માડી મને સાંભરે રે/હતી ત્યારે મારે ત્રણ-ત્રણ મા હતી!
હતી ત્યારે મારે ત્રણ-ત્રણ મા હતી !
જોસેફ મેકવાન
હું નમાયો છું; હતી ત્યારે મારે ત્રણ–ત્રણ મા હતી. ચારથી માંડી ચૌદ વર્ષની અવસ્થા સુધી અલપઝલપ એમણે મારી જિંદગીમાં રંગ પૂર્યા : મમતાના, માનવતાના, માતૃત્વના (!) ને અભરખા ઊચી જાય એવા આઘાત સર્જી એ ચાલી ગઈ. પાછળ મૂકતી ગઈ મા નામના પદારથની એક એવી અદમ્ય ભૂખ જે અભિશાપ બની મારી જિંદગીને આજેય પીડી રહી છે. બાળકને ધવરાવતાં મોહસમાધિમાં ડૂબેલી માને જોઉં છું ને આજેય મારું અંતર આલહવેલહ થઈ જાય છે. ઘરબાર છોડી જતી સ્રીનો વાંક કદીય મારા મનમાં નથી વસતો; ને જિંદગી ટૂંપવી દેતી સ્રીની લાચારી તો મારી લાગણીનેય લકવી દે છે. પૂરા ભાવે ‘મા’ને જવાબમાં ભર્યા હૈયે ‘બેટા’ કે ‘દીકરા’નો ઉદ્ગાર સાંભળું છું ત્યારે સ્વર્ગ મને સાવ ઢૂંકડું લાગે છે. એક વાર દસમા ધોરણમાં સુભદ્રાજીની ‘મેરા બચપન’ કવિતા શીખવતાં ગળે ડૂમો ભરાઈ ગયો. આંખો ભીની થઈ ગઈ. વર્ગ સ્તબ્ધ થઈ ગયેલો. એકાદ-બેને હસવુંય આવેલું; ને મેં જોયું : એક જણની આંખમાં આંસુ હતાં. તાસ પૂરો થાય એની રાહમાં પાંચ મિનિટ અમે મૌન ગાળેલી. દર્દનો માર્યો વીતી ન શકતો એ સમય એક યુગની વેદનામાં ઝબોળી ગયેલો. બહાર નીકળી ચાર કદમ ચાલુ ત્યાં અવાજ આવ્યો : ‘સાહેબ...!’ પાછળ જોયું. એ જ રડનારો વિદ્યાર્થી. ‘મારેય મા નથી !’ ઘેરી સહાનુભૂતિ સંવેદી એ દાદર ઊતરી ગયો. એ સંસારમાં અમે બે સમદુખિયા હતા. માવિહોણા, માના પ્રેમથી, માની છાયાથી વંચિત ! ત્રણેક વર્ષની ઉંમરે મેં મા ગુમાવેલી. મારી યાદદાસ્ત પર ક્યારેક મને ખુદને આશ્ચર્ય થાય એટલી એ અણિયાળી છે. મારા શૈશવનાં અનેક સ્મરણો જેવા ને તેવા રૂપે આજેય મારી સ્મૃતિસંદૂકે સંઘરાઈ રહ્યાં છે. એમ મારી માનો ચહેરો આજેય મારા સ્મરણે આબેહૂબ જડાઈ રહ્યો છે. હું ચિત્રકાર હોઉં તો ચીતરી શકું; એક પણ રેખા ન ચૂકું એવો. મા ગુણિયલ હતી, અનેકોને મોંઢે સાંભળ્યું છે : સુંદર હતી, હેતાળ હતી. નામ એનું હતું હીરી. મારી દાદી ને ફોઈ એને ‘હીરા’ કહેતાં. એ ઘરનો ‘હીરો’ હતો એવું એના ગુણગ્રાહકો કહેતાં. એને ટી.બી. થયેલો. જૂની સિવિલમાં એને સારવાર અર્થે રાખેલી. ત્યાંથી મારા બાપુને લખેલો એનો એક પત્ર જૂની પેટીમાંથી જડેલો. પેન્સિલથી મરોડદાર અક્ષરે એણે એકએક વિગત લખેલી. બાપુ મિશનના માસ્તર. ખંભોળજ ગામે રહે. ઘર પાછળ વિશાળ વાડો હતો; ને માએ મરઘીએ ઈંડાં સેવ્યાં હોય તો તેની કાળજી સમેત વાડામાં ભીંડા ને વાલોળ વાવવાનીય પેલા કાગળમાં તાકીદ કરેલી. અમારી ચિંતા તો એમાં ખરી જ, પણ લાકડાની પેટીના ખૂણે રાખેલી બાટલી ઘેર પહોંચાડી દર રવિવારે કાકી અમને ચા સાથે બબ્બે ચમચી દિવેલ પિવાડે એની ખાસ સૂચનાય નહિ ભૂલેલી. માના અમે બે દીકરા : મોટો મનુભાઈ ને એનાથી છએક વર્ષ નાનો હું. વચ્ચે એક બહેન જન્મીને ઝાઝું નહિ જીવેલી. માની માંદગી ટાણે અમને અમારે વતન ઓડમાં દાદી ‘ધની ડોસી’ને ત્યાં મૂકેલાં. દાદીને ઘેર પાંચ-છ દૂઝણાં. દૂધ-ઘીનો પાર નહિ. પહેલવાન જેવા કાકા, કાકી નિઃસંતાન એને અમારી ખૂબ માયા. માની માંદગી દરમિયાન જ બાપુ એક સ્રી સાથે વરોંધાયેલા. થોડીક સાજી થઈને મા આવી ત્યારે એણે જાણ્યું ને એ જખમાઈ ગઈ. લોકો કહેતા : હીરી જીવત, પણ આ જાણ્યા પછી એને જીવવામાં જીવ જ ના રહ્યો. અમારી ‘નવી મા’ થઈને એ જ સ્રી આવી એ ઘટના આજેય યથાતથ યાદ છે : દાદી કહેતી હતી : ‘મારું મરતું મોં જુએ, જો તું એને આ ઘરમાં લાવે તો !’ નાનાકાકા ભણેલા. બાપુનો પડ્યો બોલ ઝીલતા, પણ એય નારાજ. બાપુએ એક વાર નિર્ધાર્યું તે નિર્ધાર્યું જ. બરાબર જાન જવાના દિવસે જ દાદીએ આંખ મીંચી. ત્રણ વાગ્યે મારી બાની કબરની પડખે જ એની ઘોર ખોેદેલી, એમાં એને દફનાવી. મસાણે ગયેલા સૌ પાછા આવી બે ઘડી આંગણે બેઠા અને એના અડધા જ કલાકમાં બાપુ ઊઘલ્યા ! અમનેય જાનમાં લીધા. મોટોભાઈ ન આવવા હઠે ચડેલો, એને ફોઈએ રોતાં રોતાં સમજાવ્યો. હું તો જવા હઠે ચડેલો, કાકા ન આવ્યા. બીજી સવારે જાન પાછી વળી. ચાર ગાઉનો પંથક ચાલતાં કાપવાનો. કોઈક મને ઊંચકતાં, કોઈક આંગળી ઝાલી ચલાવતાં, વચ્ચે બે ગાઉનો મોટો ચરો આવે. એ ચરામાં જ કોઈકે નવી મા સાંભળે એમ કહ્યું : ‘જો, તારી મા તેડી લેશે.’ ને ચાલતી માને એ સાંભળીને જાણે ખ્યાલ આવ્યો. ‘આવ ભાઈ, હું તેડું’ કહેતાં એણે મને બોલાવ્યો ને ઊંચકાઈને હું એની છાતીએ પહોંચું ત્યાં જ મારાથી મોટો મનુ પોકારી ઊઠ્યો : ‘જસ્યા....! ના જવાય. જો આ જ જગ્યા, આપણી મા-વાળી.’ ને મારી સ્મૃતિ સળવળી ઊઠી : દવાખાનેથી મા પાછી આવ્યા પછી આ જ રસ્તે અમે ઓડ જતા હતા. અમે બે રમતા રમતા ધીરે ધીરે ચાલતા હતા અને મા બાપુ સાથે પેલી અજંપાવાળી વાતે ઝઘડી રહી હતી. રોષે ભરાયેલા બાપે છત્રી વડે મારી માને એવી મારી હતી કે એ ભોંયભેગી થઈ ગઈ હતી. આવેશના માર્યા એને ખાંસી ચડી આવી હતી અને લોહીની ઊલટી; જરાય દરકાર વગર બાપુ આગળ ચાલ્યા ગયા હતા ને એ નિર્જન ચરામાં માને વળગીને અમે બંને નાના ભાઈઓ પોક મેલીને રડી પડ્યા હતા; અને અમારાં માથાં એની હાંફતી છાતીસરખાં ચાંપીને મા, એના આહત—અપમાનથી નહિ એટલું અમારા નમાયા ભાવિની કલ્પનાથી ધ્રુસકે ધ્રુસકે રોઈ પડી હતી. જોગાનુજોગ આ એ જ જગ્યા હતી ! ભાઈના પોકારે મારા જ્ઞાનતંતુ સળગાવી દીધા ને નવી માની કેડેથી ઝટકો મારી ઊતરતો હું ભાઈ પાસે પહોંચી ગયો. બાપુની આંખો અંગારા વરસાવતી હતી, પણ ભાઈ તો ભીની આંખે પેલી જગ્યા જ જોઈ રહ્યો હતો. એ જગ્યાએ મારી માનું સ્થાન મારા કૂણા કાળજે એવું તો જડી દીધું હતું કે પૂરી ધાકથી બાપુએ નવી માને ‘મા’ કહેવડાવવા ફરજ પાડી તોય એનું સ્થાન હૈયેથી ના જ હટ્યું તે ના જ હટ્યું ને નવું પ્રતિષ્ઠિત ના થઈ શક્યું. જિંદગીભર ના જ થઈ શક્યું. ચરામાંથી એ દિવસે દુઃખથી વલોવતી મા સાથે ઘરે આવ્યા પછી મા તો મૌન જ રહેલી પણ મેં અને ભાઈએ દાદીને આખોયે કાંડ કહી દીધો ને એણે એના દીકરાનાં છાજિયાં લીધેલાં. મા રડતાં રડતાં મારી દાદી અને નાની કાકી આગળ ખોળો પાથરતી કરગરતી હતી. ભાઈએ મને સમજાવેલું કે એના મર્યા પહેલાંથી આપણી સોંપણી કરતી હતી, પણ ત્યારે હજી મોતના ઓળા અમે જોયા—જાણેલા નહિ. એ ઘટના પછી મા પથારીવશ થઈ ગઈ. નાની કાકી અને ફોઈ એની ચાકરીમાં ખડેપગે રહેતાં. મા અમને પથારીએ ઝાઝા ટકવા ન દેતી. એના શ્વાસનાં જંતુ અમારાં જીવન ભરખે એની એને ચિંતા. ઘણી વાર એની પાંગતે અમને ઊભા રાખી એ ટગર ટગર નીરખ્યા કરતી ને ત્યારે એની આંખે ચોધાર આંસુ વહ્યા કરતાં. ફોઈ એનાં આંસુ લૂછતી ને રડતી રડતી અમને રમવા બહાર મોકલી દેતી. આવે ટાંકણે મોટોભાઈ અસહાય બની જાતો. ચોપડી લઈ એ પરસાળને ખૂણે પેસી જતો, માથી એનાં ડૂસકાં ન ખમાતાં. એ પરાણે હસવા મથતી અને મનુભાઈને એની કવિતા સંભળાવવા કહેતી, એ આજેય યાદ છે :
અમે તો સૂરજના છડીદાર, અમે તો પ્રભાતના પોકાર
સૂરજ આવે સંત ઘોડલે, અરુણ રથ વહાનાર.
આગે ચાલું છડી પોકારું, પ્રકાશ ગીત ગાનાર. અમે તો૦
અને
ભમરાને ફરવાની લાલચ ગુન-ગુન-ગુન કરતો એ;
સાંજ પડે પણ ઘેર ના આવે ભટક ભટક કરતો એ.
એ કવિતાઓ ગાતો ને એની ગાયેલી કવિતાઓ આખી ને આખી મને મોઢે થઈ ગયેલી. મને વાંચતાં ન આવડતું તોયે ઘણી વાર ભાઈની ચોપડી લઈ એ કવિતાઓ આખી હું માને ગાઈ સંભળાવતો. કૂકડાના ચિત્રને કારણે ચોપડી હું સીધી પકડતો પણ ભમરાવાળી કવિતામાં ચિત્ર નહિ તે ક્યારેક ચોપડી ઊંધી પકડાઈ જતી ત્યારે મા હસવું ન રોકી શકતી ને એનું હસતું મુખડું મને એટલું ગમતું કે હું એની કોટે વળગી પડતો, ત્યારે મારા મુખને ચૂમવા એ શ્વાસના ઓથારે તડપી તડપીને રહી જતી અને એનાથી ધ્રુસકું મુકાઈ જતું. કાકા આવીને મને ખસેડી લેતા ને ત્યારે રડતાં રડતાં મારા કાકાને આર્જવતી : ‘આમને જાળવજો, જરાય ઓછું ન આવવા દેશો મારા વીરા !’ કાકા ત્યારે જડ બની રહેતા. માને અંતિમ ઘડીનો અણસાર આવી ગયેલો. બાપુને બોલાવવા નાના કાકા જતા હતા એમને હઠ કરીને એણે વારેલા. એની ઇચ્છાથી કાકી અને ફોઈએ એને નવરાવીને નવી સાડી પહેરાવેલી. અમને બંને ભાઈઓને એણે એનાં મનગમતાં કપડાં પહેરાવડાવી આંખો આગળ રાખેલા. તે સાંજે એને હાતે અમારાં મોંમાં એણે કંસારના કોળિયા મૂકેલા ને પોતે પણ શાંતિથી ખાધેલું. હઠ કરીને મેં મારી ભરત ભરેલી ટોપી પહેરેલી અને ‘વિલિયમ ટેલ’ના નાટકમાં વૉલ્ટર બનેલો એનો પાઠ માને ખુશ કરવા ભજવી ગયેલો. દાદી, ફોઈ, કાકી ને બીજાં કેટલાંય તે સાંજે માની આસપાસ ટોળે વળેલાં. શું થઈ રહ્યું છે એની સમજણ વિનાનો હું પેલા નવાં લૂગડાંસોતો જ ક્યારે સૂઈ ગયો એની ખબરેય નહિ પડેલી ને સવારે જાગ્યો ત્યારે ઘર આખામાં રોકકળ મચી રહેલી. ખંભોળજથી આવી ગયેલા બાપુ થાંભલીને અઢેલીને ઊંધે મોંએ બેઠેલા. પહાડ જેવા મારા કાકા, નાના બાળકની જેમ આક્રંદતા હતા ને મારો ભાઈ બેસૂધ બની ગયેલો. માના મરણનો આઘાત હજી મારા–અબૂઝ હૈયાના સાચા ઠેકાણે નહિ લાગેલો તે પેલી ફૂલભરેલી ટોપી પહેરીને હું રોતી સ્રીઓની વચ્ચે સૂતેલી મા પાસે પહોંચ્યો ત્યારે લાડુ રડતી–કકળતી મારી માના લાંબા વાળ ઓળી રહેલી. માની પથારી પાસે જઈ શું કહેલું એ તો યાદ નથી, પણ માનું માથું ફોઈને ભળાવી હાયકારો ભરતી લાડુભાભીએ મને એની છાતીસરસો ચાંપી દીધેલો, એના હૈયાના ધબકારા મારા કાને થઈને મારા કાળજે કોતરાઈ ગયેલા, એની અનુભૂતિ આજેય મને થયા કરે છે. મારા નમાયા ભાવિની ભેંકાર કલ્પના એને એકલીને હતી એવી લાગણી મને સતત થતી રહી છે. જિંદગીમાં પરથમ વાર માની દફનક્રિયા જોવાનું દુર્ભાગ્ય મને લાધેલું ને એ દુર્ભાગ્ય એક યુગ સુધી મારા અદૃષ્ટ ભાવિ પર ઝળૂંબી રહેવાનું હતું એનો મને આભાસેય નહોતો. મારા મનમાં એક કુતૂહલ ક્રીડાયા કરતું હતું. ગઈકાલે સાંજે માએ જ હેત કરીને મને નવાં લૂગડાં પહેરાવડાવ્યાં હતાં. મુલાયમ ચામડાના બૂટ ને માથે મખમલની ટોપી મુકાવી હતી. શા માટે ? આજે સમજાય છે. અદકા ભાવે મા એ બધું લાવી હશે. અમને એમાં સજાવતાં એની આંખનો રાજીપો રૂંવે રૂંવે રેલાઈ જતો હશે. ગઈ કાલે એ જ આંખોએ એક વાર હૈયું ભરીને મને અંતરે ઉતારી લીધો હશે ? ‘મારે માથે હું સફરજન મૂકું છું, બાપુ ! જરાય નહિ હાલું. તમે તમારા તીરથી એને વીંધી નાખો.’ વૉલ્ટરના આ સંવાદમાંના ‘બાપુ’ શબ્દોચ્ચારે જ એણે ડૂસકું ભર્યું હતુ ને કાકાએ મને ખેંચી લીધો હતો. આજે એ જ ટોપી પહેરી એની આંખોમાં હું તાકું છું પણે એ પોપચુંય ઊંચું નથી કરતી. ‘મા, મનુ કેમ આટલો રડે છે ?’ એનો જવાબેય નથી દેતી. રોતાંકલપતાં સૌ પર જાણે સન્નાટો છવાઈ ગયો હતો, ખીચોખીચ ભરેલી પરસાળેય શાંત થઈ ગઈ હતી અને માની આંખો ઉઘાડવા મથતા મારા પર લાડુભાભીના હાથ અને છાતીનું દબાણ વધતાં જતાં હતાં. ખાટલાસોતી માને કાકા ને બીજા કાંધે ઉપાડીને ચાલ્યા ત્યારે લાડુથી જોર-બરાએ છૂટીને હું ડાઘુઓ ભેળો ભળી ગયો. કબર ફરતા ચાર ફેરા ફેરાવવા એના ખાટલાને નાના કાકાએ એક બાજુ પકડ્યો ને બીજી બાજુ અમને બે ભાઈઓને હાથ દેવરાવ્યા. એને કબરમાં ઉતાર્યા પછી મિશનના ધર્મશિક્ષકે બાઇબલ વાંચ્યું અને મારી માની ઇચ્છા પ્રમાણે સૌથી માટી મેં, મારા ભાઈએ અને કાકાએ વાળી. એ કબરની શગ વળી રહી હતી ત્યારે જ મને ખ્યાલ આવ્યો કે મારી મા જતી રહી, એ માટીમાં ધરબાઈ ગઈ અને મા વગર હું ઘેર નહિ આવું, એવું માના મોતનું રુદન સૌ પ્રથમ ત્યારે જ મારા ગળેથી વછૂટ્યું. મેન રોતો જોઈ કાકાથી પોક મુકાઈ ગઈ અને કાકાની પોકના પ્રકંપે ફરી મારો ભાઈ મૂર્છિત થઈ ગયો. માનું મૃત્યુ જાણે અમારા ઘર પર મરણના ઓળ લઈ આવ્યું. માના મોતના જરાય મલાજા વગર ચોથે જ મહિને બાપુ પુનઃપરણ્યા ને મારી દાદી એના શબ્દો પ્રમાણે આવનારીનું મોં ન જોવા, બાપુની જાન જવાની હતી તે દિવસે મરણશરણ થઈ ગઈ. શું એ ઇચ્છામૃત્યુ હતું ? કદાચ, હા. દાદી જે નહોતી ઇચ્છતી એ એની આંખો આગળ એના ઘરમાં ન થવું જોઈએ. એ ન જોવા એણે સદાને માટે આંખો મીંચી દીધી. ફોઈ કહેતી હતી, દાદીએ અફીણ ઘોળ્યું હતું. માયા મેલવા એણે ખાસી મથામણ કરી હતી. અમને આઘા રાખ્યા હતા. કાકાને ઘણું બધું કહ્યું કથ્યું હતું, પણ કોઈને આશંકા નહોતી આવવા દીધી. માની કને જ એની કબર કરતાં કાકા ભાંગી પડ્યા હતા. નવી માના આવવાનો અણે મા અને દાદીના કાયમ માટે જતા રહેવાનો આઘાત ન જીરવી શક્યો મારો ભાઈ. દિવસો સુધી એ ગુમસૂમ રહ્યો. મનમાં આવે કે કાકી ખૂબ વીનવે તો ખાય, નહિ તો આખો દિવસ ચોકની ધર્મશાળાએ બેસી રહે. આમ જ એ માંદો પડ્યો ને બરાબર માના મૃત્યુના સાતમા મહિને બે દિવસની ટૂંકી માંદગી પછી દેવને વહાલો થઈ ગયો. એ હિજરાઈ હિજરાઈને મર્યો હતો. એને દફનાવ્યા પછી માની કબર પરની માટીમાં મોઢું સંતાડી કાકા એટલું બધું રડ્યા હતા કે કોઈ એમને છાના નહોતું રાખી શક્યું. મા અને દાદીના દફનના સાક્ષી બનેલા મને લાડુ અને કાકીએ ધમપછાડા કરવા છતાં સ્મશાને નહોતો જવા દીધો, કારણ રાત હતી. મારા કાકા કદાવર બાંધાના જવાનજોધ આદમી હતા. માના મોત પછી એમનેય જાણે જીવનમાંથી રસ ઊડી ગયો હતો. કોણ જાણે કેમ પણ એમનો જમણો ઘૂંટણ મોટા માણસના માથા જેવડો ફૂલી ગયો. એ કદાચ પાક્યો હતો. કળતરના માર્યા જમ જેવા કામ કણસી ઊઠતા હતા. ઘણી વાર મારી નાનકડી આંગળીઓથી એ ઘૂંટણ પંપાળતો એમનું દુઃખ હું હળવું કરતો. દેશી વૈદક મુજબ જેઈણાની ભઠ્ઠી કરી એમાં તપાવેલા લાલચોળ પાંચ ડામ કાકાના એ ઢીંચણ પર દીધેલા અને એક ઊહકારો ભર્યા વિના કાકા એ ય ત્રણા પચાવી ગયેલા. પણ આખરે કૂકના દવાખાને જઈને સાથળમાંથી એ પગ વઢાવવો જ પડ્યો. ત્યાંથી ઘરે આવ્યા પછી બે ઘોડી વડે કાકા ખેતરેથી એક પોટલું ચાર લાવતાય થયેલા. ઘરે દૂઝણાં. કાકા એકપગાળા અને સારાં એવાં ઝાડવાંવાળું અખાપાતર ગણાતું ખેતર. નોકરી છોડવાનોના ઇરાદે બાપુએ કામચલાઉ રજા લીધેલી. કામચલાઉ એટલા માટે કે, આરંભથી જ બાપુ ઊભાટેરિયા ગણાતા. કપડાં ને ઠાઠઠઠારાના શોખીન. ગામ આખું એમને ‘માસ્તર’ના નામથી નવાજે. શરીરશ્રમ ને ખેતરની મજૂરી તો એમનાથી થાય જ નહિ, એટલે એમણે વિચારેલું અખતરો કરવાનું. ફાવે તો નોકરી છોડવી, નહિ તો ખેતરને રામ રામ. કાકા ખેતરની વાતે ભારે આળા. એક પગે વૈતરું કરીશ પણ ખેતર નહિ છોડું, એ એમની રઢ; એટલે નવી માને લઈને બાપુ ખેતરે જતા થયેલા. એમાં મારે જ કારણે એ દુર્ઘટના બની. કાકી અને દાદીએ અમને લાડ લડાવવામાં બાકી નહિ રાખેલું. હાડ બંધાય એ સારુ દાદીએ મને બાજરીના રોટલા પણ ફેણું ઘી ચોપડી ખાવાની ટેવ પાડેલી. ભૂખ લાગતાં હું રોટલો માગું કે તરત ઘીસોતો મળે. તે દિવસે નવી માએ રોટલા ઘડેલા, જે બપોરે જ પૂરા થઈ ગયા હશે. બેએક વાગ્યે મને ભૂખ લાગી. કાકી ક્યાંક ગયેલી ને કાકા પથારીવશ. હું રોટલો શોધું, કાકીને ખોળું, રડું ને કાકાને ઉઠાય નહિ. ભૂખને કારણે રમવામાં ચિત્ત ચોટે નહિ ને ઘરમાં ગમે નહિ. પાંચેકના સુમારે નવી મા ને બાપુ ચારનાં પોટલાં લઈ પરસાળે પેઠાં ને મેં ભૂખ છતી કરી : ‘કેમ અલી મા, મારી હારુ રોટલો નથી રાખ્યો ?’ બાપુનો પિત્તો ગયો. પોટલું ફેંકતા એ ધસ્યા. તરવટ પર હું પૂરા ગુસ્સાથી એક ભરપૂર અડબોથ એમણે મને મારી. હું ખાંડણિયા પર પડ્યો. કપાળે લોહીની ધાર વછૂટી. એના ડાઘ હજી આજેય છે. બાપુ જાણે દૈત્ય બની ગયા હતા. લોહીની પરવા કર્યા વિના એ મને ઝૂડતા હતા. દેકારો મચી ગયો. મારી ચીસોથી લોક એકઠું થઈ ગયું ને મારા કાકા ઘોડી વિના બારણાના ટેકે પરસાળમાં આવી બાપુને વળગી પડ્યા. ‘એક તો મરી ગયો, બીજાનેય મારી નાખવો છે?’ કાકા પહેલી વાર ધૂંઆપૂંઆં થતા બોલ્યા. ‘મેં મારી નાંછ્યો, મારે જ માથે વાંક ?’ કહેતાં નવી માએ ઠૂઠવો મેલ્યો. ‘ખોટાં લાડે તમે જ છૈયાં બરાન બનાવી મેલ્યાં છે. મને એ નહિ પાલવે !’ ‘તમે ના પાલવશો, પાલવનારો હું બેઠો છું ને ?’ કહેતા કાકા મને છોડાવી બારસાખનો ટેકો લેવા જતાં ગડથોલું ખાઈ ગયા તે કપાવેલા પગ ઉપર જ પડ્યા. લીંપણની ઓકળીઓ રક્તે ખરડાઈ ગઈ, કાકાનો એ ઘા ફરી ના રુઝાયો ને જોતજોતામાં બે વાઘ ધરાય એવડો એ દેહધારી કરમાઈ ગયેલા કણસલા જેવો થઈ ગયો. એ દિવસોમાં કાકા મને એમના ખાટલે બેસાડી રાખતા. એમના હાથમાં મારો હાથ પકડી રાખતા. મને યાદ એવી કવિતા ગવડાવતા ને મારું માથું બરડો પસવાર્યા કરતા. એક સમીસાંજે રમીને હું ઘરમાં પેસતો હતો. ત્યારે કાકાનો ચહેરો સાવ બદલાઈ ગયેલો. ઇશારત વડે મારી કને પાણી માગ્યું. કાકી ડોબું દોહતાં હતાં એમને બોલાવડાવ્યાં. એમના માથા આગળ કાકીને ઊભાં રાખ્યાં ને એમની આંખોમાં આંખ પરોવી તાકતાં હાથ વડે જ કશોક નકાર સૂચવ્યો. કાકી હજી તો કંઈ સમજે એ પહેલાં જ કાકા ડોકું સહેજ ઊંચું કરવા ગયા અને પછડાઈ પડ્યા. બે હાથે કાકાનું માથું હલાવતાં કાકી આક્રંદી ઊઠ્યાં : "જસ્યા...આ તારા કાકા જતા રહ્યા !" (માની વેળાની જેમ આ વખતેય બાપુ એમની નોકરીના સ્થળે હતા.) કાકીની પોકે ઘર ભરાઈ ગયું. ફોઈના હાથમાંથી દૂધની ભરેલી પવાલી પડી ગઈ.માના મોતટાણે મનુભાઈ જેવું મને જ્ઞાન નહોતું પણ ત્યાર પછીના ઉપરાછાપરી મોતના છાપાઓએ મારા ચિત્તતંત્ર પર એવા ઘા કર્યા હતા કે મૃત્યુથી સર્જાતા અભાવોનું મને ઉમ્મર કરતાંય ઝાઝું જ્ઞાન લાધી ગયું હતું. જિંદગીમાં પહેલી વાર મોતના ગમથી હું મનભરીને રડ્યો. મા, દાદી, મનુભાઈ અને કાકાની એક જ વર્ષના ગાળામાં ચાર ચાર કબરો એક જ લાઇનમાં મોતનો મહિમા ગાઈ રહી હતી. બાળપણમાં અમે મસાણથી બીતા, પણ મારાં સ્વજનોની આ કબરોએ મારા ભયને પરહરી લીધેલો ને ઘણી વાર માની યાદ અણિયાળી બની જતી ત્યારે પેલી કબરોએ જઈ હું દિલાસો પામતો ને કાકાની કબર પાસે બેસીને કહેતો : ‘મા, જો મનુ તારી પાસે આવ્યો; કાકાય આવ્યા. મને ક્યારે બોલાવીશ, મા ! મારે તારી કને આવવું છે !’ ને મનોમન કલ્પના થઈ જતી; અહીં, બરાબર કાકાની પાસે જ મારીય કબર બની જશે. એ કબ્રસ્તાનની પાસે જ લાડુનું ખેતર. એક વાર એ ત્યાંથી આવતી હશે ને હું આમ બોલું. સાંભળતાં જ એના હૈયે ફાળ પડી. દોડીને મને એણે હૈયા સાથે જડી દીધો. "કોઈ કાળે તમારે એકલાએ અહીં ના આવવું, ખાઓ મારા ગળાના—" કહેતાં એ મને ઘેર લઈ ગયેલાં. કાકાના મરણ પછી કાકી ખૂણો પાળતાં. સવારે ઘરે કોઈ ન હોય ત્યારે મહોલ્લાની સ્રીઓ આવતી અને એમને કંઈ કંઈ સમજાવતી ત્યારે એ નહોતું સમજાતું, આજે સમજાય છે. મા ઓગણત્રીસ વર્ષની વયે મરી ગયેલી; કાકા અઠ્ઠાવીસે ને કાકી ત્યારે પચીસેકનાં હશે. એ આખી જિંદગી એકલી કેમની કાઢે? પુનર્લગ્નનો તો કોઈ વાંધો જ નહોતો. એને ચિંતા હતી તો એક મારી ને બીજી એનામાં આકારાઈ રહેલા કાકાના અંકુરની. એક વાર મને ખોળામાં લેતાં એ બોલી ગયેલી : "જો તારો ભાઈ જનમશે ને તો તમને બંને ભાઈઓને લઈને હું જુદી રહીશ !" પણ એનું મનગમતું જુદારું એને ન મળ્યું. કોણ જાણે શું થયું તે એક સવારે કાકીના ભાઈ આવ્યા. કાકી સાથે ખૂબ વાતો કરીને જતા રહ્યા. એના થોડા જ દિવસો પછીના એક સવારે ઘરમાં અમે બે જ હતાં, નવી મા ને બાપુ ખેતરમાં હતાં. એમને આવતાં એક-દોઢ વાગી જતો. કાકીએ એમનાં કપડાંની પોટલી બાંધી. મને કહે : "વાવ આગળ મામા ઊભા છે એમને આપી આવ." હોંશે હોંશે હું અનુસર્યો. કાકીએ કઢાઈ ચડાવી ઘીમાં શીરો બનાવ્યો. એ ટાઢો થાય ત્યાં સુધી થોડા રોટલાય ટીપી નાખ્યા. પછી થાળીમાં શીરો કાઢી મને ખવડાવતી જાય અને રડતી જાય. મે કહેલું "કાકી ! તમેય ખાઓ ને !" તો કહે : "ના ભાઈ ! મારાથી ના ખવાય." પછી એ ઊઠી, વાડામાં જઈ ભેંસો પર હાથ ફેરવ્યો. સીતાફળીની ડાળ ઝાલી કેટલીય વાર ગમાણો તાકતી રહી. ખૂણે પડેલી ચાર કલ્લો કલ્લો ભેંસોને નીરી દીધી. વાડાની બારી બંધ કરી એ ઘંટી પાસે આવી. એની ઉપરના ગોખલામાં કાકાનું બાઇબલ પડી રહે. કાકીએ એને માથે અડાડ્યું. હારબંધ ઊભેલી છ કોઠીઓએ હાથ દીધા. ખા....લી ઘર પર એક નજર લીંપી લીધી. કાકા હંમેશાં વાપરતા એ લોટામાં પાણી ભર્યું ને ધડાકાબંધ આગલા બારણાના ઉલાળાનું દામું પાછું નાખી મને સાથે લઈ એ ચાલી નીકળી. વડું તળાવ આવ્યું ત્યાં સુધી એ કાંઈ ન બોલી ને વડલાના છાંયે થોભી મારે માથે-મોઢે હાથ ફેરવતાં ઓચરી : "હવે પાછો જા, ભઈ ! જીવેશ તો કદીક જોવા આવેશ. તારા બાપુને કહેજે : "કાકી એને ઘેર ગઈ." હવે મને સમજાયું. કાકી સદાને માટે જતી રહેતી હતી તે ભાન થયું : કાકીવિહોણા ઘરમાં હું એકલો નહિ જીવી શકું. મને રડવું આવ્યું : "મનેય હાથે લઈ જા. હું તો તારી હંગાથ આવેશ પાછો નંઈ જવ !" કાકી વિસામણમાં પડી ગઈ. મને છોડીને જતાં એનો જીવ નહોતો ચાલતો ને મને એ સાથે નહોતી લઈ જઈ શકતી. એનું ચાલત તો એ મને આંગળિયાત તરીકે સાથે લઈ જાત. પણ સમાજરચનાને એ મંજૂર નહોતું. હું એના પેટનો ક્યાં હતો ? એ જ વેળા સીમમાં મજૂરીએ ગયેલી લાડુભાભી આવતી દેખાઈ. પળવારમાં એ પરિસ્થિતિ પામી ગઈ. કાકીના ગળે વળગીને એ ધ્રુસકે ધ્રુસકે રડી. કાકીની આંખો એના પાલવથી લૂછતાં એને કશાંક બે વાનાં કહ્યાં ને મને બાવડેથી ઝાલીને ખેંચતાં બોલી !" "હેંડો મારા બાપ ! તમે જનમજલા થઈને અવતર્યા છો, હેંડો !" વડા તળાવનો ખડિયાટ, ચળકતાં પાણી, પાણી પીવા જતીઆવતી ભેંસો, સામે સ્થિરભાવે ઊભેલું મહાદેવનું દેરું ને વડલા નીચે ઊભેલાં હું અને લાડુભાભી ! વળી વળીને પાછું જોતી અનરાધાર આંહવે રોતી જતી, જનમારો હાર્યાના હતાશ પગલે ચાલી જતી મારી કાકીનું એ આખુંય દૃશ્ય આજેય મારા ચિત્તમાં અકબંધ સ ઘરાઈ રહ્યું છે. મોટપણે શાકુન્તલમાં વાંચ્યું કે વહાલાં જનોને વળાવવા જળાશય સુધી જવું, ત્યારે મારી આંખોએ કણ, શકુન્તલા કે એની સહેલીઓ નહોતી સાકાર થઈ, પણ પેલું તળાવ, વડલો, લાડુભાભી અને દૂર દૂર નેજવે થતી કાકી જ તરવરી રહેલાં. ત્યારે કાકીના જતા રહેવાનું જ દુઃખ હતું. ભાવનાઓ લાગણીશીલ બની ત્યારે સમજણે ‘ઘર’ છોડીને ‘ઘર’ વસાવવા જતું એનું મહાભિનિષ્ક્રમણ ગળે ઉતાર્યું ને મારી સંવેદના થીજી ગઈ. શૈશવ, કૈશોર્ય ને કુમારાવસ્થા મારા લમણે નહોતાં નિર્માયાં. કાકીની છાયા ખસી ગયા પછી તો હું અકાળે પાકટ થઈ ગયો હતો. મારાં લાડકોડ ને અબોધ ઉમળકા એ એની પોટલીમાં બાંધી ગઈ હતી. આઠ વરસની વયે ગામના કહેણીરૂપ બનેલા ઊંડા કૂવેથી અધમણના દોરડે પંદરશેરિયા ઘડે બાર બેડાં પાણી ખેંચવું, ઘર વાળવાથી માંડી વાસણ-કૂસણ અજવાળવાં, બાજરી રછેરવી, હાઠી ડાંગર છડવી તુવર ભરડવી, દાળ મોવી, બે ઢોરનું વાસીદું ઉકરડે થાપવું, નવી માના સાત ખોટના દીકરાને કેડેથી કોરે ના મેલવો, ખેતર સાચવવું, ને વરસ ચાલે એટલાં ઇંધણાં એકઠાં કરવાં, ખેતરની વાડ ને હૂળ કરવાં, એ બધાં સાથે ભણવાની હોંશને લીધે નિશાળ સાચવવી–એ મારી જીવનચર્યા હતી. બાર વરસે તો હું હમાર, કરબડી ને હળ દેતાં શીખી ગયેલો. આ બધામાંથી ક્યારેક મોકો મળી જતો, ક્યારેક હું ચોરી લેતો ને મનભરીને રમી લેતો; પણ એમાં મારા ભિલ્લુઓ જેવી નિશ્ચિંતતા, નિરાંત ને મોકળાશ નહોતાં. કોઈક અદીઠ બોજ, અકળ ભીતિનું ભારણ મારા માથે મડાયેલું જ રહેતું. ભમરડાનો ભોમી, પતંગનો રસિયો પેચબાજ, છોગીનો તાકોડી ને માંચનો એક્કો એવા મને હરાવવો હોય તો દૂરથી મારી નવી મા કે બાપુ જેવા અવાજે કોઈક ‘જસ્યા...આ’નો પોકાર કરે ને મારી ખેલંદીખુમારી વેરણછેરણ થઈ જતી. બાપની બીક હાડકાંય કમકમાવતી ને રમવાનો રંગ રોળાઈ જતો ! નવી માને મેં હંમેશાં ‘મા’ કહી છે. ત્રણ વર્ષની વયથી ‘મા’નું સંબોધન મારે માટે સહજ થઈ ગયું, પણ એ એક આખા યુગના ‘મા’ના પોકારે એની મમતા ના ઢંઢાળી. ‘બેટા,’ ‘દીકરા’ કે ‘ભાઈ’નો હૃદયસ્ફૂર્ત ઉદ્ગાર એના કંઠે ઊમગ્યો હોત તો હું ધન્ય થઈ જાત, પણ મારે માટે કોમળ ભાવ પ્રગટે એ પેરે એનો પિંડ જ નહોતો બંધાયો. ઘર આખાનું વૈતરું વેંઢારવામાંય અસહાય લાચારી કરતાં એની મમતાને જીતવાની અબળખા મારામાં અમળાયા કરતી પણ એકાદા ઉમળકાના સરપાવે એણે મને નથી નવાજ્યો. હું એને માટે સર્વથા અવાંછિત હતો. "કોઈના વારેય તને મોતચ્મમ નથી આવતું !" એ એનો ઉકળાટ એના હોઠો પર અનેક વાર ધૂંધવાયા કરતો. હા, બાપુની બીક કે લોકલાજે, એણે મારા પર હાથ નથી ઉપાડ્યો, પણ એનાં મર્મભેદક વચનો, એની અસૂયા અને નરદમ અવગણનાએ મારા કોમળ ભાવોનો કચ્ચરઘાણ વાળ્યો છે. ડિલ કરતાંય દિલ પરનો એ માર મારે માટે દુઃસહ બની રહેલો. મારો ભેરુ મગનો એની માને જરાય ના ગણકારતો ને માગીહઠ પૂરી કરતો. મોંઘામાં મોંઘી દોરી લાવવા શકો પાંચ રૂપિયા ખનનન ખખડાવીને અમને બતાવતો નેએની મા એને લૂગદી બનાવી આપતી. એકના એક ભગાની માને એને સામે બેસાડ્યા વિન ગળે ધાન ના ઊતરતું. અમારો ધનશા દસ વરસનો. તોય એનું દિલ થાય ત્યારે એની માને ધાવવા માંડતો અને આ જનેતાઓ એમને જરાકેય માંદા–મૂઆ જુએ તો ધાતતાં વાનાં કરે. બબલાની બાધા ઉતારવા એનાં માબાપ હેંડતાં પાવાગઢ ગયેલાં. ખાનિયાની માંદગી નિવારવા એની રાંડેલી માએ વેઢલા વેચેલા. જ્યારે આંબો વેડતાં ડાળી ભાગવાથી પડી જતાં ઘોંચાયેલા ખાંપાએ મારી ડાબી જાંઘે ચાર ઇંચ લાંબો ને એક ઇંચ ઊંડો ચીરો પાડી દીધો ત્યારે એમાં ધખતાતાપે તપેલી માટી ભરીને મેં લોહી અટકાવેલું. ત્રીજે દહાડે ઘા પાક્યો. વેળ ઘાલી અને હાથેમોઢે તાવ ધખ્યો ત્યારે કણસતા દર્દે હું ‘મા...મા...!’ પોકારી ઊઠેલો પણ મને સાંભળનાર કોઈ નહોતું. લોકલાજે નવી મા મને દવાખાને લઈ ગઈ, ત્યાં મારા પાંચમા ધોરણના સાથી દિનકરના બાપુ ડૉક્ટર નીકળ્યા. મારી સ્થિતિ જોઈ એ ખૂબ ખિન્ન થયેલા. ઘેનનું ઇન્જેકશન આપી મારા જખમમાંની માટી એમણે કાઢેલી ને સારે એવા કડક ઠપકા સાથે માને કહેલું : "જાઓ, એના બાપુને બોલાવી લાવો !" સાંજ સુધી એમણે મને દવાખાને સુવાડી રાખ્યો પણ મને લેવા કોઈ ન આવ્યું. ડૉક્ટરે કમ્પાઉન્ડરને મોકલ્યો ત્યારે દોડતાં આવ્યાં લાડુભાભી ને એમની દીકરી હેતા. એ મને ઘેર લઈ ગયાં. ચૌદ પાટે મને રૂઝ આવેલી ને એની ફી મેં દવાખાનું વાળી વાળીને પૂરી કરેલી. ડૉક્ટર કહેતા : "તું ભાગ્યશાળી તે બચી ગયો. બે દહાડા મોડો પડ્યો હોત તો હાડકા સુધી પહોંચેલો ઘા ગેગ્રીન કરી દેત !" હું કેટલો ભાગ્યશાળી એ હું સારી પેઠે જાણતો હતો ને આવા બધા પ્રસંગોએ મને મારી મા સાંભરતી. માની કોટે વળગતાં, માનાં લાડ પામતાં, માની ડફલ ખાતાં ને માની દીકરા કાજેની ધાખનાઓ જોતાં મારો જીવડો એ પામવા આલહવેલહ થઈ ઊઠતો, મારું રોમ રોમ મા—મા પોકારતું. મારા આ અબળખા એની રીતે પૂરવાના પ્રયાસો કર્યા હોય તો એ મારી લાડુભાભીએ. એ અમારા ભાગના—વાણોતર ગણાતા મણિયા ચમારની વહુ. અમારા ઘર સાથે એને નેહનો નાતો. પહેલા આણે આવી ત્યારે મારી દાદીને એણે ખોળો નાખેલો. ને કહેવાતું કે જંઈ જંઈને જળોની જેમ વળગી રહેતી ધની ડોસીએ રાણીછાપના સવાપાંચ રૂપિયાથી એનો ખોળો ભરેલો. મારી મા અને એ સાથે જ સાસરે આવેલાં ને એમનાં સહીપણાંયે અદકાં. મણિભાઈ છ ફૂટ ઊંચા કદાવર જવાન. લાડુભાભી ઊંચા—પૂરા સાગના સોટા જેવાં, નકરા બાધાનાં. ચહેરો આંખે અડે, અંતરે વસે ને હૈયાને ભાવતો એટલો રૂપકડો. એની વાચાએ વહાલ નીતરે. નામ એનું લાડુ પાડનારે સમણેય નહિ ધાર્યું હોય એટલી એ મધમીઠી. માના મોતથી માંડી કાકાના મરણ સુધીના બધા પ્રસંગોએ મને છાતીએ ચાંપનારી એ જ. અબોધ અવસ્થાથી માંડી સમજણો થયો ત્યાં લગી, અપરમાથી ત્રાસ્યો હોઉં ત્યારે, કૂવે પાણી ખેંચી હાંફ્યો હોઉં ત્યારે કે ખેતરે હાડ તોડી થાક્યો હોઉં ત્યારે એની સ્નેહાર્દ્ર છાતી અનેક વાર મારો અનાથનો આશરો બની રહેલી. મમત્વહીન મારા શૈશવની જિંદગીમાં, આફતની પળોમાં એની છાતીમાં મુખ સંતાડતાં મને અનેરું સાંત્વન લાધ્યું છે. પારાવાર હૂંફ સાંપડી છે. મારાથી પાંચેક વરસ મોટી એની દીકરી તે હેતા. હેતનું નરવું રૂપ. બાપનું કાઠું ને માનું માર્દવ વ્યાજસોતું લઈને અવતરેલી. એની જોડે કૂકા રમતાં હું ધરાતો નહિ. છેક જીતવાની પળે એ હારી જતી અને દાવ લેવાનો મારો વારો આવતો. બેઉ હથેળીઓ એકબીજી સાથે ઘસતાં, કૂકા કે ચાયડાં ઉઠાવવાનું છોડીને એ મારી નજરોમાં નજર પરોવી રહેતી અને એના મેંદીરંગ્યા લાંબા સુંવાળા હાથને ટપલાટવાનું ભૂલી હું પંપાળ્યા કરતો, ત્યારે જોરથી એ ફૂંક મારતી ને મારી આંખો મીંચાઈ જતી કે એક ઝપાટામાં કૂકાચાયડાં ઉડાડી મેલી એ ખડખડાટ હસતાં ખેલ ખતમ કરી દેતી ! એ મને ઘડો ખેંચવા લાગતી, મારાં કપડાં ધોઈ દેતી ને મારું માથું ઓળી આપતી. ખૂબ ભૂખ લાગી હોય ત્યારે એ મારા ભાવ ભાળી જતી ને હાથ ખેંચીને એને ઘેર લઈ જતી. હું એની ભેળો જ ખાવાની હઠ લેતો ને તે દરમિયાન કોઈ આવી ન જાય એ જોવા લાડુભાભી તરવટ પર બેસીને ચોકી કરતાં ને કોઈ આવી ચડે તો એને વાતોમાં વાળી રાખતાં. મને ત્યારે સમજાતું નહિ પણ ક્વચિત્ સાંભળતો કે ચમારનું ન ખવાય, અભડાવાય ! પંદરેક વર્ષની વયે પહોંચતાં તો હેતાનું રૂપ ઉંબરો ઓળંગી ગયું. આવળનાં ફૂલશી એની કાયા પર મેરુદંડ સમી લાંબી ડોક અને એને ઢાંકતો છાબડી જેવડો અંબોડો. કરબડીના પાસિયા સમા સુડોળ કપાળને વચ્ચે વીંધતી ઘેરી ભમરો નીચે આસમાની ઝાંયવાળી લંબોતરી આંખો એને નીરખનારને બે ઘડી વિસ્મિત કરી દેતી. એના બાળવિવાહ થયેલા. કાઠું એણે વહેલેરું કાઢ્યું એટલે એને આણે વળાવવાની ઉતાવળ થવા માંડી. એના વરની વાતે અમે કલ્પનાએ ચડતાં ત્યારે એ ઓશિયાળાભાવે મને તાકી રહેતી. ‘તું મારો કાકો થા. તારાથી મારા વરની વાત ના કરાય !’ કહેતાં એ મારું નાક ખેંચતી ને એની લાંબી ડોકે હું વળગી પડતો. આણાના જોગ માટે ઘરમાં ચર્ચાઓ ગંભીરતા પકડતી અને મણિભાઈના મુખેય ચિંતાઓ ફરકવા માંડતી. સેમ—છેડાના દા’ડિયે લાડુભાભી હેતાનેય લઈ જતી, પણ તમાકુની ખળીમાં એને સાથે લઈ જવા માનું મન ના માનતું. આખરે ઉપાડ ખળીમાંથી જ કરવો પડ્યો ને લેણાનો બોજ વહેલો ઘટે એ ઉપાયે લાડુએ હેતોનેય સાથે લીધી. રૂપ એનું લોભામણું એટલું જ લોમહર્ષક હતું. ગામ પાર જ્યારે એ જતી ત્યારે કેટલીયે આંખો પલકારા ભૂલી જતી. ખળીના ધણીની ખંધી નજરેય એ રૂપ નજરાયું. એકાદ–બે વાર હેતાએ લાડુને રાવ ખાધી, પણ મજૂરી પર નભતું જીવતર અને આણાનો ઉપાડ. લાડુને એમ કે પોતે સાથે છે ત્યાં લગી તો દીકરીને કશો ભો ન થી ને જવાનજોધ દીકરી દન આખો એકલી ઘેર રહે એના કરતાં આંખો આગળ રહે એમાં જ હારાવાસ. ભગવાન જેવો ધણી છે પછી શો ભો ? ને એક દિવસ એને કોઈના ગામતરે જવાનું થયું. હેતાને એણે ખળીએ જવાની ના પાડેલી પણ વક્કલ વાળવાનું બહાનું કાઢી મુકાદમની વહુ એને તાણ કરીને તેડી ગઈ ને તે દા’ડે હેતા ‘નંદવાઈ’ ગઈ. ફાંસલો જ એવો હ તો કે ના કોઈ એની વહારે ધાય, ના એની કરુણ ચીસ સંભળાય. એ સાંજે મેં જોયેલો હેતાનો હેબતાઈ ગયેલો ચહેરો મારાથી આજેય નથી વીસરાતો. તે ઘડીથી હેતા જાણે હસવાનું જ વીસરી ગઈ ! એના બેઉ હાથ પકડી આર્જવભર્યા કંઠે હું પૂછતો : ‘હેતા ! તને થયું છે શું એ તો કહે ?’ ને મારી નજરોમાં નજર પરોવ્યા વિના એ સૂનમૂન આકાશે તાકી રહેતી. એની તગતગતી આંખોમાંથી ગેંગડીનાં ફૂલ જેવાં આંસુ સરી પડતાં ને એના ગળે ભરાતો ડૂમો ડૂસકામાં ન ઠલવાતો. રમવાની એની રઢ, નયણાં ભર્યા જ કરીએ એવી એની રઢિયાળી ચાલ, સાત વામે કૂવો ખેંચવાનું એનું જોમ ને ઉલ્લાસે ઊઘલ્યાં કરતાં એનાં લોચન લગનના લહાવા પહેલાં જ લોપાઈ ગયાં. જતાં જતાં બેએક માસે પેટ પ્રકાશ્યું. ગરીબ બાપડી લાડુ કોને મોં દેખાડે ? મણિભાઈની ખુન્નસભરી ભુજાઓ આવળ ટીપતી ઓશિયાળી બની જતી. મને જોતાં જ ‘નાનાભાઈ’ કહેતો હૂલસતો એમનો કંઠ રૂંધાઈ જતો ને લાડુભાભીની લાગણીને લખલખાં આવી જતાં. હેતા ઘરમાં જ ભરાઈ રહેતી ને લાખ વાનેય મને મોં ન આલતી. આખરે હેતાનું આણું વળાવવાનું નક્કી કરાયું. ગોર તેડે આવ્યા. વસવાયી કોમમાં આવી વાત વળી જાય તો વળી જાય ને જીભે ચડે તો જગ નોતરે. હેતાને ‘ઓધાન’ રહ્યાની વાત કાને પડતાં, બને તો વાત રાગે પાડવા એ પાછા વળ્યા અને ફરી આવ્યા ત્યારે હેતાની સાસરીના બે વહેવારિયા માણસ સાથે પંચ બેઠું ને હેતાના બાપનો રૂપિયા દોઢસો દંડ કરી ફારગતી લાખાઈ ગઈ. આણાનો જોગ ઓળવાઈ ગયો ને એ દંડ ભરવા જ હેતાનાં બીજા ઘડિયાં લગન લેવાયાં. ચાર છોકરાંના બાપ એવા કાળામેશ બીજવર સાથે હેતાના છેડા ગંઠાયા ત્યારે એ જડવત્ બની ગયેલી ને જોનારની આંખો પથ્થર ! મહેલ્લાની દીકરી આણે વળાવાતી હોય ત્યારે ત્રણેત્રણ વાસની સ્રીઓ એના હેવાતનને દુવા દેવા ચોકમાં એકઠી થતી પણ હેતાને માથે હાથ દેવા કોઈ ના ટોકાણું. સૌની લાડકી હેતા સૌને હૈયેથી ઊતરી ગઈ હતી, કારણ એ અભળાઈ ગઈ હતી. હેતા ગઈ. મારું હેત ગયું. લાડુભાભીના છાતીના ધબકાર હજી આજેય ધણ બનીને મારે હૈયે અથડાય છે. તે રાત્રે મોડે સુધી નીંદ મારી વેરણ બની રહી. આંખ મીંચું ને મને હેતાની નિરાધાર નજરો વીંધી નાખે. લાડુનાં લાચાર નયણાંમાં લોહીના ટશિયા ફૂટતા દેખાય. સવારે જાગ્યો ત્યારે મલક આખો સીમના કૂવે હડીઓ કાઢતો હતો... છેક બપોરે શબ બહાર કાઢ્યું. જળની શીતળતાએ લાડુના જીવતરના ધખારાને હરી લીધો હતો. પાણીથી નીતરેલા એના ચોખ્ખા ચહેરામાં મને મારી માનું મોઢું વરતાયું. મારા અંતરના આર્તનાદે વાટ ના જોઈ. મારી બીજી મા—મારી ખરી મા; ફરીને મને નમાયો મેલી ગઈ હતી. એની છાતીએ વળગેલા મારા માથાને પહેલી વાર હોંકારો ના મળ્યો. દોઢ દાયકાની મારી જિંદગી માનું વાત્સલ્ય શોધવા રાનરાન ને પાન પાન થતી આથડી છે. થાકી જતાં, લાડુ વિના મને કોઈ આશરો નથી મળ્યો. બાપુ પાંચમાં પુછાતા, બુદ્ધિમાન ગણાતા પણ મારા ભવિષ્યની કોઈ ચિંતા એમણે સેવી હોય એવું મારા જાણ્યામાં નથી. એમનો ડર છતાં, સામાજિક બાબતોમાં એમની નિર્ભીકતા મને ગમતી, પણ એ મારી શ્રદ્ધાનું પાત્ર નહોતા. શ્રદ્ધા તો એક હતી મને લાડુ પ્રત્યે. મારી નિરાધારતાને લીધે એક જાતનું બિચારાપણું કાયમ મને વીંટડાઈ રહેતું. ને લોક મારી દયા ખાતું—સવિશેષ સ્રીઓ. મને એમની હમદર્દી હવાતી પણ પેલો દયાભાવ કઠ્યા કરતો. વાત—વિગત, વિનય—વ્યવહારમાં હું ઠરેલ સિદ્ધ થતો, વિશ્વાસપાત્રતા મારી વિશેષ અંકાતી, પરિણામે અવસ્થાસહજ શરારતોનો જુવાળ ઊઠતો ત્યારે મારે ધીરગંભીર થઈ રહેવું પડતું. બાળવયના બળવાઓમાં, ઘરના ઉપરાળાને મસે સંરક્ષણની અભેદ્ય દીવાલ એક મારે પક્ષે જ નહોતી તેથી અનેક વાર હું સાત સાચો હોઉં તોયે મારે દબાયા-ચંપાયા રહેવું પડતું. મૌન મૂક અન્યાયો સહેવા પડતા, આથી લાંઠ થઈને બાખડવાની વૃત્તિ જે અડગતા સર્જે એનો મારામાં અભાવ રહી ગયો છે ને સોએ નવ્વાણું વાર હું ધૈર્ય ધારી રહું છું, જતું કરી શકું છું, અપમાન સહી લઉં છું. પરંતુ કોઈ પણ સ્થિતિની, સવિશેષ અન્યાયની હદ વટી જાય ત્યારે મારી પેલી અતૃપ્ત રહેલી લાંઠઈ જોર કરી જાય છે ને ત્યારે મારા પરિચિતોય આશ્ચર્ય પામે છે. માના સાચા પ્રેમની ખોટ મને સદૈવ સાલ્યા કરી છે. જુવાનીના ઊર્મિ-ઉછાળ ટાણેય મેં સખી કે પ્રેયસીના બદલે માને જ વધારે શોધી છે. જીવનમાં સ્રીઓ સાથે પુરુષોની અપેક્ષાએ વધુ પ્રસંગો પડ્યા છે કે પાડ્યા છે, એની પડછેય મારી માતૃપ્રેમની ભૂખ રહી. ઘણી વાર આને લીધે હું ગેરસમજનો ભોગ બન્યો છું, પણ મારી અંતર્વેદના એક હું જ જાણું છું. મારી એક નિત્યપ્રતિની ખોજ રહી છે, જે મારા અભાવપીડિત હૈયાને સ્નેહ સીંચ્યા કરે, નિર્વ્યાજ ભાવે, સમર્પિત ભાવે પણ એ સુખ સદૈવ છેટું જ રહ્યું છે. મારા જીવનમાં સર્વાધિક પ્રભાવ રહ્યો છે મારી લાડુભાભીનો. નવી માની નિર્મમતા મારા કુમળા હૈયામાં સ્રીમાત્ર પ્રત્યે જે તિરસ્કાર જન્માવત એનું વારણ કર્યું લાડુના મારા પ્રત્યેના લાડે. થયા એટલા મારા અભાવ એણે પૂર્યા, મારી સદ્વૃત્તિઓને સંકોરી. હેતાના નંદવાયેલા જીવતરે સામાજિક અસમાનતા, અસમર્થની નિરાધારતા ને શોષણનું મને ભાન કરાવ્યું, તો લાડુના અપમૃત્યુએ મને જીવનનો અર્થ સમજાવ્યો. આજે હું જે કંઈ છું તે એના પ્રતાપે, પ્રભાવે. તે માના મોઢા સાથે એના જ મુખડાને મા લેખે મારા મનમાં મેળ બેસતો રહ્યો છે. કબીર પરમાત્માને પરહરી ગુરુને પગે લાગવા તાકતા હતા. મને એ મોકો મળે તો હું મારી જન્મદાત્રીને પરહરી, મારી મા તરીકે લાડુને જ બોટી લઉં !
૦