ભાષા, સમાજ અને સાહિત્ય/‘વસંતવિજય’ની સંરચના–એક તપાસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૧૦

‘વસંતવિજય’ની સંરચના — એક તપાસ

પ્રાસ્તવિક: આ સદીની શરૂઆતથી જ એ બાબત ઘણી સ્પષ્ટતાથી વિચારવામાં આવી છે કે કવિતામાં ભાષાના ઉપયોગ અંગેની તપાસ કોઇ પણ કવિતા વિવેચનની ઘણી અગત્યની-મહત્ત્વની બાબત છે; કારણ કે ભાષા અને કલાનું બેવડું સભ્યપદ એકસાથે ધરાવવું તે કવિતાની લાક્ષણિતા છે. ભાષા એ કવિતાનું લાક્ષણિક માધ્યમ છે જેને કારણે એમ પણ કહી શકાય કે કવિતા એ ભાષાની કલા છે. ભાષા કવિતાના આકારને જન્મ આપે છે અને એ આકારની અંદર જ કવિતાનું કવિતાપણું અસ્તિત્વ ધરાવતું હોય છે. બીજી રીતે કહીએ તો ભાવક કવિતાને તેના આકાર દ્વારા જ પામે છે અથવા કવિતાના હાર્દને તેના આકાર દ્વારા જ આસ્વાદે છે. આમ હોવાથી કૃતિની ભાષાના પૃથક્કરણ-વર્ણનની મદદથી તેના આકારનું અર્થઘટન કરીને તેનું મૂલ્યાંકન કરી શકાય. ગુજરાતી ભાષામાં રચાયેલાં કાવ્યોમાં ‘વસંતવિજય'નું સ્થાન અત્યાર સુધી ગૌરવપૂર્ણ રહ્યું છે. ગુજરાતી ભાષાની શક્તિ અને માણસજાતની અશક્તિ બંને એ કવિતામાં ઉત્કટ રીતે વ્યક્ત થાય છે.[1] ‘થોડા સાદા શબ્દોમાં કેટલો ઉત્કટ ભાવ એમાં ભરી દીધો છે’1 ‘થોડા સાદા શબ્દો' વડે એ કેવી રીતે થઈ શક્યું છે તેની તપાસ કરવાનો અહીં એક પ્રયત્ન છે.

વિરોધનું કાવ્ય :

જાણીતું છે કે આ વિસંવાદિતા-વિરોધનું કાવ્ય છે. પાંડુની પ્રકૃતિગત રસિકતા ઉપર સભાન મને બુદ્ધિથી વૈરાગ્ય લાદ્યો છે. રસિકતા તેની સ્વાભાવિક પ્રકૃતિ છે તેનાં પ્રમાણો કવિતામાંથી જ ઘણાં મળી રહે છે. આમ સ્વભાવે રસિક પાંડુને સભાન રીતે વૈરાગ્યની સ્થિતિમાં જીવવું પડે છે એ દૃષ્ટિએ સ્વાભાવિક અને અસ્વાભાવિક જીવનક્રમ વચ્ચેના અથવા પ્રકૃતિગત રસિકતા અને ‘યોગાંધત્વ’ વચ્ચેના વિરોધનું આ કાવ્ય છે.[2] આપણી તપાસનો વિષય એ છે કે કવિતાને પામવાના અનેક અભિગમોમાંથી કવિતાની ભાષાના પૃથક્કરણ અને અર્થઘટન દ્વારા તેની સંરચના તપાસીને તેને પામવાના અભિગમની યોગ્યતા નકકી થઈ શકે છે કે કેમ? બીજી રીતે આ કાવ્યની સંરચના દ્વારા (તેના Linguistic structureની તપાસ દ્વારા) આ કવિતાના હાર્દની તપાસ થઈ શકે એમ છે ?

કાવ્ય ભાષાની તપાસ :

કાવ્યની સંરચનાની તપાસમાં એકબીજાની સાથે સંકળાયેલાં વાક્યોના સંબંધથી કાવ્યનો આકાર કેવી રીતે બંધાયો છે તેનો અભ્યાસ કરવાનો રહે છે. એ પંક્તિઓમાં અમુક જ રીતે વિશેષણ –વિશેષ્યનો સંબંધ કેમ ગોઠવાયો છે, અમુક જ રીતે કાળનો પ્રયોગ કેમ કરવામાં આવ્યો છે, અમુક જ જાતની વાક્યરચનાઓ શા માટે પ્રયોજાઈ છે, આવા પ્રશ્નોની તપાસ દ્વારા કાવ્યભાષાનું પૃથકકરણ કરીને તથા તેનું અર્થઘટન કરીને કવિતાના આકારને સમજવાનો પ્રયત્ન થઈ શકે. આ કાવ્યની ભાષાનું પૃથકકરણ કરતાં આંખે ઊડીને વળગે એવી લાક્ષણિકતાઓમાં અનુષ્ટુપ/શિખરિણી અને અનુષ્ટુપ/વસંતતિલકા એ ઘટકોમાં આવતી કડીઓ[3] અને વર્તમાન/ભૂતકાળનો ચોકકસ પ્રકારનો ઉપયોગ ગણાવી શકાય. સહેજ જ ઝીણવટમાં જતાં નકારાત્મક વિધાનો અને દરેક કડીનું એ કડી પૂરતું એકસરખું વ્યાકરણી માળખુ નોંધી શકાય. કેાઈના મોંમાં ન મુકાઈ હોય એવી બધી જ પંક્તિઓમાં વચ્ચે ક્યાંય વિરામચિહ્ન આવતાં નથી. તે બાબત ઉપયોગી છે. નામ —વિશેષણોનો અમુક ચોક્કસ પ્રકારનો સંબંધે અને અનેક સંદર્ભોની ક્ષિતિજોને ખુલ્લા કરતા સંસ્કૃત અને તળપદા શબ્દપ્રયોગો તપાસવાના રહે છે, તો પુનરાવર્તન કેવી રીતે આસ્વાદ્ય બને છે તે જોવાનું રહે.

છંદ અને કાળ :

માદ્રીની ઉક્તિ કાવ્યની શરૂઆત માટેનું નિમિત્ત છે. કવિ કોઈ કથા લઈને આવ્યો છે. ‘હજારો વર્ષો એ વચન નીકળ્યા ને વહી ગયાં'થી શરૂ થયેલું કાવ્ય ‘હજારો વર્ષો એ પછી પણ હવે તે વહી ગયા'થી પૂરું થાય છે. એ બે પંક્તિઓની વચમાં આખું કાવ્ય મૂકાયું છે. શિખરિણી છંદમાં મુકાયેલાં સાદાં વિધાનો કરતી કડીથી કાવ્ય શરૂ થાય છે. વ્યાકરણી માળખાની દૃષ્ટિએ શિખરિણી છંદમાં મુકાયેલાં એવાં જ સાદાં વિધાનો કરતી કડીથી કાવ્ય સમાપાય છે.

આ આખા કાવ્યમાં જ્યાં જ્યાં શિખરિણીનો ઉપયોગ થયો છે તે લગભગ બધી પંક્તિઓ વર્તમાન કાળ લઈને આવે છે. આ કારણે આ આખા કાવ્યનું માળખું વર્તમાનકાળનો ઉપયોગ કરતી પંક્તિ વડે બનેલું અનુભવાય છે, એ જ રીતે અનુષ્ટુપની બધી જ પંક્તિઓ (શરૂઆતની અને વચ્ચેની બેત્રણ કડીઓ બાદ કરતાં) ભૂતકાળનો ઉપયોગ કરે છે. અલબત્ત, અનુષ્ટુપમાં લખાયેલી ‘પૂર્વાશ્રમતણી બુદ્ધિ...’ એ કડીમાંની પડેલી પંક્તિ ભૂતકાળમાં અને બીજી વર્તમાનકાળમાં છે જે સૂચક છે. આ કડી એવું સૂચવે છે કે હવે પાંડુ જીવનના અસ્વાભાવિક જીવનક્રમને સ્વાભાવિક રીતે ભૂલી ગયો છે. ભૂતકાળના એ અસ્વાભાવિક જીવનક્રમને ભૂલી જઈને અને એ રીતે સાંપ્રતની બધી જ બાબતોને પણ ભૂલી જઈને–વર્તમાનમાં સ્વાભાવિક જીવનક્રમમાં જીવવાનું એનાથી શરૂ થઈ ગયું છે. અસ્વાભાવિક આચરણ કરવું પડે છે, સ્વાભાવિક આચરણ આપોઆપ થઈ જાય છે. વર્તમાન તેને સ્વાભાવિક જીવનક્રમ તરફ લઈ જવા કરે છે. વસંતતિલકા, સ્રગ્ધરા અને શાર્દૂલમાં પણ વર્તમાનનો જ પ્રયોગ છે તે પણ આ દૃષ્ટિએ સૂચક ગણાય. આખા કાવ્યમાં માત્ર એક જ કડીમાં સ્ત્રગ્ધરાનો અને એ રીતે માત્ર એક જ કડીમાં શાર્દૂલનો ઊપયોગ કર્યો છે. સંરચનાની દૃષ્ટિએ એ છંદોની સંબધ્ધતા તપાસવી જોઇએ. સ્ત્રગ્ધરા કોઈ પણ વર્ણનને ‘ધીમે ધીમે ઝટાથી' રજૂ કરવા માટે નીવડેલો છંદ છે. કવિને ‘વસંતપ્રસર’નું જે અસરકારક વર્ણન કરવું છે તેમાં એ છંદ ક્યાંય પાછો પડતો નથી, એ કડીનું વર્ણન ‘ગાળી નાંખે હલાવી રસિક હૃદયને' એવું થયું છે એમાં બે મત નથી. શાર્દૂલ સામાન્ય રીતે લગ્નમાં કોઈ પણ બે જોડાય તેનું વર્ણન કરવા માટેના નીવડેલો છંદ છે... ‘સાથે એક કરું પ્રિયા હૃદય ને' એવા અદમ્ય આવેશને એ ઉચિત રીતે, જરા લડખડાયા વિના વર્ણવે છે. કૃષ્ણ/શ્વેત અને કૃષ્ણ/રક્ત આરસના બાંધેલા મહેલમાં વચ્ચે બે પટ્ટીઓ સળંગ નીલા અને આસમાની રંગોની આવી ગઈ છે.

આકારની દૃષ્ટિએ વર્તમાન/ભૂતકાળ :

વર્તમાનકાળ / ભૂતકાળના ઉપયોગને છંદની સાથે જોડવાની સાથે સાથે ભાવના વળાંકોની સાથે પણ જોડવા જોઈએ. કવિતામાં એના ઉપયોગની નોંધ લેતાં સુરેખ આકાર ઊપસે છે. ‘થઇ હતી/ગઈ હતી’ (કડી–૭), ‘આવતા હતા/ભાવતા હતા' (ક–૯), ‘થયો હતો/ગયો હતો ' (ક–૧૩), ‘થયું હતું/ગયું હતું' (ક–૧૯), ‘ધર્યું હતું/કર્યું હતું' (ક-૨૭) એમ લગભગ અડધા કાવ્ય સુધી ભૂતકાળનો ઉપયોગ જોઈ શકાય છે. અહીં સુધી વર્તમાનકાળનો પણ ઉપયોગ તો છે જ, પણ હવે પછીના અડધામાં માત્ર વર્તમાનનો જ ઉપયોગ છે. આ બાબત ઘણી સૂચક છે. કાવ્ય અડધે પહોંચે છે ત્યાં સુધી વર્તમાન/ભૂતકાળ વચ્ચેનો સંઘર્ષ છે, મથામણ છે. એ પછીના અડધા કાવ્યમાં વર્તમાનનો સ્વીકાર છે, અડધા કાવ્ય પછી તો પાંડુ ભૂતકાળને ભૂલી જાય છે, ‘મટી તાપસ’ એ પાછો ‘ભર્તા' થાય છે, જે સ્વાભાવિક છે તેમાં સરી પડે છે અને પછી તો કવિ સર્વત્ર વર્તમાનનો જ ઉપયોગ કરે છે. કડી ૩૧માં પહેલું ચરણ ભૂતકાળનું છે. બીજું વર્તમાનનું છે ત્યાં એ સાંધો તરત પકડી શકાય છે. અત્યાર સુધી જે તાપસ હતાં તે પાછાં ‘દંપતી' થયાં છે એમ દર્શાવતો ‘દંપતી' શબ્દનો ઉપયોગ કવિએ આ જ કડીમાં કર્યો છે. કડી ૩૪માં તો પછી સનાતન ‘પુરુષ' અને ‘સ્ત્રી' જ રહે છે, કવિ લખે છે, ‘સ્ત્રી સંગે નર્મ ગોષ્ઠિમાં'... આમ કવિતાના પૂર્વાર્ધમાં મથામણ દ્વારા તનાવ (tension)ની કવિ જે પૂર્વભૂમિકા બાંધે છે તેમાં વર્તમાનકાળ/ભૂતકાળનો ઉપયોગ બહુ મોટો ભાગ ભજવે છે. કાવ્યના ઉત્તરાર્ધમાં તો પછી વર્તમાનની, જીવનનો જે સ્વાભાવિક ક્રમ છે તે પ્રત્યેની શરણાગતિ છે.

‘નકાર’નું મહત્ત્વ :

જીવનના અસ્વાભાવિક ક્રમમાં જીવવાની સ્થિતિ સામેનો નકાર માદ્રીની શરૂઆતની ઉક્તિમાં જ સ્પષ્ટ રણકાય છે. ‘સ્હવાર’ નથી, ‘ઘોર અંધારું છે' અને ‘ઘોર અંધારા'માં સ્નાન માટે જવું એ અસ્વાભાવિક બાબત હોઈ એમ ન કરવાની વિનંતિ છે. ‘નહિ નાથ ! નહિ નાથ ! ન જાણો કે સ્હવાર છે!' અંતરમાંથી ઊગેલા વૈરાગ્યના સ્હવાર વિના—એવા પ્રકાશ વિના—તાપસ જીવન તરફ ડગ ભરવાને ‘હજી તો બહુ વાર છે.' આપણો તારવેલો અર્થ માદ્રીના મનમાં કે કવિના મનમાં છે કે નહિ તેની આપણને ખબર નથી. પણ સહેજ ખેંચાઈને પણ એવો અર્થ તારવવાની લાલચ આપણે જતી કરવા માગતા નથી. કડી ૨૭, ૨૮ અને ૩૦માં નકારનો ઉપયોગ બદલાતી પરિસ્થિતિને સ્પર્શે છે. ‘નહીં લાવણ્યને ઓછું વનવાસે કર્યું હતું.’ ત્યાં વનવાસથી લાવણ્ય ઓછું નથી થયું—તાપસજીવન જીવવાનું લદાયું છતાં જીવનનો સ્વાભાવિક ધબકાર ચાલુ રહ્યો છે તેમ દર્શાવાયું છે. એ પછીની કડીમાં ‘નહિ અરર આંહી રહી શકે પ્રિયે!' એમ રાજા કહે છે. કારણ સ્પષ્ટ છે કે એકાકી જીવવાનું કેવી રીતે શક્ય અને સહ્ય બને—અને તેય ‘શીતલ હવા’ અનુભવાતી હોય ત્યારે? ત્રીસમી કડીમાં એ નકાર બેવડાઈને પ્રબળ બનીને આવે છે. ‘માદ્રી નહિ કરી શકી કંઈએ નકાર’ આ કડીમાં બે નકાર ભેગા થઈને એક હકારની સ્થિતિ તરફ કવિતાને દોરી જાય છે. ભૂતકાળ/વર્તમાનકાળનો ઉપયોગ લગભગ અહીં જ આવીને અટક્યો છે તેને આની સાથે સંબંધ છે. હવે ‘હકાર'ની વર્તમાન સ્થિતિ જ રહે છે, કડી ૩૯માં માદ્રી શંકા પામે છે પણ કંઈ ‘નકાર' કરી શકતી નથી. કડી ૪૫માં તો રાજા ખુલ્લી રીતે પોકારી ઊઠે છે, ‘સહન મુજથી આ નથી થતું; નહીં મારે જોઈએ તપફલ, ભલે એ સહુ જતું’, કડી ૪૮, ૪૯માં માદ્રી જીવનના સ્વાભાવિક ક્રમને વશ થતા પાંડુને રોકવાનો પ્રયત્ન કરે છે પણ ‘ક્ષમા—પ્રાણ નહીં' અને ‘રે હાય! હાય ! નહિ નાથ નહિ', એ બે ઉક્તિઓ બોલવા છતાં ‘આ તો નહિ ખમાય રે’ એ અસ્વાભાવિક જીવનક્રમ સામેના પ્રબળતમ નકાર પાસે વિચાર કરવાનો સમય જ માદ્રી પાસે રહેતો નથી અને એ ‘નરેન્દ્ર ભુજની મહીં' ઝંપલાવીને રાજાને અનુકૂળ થાય છે. કાવ્યમાં ‘નકાર' ધરાવતી ઉક્તિઓ પરિસ્થિતિને ‘હકાર’ (positiveness) તરફ દોરી જાય છે. જીવનનો અસ્વાભાવિક ક્રમ નકારાત્મક છે. એ નકારાત્મક કેટકેટલી મથામણને અંતે જીવનની સ્વાભાવિક સ્થિતિમાં (positivenessમાં) પરિણમે છે એનું દર્શન એ ઉક્તિઓ કરાવે છે. જીવનની એ સ્વાભાવિકતા પાછી મેળવવા પાંડુને ભલે ‘એ તપફલ સહુ' જતું કરવું પડ્યું પણ તેનો સ્વીકાર કર્યા વિના તેનો છૂટકો નથી. જીવનનો એ અનિવાર્ય ક્રમ બની રહે છે. પાંડુના જીવનની કરુણતાની પરાકાષ્ઠા ત્યાં આવે છે.

વિરામચિહ્નોનો ઉપયોગ:

પાત્રોના મેાંમાં મુકાયેલી પંક્તિઓમાં વચ્ચે વચ્ચે વિરામચિહ્નો આવે છે જે પાત્રોનો ખમચાટ સૂચવે છે. અસ્વાભાવિક જીવનક્રમને વળગી રહેવું? ન વળગી રહેવું? એનાથી છૂટવું? ન છૂટવું? એનો ખમચાટ એમની ઉક્તિઓમાંનાં વિરામચિહ્નો છતો કરી આપે છે. ‘નહિ નાથ ! નહિ નાથ !' સૌંદર્ય શું? જગત શું? ‘છટાથી છોડી દે!' ‘ક્ષમા–પ્રાણ નહિ,’ ‘અરેરે, આ આવું પ્રબળ દુ:ખ ! એ બધી પંક્તિઓ મથામણને કારણે આવતા ખમચાટને વ્યક્ત કરે છે. અંતે નિર્ણય ‘ત્વરાથી દેહ જોડી દે.’ નો આવે છે. પાત્રોના મોંમાં ન મુકાઈ હોય તેવી લગભગ બધી પંક્તિઓ ‘ત્વરાથી દેહ જોડી દે' એ નિર્ણય તરફ સળંગ વહી જાય છે. વચ્ચે ‘ઊડે, દોડે, એવી જળચર કરે ગમ્મત ઘણી' જેવી બેત્રણ પંક્તિઓમાં ‘ઊડે, દેાડે,' પછી કવિએ વિરામચિહ્નો મૂક્યાં છે પણ તે ત્યાં જરૂરી નથી. આ દૃષ્ટિએ આવી બધી પંક્તિઓમાં પંક્તિ પૂરી થાય ત્યાં જ વિરામચિહ્ન આવે છે તે બાબત નોંધપાત્ર બની રહે છે.

ભાષાની પ્રચ્છન્ન ભાતો:

ભાષાની સમધારણ ભાતો (normal patterns)નો ઉપયોગ અને તેમાંય ખાસ કરીને બોલચાલનાં સીધાં વાક્યોનો ઉપયોગ આ કાવ્યની એક અગત્યની લાક્ષણિકતા છે. એટલે સુધી કે શોધતાંય આખા કાવ્યમાંથી આંગળીને વેઢે ગણી શકાય એટલા અલંકારો એમાંથી મળે એમ છે.

‘ ઝાંખી ભરેલ જળની સ્થિરતા જણાય.’
‘છટાથી કુસુમરજ લઈ ડોલતો વાયુ વાય.
‘ધોળાં અનેક ગમથી ઝરણાં પડે છે.’

જેવી કેટલીક પંક્તિઓમાં ભાષાની અસમધારણ ભાતો (latent patterns in general)નો ઉપયોગ જોવા મળે છે. ‘ઝાંખી- સ્થિરતા’ની વચ્ચે ‘છટાથી ડોલતો વાયુ'ની વચ્ચે અને ‘ધોળાં ઝરણાં’ની વચ્ચે ભાષાની સમધારણ ભાત હોય તો બીજા શબ્દો ન આવત તે દેખીતું છે. છંદને કારણે (છંદમાં શબ્દોને અમુક રીતે ગોઠવવાના હોવાને કારણે) કવિએ આમ કર્યું છે તે એનું દેખીતું સાદું કારણ છે; પણ આમ થતાં કવિતાની નકશીમાં એક છોગું ઉમેરાય છે. કવિએ આવાં ચારેક સ્થળે આ પ્રચ્છન્ન ભાતો (latent patterns in particular)નો ઉપયોગ કવિતાના હાર્દમાં રહેલા ‘વિરોધ’ના તત્ત્વને ઉપસાવવા કર્યો છે. 'ઝાંખી સ્થિરતા’માં ‘ઝાંખી’ વિશેષણ સ્થિરતા[4] ને લાગ્યું છે અને તે સ્થિરતા તળાવના ભરેલા જળની છે. ભરેલા બંધિયાર જળની સ્થિરતા ‘ઝાંખી’ હોવાનું કારણ ત્યાં અંધારું છે; પણ અગત્યનું એ છે કે એ સ્થિરતાને જોતાં નૃપના તર્ક ક્યાંય તણાય છે. કોઈ કામ કરવાનો શ્રમ હોઈ શકે પણ અહીં કવિ અનિદ્રાને કારણે, કશીક વસ્તુની અનુપસ્થિતિ કે અભાવ–ને કારણે પાંડુને શ્રમ લાગ્યો છે એમ દર્શાવે છે. અહીં ‘અ-નિદ્રા' શબ્દમાંનો ‘અ' અભાવનો સૂચક છે. ‘ઊઠેલી સૃષ્ટિના વિષમ સ્વર’, ‘અરુણોદયથી કોલાહલ’ અને ‘પૂર્વની રક્તિમા સાથે વધતો આક્ષેાભ' ( કડી ૧૪–૧૫) એ ત્રણ બાબતો કવિ જે મધુર રમ્ય દૃશ્યનું વર્ણન ‘થવા માંડ્યાં’થી માંડીને 'શિખરો નભને અડે છે.' સુધીમાં કરે છે તેની સાથે બંધ બેસતું નથી પણ ઊલટાનું એ બધા પ્રયોગો દૃશ્ય અને શ્રાવ્ય વચ્ચેનો વિસંવાદ–વિરોધ વ્યક્ત કરે છે. રાજાના ચિત્તમાંના ઠરતા જતા ‘વિષમ સ્વર', ‘કોલાહલ' અને ‘આક્ષેાભ'ના સંદર્ભમાં પણ એ પ્રયોગો વિરોધને વ્યક્ત કરે છે. ચોથો સૌથી અગત્યનો ઉપયોગ તે ‘પડે દૃષ્ટિ માટે વન તરફ લાગે નીરખવા' (કડી ૨૪) એ પંક્તિનો છે. પાંડુ અત્યાર સુધી ઇરાદાપૂર્વક (intentionally) જીવ્યો છે અથવા તેને અત્યાર સુધી ઇરાદાપૂર્વક અમુક રીતે જીવવું પડ્યું છે પણ એ અસ્વાભાવિકતાના વિરોધમાં એની આ પ્રવૃત્તિ (‘પડે દૃષ્ટિ માટે' નીરખવું એ પ્રવૃત્તિ) સ્વાભાવિક જીવનક્રમને રજૂ કરે છે જે હવે પછી સ્વાભાવિક રીતે આચરાવાની પ્રવૃત્તિઓનો નિર્દેશ છે. એટલે આ ચારે પ્રયોગો-સ્થિરતા છતાં તણાતા તર્ક, ‘કશાકના શ્રમ'ના વિરોધમાં ‘અનિદ્રા', નિદ્રાના અભાવનો શ્રમ, ‘વિષમ સ્વર, કોલાહલ અને આક્ષેાભ'ના વિરોધમાં અરુણોદય અને સુંદર પ્રકૃતિનું દર્શન અને ઈરાદાપૂર્વક જિવાતા તાપસ જીવનના વિરોધમાં સ્વાભાવિકતાથી દૃષ્ટિ પાડવાને કારણે જ નીરખાતું વન—આ કવિતાના હાર્દને આકારમાં રજૂ કરવા મથતી કાવ્યસંરચનાની નકશીમાં વધારો કરે છે.

શૈલી : કોમળતા અને માધુર્ય :

અનેક વાર કાન્તની શૈલીને ‘મધુર કોમલ કાન્ત પદાવલી’ તરીકે વર્ણવવામાં આવી છે. પણ એ શૈલીમાં કાન્ત, કોમળ અને મધુર તત્ત્વો કયાં છે તે આંગળી મૂકીને બતાવવાનો પ્રયત્ન ભાગ્યે જ થયો છે. આ કાવ્યની ભાષાના પૃથક્કરણને આધારે એમાં કોમળ તત્ત્વ કયું, મધુર તત્ત્વ કયું અને કાન્ત તત્ત્વ કયું તેનું અર્થઘટન કરી શકાય એમ છે. આપણે જ્યારે કોઈ પણ શૈલી માટે ‘કોમળ' શબ્દ વાપરીએ ત્યારે ભાષા અને રચનાનાં કયાં લક્ષણો આપણા મનમાં હોય છે તે સ્પષ્ટ હોવું જરૂરી છે. ઉચ્ચારાતા કેટલાક વર્ણો કર્ણમધુર હોય છે, કેટલાક કર્ણકઠોર હોય છે તે સૈકાઓથી સ્વીકારાયેલી બાબત છે. કવિતા એક રીતે સાંભળવાની કળા હોઈ કવિએ પોતાનું કાવ્ય ગૂંથવામાં પ્રયોજેલા શબ્દો કવિતાના હાર્દને અનુરૂપ છે કે કેમ તેનું પૃથક્કરણ કરવાનું રહે. આ કાવ્યમાં સર્વત્ર વસંતની મધુરતા ફોર્યા કરે છે. કવિતાના આકારની દૃષ્ટિએ એનું એક કારણ આ કાવ્યમાં અમુક ક્રમમાં વપરાયેલા વર્ણો છે. કવિએ કર્ણમધુર વર્ણો ધરાવતા શબ્દોની શેાધ કરી છે અને એ શબ્દો એવા તો ક્રમમાં ગોઠવ્યા છે કે એ આખી શબ્દરચના કે એ અખો પદક્રમ એ મધુરતાને એની પરાકાષ્ઠા ઉપર લઈ જાય છે. કવિએ આ કાવ્યમાં જે શબ્દો પ્રયોજ્યા છે તેમાં લગભગ બધા દેખીતી રીતે સંસ્કૃત તત્સમ કે થોડા તદ્ભવ શબ્દો છે, સંસ્કૃત પાસેથી મળેલા છંદોને એ શબ્દો વધુ અનુકૂળ થાય એ દેખીતું છે છતાં એ શબ્દોની સાથે જ કેટલાક તળપદા શબ્દોને કવિએ એટલી સ્વાભાવિકતાથી મૂક્યા છે કે તેનું તળપદાપણું ત્યાં અતડું નથી રહેતું. ‘નરવર અગાડી વન વિશે ' ‘નૃપતિ કહી એવું મહિં પડ્યો’ ‘જાણેલ હોય ‘ક’દિ શું વિધિના પ્રકાર' ‘થાતી વિકૃતિ નૃપની’ ‘ધોળાં અનેક ગમથી ઝરણાં' જેવી પંક્તિઓમાં ‘અગાડી' ‘મહિં’ ‘જાણેલ’ ‘ક’દિ’ ‘થાતી’ ‘ગમથી' જેવા પ્રયોગો મળે છે કે ‘નજરે પડે છે.’ ‘રાજાજીનો હુકમ' જેવામાં નજર, હુકમ જેવા અરબી પ્રયોગો અને ‘વખ્ત રહ્યો નહિ' જેવામાં ‘વખ્ત’નો પ્રયોગ મળે છે. પણ કવિતાના સતત વહેતા માધુર્યના પ્રવાહને ખંડિત કરે એવો કોઈ ભાગ તેઓ ભજવતા નથી. જ્યારે શબ્દપ્રયોગોના ઉપયોગને જમાપક્ષે કવિએ આખા કાવ્યમાં શેાધાતાંય વત્સર્ય સ્પર્શો (ટ, ઠ, ડ, ઢ, ણ) ધરાવતા શબ્દો આંગળીને વેઢે ગણાય એટલા જ વાપર્યાં છે. કંઠ્ય સ્પર્શો (ક, ખ, ગ, ધ) ધરાવતા શબ્દોનું પ્રમાણ પણ પ્રમાણમાં નગણ્ય જ ગણાય, વત્સર્ય સ્પર્શો એમના થડકારા અને કંઠ્ય સ્પર્શો તેમના મુખપથના સાવ અંદરના ભાગમાંથી ઉચ્ચારાવાને કારણે કર્ણમધુર હોતા નથી. આમ તો એ વર્ણો એમની સ્ફોટની લાક્ષણિકતાને કારણે પણ કર્ણમધુર હોતા નથી છતાં કવિએ ઓષ્ઠ્ય અને દંત્ય સ્પર્શો (એમાંય ખાસ કરીને ૫, ત, દ જેવા)[5] અને અન્ય વર્ણો ( ખાસ કરીને ૨, ન, સ, વ, ય, હ જેવા) ધરાવતા શબ્દોને એવા ક્રમમાં ગોઠવ્યા છે કે એમાંથી એક મધુર શબ્દસંગીત જન્મે છે. એનાં થેાડાંક ઉદાહરણો આપી શકાય.

‘સારૂં થયું પ્રિય સખી થઈ છે પ્રસુપ્ત' એ પંક્તિમાં ‘સારું-સખી'નો ‘સ ’, ‘થયું-થઈ’નો ‘થ' અને ‘પ્રિય–પ્રસુપ્ત’નો ‘પ’ સમતુલાની તાલબદ્ધતા સંભળાવે છે.[6] ‘બેસે શિલા ઉપર ચાલી સંચિત રાય' એમાંના ‘સ' અને 'ચ'નો ઉપયોગ એક લયહિંડોળ જન્માવે છે. ‘ચોપાસે વલ્લિઓથી પરિમલ પ્રસરે નેત્રને તૃપ્તિ થાય.’માં ‘પરિમલ પ્રસરે’માંનો 'પ' અને ‘નેત્રને તૃપ્તિ થાય'માં આવતા ત્રણ ત અને થ (જેઓ દંત્ય સ્પર્શો છે) પંક્તિને એક સૂત્રમાં સાંધે છે. દરેક કડીનો અંત્યાનુપ્રાસ કાવ્યમાધુર્ય માટે આ અગાઉ ઘણી વાર નોંધાઈ ચૂક્યો છે. પ્રત્યેક કડીને એક સૂત્રમાં બાંધીને માધુર્ય જન્માવવાનું જે કામ કડીમાં સધાતા યમક અને અન્ત્યાનુપ્રાસ કરે છે તેના કરતાં ય વધુ માધુર્ય જન્માવવાનું કામ વ્યાકરણી માળખાના સરખાપણાનો પ્રાસ6 કરે છે. આ કાવ્યની કુલ એકસો છાસઠ પંક્તિઓની ગણતરીને ધ્યાનમાં લેતાં દર બે પંક્તિદીઠ એક કરતાં વધારે વપરાયેલાં વિશેષણ વિશેષ્ય પદો વિશેષણના ઔચિત્યને કારણે દૃશ્યોને પ્રત્યક્ષ કરવામાં ઉપયોગી નીવડે છે પણ એ ઉપરાંત કાવ્યની સમતુલાને એ સ્પર્શે છે. બીજી અગત્યની બાબત એ છે કે કાવ્યની અડધા ઉપરની પંક્તિઓ (અને અનુષ્ટુપમાં લખાયેલી તો લગભગ બધી જ) નામ-આખ્યાત પદોનાં વિસ્તરણો છે. કાવ્યને સમતોલ ઘાટ આપવામાં એ મોટો ભાગ ભજવે છે અને સૌથી મહત્ત્વની બાબત એ છે કે દરેક કડીમાં એ કડી પૂરતું તો દરેક પંક્તિનું વ્યાકરણી માળખું એક જ ઢાળમાં ઢળાયેલું જોવા મળે છે. આ કાવ્યની કોઈ પણ કડી એના ઉદાહરણરૂપે લઈ શકાય એમ છે છતાં દરેક પંક્તિના વ્યાકરણી માળખાનું સરખાપણું, વિશેષણ-વિશેષ્યનો સંબંધ, વર્ણોનો અમુક રીતે ગાઠવાયેલો ક્રમ અને છંદ, એ બધું ભેગું થઈને જે સંવાદી સમતુલામાંથી અદ્ભુત માધુર્યને જન્મતું જ્યાં અનુભવાવે છે તે સાડત્રીસમી કડી જ તપાસીએ.

‘ધીમે ધીમે છટાથી કુસુમરજ લઈ ડોલતો વાયુ વાય
ચોપાસે વલ્લિઓથી પરિમલ પ્રસરે, નેત્રને તૃપ્તિ થાય.
બેસીને કોણ જાણે ક્યહિં પરભૃતિકા ગાન સ્વર્ગીય ગાય
ગાળી નાંખે હલાવી રસિક હૃદયને, વૃત્તિથી દાબ જાય.'

ઉપરની કડીમાં છંદ અને પંક્તિઓમાંના શબ્દો જે વર્ણમાધુર્યને જન્માવે છે તેની વાત આગળ કરી છે. ‘વાય-થાય-ગાય–જાય'નો અંત્યાનુપ્રાસ જે લયમાધુર્ય જન્માવે છે તે પણ જાણીતું છે પણ એ માધુર્યમાં તાલ પુરાવવાનું કામ આ દરેક પંક્તિનું સમાપન (‘ડોલતો વાયુ વાય' ‘નેત્રને તૃપ્તિ થાય' ‘ગાન સ્વર્ગીય ગાય’ અને ‘વૃત્તિથી દાબ જાય’) કરતા વાક્યખંડો છે તે બાબત ઘણી નોંધપાત્ર છે કારણકે એ ન હોત તો આ કડી તાલ વિનાના નૃત્ય જેવી બની ગઈ હોત. પહેલી અને ત્રીજીનું માળખું તપાસીએ. ‘ડોલતો વાયુ વાય' અને ‘ ગાન સ્વર્ગીય ગાય,’ એક નામ વાયુ અને ગાન, એક વિશેષણ ડેાલતો અને સ્વર્ગીય, એક સાદું વિધાન કરતું ક્રિયાપદ વાય અને ગાય. પહેલી અને ત્રીજીમાં કારણ (નિમિત્ત) આપ્યાં છે, બીજી અને ચોથીમાં તેના પરિણામનું વર્ણન છે. ‘કુસુમરજ લઈ ડેાલતા વાયુએ પ્રસરાવેલા પરિમલથી’ બીજી કડીના ઉત્તરાર્ધમાં ‘રસિકહૃદય'વાળા પાંડુના ‘નેત્રને તૃપ્તિ થાય' છે. એ જ ‘રસિકહૃદય’ને પેલું સ્વર્ગીય ગાન હલાવી ગાળી નાખે છે અને પરિણામે ચોથી કડીના ઉત્તરાર્ધમાં ‘વૃત્તિથી દાબ' જાય છે. બીજી કડીના ઉત્તરાર્ધનું અને ચોથી કડીના ઉત્તરાર્ધનું એકસરખું વ્યાકરણી માળખું સંવાદી વર્ણનથી જે ચિત્ર આંકે છે તે નોંધવું પડશે. આ વસ્તુની બીજી રીતે તપાસ કરતાં આ બાબત વધારે સ્પષ્ટ થાય છે. ‘ધીમે ધીમે છટાથી કુસુમરજ લઈ ડોલતો વાયુ વાય’ છે જેને કારણે ‘ચોપાસે વલ્લિઓથી પરિમલ પ્રસરે છે’ જેથી ‘નેત્રને તૃપ્તિ થાય'છે. કડીના પૂર્વાર્ધ જેટલી જ સફાઈથી-કડીના ઉત્તરાર્ધમાં પણ કવિ એ જ ભાષાકીય માળખાનું પુનરાવર્તન કરે છે. (ભાષાકીય માળખાનો એ રીતે પ્રાસ સાધે છે.) ‘બેસીને કોણ જાણે હું પરભૃતિકા ગાન સ્વર્ગીય ગાય’ છે જે ‘ગાળી નાંખે હલાવી રસિકહૃદયને ' અને જેથી ‘વૃત્તિથી દાબ જાય’ છે. આ કડીના વર્ણન ઉપર વિવેચકો વારી ગયા છે તેનું કારણ એનું મધુર રેખાંકન છે જેમાં છંદ, વર્ણ અને શબ્દની યથોચિત ગોઠવણીની સાથે સાથે વ્યાકરણી માળખાનું આવું અદ્‌ભુત સમતુલન મહત્ત્વનો ભાગ ભજવે છે તે તરફ કોઈનું ધ્યાન જ હજી સુધી ગયું નથી. આ કાવ્યની લગભગ બધી જ કડીઓને આ રીતે તપાસીને એ કડીઓનું સંવિધાન[7] તપાસતાં આકારસૌષ્ઠવની પ્રતીતિ વધુ સ્પષ્ટતાથી થઈ શકે. વર્ણ અને ભાષાકીય માળખાના પ્રાસમાંથી માધુર્ય જન્માવવાની સાથે સાથે કવિ કેટલેક તો અર્થનો પ્રાસ સાધે છે જે પુનરાવર્તનના માધુર્ય ઉપરાંત ભાવની ઉત્કટતા સાધવાનું કામ કરે છે. કવિએ એક જ કડીમાં, બે પક્તિઓમાં એક જ અર્થની સહોપસ્થિતિ નિરૂપીને એ કાર્ય સાધ્યું છે. ‘વડે થંડો વાયુ’ પંક્તિથી તેણે વનમાં કરેલી શાંતિને સૂચવી છે. એ પછીની ત્રીજી પંક્તિમાં ‘હજી એકે પ્રાણી ગિરિ મહી નહીં જાગ્રત દીસે' એમ કહ્યું છે તે અર્થની દૃષ્ટિએ ‘વહે થંડો’નું પુનરાવર્તન છે. ‘વહે થંડો વાયુ કરી દઈ બધે શાંતિ વનમાં,' એમાં જ ત્રીજી પંક્તિનો અર્થ કવિત્વમય રીતે વર્ણવાયો છે તે દૃષ્ટિએ ત્રીજી પંક્તિ પુનરાવર્તન છે. એ જ રીતે આ કડીની બીજી પંક્તિ ‘ઘણા થોડા આજે ઉડુગણ પ્રકાશે ગગનમાં' પંક્તિથી જ અંધારાનું ગાઢપણું સૂચવાયું છે અને આવા ગાઢ અંધારામાં નરવર આગળ વધે છે તેવું ચોથી પંક્તિનું વર્ણન બીજીના અર્થની દૃષ્ટિએ પુનરાવર્તન છે. આ પંક્તિઓ ૧-૩ અને ૨-૪ એ ક્રમમાં નથી પણ ૧-૨-૩-૪ એ ક્રમમાં છે. જે ૧-૩ અને ૨-૪ ના અર્થ-સામ્યને (અર્થના પ્રાસને) કવિત્વમય રીતે નિરૂપે છે.

‘થવા માંડ્યાં ત્યાં તો' એ પંક્તિનો જ અર્થ ‘જવા માંડ્યું સર્વે સ્થલ મહીંથી' એ પંક્તિ વ્યક્ત કરે છે અને એમાં પંક્તિ બે અને ચાર પૂર્તિરૂપ છે. બીજી પંક્તિ શ્રુતિ સાથે સંકળાયેલી બાબતને અને ચોથી દૃષ્ટિ સાથે સંકળાયેલી બાબતને (રંગને) સ્પર્શે છે. આખું દ્વિપરિમાણ ચિત્ર ઊભું કરવામાં પંક્તિ એક અને પંક્તિ ત્રણનો અર્થાનુપ્રાસ (જે રીતે ‘વર્ણાનુપ્રાસ' એ રીતે ‘અર્થાનુપ્રાસ’ અને ‘વ્યાકરણી અનુપ્રાસ' જેવા શબ્દો પ્રચારમાં આણી શકાય) ઉપયોગી છે. ‘માદ્રી જ માત્ર હતી હાજર એહ વાર'નું જ પુનરાવર્તન ‘કુંતા ગયેલ કંઈ કારણથી બહાર’ છે. ‘નથી શું કુંતાજી?' એ પ્રશ્નનું જ અનુરણન ‘પ્રિયે ! તું એકાકી ?' ‘એ પ્રશ્ન છે’ અને ‘નહિ અરર આંહિ રહી શકે'નું પુનરાવર્તન અને સૂચિત કારણ પણ ‘સ્વજન વિણ વૃત્તિ ક્યમ ટકે?' છે. ‘વૃત્તિઓ પરથી તેનો અધિકાર ગયો હતો' એ જ અર્થનું અનુરટણ ‘અપૂર્વ ધ્વનિથી પૂરો મદેાન્મત્ત થયો હતો' પંક્તિ કરે છે. આ બધાં પુનરાવર્તનો અર્થનો પ્રાસ સાધે છે. એમ કહી શકાય કે ચિત્રને પૂર્ણ કરવા માટે જુદા જુદા પ્રકારની અભિવ્યક્તિનો કવિ આશ્રય લે છે. વસ્તુને એના બને એટલા પૂર્ણ રૂપમાં રજૂ કરવા માટેનો આ જાણીતો કસબ છે. કવિ એ પુનરાવર્તન દ્વારા માધુર્યને જન્મ આપે છે અને ભાવને પરાકાષ્ઠાએ લઈ જવામાં પણ એને ધાર્યો ઉપયોગ કરે છે. આમ વર્ણ, ભાષાકીય માળખું અને અર્થ, એ ત્રણેનું સતત અને ઉચિત પુનરાવર્તન (છંદનું પુનરાવર્તન પણ પ્રાસ સાધે છે પણ એની તપાસ ભાષાની તપાસથી અલગ થઈ શકે.) આકૃતિને ઘાટીલી (symmetrical) બનાવે છે જે ઘાટીલાપણામાં જ કોમળતા અને માધુર્ય અનુભવાય છે અને એ અનુભવ પ્રિય-કાન્ત હોય છે.

અને છેલ્લે :

‘વસંતવિજય’ની સંરચના ભાષાદૃષ્ટિએ તપાસવાના આ પ્રયત્નના કેટલાક મુદ્દાઓની વધુ વિચારણા અને નવા મુદ્દાઓની વિચારણા માટે અવકાશ રહે એમ છે પણ કાવ્યને સમજવામાં કાવ્યમાં પ્રયોજાયેલાં બધાં ભાષાતત્ત્વોની સમજ (અને એ સમજ પૃથક્કરણ અને અર્થઘટન વિના ક્યાંથી આવે?) અનિવાર્ય અને ઉપયોગી છે કે કેમ તેની તપાસનો આ પ્રયત્ન છે. કાવ્યભાષાની જે વ્યવસ્થા છે તે કાવ્યના હાર્દને અનુરૂપ એવા કેવા ઘાટીલા અને સૌષ્ઠવયુક્ત (classical) આકારને જન્મ આપે છે તે તપાસનો આ પ્રયત્ન છે. અહીં માત્ર ભાષાની તપાસ કરી છે પણ તપાસનો ક્રમ છંદ, ભાષા અને કડીઓનું વસ્તુની દૃષ્ટિએ આયોજન[8]—અને એ ત્રણેથી બંધાતો આકાર એ રીતનો હોઈ શકે. ‘વસન્તવિજય'ની જેમ જ ‘કાન્ત'નાં અન્ય કાવ્યોને આકાર આ દૃષ્ટિએ તપાસી શકાય અને તો આકાર પરત્વે કાન્તનું સૌષ્ઠવનિષ્ઠ વલણ સારી રીતે સમજી શકાય.


  1. (‘નારી ગૌરવનો કવિ,’ પૃ. ૮. કાકાસાહેબ કાલેલકર.)
  2. 2 (a) ‘અહીં ઉગ્ર વાનપ્રસ્થધર્મમાં ગૃહસ્થાશ્રમની આહુતિ આપવી પડી એ પાંડુરાજાના જીવનનું કારુણ્ય છે'—સ્વ. આનંદશંકર ધ્રવ ‘સાહિત્યવિચાર’ પૃ. ૫૦૭, આવૃતિ ૧.
    (b) પાંડુ પ્રકૃતિથી સૌંદર્ય રસિક છે. સંયોગવશ તેણે રસિકતાનો નિરોધ કરીને ત્યાગ સ્વીકાર્યો છે. પણ આ સ્વીકાર જેટલો બુદ્ધિથી છે, તેટલો હૃદયથી નથી. તેના ત્યાગના મૂળમાં અંદરનો વૈરાગ્ય બહુ ઓછો છે.’ ‘વસંતવિજય'નું આકૃતિવિધાન—એક દૃષ્ટિ. ડો. હ ચૂ. ભાયાણી. ‘પરબ’ :–૧૯૬૮: ૨. પૃ. ૨૯.
    (c) ‘પાંડું વાનપ્રસ્થધર્મથી ચલિત થાય છે એનુ કારણ ‘યોગ્ય તાલીમનો અભાવ છે' એમ જોવા કરતાં અદમ્ય રસિકતા જ પાંડુના વ્યક્તિત્વનો પાકો રંગ છે એમ જોવું મને વધુ ઉચિત લાગે છે.’—શ્રી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ ‘વસંતવિજય--ત્રણ મુદ્દા' ગ્રંથ, ઓકટો; ૬૭ પૃ.૨૭.
    (d) ‘વસંતવિજય’ની દૃષ્ટિએ પણ વાનપ્રસ્થધર્મ પ્રત્યે પાંડુને નિષ્ઠા છે”—શ્રી જયંત કોઠારી ‘ઉપક્રમ’.—પૃ. ૨૬૯થી ૭૮. શ્રી કોઠારીનું આ દૃષ્ટિબિંદુ સ્વીકારી શકાય એવું નથી, પણ એની ચર્ચા અહીં થઇ શકે નહીં.)
  3. ૩ જુઓ. ‘પૂર્વાલાપ: છંદની દૃષ્ટિએ' લે શ્રી ભૃગુરાય અંજારિયા ‘ઉપહાર' પૃ. ૯૯.
  4. 4 શ્રી રામનારાયણભાઇએ ટિપ્પણમાં નોંધ્યું છે કે, “‘ઝાંખી ભરેલ’ એ ‘જલનું વિશેષણ છે', સ્થિરતાનું નહીં.” પણ એ વિધાન યોગ્ય નથી કારણકે ‘જળ' નપું.લિંગનું હોઈ તેનું વિશેષણ નપું.લિંગનું હોય એટલે ‘ઝાંખું' એમ હોવું જોઈએ પણ ‘ઝાંખી’ જે સ્ત્રીલિંગ ધરાવતું વિશેષણ છે. તે સ્ત્રીલિંગ ધરાવતા ‘સ્થિરતા’ શબ્દનું જ છે.
  5. 5 આ કાવ્યની phonemic frequencies તપાસતાં બેએક રસપ્રદ તારણો આપી શકાય. ટ,ઠ,ઢ એ ત્રણ વર્ણો ધરાવતા શબ્દો વીસેકથી વધુ નથી અને આ કાવ્યની પંક્તિદીઠ એક કરતાં વધુ વખત થયેલો ‘સ’ અને ખાસ કરીને ‘ત'નો ઉપયોગ ધ્યાન બહાર જાય એમ નથી. ‘સ-ત’ની મદદથી ‘વસંત' આખા કાવ્યમાં છવાઈ જાયછે, એમ કહીશું ?
  6. 6 શૈલીની તપાસમાં આ મુદ્દાની ગવેષણા માટે ઘણી શક્યતા રહેલી છે.
  7. 7 ’વસંતવિજય'ના કેવળ કાવ્યવસ્તુની આકૃતિને ડો. હ. ચૂ. ભાયાણીએ તપાસી છે. કડીઓનું સંવિધાન એમાં તપાસાયું છે. જુઓ પરબ: ૫૮ : ૨, પાનું ૨૭ થી ૩૨.
  8. 8 જુઓ પાદટીપ નં. ૩ અને ૭.