માટીનો મહેકતો સાદ/પ્રકરણ ૫

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

અચાનક સમસ્ત યાદવકુળમાં બળરામનું માન ઘણું વધી ગયું. બળરામને એક પરાક્રમી વીર તરીકે માન આપતા હતા તેઓ પણ તેમની ખેતીની ધૂન જોઈ નારાજ થયા હતા, અને બળરામનું મગજ ખસી ગયું છે એમ માનતા હતા. પણ એક દિવસ દ્વારિકાના મુખ્ય દરવાજામાંથી અનાજ ભરેલાં સેંકડો ગાડાંઓ આવવા લાગ્યાં ત્યારે આખું દ્વારિકા તેને જોવા ઊમટી પડ્યું. બળરામે પ્રભાસક્ષેત્રથી માંડી મંગલપુર અને ચૌરવાટિકા સુધીના વિસ્તારમાં વિશાળ પાયા પર ખેતી કરવા માંડી હતી એ સહુ જાણતા હતા. દ્વારિકા પાસેની નાની વાડી તો બળરામના શોખની વસ્તુ સહુ માનતા. પણ તેમાંથી આટલો ફેલાવો થશે ને આટલો બધો પાક ઊતરશે તે કોઈના માન્યામાં નહોતું આવતું. બળરામે જાણે એક મોટો ચમત્કાર કરી બતાવ્યો. તેમણે જે ધાન્ય ઉત્પન્ન કર્યું હતું તે માત્ર વિપુલ પ્રમાણમાં જ નહોતું, તેના દાણા પણ મોટા ને ભરેલા હતા. દ્વારિકાવાસીઓ આ દાણા મુઠ્ઠીમાં લઈ જોતા, બીજાઓને સાદ પાડી બોલાવતા અને આનંદથી નાચી ઊઠતાં. આવો ઉત્સવ દ્વારિકાએ બેએક વાર ઊજવ્યો હતો. એક તો કૃષ્ણ-રુક્મિણીના લગ્ન પ્રસંગે દ્વારિકા ગાંડું થયું હતું. ત્યારે પણ બળરામનું પરાક્રમ લોકજીભે રમતું હતું. રુક્મિણીનો પત્ર આવતાં કૃષ્ણ શૈબ્ય અને સુગ્રીવ નામના બે અશ્વો જોડાવી રથમાં બેસીને રાતોરાત રવાના થઈ ગયા હતા. કૃષ્ણ આમ કોઈને કહ્યા વિના અચાનક ગયા એટલે રાજમહેલમાં એ અંગે અટકળો ને ગુસપુસ વાતો થવા લાગી. એ વાતો વસુદેવ, અક્રૂર જેવા આગેવાનો સુધી પહોંચી ને એ ચોંકી ઊઠ્યા. કૃષ્ણ આમ ક્યાં ગયા હશે? શા માટે? કુન્ડિનપુરથી એક બ્રાહ્મણ આવ્યો હતો તેની બાતમી મળી ને યાદવનાયકોમાં ફફડાટ વ્યાપી ગયો. રુક્મિણીનો વિવાહ ભીષ્મક શિશુપાળ સાથે કરવા માગે છે એવી અફવાઓ તો ઊડતી હતી. ભીષ્મકનો પુત્ર રુક્મી કૃષ્ણનો દ્વેષી હતો. કુન્ડિનપુરમાં જરાસંધ, દંતવક્ત્ર, વિદૂરથ અને શિશુપાળ વગેરે એકઠા થયા છે તેની માહિતી મળી. સુધર્માસભાના સભાપાળે મહા ઘંટનાદ કર્યો. યાદવગણ વિશાળ ચોગાનમાં ઊભરાવા લાગ્યો. બળરામને તત્કાળ બોલાવવામાં આવ્યા અને તેમના પર સેનાપતિપદનો અભિષેક કરી યાદવસેનાને વિદર્ભ ભણી રવાના કરવામાં આવી. આ બધું એટલી ઝડપથી બની ગયું કે યાદવો તેને વારંવાર યાદ કરી પુલકિત થતા હતા. પછી તો કૃષ્ણ-બળરામે મળી મોટા માંધાતાઓને હરાવ્યા, રુક્મી પાછળ પડ્યો તો કૃષ્ણે તેને પકડીને પશુની જેમ રથ સાથે બાંધ્યો, રુક્મિણીની વિનંતીથી છોડ્યો, પણ કેશ અને મૂછનું મુંડન કરી વિરૂપ બનાવ્યો, એ સમયે બળરામે તેને છોડાવ્યો. આ બધી કથા યાદવો રસથી કહેવા લાગતા. રુક્મીને છોડાવતાં બળરામે કહેલું વાક્ય તો વૃદ્ધોની જીભે ચડી ગયું અને કહેવતરૂપ બની ગયું : “ભ્રાતાપિ ભ્રાતરં હન્યાત્ યેનં ઘોરતરસ્તત : ભાઈને હણતા ભાઈ એથી ઘોર નહીં કશું.” પણ યાદવ જુવાનોના હૃદયમાં આ વચન ઊતર્યું હશે? યાદવોએ કૃષ્ણ-રુક્મિણીનો વિવાહ ભારે ધામધૂમથી ઊજવ્યો. એવી જ રીતે શાલ્વનો વધ કરીને કૃષ્ણ આવ્યા ત્યારે યાદવો આનંદથી ગાંડાતૂર બની ગયા હતા. શાલ્વે દ્વારિકાના નગરવાસીઓને પરેશાન કરવામાં બાકી નહોતી રાખી. કૃષ્ણની ગેરહાજરીનો લાભ લઈ તેણે દ્વારિકાને ઘેરો ઘાલ્યો હતો. દ્વારિકાને બેહાલ કરી મૂકી હતી. પણ પછી પ્રદ્યુમ્ને કિલ્લાના દરવાજા ખોલાવી નખાવ્યા અને તેની આગેવાની નીચે યાદવો મરણિયા બની શાલ્વની સેના પર તૂટી પડ્યા. શાલ્વને ભાગી જવાની ફરજ પડી. કૃષ્ણ ઇન્દ્રપ્રસ્થથી પાછા ફર્યા ત્યારે દ્વારિકાનું ઝાંખુંઝપટ અને ભગ્ન સ્વરૂપ જોઈ તેમના અંતરમાં આગ ભભૂકી ઊઠી. શાલ્વના પ્રદેશમાં જ આક્રમણ કરી કૃષ્ણે તેની સૌભપુરીનો નાશ કર્યો. ત્યાંથી રથો, શકટો, શિબિકાઓ ભરી ભરીને જે સંપત્તિ આવી તે જોઈને યાદવો ફૂલ્યા નહોતા સમાતા. કેટલી રત્નમંજૂષાઓ આવી હશે તેની સંખ્યા વિષે શરત મારીને તેઓ જુગાર ખેલ્યા. આજે બળરામનાં ધાન્યથી ઊભરાતા ગાડાં જોઈ તેમને એટલો જ ઉલ્લાસ થતો હતો. બળરામ આટલો પાક લઈ શક્યા તેનો યશ જીમૂતને હતો. જીમૂત મૂળ મિશ્રદેશનો વતની. ખેતીમાં નિષ્ણાત. તેણે એક રાસાયણિક દ્રાવણ બનાવ્યું હતું. એ દ્રાવણ એટલું જલદ હતું કે જરાક સ્પર્શ થતાં ચામડી તતડી જાય. એટલું ઝેરી હતું કે તેનું એક ટીપું પણ માણસને મારી નાખે. જીમૂત બહુ કુશળતાથી આ દ્રાવણનો ઉપયોગ ખેતીમાં કરતો. તેને એ ‘જીવનજળ’ કહેતો. પાણીના જથ્થા સાથે દ્રાવણનું ચોક્કસ માપ તે જાણતો, આ મિશ્રણથી માત્ર પાકનો જબરજસ્ત ઉગાવો જ ન થતો, જીવાતો મરી જતી અને પાકને કોઈ રોગનો ભય ન રહેતો. જીમૂતને કૃષ્ણ મિશ્રદેશમાંથી ખેંચી લાવ્યા હતા. પણ કેટલાક ઋષિમુનિ જીમૂતના આ ખેતીકાર્યથી પ્રસન્ન નહોતા. તેમણે બળરામ પાસે આવી કહ્યું હતું : “બળરામ, ‘સપ્ત અન્નાદિ મેધયા તપસા અજનયત્’ – પિતા પ્રજાપતિએ સાત અન્નો મેધા તથા તપથી ઉત્પન્ન કર્યાં. તેમાં ‘એક અસ્ય સાધારણ’ એક સાધારણ પ્રકારનું છે. ‘સઃ એતત્ ઉપાસ્તે ન સઃ પાપ્નનઃ વ્યાવર્તતે’ - તે સાધારણ અન્નને જે ઉપાસે છે તે પાપમાંથી મુક્ત થતો નથી. કારણ? ‘મિશ્ર હિ એતત્’ તે મિશ્ર છે, શુદ્ધ નથી. તે ‘મોઘમ્ અન્નમ્’ મિથ્યા છે, નિષ્ફળ છે. ‘અપ્રદાયૈભ્યો યો ભુંક્તે સ્તેન એવ સ:” — અતિથિને આપ્યા વિના જે અન્નનું ભક્ષણ કરે છે તે ચોર છે.” પ્રભાસક્ષેત્રનાં વિશાળ ખેતરો પર નજર ફેલાવી તેમણે કહ્યું હતું : “આ તારા ધાન્યક્ષેત્રમાં બળરામ, કેટલા બધા અતિથિઓ છે, દેવો છે! તેને પહેલાં તેં તૃપ્ત કર્યા? પ્રસન્ન કર્યા? ‘એવં વિદ્વાન દેવેભ્યઃ અન્નમ્ આદ્ય પ્રયચ્છતિ’ - જ્ઞાનવાન તો પહેલાં દેવોને અન્ન અર્પણ કરે છે, અને તેથી તેમનું અન્ન ‘ન ક્ષીયન્તે અદ્યમાનાનિ સર્વદા’ - હંમેશાં ખાવા છતાં ખૂટતું નથી. તારા ઉત્પાદનમાં આવી ધીશક્તિ, આવી તપઃશક્તિ, આવી અતિથિભાવના, આવી દેવોપાસના છે ખરી?” આટલું કહી ઋષિમુનિઓ માથું હલાવી ‘દુષ્કૃતં દુષ્કૃતં’ કહી ચાલ્યા ગયા હતા. બળરામે આ વાત રેવતીને કરી ત્યારે તે વિચારમાં પડી ગઈ હતી. પ્રભાસક્ષેત્રમાં જે અન્ન ઉત્પાદન થયું તેની જોડ ત્યારે સારાયે ભારતવર્ષમાં નહોતી. યાદવોને તેમાં પોતાનો જ વિજય દેખાયો. દ્વારિકામાં સર્વ સ્થળે આનંદ છવાઈ ગયો હતો. ત્યારે એક પછી એક ગાડાંને નગરમાં પ્રવેશતાં જોઈ રેવતીનું મન ખિન્ન બની ગયું. બળરામે પૂછ્યું : “તું કેમ ઉદાસ છો રેવતી? આજે તો આપણે આ યુદ્ધઘેલા યાદવોને એક નવો વિક્રમ બતાવી આપ્યો છે, નવી દિશા ચીંધી છે. તારે તો આજે નાચી ઊઠવું જોઈએ.” “આપણી ક્યાંક બહુ મોટી ભૂલ થઈ ગઈ લાગે છે, રામ, આ યોદ્ધાઓના રણઉન્માદ કરતાં પણ ક્યાંયે મોટી ભૂલ.” “શું કહે છે, રેવતી!” બળરામ ચમકી ઊઠ્યા. “હા, આ ધાન્યથી ઊભરાતાં ગાડાંઓ હું જોતી હતી ત્યારે અચાનક મનમાં ઊગ્યું, આ લૂંટ તો નથી? અમે લૂંટનો માલ તો નથી લઈ જતાં નગરમાં?” “લૂંટ? આપણે ક્યારે લૂંટ ચલાવી હતી? કોને લૂંટ્યા આપણે?” “આપણે આ ધરતીને લૂંટી છે, નિર્લજ્જ બની લૂંટી છે. ઋષિમુનિઓ તે દિવસે જે કહી ગયા તેનો મર્મ આજે પકડાય છે, રામ. આપણે તો માન્યું હતું કે અતિથિસેવા, દેવસેવાનો આપણે ભાગ કાઢીશું. પણ એ ભાગ માત્ર અન્નપ્રાશન પહેલાં જ નહીં અન્ન-ઉત્પાદન પહેલાં આપવો જોઈએ, રામ! આપણે એ ભૂલી ગયાં. ના, પહેલાં ભૂલ્યાં તો નહોતાં પણ આ વધારે ઉત્પાદનના લોભમાં આપણે તણાયાં ને ભૂલી ગયાં. તમને યાદ છે ને, આપણે શરૂઆતમાં ખેતી કરતાં ત્યારે છાણિયા ખાતરથી, રાખથી, ભોથાં-ખડસલાંના સોડથી આપણે ધરતીને ધરવી દેતાં, પણ જીમૂતના પ્રયોગો પછી તો ધરતીને આપણે કાંઈ પાછું આપ્યું નથી. ધીમા ઝેરના ઘૂંટડા પાયા છે.” "રેવતી!" “આનો ક્યાંક હિસાબ નહીં રહેતો હોય, રામ!” બળરામ કાંઈ જવાબ ન આપી શક્યા. રેવતીનો અંતરાત્મા જાણે પોતાને જ સંબોધીને કહી રહ્યો : “હિસાબ તો રહેતો જ હશે. આ માટીના થરેથરમાં જે જીવસૃષ્ટિ ઊભરાય છે તેમને કાંઈ ખવરાવ્યા વિના અમે અનાજ ભરી લાવ્યાં છીએ. તેમનો નાશ કરીને અમે અમારા કોઠાર છલકાવી દીધા છે. ઋષિમુનિઓ કદાચ તેમને જ અતિથિ દેવતા પિતૃ નહીં કહેતા હોય? અમે જ ચોર, પાપાત્મા, નિષ્ફળ અનાજ ખાનારાં નહીં?” આ ધરતીને જડ કોણ કહે? એ તો ચેતનની સાક્ષાત્ મૂર્તિ છે. આ માટીના થરેથરમાં જીવન ઊભરાય છે. જીવસૃષ્ટિ એકબીજાની સહાય અને સંહારના તાણાવાણા બરાબર રાખે છે. તેથી મહાજીવનની ચાદર વણાતી જાય છે. આ જીવન-મૃત્યુની મર્યાદા છે, એટલે તો બધા જ જીવી શકે છે. અહીં મર્યાદાનો લોપ કર્યો તો જીવનનો મહોત્સવ જ કાળો પડી જાય. અમે આ મહોત્સવમાં મેશ નથી લગાડી? અમારાં ખેતરોમાં ચેતનનો ચરખો કાંતી રહેલી જીવસૃષ્ટિનો સંહાર કરી અમે સુખેથી જીવી શકશું? બળરામ સામે જોઈ રેવતીએ કહ્યું : “રામ, હળને માર્ગે પણ ભયાનક સુરંગો ચંપાતી હોય છે તેનો ખ્યાલ આવ્યો?" બળરામના મનમાં એક કડાકા સાથે ગૌરવનું ઉત્તુંગ શિખર તૂટી પડ્યું. બળરામે રેવતીનો હાથ પકડી કહ્યું : “ચાલ, આપણે વાડીએ જતાં રહીએ.” પ્રભાસક્ષેત્રના અન્ન-ઉત્પાદનથી એક વ્યક્તિને અતિશય આનંદ થયો હતો. એ હતો યાદવ સત્રાજિત. ગરીબ ઘરમાં જન્મીને તે ઊંચે આવ્યો હતો. એકીસાથે તે ઘણું ઘણું હતો. અશ્વોનો સોદાગર, હીરામોતીનો વેપારી, મીઠાના અગરનો માલિક, કપડાંના રંગકામનો જાણકાર અને વહાણવટી. એ દ્વારિકામાં થોડો સમય રહેતો અને દેશપરદેશની યાત્રાએ નીકળી પડતો. યાદવોમાં અપવાદ ગણાય એટલો તે બોલીનો મીઠો હતો. પણ યાદવો કહેતા કે ભાલાની અણી કરતાં તેની મીઠી જીભ વધુ કાતિલ હતી. બળરામ પર તે ફિદા થઈ ગયો હતો. બળરામના માનમાં તેણે યાદવનાયકોનું સમૂહભોજન રાખ્યું હતું. તેણે યોજેલા સમારંભમાં અગ્રણીઓ બનીઠનીને આવ્યા. સત્રાજિતને પોતાની દોલતનું પ્રદર્શન કરવાનો સારો મોકો મળ્યો. પણ જેના માનમાં આ સમારંભ હતો તે બળરામ ને રેવતી આવ્યાં નહીં. બળરામ પ્રત્યે જેમણે માનનો ગજ લંબાવ્યો હતો તેમણે તરત એ ટૂંકાવી નાખ્યો. કૃષ્ણ આવ્યા. સમારંભમાં તાજગી અને ખુશાલી ફેલાવી દીધાં. સમારંભ પૂરો થતાં એની ધૂળ ખંખેરીને તે સીધા બળરામની વાડીએ પહોંચી ગયા. કૃષ્ણે વાડીનિવાસે આવી જોયું તો બળરામ પાછળ હાથ રાખી ગંભીરભાવે ટહેલી રહ્યા હતા. રેવતી એક બાજુ ગુમસૂમ બેઠી હતી. કૃષ્ણે આવતાંવેંત કહ્યું : “અરે, તમે તે કેવાં છો! આજે આખું દ્વારિકા તમારા નામનો જપ કરે છે ત્યારે તમે બંને ખૂણે ભરાઈને બેઠાં છો? ખરાં છો! મા પણ કહેતી હતી કે બળરામને મીઠું મોઢું કરાવ્યું તો લીમડાનાં પાન ચવરાવતી હોઉં એમ લાગ્યું. પિતાજીએ શું જવાબ આપ્યો, ખબર છે? પિતાજી કહે, તેને પ્રભાસક્ષેત્રના ઘઉંમાંથી લાડુ કરી આપીશ ત્યારે તે રાજી થશે.” કૃષ્ણની સાથે બળરામ-રેવતી પણ હસી પડ્યાં. રેવતીએ થોડી વારે કહ્યું : “બળરામના મનમાં શું ચાલતું હશે તેની મને ખબર નથી, પણ હું તમને આ પળે યાદ કરતી હતી ને તમે આવ્યા. હું તમને સાવ જૂના, હવે તો ભુલાઈ ગયેલા નામે બોલાવતી હતી, કૃષ્ણ!!" "ક્યું નામ?" "ગોપાલ." “હા, મા યશોદા મને એ નામથી બોલાવતી.” કૃષ્ણે કહ્યું. “હા, હા, મા યશોદા ગોપાલ કહેતી અને હું ગોપો કહેતો.” બળરામે કહ્યું. ત્રણે હસી પડ્યાં. “ગોપાલને યાદ કરવાનું કાંઈ કારણ?” “અમથું અમથું. નકામું નકામું.” રેવતીએ કહ્યું : “ગોપાલ હવે કાંઈ ગાયો ચરાવવા જાય નહીં અને બળરામને પણ હવે એકાદ હળ હાંકવું પોસાય નહીં. બંને એટલા મોટા બની ગયા છે કે તેમનો હિસાબ લાખોની પાણે. અને છતાં એમ થાય કે તમે પાછા ગોપાલ બનો, બળરામ હાથે હળ હાંકે અને મારા હાથમાં સાંબેલું આવી જાય, તો નવું ગોકુળ ઊભું કરીએ. એમાં તમારી બંસી તો ખરી, ગોપાલ! પણ મારું મન આપણું દળદર જોઈને એટલું દુઃખી છે કે તે છેલ્લી યાદ આવી. અહા! આટલું હોય તો આપણે દળદરમાત્રના ભુક્કા કાઢી નાખીએ. પછી એ દળદર ભલેને ગમે તેવી હાથીની અંબાડી પર ચડીને આવે!" કૃષ્ણે વાતનો મર્મ પકડી લેતાં કહ્યું : “મને તમારાં હળ, મુસળ, બંસી પ્રત્યે ઓછો પ્રેમ નથી. એક દ્વારિકા વસાવવા કરતાં એક ગોકુળ વસાવવા માટે મારું મન વધુ તલસે છે, એ કોને કહું? પણ હવે ગોકુળ ભણી પાછું ફરી શકાય તેમ નથી. સંસ્કૃતિનું ચક્ર એટલા જોરથી ફરી રહ્યું છે કે ગોકુલ ઊભું કરીશું તોપણ સંસ્કૃતિનો આગળ વધતો એક એક દાંતો તેને પીંખી નાખશે. પાછા ફરવાની હવે વેળા નથી." “પાછું ન ફરી શકાય? આ કોણ કૃષ્ણ કહે છે?” રેવતી લગભગ ચીસ પાડી ઊઠી. પછી સ્વાભાવિક સ્વરે બોલી : “ગોપાલ, જ્યારે આખીયે સંસ્કૃતિને માથે મોત ભમે છે ત્યારે પણ પાછું ન ફરી શકાય? તમારા પ્રેમમાં એટલું સામર્થ્ય છે, ગોપાલ, કે તમે જો એ પ્રેમથી સાદ પાડો તો તમારે સાદે દોડી આવતી ધેનુઓની જેમ માનવી દોડી આવશે, જરૂર દોડી આવશે. એક વાર પુકાર તો કરી જુઓ, ગોપાલ, એક વાર.” “પણ એ હવે વાંભ નાખતાં જ ભૂલી ગયો હશે. જરા પૂછ તો ખરી, રેવતી, કે તારા ગોપાલને વાંભ નાખતાં આવડે છે કે નહીં?” બળરામના ચહેરા પરથી વિષાદ હટી ગયો. કૃષ્ણ સામે જોઈ ફરી કહ્યું : “નાનકા, તારા અવાજમાં જાદુ તો છે. પણ એ જાદુ તું કોના પર વાપરીશ તે ભલો બ્રહ્માયે જાણી શકે એમ નથી.” કૃષ્ણે હસીને કહ્યું: “મોટા, એ જાદુ એકલા તમારા પર ચાલે તો બીજું મારે કાંઈ નથી જોઈતું.” કૃષ્ણે રેવતીના પ્રશ્નને ગંભીરતાથી લેતાં કહ્યું: “તમે મારી વાત નહીં માનો, ભાભી, પણ હવે માણસજાત એકાદ માનવીનું સાંભળે એવો યુગ નથી રહ્યો. કદાચ ભગવાનની વાણીને પણ તે નહીં સાંભળે. વાઘ લોહી ચાખી ગયો છે અને આ માનવભક્ષીની ભૂખ વધતી જાય છે. અત્યારે શું ચાલી રહ્યું છે તેની તમને ખબર નથી. હમણાંની જ વાત કરું. પાંડવો વિરાટનગરમાં પ્રગટ થઈ ગયા છે, તે જાણ્યું છે ને? જયેષ્ઠ પાંડવને તો તમે પણ સારી પેઠે ઓળખો છો. સહિષ્ણુતાનો અવતાર છે. પાંડવો માત્ર પાંચ ગામડાં માગીને સંતોષ પામશે તોપણ દુર્યોધન તેમને ઊભા રહેવા જેટલીયે જગ્યા નહીં આપે. ક્યાંયે સ્થિરતાથી ને શાંતિથી ઊભા રહેવા માટે સોય જેટલી પણ જગ્યા નથી રહી, ભાભી! હવે તો અસ્થિરતા અને અશાંતિના માથા પર પગ મૂકશે એ જ ખરેખર જીવી જશે.” “કૃષ્ણ!” બળરામ કૃષ્ણના સ્વરૂપમાં કાંઈ અકળ તત્ત્વ જોઈ બોલી ઊઠ્યા. “તમારો આજનો અફસોસ હું સમજી શકું છું. જીમૂતના વિષમય રસાયણથી આટલું બધું અનાજ ઉત્પન્ન થયું તેના મૂળમાં જ તમને પાપ ભાસે છે, ખરું?” રેવતી કૃષ્ણની નજીક આવી બેઠી. કૃષ્ણે આગળ કહ્યું: “પણ તમે મારી સાથે આવ્યા હોત તો તમને બતાવત કે માત્ર મિશ્ર, સુમેર ને પલ્હવમાં જ નહીં પણ કોસલ, મત્સ્ય, પંચનદ અને ઉત્તર-જ્યોતિષમાં, અરે આપણા પડોશી મરુ અને મહેત્થમાં પણ જીમૂતને ગુરુપદે સ્થાપનારા ઘણા છે. ધરતીને અને ગાયને હવે કોઈ માતા નથી કહેતું, એમને કસ કાઢી લેવાની સામગ્રી ગણવામાં આવે છે. જીમૂતને હું અહીં લઈ આવ્યો જેથી તમે આજના કાળ-સ્વરૂપને પ્રત્યક્ષ જોઈ શકો.” પછી ક્ષિતિજ પર દૃષ્ટિ માંડી વાત પૂરી કરતાં કૃષ્ણે કહ્યું : “આ વિષ દેશ દેશની રગમાં વ્યાપી ગયું છે. કાલિય નાગ સાથે ખેલવાની મને નાનપણથી ફાવટ આવી ગઈ છે; હું તેને નાથી શકીશ એમ નથી કહેતો, પણ તેની સહસ્ત્ર ફેણ પર મારાં પગલાં તો ચાંપતો જઈશ.” “તમે આ જગતને નિર્વિષ કરવાનો યત્ન નહીં કરો, ગોપાલ?” રેવતીએ પૂછ્યું. “મૂરખાઓ એમ ન કહે કે, મેં પ્રયત્નો નહોતા કર્યા એટલે બધા જ પ્રયત્નો કરી છૂટીશ, પણ એ વળી મેં સ્વીકારેલી મૂર્ખતાના પ્રયત્નો હશે.” બળરામે રેવતી સામે જોઈ કહ્યું : “તને કાંઈ સમજાય છે, રેવતી? મને તો નાનકાની વાતમાં કાંઈ સમજાતું નથી.” “એટલું સમજાય છે કે”, રેવતીએ કહ્યું : “સત્યાનાશ. સત્યાનાશ આવી રહ્યો છે. બીજું એટલું નજરે દેખાય છે કે, એક આનંદમય મૂર્તિ છે, જેને આખું ખાંડવવન બળીને ખાખ થઈ જાય તેની પડી નથી, છતાં એક તરણું દાઝી ઊઠે તો તેનીયે પડી છે.” કૃષ્ણે નીચે નમીને ખોટા ગાંભીર્યથી કહ્યું : “આપના સમા કદરદાન મહાનુભાવો છે ત્યાં સુધી એ આનંદમય મૂર્તિને જીવતા રહેવામાં આનંદ આવશે.” પછી કાંઈક યાદ આવ્યું હોય એમ કહ્યું : “અરે, ભાભી, તમારે મને ઇનામ આપવું પડશે, ઇનામ. તમારે માટે એક સરસ ચીજ લાવ્યો છું એ કહેવાનું તો ભૂલી જ ગયો.” પછી બળરામ સામે જોઈ કહ્યું : “મોટા, તમને પણ ભૂલ્યો નથી. તમારોય સાથે ભાગ રાખ્યો છે. ખોટું ન લગાડતા, પણ બંનેએ ઇનામ તો આપવું પડશે. આપો વચન.” રેવતીના મનમાં કોણ જાણે શું થઈ ગયું કે તેણે ભાવવિહ્વળ થઈ કૃષ્ણને કહ્યું : “ગોપાલ, તમે સદાયે ઇનામને લાયક છો, પ્રેમને લાયક છો, વંદનને લાયક છો. તમને ન સમજી શકીએ ત્યારે પણ તમને ચાહતાં રહીએ એટલું વરદાન આપજો.” “પણ શેને માટે ઇનામ આપવાનું છે, એ તો પૂછો!” “તમે લાવ્યા છો તે બતાવશો ત્યારે જોઈશ. તમે માગશો તે આપીશ.” રેવતીએ કહ્યું. કૃષ્ણે દારુકને બોલાવ્યો અને રથમાં પાદાસન પાસે મૂકેલી વસ્તુઓને લાવવાની સૂચના આપી. બળરામ-રેવતી ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યાં. દારુક બે કૂંડાં લઈ આવ્યો. બંનેમાં ફૂલછોડ હતા. કૃષ્ણે કહ્યું : “આ શંખેશ્વરના છોડ બંગદેશથી લાવ્યો છું. એકમાં લાલ ફૂલ આવે છે, બીજામાં પીળાં. તમે પ્રવેશદ્વાર આગળ પગથિયાની બંને બાજુએ વાવજો, આગણું શોભી ઊઠશે.” રેવતીએ કહ્યું : “તમારે હાથે જ રોપાવીશ ને!” "જરૂર." “અને બંનેનાં નવાં નામ હું પાડીશ.” “શું નામ પાડશો?” “જેને પીળાં ફૂલ આવશે તેને કહીશ કૃષ્ણચૂડા.” “અને લાલ ફૂલો આવશે તેને?” “તેને કહીશ રાધાચૂડા.” કૃષ્ણનું મુખ પ્રસન્નતાથી ઉજ્જ્વળ થઈ ઊઠ્યું. તેણે અસ્ફુટ સ્વરે કહ્યું : “મને ઇનામ મળી ગયું.”