ભારેલો અગ્નિ/૧૫ : ગુપ્ત મંત્રણા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧૫ : ગુપ્ત મંત્રણા

ભૈરવનાથ મંદિરમાં એકાએક ઘંટનાદ થયો. મધ્યરાત્રિના અંધકારને જાગૃત કરતા એ ઘંટનાદે નદીની સામે પાર અંધકારના ટુકડા સરખી એક ટેકરીને પણ જાગૃત કરી. ટેકરી ઉપર કોઈ પડછાયો હાલી ઊઠયો. ઘંટનાદ વધી ગયો; તેમાં શંખનાદ અને ડંકાના નાદ ઉમેરાયા. વચ્ચે વચ્ચે રણકાર કરતી ઘડિયાળ પણ સંભળાતી. લોકોનો અવાજ પણ અંદર ભળ્યો. ટેકરી ઉપર હાલતા પડછાયા સમા પુરુષને લાગ્યું કે ભૈરવનાથની આરતી શરૂ થઈ ગઈ.

આરતી એ ભક્તોના ભક્તિભાવને પરાકાષ્ઠાએ પહોંચાડે છે. લગભગ અર્ધ ઘાટિકા સુધી ભૈરવનાથની આરતીના પડઘા વિહારગામની ચતુઃસીમામાં ફેલાઈ રહ્યા. ટેકરી ઉપર ફરતી છાયા ક્ષણભર સ્થિર થઈ. નદીમાં એક નાનો તરાપો એક પારથી બીજી પાર આવતો હતો. કડકડતી ઠંડીમાં તરાપા ઉપર પાંચેક માણસો બેઠેલાં તારાના આકાશમાં દેખાઈ આવ્યાં. ટેકરા ઉપર ઊભેલો મનુષ્ય જરા આમ તેમ ફરી એક સ્થળે વળી સ્થિર થઈને ઊભો. તરાપો તેની બાજુએ આવતો હતો. પાસે આવતા તે અટક્યો. તેમાંથી એક પછી એક પાંચ માણસો ઊતર્યા. તેમાંથી ચાર માણસો ત્યાં ઊભા રહ્યા અને પાંચમા મનુષ્યે કિનારે ચડવા માંડયું. ટેકરી ચડીને તેણે એક તાળી પાડી; એટલે નીચે ઊભેલા ચાર મનુષ્યમાંથી એકે કિનારે ચડવાની શરૂઆત કરી.

પ્રથમ ટેકરી ઉપર ચડેલા મનુષ્યની સામે પેલો પડછાયો ઊભો થયો. તેના હાથમાં એક તલવાર ચમકી રહી. પડછાયાએ પૂછયું :

‘કોણ?’

‘કમળ.’

‘હાથમાં શું છે?’

‘ગુલાબ.’

‘જોઉં?’

તેણે હાથમાં રાખેલું ફૂલ ટેકરી સાચવતા પુરુષને સોંપી દીધું. ‘પસાર!’ પહેરેગીર બોલ્યો. પ્રથમ ટેકરી ચડેલો પુરુષ આગળ ચાલી ટેકરી નીચે ઊતરી ગયો. આમ ક્રમે ક્રમે લગભગ પંદરેક પુરુષો નદીની એક પારથી તરાપામાં બીજી પાર ટેકરી ઉપર થઈને અદૃશ્ય થયા.

પહેરેગીર પાછા જતા તરાપા તરફ તીક્ષ્ણ દૃષ્ટિ રાખી ઊભો હતો. એકાએક તેના ખભા ઉપર કોઈનો હાથ પડયો. તેણે ચમકીને પાછું જોયું; તે જ ક્ષણે તેના હાથ તલવારને મ્યાનમાંથી કાઢી રહ્યા હતા.

‘કોણ?’ તલવાર ખેંચતા બરોબર તેનાથી પુછાઈ ગયું.

‘કમળ.’ નવો મનુષ્ય જેણે પહેરેગીરને ખભે હાથ મૂકી તેને ચમકાવ્યો હતો. એ બોલ્યો :

‘હાથમાં શું છે?’

‘ગુલાબ.’

‘જોઉં?’

તેણે હાથમાં રાખેલું ગુલાબ પહેરેગીરની સામે ધર્યું. પહેરેગીરે ફૂલ પોતાના હાથમાં લીધું; ક્ષણભર તેણે પેલા મનુષ્ય તરફ જોયા કર્યું. મુખ ઉપર બાંધી દીધેલી બુકાની આંખને ઓળખવા દેતી નહોતી. તેણે આગળ ચાલવા પગ મૂક્યો.

‘થોભો.’ પહેરેગીરે કહ્યું.

‘કેમ?’

‘મેં પરવાનગી નથી આપી.’

‘શા માટે પરવાનગી નથી આપી?’

‘મને શક છે?’

‘કોના ઉપર?’

‘તારા ઉપર.’

‘કારણ?’

‘તમે તરાપામાં નથી આવ્યા તેથી.’

‘તરાપામાં જ આવવું એવું ક્યાં બંધન છે?’

પહેરેગીર સહજ અટક્યો. તેને મળેલી સૂચના તેણે યાદ કરી. ગુપ્ત મંત્રણામાં આવનાર વીરો તરાપામાં વારાફરતી આવવાના હતા એ ખરું; પરંતુ તરાપા સિવાયને માર્ગે આવનારને ન જ જવા દેવું ફરમાન હતું નહિ.

‘તમે કેવી રીતે આવ્યા?’ ગૂંચવાઈને પહેરેગીરે પૂછયું.

‘એ તમારે જાણવાની જરૂર નથી. સંકેતમાં ભૂલ થતી હોય તો તમે અટકાવી શકો. હું પછી આગ્રહ ન કરું.’

‘એ તો બરાબર છે. પરંતુ મારી નજર ચૂકવી આવનારને મારાથી કેમ જવા દેવાય?’

‘એ દોષ મારો નથી. સંકેત બરાબર નથી એમ કહો તો હું ચાલ્યો જાઉં. બરાબર છે એમ તમે હમણાં જ કહ્યું. ફરી વિચાર કરો. બરાબર છે એમ કહેશો એટલે તમે ના પાડશો તોય હું ખોમાં જવાનો.’

‘હું ના કહીશ તો જશો? મારા હાથમાં હથિયાર છે તે જુઓ છો ને?’

‘તમને હથિયાર બતાવવાનો કે ના કહેવાનો હક પછી રહેતો નથી.’

પહેરેગીરને આ અવાજ પરિચિત હતો. ખોમાં જવાનું છે. એ વાત પણ આવનાર માણસ જાણતો હતો. જેની ખબર બહુ જૂજ કાર્યકર્તાઓને હતી. બીજાઓને તો ખોના મુખ ઉપર ઊભો રહેલો બીજો પહેરેગીર માર્ગ બતાવવાનો હતો. મંત્રણામાં ભાગ લેનારની પહેલી પરીક્ષા તરાપો ફેરવનાર કરતા; બીજી સંકેત ઉકેલવાની પરીક્ષા તે કરતો હતો; અને મંત્રણાને સ્થળે પહોંચતા પહેલાં બીજો માણસ હજી વધારે કાળજી રાખવાનો હતો જ. નવો માર્ગ પસંદ કરનાર પુરુષ ઘણુંખરું અંતરંગ મંડળનો કોઈ મોટો કર્મચારી હોવો જોઈએ એમ એને લાગ્યું, ક્ષણભર થોભી તેણે કહ્યું :

‘પસાર!’

જતાં જતાં પેલા વિચિત્ર પુરુષે પહેરેગીરને કહ્યું :

‘મને જવા દેવામાં તમારે પસ્તાવું નહિ પડે.’

ટેકરી ઓળંગી સહજ આગળ વધતાં એક ઊંડું કોતર આવતું હતું. કોતરમાં પેસવાનો માર્ગ ઘણો સાંકડો હતો; પરંતુ તેના વાંકાચૂકા ઊંડાણમાં પ્રવેશ કરતાં છેવટે એક વિશાળ સ્થળ આવતું. આ આખુંય કોતર ખો નામે ઓળખાતું. એ ખોમાં બ્રિટિશ અમલ પહેલાં બહારવટિયા, પીંઢારા વગેરેનો નિવાસ હતો એવી માન્યતા લોકોમાં પ્રચલિત હતી. એ માન્યતાને લઈને એ સ્થળ લોકોમાં હજી પણ ભયંકર ગણાતું. સાહસ રહિત પુરુષો ભાગ્યે જ એ ખો તરફ જવાની હિંમત કરતા.

તેના ઊંડા વિશાળ ભાગમાં એક મોટી ધીકતી તાપણી આકાશ તરફ પોતાની જ્વાલા ફેલાવતી હતી. તેમાંથી ઊડતા તણખા આકાશના તારાની સરસાઈ કરવા મથી રહ્યા હતા. માનવીનો બનાવેલો અગ્નિ કુદરતે બનાવેલો અગ્નિ એ બેમાં ફેર હોય છે. માનવીએ સળગાવેલા અગ્નિમાંથી ઊડતા તણખા આઠદસ હાથ ઊંચે જઈ અસ્ત પામતા; કુદરતના અગ્નિએ ઉડાડેલા તણખા પૃથ્વીઓનાં લયઉદ્ભવ જોતા સતત ઊડયા જ કરે છે.

તાપણીની આસપાસ વીસેક પુરુષો ભગવા ઝભ્ભા, ભગવા સાફા અને કાળા મુખવટા બાંધી બેઠા હતા. કોઈ અર્ધ પદ્માસન કરી બેઠા હતા કોઈ પગ ઊંધા નાખી બેઠા હતા; કોઈએ પગ ઊભા કરી હાથને ઘૂંટણની બાજુમાં વીંટાળ્યા હતા. કોઈના મુખ ઓળખાતાં નહિ; માત્ર પ્રત્યેક મુખવટા ઉપર બબ્બે આંખ અંગારા સરખી તગતગતી હતી.

એક ગંભીર અવાજ મુખવટાથી દબાયેલો સંભળાયો અને સહુની એકાગ્રતા સ્ખલિત થઈ.

‘ઉનાળો પસંદ કર્યો છે.’

‘ઠીક છે; ઘણા ગોરા અફસરો હવા ખાવા જશે.’ બીજાએ કહ્યું.

‘તિથિવાર નક્કી છે?’

‘કંપની સરકારની સ્વીકારેલી તારીખ સાલ ઠરાવો.’

ઠરી ચૂક્યું છે. ઈસુના 1757મા વર્ષે કંપની સરકારના પાયા પ્લાસીમાં નંખાયા. કાશીના મહા જ્યોતિષી પંડિત લક્ષ્મણ શાસ્ત્રીએ અનેક વાર કંપનીના ગ્રહ જોઈ સો વર્ષની અવધ બાંધી છે. એ સો વર્ષ જૂન માસમાં પૂરાં થાય છે. તેના છેલ્લા દિવસથી શરૂઆત.

ક્ષણભર શાંતિ ફેલાઈ. સહુના હૃદય ત્વરાથી વિચાર કરવા લાગ્યાં. દેશભરમાં કંપની સરકાર સામેની હાક જગાડવાની યોજના ઘડતાં ષડયંત્રનો એક ભાગ માળવા અને ગુજરાતની જનતાને જગાડી રહ્યો હતો. તેના કર્મચારીઓને ચોકસાઈ ભરેલી વિગતો જણાવવાની આજે શરૂઆત થતી હતી. કાર્યકર્તાઓની ગણતરી પ્રમાણે જ નિશ્ચિત સંખ્યામાં વ્યક્તિઓ આવવાની હતી તેના કરતાં એ વ્યક્તિ વધારે થતી હતી. બધા વિચારમાં પડયા હતા. કામની શરૂઆત થતાં વાર થતી હતી. કોને વધારાની વ્યક્તિ ગણવી એનો નિર્ણય કરવાનું કામ બહુ નાજુક હતું. છેવટે શરૂઆત તો થઈ.

‘હિંદભરના એકે ગામ, શહેર અથવા જંગલમાં તે દિવસે ગોરો જીવતો ન દેખાય.’

‘એમ થવું અશક્ય છે.’ બીજો ગંભીર અવાજ સંભળાયો. એ અવાજ તરફ સહુની નજર ફરી.

‘અશક્ય બોલનાર માટે અહીં સ્થાન નથી.’ દમામભર્યો ઉચ્ચાર આવ્યો.

‘અધર્મ અશક્ય છે.’ સ્થિર ઉદ્ગાર સામે આવ્યો.

‘સ્વતંત્ર બનવામાં અધર્મ છે એમ કહેનાર અધર્મીએ અહીંથી જવું જોઈએ.’

‘સ્વતંત્ર બનવું હોય તો ધર્મયુદ્ધ કરો. એકેએક ગોરાને મારવો એ ઇચ્છામાં જ પાપ રહેલું છે.’

‘ગોરાનાં પાપ ગણાવું?’

‘જરૂર નથી. બીજાના પાપ આપણાં પાપની માફી નહિ અપાવે.’

‘પાપપુણ્યનું પ્રવચન કરવું હોય તો રુદ્રદત્તની પાઠશાળામાં જાઓ, અહીં જરૂર નથી.’

‘હું ફરી કહું છું કે બધાય ગોરાને મારવો અશક્ય છે. સ્ત્રી, બાળક અને વૃદ્ધને નહિ અડકાય. શરણાગત સામે આંગળી પણ નહિ ઉઠાવાય. એક પણ બાળ – એક પણ સ્ત્રી- એક પણ શરણાગત આપણે હાથે મરશે તો આપણો નૈતિક પરાજય….’

‘બસ!’ બોલવાની શરૂઆત કરનાર મનુષ્યે બૂમ મારી અને તે સાથે જ તેણે એક તાળી પાડી. ખોના કોઈ ખૂણામાં છુપાયેલા બે શસ્ત્રસજ્જ પુરુષો એક ક્ષણમાં આવી ત્યાં ઊભા.

‘પણે બેઠેલા પુરુષને પકડો! એ દ્રોહી છે.’

‘ખબરદાર! હું કોઈ પણ દ્રોહ કરતો નથી.’ પાસે આવતા સૈનિકને રોકી તે બોલ્યો. સૈનિકો સહેજ અટક્યા.

‘પકડો! વાર ન કરો; એનું મુખ ખોલી નાખો. હું જોઉં એ કોણ છે!’

‘હું એકલો નહિ – બધાય મુખ ખોલી નાખો. પછી કોણ કોનો દ્રોહી છે તે સમજાઈ આવશે.’

‘એમ જ થવા દ્યો. બધાય મુખવટો દૂર કરો.’

ક્ષણમાં – બેત્રણ – સહુએ મુખવટા દૂર કર્યાં. થોડી વાર બધાની દૃષ્ટિ એક દૂર બેઠેલી વ્યક્તિના ખુલ્લા થતા મુખ ઉપર પડી. મુખવટો છોડતાં તેનો ફેંટો નીકળી ગયો. ફેંટામાં સંતાયેલા લાંબા કાળા વાળ તેની પીઠ પર પથરાવા લાગ્યા. ખૂલતાં જ એક નાજુક મુખ પ્રગટ થયું. સ્ત્રીની જરાય આશા ન રાખેલા સ્થળે સ્ત્રીનું મુખ જોઈ આખું ટોળું ઘડીભર સ્તબ્ધ થયું.

‘કોણ, કલ્યાણી?’ એક પુરુષનો અવાજ આશ્ચર્યભર્યો પ્રશ્ન પૂછતો સંભળાયો.

‘હા, ગૌતમ!’ કલ્યાણી બોલી.

‘અહીં ક્યાંથી?’

‘જેમ તું આવ્યો તેમ હું આવી. પરંતુ હજી પેલા બેના મુખવટા ખૂલ્યા નથી.’ કલ્યાણીએ સામસામા વાદે ચડેલા બે પુરુષો તરફ આંગળી બતાવી કહ્યું.

અરે, એ બંને પુરુષો અન્યના ખુલ્લાં મુખ જોવાની ઇચ્છામાં પોતાના મુખ ખોલવાનું ભૂલી ગયા હતા – જોકે મુખવટો દૂર કરવાનો પ્રશ્ન તેમને જ લીધે ઉદ્ભવ્યો હતો.

બંનેએ પોતપોતાનાં મુખ ઉપર બાંધેલાં કાળાં વેષ્ટન ક્ષણાં જ દૂર કર્યાં. એક પુકારી ઊઠયો :

‘કોણ રુદ્રદત્ત?’

‘હા, મહાવીર!’

સહુની દૃષ્ટિ એ બંને વૃદ્ધ વૃદ્ધવીરો ઉપર પડી. સિંહ જેવા મહાવીરનું મુખ આશ્ચર્યની લાગણીને વ્યક્ત કરી રહ્યું. ગજેદ્ર સરખી શાંતિ ધારણ કરતા રુદ્રદત્તે આખી ટોળી ઉપર સ્વચ્છ દૃષ્ટિ ફેંકી ગૌતમ સામે જોઈ તેમણે પૂછયું :

‘ત્ર્યંબક નથી?’

‘ત્ર્યંબકને બદલે હું આવી છું. ગૌતમને પુછાયેલા પ્રશ્નનો જવાબ કલ્યાણીએ તીણા મીઠા સૂરથી આપ્યો.’

જરા વાર શાંતિ ફેલાઈ. આચા થતા અગ્નિભડકામાં કોઈએ લાકડું નાખ્યું અને ભડકો હતો તેવો ઊર્ધ્વગામી બન્યો.

‘રુદ્રદત્ત!’ મહાવીર બોલી ઊઠયો.

‘કેમ?’

‘તું રુદ્રદત્ત ન હોત તો આ ક્ષણે જ તું તલવારથી વીંધાઈ ગયો હતો. સારું થયું કે તારું મુખ ખોલાયું.’

‘મહાવીર! રુદ્રદત્તને તલાવરનો ભય નથી એ તને કહેવું પડશે?’ મારા મુખ તરફ ન જોઈશ.’

‘તારે અહીં નહોતું આવવું જોઈતું.’

‘કેમ?’

‘તને અમે બોલાવ્યો નહોતો. તારું સ્થાન અહીં નથી. તને તો બ્રહ્માવર્ત બોલાવી રહ્યું છે. દિલ્હીનું દીવાને-ખાસ બોલાવી રહ્યું છે. ત્યાં જા. અમે તો ત્યાંથી અપાતી ચાવીનાં રમકડાં છીએ. તને રમકડાં ભેગો બેસાડાય નહિ.’

‘હું વગર આમંત્રણે આવ્યો એ ખરું; હું અહીં વધારે રહીશ પણ નહિ. પરંતુ તું મારો જૂનો મિત્ર; મારા બે પુત્ર સરખા શિષ્યો ગૌતમ અને ત્ર્યંબક; એ બધાં ભેગા થાઓ ત્યારે મારે આવીને વાત કરવી જ પડશે.’

‘શી?’

‘એ જ કે યુદ્ધ કરો તો ધર્મને ન ભૂલશો.’

‘પરંતુ યુદ્ધ જ જ્યાં ધર્મ હોય ત્યાં શું?’

‘એ યુદ્ધમાંથી હિંસા ગાળી કાઢો.’

‘હિંસા વગર તે યુદ્ધ થયાં સાંભળ્યાં છે?’

‘ન સાંભળ્યાં હોય તો તમે સંભળાવો – નવેસર!’

‘કેવી રીતે?’

‘વ્યક્તિનો સ્વાર્થ અને વ્યક્તિના વેરઝેર ઘોળીને પી જાઓ. પછી થનાર યુદ્ધમાં સ્ત્રીની જરૂર પડશે નહિ.’

‘ન સમજાયું. તું વીર અને વિદ્વાન બંને છે; હું માત્ર શસ્ત્રને ઓળખું છું.’

‘તમારી મંત્રણાને રોકવા માગતો નથી; પરંતુ સહુના શુભેચ્છક તરીકે કહેવા આવ્યો છું, તે ફરી કહું છું : યુદ્ધમાં પણ અધર્મી ન થશો.’

રુદ્રદત્તે પગલાં ફેરવ્યા, અને તેમને માન કે અપમાન આપવાની તક મળે તે પહેલાં. અંધકારમાં તે અદૃશ્ય થઈ ગયા.