મારી લોકયાત્રા/૧૪. હરેકૃષ્ણ પ્રેસના ભોંયરામાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૧૪.

હરેકૃષ્ણ પ્રેસના ભોંયરામાં

સંશોધનની સાથે સાથે વાચનના વકરેલા શોખને લીધે જ્યારે વાંચવાનો હુમલો આવતો ત્યારે રવિવારે કે જાહે૨ ૨જાના દિવસે અમદાવાદ, ગૂજરાત વિદ્યાપીઠના ગ્રંથાગારમાં જતો. રજાના દિવસે પણ ગ્રંથાલય ખુલ્લું રહેતું એ અમારા જેવા દૂરથી આવતા વાંચવાના અકરાંતિયા જીવો માટે સુખ હતું. ૨જાના દિવસે પૂરો સમય પુસ્તકો અને સામયિકો ફેંદી હુમલો ખારતો અને મોડી રાતે ખેડબ્રહ્મા પાછો ફરતો. એક દિવસ સામયિકો જોતાં ‘વી૨ડો’ મળ્યો; શુદ્ધ લોકસાહિત્યનું સામયિક. ચિત્ત પુલકિત થઈ ઊઠ્યું. સામગ્રી વાંચીને લાગ્યું કે ‘લીલા મોરિયા’ (ગોઠિયા વિષયક પ્રણય-લોકગીતોની હસ્તપ્રત) અને ‘ફૂલરાંની લાડી' (લગ્નગીતોની હસ્તપ્રત)ની ભૂમિકા તંત્રી ઇચ્છે તો આ સામયિકમાં પણ છપાવી શકાય. મેં સરનામું લખી લીધું. સોમવારે ‘ફૂલરાંની લાડી'ની ભૂમિકા ‘વનની સંવેદનાના લીલા ટહુકા’ મોકલી આપી. વળતી ટપાલે વી૨ડોના તંત્રી હરેન્દ્ર પ્ર. ભટ્ટનો પત્ર આવ્યો. લખ્યું હતું, “લેખ સારો છે. ચાલુ અંકમાં જ છપાશે. બીજો લેખ લખી મોકલો.” શિક્ષક તરીકેની આરંભની કારકિર્દીમાં ‘ઉદાત્ત શિક્ષણ’માં કેટલીક વૈયક્તિક કવિતાઓ છપાઈ હતી. પણ આ તો સમૂહના બોલાતા શબ્દો હતા. મારા ખેડબ્રહ્માના ભીલ આદિવાસીઓના સમૂહના હૃદયોદ્ગા૨ અક્ષરોમાં પરિણમતા જોવા-વાંચવા મન અધીરું બન્યું. એક સપ્તાહ પસાર થઈ ગયું પણ ‘વીરડો’ આવ્યો નહીં અને તૃષા તૃપ્ત થઈ નહીં. બીજા રવિવારે ગૂજરાત વિદ્યાપીઠના ગ્રંથાલયમાં જતાં પહેલાં એની સામે આવેલા મૈસૂર કાફેમાં ચા પીવા ગયો. કાફેમાં કવિ ચીનુ મોદી બે દાઢીધારી જુવાનો સાથે વાતો કરતા બેઠા હતા. ચીનુ મોદી જ્યારે સાબરકાંઠા જિલ્લાની તલોદ કૉલેજમાં અધ્યાપનકાર્ય કરતા હતા ત્યારે હું વિદ્યાર્થી તરીકે હિંદી ભાષા-સાહિત્યનો અભ્યાસ કરતો હતો. મારો હિંદી ભણવાનો તાસ છોડી એમની ગુજરાતી કવિતાનો તાસ ભરતો એ દિવસથી મને ઓળખે. મને જોઈને આનંદ-આશ્ચર્યથી બોલી ઊઠ્યા, “ભગવાનદાસ, તું અહીં ક્યાંથી? અત્યારે ક્યાં છે?” ઘણા વરસે મળ્યા હતા. આથી મને પણ આનંદ થયો. સામેની? બેઠક પર ગોઠવાતાં કહ્યું, “ખેડબ્રહ્મા, કે.ટી. હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે સેવા આપું છું. વિદ્યાપીઠના ગ્રંથાલયમાં વાંચવા આવ્યો છું.” સામે બેઠેલા દાઢીવાળા જુવાનના મુખ પર કુતૂહલ જન્મ્યું. ચીનુભાઈ બોલ્યા, “કૉલેજ-કાળની જેમ કવિતા લખવાનું કેવું ચાલે છે?” “કવિતા લખવાનું માંડી વાળ્યું. અત્યારે તો આદિવાસી લોકસાહિત્યના સંશોધનમાં રસ પડ્યો છે.” મારી સામે બેઠેલો જુવાન બોલ્યો, “તમે ‘વનની સંવેદનાના લીલા ટહુકાં’ લેખવાળા ભગવાનદાસ કે? હું હરેન્દ્ર ભટ્ટ !” બંને એક-બીજાને નીરખીને હસી પડ્યા અને ઊભા થઈને બંનેએ હાથ મિલાવ્યા. એક-બીજાને શોધવા આતુર બનેલા બંને મૈસૂર કાફેમાં અચાનક મળી ગયા હતા. હરેન્દ્રે ચા મંગાવી. મેં થેલામાંથી ફોટોગ્રાફ્સ કાઢ્યા. આદિવાસી સંસ્કૃતિના ફોટોગ્રાફ્સ કનુ યોગીએ પાડ્યા હતા. ફોટોગ્રાફ્સ હાથમાં લઈને જોતાં હરેન્દ્રે બાજુમાં બેઠેલા યુવાનને કહ્યું, “રોહિત જો, તારા જ વિસ્તારના આદિવાસી સંસ્કૃતિના ફોટોગ્રાફ્સ.” આ પછી પરિચય કરાવતો આગળ કહેવા લાગ્યો, “આ રોહિતભાઈ, વડાલીના વતની છે. અમારા વીરડોના ચિત્રકાર અને ફોટોગ્રાફર છે. આ૨. ચિતારના નામે ચિત્રો દોરે છે. વીરડોનો શણગાર છે!” આર. ચિતારે હાથ મિલાવ્યા, “બાપુ, તમે ખેડબ્રહ્માના અને હું વડાલીનો. અમારા આંગણે થઈને જ જવું પડે. બાપુ, આપણી જોડી જામવાની !” હરેન્દ્ર બોલ્યો, “રોહિત, આ ‘બાપુ’ શબ્દ સૌરાષ્ટ્રનો ક્યાંથી લઈ આવ્યો?” ચારેય એકસાથે હસી પડ્યા. ચીનુભાઈ કહે, “આપણે તો ઉત્તર અને મધ્ય ગુજરાતના. અને અમે ઉત્તર ગુજરાતના તો ‘મારા સાળા’વાળા !” હરેન્દ્ર ભાર દઈને બોલ્યો, “સૌરાષ્ટ્રનું તો ઘણું થયું. હવે તો ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના લોકસાહિત્યને વીરડોમાં પ્રગટ કરવું છે. લોકકંઠે રહેલું સાહિત્ય ગ્રંથસ્થ કરવું છે.” મેં કહ્યું, “જેમ-જેમ વીરડો ઉલેચતા જઈશું તેમ તેમ લોકવારિની સરવાણી ફૂટતી જશે!” મને વી૨ડોના સંપાદનકાર્યમાં આજથી જોડાયો હોઉં એવો આનંદ થયો. ચારેયે સાથે ચા પીધી. ચીનુભાઈને અન્યત્ર જવાનું હોઈ અમારી પહેલાં ઊઠ્યા. હું હરેન્દ્ર અને રોહિતનો દોરવાયેલો એમની પાછળ-પાછળ જવા લાગ્યો. કૉમ્પ્લેક્સના ભોંયરામાં ઊતરવા લાગ્યા. કોઈ બૌદ્ધ સ્તૂપમાં પ્રવેશતો હોઉં એવી અનુભૂતિ થઈ. ભોંયરામાં નાટ્યવિદ્ રાજેન્દ્ર ભગતનો હરેકૃષ્ણ પ્રેસ ચાલે. રાજેન્દ્ર ભગત નાટ્યાચાર્ય જશવંત ઠાકરના પટ્ટશિષ્ય. જશવંત ઠાકર પછી અમદાવાદમાં રાજેન્દ્ર ભગતે નાટકની પ્રબળ આબોહવા ઊભી કરેલી અને શિષ્ટ નાટકને દર્શકાભિમુખ-લોકાભિમુખ કરવા સફળ પ્રયત્નો કરેલા. હરેન્દ્ર હરેકૃષ્ણ પ્રેસનો નિયામક અને વીરડો અહીં છપાય. વહેલી સવારે આણંદથી ટિફિન લઈને આવે અને મોડી રાતે પાછો ફરે. સાથે-સાથે ગૂજરાત વિદ્યાપીઠમાં વિદ્યાવાચસ્પતિ (પીએચ.ડી.)નો અભ્યાસ ચાલે. અભ્યાસમાં કાગ બાપુ વિશે સંશોધન ચાલે. મોડું થાય તો પૂર્ણિમાબહેન એના માટે ટિફિન લઈને આવે. પણ ટિફિન હરેન્દ્ર એકલાનું રહે નહીં. પૂર્ણિમા હરેન્દ્રની પત્ની; એના જીવનનું અજવાળું! અમે પૂર્ણિમાને હરેન્દ્રના જીવનની પૂર્ણિમા’ કહીએ અને પૂર્ણિમા હરેન્દ્રને મારો ‘હરિ !’ કહે. આજે પૂર્ણિમાબહેન ટિફિન લઈને આવ્યાં હતાં. બંને બ્રાહ્મણ પણ ખવડાવવા-પિવડાવવામાં ઉદારમના, એકલાં ખાય નહીં. વહેંચીને ખાય. હું રોહિત, હરેન્દ્ર અને પૂર્ણિમા સાથે જમવા બેઠાં. જમતાં-જમતાં મને ભીલોમાં પ્રચલિત ગેટોરીની વારતા યાદ આવી. કપરા દુષ્કાળમાં એક નાની અમથી ગેટોરી (નાનું જીવડું) સાત ભાઈઓ(પૂરા કુટુંબ)એ વહેંચીને ખાધી હતી અને જીવતા રહ્યા હતા. શહે૨માં રહેતા આ માણસોમાં પણ લોકતળના આ વહેંચીને ખાવાના સંસ્કારો સાબૂત હતા. એના લીધે પ્રથમ દિવસથી જ અમારા સખ્યની પાકી ગાંઠ બંધાઈ ગઈ જે આજ દિન સુધી છૂટી નથી. હરેન્દ્રે જમીને કોઈ ખજાનાની જેમ મેજમાંથી વી૨ડોના અંક બહાર કાઢ્યા. એક અંક(મે-૧૯૮૨નો અંક)માંથી છાપેલો મારો લેખ કાઢીને સામે ધર્યો. મારા વિસ્તારનાં ગીતોએ પહેલી વાર અક્ષરરૂપ ધારણ કર્યું હતું. પ્રત્યેક અક્ષર ગાતા અને નાચતા આદિવાસી જેવો લાગ્યો. મારા મનનો લીલો મોરિયો નાચી ઊઠ્યો. હરેન્દ્રનો આભાર માની દ્વિગુણિત બનેલા ઉત્સાહના બળે થેલામાંથી ‘ફૂલરાંની લાડી’ની હસ્તપ્રત બહાર કાઢી. ‘લીલા મોરિયાની હસ્તપ્રત છપાવવાના તો સંકલિત આદિજાતિ વિકાસ યોજના'ના વહીવટદાર શ્રી પી.કે. વાલેરાએ અનુદાન રૂપે ૧૫૦૦ રૂપિયા મંજૂર કર્યા હતા પણ ‘ફૂલરાંની લાડી’ને આગામી પગાર ખર્ચીને છપાવવાની ઇચ્છા વ્યક્ત કરી. હરેન્દ્ર મારી આર્થિક સ્થિતિ પામતો થોડીક ક્ષણો મારી સામે જોઈ રહ્યો અને પછી બોલ્યો, “પગાર ખર્ચીને પછી ભૂખ્યા રહેવું છે? કુટુંબને પણ ભૂખ્યું રાખવું છે? ટેપરેકર્ડર તમે લાવો, કેસેટોના પૈસા પણ તમારા, ફિલ્ડવર્કનું ખર્ચ પણ તમે કરો, હસ્તપ્રતના કાગળ પણ તમે ખરીદો. પાછા પુસ્તક છપાવવાના પૈસાયે તમારે ખર્ચવાના? ધૂળધોયાનું કામ તો કર્યું. હવે ઘર બાળીને તીરથ ન થાય! કોઈ સેવાભાવી સંસ્થા શોધી કાઢો જે તમારાં પુસ્તકો છાપે. નહીંતર કોઈ દાતાની તસવીર મૂકી પુસ્તક પ્રસિદ્ધ કરો એવી મારી તમને વ્યવહારિક સલાહ છે.” હરેન્દ્રનાં વિધાનોથી જાતના પૈસા ખર્ચીને પુસ્તકો છપાવવાનો અભિનિવેશ ઓસરવા લાગ્યો. આ માટે મારા અંગત સંબંધી (બનેવી) કાન્તિલાલ પટેલને મળ્યો. તેઓ જાદર જિનમાં સર્વિસ કરતા હતા. તેઓએ મિત્ર-સંબંધી સી.સી.પટેલને મારી વાત ગળે ઉતારી. સી.સી.પટેલે પિતા ચકુભાઈની તસવીર પુસ્તકમાં છપાવવા માટે ૧૫૦૦ રૂપિયા અનુદાનરૂપે આપ્યા. પી.કે.વાલેરા અને મારા સંબંધીએ સંયુક્તરૂપે આપેલા ૩૦૦૦ રૂપિયાના અનુદાનના લીધે બીજા રવિવારે મારા પગને પાંખો ફૂટી. હરેકૃષ્ણ પ્રેસમાં હરેન્દ્રને મળ્યો. અનુદાન મળ્યાની વાત કરી, ખૂટતા પૈસા સ્વયં આપવાની ઇચ્છા દર્શાવી. હરેન્દ્ર બોલ્યો, “તમારે શાના ખર્ચવાના? ત્રણ હજારમાં બે પુસ્તકો છપાવવાની વ્યવસ્થા કરું છું.” એણે નડિયાદ વિનુભાઈ પટેલને ફોન જોડ્યો. વિનુભાઈ આ સમયે ‘લોકલહરી' સામયિક ચલાવતા હતા. એમનો પ્રેસ હતો. ફોન ૫૨ હરેન્દ્રે ૩૦૦૦ રૂપિયામાં પ્રત્યેકની ૧૩૦૦ પ્રતો પ્રસિદ્ધ કરવાના મૌખિક કરાર કર્યા. મારે આવતા રવિવારે હસ્તપ્રતો લઈને નડિયાદ પહોંચી જવાનું પણ નક્કી કર્યું. શિષ્ટ સાહિત્યના સ્વામી ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીના વતન નડિયાદમાં આદિવાસી મૌખિક લોકગીતોનાં પ્રથમ બે પુસ્તકો છાપવાનું નક્કી થયું હતું. વિચારમાત્રથી આનંદનો રોમાંચ થઈ આવ્યો. હરેકૃષ્ણ પ્રેસનું ભોંયરું અનેક વર્ષો સુધી મારે માટે નાલંદા-તક્ષશિલા- વલભી વિદ્યાપીઠ બની ગયેલું. જશવંત શેખડીવાળા, નરેન્દ્ર દવે, હસુ યાજ્ઞિક, શાંતિભાઈ આચાર્ય, કનુભાઈ જાની, રમણલાલ મહેતા, પ્રિયકાન્ત પરીખ, મુકુન્દ શાહ, શંક૨ભાઈ તડવી, રેવાબહેન તડવી, નિરંજન રાજ્યગુરુ, બળવંત જાની, નાથાલાલ ગોહિલ, એન.એ.વ્હોરા, અમરસિંહ ચૌધરી જેવા સાહિત્યકારો, લોકવિદ્યાવિદો, લોકસાહિત્ય સંશોધકો, ભજનસાહિત્યના ઉપાસકો, વહીવટી સચિવો અને રાજકીય પુરુષોનો સંપર્ક-પરિચય અને સંબંધ આ ભોંયરામાં હરેન્દ્ર, રોહિત અને વીરડો થકી બંધાયેલો. દર રવિવારે ગુજરાત-ભરના લોકવિદ્યાવિદો આ ભોંયરામાં મળતા. હરેન્દ્રની ચા પીને ગુજરાત, દેશ અને દુનિયાના લોકસાહિત્યની સર્વાંગી ચર્ચા કરતા. ઘણી વાર આ ચર્ચા જ્ઞાનના પ્રભાવથી ઉગ્ર રૂપ લેતી અને આ ભોંયરું જ્ઞાનપીઠ બની જતું. આ ભોંયરામાં જ જ્ઞાનાર્જન માટે એમ. ફિલ. અને પીએચ.ડી.ની ઉપાધિ માટેનાં બીજ રોપાયેલાં. હું હરેન્દ્ર સાથે આ માટે ગૂજરાત વિદ્યાપીઠમાં લોકવિદ્યાવિદ્ કનુભાઈ જાની અને પુરાવસ્તુવિદ્ રમણભાઈ મહેતાને મળેલો અને મારા ગંતવ્ય (હેતુ) સુધી પહોંચેલો. અહીં ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર અને ભીલ સાહિત્યના સમર્થ બહુશ્રુત અધ્યેતા હસુ યાજ્ઞિક મળેલા અને આજીવન હૃદયના સ્નેહતંતુ બંધાયેલા. એમના થકી વિશ્વવિખ્યાત વિદ્વાન હરિવલ્લભ ભાયાણી સાથે સંબંધ બંધાયેલો. ભાયાણી સાહેબ થકી કેમ્બ્રિજ યુનિવર્સિટી(યુ.કે.)ના લોકવિદ્યાવિદ્ જે.ડી. સ્મિથ સાથે પરિચય થયેલો. એમનું પુસ્તક “ધી એપિક ઑફ પાબુજી’ અને મારું પુસ્તક ‘ભીલ લોકમહાકાવ્યઃ રાઠોરવારતા'નું પરસ્પર આદાન-પ્રદાન થયેલું અને તેમના અને હસુ યાજ્ઞિકના સર્વાંગી અધ્યયન થકી ઉત્તર ગુજરાતના વનાંચલનું ભીલ આદિવાસી મૌખિક સાહિત્ય દેશ અને દુનિયામાં પ્રસરેલું-પંકાયેલું. મારાં આરંભનાં બંને પુસ્તકો ‘લીલા મોરિયા' અને ‘ફ્લરાંની લાડી’નાં મુખપૃષ્ઠ અને લોકાર્પણ સમારોહની આમંત્રણ પત્રિકા હરેકૃષ્ણ પ્રેસમાં આર.ચિતારે તૈયાર કરેલી. હરેન્દ્ર અને આર.ચિતારના સંયોજનથી નરેન્દ્ર દવે, કનુભાઈ જાની, પ્રિયકાન્ત પરીખ, હસુ યાજ્ઞિક, મધુસૂદન વ્યાસ, અશોક હર્ષ, મુકુન્દ શાહ, એન.એ. વ્હોરા જેવા સાહિત્યકારો, લોકવિદ્યાવિદો, લોકગાયકો, સચિવો પ્રથમ વાર ખેડબ્રહ્મા શેઠ કે.ટી. હાઈસ્કૂલના આંગણે આવેલા. એમને વધાવવા પૂરું ખેડબ્રહ્મા આનંદ-હિલ્લોળે ચડેલું અને વિશાળ લોકસમુદાય વચ્ચે બંને પુસ્તકોનો લોકાર્પણ વિધિ કરી મને આદિવાસી સંપાદક-સંશોધક-લેખક તરીકે પ્રસ્થાપિત કરેલો. આ પ્રસંગે રાજેન્દ્ર ભગતના નાટ્યવૃંદે ‘લોકકથા-૮૩’ ભજવી આદિવાસીઓની આર્થિક-સામાજિક સમસ્યાઓથી લોકસમુદાયને સભાન કરેલો. હરેકૃષ્ણ પ્રેસમાં અમે ગુજરાતના પ્રથમ આદિવાસી કલા મહોત્સવની યોજના ઘડેલી. હરેન્દ્ર, હું, રોહિત અને લોકગાયક મધુસૂદન વ્યાસ અમે આદિવાસી કલાકારો શોધવા દાંતાથી ડાંગ – ઉત્તરથી પૂર્વ-દક્ષિણ પથરાયેલા વિશાળ આદિવાસી ભૂભાગની સાંસ્કૃતિક યાત્રા કરેલી. આદિવાસી લોકજીવનના પ્રગાઢ સંપર્કમાં આવી સંસ્કૃતિ-સમાજનું અધ્યયન કરેલું. આ૨.ચિતારે (રોહિત મિસ્ત્રી) લોકજીવનના સ્કેચ દોરી, ફોટોગ્રાફી કરેલી. આ પ્રસંગે આદિવાસી લોકજીવનને કાગળ ૫૨ મૂર્તરૂપ આપનાર આર. ચિતારની સૂક્ષ્મ કલાદષ્ટિનાં દર્શન થયેલાં. આગળ જતાં ગુજરાત રાજ્યના માહિતીખાતા દ્વારા પ્રસિદ્ધ થયેલું મારું પુસ્તક ‘આદિવાસી ઓળખ' આ સ્કેચ અને ફોટોગ્રાફ્સથી શણગારેલું અને આર. ચિતારે ગુજરાતના પ્રથમ પંક્તિના ચિત્રકા૨ અને ફોટોગ્રાફર તરીકે નામના મેળવેલી. ૧૯૮૪માં સંસ્કાર કેન્દ્ર, પાલડીમાં એક મંચ ૫૨ ગુજરાતના બસો આદિવાસી કલાકારોએ પોતાનું સામૂહિક આંતરિક કલાસત્ત્વ પ્રદર્શિત કરી પ્રથમ કલામહોત્સવ ઊજવેલો. આ મહોત્સવમાં ઉત્તર ગુજરાતના ખેડબ્રહ્મા તાલુકાના ત્રણ લોકમહાકાવ્ય ગાયકો જીવાભાઈ ગમાર, નાથાભાઈ ગમાર અને નવજી ખાંટ બહુમાન પામેલા અને તેમના કંઠમાં રહેલાં ત્રણ મહાકાવ્યો ‘ગુજરાંનો અરેલો’, ‘ભારથ’ અને ‘રૉમસીતમાની વારતા’ ધ્વનિમુદ્રિત કરવાનો નિર્ણય કરેલો. ગુજરાતના આ પ્રથમ આદિવાસી કલામહોત્સવમાં ભૌતિક સામગ્રી દ્વારા આદિવાસી સંસ્કૃતિ-પ્રદર્શન, પરિસંવાદ અને આદિવાસી કલા-સાહિત્યનો ગ્રંથ અમે – હરેન્દ્ર ભટ્ટ, હું, રોહિત મિસ્ત્રી અને જસવંત રાવલે સંપાદિત કરેલો. આ જ ભોંયરામાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના આદિવાસી લોકસાહિત્ય નિદર્શન અને પરિસંવાદનો ત્રિદિવસીય સમારોહ યોજવાનો નિર્ણય કરવામાં આવેલો. શેઠ કે.ટી. હાઈસ્કૂલ, ખેડબ્રહ્માના આંગણે આચાર્ય બાલકૃષ્ણ જોશીના સહયોગથી કાનજી ભુટા બારોટ, મધુસૂદન વ્યાસ, રુદ્રદત્ત રાણા જેવા સૌરાષ્ટ્રના અને ઉત્તર ગુજરાતના જીવાભાઈ ગમાર, નાથાભાઈ ગમાર, નવજીભાઈ ખાંટ, દેવાભાઈ ખાંટ, હરમાંબહેન ખાંટ જેવાં લોકકથા કથકો અને લોકગાયકો સહભાગી થયેલાં. બહુજનસમાજ સામે પ્રતિપાદિત કરવામાં આવ્યું કે ફક્ત સૌરાષ્ટ્ર પાસે જ નહીં પણ ઉત્તર ગુજરાત અને આદિવાસીઓને પણ પોતાનું ઉત્તમ આગવું લોકસાહિત્ય છે અને ગુજરાતમાં ક્યાંય નથી એવાં ભીલ આદિવાસીઓનાં ગુજરાંનો અરેલો, રાઠોરવારતા, ભારથ, રૉમસીતમાની વારતા જેવાં મૌખિક મહાકાવ્યો અને રૂપારાણી, તોળીરાણી, સતિયો ખાતુ જેવાં અનેક લોકાખ્યાનો છે. અને આજે તો એમની સાહિત્યિક-સાંસ્કૃતિક સત્ત્વશીલતા પારખીને ભારતીય ભાષા સંસ્થાન, મૈસૂરે અંગ્રેજીમાં અનુવાદ પ્રગટ કર્યો છે. આ ઉપરાંત મારા દ્વારા ભીલ મૌખિક સાહિત્યની ગુજરાતીમાં એક ‘એન્થોલૉજી’ તૈયાર થઈ છે. તેનો ફ્રેન્ચ અનુવાદ મોઇજ ૨સીવાલાએ કર્યો છે. આ મહાકાવ્યોની કેટલીક ઉત્તમ પાંખડીઓ(પ્રસંગો) નું ડૉ. ગણેશ દેવીએ અંગ્રેજીમાં ભાષાંતર કરી ‘PAINTED WORDS' નામે ‘એન્થોલૉજી’ તૈયા૨ કરી છે અને વિશ્વની નોંધપાત્ર યુનિવર્સિટીઓમાં અભ્યાસનો વિષય બની છે. કેન્દ્રીય સાહિત્ય અકાદમી – દિલ્હીએ મારા દ્વારા સંપાદિત- પ્રકાશિત ‘ભીલોનું ભારથ’– ભીલી મહાભારતનો ‘ભીલોં કા ભારથ’ ડૉ. મૃદુલા પારિકએ કરેલો હિન્દી અનુવાદ પ્રસિદ્ધ કર્યો છે અને અકાદમી દ્વારા ૨૩ ભારતીય ભાષાઓમાં તેનો અનુવાદ થઈ રહ્યો છે. તો સત્ય ચૈતન્યે તેમની માતૃભાષા મલયાલમમાં તેનો અનુવાદ કર્યો છે. ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલાકેન્દ્ર, દિલ્હીએ રૉમ-સીતમાની વારતાનો હિંદી-અંગ્રેજી અનુવાદ પ્રસિદ્ધ કર્યો છે. મારા કાર્યની અગત્યતા પામી જઈ ઘર, ખેતર અને સમાજની જવાબદારી નિભાવતાં મારી સહધર્મચારિણી તારાએ ટેપરેકર્ડરના ધ્વનિમાંથી જન્મતા મારા દ્વારા લિખિત સર્પાકાર શબ્દોનાં ૧૦,૦૦૦ પૃષ્ઠોને ઉકેલી મારાં પુસ્તકોનું સુંદર અક્ષરોમાં હસ્તપ્રતોનું રૂપ આપ્યું છે અને મારાં સંતાનો- જિજ્ઞાસા, જાગૃતિ અને અમિતે પોતાના જીવનનો માર્ગ સ્વયં કંડારી મને ‘આઝાદ પંછી’ની જેમ સંશોધનગગનમાં મુક્ત મને વિહરવા દીધો છે. વિદ્યાપીઠે અને યુનિવર્સિટીઓના વિદ્વાનોને મળતી સંશોધન ગ્રાન્ટ જેવી આર્થિક સહાયની અપેક્ષા વિના શંક૨ભાઈ તડવી, રેવાબહેન તડવી, જયાનંદ જોશી અને મારા જેવાં ક્ષેત્રકાર્યકર વિદ્વાનો પોતાનાં ઘર બાળીને તીરથ કરતા રહ્યાં અને મરજીવા બની લોકસાગરનાં મોંઘાં મોતી સમાજ સામે મૂકતા રહ્યાં, ગાંઠનું ગોપીચંદ ઘસી લોકસાહિત્યનું ક્ષેત્ર સુવાસિત કરતાં રહ્યાં. સાંસ્કૃતિક યાત્રામાં થાકીને તરસ્યાં થયાં ત્યારે વીરડો ઉત્સાહનું જળ સીંચતો રહ્યો. ગુજરાતની પ્રત્યેક જાતિના જીવનચક્ર અને ઋતુચક્ર પ્રમાણે આવતા મૌખિક સાહિત્યને પ્રગટ કરતો વીરડો અડધા દસકા સુધી તંત્રી હરેન્દ્ર ભટ્ટનું આર્થિક હીર પીતો રહ્યો. આ પછી તત્કાલીન લોકસાહિત્ય સંશોધન-સંપાદનનું સીમાચિહ્ન બનીને સુકાઈ ગયો !

***