ભારતીય કાવ્યસિદ્ધાંત/રસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
રસ

સામાન્ય રીતે આપણે એમ કહીએ છીએ કે કાવ્ય વાંચવાથી કે નાટક જોવાથી આપણને આનંદ આવે છે, કાવ્ય વાંચવામાં કે નાટક જોવામાં રસ પડે છે. આમ, કાવ્ય-નાટકની આપણા મન પર અસર થાય છે, તે સમજાવવા માટે આપણે ‘આનન્દ’, ‘રસ’ વગેરે સંજ્ઞાઓ યોજીએ છીએ. વળી આ સંદર્ભમાં ‘આનન્દ’, ‘રસ’ વગેરે સંજ્ઞાઓ આપણે વ્યવહાર કરતાં કંઈક જુદા અર્થમાં જાણ્યે-અજાણ્યે પણ પ્રયોજતા હોઈએ છીએ. કોઈ માણસ કિન્નાખોરીથી પ્રેરાઈ પતિને તેની પત્ની વિરુદ્ધ ભંભેરે અને પરિણામે પતિ પત્નીનું ખૂન કરે, તો એ બનાવ જોઈને વ્યવહારજીવનમાં ‘આનંદ આવ્યો’ કે ‘રસ પડ્યો’ એમ આપણે નહિ કહીએ; (-જો એ પતિપત્ની પ્રત્યે આપણને કંઈ વૈર ન હોય તો.) પણ શેકસ્પિયરનું ‘ઑથેલો’ નાટક વાંચીને કે જોઈને તો એમ કહીશું જ. ભારતીય કાવ્યશાસ્ત્રીઓએ કાવ્ય-નાટકની આપણા મન પર જે અસર થાય છે તે સમજાવવા માટે ‘આનંદ’ને બદલે ‘રસ’ શબ્દ પસંદ કર્યો છે. અલબત્ત, રસમાં આનંદનો અંતર્ભાવ છે જ; કારણ કે કાવ્યરસ હમેશાં આહ્લાદજનક જ છે. પણ ‘રસ’ શબ્દ પસંદ કરવાનું કારણ એ કે એથી એક જાતની આસ્વાદની પ્રક્રિયા સૂચવાય છે.૧[1] ભોજનના આનંદને પણ આપણે ‘રસ’ કહીએ છીએ તે આ કારણે જ. શેકસ્પિયરનું ‘ઓથેલો’ વાંચીને કાલિદાસનું ‘શાકુન્તલ’ વાંચીને આપણે ‘રસ પડ્યો’ એમ કહીએ છીએ, છતાં એ બધે ઠેકાણે આપણને એકસરખો જ અનુભવ કે આસ્વાદ થાય છે એમ આપણે નથી માનતા. આથી ભોજન અંગે જેમ રસના છ ભિન્ન પ્રકારો કલ્પવામાં આવ્યા છે, તેમ કાવ્યશાસ્ત્રીઓ પણ કાવ્યરસના કરુણ, શૃંગાર, વીર આદિ ભિન્ન સ્વરૂપો કલ્પે છે. પણ કાવ્યાસ્વાદનું સ્વરૂપ આવા વર્ગીકરણથી સ્પષ્ટ થઈ જાય એમ માની લેવું વધારે પડતું છે. કરુણ રસ તો આપણે કલ્પ્યો, પણ શેકસ્પિયરની કોઈ એક ટ્રેજેડી વાંચીને કે ભવભૂતિનું ‘ઉત્તરામચરિત’ વાંચીને આપણા મન કે સંવિતની જે આનંદમય અવસ્થા થાય છે તે ‘કરુણ રસ’ની સમાન સંજ્ઞાથી ઓળખાવી શકાય એટલી એકરૂપ છે ખરી? કાવ્યની કૃતિએ કૃતિએ આસ્વાદની કોઈ વિશિષ્ટતા – વિભિન્નતા રહેલી હોય છે. તો પછી કાવ્યાનુભવ વખતે આપણા મની જે આનંદમય અવસ્થા થાય છે, તેનું પૃથ્થકરણ થઈ શકે ખરું? થઈ શકે તો ક્યાં સુધી અને ક્યાં ધોરણોએ? બીજી રીતે કહીએ તો, કાવ્યાસ્વાદમાં જે વિભિન્નતા છે તેનો ખુલાસો થઈ શકે ખરો? આ બધા પ્રશ્નોનો જવાબ ભારતીય આલંકારિકોએ રસસિદ્ધાંત દ્વારા આપવા પ્રયત્ન કર્યો છે.


  1. 1.रस्यते आस्वाद्यते असौ रसः ।