ભાષા, સમાજ અને સાહિત્ય/ભાષા—માનવસંસ્કૃતિની સાથી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ભાષા – માનવ સંસ્કૃતિની સાથી

હજી થોડાં વરસો પહેલાં સુધી એમ મનાતું કે માનવજાત ઉપરાંત કેટલાંક પ્રાણીઓ અને પક્ષીઓ સુધ્ધાં બોલી શકે છે એટલું જ નહીં, કેટલાક પ્રકારના કાગડાઓ તો બહુભાષી પણ હોય છે. જેમ જુદા જુદા પ્રદેશના માણસોની જુદી જુદી ભાષા અસ્તિત્વ ધરાવતી હોય છે તેવી જ રીતે જુદા જુદા પ્રદેશના કાગડાઓની જુદા જુદા પ્રકારની ભાષા અસ્તિત્વ ધરાવતી હોય છે; કેટલાક કાગડાઓ પ્રવાસી હોવાને કારણે અનેક કાગડા-ભાષાના જાણકાર હોય છે. પણ પશુપક્ષીઓની ભાષા અને માનવભાષા વચ્ચે એક મોટો તફાવત છે. પશુપક્ષીઓની ભાષા દસ-પંદર કે વીસ-ત્રીસ ધ્વનિસંકેતોની બનેલી હોય છે. તે ધ્વનિસંકેતો વાસ્તવ જગત કે પરિસ્થિતિ સાથે સીધા સંકળાયેલા છે. અમુક પ્રકારનો ‘કા...’ અવાજ એટલે ભય છે, અમુક પ્રકારનો ‘કા...’ અવાજ એટલે ખાવાનું સારા પ્રમાણમાં છે, અમુક પ્રકારનો ‘કા...’ અવાજ એટલે કોઈ એક કાગડો મરેલો પડયો છે વગેરે. માનવભાષાનું એવું નથી. માનવભાષામાં પણ પંદરથી માંડીને પચાસ-પંચાવન સુધીના ધ્વનિસંકેતોનો ઉપયોગ થાય છે; પરંતુ એ ધ્વનિસંકેતો સીધા વાસ્તવ જગત કે પરિસ્થિતિ સાથે સકળાયેલા નથી. એ સંકેતોની અમુક પ્રકારની વ્યવસ્થા વાસ્તવ જગત કે પરિસ્થિતિ સાથે સંકળાયેલી છે. ઉદાહરણ તરીકે ગુજરાતી ભાષામાં ‘કા'નો ઉચ્ચાર કોઈ બાબતને સ્પષ્ટ કરતો નથી. પણ ‘કા'ની સાથે બીજો ‘કા' ઉચ્ચારાય અથવા ‘પ' ઉચ્ચારાય તો ‘કાકા’ કે ‘કાપ' એવી સંકેતવ્યવસ્થા કોઈ પરિસ્થિતિને સ્પષ્ટ કરે છે. માનવભાષા અન્ય પ્રાણીઓની ભાષાથી આ બાબતમાં સાવ જુદી પડે છે. એટલે અન્ય પ્રાણીઓ સંકેતોની મદદથી અવગમન-વ્યવહાર કરે છે તે સ્વીકારીએ તોય તાત્ત્વિક રીતે એ અવગમન-વ્યવહારને ભાષા એવું નામ ન આપી શકાય. કારણ સ્પષ્ટ છે. ભાષા એટલે જ ધ્વનિસંકેતોની યાદૃચ્છિક વ્યવસ્થા.

માનવભાષા (હવે એને માટે માત્ર ભાષા શબ્દ જ વાપરીશું) સંકેતોની વ્યવસ્થા હોવાથી તે કાલ્પનિક કે વાસ્તવિક, વર્તમાનની, ભવિષ્યની કે ભૂતકાળની કેાઈ પણ પરિસ્થિતિનું વર્ણન કરી શકશે. ભાષામાં આ શક્તિ હોવાને કારણે જ માનવ પોતાના સંચિત કરેલા અનુભવો બીજી પેઢી સુધી ભાષાની મદદથી પહોંચાડી શકે છે. એટલે માનવજાત માટે આગલી પેઢીએ જ્યાંથી અધૂરું મૂક્યું ત્યાંથી નવી પેઢીને માટે શરૂ કરવાનું શક્ય બને છે; જ્યારે વાંદરાઓ કે અન્ય પશુપક્ષીઓ માટે એ શક્ય નથી, પશુપક્ષીઓ ધ્વનિ-સંકેતોની મદદથી વર્તમાનને જ સ્પર્શી શકે છે અને તેય માહિતી પહોંચાડવા પૂરતો જ તેનો ઉપયોગ કરી શકે છે, તે કવિતા રચી શકતા નથી. તે વર્ણન કરી શકતાં નથી; તે પોતાનાં બચ્ચાંને ‘ઊંટ અને ગધેડાની’ કે ‘ચકલા અને ચકલીની' વાતો કહી શકતાં નથી. પે।તે આટઆટલા અનુભવો આ રીતે મેળવ્યા એનું અન્ય પાસે બયાન કરી શકતાં નથી. આ જ કારણે પશુપક્ષીઓની સમાજવ્યવસ્થા સાવ પ્રાથમિક દશામાં રહી છે. એની દરેક પેઢી એકડે એકથી શરૂ કરે છે. માનવ-વાણીનો ઉદ્ભવ કેવી રીતે થયો તે વિશે અત્યાર સુધી અનેક વિચારો વ્યક્ત થયા છે પણ દેખીતી રીતે તે કેવળ કલ્પનાઓ અને તુક્કાઓ ઉપર આધારિત છે. તેની ચર્ચા કરવા માટે આપણી પાસે કોઈ આધાર નથી. પણ માનવ પાસે ભાષા છે એ હકીકત છે. માનવજાત પાસે અવગમનની આવી સંપૃર્ણ વ્યવસ્થારૂપ ભાષા હોવાને કારણે જ પહેલી પેઢી જ્યાં પહેાંચી હોય છે ત્યાંથી બીજી પેઢી શરૂ કરે છે અને એમ વિકાસની શક્યતા રહે છે. એ વિકાસને કારણે જ સંસ્કૃતિ અસ્તિત્વમાં આવી શકી છે. ભાષાની ઉત્પત્તિની ચર્ચા બાજુએ રાખીએ તોપણ એટલું તો કહી જ શકાય કે માનવ સંસ્કૃતિએ પહેલું ડગ ભર્યુ હશે ત્યારથી જ ભાષાએ તેને સાથ આપ્યો છે અને ભાષાના સાથને કારણે જ માનવસંસ્કૃતિ આટલાં કદમ ભરી શકી છે. બીજી બાજુએ ભાષા એ સંસ્કૃતિનું જ એક મહત્ત્વનું અંગ છે. ધ્વનિસંકેતોનો કોઈ સીધો અર્થ થતો નથી એટલે ધ્વનિસંકેતોનો ઉચ્ચાર એ શારીરિક ક્રિયા હોવા છતાં ભાષા એ જન્મજાત આનુવંશિક બાબત નથી. માનવસમાજના દરેક સભ્યે એ શીખવી પડે છે. આ બાબત સ્પષ્ટ કરે છે કે ભાષા એ શીખી શકાતી પ્રવૃત્તિ છે. શીખી શકાતી બધી પ્રવૃત્તિઓ સંસ્કૃતિનાં અંગ ગણાય છે, કારણ કે એ બધી જ પ્રવૃતિઓ સંપૂર્ણ પણે માનવજાતની પેદાશ છે. સંસ્કૃતિનાં અન્ય પાસાંની જેમ જ ભાષા પણ સંસ્કૃતિનું એક અગત્યનું પાસું કે અંગ હોવાને કારણે જે તે સંસ્કૃતિનો પ્રબળ પ્રભાવ જે તે ભાષા ઉપર પડ્યા વિના રહે જ નહીં. સામાજિક માન્યતાઓ, વહેમો, ભાવનાઓ અને રૂઢિઓની સાથે શબ્દો અમુક રીતે સંકળાયેલા છે. ‘મૃત્યુ પામ્યા' એ ઉક્તિની અરુચિકરતા અને દુ:ખ ઓછું કરવા માટે ‘અવસાન પામ્યા’, ‘નિર્વાણ પામ્યા’ ‘કાળ ધર્મ પામ્યા', ‘અક્ષરવાસી થયા', ‘કૈલાસવાસી થયા', ‘શ્રીજી શરણ થયા', ‘વૈકુંઠવાસી કે ગોલોકવાસી થયા' એવા એવા પ્રયોગો ગુજરાતીઓ પ્રયોજે છે. હિંદીમાં ‘ચલ બસે' એવો પ્રયોગ થાય છે. અંગ્રેજીમાં પણ ‘to pass away', ‘falling asleep', 'departed' એવા પ્રયાગો કરવામાં આવે છે. ઉદાહરણોમાંની ગુજરાતી ભાષાની ઉક્તિઓ ગુજરાતમાં અસ્તિત્વ ધરાવતા અનેક ધર્મોના સંસ્કારની સાક્ષી પૂરે છે, એની નોંધ લીધા વિના ચાલે તેમ નથી, અમુક શબ્દ કહેવાથી થતા અર્થ અમંગળ, અનિષ્ટ કે અશ્લીલ ગણાતો થાય એટલે બને ત્યાં સુધી આ શબ્દને વપરાશમાંથી દૂર રાખવાનો પ્રયત્ન થાય. ‘ક્યાં જાઓ છો?’માં ‘ક્યાં’ અનિષ્ટકારક શબ્દ મનાયો એટલે सिध् (સિદ્ધ થયું) ઉપરથી થયેલો ‘શીદ' શબ્દ તેને બદલે વપરાયો. ઉક્તિની શરૂઆતમાં જ સિધ > શીદ બોલાય એટલે કામ સિદ્ધ થશે જ એવી માન્યતા બંધાઈ ગઈ છે. આવું જ ઘણા અશિષ્ટ કે અશ્લીલ ગણાતા શબ્દોની બાબતમાં થયું છે.

વળી, સમાજના વ્યવહારનો પ્રભાવ પણ ભાષા ઉપર પડે છે. ગુજરાતમાં ઘેાડાનો ઉપયોગ એટલો વ્યાપક પ્રમાણમાં નહીં હોવાથી ગુજરાતીમાં ચાલુ વ્યવહારમાં ‘ઘેાડા' માટે ઘણા શબ્દો નથી, પણ સૌરાષ્ટ્રમાં ‘તેજણ', ‘ટાયડી', ‘ટટ્ટુ' એવા શબ્દો મળી આવે છે. જોકે આમ છતાં હળમાં જોડાતો ઘેાડો, યુદ્ઘમાં ઉપયોગી ઘેાડો એમ ઘોડાના અનેક પ્રકારનાં જુદાં કાર્યો અનુસાર નામો તો આપણે ત્યાં નથી જ; જ્યારે મધ્યકાલીન જર્મન ભાષામાં એવાં નામો મળે છે. ગુજરાતમાં ‘બરફ’નું એવું કોઈ મહત્ત્વ નથી તેથી ગુજરાતમાં ‘બરફ' અને બહુ બહુ તો ‘કરા' (આકાશમાંથી પડતો ‘બરફ’) એવાં બે નામ મળે છે; જ્યારે એસ્કિમોને તો જમીન ઉપર પથરાયેલો બરફ, આકાશમાંથી પડતો બરફ, હવામાં ઊડતો બરફ, પાણીમાં તરતો બરફ, જામી જઈને કઠણ થઈ ગયેલો બરફ, લાકડાના વહેર જેવો બરફ, એમ અનેક જાતના બરફનો અનુભવ હોવાથી તેમની ભાષામાં બરફનાં જુદાં જુદાં પચીસ નામો મળે છે. અંગ્રેજીમાં she buffalo અને he buffalo એમ ભેંસ કે પાડા માટે એક જ શબ્દ છે; જ્યારે ગુજરાતીમાં ભેંસ, પાડો, ખડાય, પારેઠ ભેંસ, ભગરી ભેંસ, પાડી, પાડું એવા ઉંમર, જાતિ અને પ્રકાર અનુસાર કેટલાંક નામો પણ છે. ગુજરાતીમાં (મૂળ તો સંસ્કૃતમાં) મેઘ, ઘન જેવાં વાદળનાં અનેક નામો તથા કમળ, અરવિંદ, રાજીવ, પંકજ, નીરજ, જલજ એવાં કમળ માટેનાં અનેક નામો શું સૂચવે છે? કોઈ ભાષામાં ઊંટનાં વીસથી પચીસ નામો મળે એ શું સૂચવે છે ? તે તે પ્રજાના જીવનમાં એ પદાર્થ, પરિસ્થિતિ, પ્રાણી વગેરેનું મહત્ત્વ સૂચવે છે અને એનું મહત્ત્વ ઘણી સાંસ્કૃતિક બાબતોને લીધે હોય એ સ્વાભાવિક છે.

સંસ્કૃતિનો પ્રભાવ ભાષાના શબ્દો ઉપર જ પડે છે એવું નથી, પણ કેટલીક વાર તો તેનો પ્રભાવ ભાષાના માળખા (structure) સુધી વિસ્તર્યો હોય છે, ભાષાની કેટલીક અભિવ્યક્તિઓ તે ભાષા બોલનારી સ્ત્રીઓમાં જ સ્વભાવિક હાય છે તે તો ગુજરાતી ભાષાના ભાષકો પણ જાણે છે. ઉદાહરણ તરીકે ગુજરાતીમાં ‘મારો વીર’ કે ‘મારો વીરલો,’ ‘મારાં બાઇજી,' મારો રોયો' જેવી અભિવ્યક્તિઓ સ્ત્રીઓમાં જ સ્વભાવિક ગણાય છે. પુરુષો એનો ક્યારેય વ્યવહારમાં ઉપયોગ કરતા નથી. સિંધી ભાષામાં તો આવી સામાજિક પ્રણાલિકાની અસર ભાષાના માળખા ઉપર પણ જોઈ શકાય છે. સિંધી ભાષામાં ભાઈ માટે ‘ભાઉ,' માતા માટે ‘માઉ,' પિતા માટે ‘પીઉ,' બહેન માટે ‘ભેણા,’ પતિ માટે ‘ઘોટું’ જેવા શબ્દો વપરાય છે, કોઈને એમ કહેવું હોય કે ‘મારો ભાઈ' તો સિંધીમાં ‘મુહીન્જો ભાઉ' એમ કહેવાય છે. અથવા ‘મારો પિતા' તો ‘મુહીન્જો પીઉ' એમ કહેવાય છે. પરંતુ કોઈ સિંધી સ્ત્રી ‘મારો ભાઈ' એમ કહેવા ‘ભાણમી’ શબ્દ વાપરશે. ‘ભાણ’ એટલે ‘ભાઉ’ અને ‘મી' એટલે ‘મારો', કોઈ પુરુષ ‘ભાણમી’ એવો પ્રયોગ ‘મારો ભાઈ' માટે નહીં વાપરે. આ બાબત સૂચવે છે કે, સિંધી ભાષાનો અભ્યાસ કરનારે ભાષા ઉપરાંત કેટલાક સામાજિક માપદંડો પણ પોતાના અભ્યાસમાં સમાવવા પડે. ભાષા ઉપર સંસ્કૃતિની આવી પ્રબળ અસર હોવાથી જ ભાષાની મદદથી સંસ્કૃતિના ઇતિહાસની કેટલીક કડીઓ ઉકેલવાનો પ્રયત્ન થાય છે. એ સંસ્કૃતિ ધરાવનાર પ્રજાનું મૂળ રહેઠાણ, એ પ્રજાનું સાંસ્કૃતિક જીવન અને એ પ્રજાના સાંસ્કૃતિક સમન્વયો ભાષાની મદદથી સ્પષ્ટ થઈ શકે છે. સંસ્કૃત, ગ્રીક, લૅટિન, ફારસી, રશિયન વગેરે ભાષાના મૂળ સ્ત્રોતને ભારત–યુરોપીય ભાષા કહે છે તે જાણીતું છે. આ મૂળની ભારત-યુરે।પીય ભાષાનું તો આજે નામનિશાન મળતું નથી. પરંતુ તેમાંથી ઊતરી આવેલી આજની અનેક ભાષાઓમાં મળતા સરખા શબ્દોની મદદથી એ શબ્દો પાંચેક હજાર વર્ષ ઉપર કેવા રૂપમાં, કેવા અર્થમાં પ્રયોજાતા હશે તેનાં વૈજ્ઞાનિક અનુમાનો ભાષા-વિજ્ઞાનીઓએ કર્યાં છે. તે અનુમાનોને આધારે એ પ્રજાનું મૂળ રહેઠાણ અને તેના સાંસ્કૃતિક જીવનનો અંદાજ બાંધી શકાય છે. પાંચેક હજાર વર્ષ પહેલાં બોલાતી આ ભાષાના મૂળ ભાષકો ક્યાં રહેતા હતા? ખાસ કરીને વૃક્ષો, છોડવાઓ અને પશુપંખીઓનાં નામોની રસપ્રદ માહિતી આપણા પ્રશ્નની કૂંચી બની શકે એમ છે. સંઘરેલા દાણા, હળ, ખેડવું, દળવું, રહેઠાણો બાંધવાં વગેરે અર્થોને સૂચવતા શબ્દોનાં અનુમાન થઇ શકે છે. આ શબ્દો સૂચવે છે કે તેઓ રખડુ ટોળીઓમાં વસતા માનવો ન હતા. પરંતુ મોટે ભાગે સ્થિર થઇને ખેતી કરનારા માણસો હતા. વળી હંસ, મધમાખી ગરુડ, ઘુવડ જેવાં પાંખાળાં અને વરુ, રીંછ, ઘેટાં. ડુક્કર, બકરી જેવાં સ્તન્ય પ્રાણીઓનાં નામ મળે છે તે ઉપરથી, અને સ્પ્રૂસ ઓક, બીચ જેવાં વૃક્ષોનાં નામ ઉપરથી જે પ્રદેશોમાં પાંચ હજાર વર્ષ પહેલાં આ બધું હતું તેવા પ્રદેશને આ પ્રજાનો મૂળ પ્રદેશ માની શકાય. વળી હોડી, માછલી અને વહાણ જેવા શબ્દો દર્શાવે છે કે, આ કોઈ નદીકિનારાનો કે સરોવરનો પ્રદેશ હતો. વહાણો, સરોવરની શક્યતાને નકારે છે; તેથી નદીકિનારાનો પ્રદેશ હોય એ વધુ શક્ય છે. આ ઉપરથી વિદ્વાનોએ ચોક્કસ અનુમાન બાંધ્યું છે કે મધ્ય યુરોપના ઉત્તર ભાગમાં વિસ્તુલા અને એલ્બે નદીની વચ્ચેના પ્રદેશના આ મૂળ વતનીઓ હતા. જે તે પ્રજાજીવનની માહિતી પણ તેની ભાષાએ સાચવી રાખી હોય છે. ધૂંસરી, ધરી, હળ અને ચક્ર માટેના શબ્દો, સોનુ-ચાંદી દર્શક શબ્દો, દસ, સો, બાર, એકસોવીસ એવા આંકડા દર્શાવતા શબ્દો એ પ્રજાની ખેતી અને વેપારને સ્પષ્ટ કરે છે, તો બીજી બાજુ મા, પતિ, પત્ની, પુત્ર, પુત્રી, ભાઈ, બહેન, જમાઈ, વહુ એ બધા શબ્દો દર્શાવે છે કે લગ્નપ્રથા પર રચાયેલાં કુટુંબોથી એ સમાજ રચાયો હતો. સાસુ, સસરો, નણંદ, દિયર એ શબ્દો વહુનાં સાસરિયાંના સંબંધો દર્શાવે છે, જે પુરવાર કરે છે કે વહુ પરણીને સાસરે જતી અને પુરુષ કુટુંબનો વડો હતો. ભાષાના આ બધા શબ્દો ભારત યુરોપીય ભાષકોની પિતૃપ્રધાન સંસ્કૃતિની અસરને છતી કરે છે. સંસ્કૃતિ સાથે ભાષાનો આવો સંબંધ આપણને એક ડગલું આગળ પણ લઈ જાય છે. ઘણી વાર એકનો એક અથવા લગભગ સમાન અર્થ ધરાવનારા અને લગભગ એકસરખી રીતે ઉચ્ચારાતા શબ્દો દૂરદૂરના પ્રદેશની સંસ્કૃતિઓની ભાષામાંથી મળી આવે છે. આનાં ત્રણ અનુમાનો બાંધી શકાય. કાં તો એ માત્ર અકસ્માત હોય. પણ આવા શબ્દોની સંખ્યા વધુ હોય તો એ માત્ર અકસ્માત ન હોઈ શકે. તો કાં તો, એ બધી ભાષાઓ કોઈ એક જ સ્રોતમાંથી ઊતરી આવી હોય. પરંતુ ભાષાના માળખામાં કોઈ નોંધપાત્ર સરખાપણું ન હોય અને માત્ર આવા છૂટક શબ્દોનું જ સામ્ય હોય તો બીજું અનુમાન પણ યોગ્ય ઠરે નહીં. તો ત્રીજું અનુમાન એ રહે છે કે એ ભાષાઓ બોલનારા ભાષકો ક્યારેક સંપર્કમાં આવ્યા હતા અને એ સંપર્કને પરિણામે તેમની ભાષાઓમાં અરસપરસ આવા શબ્દોની આપલે થઈ હતી. શબ્દોની આવી આપલે સંસ્કૃતિઓના સમન્વયનો ઇતિહાસ રજૂ કરી શકે તેમ હોય છે. આપણે આગળ જોઈ ગયા કે ભાષા એ શીખી શકાતી પ્રવૃત્તિ છે. ભિન્ન ભિન્ન ભાષાઓ બોલનારાઓ સ્થાનાંતરને કારણે, વેપારને કારણે, યુદ્ધને કારણે એમ કેટલાંક કારણોસર સંપર્કમાં આવે એટલે આ બંને પ્રજાઓના કેટલાક પ્રજાજનો અવગમનની જરૂરિયાતને પહોંચી વળવા અરસપરસ એકબીજાની ભાષા શીખવાના, આવી રીતે બેય પ્રજાની ભાષાઓ જાણનારા એ બંને ભાષાના ઘણા બધા શબ્દોની હેરફેર માટે કારણભૂત હોવાના. કારણ કે કેટલીક બાબતો સૂચવતા શબ્દો એક ભાષામાં હોય અને અન્યમાં ન હોય તો પેલી ભાષામાં એ શબ્દોનો ઉપયોગ થવા માંડવાનો. ઉદાહરણોથી આ બાબત ઘણી સ્પષ્ટ થશે. આજે તો જગત વ્યવહારની દૃષ્ટિએ ઘણું નાનું થઇ ગયું છે. ટી, કૉફી, ઓરેન્જ, જિંજર, ટોબેકો, ટાઇકૂન જેવા શબ્દો જગતની લગભગ બધી ભાષાઓમાં મળે એવું બનાવવું. તે તે પદાર્થો અને વિભાવોની સાથે તે તે શબ્દો પણ જગતની બધી ભાષાઓમાં ફેલાઈ ગયા તે સ્પષ્ટ છે. આ શબ્દો કઈ કઈ સંસ્કૃતિઓનો સંપર્ક પ્રાચીન સમયમાં ક્યા ચોક્કસ સમયગાળા દરમ્યાન થયો હતો તેનો ઇતિહાસ ઉકેલવામાં ઘણી મદદ કરે છે. ઉદાહરણ તરીકે જિંજર શબ્દ જ લો આપણે તે। એમ માનીએ છીએ કે મૂળ આ અંગ્રેજી શબ્દ અને અંગ્રેજો જ્યાં જ્યાં એ પીણું લઈ ગયા ત્યાં ત્યાં આ શબ્દ પહોંચ્યો પણ વાસ્તવમાં પરિસ્થિતિ જુદી છે, એ વાત સાચી કે ભારતનાં ગામડાંમાં એ ‘જંજીરો’ રૂપે છેક ચાલીસેક વરસ પહેલાં પહોંચ્યું હતું. તેના પુરાવાઓ પણ છે. સ્વ. મેઘાણી રચિત ‘માણસાઈના દીવા’માં પૂ. રવિશંકર મહારાજને ગામડિયાઓ જંજીરો પીવાનો આગ્રહ કરે છે એવો એક પ્રસંગ છે. પણ એ શબ્દ ગ્રીકમાં પણ ‘ઝિન્ગિબેરિસ’ રૂપે મળે છે. તે લેટિનમાં થઇને અંગ્રેજીમાં ગયો એ પણ સાચું. અરબીમાં ‘ઝન્ઝબીલ ’ અને સંસ્કૃતમાં ‘શુઙ્ગિવેર’ શબ્દો છે તેને ગ્રીક શબ્દ ‘ઝિન્ગિબેરિસ' સાથે સરખાવી શકાય. આ બધા જ શબ્દોનું મૂળ દ્રાવિડી ભાષામાં છે. તામિલમાં આદુ માટે ‘ઇન્જિ’ શબ્દ છે. એ ભાષામાં ‘મૂળ’ માટેનો શબ્દ છે ‘વેર’ એટલે ઇન્જિવેર અથવા તેનું જૂનું રૂપ સિઙ્ગિવેર હોય તેના ઉપરથી આ બધા શબ્દો આવ્યાનું સ્પષ્ટ થાય છે. એટલું જ નહીં, અંગ્રેજીમાં તો મેન્ગો (કેરી) એ તામિલ માન્ગાય, બિટલ ( નાગરવેલનું પાન )એ એ તામિલ વેટ્ટિલે, અરેકા (સોપારી) એ તામિલ ‘અડકકે' અને રાઇસ (ચોખા) એ તામિલ ‘અરિશિ’નાં જ પરિવર્તિત રૂપો છે. આમાંનું રાઈસ જેવું શબ્દરૂપ ગ્રીક ‘ઓરિઝા’માંથી આવ્યું. પણ ‘ઓરિઝા’ એય તે તામિલ ‘અરિશિ’નું જ પરિવર્તિત રૂપ છે. એટલે તામિલભાષીઓ અને ગ્રીકો વચ્ચેના સેંકડો વરસ પહેલાંના સાંસ્કૃતિક સંપર્કોને આવા શબ્દો છતા કરી આપે છે. અંગ્રેજીમાં ચીની, રેડ ઇન્ડિયન અને આફ્રિકાની બાંટુ કુળની ભાષાઓના મળી આવતા કેટલાય શબ્દો અંગ્રેજી ભાષાના ભાષકોનો જગતની બધી સંસ્કૃતિઓ સાથેના સંપર્કના સૂચક છે. પોર્તુગીઝ ભાષાના ઘણા શબ્દો પણ જગતની ઘણી ભાષાઓમાં જોવા મળે છે, જે દર્શાવે છે કે પોર્તુગીઝ સંપર્ક ઘણે દૂર દૂર સુધી હતો. ભારતીય પ્રજાજનોનો જગતની અનેક પ્રજાઓ સાથેનો પ્રાચીન સંબંધ અને સંસ્કૃત અને સંસ્કૃતમાંથી કાળક્રમે ભિન્ન રૂપે અસ્તિત્વમાં આવેલી આજની અનેક ભારતીય ભાષાઓ ખુલ્લો કરી આપે છે. બૌદ્ધ ધર્મના પ્રચાર સાથે ચીન, જાપાન, ઇન્ડોનેશિયા, જાવા, સુમાત્રા એવા અનેક દેશોમાં ભારતીય શબ્દો પહોંચ્યા. આપણો જ ‘બુદ્ધ’ શબ્દ આવા અનેક દેશોમાં જુદા જુદા રૂપે પહોંચી પરિવર્તિત થતો થતો, ફારસીમાંથી ‘બુત’ રૂપે મૂર્તિના અર્થમાં આપણી ભાષામાં પાછો આવ્યો એ રસિક ઇતિહાસ ઘણાબધા સાંસ્કૃતિક સમન્વયો ઉપર પ્રકાશ ફેંકે છે. ઇન્ડોનેશિયા તરફ ‘વાણી'ના અર્થમાં વપરાતો ‘બહાશા’ એ આપણો જ ‘ભાષા' શબ્દ છે. ગુજરાતી ભાષામાં વપરાતા દામ અને કેન્દ્ર એ શબ્દોનો જ દાખલો લઈએ. આપણો ‘સાર્થ જોડણીકોશ' એવી માહિતી આપે છે કે દામ તે સંસ્કૃત द्रम्म શબ્દમાંથી આવ્યો અને કેન્દ્ર તો મૂળ સંસ્કૃત શબ્દ જ છે. શેરશાહ અને અકબરના સમયમાં ‘દામ' તાંબાનો સિક્કો હતો. આજે ‘દમડી’ એટલે પાઈ અથવા પૈસાનો ચોથો ભાગ અથવા પૈસા માટે વપરાતો તુચ્છકારવાચક શબ્દ એવું આપણે જાણીએ છીએ. ઉત્તર ભારતમાં નવમીથી તેરમી સદી સુધી દ્રમ્મ નામના રૂપાના સિક્કા વપરાતા. એ શબ્દ પ્રાચીન ગ્રીક લોકોના રૂપાના સિક્કા ‘દ્રખ્મ’ drachma સાથે મૂળ તો સંકળાયેલો છે. પરદેશી ચલણપદ્ધતિ આપણે અપનાવી તેની સાથે તે શબ્દ આપણે ત્યાં આવ્યો. એવું જ ‘કેન્દ્ર’ શબ્દનું છે. ગ્રીક શબ્દ કેન્ત્રોન (kentron—અણી)માંથી સંસ્કૃતમાં ‘કેન્દ્ર’ શબ્દ આવ્યો. આમ દામ અને કેન્દ્ર જેવા શબ્દો બે હજાર વરસથીય જૂના સમયના ગ્રીક લોકો સાથેનો આપણો સંબંધ જોડી આપે છે. દ્રવિડ ભાષાઓ અને સંસ્કૃત ભાષાઓ વચ્ચે ઘણો જૂનો સંબંધ હતો એ બાબત ઇતિહાસની અન્ય સામગ્રીઓની સાથે સાથે ભાષા પણ ચોક્કસ રીતે દર્શાવે છે. દ્રવિડ ભાષાઓમાં સંસ્કૃતના ઘણા શબ્દો મળે છે. તમિળમાં ‘કવા’ કે ‘કલઈ' એટલે કલા, વિજ્ઞાન, ભણતર એવા અર્થ થાય છે. કોડા ભાષામાં ‘કટ' એટલે ભણવું અને ‘કળીવ’ એટલે આંતરસૂઝથી કંઈક સર્જવું એવો અર્થ થાય છે. તોડા, કન્નડ, તેલુગુ, તુળુ તગેરે ભાષાઓમાં પણ ભણવું, શીખવું એવા અર્થમાં ‘કલીકે', ‘કડી’, ‘કડાચુ', ‘કલે' જેવા શબ્દો મળે છે. મૂળ આ બધા સંસ્કૃત કલા શબ્દમાંથી પરિવર્તિતરૂપે આ બધી ભાષાઓમાં ગયા છે. દ્રવિડ શબ્દ પોતે જ દ્રવિડ ભાષાઓનો નથી. દ્રવિડ ભાષાએ।માં કોઈ પણ શબ્દ જોડાક્ષરથી શરૂ થતો નથી તે એની લાક્ષણિકતા છે. મનુસ્મૃતિમાં અને મહાભારતમાં દ્રવિડ શબ્દ મળે છે અને કેટલેક સ્થળે દ્રવિડના પર્યાયરૂપે ‘દામીલા' કે ‘ડામીળા’ એવાં રૂપો મળે છે. આ ઉપરાંત પુરુષ, તાત, મુકુટ, મામકા, મુરલી, વ્યંજન જેવા પાંચસોછસો શબ્દો દ્રવિડકુળની જુદી જુદી ભાષાઓમાં જુદાં જુદાં પરિવર્તિત રૂપે અને જુદી જુદી અર્થછાયાઓ સાથે મળે છે. થોડાં વર્ષાં પહેલાં છાપાં દ્વારા બહુ જાણીતા થયેલા ‘કચ્છતિવુ' એ શબ્દપ્રયોગોમાંનો ‘તિવુ' તે ‘દિવુ’ અથવા ‘દિપુ’ છે, જે સંસ્કૃત ‘દ્વીપ’માંથી નિષ્પન્ન થયો છે. સામે પક્ષે સંસ્કૃત અને સંસ્કૃતમાંથી ઊતરી આવેલી અનેક ભારતીય ભાષાઓમાં દ્રવિડકુળની ભાષાઓના ઘણા શબ્દો આજેય જોવા મળે છે. સંસ્કૃતનો મનાતો ‘નીર' (પાણી) શબ્દ મૂળ દ્રવિડ ભાષાનો છે. એ તો ઘણી જાણીતી વાત છે કે સૌરાષ્ટ્રના કેટલાક પ્રજાજનો આજથી હજાર-બારસો વર્ષ પૂર્વે દક્ષિણમાં જઈને વસ્યા હતા. એ લોકોની ભાષામાં મરાઠી, કન્નડ, તમિળ વગેરે ભાષાના ઘણાં તત્ત્વો પ્રવેશ્યાં હતાં, તે ભાષા ગુજરાતી ભાષાના મૂળસ્રોત સાથે ઘણો ઘનિષ્ઠ સંબંધ દર્શાવે છે, આજે મદુરાઈની આસપાસ આ પ્રજાજનો વસે છે. એવું જ મદ્રાસ રાજ્યમાં તામિલનાડુમાં લગભગ દસેક હજારની વસ્તી ધરાવતી વાગડી પ્રજાનું છે. તેમને પૂછતાં તેઓ પોતાની ભાષાને મરાઠી, ઉર્દૂ, રાજસ્થાની એવા જુદા જુદા નામે ઓળખાવે છે. પણ તેઓની ભાષા વાગડી ગુજરાતીની ઘણી લાક્ષકિતાઓ ધરાવે છે. તે ઉપરથી મૂળ ગુજરાતી પ્રજા છે એમ સાબિત થઈ શકશે. ગુજરાતમાં જ અનેક સંસ્કૃતિઓનો સમન્વય થયો છે. તેની અસર ગુજરાતની ભાષાઓ ઉપર પડ્યા વિના રહી નથી. જે જે પરદેશીઓ અહીં આવ્યા અને અહીંની પ્રજામાં ભળી ગયા તેઓ પોતાની સાથે પોતાની ભાષા લાવ્યા હતા. તેમાંના જે વિજેતાઓ હતા તે પણ અહીંની પ્રજામાં લાંબે ગાળે ભળી ગયા તે એક આશ્ચર્ય પમાડે તેવી ઘટના છે. શકો, હૂણો, ગુર્જરો, મુસલમાનો એ એવી પ્રજાઓનાં ઉદાહરણો છે. પારસીઓ મિત્રો તરીકે આવ્યા હતા અને દૂધમાં સાકરની જેમ ગુજરાતી સાથે ભળી જઈને ગુજરાતીઓ તરીકે રહ્યા છે. એ બધી પ્રજાઓ ઘણીબધી ચીજ-વસ્તુઓ, નવા નવા વિચારો અને નવી નવી જીવનરીતિઓ અહીં લાવી. અને એ બધી સાંસ્કૃતિક રચનાઓની સાથે ગુજરાતી ભાષામાં ઘણાબધા નવા શબ્દો અને ઘણીબધી નવી અભિવ્યક્તિઓ આવી છે. વકટ, લેણ, મુટ, નાર, અંકી, બાંગો જેવા ગિલ્લીદંડાની રમતમાં વપરાતા શબ્દો ગુજરાતને મહારાષ્ટ્ર મારફતે દ્રવિડ ભાષાઓમાંથી મળ્યા છે. ઇસ્કોતરો, બટાકા કે તમાકુ જેવા શબ્દો પોર્તુગીઝમાંથી મળ્યા છે, ચટણી કે નવરા (પતિના અર્થમાં) જેવા શબ્દો મરાઠીમાંથી આવ્યા છે. પુસ્તક જેવો શબ્દ પહેલવી પોસ્તોક ઉપરથી ઊતરી આવ્યો છે. પરંતુ ગુજરાતી ભાષાના શબ્દભંડોળ ઉપર પણ સૌથી વધુ અસર તો ફારસી-અરબી અને અંગ્રેજીની થઇ છે. દેખીતું છે કે મુસલમાનો સાથેનો છેલ્લાં આઠસો નવસો વર્ષોનો સંપર્ક અને અંગ્રેજોનો છેલ્લાં બસો ત્રણસો વર્ષોનો સંપર્ક ઘણો ગાઢ હતો અને આપણી સંસ્કૃતિનાં બધાં જ પાસાં ઉપર મુસલમાન સંસ્કૃતિ અને યુરોપીય સંસ્કૃતિની ઘણી જ પ્રબળ અસર પડી છે. આપણે તેમના રીતરિવાજ, ખાણીપીણી, પહેરવેશ, મોજશોખ, સંગીત, બાંધકામ, કેળવણી, રાચરચીલું વગેરે જે જે સ્વીકાર્યું તેને તેને લગતા અનેક શબ્દો તે-તે ભાષામાંથી આપણે લીધા જ. રાજકારણ, રાજ્યવહીવટ, યુદ્ધ, આરોગ્ય, રોગ, ફળ, વૃક્ષો એમ અનેક ક્ષેત્રે તેમની અસરને સ્પષ્ટ કરતા અનેક શબ્દો આપણી ભાષામાં જોવા મળે છે. અગ્રેજી શબ્દનાં ઉદાહરણ તો ઘણાં જાણીતાં છે. પૉલિટિક્સ, પાર્લમેન્ટ, લેફ્ટનન્ટ, ગન, ઍરોપ્લેન, પોલીસગ્રાઉન્ડ, બંગલો, બિલ્ડિંગ, ટાવર, કૉન્ટ્રાક્ટ, યુનિવર્સિટી, કે પ્રોફેસર, લેક્ચર, લાઇબ્રેરી, હાઈસ્કૂલ, પિરિયડ, કૉલેજ, હોસ્પિટલ, રેડિયો, ટેલિવિઝન, ફિલ્મ, પાર્ટી, બાકસ, ટાઈફોઈડ, ટૂથપેસ્ટ જેવા અનેક શબ્દો એ બાબતને સ્પષ્ટ કરે છે. આ બધા શબ્દોની યાદીમાં બીજા સેંકડો શબ્દો ઉમેરીને ઉપર દર્શાવ્યા પ્રમાણે આ આરોગ્યને લગતા, આ કેળવણીને લગતા, આ રીતિરવાજને લગતા શબ્દો એવું વર્ગીકરણ સહેલાઈથી કરી શકાય. ગુજરાતી ભાષામાં ફારસી-અરબી શબ્દોની એવી જ વિપુલ પ્રમાણમાં હાજરી મુસલમાન સંસ્કૃતિ સાથેનો આપણો અનેક ક્ષેત્રોનો સમન્વય સ્પષ્ટ કરી આપે છે. કિલ્લો, અદાલત, તુમાર, તગાવી, દલીલ જેવા રાજકાજના; સૈયદ, મૌલવી, કાજી, દીવાન, મજમુદાર, થાણદાર, મુનશી એવા આપણી અટકો દર્શાવતા મૂળ તો તે હોદ્દાના; બંદૂક, તોપ, દારૂખાનું, હુકમ, જાસૂસ જેવા યુદ્ધના; કારંજ, ગુંબજ, મિસ્તરી જેવા બાંધકામના; તાલીમ, મદ્રેસા, ઉસ્તાદ જેવા કેળવણીના; ઇલાજ, દરદ, તબીબી, દવા, રોગ, હજમ જેવા આરોગ્યના; હુક્કો, બાજી, પ્યાદું, શરણાઇ. દિલરુબા, તરાના જેવા રમત-ગમતના અને સંગીતના; બુલબુલ, કબૂતર, ખરગોશ, જાનવર, બાજ, મરઘો જેવા પશુપક્ષીઓના; સફરજન અનાર, અંગુર, દ્રાક્ષ જેવા ફળફળાદિના; પિસ્તા, પિયાજ, બદામ, કૂદીનો, મેવો જેવા ખેતીવાડી અને સૂકા મેવાના; ગજ, તસુ, મણ, રતલ, વજન જેવા તોલમાપના; નુકસાન, માલ, વીમો, હવાલો જેવા વેપારના; ચાકર, દુકાનદાર, નોકર, કાગદી, હમાલ, પહેરેગીર, કસાઈ, બકાલ, મહેતર જેવા ધંધાદારી લોકેાને લગતા; આસમાની, કિરમજી, ખાખી, લાલ જેવા રંગોને લગતા; ઈજાર, કફની, ખમીસ, કુરતું, ઝભ્ભો, જામો, ડગલો, મોજું, રૂમાલ જેવા પોશાકના; ખુરશી, ગાલીચો, જાજમ, શેતરંજી, મેજ જેવા રાચરચીલાના; છબી, જામ, ફાનસ, ઝાડુ, તાસક, ડબો, ડોલ, રકાબી, રોશની, શીશો, સાબુ, પડદો જેવા ઘરવપરાશની અનેક ચીજોના: કદમ. કમર, ગરદન, ચશ્મ (જેના પરથી ચશ્માં થયાં). જાન, જબાન, જિગર, બદન, સીનો, સૂરત, સિકલ જેવા શરીરનાં અંગોને લગતા; ઝાંઝર, જવાહિર, નીલમ, બાજુબંધ જેવા દાગીનાઓના; અને સૌથી વધુ તો ગુલાબજાંબુ, મુરબ્બો, બરફી, શીરો, હલવો, પુલાવ, જલેબી, બીરંજ, કુલફી જેવા ખાણીપીણીના અનેક શબ્દો આપણને ખબર પણ પડતી નથી કે આવા બધા શબ્દો ફારસી-અરબીના આપણે વાપરીએ છીએ. અનેક ભાષાઓના આવા ઘણા બધા શબ્દો આપણને એટલા સહજ રીતે જીભે ચડી ગયા છે કે તે આપણને ક્યારેય પારકા લાગતા નથી. આ બતાવે છે કે, સંસ્કૃતિનાં અન્ય અંગોને આપણે જેટલા પ્રમાણમાં સહજ રીતે આત્મસાત કરી લઈએ છીએ, તે જ રીતે આ બધા શબ્દોને પણ સહજ રીતે આત્મસાત્ કરી લઈએ છીએ. જીવનનાં અન્ય ક્ષેત્રોમાં આપણે અન્ય સંસ્કૃતિઓની અસર સ્વીકારી છે તે હકીકત ભાષા કેવી ખુલ્લી કરી આપે છે! રખેને આપણે માનીએ કે જલેબી અને શીરો ગુજરાતી જ ભોજન છે; ખમીસ અને ઝભ્ભો ગુજરાતી જ પોશાક છે. આમ, સંસ્કૃતિના વ્યાપક સંદર્ભને ભાષા સ્પર્શે છે. દેખીતી રીતે આપણે જે વિચારીએ, જે રીતની સમાજવ્યવસ્થા ગોઠવીએ, જે રીતનો આપણે જીવનક્રમ ગોઠવાય તે રીતે ભાષાની અભિવ્યક્તિઓ પણ સધાય. પણ એટલું ધ્યાનમાં રાખવું જોઈએ કે ભાષા એ માત્ર વિચારવા માટે કે વિચારને વ્યક્ત કરવા માટેનું જ માધ્યમ નથી. ક્યારેક ભાષા વિચારોને ઘડે પણ છે. પણ એ વાતનો વિસ્તાર અહીં પ્રસ્તુત નથી, ઓછામાં ઓછું આટલા ઉપરથી એ તો સ્પષ્ટ થયું જ હશે કે ભાષા આપણી સંસ્કૃતિના એકે એક અંગ સાથે કેટલી ગાઢ રીતે સંકળાયેલી છે. ઉદાહરણ આપવું હોય તો એવું આપી શકીએ કે શ્વાસ લેવાની પ્રક્રિયા જીવવા માટે ઘણી અગત્યની બાબત છે પણ એ એટલી સ્વાભાવિક છે કે તેના તરફ વિશિષ્ટપણે ધ્યાન જતું જ નથી; એવું જ ભાષાનું છે. સંસ્કૃતિ અને ભાષાને સંબંધ એટલો નજીકનો છે કે એક વિના અન્યને ચાલે એમ નથી; પણ એ એવા સ્વભાવિક સંબધ છે કે આપણું ધ્યાન તે તરફ જતું નથી. ભાષા એ એવી સ્વાભાવિક અને રોજ-બ-રોજની પ્રક્રિયા છે કે તે ઘણી મહત્ત્વની હોવા છતાં તેના મહત્ત્વ તરફ આપણું ધ્યાન ભાગ્યે જ ખેંચાય છે.