મંગલમ્/મદભરી રાત
મદભરી રાત
卐
મદભરી રાત
卐
વિરાટને પગથારે, મદભરી રાત જો આવે.
સંધ્યાએ આવીને આભે દિશાઓને શણગારી,
સપ્ત રંગની રંગીન ચાદર, પગ મૂકવા પથરાઈ;
એ ચાદર ઉપર, ધીમે ધીમે ડગલાં ભરતી,
અવનીના ઉંબરમાં, મદભરી રાત જો આવે.
નવલખ તારાનાં તોરણિયાં, નભ મંડપમાં બાંધ્યાં,
માનવીઓનાં ઉર ઉરને, પ્રેમ તાંતણે સાંધ્યાં;
એ દિવ્ય પ્રેમનું, દિવ્ય ગીતડું ગાતી ગાતી,
ગગન તણા ચોગાને, મદભરી રાત જો આવે.
સાગરની સિતારી બાજે, વાયુની વાંસલડી,
નક્ષત્રો નવલાં એ નાચે, નિરખે એ રાતલડી;
એ નૃત્ય મનોહર, ગીત મનોહ૨, રાગ મનોહર,
શાંતિને સાગરિયે, મદભરી રાત જો આવે.
— અજ્ઞાત