મર્મર/સાચી કવિતા


સાચી કવિતા

જે કવિતા સાચી તેની વાત જુદી!

એમ તો લાગે શ્રવણને ગર્જના મીઠી,
ને ગમે નિબિડાંધકારે વીજળી દીઠી;
સ્પર્શ શીળો વાયુનો દે સ્પર્શસુખ
ઇન્દ્રધનુના રંગ કરી દે ઊર્ધ્વમુખ.
કિન્તુ આર્દ્ર કરી મૂકે મ્હેકાવી માટી
ને સૂતેલાં બીજને અંકુર રૂપે
બ્હાર લાવે ભેદી જે ધરતીસપાટી
પ્રાવૃષની એ વાત જુદી!