મર્મર/વાત કહી ના જાય
વાત કહી ના જાય
વાત કહી ના જાય
મનની વાત સહી ના જાય.
રાતદિવસના જડ જંતરમાં
અંતર મુજ કંતાય,
ઝંખે નયનો તે તો પાંપણ
પછવાડે સંતાય.
એકલું એકલું અંતર બેઠું
હેઠળ દુઃખની છાંય,
હે અણદીઠ ઇંગિત તારાં ના
કેમ અહીં વરતાય?
ગીત ઘણાં આ કંઠ રાતદિ’
ઘૂંટી ઘૂંટીને ગાય,
જીવનગીતની ધ્રુવપંક્તિનો
પ્રાસ મળે ના ક્યાંય.