મેઘાણીની નવલિકાઓ - ખંડ 1/ડાબો હાથ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ડાબો હાથ

જુનવાણી કાળનું જંક્શન સ્ટેશન હતું. રેલવે-ખાતાએ પોતાના અસલી વહીવટના ચીલા હજુ બૂર્યા નહોતા. સ્ટેશન માસ્તરોને તેમ જ ગાર્ડોને પોતાના શ્વેત બની ગયેલા કેશનું, બારેય કલાક કઢાયા કરતી લાલચોળ ચાનું, ચા તથા પાનપટ્ટીને સારુ ગાડીને પાંચ-દસ મિનિટ મોડી ઉપાડવાનું... વગેરે જાતનું અસલી અભિમાન હતું. બ્રાંચ લાઇનમાં જતી ટ્રેઇન એક વાર તો ઊપડી ચૂકી હતી. પરંતુ એકાએક પછવાડે ‘હો! હો!’ એવા હોકારા મચ્યા. સ્ટેશન-માસ્તરે કોઈ મહાસંકટની નિશાનીરૂપે, યજ્ઞવેદી પર ઊભેલા કો ઋત્વિકની માફક, બેઉ હાથ ઊંચા કર્યા અને ‘હો! હો!’ પુકાર્યું તે ‘भो भो’ના વેદ-સ્વર જેવું સંભળાયું. “લાલ બતાવ...લાલ બતાવ...” એવી એક પછી એક સાંધાવાળાની બૂમ સંધાઈ ગઈ. કોઈ હિંસ્ત્ર જાનવરની રાતી આંખો જેવી ઝંડીઓ નિહાળી પેટમાં ફાળ ખાતું એન્જિન જાણે ભયાનક રોષ ફૂંકીને ઊભું રહ્યું. ગાર્ડનું ખાવાનું ભાતોડિયું હજુ નહોતું આવ્યું અથવા એવો કંઈક અગત્યનો ગોટાળો મચી ગયેલો. ગાડી પાછી આવતાં સેકન્ડ ક્લાસનો એક અરધિયો ડબો જે સ્થળે થંભ્યો તે સ્થળે ‘રીઅર સાઇડ’માં (પછવાડેની બાજુએ) એક પુરુષ ઊભો હતો; તેના મોં પર ગર્વભર્યો આનંદ છવાયો ને એ બોલી ઊઠ્યો: “લ્યો, નીચે આવો, નીચે આવો; અંત:કરણની બ્રેક લાગી છે ત્યાં સુધી ક્યાં જવાનાં હતાં તમે!” એક યુવાન અને એક યુવતી ડબામાંથી ડબાની નાની પરશાળમાં બહાર આવ્યાં કે તરત નીચે ઊભેલા પુરુષે કહ્યું: “ચંદુભાઈ, આપ પાછા પ્લૅટફૉર્મ પર પધારો. અમે બેઉ અમારી વાતો પૂરી કરી લઈએ.” “સુખેથી, સુખેથી;” કહી યુવાન આગલી બાજુ ઊતરી ટહેલવા લાગ્યો, ને એની પત્ની પાછલી બાજુએ ‘ભાઈ’ની પાસે જઈ ઊભી. ‘ભાઈ’ શબ્દના સંબોધનમાં એ પતિપત્નીનો આ મિત્ર પરનો પરમ ભાવ ને પૂર્ણ વિશ્વાસ ઘોષણા કરી ઊઠતો. એક બાજુથી, કેટલી મિનિટોનો વિલંબ નોંધવો તે વિષે ગાર્ડ અને સ્ટેશન-માસ્તર વચ્ચે તકરાર લાગી પડી: બીજી બાજુ, ગાર્ડે પોતાનું ટિફિન મોડું કરનાર ઘરનાં માણસો પ્રત્યે “સાલાં બઈરાંની જાત નોકરી ખોવરાવશે ત્યારે મોંકાણ મંડાશે...” વગેરે બરાડા સ્ટેશન લાઇન્સની દિશામાં ફૂંક્યા કર્યા: ત્રીજી બાજુ, એકાદ-બે કપ પણ ખપશે એમ સમજી ‘બા...આ...આ...મણિયા ચા’ની ફેરી ફરી ચાલુ થઈ ગઈ. પછી આખરે ગાર્ડે શિયાળુ સાંજની વળેલી ઠંડી સામે સંગ્રામ રમવા ગળા ફરતી શાલ વીંટાળીને સિસોટી ફૂંકી, ત્યારે ફરીવાર પાછાં ડબામાં ચડવા જતાં પતિ-પત્નીએ મસલત કરી. પત્નીએ કહ્યું: “ભાઈ ક્રોસિંગ સુધી આપણી જોડે ન આવી શકે?” “હેં ભાઈ!” પતિએ વિનવણી કરી: “સુભદ્રાનું બહુ જ મન છે: મારે ખાતર નહિ પણ એને ખાતર ચાલો ને!” “ખરેખર! હું આવું?” ભાઈએ ચોગમ જોયું. પતિએ કહ્યું: “હવે આટલે વર્ષે તો થોડા કલાકનો મારાં ભાભી જોડેનો વિયોગ કશું જ હતું – ન હતું નહીં કરી નાખે: ચાલો ને!” “ચાલો ને!” સ્ત્રીની આંખોમાંથી કાકલૂદી નીતરી. ને સ્ટેશન-માસ્તરોના તેમ જ ગાર્ડોના હમેશના એ ઓળખીતા પુરુષે ગાર્ડને ઈશારત કરી ચાલતી ગાડીએ ચડી, સેકન્ડ ક્લાસના ડબામાં બેઠેલાં વર-વહુ ઉપર આભારની ભાવના છવરાવી દીધી. પછી તો ક્રોસિંગ આવ્યું. ક્રોસિંગ ગયું. છેલ્લું સ્ટેશન આવ્યું. ત્યાં દિવસની છેલ્લી જે ગાડી ‘ભાઈ’ના ગામ ભણી જતી હતી તેને પણ જવા દીધી. ને ‘સવારની ટ્રેઇનમાં જરૂર પાછા જવા દઈશું’ એવું વચન આપી વરવહુએ ‘ભાઈ’ને ગામમાં જોડે લીધા. આ ત્રણેય જણાંને જોતાં જ સ્ટેશન પર ઊભેલાં ગામલોકોમાં વાત ચાલી: “ખરો ભાઈબંધ! આનું નામ ભાઈબંધ!” “ખરેખર, હો! પોતાના દોસ્તદારનું જોગીવ્રત ભંગાવીને પરણાવ્યે રહ્યો.” “બીજા મથી મથીને મરી ગયા, ડોસો ને ડોસી ખોબલે આંસુડાં ખેરતાં ખેરતાં મસાણ જવા બેઠાં, તોય જે ન માન્યો તેને આ એક ભાઈબંધે પલાળ્યો.” “ને વિવામાં શું? — આ મે’રબાનને કાંઈ થોડી ગતાગમ હતી! સગપણ, સમૂરતું, સાકરચૂંદડી, લગનની તમામ તૈયારી — વાહન, ગાડીઘોડાં, વાજાંગાજાં, સાજન-મંડળને તેડાં... અરે, કન્યા સારુ કંકુની શીશીઓ ને અરીસોય એ માઈનો પૂત ભાઈબંધ ભેળું કર્યે રિયો.” “ને કકડાવીને ભુટકાડી દીધાં બેઈને!” બોખલા ડોસાએ એટલું બોલીને હસાહસ કરી મૂકી. “છાતીવાળો! ગઝબ છાતીવાળો! ને જમાનાનો ખાધેલ!” ગામના એક ઘાંચીએ પણ રસ્તે ચાલતાં પુરવણી કરી. “ને શું—” ત્રીજાએ સહુને રસ્તા પર ઊભા રાખી સોગંદ ખાધા: “અવલથી આખર સુધીનું કુલઝપટ ખરચ પણ આ લગનમાં એણે જ ચૂકવ્યું.” “ભાઈબંધી તે અજબ વાત છે, ભાઈ! જૂનીઉં વાતું કાંઈ વગર મફતની જોડાણી હશે!” ગામ ભણી વળતાં આ વાર્તારસિક મોજીલાં પેસેંજરોને પાછળ છોડતી પેલાં ત્રણેય જણાંની ટેક્સી દૂર દૂરથી પોતાની પછવાડેનું ત્રીજું રક્ત-લોચન ફાડતી દોડી જતી હતી. ટેક્સીમાં પણ પહેલી બેઠક ‘ભાઈ’ની, વચલી પત્નીની ને છેલ્લી પોતાની રાખીને પતિએ ‘ભાઈ’ તથા પત્ની વચ્ચેનો અધૂરો વાર્તાલાપ પૂરો કરવાની સગવડ આપી હતી. ઘેર જતાં જ ડોસા-ડોસીને ચંદુએ સાદ દીધો: “મા! બાપુજી! ઉઘાડો ઝટ. ભાઈ ભેળા આવ્યા છે.” “કોણ છે?” “અરે, આપણો ચંદુ ને વહુ આવ્યાં! ભાઈ પણ ભેળા છે. ઝટ ઉઘાડો. ઉઘાડો.” ડોસો બીડીનું ખોખું ઝેગવતા હતા તે છોડીને ધોતિયાનો છેડો ખોસતા દરવાજે દોડ્યા ગયા. ડોસી ચૂલે રસોઈ કરતાં હતાં, તેમના હાથમાં લોટનો પિંડો રહી ગયો. ‘ભાઈ’ના પ્રવેશમાત્રથી જ આ ગરીબ ઘરમાં ઝળહળાટ વ્યાપી ગયો. હૃદયમાંથી સીધાં સરી આવતાં હાસ્યો ને મર્મો વડે એણે ઘરની દીવાલોને લીંપી દીધી. આજુબાજુ રહેતાં કુટુંબીઓ પણ ધીરે ધીરે એકઠાં થઈ ગયાં, ને ‘ભાઈ’ને તે રાત્રીએ નિરાંતથી એ બધાએ ચંદુનું ઘર બાંધી આપવા બદલ શાબાશી દીધી. “અરે, ભાઈ!” સહુએ કહ્યું: “ખાનદાન કુટુંબને માથેથી ગાળ ઉતારી.” “હા; નીકર, બે પગે હાલતું એકોએક માણસ ટોણો મારતું’તું કે, દાળમાં કશુંક કાળું હશે ત્યારે જ પચીસ વરસનો જુવાન ઠેકાણે નહિ પડતો હોય ના!” આ બધા ધન્યવાદનો ખરો ઉત્તર ચંદુના મિત્રના મોંમાંથી નીકળતો જ નહોતો. બડો ધૈર્યવાન છતાંય એ કંટાળી ગયો, ને આ કુટુંબ-મેળો જલદી વીખરાઈ જાય તેવું કરવા બગાસાં પર બગાસાં ખાવા લાગ્યો. મોડી રાત સુધી ચંદુને એણે પોતાની કને બેસાડી રાખ્યો. તે બધો સમય ચંદુની પત્ની સુભદ્રા બાજુના ઓરડામાં પથારીમાં પડી પડી અનુભવી રહી હતી કે જાણે પોતાના અંત:કરણ ઉપર ‘ભાઈ’ની મહાકાય છાયાનું ઓઢણ થઈ ગયું છે: પોતાના વેવિશાળથી માંડી આ લગ્ન થઈ ગયા પછીની પાંચમી રાત્રિ સુધી પણ એ માણસનું જ વ્યક્તિત્વ ભરપૂર ગુંજારવ કરી રહ્યું છે: પોતે માયરે બેઠેલી ત્યારે પણ મુક્ત હાસ્ય તો આ મનુષ્યનું જ લહેરાતું હતું: પોતાનો પતિ ચંદુ તો જાણે ‘ભાઈ’નો જિવાડ્યો જ જીવી રહ્યો હતો: ‘ભાઈ’ કહે તેટલું જ કરવામાં ચંદુને સુખ હતું. વિચારતાં વિચારતાં સુભદ્રાની દૃષ્ટિમાંથી ચંદુ તો છેક જ ઓગળી અદૃશ્ય બની ગયો. ચંદુ રાત્રિના નાના-શા ચાંદરડા જેવો જીવન-આકાશના ઊંડાણમાં કેવળ તબકી રહ્યો. ઘોર અંધકારની માફક જીવનના અણુએ અણુમાં વ્યાપી ગયો આ પતિનો મિત્ર ‘ભાઈ’. મોડી રાતે ચંદુ જ્યારે સૂવા ઊઠ્યો ત્યારે ‘ભાઈ’ છેક એના ઓરડાના દ્વાર સુધી વળાવવા ગયા, ને પીઠ પર હાથ થાબડતાં થાબડતાં કહ્યું: “જોજે, હો; હું તો તને પવિત્ર રાત્રિ જ ઇચ્છું છું.” આ શબ્દો સુભદ્રાએ સાંભળ્યા. આજ પાંચમી રાત્રિ ઉપર પણ એણે પરાયા પુરુષનું શાસન ચાલતું સાંભળ્યું. ચંદુએ પત્નીને પૂછ્યું: “તમને અત્તર ગમશે કે અગરબત્તી!” સુભદ્રા સમસમી રહી; પછી બોલી કે “તમને ગમે તે.” “અગરબત્તીની સુવાસ અત્તરના જેવી માદક નથી, પણ સાત્ત્વિક છે. એ આપણા મનોભાવોને અકલંકિત રાખશે. ‘ભાઈ’નો બહુ જ આગ્રહ છે કે આપણે શુદ્ધ જીવન જિવાય ત્યાં સુધી જીવીએ.” અગરબત્તીના ધુમાડા સુભદ્રાના કંઠ ફરતાં ગૂંચળાં રચી રચી બારીમાંથી બહાર નીકળવા લાગ્યા ને ચાંદનીના હૈયા ઉપર રેખાઓ દોરતા દેખાયા. “રાત્રિ પવિત્ર ભાવે પસાર કરી શકાય,” ચંદુએ કહ્યું: “તે માટે આપણે કશુંક વાંચીશું? શું વાંચીશું? હા હા; ‘ભાઈ’ના જ તારા પરના પત્રો.” વેવિશાળના દિવસથી માંડી આજ સુધીના થોકબંધ કાગળો સુભદ્રાએ પોતાની પેટીમાંથી કાઢ્યા. એ તમામમાં પતિના આ અદ્ભુત મિત્રની મોતી સમી અક્ષરાવળ હતી. એવો લેખન-મરોડ સુભદ્રાએ અગાઉ કદી જોયો નહોતો. એ પત્રોની લખાવટમાં કાવ્યો હતાં: “ચંદ્ર તારલાની રંગક્રીડા હતી: આકાશની નીલિમા હતી: સમુદ્રના હિલ્લોળ અને વાયુનાં લહેરિયાં હતાં: ને એ સર્વને આચ્છાદિત કરતું પ્રભુ, ધર્મ, પવિત્રતા ને જીવન-કર્તવ્યનું સાત્ત્વિક તત્ત્વ હતું. એકાદ કલાક સુધીના એ પત્ર-વાચને ચંદુને ખાતરી કરાવી કે પોતાના લગ્નજીવનને એક શિલ્પીની માફક ઘડનાર તો એ ‘ભાઈ’નો જ હાથ છે. વાંચતાં વાચતાં એની આંખો સજલ બની રહી. રાત્રિમાં થોડા થોડા સમયને અંતરે બાજુના ઓરડામાંથી ‘પ્રભુ!’ ‘પ્રભુ!’, ‘હે નાથ!’, ‘હે હરિ!’ એવા ઉદ્ગાર ઊઠતા હતા. ચંદુ સમજતો હતો કે ‘ભાઈ’ના એ ભક્તિ-ઉદ્ગાર પોતાના જ જીવન-સંસાર પર આશીર્વાદરૂપે વરસી રહેલ છે. સવારે ચંદુ જાગ્યો ત્યારે સુભદ્રા પથારીમાં નહોતી; ભોંય ઉપર એક લાકડાની પાટલીનું બાલોશિયું બનાવી સૂતી હતી. એની રેશમી સાડી ધૂળમાં રગદોળાતી હતી. પ્રભાતે ‘ભાઈ’ને વળાવવા સ્ટેશન પર ચંદુએ સુભદ્રાને આગ્રહભેર સાથે લીધી. સાસુ-સસરાએ પણ રાજીખુશીથી સ્ટેશને જવા કહ્યું: “‘ભાઈ’ તો મોટા ધરમેશરી છે; ડાહ્યું માણસ છે. એના મોંનાં બે વેણ તમારે કાને પડશે તેમાં સહુની સારાવાટ છે, દીકરા!” ગાડીને ઊપડવાને વાર હતી. સ્ટેશન-માસ્તરના ધર્મગુરુ આજે ઊપડવાના હતા. પણ તેમને હજુ નિત્યકર્મ પૂરું થઈ રહ્યું નહોતું. માસ્તરના નવા જન્મેલ પુત્રને ગુરુજી કશીક વિધિ કરાવવામાં રોકાયા હતા, તે માટે પાંચ-દસ મિનિટ ગાડી મોડી ઊપડવાની હતી. “ઓ પાખંડ!” ચંદુના મિત્રે ઉદ્ગાર કાઢ્યો, ને પછી કહ્યું: “ચંદુ, તું અમને એકલાં પડવા દે; મારે સુભદ્રાબહેનને થોડી છેલ્લી ભલામણ કરવી છે, તે કરી લઉં.” “સુખેથી, સુખેથી;” ચંદુ સ્ટેશન પર જ ટહેલવા લાગ્યો, ને સેકન્ડ ક્લાસના ડબ્બામાં ગુરુ-શિષ્યા જ રહ્યાં. ટ્રેઇન ઊપડી ગયા પછી ગામ તરફ વળતાં સુભદ્રાએ ચંદુને પૂછ્યું: “ભાઈ આપણા દંપતી જીવનમાં આટલો બધો રસ શા માટે લે છે?” “ભાઈ જગતને બતાવી આપવા માગે છે કે આદર્શ જોડલું કેવું બને.” સુભદ્રાનું સ્ત્રી-હૃદય પાપના દ્વાર પર પહોંચી ગયું હતું. છતાં તેનાથી છેલ્લો એક આંચકો અનુભવ્યા વગર ન રહેવાયું. એનાથી બોલાઈ ગયું: “ભાઈ મારી જોડે આમ કેમ વર્તે છે? મને કંઈ સમજાતું નથી.” “કેમ, મારી નિન્દા કરી કે શું?” ચંદુએ ગમ્મત માંડી. “ના; ગઈ કાલે સાંજે અને અત્યારે એમણે તો મારો ડાબો હાથ ઝાલ્યો...” ચંદુ ચમક્યો. એના મોં પર કરડી રેખાઓની ધનુષ્ય-કમાનો ખેંચાઈ. “પછી?” “પછી કહે કે ‘જુઓ, સુભદ્રાબહેન, તમારો જમણો હાથ ચંદુનો ને ડાબો તો મારો જ, ખરું?’ એટલું બોલીને મોંએથી બચકારા કરતાં કરતાં એમણે મારો હાથ બહુ જ દાબ્યો...” ચંદુ જાણે ચંદ્રલોકમાંથી નીચે પટકાયો; એના કપાળમાં કોઈએ વજ્ર ફટકાર્યું. “ને તું કશું ન બોલી?” એણે તપીને સુભદ્રાને પૂછ્યું. “કેમ? હું શું બોલું? તમારી ને એની ભાઈબંધી કેટલી બધી ગાઢ છે! મારા પરના એના કાગળો પણ તમે તો કેવા વખાણ્યા છે!” ચંદુના હોઠ વિચારમાં દબાયા: એ કાગળો, મારા લગ્ન-જીવનમાં આટલો બધો રસ, આટલી કાળજી, આટલા ઊભરા — તમામ શું સુભદ્રાના દેહમાં અરધો હિસ્સો પડાવવા માટે હતા? ચંદુ ચૂપ રહ્યો. પોતાની પત્નીને પોતે જ ગોટાળે ચડાવી દીધી હોવાનું એને ભાન થયું. ઘેર જઈને એણે મિત્રનો પત્રવ્યવહાર ભસ્મ કર્યો; ને એ ભસ્મ ‘ભાઈ’ ઉપર એક બાટલીમાં બીડી. ઉપર લખ્યું હતું: ‘ડાબો હાથ’.