ભાષા, સમાજ અને સાહિત્ય/ભાષાવિજ્ઞાન અને સાહિત્યવિવેચન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ભાષાવિજ્ઞાન અને સાહિત્યવિવેચન

સાહિત્યવિવેચનમાં ભાષાવિજ્ઞાનનો અભ્યાસ કઈ રીતે ઉપકારક થઈ શકે તેની તપાસ કરવાનો અહીં ઇરાદો છે. આપણે ત્યાં ભાષાવિજ્ઞાનના અભ્યાસીઓની સંખ્યા આંગળીને વેઢે ગણાય એટલી છે. તેથી ધંધાદારી પરિભાષાને બને ત્યાં સુધી સ્પર્શ્યા વિના આ જોડાણના અગત્યની પરિચયાત્મક સમજણ આપવાનો પ્રયાસ અહીં કર્યો છે. કોઈ વિદ્વાનો આ ચર્ચાના કેટલાક મુદ્દાઓને સંસ્કૃત અલંકારશાસ્ત્રની કેટલીક ચર્ચા સાથે સાંકળે એ અશક્ય નથી. સાહિત્યવિવેચનના કેન્ર્થમાં સાહિત્ય છે અને ભાષાવિજ્ઞાનનો અભ્યાસવિષય રોજબરોજના અનેક પ્રકારના વિવિધ વપરાશમાં આવતી ભાષા છે. ઉપરછલ્લી દૃષ્ટિએ એમ લાગે કે ભાષાવિજ્ઞાનનો અભ્યાસવિષય જે ભાષા છે તે ભાષાથી સાહિત્યમાં વપરાતી ભાષા તદ્દન જુદી છે એટલે ભાષાવિજ્ઞાનના અભ્યાસક્ષેત્રમાં સાહિત્યની ભાષાનો અભ્યાસ પ્રવેશે નહીં. સામાન્ય રીતે ભાષાવિજ્ઞાની પણ ખૂબ પ્રામાણિકપણે અને તેથી ખૂબ મક્કમપણે આમ જ માને છે. પરંતુ છેલ્લાં કેટલાંક વરસોથી મૂળભૂત રીતે તત્ત્વવિજ્ઞાન, મનોવિજ્ઞાન, ગણિત, સમાજવિજ્ઞાન, સાહિત્ય એમ જુદા જુદા અભ્યાસવિષયોમાં રસ ધરાવતા વિદ્વાનોએ પોતાના અભ્યાસવિષયને ભાષાના ઉપયોગ સાથે સીધો સંબંધ છે એમ અનુભવતાં ભાષાવિજ્ઞાનના અભ્યાસમાં રસ લેવા માંડયો. પરદેશેામાં અને આપણે ત્યાં પણ મોટે ભાગે સાહિત્યના અભ્યાસ સાથે સંકળાયેલા અભ્યાસીઓ ભાષાવિજ્ઞાનના અભ્યાસમાં રસ લેવા માંડ્યાં. જુદાં જુદાં અભ્યાસક્ષેત્રોની શિસ્તનો ભાષાવિજ્ઞાનના અભ્યાસને લાભ મળ્યો અને પરિણામે એ અભ્યાસની ઘણી નવી નવી દિશાઓ ખૂલી ગઈ. ઓછામાં ઓછું એટલું તો થયું જ કે દુકાનદારે વાપરેલી હોય કે અધ્યાપકે વાપરેલી હોય, ભણેલાએ વાપરી હોય કે અભણે વાપરી હોય, ગામડિયાએ વાપરી હોય કે શહેરી સમાજના સભ્યે વાપરી હોય, લશ્કરના જવાનોએ કે ખિરસાકાતરુઓએ અંદરઅંદરના છૂપા સંદેશાઓની આપલે માટે વાપરી હોય કે હોસ્ટેલમાં રહેતાં યુવક-યુવતીઓએ ટોળ−ટપ્પાં, હસી-મજાક, ટીખળ કે ચબરાકિયાપણું દર્શાવવા માટે વાપરી હોય, પાગલે વાપરી હોય કે કવિએ વાપરી હોય—એ બધી જ ભાષા, મૂળભૂત રીતે એક જ ભાષાના વિવિધ પ્રકારના વપરાશો છે એમ મનાયું. કવિ કે પાગલ જુદી જ ભાષામાં બોલે છે એમ કહેવાને બદલે એમ કહેવાતું થયું કે તેઓ ભાષાનો વપરાશ જુદી રીતે કરે છે. બહુ જાણીતુ છે કે કોઈ પણ એ વ્યક્તિઓ દરેક સમયે બરાબર એકસરખું હોય તેવું ક્યારેય નથી બોલતી પરંતુ એક જ ભાષાના ભાષકો વચ્ચેનો આ તફાવત ગમે તેટલો મોટો હોય તોય ભાષાનાં અનેકવિધ તત્ત્વોમાં અને એ તત્ત્વો વચ્ચેના આંતરસંબંધોમાં એટલું બધું સરખાપણું હોય છે કે પેલો તફાવત નોંધપાત્ર હોય છે છતાં ભાષાવિજ્ઞાનના અભ્યાસીઓ સિવાય બહુ ઓછાં માણસો તેને ગણતરીમાં લે છે. ભાષામાં આવું જે સર્વસ્વીકૃત હોય છે તેને કારણે તે એક ભાષા તરીકે ઓળખાતી હોય છે. ભાષાના આવા સર્વસ્વીકૃત સરખાપણાથી ખૂબ જ ઉફરા જવાનું (deviation માટે ઉફરાપણું વાપરીએ) અને કેટલીક વાર તો આત્યાંતિક રીતે ઉફરા જવાનું વલણ દાખવતા ભાષકોને પાગલ તરીકે અથવા કવિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે પાગલે વાપરેલી અમુક ભાષા એમ કહેવાય છે. અમુક કવિની ગુજરાતી કે અંગ્રેજી ભાષાની સાહિત્યકૃતિ એમ આપણે કહીએ જ છીએ. આમ, જેનો અનેક સંદર્ભોમાં અનેક પ્રકારનો વપરાશ થતો હોય છે તેવી કોઈ એક ભાષાના વળી એક વધારાનો વપરાશ છે સાહિત્યની ભાષા. કવિએ તેને વિશિષ્ટ પ્રકારનો ઉપયોગ કર્યો હોય છે. સૌન્દર્યશાસ્ત્રનો અભ્યાસી કહેશે કે સાહિત્યકૃતિમાં ભાષાનો સૌન્દર્યલક્ષી ઉપયોગ (એસ્થેટિક યુઝ ઑફ ધ લેંગ્વેજ) થયો છે. એ ઉપયોગ એસ્થેટિક-સૌન્દર્યલક્ષી કઈ રીતે થયો તેનું રહસ્ય શેાધવાનો પ્રયત્ન વિવેચક કરે છે. ઉદાહરણથી સમજવું હોય તો એમ કહી શકાય કે પાગલે વાપરેલી ભાષાને સામગ્રી તરીકે એકઠી કરીને તેના પૃથક્કરણ -અર્થઘટનની મદદથી એમાં રહેલી અસંબદ્ધતા, અતાર્કિકતા અને અવ્યાકરણીપણાની પાછળ રહેલા વ્યાકરણને તપાસીને ભાષાના એ પ્રકારના વપરાશના અભ્યાસ દ્વારા મનોચિકિત્સક પાગલની માનસિક ઉથલપાથલના રહસ્યોનો તાળો મેળવવાનો પ્રયત્ન કરે છે, એમ વિવેચક કવિએ વાપરેલી અસંબદ્ધ, અતાર્કિક અને અવ્યાકરણી દેખાતી ભાષાના પૃથક્કરણ–અર્થઘટનની મદદથી તે અનિયમિતતાઓ પાછળ રહેલી નિયમિતતાને એટલે કે તેના વ્યાકરણને તપાસીને કૃતિના સાહિત્યતત્ત્વના અથવા તો કવિએ કરેલી સૌન્દર્ય અનુભૂતિના રહસ્યને તાગવાનો પ્રયત્ન કરે છે. આ માટે દેખીતી રીતે કૃતિની ભાષાનું પૃથક્કરણ આવશ્યક બને છે. ભલે એ સૌન્દર્યલક્ષી ભાષાવપરાશ હોય છતાં એના પૃથક્કરણના માપદંડો તો સર્વસ્વીકૃત ભાષાના પૃથક્કરણના જ રહેવાના. આનું કારણ એ છે કે એ વિશિષ્ટ ભાષામાં પણુ સર્વસ્વીકૃત સરખાપણાનું પ્રમાણ ઘણું મોટું રહેવાનું. ભાષાવિજ્ઞાનના અભ્યાસીઓ આંકડાશાસ્ત્રની મદદથી સાહિત્યકૃતિઓમાં આ સર્વસ્વીકૃત સરખાપણાનું પ્રમાણ જાણવાનો પ્રયત્ન કરે તો ભાગ્યે એ ૯૬%થી ઓછું જણાય. કોઇક કૃતિમાં તો એ ઉફરાપણાને ઉફરાપણું પણ ન કહી શકાય તેટલું નહીંવત્ પણ હોય. જો આમ હોય તો એ ભાષાની વિશેષતા શેમાં ? ભાષાના સર્વસ્વીકૃત સરખાપણાથી માત્ર ઉફરાપણું જ નહીં પરંતુ ભાષાનાં જુદા જુદા સ્તરનાં જે ઘટકતત્ત્વો અને તેમના આંતરસંબંધોની જે ગોઠવણો હોય છે તેની અમુક ખાસ પ્રકારની પસંદગી અને ચોક્કસ પ્રકારનું પુનરાવર્તન સાહિત્યકૃતિની ભાષાને વિશિષ્ટતા અર્પે છે. એમ પણ કહે છે કે આ ત્રણેનો સમુચ્ચય સાહિત્યમાં શૈલીને જન્મ આપે છે. ભાષાવિજ્ઞાનનો અભ્યાસ આ ત્રણે બાબતોના વસ્તુલક્ષી અભ્યાસ માટેનું પૃથક્કરણ કરવા માટેની તાલીમ પૂરી પાડી શકે છે. ભાષાની આવી અમુક જ ખાસિયતોને વારંવાર ઉપયોગમાં લેવાનું કવિનું વલણ એટલું તો ચોકસાઈથી પૃથક્કૃત કરીને વસ્તુલક્ષી દૃષ્ટિએ અળગું કરી શકાય છે કે પછી એ જ રીતનો ઉપયોગ કરીને લખેલા પદ્યને એ જ કવિતા કાવ્ય તરીકે વિવેચકો સુદ્ધાં ઓળખવા માંડે છે. કૃતિની શૈલીના આ જાતના પૃથક્કરણ અને અભ્યાસને કેટલાક ભાષાવૈજ્ઞાનિક શૈલીવિજ્ઞાન (Linguistic Stytistics) તરીકે ઓળખાવે છે. અન્ય કોઈ હેતુ વિના, માત્ર સૌન્દર્યના અવતરણ માટે જ ભાષાનો વપરાશ એ એકમાત્ર હેતુ હોય તે રીતે ભાષાનો વપરાશ સાહિત્યકૃતિમાં થાય છે. એમ કહી શકાય કે સાહિત્ય એ ભાષાની કલા છે. એટલે કે સાહિત્ય એ માત્ર ભાષા નથી તેમ માત્ર કલા પણ નથી. એ કલા અને ભાષા એમ બેય ક્ષેત્રનું બેવડું સભ્યપદ ધરાવે છે. આ કારણે સાહિત્યકૃતિના ભાષાપક્ષને તપાસવા માટે પૃથકકરણનો આશ્રય લેવો પડે છે અને તેના કલાપક્ષની તપાસ કરવા માટે અર્થઘટનનો આશ્રય લેવો પડે છે. અહીં વિવેચકની જરૂર પડવાની, અર્થઘટન પોતે જ કેટલીક વાર તો કૃતિનું મૂલ્યાંકન હોય છે. પૃથક્કરણ, અર્થઘટન અને મૂલ્યાંકન ખૂબ નજીકથી સંકળાયેલાં છે છતાં સગવડ ખાતર પહેલાં પૃથકકરણ, પછી અર્થઘટન અને મૂલ્યાંકન અને ક્યારેક તો એ ત્રણે લગભગ સાથે સાથે એમ પ્રક્રિયા ચાલે છે. પૃથકકરણ માટે ભાષાવિજ્ઞાનનો અભ્યાસ વસ્તુક્ષી માપદંડો પૂરા પાડે અને અર્થઘટનમાંય આંતરસૂઝ તો ઉપયોગી થવાની જ છતાં ચોકસાઈ માટેની કેટલીક તાલીમ, ભાષાના ઉપરછલ્લા માળખાને આધારે ભાષાના આંતરિક માળખાને તપાસવાની તાલીમમાંથી પ્રાપ્ત થઈ શકે. કવિ કે સાહિત્યકાર શા માટે આટલો ઉફરો ચાલ્યો, તેણે ભાષાનાં ઘટકતત્ત્વો અને તેની અનેક કક્ષાની રચનાઓની શા માટે આ જાતની પસંદગી કરી અને તેમનાં પુનરાવર્તનો શા માટે આ રીતે કર્યાં તેનું અર્થઘટન આંતરસૂઝ ઉપર આધારિત હોવાથી પ્રમાણમાં આત્મલક્ષી થવાનું. પરંતુ વિવેચકની આંતરસૂઝ વધુ કેળવવામાં અનેક કક્ષાની, વિવિધ પ્રકારની, અનેક ભાષાઓની સાહિત્યકૃતિઓનું વિશાળ વાચન-મનન-અધ્યયન ઉપયોગી થાય તેમ ભાષાવિજ્ઞાને હાથ ધરેલ ભાષાના વિવિધ પ્રકારના વપરાશ પાછળના સંદર્ભો, મનઃસ્થિતિઓ વગેરેનો અભ્યાસ પણ ઉપયોગી થાય. દેખીતી રીતે આ અર્થધટનોનો પાયો અનુમાનો હોય છે તેથી એ અર્થઘટનો આત્મલક્ષી હોવાનાં છતાં કૃતિની ભાષાના પૃથકકરણને આધારે તારવેલી લાક્ષણિકતાઓને કૃતિની સમગ્ર ભાત(design) અને તેની સૌંદર્યગત લાક્ષણિકતાઓ સાથે જ્યારે ચોકસાઈપૂર્વક સાંકળવામાં આવે ત્યારે એ અનુમાનો પ્રમાણમાં વધુ સ્વીકાર્ય અને ઘણાં વાજબી બને. સાહિત્યસર્જનની પ્રક્રિયા જ એટલી બધી આત્મલક્ષી અને રહસ્યમય છે કે માત્ર પૃથકકરણથી તે પર છે. કાઈ પણ સર્જનની પ્રક્રિયાનું રહસ્ય સમજવા માટે તમે પૃથકકરણનો આશ્રય લઈ શકો પરંતુ માત્ર પૃથકકરણ એમાં મદદરૂપ થાય એટલુ જ. આજ સુધી તો વિજ્ઞાનની એ મર્યાદા રહી છે કે સર્જનની પ્રક્રિયાનું ઘણું બધું રહસ્ય પૃથકકરણની અને તેના અર્થઘટનોની સુધ્ધાં મર્યાદાની બહાર રહી જાય છે. જો એમ ન હોત તો ટેસ્ટટ્યુબમાં ફલીનીકરણ થયા પછી બાળક જન્માવવા માટે માની જરૂર ન પડી હોત અને એક જ વાતાવરણમાં વિકસેલી, એક જ જમીનમાંથી એકસરખો રસકસ જેને પહોંચ્યો છે તેવી એક જ આંબાની એક જ ડાળી પર એક જ લૂમમાં પાકેલી કેરીઓનો સ્વાદ શા માટે ભિન્ન છે તેની ખબર પડી હોત. જ્યારે આવું શક્ય થશે ત્યારે આંબા વિના પણ કેરી પાકશે અને કવિપ્રતિભા વિના પણ કાવ્ય નીપજશે અને જે રહસ્યને કારણે એની સૌન્દર્યગત અસર (એસ્થેટિક અપીલ) થતી હોય છે તે રહસ્ય ખુલ્લું થતાં એ સર્જન નહીં રહે, માત્ર યાંત્રિક નિર્માણ (મિકેનિકલ પ્રેાડક્ટ) બની રહેશે. કોઈ પણ સર્જનને માણવાની કૂંચી જ તો એ છે કે આપણે તેના રહસ્યને પામ્યા છીએ એમ અનુભવાય અને છતાં જ્યારે એ રહસ્યને પૃથક્કૃત કરીને શબ્દબદ્ધ કરવા જઈએ ત્યારે એ રહસ્ય રહસ્ય જ રહ્યું હોય. કોમ્પ્યુટર કાવ્યોનો ઉલ્લેખ થઈ શકે. પરંતુ કોમ્પ્યુટર સાયન્સના અભ્યાસીઓ તેને ગંભીર રીતે લેતા નથી. સાહિત્યસર્જનની પ્રક્રિયાની આ આત્મલક્ષીતા સાથે તેના અર્થઘટનની આત્મલક્ષીતાને સાંકળવાનો પ્રયત્ન થઈ શકે. કૃતિની સામગ્રી તરીકે તદ્દન વસ્તુલક્ષી રીતે પૃથક્કૃત થઈ શકે પણ એ જ સામગ્રીને સૌન્દર્યને સિદ્ધ કરનારી સામગ્રી તરીકે તપાસવા માંડો એટલે અર્થઘટન અને અર્થઘટન માટે અનુમાનો પ્રવેશવાનાં. આ અનુમાનોની ચોકસાઈ અને વસ્તુલક્ષીતાનો આધાર આંતરસૂઝ અને તાલીમ ઉપરાંત સાહિત્યકૃતિના સર્જકે સર્જનસમયે ભાષાની સાથે કઈ રીતે કામ પાડ્યું છે તેના ઉપર પણ રહેવાનો. આમ તો સર્જક કૃતિના સર્જનસમયે ભાષાનાં ઘટકતત્ત્વો અને તેના આંતરસંબંધોની પસંદગી, પુનરાવર્તન અને ઉફરાપણાને મથીમથીને ઉપયોગમાં લેતો હોય છે. અહીં કોઈ તરત કહેશે કે શિલ્પીને જેમ પથ્થરમાં શિલ્પ કંડારાયેલું જ દેખાય છે અને પછી એ પોતાના ટાંકણાથી પથ્થરમાં દેખાતા શિલ્પની આજુબાજુનું બધું કાઢી નાંખીને શિલ્પને આકાર આપી દે છે તે જ રીતે સાહિત્યકારને પણ આ અનેકિવિધ વપરાશમાં પ્રયોજાતી ભાષામાં જ કૃતિનો સાક્ષાત્કાર થાય છે અને તે એને આકાર આપે છે. પરંતુ એ જ સરખામણી આગળ ચલાવીને એમ કહી શકાય કે પથ્થરમાં પોતાને દેખાયેલા શિલ્પને કંડારવામાં શિલ્પીને જેમ મથવું પડે છે એમ સાહિત્યકારને પણ કૃતિને નિપજાવવા મથવું પડે છે. આંતરિક શક્તિ અને તાલીમ જેમ વધારે એમ એ મથામણની માત્રા ઓછી અને એ મથામણની ખબર પણ બીજાઓને ઓછી પડે. વિવિધ લલિત કલાઓની આવી સરખામણી આપણે વરસોથી કરતા આવ્યા છીએ, પરંતુ એ સરખામણી કોઈ ગેરસમજ તરફ દોરી જાય નહીં એ માટે સાવચેતી રાખવાની જરૂર છે. શિલ્પીએ પથ્થરમાં કોઈ કૃતિ જોઈ કે અર્થ જોયો અને કંડાર્યો એ પહેલાં સામાન્ય જનસમૂહે કે એ જનસમૂહમાંના કોઈએ તેમાં કોઈ પણ પ્રકારની કૃતિ કે અર્થ જોયાં ન હતાં. જ્યારે ભાષાએ તો, જરા વધુ પડતું લાગે છતાં કહી શકાય કે પરંપરાથી એક આખું જગત રચ્યું છે. દુનિયાદારીનું કે વાસ્તવનું એ જગત છે એમ કહેવાય છે. સાહિત્યકારની મથામણ એ હોય છે કે એ જ ભાષાની મદથી સાહિત્યકૃતિ સર્જનાર અને માણનાર બધી વ્યક્તિઓ દુનિયાદારીનું એ જગત અને એ ભાષાને જાણતાં હોય છે તેથી જ સાહિત્યનું જગત તથા સાહિત્યની ભાષાનું સર્જન અને તેનો આસ્વાદ કરી શકે છે. એમ પણ કહી શકાય કે દુનિયાદારીનું જગત અને તેની ભાષાની અપેક્ષાએ જ, તેના સંદર્ભમાં જ સાહિત્યના જગત અને ભાષાનું સર્જન અને આસ્વાદ થઈ શકે છે. આ જ કારણે ભાષાનો ઉપયોગ કરનારી ફિલ્મ સાહિત્યકૃતિને કેટલેક અંશે રજૂ કરી શકે છે અને તાત્ત્વિક રીતે અનેક બાબતોમાં ઘણું બધું સરખાપણું ધરાવનારી જગતની બધી ભાષાએ।માં અરસપરસ સાહિત્ય કૃતિઓનો કેટલેક અંશે અનુવાદ થઈ શકે છે. દરેક માનવપ્રાણી બે જગતમાં વસતું હોય છે એ જાણીતું છે; એક હોય છે દુનિયાદારીનું જગત અને બીજું હોય છે દુનિયાદારીનું જગત વત્તા કશાકનું જગત. સાહિત્યનું જગત પણ દુનિયાદારીનું જગત વત્તા કશાકનું બનેલું હોય છે તેથી સાહિત્યકારે એ જગતને અવતારવા માટે રોજબરોજની ભાષા વત્તા કશુંકનો ઉપયોગ કરવો પડે છે. પૃથકકરણ મોટે ભાગે સપાટી ઉપર દેખાતી ભાષાને સ્પર્શે છે. પરંતુ એમાં જે વત્તા કશુંક હોય છે તે ભાષાના આંતરિક માળખાને સ્પર્શે છે. જે કવિની મન:સ્થિતિ સુધી અને સર્જનની પળની માનસિક પ્રક્રિયા સુધી આપણને લઇ જઈ શકે છે. એક તુકકારૂપે એવી સંભાવનાની કલ્પના કરી શકાય કે સર્જકની સર્જનપળ સમયની ભાષાસૂઝ અને ભાષાસામર્થ્ય જેટલી જ બરાબર ભાષાસૂઝ અને ભાષાસામર્થ્ય વિવેચનની પળે ધરાવતો વિવેચક તે કૃતિનું વિવેચન કરે તો પૃથકકરણ ઉપરાંત અનુમાનો પર આધારિત એનાં બધાં અર્થઘટનો પૂરેપૂરાં વૈજ્ઞાનિક, વસ્તુલક્ષી અને તેથી સર્જનપ્રક્રિયાના સંપૂર્ણ રહસ્યને છતું કરે તેવાં હોય આ સંભાવના શક્ય નથી છતાં એટલું કહી શકાય કે એ બંને વચ્ચેનું અંતર જેટલું ઓછું તેટલી વિવેચનમાં આત્મલક્ષીતા ઓછી. આપણો અનુભવ છે કે વિવેચક કૃતની ભાષા વિશે બે વાત કહેવાની લાલચ ભાગ્યે જ જતી કરી શકે છે; જ્યારે ભાષાવિજ્ઞાનની તાલીમ વિનાનો વિવેચક બ. ક. ઠા.ની શૈલી વિશે ‘આ કવિથી તો માથાં છે ચડનાર’ જેવાં હળવી રીતે લેવાયેલાં કે ‘ગુજરાતી સાહિત્યમાં અખા પછી કોઈએ જોરદાર ભાષા વાપરી હોય તો તે બ. ક. ઠા.એ. ક્યારેક ‘દાબડા’ જેવા લોકબોલીના શબ્દોના ઉપયોગથી શૈલીને એ ભારે બલિષ્ઠતા અર્પે છે,' (પૃ. ૨૧, ‘મ્હારાં સોનેટ' ) જેવાં ઘણાં ગભાર રીતે લેવાયેલાં વિધાનો કરે છે ત્યારે તે એમના તદ્દન આત્મલક્ષીપણાને કારણે ઉપરછલ્લા પ્રતિભાવો બની રહે છે. વડીલોની ભારે આમન્યામાં રહેનાર આપણા કોઈ અભ્યાસીએ ‘શૈલીની ભારે બલિષ્ઠતા એટલે શું?' અને ‘લોકબોલીના શબ્દોના ઉપયોગથી શૈલીને ભારે બલિષ્ઠતા’ પ્રાપ્ત થાય એવું કઈ રીતે જાણ્યું ?-એવા પ્રશ્નો સૂઝ્યા હોય તોય પૂછ્યા નથી એ ઠીક જ થયું છે, નહીં. તો વિવેચક શું જવાબ આપત? ભાષાવિજ્ઞાનનો અભ્યાસ વિવેચનમાં પ્રવેશતા આવા આત્મલક્ષીપણાના અંશોને ઘણા ઓછા કરવામાં મદદરૂપ થઈ શકે. આટલી વિચારણાથી નીચેની બાબતો સ્પષ્ટ થઈ હશે : ૧. કોઈ પણ કૃતિ એ બેજોડ નમૂનો હોય છે, તે કૃતિનું આગવું જગત અને આગવી ભાષા હોય છે. અલબત્ત, તે કૃતિની ભાષાને સાહિત્યનાં અન્ય સર્જનોની ભાષા સાથે, જો કેટલાંક સામાન્ય લક્ષણો જણાય તો સાંકળી શકાય, તેથી પણ આગળ જઈને એ સમયના સાહિત્યકારોની કૃતિઓમાં જણાતાં સામાન્ય લક્ષણો સાથે તેને સાંકળી શકાય અને એ રીતે સાહિત્યકારની અને તે સમયની શૈલી વિશે વ્યાપક વિધાનો કરી શકાય. ૨. સાહિત્યકૃતિ એ પદાર્થ છે—એક કલા પદાર્થ છે—વિવિધ સ્તરની સંકુલ રચનાઓના સમુચ્ચયરૂ૫ કલાપદાર્થ છે. તેનાં વિવિધ અંગો અનેક ક્રમબદ્ધ સ્તરો પર ગોઠવાયાં હોય છે જે છૂટક છૂટક અંગો રૂપે અને તેમની સમગ્ર રચનારૂપે સૌન્દર્યની અનુભૂતિ કરાવે છે. તેનું બીજું હાથવગું સ્તર તે તેની ભાષાનું સ્તર હોય છે જે તેના કોશે આપેલા અર્થો, વ્યાકરણ માળખું અને સળંગ ક્રમમાં આવતા ધ્વનિચિહ્નોનાં અંગોથી રચાયું હોય છે. ૩. કલાપદાર્થના બીજા સ્તરને સગવડ ભરી રીતે કલાકારની સામગ્રી તરીકે અને પહેલા સ્તરને તેના સર્જન તરીકે ઓળખી શકાય. ખરેખર તો કલાકારે એ સામગ્રીનું જ કોઈક પ્રક્રિયા દ્વારા સર્જનાત્મકરૂપે રૂપાંતર કર્યુ હોય છે. સર્જકની એ સામગ્રીને અમુક કૃતિમાં અમુક ઢંગથી સમુચ્ચયમાં ગોઠવવાની કે ઢાળવાની (મોલ્ડ કરવાની) રીતની તપાસ એ પેલી પ્રક્રિયાની તપાસ ગણાય. એ પ્રક્રિયાનો આધાર સર્જકના વ્યક્તિત્વ ઉપર હોય છે એટલે તેના વ્યક્તિત્વ-ઘડતરનાં બળોની તપાસ પેલી તપાસનો તાળો મેળવવામાં મદદરૂપ થઈ શકે. મૂળ તો એ પ્રક્રિયા જ કૃતિના બેજોડપણાનું કારણ હોય છે અને કૃતિની સૌન્દર્યંગત લાક્ષણિકતાઓના પાયામાં પણ એ જ હોય છે. એ તપાસને કે કૃતિની શૈલીના અભ્યાસ તરીકે ઓળખાવાય. ૪. ભાષાવિજ્ઞાનનો અભ્યાસ સર્જકે ઉપયોગમાં લીધેલી સામગ્રીના (કૃતિની ભાષાનાં) પૃથકકરણને કૃતિનાં સૌન્દર્યસ્થાનો અને તેની સમગ્ર રચના સાથે સાંકળવામાં ઉપયોગી થઈ શકે. એ રીતે સર્જકકર્મના રહસ્યનો તાગ મેળવવાની દિશામાં એ અભ્યાસ મદદરૂપ થઈ શકે, સર્જકકર્મના રહસ્યનો તાગ મેળવવા મથતા વિવેચનને વધુમાં વધુ વસ્તુલક્ષી અને ચોકસાઈપૂર્ણ બનાવવાનાં કેટલાંક ઓજારો એ પૂરાં પાડી શકે.