માડી મને સાંભરે રે/મા–સ્મૃતિઓના સથવારે

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧૭.
મા–સ્મૃતિઓના સાથવારે

મનુભાઈ મકવાણા

સોમનાથના સાગરકિનારે કલાકો સુધી બેસી દરિયાનાં ઘૂઘવતાં મોજાંઓ જોયા કર્યાં છે; થોડા દિવસો ઋષિકેશ–હરદ્વાર તરફ ફરીને હિમાલયની ભવ્યતાનાં દર્શન કર્યાં પરંતુ એથીએ અધિક તેવી માના ખોળાની હુંફના અનુભવું છું. ‘મા’ના મ્હોંનું આછુંપાતળું ચિત્ર નજરમાં ગોઠવવા જાઉં છું અને રેખાઓ, ના મળવાથી તે અસ્તવ્યસ્ત થઈ જાય છે. જીવનની શરૂઆતનાં બે વર્ષ મા પાસે રહેવાનું મળ્યું. જ્યારે કાંઈ સમજવાનું ભાન નહોતું. ત્યાર બાદ થોડાં વર્ષો (૬ વર્ષ) તેનાથી વિખૂટા રહી પાછાં ત્રણ વર્ષ તેની સાથે રેહવાનું મળ્યું બસ, આ હતો મા સાથેનો સહવાસ. મારી ૧૩–૧૪ વર્ષની ઉંમર થાય ત્યાં સુધીમાં તો મા મને છોડી ચાલી નીકળી. પોતાના લાડલાને વ્હાલનો હાથ ફેરવવા પણ રોકાઈ નહિં. દાદીમા અને માસી પાસેથી સાંભળ્યું છે કે, તેના મૃત્યુની રાતે તે લાંબી ડોક કરી ચિંતાભરી આંખો અને રુદનભર્યા ચહેરે હું જે ખાટલામાં સૂતેલો હતો તે તરફ વારંવાર જોયા કરતી હતી. આજે પણ જ્યારે કોઈ માને પોતાના લાડકવાયાની રાહ ચિંતાતુર નજરે જોતી જોઉં છું; ત્યારે મને મારી મા પણ તેની છેલ્લી ક્ષણોમાં તેવી જ રીતે જોતી હશે, કદાચ તેમાં દીકરાને ફરીથી જોવાની આશા પણ નહીં હોય—તેવી કલ્પના કરું છું. આ સાથે મનમાં અકથ્ય એવા ભાવો ઊમટી આવે છે અને મન થાય છે, રાહ જોતી માની આંખોમાં રહેલ ચિંતામિશ્રિત પ્રેમાળ ભાવમાં ડૂબકી મારવાનું. ઊંચું પણ પાતળું ન કહી શકાય તેવું શરીર અને લાંબા વાળ ધરાવતી મારી મા તેના મૃત્યુ સમયે વૃદ્ધ નહોતી. ઉંમર હશે તેની ૩૦–૩૫ વર્ષની. તેની ઉંમરનાં, તેને જાણનાર ઘણાં કહે છે, તારી મા કોઈ બામણ–પટેલની છોડી કરતાં ઊતરતી નહોતી. ગાયકવાડી ગામમાં પિયર એટલે ચાર (ગુજરાતી) ચોપડી ભણેલી પણ ખરી જ. નાનપણથી બાપની છાત્રછાયા સિવાય માના ખોળામાં મોટી થયેલી મારી માએ ચરોતરનાં ખેતરોમાં કાળી મજૂરી કરી હતી. તો બાળલગ્ન થયેલાં ત્યાંથી ફારગતી થયા બાદ મારા બાપુ સાથે બીજાં લગ્ન થયા પછીથી વડોદરામાં ઈંટો બનાવવાના ભઠ્ઠાએ માથે ઈંટો ઊંચકી હતી, તેમજ કડિયા સાથે માટીની ગારનાં તગારાં ઊંચકનાર મજૂર તરીકે પણ કામ કરેલ. મારા બાપુ કુટુંબમાં સૌથી મોટા, આથી તેમનો અડધા ઉપરાંતનો પગાર મારા દાદા આવીને લઈ જતા–મંગાવી લેતા. જેમાંથી મારા કાકાઓ–ફોઈઓ વગેરેનું ભરણ–પોષણ થતું. ત્યારે પગાર પણ કેટલો મળતો, ૧૮ રૂપિયા ! અડધો પગાર જતાં બાકી રહેલા પૈસા ઘરખર્ચમાં તેમજ મારા બાપુના દારૂખર્ચમાં વપરાતા. ઘરખર્ચને પહોંચી વળવા મારી મા મજૂરી કરતી અને છતાં ક્યારેય તે માટે તેણે મારા બાપુ સાથે લડવાડ–ઝઘડો કર્યો હોય કે કામથી થાકી–હારી બેઠી હોય તેવું તેને ઓળખનાર કોઈ પાસેથી સાંભળ્યું યાદ આવતું નથી. જો કે મારી માના મૃત્યુનાં થોડાં વર્ષો અગાઉ મારા બાપુજીએ દારૂ પીવાનો છોડી દીધો હતો. મને બરાબર યાદ છે. હું ત્યારે ત્રીજા ધોરણમાં હતો. તે વડોદરા, નવાયાર્ડથી બાજવા નજીક આવેલા કરચિયા ગામમાં મજૂરીએ જતી. ત્યાં, ગામમાં પીવાના પાણી માટેની ટાંકી બંધાતી હતી. તેનું કામ રાખ્યું હતું, મારા બાપુના એક ઓળખીતાએ. તે અન્ય સ્રીઓ સાથે ઘરેથી બે-ત્રણ માઈલ ચાલીને જતી. હમેશાં જતાં પહેલાં મારા બાપુ માટે ટિફિન બનાવતી. મારા માટે જમવાનું બરાબર ઢાંકીને પડોશમાં રહેતાં એક માસી (તેની બેનપણી)ને ત્યાં મને સોંપી તે સવારમાં નીકળતી તે સાંજે દિવસ આથમ્યે ઘરે આવતી. હું પાંચ વાગ્યે નિશાળેથી આવી સવારની રોટલી કે બાપાએ બનાવેલ ખીચડી ખાઈને તેની રાહ જોતો ચાલીમાં રમ્યા કરતો. આજે પણ વડોદરા–અમદાવાદને રેલરસ્તે (ટ્રેનમાં) પસાર થતાં પાણીની તે ટાંકી જોઉં છું ને માનો પરસેવાથી રેબઝેબ ખરડાયેલો ચહેરો અસ્પષ્ટ રીતે ઊપસી આવે છે અને હું તે બરાબર નીરખી લઉં તે પહેલાં નજર સમક્ષથી ઝાંઝવાના જળની માફક પસાર થઈ જાય છે. હું ઘી સાલ્વેશન આર્મીની શાળામાં ભણતો ત્યારની એક વાત છે. શાળા તરફથી આણંદ દૂધની ડેરી (અમૂલડેરી) જોવા પર્યટને લઈ જવાના હતા. વહેલી સવારે ઊઠીને તેણે મારી માટે બાજરીના લોટમાં છાસ ઇત્યાદિ નાંખી ઢેબરાં બનાવ્યાં—જે મને હજુ પણ ખૂબ જ ભાવતી વાનગીમાંની એક છે—મારા બે મુસ્લિમ મિત્રો મહેમુદ અને અકબર મારો સંગાથ કરવા મારે ઘેર આવ્યા. માએ પ્રેમથી તેમને બોલાવ્યા. તેમના નાસ્તાના ડબ્બામાં તેઓની ના, ના કહેવા છતાં માથે વ્હાલથી હાથ ફેરવી એક–એક ઢેબરું મૂક્યું અને કહ્યું હતું. ‘ત્રણે ભાઈઓ સાથે બેસી ખાજો, એકબીજાથી છૂટા પડી ક્યાંય જતા નહીં.’ આજે જ્યારે સમજણો થયો છું ત્યારે માનાં આ વાક્યો દલિત–મુસ્લિમ એકતાના સંદેશાની માફક મારા કાનમાં ગુંજે છે. ભાઈચારા અને પ્રેમનાં બીજ કદાચ નાનપણની અણસમજમાં જોયેલા તેના આવા વર્તનને કારણે અજ્ઞાત પણે મારામા રોપાયાં હશે. બીજા એક પ્રસંગે ચોધાર આંસુ પાડતી પરંતુ ક્રોધથી ઝનૂની બનેલી માની મુખમુદ્રા યાદ આવે છે. ત્યારે અમે કલાસવાની ચાલી, નવાયાર્ડમાં રહેતાં. મારા એક કાકા, અમારી સાથે રહેતા. તેઓ પોતે નફ્‌ફટ દારૂ પીએ, ઘરમાં અને બહાર લોકો સાથે ઝઘડાઓ કરે. મનમાં આવે તો નોકરીએ જાય, નહીં તો જુગાર રમ્યા કરે. પૈસા ખૂટે એટલે મારી મા પાસે માંગે કે ઘરમાંથી ઉઠાવી લે. ખબર નથી શા માટે ઝઘડો થયો હશે, પરંતુ મેં જ્યારે મારા ઘર આગળ લોકોનું ટોળું જોયું તો હું પણ ચાલીમાં રમવાનું પડતું મૂકી ઘર પાસે આવ્યો. મારી મા ઉંબર ઉપર ઊભી હતી. તેના લાંબા વાળ છૂટા હતા, આંખોમાં આંસુ અને મોંમાંથી નીકળી એક ખૂણેથી ધારના સ્વરૂપે લોહી વહેતું હતું. બે હાથથી બગલમાં ખાટલો પકડ્યો હતો. બીજી તરફ કાકા જોર–જોરથી ગાળોનો વરસાદ વરસાવતા ને વારંવાર મારવા ધસતા દિયરનો હાથ પકડી માએ એકાએક ધક્કો માર્યો કે તેઓને બીજાઓએ પકડીને ઊભા કર્યા ત્યારે ઘણી વારે માંડ–માંડ ઊભા થઈ શક્યા હતા. મારી માનો લોહિયાળ ચહેરો યાદ આવતાં હજુ પણ મનમાં ક્યારેક તેને મારનાર માટે ખુન્નસ ભરાઈ આવે છે; પરંતુ તરત જ ત્યાર પછીનું દૃશ્ય (કાકા જમીન ઉપર પડેલા તે) યાદ આવતાં એક જ હાથે ધક્કો મારી કોઈ પુરુષને સખત રીતે પછાડી પ્રતિકાર કરવાની માની શક્તિ વિશે માન થઈ આવે છે. એટલે જ, અત્યારે કોઈના તરફથી મને થતા અન્યાય સામે લડવાની જે વૃત્તિ થાય છે, તે મને મારી માનો વારસામાં મળેલો પ્રતિકારનો સ્વભાવ હશે તેવું લાગે છે. અન્ય એક પ્રસંગ યાદ આવતાં તો અત્યારે પણ હું એકલો એકલો હસી લઉં છું. ત્યારે મારી ઉંમર ૭–૮ વર્ષની હતી. હું નાનપણથી મોસાળમાં જ રહેલો. ત્યાંથી મા પાસે, વડોદરા આવેલો. માએ ઘરમાં માંસ બનાવેલું. મોસાળમાં કોઈ માંસ ખાય નહીં એટલે મને તે ખાવાની ટેવ નહીં. મા મને માંસ ખાવાના ફાયદા સમજાવે કે તેનાથી તાકાત આવે. તાકાત આવે તો બીમાર ના પડાય, કોઈ રોગ ના થાય ઇત્યાદિ. સાથે સાથે ખવડાવવાના પ્રયત્નો કરે. મેં માંસનો ટુકડો પકડી બે દાંત વચ્ચે દબાવી તે તોડવાનો પ્રયત્ન કર્યો. હાથથી પકડેલો ટુકડાને ઝાટકો વાગવાથી ટુકડા સાથે ચોંટેલ મસાલો અને રસાના છાંટા ઊડ્યા. આખો ચહેરો રસાના છાંટાથી રંગાઈ ગયો ને કેટલાક છાંટા મારી આંખમાં પડ્યા. આંખોમાં બળતરા થતાં મેં હાથથી આંખ મસળવી શરૂ કરી. તેમ કરતાં વધારે બળતરા થવા લાગી. મેં માંસનો ભરેલો વાડકો નાંખી દઈ જોર–જોરથી રડવાનું ચાલું કર્યું. બીજી તરફ મા મારા હાલ–હવાલ જોઈને જે હસે, જે હસે કે તેનાથી હસવું રોકાય નહીં. પરંતુ થોડી ક્ષણોમાં જ હસવાનું બંધ કરી મને ગોળ અને રોટલો ખવડાવી રાજી કર્યા પછી જ તે ખાવા બેઠી. આજે પણ જ્યારે માંસાહાર કરું છું ત્યારે એક ઝાંખા અસ્પષ્ટ ચિત્રનો ભાસ થાય છે કે, મા તેના દીકરાને ખાતાં ક્યારેક આંખ બંધ કરતો જોઈ (કદાચ નાનપણનો બનાવ યાદ કરી) હસતી ના હોય ! જેમ તે પ્રેમ કરતી તેવી જ શિક્ષા પણ કરતી. અમે ત્યારે રામવાડીમાં રહેતાં હતાં. ભજનમંડળી ચાલે અને મંડળીના સાજ–સરંજામ (તબલાં, પેટીવાજું, મંજીરાં વગેરે) અમારે ત્યાં રખાય. બપોરનો સમય હતો. મા ક્યાંક પડોશમાં બેસવા ગયેલી. ને લાગ મળતાં તબલાં લઈ આપણે ભાઈ બેસી ગયેલા. નાનપણમાં વગાડતાં તો ક્યાંથી આવડે એટલે જોરથી હાથ મારતાં કૂંડી ઉપરનું ચામડું ફાટીને હાથ અંદર. હું ગભરાયો, ચૂપચાપ ત્યાંથી ભાગ્યો. ત્યાં જ મા અવાજ સાંભળીને આવતી હશે તે આવી લાગી. મેન ભાગતો પકડી બેત્રણ ધોલ મારી દીધી. મને પકડી રાખીને જ કાથીની રસ્સી શોધી કાઢી. અમારા મોટા ખાટલાના પાયા સાથે મને હાથપગ બાંધી, બાંધી દીધો. આ દરમિયાન ગુસ્સાથી સ્વસ્તી વચનો ભાંડવાનું તો ચાલુ જ. વચ્ચે વચ્ચે બરડા અને ગાલમાં મારી પણ લે. બપોરનો મને બાંધેલો તે સાંજે પાંચ વાગે બાપુ નોકરી ઉપરથી આવ્યા ત્યારે તેમની દરમિયાનગીરી બાદ મને છોડેલો. જો કે છોડ્યા બાદ મારા હાથ–પગે પડેલા કાથીના સોળ ક્યાંય વાર સુધી તેણે પંપાળ્યા કર્યા હતા. આવું તોફાન ના કર્યું હોત તો, તેમ કહી મારે માથે હાથ ફેરવતી રહેલી. ડાહી નામ ધરાવતી માના તે મૃદુ હાથના સ્પર્શમાં હું મને બાંધવાથી આવેલો તમામ ગુસ્સો અને રડવું તેમજ દર્દ ભૂલી તેની સોડમાં ભરાઈ ગયેલો. આજે યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક બન્યા બાદ વર્ષોથી એકલો રહું છું ત્યારે, રહેવા મળેલા મોટા ઘરના એકાંતમાં મા સાથે વિતાવેલાં થોડાં વર્ષોની આવી યાદો જ્યારે વર્તમાન બને છે ત્યારે મન ગમગીન અને ઉદાસ બની જાય છે. અતીતમાં ખોવાયેલી આંખો આંસુનાં ટીપાંઓ ટપકાવી લે છે. હૃદયમાં અકથ્ય તેવા ભાવો ઊભરાઈ આવે છે, ત્યારે તે વ્યક્ત કરી શકાય, જેના હૂંફાળા ખોળામાં મનના ભાવો સાથે વિસામો લઈ શકાય તેવું કોઈ જ સ્વજન મારી પાસે ના હોવાથી નિઃસહાયતા અનુભવું છું. માના ચહેરાને વાસ્તવિક સ્વરૂપમાં હું ક્યારેક કલ્પીને જોઈ શક્યો નથી. કારણ કે, તેની સાથે વિતાવેલાં થોડાં વર્ષોની ઝાંખી–ઝાંખી સ્મૃતિઓ અને તેની ઉંમરના ને તેને ઓળખતા લોકો પાસેથી તેના વિશેની સાંભળેલી વાતો સિવાય મારી પાસે બીજું છે પણ શું ? એકાદી તેની છબી પણ નથી કે જે જોઈને મારી મા આવી હશે તેમ કહી શકું. જે કાંઈ જળવાઈ રહ્યું છે તે સ્મૃતિઓના સથવારે છે અને એટલે જ જ્યારે કોઈ સ્રી મારા માથામાં હાથ ફેરવે છે ત્યારે તેમાં હું મારી માના પ્રેમાળ હાથની હૂંફને હંમેશાં શોધ્યા કરું છું.