માટીનો મહેકતો સાદ/પ્રકરણ ૨૩

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૨૩

બળરામનો રથ કુરુક્ષેત્રનું રણમેદાન વીંધતો ગયો ને તે વધુ ને વધુ ઘેરા વિષાદમાં ડૂબતા ગયા. રસ્તામાં સામે ઘાયલ સૈનિકોની ડોળીઓ મળતી હતી. અજાણ સૈનિકોનાં શબોને ગાડામાં ખડકી ચાંડાલો સામૂહિક ચિતાઓ તરફ લઈ જતા હતા. દૂર ધધખતી ચિતાઓ અને ઘૂમરતા ધુમાડાની દુનિયા નજરે ચડતી હતી, અને પવન દિશા બદલે ત્યારે એક વિચિત્ર વાસ મનને ગૂંગળાવી મારતી હતી. જ્યાંત્યાં આકુળવ્યાકુળ કુટુંબીઓ સ્વજનોના મૃતદેહો માટે ઘૂમતા હતા. સ્ત્રીઓનું આક્રંદ આભ ચીરી નાખતું હતું. બળરામને લાગ્યું : રથ આગળ નહીં વધી શકે, આ કલ્પાંતના સમદ્રમાં ગરક થઈ જશે. જગત જેને રણઘેલુડા કહી ઓવારણાં લે છે તેઓ કેસરિયા વાઘા પહેરી નીકળતા હશે ત્યારે રૂડા લાગતા હશે. તેમને માટે બુલંદ કંઠે ગવાતી બિરદાવળી પોરસ ચડાવતી હશે. પણ અહીં જ્યાં ધડથી માથાં જુદાં પડી ગયાં છે, જ્યાં હાથપગ કપાઈને છૂટા પડ્યા છે, આંતરડાં બહાર નીકળી પડ્યાં છે ત્યાં આ બધી બિરદાવળી ભારે વરવી લાગે છેઃ બળરામે પોતે ઘણાં યુદ્ધો ખેડ્યાં હતાં. હજુ પણ અન્યાય નિહાળી તેમનું લોહી તપી જતું અને અન્યાયીનું માથું ભાંગવા તે ધસી જતા. પણ મન શાંત થતાં તેમનામાં રહેલો એક બીજો પુરુષ બોલી ઊઠતો : ના, આ બરાબર નથી. આ તો પ્રકૃતિનું દાસત્વ છે. માણસે તેનાથી પર ઊઠવું જ જોઈએ. તેમનું એક પ્રિય વાક્ય મનમાં ઘોળાવા લાગતું - ભાઈ ભાઈની હત્યા કરે, મનુષ્ય મનુષ્યને હણી નાખે તેનાથી ઘોર કૃત્ય કશું જ નથી. મનુષ્યને માટે શું યુદ્ધ જરૂરી છે? તેના સ્વભાવ સાથે જ હિંસા વણાયેલી છે? કે તેના સ્વભાવની એ એક અંધારી બાજુ છે? મનુષ્યના સ્વભાવની એટલી જ શક્તિશાળી અને ઊજળી બીજી એક બાજુ પણ છે. એ છે ન્યાયભાવના, સહયોગ, ઉદારતા. કુરુક્ષેત્ર લોહીમાંસનું કીચકાણ બની ગયું હતું અને તેના પર નજર કરતાં મનુષ્યમાં કોઈ ઊજળી બાજુ હોય એ માનવા જ મન તૈયાર નહોતું થતું. બળરામના મનમાં સવાલો ઊઠતા હતા : ધારો કે અહીં રણશય્યામાં સૂતેલા મહાવીરોને જગાડી આ દૃશ્ય બતાવ્યું હોય તો? તેમના પોતાના આંધળા ઝનૂન માટે તેમને શરમ ન આવે? તેમનામાં રહેલો મનુષ્ય કંપી ન ઊઠે? કે તેમનામાં એક રાવણ બેઠો છે, જેને લોકોને રડાવવામાં જ રસ છે? પણ તો પછી શું તેમના હૃદયને કોઈ ખૂણે રંતિદેવ બેઠો જ નથી? પોતે ભૂખે મરીને બીજાને ભોજન આપી દે એ મનુષ્યનું સ્વરૂપ જ નથી? એક મનુષ્યમાં જે અત્યંત પ્રકાશિત રૂપે હોય તે બીજામાં ભલે અત્યંત ક્ષીણ, મંદરૂપે પણ હોવું તો જોઈએ. તો પછી મનુષ્યમાં રહેલા રંતિદેવ ભણી કોઈની નજર કેમ જતી નથી? તેને સજાગ કરવા, સતેજ કરવા કેમ પ્રયત્નો થતા નથી? એકલો રાવણ જ શા માટે દશ માથાળો થઈ ફરે છે? કદાચ એમ હશે. મનુષ્યની આંખો સામે નાટકીય અને ક્રાન્તિકારી પ્રસંગોનો જ મહિમા વધારવામાં આવ્યો છે. તેની રોજિંદી મહત્તાનું કશું મૂલ્ય નથી. તે એટલે સુધી કે તેનું અસ્તિત્વ જ ભૂંસાઈ ગયું છે. મનુષ્યના હૃદયમાં રંતિદેવની પ્રતિષ્ઠા ન થઈ શકે? પણ મનુષ્ય તો કોઈ એકાંત કોટડીમાં કેદ બની બેઠો છે. તેની આસપાસ તોતિંગ સળિયા છે. મનમાં એક પછી એક જેલની દીવાલો ઊભી કરવામાં આવી છે. દરેક દીવાલની ડોકાબારીમાંથી ખુન્નસભરી આંખો તાકી રહી છે. બીજી તરફ તેમના પર સંત્રીઓ દંડાઓ મારતા તૂટી પડે છે. મનુષ્ય બે છાવણીમાં વહેંચાઈ ગયો છે અને તેમાંથી એકમાં ભળ્યા વિના કોઈને માટે છૂટકો નથી રહ્યો. કાં દીવાલ પાછળ ધકેલાઈ જાઓ અથવા દંડા મારતા ઘૂમી વળો. મનુષ્ય આ હાલતમાંથી છૂટી શકે? કેવી રીતે? અચાનક રથ ઊભો રહી ગયો. બળરામનો વિચારદોર તૂટ્યો. કેટલાક માણસો રસ્તામાં એક બાજુ ઊભા રહી રથને ઊભો રાખવાની નિશાની કરતા હતા. સુમાલીએ રથ ઊભો રાખ્યો. એક જીર્ણ જર્જર, વૃદ્ધ પુરુષ ઢગલો થઈને પડ્યો હતો. પોતાના પુત્રને રણમેદાનમાં શોધવા નીકળ્યો હતો. દીકરાનું શબ જોતાં જ તે બેભાન થઈ ગયો. હવે તેને વૈદ્ય-શિબિરમાં પહોંચાડવાની જરૂર ઊભી થઈ હતી. બળરામે પોતાના ઘોડેસવાર સેવકોને એ પુરુષને ઊંચકી દવાશાળાએ પહોંચાડવાની સૂચના આપી. પેલા લોકો હાથ જોડી આભાર માનવા લાગ્યા. બળરામને થયું : આ તે કેટલો કરુણ વિરોધાભાસ! જ્યાં લાખો નવલોહિયા કપાઈ ગયા, જ્યાં અનેક કુટુંબોના કંધોતર ઊઠી ગયા ત્યાં એક વૃદ્ધને બચાવી લેવાની આ કેવી દોડધામ! પણ એ દોડધામ છે તો જ મનુષ્ય મનુષ્ય રહી શક્યો છે. સપાટ મેદાન પૂરું થયું. કાંટાઝાંખરાંવાળી ઊબડખાબડ જમીન આવી. અહીં કોઈ વેળા તળાવડી હશે તેનો સંકેત આપતા સુકાયેલા છૈયા દેખાયા. તરડાઈ ગયેલી માટીનો વિસ્તાર નજરે પડ્યો. થોડે દૂર હજુ પણ ક્યાંક જળ બાકી હશે તેની ઝાંખી કરાવતા લીલા છૈયા હવામાં ડોલતા હતા. એ બચી ગયેલી લીલાશ પર છાંયો ઢોળવા માગતું હોય એમ એક ઊંચું શ્વેત છત્ર જોવામાં આવ્યું. હાથીદાંતની સળીઓવાળું એ શ્વેત છત્ર મહારાજા યુધિષ્ઠિરના રાજછત્ર તરીકે પ્રખ્યાત હતું. સુમાલીએ રથનો વેગ વધાર્યો. પાંડવો અને પાંચાલવીરોથી વીંટળાયેલા એ રહ્યા કૃષ્ણ, અને સોનાની કાન્તિથી ઝગારા મારતી ગદા લઈ આ સહુની સામે એકલો કોણ ઊભો છે? હા, એ જ દુર્યોધન. બળરામને જોઈ કૃષ્ણે બૂમ પાડી : “એ હેઈ મોટા!” ચક્રવર્તી સમ્રાટોનો ઉચ્છેદક અને જ્ઞાનીઓનો અગ્રણી બનવા છતાં કૃષ્ણમાં રહેલો પેલો વૃન્દાવની કિશોર હજુ ટહુકિયાં કરે છે! બળરામને માટે આ રોજિંદી ઘટના હતી અને છતાં નિત્ય નવું આશ્ચર્ય હતું. વૃન્દાવનની કુંજમાં ખેલતો કૃષ્ણ મોટો જ નહીં થાય? કે પછી સમ્રાટોના મુગટ ઉછાળવા એ તેને મન ગેડીદડાની રમત જ હતી? જ્ઞાનની કથા ગોઠિયાઓને રસતરબોળ કરી દેતી પ્રેમભરી ગોઠડીની જ જુદા પ્રકારની જમાવટ હતી? કૃષ્ણે બળરામ ભણી દોટ મૂકી. પાછળ પાંડવો અને પાંચાળો ખેંચાયા. દુર્યોધન ગદાની અણી પૃથ્વી પર ઠોકતો ધીમે પગલે નજીક આવ્યો. બળરામ કૃષ્ણને બાથમાં લઈ ક્યાંય સુધી તેની સામે જોઈ રહ્યા. પછી પૂછ્યું : “તને સાજો નરવો જોઈ મને કેટલો આનંદ થતો હશે? બોલ જોઉં!” કૃષ્ણે હસતાં હસતાં કહ્યું : “મોટા, મારી પાસે એવું તે કયું માપિયું છે કે તમારા આનંદને માપી જોઉં?” યુધિષ્ઠિરે સ્વર પુરાવ્યો : “જનાર્દન ખરું કહે છે. તમારો ભ્રાતૃપ્રેમ અમાપ છે, યદુભૂષણ!” સર્વની અભિવંદના ઝીલી બળરામ દુર્યોધન પાસે ગયા. દુર્યોધનના ચહેરા પર અમર્ષ હતો, વૈરાગ્નિ ભભૂકતો હતો. તેના સ્નાયુઓ તંગ બની ગયા હતા, ઘવાયેલા વાઘની જેમ તે તૂટી પડવા તૈયાર હતો. દુર્યોધન સત્યનાશ નોતરી રહ્યો છે તે બળરામ જાણતા હતા; પણ પોતાના પ્રિય શિષ્યની આ અવદશા નજરે જોઈ તેમનું અંતર ગ્લાનિથી ભરાઈ ગયું. બળરામના આગમનથી દુર્યોધનનાં નેત્રોમાં ચમક આવી ગઈ. તેણે ચરણવંદના કરતાં કહ્યું : “આવી પહોંચ્યા, મહાબાહુ! આપનાં દર્શનથી મને બહુ જ આનંદ થાય છે. આજનો અવસર ધન્ય બની ગયો. હવે વિજય કે પરાજયનો કશો અર્થ નથી રહ્યો. આશીર્વાદ આપો કે જે માથું સદાય ઊંચું રાખી જીવ્યો છું તે ઊંચું રાખી શકું.” “દુર્યોધન, યુદ્ધમાં ગયેલા ક્ષત્રિયને જય કે પરાજય વિષે ન પુછાય. એને તો એટલું જ પુછાય : સામી છાતીએ ઘા ઝીલી લડ્યો છો ને? તારું અને ભીમનું ગદાયુદ્ધ થવાનું છે તે જાણ્યું. તે નિહાળ્યા વિના અહીંથી નહીં જાઉં. તને વિદ્યા આપવામાં મેં બંધ મૂઠી રાખી નથી. તું પણ એનો ખંગ વાળી દેજે.” દુર્યોધનને માથે હાથ મૂકી બળરામ પાછા ફર્યા. કૃષ્ણનો ઇશારો પામી ભીમસેન બળરામને પગે લાગ્યો. એ પણ બળરામનો જ શિષ્ય હતો. જેમને પ્રાણ રેડીને ગદાયુદ્ધ શીખવ્યું હતું એ બંને શિષ્યો જ સામસામે ટકરાશે એ કેવી વિડંબના! કે વિધિની ચાલ જ એવી વક્ર હોય છે! ભીમના ચહેરા પર કાં તો હાસ્ય રમતું હોય અથવા ક્રોધ. તેણે બળરામને વંદના કરતાં હસીને કહ્યું : “મહાગુરુ, આપને તો અમે ખરી મુશ્કેલીમાં મૂકી દીધા. કોને શું આશીર્વાદ આપવો તેની આપને મૂંઝવણ થઈ પડી હશે. ચાલો, મારા તરફથી આપ નિશ્ચિંત. આપને ગમે તે આશીર્વાદ આપો.” બળરામ પણ હસી પડ્યા, ભીમને માથે સ્નેહથી હાથ મૂકી કહ્યું : “પહેલાં ગદાયુદ્ધમાં મેં તમારી પરીક્ષા લીધી હતી. હવે તમે બંને મળીને મારી પરીક્ષા લો છો. ભીમ, આ ક્ષણે તમારે નહીં, મારે ઉત્તીર્ણ થવાનું આવ્યું છે.” બળરામની આંખોમાં આંસુ છલકી ઊઠ્યાં. આંસુ લૂછી સ્વસ્થ થઈ કહ્યું : “તારી વિદ્યા દીપાવજે, ભીમ.” દુર્યોધન અને ભીમ ખભે ગદા ઉપાડી કૂંડાળે પડ્યા. બળરામ, કૃષ્ણ, પાંડવો, ધૃષ્ટદ્યુમ્ન વગેરે પાંચાલવીરો વર્તુળાકારે બેસી ગયા. પહેલાં તો હુંકાર, પડકાર, તુચ્છકારથી બંને યોદ્ધાઓના શબ્દો ટકરાયા અને જોતજોતામાં બંનેની ગદા ટકરાઈ. તુમુલ નાદ થયો. તણખા ઝર્યા. ભીષણ ગદાયુદ્ધ જામ્યું. મહાતીક્ષ્ણ અને તપ્ત લોખંડના વૃક્ષની ટોચે આ છેલ્લું વિનાશકારી ફળ ઝૂલવા લાગ્યું. શ્વાસની ધમણથી હાંફતા અને રુધિરથી ખરડાયેલા બંને વીરો વિરામનું નામ નહોતા લેતા. બંનેના હાથમાં ગદા શરીરનું એક અંગ બની ગઈ હતી અને પ્રતિસ્પર્ધીને ધરાશાયી કર્યા વિના હવે છૂટે તેમ નહોતી. ભીમસેન અત્યંત વેગથી શત્રુ પર ધસી જતો. એમ લાગતું કે આ પ્રહાર નીચે દુર્યોધન પૂરો જ થઈ જવાનો. પણ તે ચપળતાથી ખસી જતો અને ભીમ પોતાના જોરથી લથડિયું ખાઈ જતો. એ જ પળે દુર્યોધનની ગદા તેના માથા પર ત્રાટકતી. ભીમ સમયસૂચકતા વાપરી ગદાનો ઘા ચૂકવી દેતો. બંને યોદ્ધાઓ વિવિધ પ્રકારના ચકરાવા લેતા ધસી જતા, પ્રહાર કરતા, પ્રાણપણે લડતા હતા. બપોર નમવા આવ્યો પણ કોણ જીતશે તે કહેવું મુશ્કેલ હતું. યુધિષ્ઠિરે પોતાની ઉદારતાથી છેલ્લી ઘડીએ આપત્તિ વહોરી લીધી હતી. દુર્યોધન પાણીના ધરામાંથી બહાર આવ્યો ત્યારે પાંચ પાંડવમાંથી કોઈ પણ એક સામે ગદાયુદ્ધ લડી લેવાનું તેમણે આહ્વાન આપી દીધું. એકની સામે એક જ લડે, અને તેમાં પણ શત્રુ પ્રતિસ્પર્ધીની પસંદગી કરે એટલી ન્યાયભાવનાથી જ ધર્મરાજ નહોતા અટક્યા. તેમણે તો આ દ્વન્દ્વયુદ્ધમાં દુર્યોધન જીતે તો તેને રાજ્ય આપવાનું વચન આપી દીધું. યુધિષ્ઠિરના આ અવિચારી પગલાથી કૃષ્ણ નારાજ થઈ ગયા. તેમને લાગ્યું કે યુધિષ્ઠિરે ફરી દ્યૂતનો પાસો જ ફેંક્યો. અને આ દ્યૂતમાં પણ જીતવાની આશા નહોતી. ભલા, જેના હાથમાં ગદા છે, એવા દુર્યોધન સામે કોણ ટકી શકે? તેર વર્ષો સુધી તેણે ગદાયુદ્ધની નિયમિત તાલીમ લીધી હતી. અને પાંડવોમાંથી તે નકુલ, સહદેવ અથવા તો યુધિષ્ઠિરને જ પસંદ કરે તો? આજ સુધીનું બધું જ કર્યું કારવ્યું ધૂળમાં મળી જાય. એ તો સારું થયું કે ભીમે બાજી સંભાળી લીધી. તે સામે ચાલી દુર્યોધનને યુદ્ધ માટે લલકારવા લાગ્યો. કટુવચનોથી પીડવા લાગ્યો. પોતાના બંધુઓની હત્યા કરવા માટે ભીમસેન પ્રત્યે દુર્યોધનના મનમાં ભડકા ઊઠતા હતા. તેમાં ઘી હોમાયું. દુર્યોધન ભીમને જ પડકારી બેઠો. કૃષ્ણને નિરાંત વળી. પણ યુદ્ધ લંબાતું ગયું ને યુધિષ્ઠિરની અબુદ્ધિનો કાંકરો ખૂંચવા લાગ્યો. સાંજ પડવા આવી. બન્ને યોદ્ધામાંથી કોઈ મચક નહોતો આપતો; પણ ભીમના શરીર પર થાકનો અજગર ભીંસ લેવા માંડ્યો હતો. દુર્યોધન આ પારખી ગયો હતો. ભીમ વધુ થાકે, વહેલો થાકે એવા પેંતરા તે ભરતો હતો. અર્જુને ચિંતાતુર બની કૃષ્ણને પૂછ્યું : “માધવ, તમને શું લાગે છે? કોણ જીતશે?” “ગદાયુદ્ધના નિયમનો ભંગ કર્યા વિના ભીમ જીતી નહીં શકે.” કૃષ્ણે કહ્યું : “ભીમ વધુ બળવાન છે. પણ દુર્યોધન કસાયેલો ને દાવપેચમાં પાવરધો છે. અને હવે તે મરણિયો બન્યો છે. એક મરણિયો સોને હણે." કૃષ્ણે થોડી વાર અટકી ભીમસેન સાથે નજર મેળવી જોયું. પછી કહ્યું : “પણ પાર્થ, મને મનમાં એક સવાલ થાય છે.” "શું?" “ભીમ પોતાની પ્રતિજ્ઞા ભૂલી ગયો છે કે શું?” અર્જુન સંકેત પામી ગયો. ભીમસેનની નજર મેળવી તેણે ડાબા સાથળ પર થાપી મારી. અને એક ક્ષણમાં ભીમનું રૂપ ફરી ગયું. એ જાણે થોડી વાર પહેલાંનો થાકેલો, ત્રાસેલો ભીમ જ નહીં. ભીમની નજર સામેથી યુદ્ધનું મેદાન અલોપ થઈ ગયું. તેની નજર સામે ભરસભામાં દ્રૌપદીનું અપમાન કરતો દુર્યોધન ખડો થયો. પોતાની જાંઘ ખુલ્લી કરી તે અભદ્ર ઇશારો કરતો હતો. ભીમના રૂંવાડે રૂંવાડે આગ લાગી ગઈ. તે એટલા પ્રબળ વેગથી ધસ્યો કે જોનારા દંગ થઈ ગયા. દુર્યોધનને પણ ભીમનું કાળઝાળ સ્વરૂપ જોઈ ભય પેસી ગયો. શું કરવું એ તેને સૂઝ્યું નહીં. તેણે પાછળ ખસી ઊંચો કૂદકો માર્યો. પણ તેના પગ પાછા જમીનને અડે તે પહેલાં તો ભીમની પ્રચંડ ગદાએ તેના બંને સાથળ ભાંગી નાખ્યા. એક કડાકા સાથે પર્વતનું શિખર તૂટી પડે એમ દુર્યોધન પૃથ્વી પર પટકાઈ પડ્યો. ભીમે તેના મસ્તકને લાત મારી, પગથી કચર્યું અને ગરજી ઊઠ્યો : “નરાધમ, લેતો જા! મેં ભરસભામાં પ્રતિજ્ઞા લીધી હતી કે તારા સાથળ ભાંગી ન નાખું તો હું પિતૃલોક નહીં પામું. આજે મારી પ્રતિજ્ઞા પૂરી થઈ. મારા હૈયાને ટાઢક વળી.” ભીમના હૃદયમાં આજ સુધી પ્રજળતો દારુણ અગ્નિ શાંત પડ્યો. તે પગના ઠેકાથી ધરતી ધ્રુજાવતો, અટ્ટહાસ્યથી દિશાઓ ગજાવતો ઉન્મત્ત નૃત્ય કરવા લાગ્યો. દાંત ભીંસી તેણે દુર્યોધનના વીખરાયેલા, લાંબા કેશ પકડી તેના શરીરને ઢસડી ગોળ ગોળ ફેરવ્યું ને તેના મોઢામાં ધૂળ નાખી. આ અંતિમ વિજયની પળે ધર્મરાજનું માથું શરમથી નમી પડ્યું.