો, રાજાના તંબૂમાં ભજન ગાવાનાં છે.’ બ્રાહ્મણી જાય છે. સગવડ કરી એટલે ઊઠી, તંબૂરો લઈ અને મંડી ભજન ગાવા. ભજન ગાય છે તે રાજાને ભારે ગમી ગયાં. રાજા વિચાર કરે, ‘ઓ..હો…હો, હો, શાં ભજન ગાય છે આ તો!’ ભજન ગાઈને બ્રાહ્મણી ઊઠીને થઈ ચાલતી. ત્યારે રાજા પોલીસને કહે, ‘એ સાધ્વીને અહીં લઈ આવ.’ પોલીસ ત્યાં જઈને કહે, ‘ઓ ભગતાણી, અમારો રાજા (તને) બોલાવે છે.’ એટલે બ્રાહ્મણી કહે, ‘રાજા મને શા માટે બોલાવે?’ તો કહે, ‘કામ છે, તમે ચાલો.’ કહે, ‘ચાલો.’ બ્રાહ્મણી ચાલી. આવીને રાજા સામે ઊભી રહી છે. ત્યારે રાજા કહે, ‘ભગતાણી, આજ અહીં રોકાવું પડશે અને ભજન ગાવાં પડશે.’ તો બ્રાહ્મણી કહે, ‘હજૂર, આવા ટાણે હું અહીં ન રોકાઉં. કાલ આવી જઈશ.’ તો રાજા કહે, ‘ના ના, આજે રોકાઈને ભજન સંભળાવવાં પડશે.’ એટલે તે કહે ‘તો ભલે, તમારે ભજન સાંભળવાં છે ને? હું સંભળાવું પરંતુ તમે એક ઘડામાં પાણી ભરી અહીં લઈ આવો અને હું (તે)પાણી પીઉં. ત્યાર બાદ તમને ભજન સંભળાવું.’ આટલું કહીને પછી રાજાને ઘડો આપ્યો.

રાજા ઘડો લઈ તળાવે ગયો. જઈને ઘડો (તળાવમાં) ડુબાડ્યો. ડુબાડીને ઉપાડે (ત્યાં) તો કાંઠા (માત્ર) હાથમાં રહ્યા. બાકીનો ઘડો ફસકી પડ્યો. ઘડો કાચો હતો, ત્યારે રાજા પાછો આવ્યો. બ્રાહ્મણી કહે ‘કેમ?’ કહે, ‘ઘડો ફસકી પડ્યો.’ તો કહે, ‘બીજો લો.’ બીજો પણ ફસકી પડ્યો. આમ કરતાં કરતાં છ ઘડા તેને આપ્યા પરંતુ (તે) બધા જ ફસકી ગયા. પછી સાતમો પાકો ઘડો (હતો તે) આપ્યો. તે ભરીને રાજા ખભા પર મૂકીને લઈ આવ્યો. પાણી ભરેલો ઘડો બ્રાહ્મણીને આપ્યો. બ્રાહ્મણીએ પાણી પીધું અને પછી ભજન સંભળાવ્યાં. ભજનમાં આખી રાત કાઢી. સવાર પડ્યું એટલે બ્રાહ્મણીએ રજા માંગી. કહે, ‘મહારાજ, હું જઉં છું.’ રાજા કહે, ‘જવાય નહીં, અહીં જેટલા દિવસ અમે રહીએ એટલા દિવસ તારે (પણ) રહેવું જોઈએ.’ તો બ્રાહ્મણી કહે ‘ના રાજા, મારાથી રહેવાય નહીં. તમે પુરુષ અને હું સ્ત્રી. વળી અહીં એકાંત છે.’ રાજા કહે ‘ગમે તે થાય પરંતુ તારે રહેવું તો પડશે.’ તો તે કહે છે, ‘હું એક શરતે રહું, મને તાંબાપતરા પર લખી આપો. કેમ કે એકાંત ખરાબ વસ્તુ છે. મને કશુંક થઈ જાય. પેટમાં બચ્ચું રહે તો પછીથી એ બચ્ચું બાપ કોને કહે?’ રાજા કહે, ‘મને કહેશે.’ એટલે બ્રાહ્મણી કહે, ‘તો તાંબાપતરા પર લખી આપો.’ રાજાએ લખી આપ્યું એટલે બાઈ અહીં રહી. (આ) બાઈ તેની તો રાણી હતી.

બાઈ અહીં રહી અને છ-સાત મહિના થઈ ગયા. બાઈને ગર્ભ રહ્યો. પછી રાજાએ પોતાના દેશ (પાછા) જવાની વાત કરી. એટલે બાઈ કહે છે, ‘ઓ રાજા, ઊભો રહે. મારા પેટમાં બાળક છે તેનું શું?’ રાજા કહે ‘હું લખી આપું. દીકરી આવે કે દીકરો આવે, અમુક ગામ આવી જજે.’ બ્રાહ્મણી કહે ‘પણ મારે નિશાની જોઈએ. કહે, ‘શું? એટલે કહે, ‘કટાર અને રૂમાલ.’ કહે ‘લે.’ બંને વસ્તુ આપી.

કટાર અને રૂમાલ આપી દીધાં, અને રાજા ઊપડ્યા. બ્રાહ્મણી પણ પોતાના ઘેર પાછી ઊપડી. બાપને ઘેર આવી. બાપુ એને જોઈને કહે, ‘અરે દીકરી, આ શું કરી આવી?’ દીકરી કહે, ‘બાપુ, શાંત રહો. જે થવાનું હતું તે થઈ ગયું. તમને વાંધો નહીં આવે. કપડાં બદલાવીને ભોંયરામાંથી થઈ રવાના, (મહેલ) ઉપર જાય તો દાસી તેને જોઈને કહે, ‘એ બાઈ, આ શું!’ કહે ‘ચૂપ રહે. મને એટલું જણાવ કે અહીં શું ચાલે છે.’ દાસી કહે, ‘સંપૂર્ણ શાન્તિ છે.’ બાઈ કહે છે, ‘કોઈએ પૂછતાછ કરી નથી?’ કહે, ‘ના, અને આ તમારા ભાગના રોટલાઓનો ખૂણામાં ઢગલો કર્યો છે.’ કહે, ‘સારું, કશો વાંધો નહીં.’ દાસી પૂછે, ‘પણ બાઈ, આ શું?’ ત્યારે રાણી કહે, ‘તું ગભરા નહીં. હું ભોગવી લઈશ.’ એટલે દાસી કહે, ‘સારું.’

હવે રાણી દાસીને કહે, ‘ઓ દાસી, પોલીસને કહે કે (અહીં ) સીડી મૂકે.’ પોલીસે સીડી મૂકી. બાઈ (નીચે) ઊતરી. પાછળ દાસી (પણ) ઊતરી. રાણી દાસીને કહે, ‘જા, રાજાને કહે કે ‘ધામધૂમથી ખોળો ભરે, બાઈને પેટે સાતમો મહિનો (જાય) છે. દાસી કહે, ‘શું?’ એ તો મંડી ધૂ્રજવા. વિચાર કરે છે કે ‘જઈને રાજાને શું કહેવું? કહેતાંની સાથે તો રાજા મારી ડોકી ઉડાવી દેશે.’ દાસી તો ધ્રૂજતી ધૂ્રજતી જાય છે. એટલે રાણી કહે, ‘તું ધૂ્રજ નહીં, જા.’

દાસી ચાલી. અકડાઠઠ કચેરી ભરેલી છે. દાસી રાજાને સલામ કરી, અદબ કરી અને કહે, ‘રાજાસાહેબ, વધામણી! આપના ઘેર સારા દિવસો છે. ધામધૂમથી ખોળો ભરી અને ગામને ગોઠ માટેનું ખર્ચ આપો. આપને ઘેર અઘરણી છે.’ રાજા વિચાર કરે કે ‘પરણીને આવ્યો ત્યારથી તેનું (રાણીનું) મોં જોયું નથી અને અઘરણી છે? આ શું ! સારું, વાંધો નહીં.’ હવે આબરૂ તો એમને પણ જોઈએ છે.

ધામધૂમથી ખોળો ભરીને વાજતાં-ગાજતાં (ગામને) ધુમાડાબંધ (જમાડવાનું) ખર્ચ આપ્યું, બધાએ ખાઈ-પી લીધું. નવ માસ થયા. તો રાણીને પેટમાં દુખ્યું. રાણી કહે, ‘દાસી, સીડી મુકાવ અને દાયણને બોલાવી લાવ.’ દાસીએ પોલીસને કહીને સીડી મુકાવી અને દાયણને બોલાવી લાવી. રાણીની સુવાવડ કરી. સુવાવડ કરી ત્યારે સુયાણી દાસીને કહે, ‘રાજાને વધામણી આપી આવ. કુંવર આવ્યો છે.’ દાસી મંડી ધૂ્રજવા. એટલે રાણી સુયાણીને કહે છે, ‘તું દાસીની સાથે જા.’ બંને (નીચે) ઊતર્યાં. કચેરીમાં જઈને હાથ જોડીને ઊભાં રહ્યાં. કહે, ‘હજૂર, વધામણી! આપના ઘેર કુંવર જન્મ્યો.’ રાજાએ નવલખો હાર (પોતાના ગળામાંથી) ઉતારીને એક આપ્યો દાસીને અને બીજો આપ્યો સુયાણીને. બંને ગઈ, પણ દાસીના પેટમાં સાતપાંચ થાય કે ક્યારે આપત્તિ આવી પડે તેનું કંઈ કહી શકાય નહીં. આજકાલ આજકાલ કરતાં કરતાં સવા મહિનો થયો, સવા મહિનો થઈ ગયો. બાઈએ માથું ધોઈ નાંખ્યું.

હવે કચેરી હકડેઠઠ ભરેલી છે. રાજા પોલીસને કહે ‘જા, રાણી, દાસી અને કુંવર એ ત્રણેને અહીં બોલાવી લાવ.’ પોલીસ જાય છે. આવીને (પોલીસે) સીડી ઊભી કરી. પછી રાણીને કહે ‘ઓ બાઈ, તમે ત્રણે નીચે ઊતરો. તમે, શાહજાદો (કુંવર) અને દાસી એ ત્રણેય, તમને રાજા કચેરીમાં બોલાવે છે.’ રાણી કહે ‘ચાલો.’ એ બધાં (નીચે) ઊતર્યાં. હવે દાસી ધૂ્રજવા લાગી. ધૂ્રજતી ધૂ્રજતી રાણીને કહે, ‘હવે શું થશે?’ રાણી કહે, ‘તું ધૂ્રજતી નહીં, ગુનો મારો છે, તારો નથી. હું ભોગવી લઈશ. તું પાછળ ઊભી રહેજે.’

રાણી તો કાગળિયાં-બાગળિયાં, તાંબાપતરાંનો લેખ-બેખ, નિશાની, એ બધું લઈને ગઈ કચેરીમાં, ઘુમટો કાઢીને અહીં ઊભી રહી. કુંવર દાસીને આપીને કહે, ‘રાજાજીને આપી દે.’ દાસીએ કુંવર રાજાજીને આપ્યો. (કુંવરને) જોઈને રાજા વિચાર કરે કે ‘આ તો મારા જેવો છે! પણ મેં તો રાણીનું મોઢું પણ જોયું નથી તો આ છોકરો મારા જેવો ક્યાંથી?’ રાજાએ પ્રધાનને આપ્યો. જોઈને પ્રધાન કહે ‘હજૂર, બિલકુલ આપની જ સૂરત છે.’ પછી તો આખી કચેરી મંડી વખાણ કરવા.

ત્યારે રાજા કહે છે, ‘તમને (સહુને) બીજી કંઈ ખબર છે? જ્યારથી હું આ બ્રાહ્મણીને પરણ્યો છું ત્યારથી મેં તેનું મોઢું જોયું નથી, ચહેરો જોયો નથી તો પછી આ છોકરો મારા બુંદનો ક્યાંથી હોય?’ પછી બ્રાહ્મણીને કહે, ‘ઓ બ્રાહ્મણી, આનો જવાબ આપ.’ એટલે રાણી કહે, ‘રહેવા દો તો સારું. આ (વાત) આટલા સુધી જ રાખો તો બસ. બાંધી મુઠ્ઠી લાખની. રહેવા દ્યો. કોઈક જ સીધા હોય.’ તો રાજા કહે, ‘જે કંઈ હોય તે કહેવું જોઈએ.’ રાણી કહે, ‘સારું તો સાંભળો.’

પછી રાણી રાજાને પૂછે છે કે ‘તમે શિકાર કરવા માટે ગયા હતા ત્યારે કોનાં દર્શન થયાં હતાં?’ રાજા કહે, ‘સાધ્વીનાં.’ રાણી કહે, ‘તેને શું આપ્યું હતું?’ રાજા કહે, ‘વીંટી.’ ‘વીંટી આપી હતી?’ તો કહે, ‘હા.’ કહે, ‘સારું. પછી જંગલમાં આઠ મહિના રોકાયા હતા. ત્યાં તે સાધ્વીને સાથે લીધી હતી?’ રાજા કહે, ‘હા’. રાણી પૂછે છે કે સાધ્વીને માટે પાણી પીવા માટે છ કાચા અને એક પાકો એમ સાત ઘડા કોણ ભરી આવ્યું હતું? રાજા શું બોલે? બ્રાહ્મણી કહે, ‘એ હું હતી. જુઓ મારું મોઢું.’ આટલું કહીને મોં ઉઘાડું કર્યું. જોઈને રાજાએ (પોતાનો) કાન પકડ્યો. પછી રાણી કહે, ‘રાજાબાદશાહ, આ છે જારી-વિજારી. સ્ત્રી તમને શું પસંદ ન આવે? રાજાજી, તમે પગ ચાટ્યો પગ.’ બસ રાજાની બોબડી બંધ થઈ ગઈ!