મારી લોકયાત્રા/૧૩. તારું પણ રામરાજ્ય થશે

From Ekatra Wiki
Jump to navigation Jump to search

૧૩.

તારું પણ રામરાજ્ય થશે

‘ગુજરાંનો અરેલો’ કાગળ ૫૨ દિવાળી પહેલાં જીવાકાકાના કંઠમાંથી અંકિત કર્યો હતો. આ પછી આ જ ગાયક પાસેથી દિવાળીના પર્વના પ્રભાવ તળે રાગિયાની સહભાગિતામાં ઑડિયો (શ્રાવ્ય) કેસેટ ૫૨ ધ્વનિમુદ્રિત કર્યો હતો. ઘણા દિવસોથી અરેલાનાં ધાર્મિક ચરિત્રો સાથે તદ્રુપ બનેલો ગાયક સ્વયં ચરિત્ર કેવી રીતે બની જાય છે, તેનો છેલ્લો પ્રસંગ ચિત્તમાં એવો ને એવો અકબંધ છે. અરેલાના ઉત્તરાર્ધમાં દેવનારાયણનો છેલ્લો પ્રસંગ આવ્યો ત્યારે માહિતીદાતા જીવાકાકાએ મારી પાસે પાંચ-એક નાળિયેર મંગાવ્યાં હતાં. છેલ્લા દિવસે રાત્રે આઠ વાગે જીવાકાકાની ઓસરીમાં દેવનારાયણના અધૂરા અરેલા માટે બેઠક યોજી. બીજા દિવસે સવારે સાત વાગે સૂર્યનાં ઊગતાં કિરણોમાં દેવનારાયણનો ડોળીરાણ ખેડી નાખવાનો પ્રસંગ પૂરો થવાની સાથે જ ગાયકના દેહમાં એક આધિભૌતિક આવેશ પ્રગટ્યો. આજુબાજુ બેઠેલા રાગિયાઓએ હોંકારા-પડકારા શરૂ કર્યા અને માહિતીદાતાને ધૂણવાની વેળ ઊપડી. આ સાથે જ ચરિત્ર સાથે જીવાકાકાનું અદ્ભુત તાદાત્મ્ય સધાયું અને મુખ્ય ગાયક જાણે કે સ્વયં દેવનારાયણ બની ગયા. તેઓની સન્મુખ એક પથ્થર મૂકીને ગઈ રાત્રે લાવેલાં નાળિયેર વધેરવામાં આવ્યાં. રાગિયા દેવને કાલાવાલા કરવા લાગ્યા, ખમ્મા માલકાં નં, અમાર ભલી ક૨ઝે દેવજીકુંવર! અમે તો અવરએં બોલીએ નં ગવરએં બોલીએ, પૉણ તું સ અમારો બેલુ (બેલી) હેં! થાર વેણું તો તખલુંય તોરી હકીએ નેં!' જીવાકાકા કે જે અત્યારે દેવનારાયણ બની ગયા હતા, આશીર્વચનો બોલતા હતા, “તમે બત્તાએ કેંણા (ઘણા) દિ'હી મારો સેવાભાવ કરો હેં, ઝૉ'લા તમાર બત્તાંનું ખેંમાકહોર થાહેં! લીલી વારી ફૂલહેં!” પછી મને ઉદ્દેશીને બોલ્યા હતા કે “થાય રૉમા-સૉમા થાહેં!” (“તારું પણ રામરાજ્ય થશે!”) એ દિવસે લાગ્યું હતું કે હવે મને કોના આશીર્વાદની જરૂર હતી! આ પછી તેઓ ધીમે-ધીમે સામાન્ય બનીને મને કહેવા લાગ્યા હતા. “પગા, મનં ઝોગ (જોગ-યોગ) લાગો તે મારા બા(બાપ) ઝાલા કનહો આ અરેલો લીત્તો નં મારા ભોટા (દાદા) વાલા કનહો મારા બાપે લીત્તો, તનં ઝોગ લાગો તે આતરાં બત્તાં વેંળાં-ખાદરાં અડોળીનું ખેર(ખેડબ્રહ્મા)હો આવીનં માર કનહી ઑંણી ખેંસેટ (કેસેટ)મા પૂરો. મારા હરદા(હૃદય)મા તો વેંણ લખા(મૌખિક) બાર સૉપરા પરા હેં. ઉં બાર અરેલા ઝૉણું. બાર મઈના ગાઉં ને નાસું એતરું બત્ત માર હરદામા હેં. ઝંગ્ગી(જિંદગી)મા બાર બાયલીઓ(પત્નીઓ)નો તણી (ધણી) થો નં માર મૂળો (ઘણા) સૈયા હેં નં ઉં મૂળો કળા ઝાઁણું પૉણ માર વડા દીકરા રાયસંદા સવાય મારી એક પૉણ કળા માર સૈયા નેં હીખા. ઑંણા તો નાસા (નાચ્યા) નં ગાયા વેંણા સ મરી ઝાવાના હેં. પૉણ તને પાઈ ગણું તો પાઈ નં ત૨મ(ધરમ)નો સૈયો ગણું તો સૈયો, થું માર સૉપરી બણાવણાનો નં ઉં અમ્મર થાઈ ઝાવાનો!” મેં પણ ભાવાવેશમાં આવીને આ સરળ હૃદયીને વચન આપ્યું હતું, “એ મોટા આદમી! ઉં થારી સૉપરી નખ્ખા બખની સપાવણાનો સ! (હું તમારી ચોપડી ઘણી જ સુંદર છપાવવાનો જ!) પણ આ સમયે એવો ખ્યાલ નહોતો કે એક મોટા ગ્રંથની પ્રસિદ્ધિની આર્થિક જવાબદારી મારા શિરે આવી પડશે. એક વર્ષની જહેમત પછી કેસેટ્સ ૫૨થી તૈયાર કરેલી હસ્તપ્રત લઈને જીવાભાઈ પાસે કેટલાક શબ્દોના અર્થ પૂછવા ગયો ત્યારે મેં તેઓના ગાયેલા અરેલાના અંશો વાંચી સંભળાવ્યા ત્યારે તેઓ આશ્ચર્ય અને આનંદથી અડધા- અડધા થઈ ગયા હતા, અને તેઓને પાકા પાયે ખાતરી થઈ હતી કે, હવે તો તેઓની સોપડી થશે જ થશે! યથાશક્તિ-મતિ પ્રમાણે તૈયાર થયેલી હસ્તપ્રત એમ.એસ. યુનિ. વડોદરાના પ્રાચ્ય વિદ્યામંદિર વિભાગમાં મોકલી આપી. પણ છ માસ પછી કેટલાક સાચા- જૂઠા વાંધા-વચકા સાથે હસ્તપ્રત પાછી ફરી ત્યારે પુસ્તકપ્રસિદ્ધિનો આનંદ માહિતીદાતાને આપેલા વચનના નૈતિક બોજમાં ફે૨વાઈ ગયો. ૧૯૮૭માં અમદાવાદની ‘રંગબહાર’સંસ્થા સાથે ઇઝરાયલ, ફ્રાન્સ, ઇંગ્લેંડ, બેલ્જિયમ, સ્પેન જેવા દેશોની યુરોપની સાંસ્કૃતિક યાત્રાએ જવાનો અવસર પ્રાપ્ત થયો. ત્રણ એક માસ પછી સ્વદેશ પાછા ફર્યા પછી જીવાકાકાને વિદેશની વાતો કરવા અને વિદેશમાં તેમના માટે ખરીદેલી ચીજ-વસ્તુઓ આપવા બહેડિયા ઊપડ્યો. દુકાળિયા વહેળાના પૂર્વ તરફના કિનારે તેઓનો મોટો દીકરો રાયચંદ ઘઉં માટેનું ખેતર તૈયાર કરતો હતો. મને જોઈને હળ ઊભું રાખીને મારી પાસે આવ્યો. તેણે હેતથી મારા વાંસે હાથ ફેરવતાં કહ્યું, “પગાભાઈ, આતરા દિ' કેં ગો' તો?” (“ભગાભાઈ, આટલા દિવસ ક્યાં ગયો હતો?”) મેં કહ્યું, “પરદેશ ગો'તો. કાકો ઝીવો હું કરે?' તે ત્યાં જ બેસી પડ્યો. તેની સાથે હું પણ બેઠો. તેણે કહ્યું, “તું ઝૉણતો સ નહીં? બા તો ઝાતો રો!” મેં પૂછ્યું, “કેં?” રાયચંદે કહ્યું, “ઉપ૨ મલકાંના કેંર!” (ઉપ૨ માલિકના ઘે૨ ) બંનેના ગળે ડૂમો ભરાઈ આવ્યો. પાંચ-પાંચ વર્ષ સુધી ચિત્તતંત્રમાં ભોજો, જેળુ, દેવનારાયણ જેવાં ધાર્મિક ચરિત્રોની જેમણે મને સાંસ્કૃતિક યાત્રા કરાવી હતી તેવા વત્સલ પિતા જેવા જીવાકાકાની અનેક સ્મૃતિઓ આંખોમાં ઊભરાવા લાગી. સ્વસ્થ થયા પછી જ્યાં જીવાકાકાની ‘હમાધ' (સમાધિ) રચવાની હતી. એ જગ્યાએ ગયા. બાર-બાર સત્ત્વશીલ મહાકાવ્યોનો ધણી આજે ધરણી પર પોઢ્યો હતો. અર્થાભાવના કારણે હું તો માત્ર ત્રણ જ ધ્વનિમુદ્રિત કરી શક્યો હતો. મારી આંખો ફરીને ઊભરાઈ. તેઓના આત્માને શ્રદ્ધાંજલિ આપવા માટે મારી પાસે બે-પાંચ આંસુ સિવાય શું હતું? તેઓની બે હયાત વિધવા પત્નીઓ હુજકીબહેન ને નાજુરીબહેન તથા તેઓનાં સંતાનોને આશ્વાસનના બે શબ્દો બોલી પાછો ફર્યો. આજે ૧૯૯૩, લગભગ દસ વર્ષે એક માહિતીદાતાને આપેલા પુસ્તક (સ્વ ખર્ચે) પ્રસિદ્ધિના વચનમાંથી મુક્ત થયો છું, તેનો સંતોષ છે. જીવાકાકા આ છપાયેલું પુસ્તક જોઈ શક્યા હોત તો તેઓના આનંદનો હું પણ ભાગીદાર હોત. હવે તેઓના સંતાનોના હાથમાં આ પુસ્તક મૂકીશ ત્યારે તેઓ પોતાના મહાન પિતાને સ્મરશે, તેનો પણ આનંદ છે; પરંતુ પુસ્તકરૂપે પ્રકાશન કરવું તે સંશોધન કરતાં પણ કેટલું વિકટ છે! એ અનુભવ પણ મારી આ યાત્રાના મહત્ત્વના મુકામ જેવો છે.

***