મેઘાણીની સમગ્ર નવલિકા 2/કડેડાટ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કડેડાટ

ગામમાં નીકળવાની મારી આદત વિચિત્ર હતી. બીજું કંઈ હું જોતો નહોતો. પણ કયું ઘર ઉઘાડું ને કયું બંધ એ નિહાળવાનો મને શોખ હતો. આજે જે ઘરનાં બારણાં ઉઘાડાં હોય તેને થોડા દિવસ પાછું તાળું લાગી ગયું હોય, આજે જ્યાં છોકરાં ધૂળમાં રમતાં રમતાં ખારી શીંગ કે રોટલાનું બટકું ખાતાં હોય, ત્યાં ફરી નીકળવા ટાણે પડોશીઓ કચરાના સૂંડલા ઠાલવતા હોય; આજે કોઈ ઘરને ઉંબરે વાળી ચોળીને એકાદ બે સ્ત્રીઓ ઓળેલ માથે ને સીધે સેંથે બેઠી બેઠી પિંડી સુધીના ઉઘાડા પગનાં લીલાં છૂંદણાં બતાવતી હોય, કાલાં ફોલતી હોય, જૂની સંઘરેલી જુવાર વાવલતી હોય, ને એ વાવલવાની ઊંચી ઘોડી પર ઊભાં ઊભાં એનાં ઓઢણાં લહેરાતાં હોય; તો બીજી વાર નીકળું ત્યારે એ તાળાં લાગી ગયેલ બારણાંને ઉંબરે એકાદ ખસૂરિયું કૂતરું પોતાને શરીરે ચટકા ભરતી બગાંઓને જમી જવા આમ તેમ ડાચિયાં નાખતું થોડી વાર ઊઠતું, થોડીવાર બેસતું ને થોડીવાર પાછું રઘવાયું બનીને ભાગાભાગ કરતું હોય. આજે જ્યાં દીવા બળતા હોય ત્યાં પાંચે પંદરે ફરી નીકળું ત્યારે મકાનમાં અંધારું હોય અને ચાલ્યાં ગયેલાંની ભૂલથી ઉઘાડી રહી ગયેલી બારીનું નાનું એકાદ બારણું પવનમાં ભટાક ભટાક ઊઘડ-બીડ થતું હોય અને પડોશીઓ ત્યાં ઊભાં ઊભાં ચોર-ચળીતરની શંકાએ બીકભરી વાતો કરતા હોય. આ બધું જોવાનો મને આનંદ પડતો; ને ઘણી વાર એવા કલ્લોલ કરતા એકાદ ઘરને એકાએક મૂંગું મરી રહેલું દેખી પડોશીને પૂછતો પણ ખરો, કે — “ટીડા ગોરને ઘેરથી ક્યાં ગયાં બધાં?” પડોશી જવાબ દેતાં: “ઈ તો વડીલ-ઝાંપે રહેવા ગયાં, ભાઈ! આંઈ તો ઘરધણી ધના મિસ્ત્રીએ ખાલી કરાવીને રૂની ગાંસડિયું ભરી છે રોયે! ને બાપુ! અમને તો રાત ને દી ભો લાગે છે. ધનાને મૂઆને દશ્મન કાંઈ થોડા છે! નૈ ને કોક તણખો મેલી દ્યે તો અમારું શું થાય? અડોઅડ એક પડાળે છ્યેં, ભાઈ!” “આંહીં પ્રેમજી ખોજો ખારી શીંગ વેચતો’તો તે કેમ દેખાતો નથી? ઘર કાં બંધ? ને આ ખડકી ક્યારે પડી ગઈ?” જવાબ મળતો: “આ હાથિયો મે ત્રાટક્યો એણે ખડકીના કરાનું દાટણ વાળ્યું, બાપુ! ને પ્રેમજી ખોજો ઘણુંય મોહન મારફતિયાને કરગર્યો કે કરો ફરી ચણાવી આપ; પણ મોહન મારફતિયો કહે કે “મારે મર ખોરડું પડીને ખંડેર થાય, તું તો એક વાર નીકળ, પાંચ મૈનાનું ભાડું નથી આપ્યું તેય તને માફ, ખોરડું ખાલી કર, મારે ઘણી ખમા લડાઈને! સરકારે ઘઉંની વખાર ભરવા મોંમાગ્યું ભાડું કબૂલ્યું છે’. એમ પ્રેમજીને તો ઉચાળા ઉપડાવ્યા, ને પ્રેમજી નવે ખોરડે સુખી ન થ્યો. એનો છોકરો મરી ગ્યો, ને બાપડી બાયડી માંદી મટતી નથી. આ ખોરડે એને લેણું હતું. ધરતીએ ધરતીએ ફેર તો છે જ ના, ભાઈ! ઘણોય પ્રેમજી મોહન શેઠ આગળ રગરગ્યો કે પડી ગયેલ ખડકીમાંય રે’શું, ભલો થઈને પાછાં આવવા દે, પણ મોહન શેઠને તો, માડી, આ ખંડેરનુંય સરકારે પસ્તાલીશ રૂપિયા ભાડું ઠેરાવ્યું છે. હવે તો આંઈ જીવતાં માણસુંને બદલે દાણાની જીવાત રે’શે. ઉંદરડા તો વખારમાં કાળા કોપના થ્યા છે. અમારા ઘરમાંય સોંસરવા ફાંકાં પાડ્યાં છે. ને મજો છે બસ કાગડાને! ઉંદરડાને ખાઈ ખાઈને ઓડકારી ગિયા છે, માડી! નવો દાણો ઉંદર ખાશે, ને ઈ ખાતાં પોર જે વધશે તે આપણને દેશે, બાપુ! હું તો પરભુને કહું છું કે ભૂંડા! ઓલ્યે અવતાર કાં ઉંદરને ને કાં કાગડાને પેટે નાખજે, એટલે હવે પછીની નવી લડાઈમાં સળેલ ધાન ખાવાની તે અભાગ્ય ન રહે!” આમ મારા ગામના વિદ્વાન વક્તા વનિતાશંકર વકીલને પણ લંબાઈને હિસાબે પરાસ્ત કરે તેવી એ પડોશણ બાઈ માંડ માંડ છેવટે ચુપ બની; ને મેં ત્યાંથી આગળ ચાલતાં ચાલતાં કહ્યું કે “બહેન, નવી લડાઈની તમારે આવતા ભવ સુધી વાટ નહિ જોવી પડે.” “ઈમ! શું કહો છો ભાઈ! સાચે જ! વોય મારા રોયાઓ! પૂરો સાસેય નહિ લ્યે પીટ્યાઓ!” ‘રોયાઓ’ ને ‘પીટ્યાઓ’નો ખિતાબ હિંદની એક સન્નારી તરફથી ટ્રુમાન, ઍટલી તથા સ્તાલિન પર મોકલી આપવાનો કેબલ(તાર) મનમાં ઘડતો હું આગળ ચાલ્યો અને ધના ભગતના ચોકમાં આવ્યો. ધના ભગત, જેમનાં અનેક જીવનસ્મરણોમાંનું એક તો હજુયે લોકોને હૈયે હતું — લૂંટારાઓ ગામ પર આવ્યા ત્યારે આ ચોકમાં તેણે આડા ઊભા રહી પહેલી ગોળી ખાધી હતી — એ ધના ભગતનું જુનવાણી નામ બદલીને નવી પેઢીના બે–ત્રણ જુવાનોએ નવી ફૅશન પ્રમાણે જવાહર ચોક નામ પાડ્યું છે. પણ હું રહ્યો જુનવાણી માનસનો, એટલે જવાહર ચોક એ નામ મારી જબાન પર ચડતું નથી; હું એને ધના ભગતનો ચોક જ કહું છું — ક્ષમા માગું છું. આ ધના ભગતના ચોકની જમણી બાજુ, નીલકંઠેશ્વરના મંદિરની સામે જ આવેલા એક મેડાવાળા ઘર પર મારી નજર હેવાયું કૂતરું ઊભું રહે તેવી થંભી ગઈ. નીચેનું હાટડું ને ઉપરનો મેડો, બેઉ બંધ હતાં, હાટના ખંભાતી તાળા પર કાટ ચડી ગયો હતો ને ઓટા પરનું કૂતરાંએ ખોતરી કાઢેલું રહ્યુંસહ્યું લીંપણ એક ભેંસ એનાં શિંગડાં વડે ઉખેડી રહી હતી. મેડાની બારી પાસે, છાપરાંને નેવે લટકાવેલું એક અજમાના છોડનું કૂંડું હજી એમ ને એમ હીંચકતું હતું ને એમાંથી હજુ પણ લીલું પાંદ ડોકિયું કરતું હતું. પાણી રેડનારાં તો નહોતાં જણાતાં એટલે માન્યું કે ઝાકળ પીને નાનો છોડ જીવતો રહ્યો હશે. મને યાદ આવ્યું: એક દિવસ અજમાનાં પાંદનાં મેં મારે ઘેર ભજિયાં કરાવીને ખાધાં હતાં. મારા મોંમાં જરા વાર પાણી પણ છૂટ્યું. અત્યારે તો એક ઢેડગરોળી કૂંડા ઉપર બેઠી બેઠી જીવાત પકડતી હતી. “કેમ? ક્યાં ગયા?” મેં જેને પૂછ્યું તે હતો, નીલકંઠ મહાદેવના ઓટા પર બેઠેલો બીડી વાળતો જુવાન. હતો તો દવાખાનાનો પટાવાળો, પણ ઉપરીનો માનીતો હતો. દવાખાને ડોકિયું કરી આવીને પછી અહીં બીડીઓ જ વાળ્યા કરતો. “કોણ, લાલો મેરાઈ?” એણે બીડીને વળ દેતાં દેતાં પ્રશ્ન કર્યો. મેં ડોકું હલાવ્યું. “મુંબઈ.” “ને એનો ભાઈ ઓઘો?” “બેય.” “ક્યારે?” ગામમાં જવલ્લે જ નીકળનારો હું જાણતો નહોતો. “નવ મૈના થઈ ગયા!” મારા અજ્ઞાન પર બીડી વાળનારો હસ્યો. પણ સાચી વાત એ હતી કે હુંયે કાપડની તંગીને કારણે નવાં ન સિવડાવતાં જૂનાં ‘કન્ડમ’ કરેલાં કપડાંને પણ પાછાં ગાભામાંથી કાઢી કાઢી પ્રેમથી પહેરતો હતો. “અને વહુઓ?” મેં વધુ પૂછ્યું. “એનેય તેડી ગ્યા. એને તે આંઈ રાખે? આંઈ હતા તોય બજારમાં હાટડી રાખતા’તા? એક મૈનો બજારમાં બેઠા ત્યાં તો ધરાઈ ગયેલ, ને બાર મહિનાનું ભાડું પણ કુરબાન કરીને પાછા ઘેરે સંચા લઈ આવેલ. ખબર નથી? લાલો ને ઓધો તો હતા ઘાયલ જીવડા! ઈ તો ઈ સંતી ને સૂરજ સામી બેઠી બેઠી ગાજબટન કરતી હોય, તો જ બેઈ ભાઈયુંના સંચા ઘૂઘરવેલ ઘોડેં ચાલે. એઈ પાંચક વાર ચા કરીને પાતી હોય, પાણીનાં બેડાં લઈને મેડે ચડતી ઊતરતી હોય, બેય જણિયું મેડાને માથે રૂમઝૂમ કરતી રાંધતી ને ચીંધતી હોય, તો જ હેઠે હાટડામાં બેઈ ભાઈના ટાંટિયા કામ કરે. ઈ ઘાયલ તે કાંઈ મુંબઈ જેટલે જઈ એકલા રહી શકે, ભાઈ! ઈ તો ચાર મહિને આવીને તેડી ગ્યા.” “ઓરડી મળી મુંબઈમાં?” “મળે નૈ? રૂપિયા સવા સાતસો પાઘડીના ફગવી નાખ્યા.” “એટલું બધું રળી પણ લીધું?” “રળશે શું! નાની વહુ સંતીએ પોતાનાં ઘરેણાં વેચવા દઈ દીધાં. ઓધો કહે કે શી ફિકર છે? લશ્કરના દરેસ સીવીએ છીએ તે બે મહિનામાં પાછી સંતીને સોને મઢી દેશું — પગથી માથા લગી પીળી હળદર રોખી કરી નાખશું. કડેડાટ કરતા બેય ભાઈ આવ્યા, કડેડાટ લબાચા ભરી લીધા, અને તાળાં મારીને કડેડાટ ચારેય જણાં ઘોડાગાડીએ ચડી સ્ટેશને ચાલ્યાં ગયાં.” એટલું કહીને એણે બીડીઓ વાળવા માંડી. હું કાંઈક ભારે હૈયે પાછો વળ્યો. આ લાલો ને ઓધો: બેય જુવાનો મારા કાયમના દરજી. ગામમાં ફૅશનદાર કટનાં કપડાં સીવનારા બીજા હોવા છતાં મારું સિલાઈકામ હું આંહીં જ આપતો. મારી આદત જ એવી, કે પાસેનાં કપડાં ઘસીને પહેરું, છેક જ ખાલીખમ થઈ જાઉં અને ઓચિંતું ગામતરું આવી પડે ત્યારે જ આંહીં કપડાં નાખું, ને પછી કલાકો સુધી અહીં મારે બેસવું પડે — ના, સાચું કહું તો મને બેસવું ગમતું. મને એક મુરબ્બીએ એક વાર સમજાવેલું કે ભાઈ, વાળંદ પાસે વતું કરાવતી વેળા જ્ઞાન-વૈરાગ્યની વાતો કરીએ, ને દરજી પાસે કપડાં સિવડાવવા બેસીને શૂરાતનની વાતો ચલાવીએ, તો જ કામ ફતે થાય. (હજામત કરાવતાં વીરતાની વાતો ન કરવી નહિતર હજામ ઉત્તેજિત બની અસ્તરો વગાડે!) એ મુજબ હું પણ અહીં બેસીને આ લાલા ઓધાને સંચા ચલાવવાનું શૌર્ય ચડાવતો. ગાજ-બુતાન કરવા સંતોક ને સૂરજ સામે બેસતી, જરાક નહિ જેવી લાજ કાઢતી, પણ બોલવાનો વાંધો નહોતો. વચ્ચે વચ્ચે ઊઠતી, મેડે જતી, નીચે આવતી, હરફર કરતી, ત્યારે મને વિક્રમના સિંહાસન પર જ્યારે રાજા ભોજ બેસવા જતો હતો ત્યારે એ સિંહાસનના કોતરકામમાંથી રુમઝુમાટ કરતી એક પછી એક જે બત્રીસ પૂતળીઓ બોલી ઊઠેલી તે યાદ આવી જતી. બંને સરખી લાગે: જગતમાં કોઈ કોઈ વાર સોગંદ ખાવાને માટે જ સાંપડી જતી જોડ્ય માંહેલી એકાદ જોડ્ય લાગે. દેરાણી-જેઠાણીનું આવું જોડેલું મેં ક્યાંય જોયું નથી. એકને જોઈએ ત્યાં બીજીને ભૂલીએ. મેડેથી સોય-બુતાન કે પાણી લાવવું હોય, તો સબ દેતી બેઉ ઊઠે. પહેલું કામ કરવાની જ જાણે બેઉ વચ્ચે હરીફાઈ. અને લાલો ને ઓધો સાંજે બહાર ગયા હોય, બંને જણીઓ મેડાની બારીએ બેઠી હોય, ત્યારે ફ્રેમમાં મઢેલી કોઈ કલાકારની કૃતિ જાણે જોઈ લ્યો. બેએક મહિને ફરી પાછો હું કયે ઘેર બારણાં ઊઘડ્યાં છે ને તાળાં વસાઈ ગયાં છે તે જોવાનો શોખ લઈને નીકળ્યો અને નવાં રોનક નિહાળવા મળ્યાં. કાસમ શેઠ — આંખો મીંચીને ઊંચે ભાવે રૂની ગાંસડીઓ સંઘરનારા અધલાખના આસામી — તેના આલીશાન મકાન પર કડી લાગી ગઈ છે, અને પોતે બાજુમાં એક ઘોલકી જેવા ઘરમાં રહેવા ગયા છે; તરભોવન મહારાજ જૂનું ખોરડું છોડીને ગામડે રહેવા ચાલ્યા ગયા છે, કારણ કે એના પહેલા ઘરમાં બે કાળા નાગ કોણ જાણે ક્યાંથી આવીને દિવસરાત આંટા દેવા લાગ્યા, કેમે કર્યા ખસે નહિ, સાંડસામાં પકડી નદીપાર મેલી આવે તોય રાતે પાછા હાજર ને હાજર, એક ચૂલા પાસે ને બીજો પાણિયારા હેઠળ, ઉંદરના દરમાં બેઠા બેઠા ડોકું બહાર રાખી જીભના લબકારા કર્યા જ કરે. દીવા કર્યા, નિવેદ જુવાર્યાં. પણ નીકળે નહિ. બીજું ઘર બદલાવ્યું તો ત્યાંય હાજર. અંતે તરભોવન મહારાજને ગામ છોડવું પડ્યું. ને ખાલી કરેલા ઘરમાં કોઈ ભાડૂત ઢૂકતો નથી. બેઉ ઘરને મેં ભૂતખાનાં જેવાં પડેલાં દીઠાં. આગળ ચાલ્યો ત્યાં પટવારીના પટારા જેવા કહેવાતા ખીચોખીચ ખાંચામાં નવું રોનક નિહાળ્યું. પાનબાઈ વિધવાનું અને જગજીવન ગાંડાનું, બેઉ ખોરડાંના નામનિશાન પણ નહોતાં રહ્યાં. તે બેઉને ઠેકાણે શ્રાવકોના અપાસરાનું પાકું બાંધકામ ધમધોકાર ચાલી રહ્યું હતું. અને ત્યાં ઊભેલા શ્રાવક આગેવાન મને શું બન્યું તે સમજાવતા હતા: “ભાઈસા’બ! પાનબાઈએ તો અમને પાંચ વરસમાં હાથ જીભ કઢાવી છે. જગલાને તો ભોજનશાળાનો ઓટો ભળાવી દીધેલ, અને એ નિર્વંશિયાને બે વરસ નભાવી લેવામાં કશી અડચણ ન પડી, પણ આ પાનબાઈ અમારા માથાની નીકળી — ભલભલાને ભૂ પાઈ દે તેવી હતી રાંડ. પાછળ પીપળે પાણી રેડનારું કોઈ કરતાં કોઈ ન મળે તોય બસ હઠ લઈને બેઠેલી કે અપાસરા માટે તો નહિ જ આપું. આ છેવટે ખોડસામાં ગઈ ત્યારે જમીન અપાસરાને માટે હાથ આવી.” પાનબાઈને મેં દીઠી હતી — હજુ તો બે જ મહિના ઉપર! માથે સીમમાંથી છાણનો સૂંડો લઈ આવતી, કમરેથી તદ્દન બેવડ વળી ગયેલી, મોંએ લાળો ચાલી જાય. તોપણ મને બોલાવતી કે ‘આવો બાપા! છોકરાં નરવ્યાં છે ના?’ ખેર, હું એ યાદને ભૂંસી નાખતો શ્રાવક આગેવાનને પૂછવા લાગ્યો: “આટલી મોંઘવારીમાં જબરું કામ ઉપાડ્યું.” એણે જવાબ દીધો: “રૂડા પ્રતાપ એક ટોજોના, ને બીજા ‘કરેંગે મરેંગે’ના.” “બેઉના ભેગા?” “નહિ ત્યારે! જાપાનની લડાઈ અને ગાંધીજીની લડત, આ ઈ બેને પ્રતાપે જ હરખચંદ શેઠ રળ્યા, ને એક તડાકે પચીસ હજાર અપાસરા સારુ કાઢી આપ્યા. હવે સો વરસ સુધીની નિરાંત થઈ, એક ભોંયતળિયું ઉતારીએ છીએ. એ દેશું વખારો માટે ભાડે, ને માથે દુકાનું દસ ઉતારીએ છીએ તેને માથે અપાસરાનું થાનક... એ... ઈ ને લે’ર કરે સાધુઓ.” “ખરા!” કહી હું આગળ ચાલ્યો. ને મારા માનીતા ધના ભગતના ચોકમાં નીકળ્યો. ઊંચે જોયું. લાલા ને ઓધા મેરાઈ બંધુઓનો મેડો ઉઘાડો દીઠો. અનિર્વાચ્ય એક સુખની લહર મનના ઊંડાણમાં વાઈ ગઈ. પણ પછી હું ‘સેકન્ડ રીડિંગ’ની ભૂમિકા પર આવ્યો, ને મેં મેડાની બારી પર દૃષ્ટિ લગાડી. પેલું અજમાના છોડનું કૂંડું જેમનું તેમ ધૂળે ભર્યું કેમ? એનું પાંદ અધસૂકું કાં? ને ત્યાં હજુય ઢેડગરોળીઓ કાં ફરે? નજર બારીની અંદર પેઠી. ત્યાં એક ખાટલો ઢાળેલો હતો. તે ખાટલાની ઇસ પરથી નીચે લબડતો એક હાથ દેખાતો હતો. સૂતેલું માણસ નજરે પડ્યું નહિ. જરાક ચશ્માં સરખાં કરીને નજર ઠેરવી: એ લબડતા હાથનો રંગ શ્યામ હતો, સોનાની બંગડી દીઠી, પણ એ બંગડી કાંડા પર નહિ, કાંડાની નીચે ઊતરી ગયેલી, આંગળાંનાં હાડકાંએ જ હેઠે પડી જતી રોકી રાખેલી લાગી. ભૂલતો ન હોઉં તો હાથ પર છૂંદણાંનોયે ભાસ થયો. થોડી વારે બેએક વર્ષનો બાળક બારીએ ડોકાણો. પાછળથી એક ક્ષીણ અવાજ આવ્યો: “બાપા, પ.....ડી જા....ઈ....શ!’ બાળક બોલતું હતું: “ખાવા દે. અં... અં...અં! ખાવા દે!” દૂબળો, જાણે જમીનના પેટાળમાંથી જવાબ આવ્યો: “ખા...વા....નું અહં...અહં...હ...મ...ણે... મા લા...વ...શે.” બાળકને મેં બારીએથી પાછો ફરતો, ખાટલે જતો, ને ધડ ધડ ધબ્બા લગાવતો જોયો. ખાટલામાંથી અવાજ ઊઠ્યો: “અહહહ... રે...વા...દે, હા! હા! હા! ડા...યો...છો...ને! બા...ને મ...રા...ય? “હા, મલાય — ખાવા દે. ખાવું છે.” મેડા પર ચડી જવાનું મને વારીને મૅનેજર પાછળ ફેરવી અને દીઠો પેલા દવાખાનાના પટાવાળાને. નીલકંઠને ઓટે બેઠો બેઠો, કોઈ સ્થિતપ્રજ્ઞની અદાથી, એ સપાટાભેર બીડીઓ વાળતો હતો ને મારી સામે જોઈ હસતો હતો. પૂછ્યું, “ઉપર કોણ છે?” જવાબ: “લાલાની વઉ, સૂરજડી.” “ક્યાંથી? ક્યારે?” “મુંબઈથી. અઠવાડિયું થયું.” “કેમ?” “માંદી પડીને આવી છે.” “લાલો ક્યાં?” “મુંબઈ.” “ત્યારે સાથે કોણ છે બીજું?” “કોઈ નહિ.” “સૂરજ આવી કેવી રીતે?” “કડેડાટ! સથવારે.” “એકલી?” “હા જ તો! છોકરો છે ના ભેળો!” “પણ આંહીં એને કોણ રાંધીચીંધી આપે છે?” “આવી ત્યારે તો કડેડાટ હાથે કરી લેતી. હવે પાડોશીઓ રોટલો નીરી આવે છે.” નીરી આવે છે! ગાયને કે કૂતરાંને અમે ‘રોટલો નીરવો’ કહીએ છીએ આ પ્રદેશમાં. “પણ દવાદારૂ?” “હોય નહિ.” “કાં?” “ટી. બી. છે.” દવાખાનાનો પટાવાળો ક્ષયનું ઠસ્સાદાર નામ જાણતો હતો. “પણ ચાકરી કરવા કોઈ નહિ?” “ટી.બી.ની ચાકરી! વાત શી કરો છો? ઘરનાં દસ હોય તો દસેય જણાં લાંબાં થઈ જાય! ટી. બી. છે બાપા! રાજરોગ છે એ તો! લાલો તે કમાય કે ચાકરી કરવા બેસે! ભૂખ ભેળો જ થાય ને!” “પણ સંતોક ન આવી — એની દેરાણી સંતોક?” “ઈ તો બાપા, સંતોકનો વર ઓધો જાણે. મને શી ખબર! પારકી પંચાતમાં આપણે તે કેટલુંક પડીએ? આ તો ટી. બી. છે. અને ટી. બી. એટલે તો ચુડેલ. ચાકરી કરનારને જ ચોંટે. ને સંતોકડી તો છે બિલોરી કાચ: પાણી પીએ તો ગળા સોંસરવું દેખાય, એને ટી.બી.ની ઝપટ થાતાં વાર લાગે? લાગે નહિ. કડેડાટ કરતી લાગે.” આ બધું બોલતાં બોલતાં એના હાથ જે સ્ફૂર્તિ તેમ જ ગતિથી ટપોટપ પાંદડું ઉપાડતા હતા, કાતરથી પાંદને કોરતા હતા, ગૂંચળું વાળતા હતા, જરદો ભરતા હતા, ટોપકું વાળતા ને દોરો બાંધતા હતા, તે નિહાળવામાં મારી આંખો મગ્ન રહી; અને મને પાકી ખાતરી થઈ કે મેડા પર ખાટલે પડેલી સૂરજ દરજણ કડેડાટ બીડીઓની જ ઝડપે સ્મશાનની બીડી બની રહી હતી. પટાવાળો મારી દિલગીરીને ઉડાડવા માટે બોલી ઊઠ્યો: “ફિકર જેવું નથી, લાલે રૂપિયા ભેળા બંધાવ્યા છે. ને પાછું કાલ રજિસ્ટર પણ આવ્યું છે. પાડોશીઓય બાપડાં ખાટે છે. રોજનો એક રૂપિયો તો સૂરજ ઈ છોકરા માથે ભાંગી નાખે છે. જે છોકરી રમવા તેડી જાય એને પાવલી પાવલી આપે છે. અરે પાણીનો લોટો મેડે લઈ જનારનેય આનો ફગાવી દે છે ના! તો ખાવાનું દેનારને અરધો તો મળતો હશે ના!” “પણ લાલો મૂકવાય આવ્યો નહિ?” “આવે તે ક્યાંથી, સાહેબ? સૂરજને અહીં મોકલી છોકરા ભેળી. ઘોડાગાડીમાંથી ઊતરી કે તરત સૌ એની દશા દેખીને પૂછવા માંડેલાં કે તારો વર ન આવ્યો? સૂરજ કહે કે શી રીતે આવે! લશ્કરનો કંત્રાટ કેમ મેલાય? મોટા કંત્રાટીએ અગાઉથી રૂપિયા પાંચસેં દીધા છે ને દસ્તાવેજ કરાવી લીધો છે. દમ ભીડ્યો કે જો કામ રઝળાવીને જા તો લશ્કરને જ સુપરત કરી દઈશ! અને લશ્કરને સોંપતાં વાર લાગે? એક વાર સહી કરી આપ્યા પછી તો પાતાળમાંથીયે પકડે, ને કડેડાટ જેલમાં બેસાડી દે. આ તો લડાઈના મામલા છે, સાહેબ! મલાઈ મલાઈ જમી જાવાની વાત નથી. આ તો લોઈનાં નાણાં છે. જલેબી નથી.” પછી તો હું ન રહી શક્યો. પડોશીને ઘેર ગયો. વિગતે વાત પૂછી જોઈ. બીડી વાળતા પટાવાળાની વાત સાચી હતી. પણ એક મુદ્દો રહી જતો હતો તે આ પડોશીએ પૂરો પાડ્યો. કહે કે “આખો દિવસ નથી ધણીનું નામ લેતી, નથી જીવવાની અબળખા, નથી મરવાની બીક, નથી છોકરાની વળગણ, ફક્ત એક દેરાણીનું રામરટણ કરે છે. બસ, સંતોક કેમ ન આવી! સંતોકને તેડાવો.” “સંતોક છે ક્યાં?” “એને પિયર આવી છે. મુંબઈથી. આંઈ ગરવાળા ગામે.” “ત્યારે તો ઢૂકડું, તેડાવીએ તો?” “તેડવા મોકલ્યું’તું માણસ.” “તો પછી?” “પછી શું! ના પડાવી મેલી, કે નહિ આવું.” “કાં?” “ભગવાન જાણે. અમારાથી તો માન્યુંય જાતું નથી, ભાઈ! બેયની આંતરે ગાંઠ્યું. (બંનેનાં આંતરડાં જાણે કે ગાંઠ પાડી બાંધેલાં). બેય એકબીજાં વગર જીવે નહિ, એકનું ડિલ તપ્યું હોય તો બીજીને ખાવાનું ન ભાવે એવાં બે’નપણાં. પણ આજ કેમ જાણે શું થયું કે ના પડાવી દીધી!” “સૂરજને ખબર છે?” “હા, પણ ઇ માનતી જ નથી. કહે છે રાતનો દિવસ થાય તો જ મારી દેરાણી ના પડાવી મેલે. છે બાપડી પરભુના ઘરનું માણસ, આવડી બધી ગેરમાણસાઈમાં વશવાસ મૂકી શકે નહિ.” મને જરા રમૂજ થઈ. આમાં વિશ્વાસ ન મૂકવા જેવું હતું જ શું! એ બે દરજણોનાં રૂપ-લાવણ્ય અને શીલનો પ્રશંસક હું પોતે જ ત્યાંથી એટલી તરતપાસ કરીને ઘેર ચાલ્યો ગયો, મારા ધંધામાં એકધ્યાન બની ગયો, એ જો બની શક્યું તો પેલું કેમ ન બને? એમ થવામાં મને થોડી મહેનત પડી એ સાચી વાત. કારણ કે પેલી મેડા પરની બારી વાટે લબડતો દીઠેલો એ સાંઠીકડા જેવો કંકણવાળો હાથ કલ્પનામાં સતત લબડ્યા જ કરતો હતો. નવ મહિના પૂર્વે લાલા–ઓધાની હાટડીએ બેસી મારાં કપડાં તૈયાર કરાવતો હતો ત્યારે સાડીના પાલવ નીચેથી બહાર નીકળીને બુતાન ટાંકતો હતો તે જ શું આ હાથ હોઈ શકે: ‘મારે ભજિયાં ખાવાનું મન છે’ કહી અજમાનાં પાંદ માગ્યાં એટલે સબકારે ઊભી થઈને ઉપરથી કૂંડામાંથી તોડી લઈ આવી હતી, ને જે હાથે મને એણે પાંદ આપ્યાં તે શું આ હાથ હોઈ શકે? ને એક વારનો ગુલાબી રંગનો, ગુલાબ ઉપર કાળી મધમાખો બેઠી હોય તેવાં છૂંદણાંથી ભરેલો, નખમાંથી લોહીના ટશિયા હમણાં જાણે ફૂટશે એવો હાથ જો આજે આવું કરગઠિયું બની જઈ શકે છે તો પેલી દિલોજાન દેરાણી સંતોક અત્યારે સારવાર કરવા આવવાની પણ ના પાડે છે એ શા માટે ન માનવા યોગ્ય ગણવું? બન્ને વાતો બની શકે છે. ફરીથી તો હું ગામની લટારે જરા વહેલેરો — પંદર-વીસ દિવસે જ નીકળી પડ્યો, અને ચક્કર લેતો લેતો એ ધના ભગતના ચોકમાં પહોંચ્યો ત્યારે એ લાલા-ઓધાના ઘરની મેડી ફરી પાછી બંધ થઈ હતી. નીચે નવું તાળું દેવાયું હતું. પેલું અજમાના રોપાવાળું કૂંડુ ત્યાં હતું નહિ. ઘોડાગાડીના તદ્દન તાજા ચીલા ને પેશાબના રેલા ત્યાં પડેલા હતા, અને તાજી લાદના ત્યાં પડેલ એક પોશકાની માલિકીને માટે એક આધેડ સ્ત્રી તથા એક નાની છોકરી ‘નભાઈ’ ‘રાંડ’ એવાં ‘થૂંક ગ્રેનેઇડ’ વડે લડાઈ કરતાં હતાં. “કાં સાહેબ!” પાછળથી અવાજ આવ્યો, ને મેં નીલકંઠના ઓટા પર જોયું. તુરત અવાજ સાંભળ્યો: “ઈ તો આવ્યાં ને ગયાં કડેડાટ કરતાં.” એ બોલનારો પેલો બીડીઓ વાળતો પટાવાળો હતો. પૂછ્યું: “કોણ?” “લાલો, ઓધાની વહુ સંતી, ને ઓલ્યો નાનકો છોકરો.” ફક્ત ત્રણ નામ — ચોથું ન લેવાયું, મને ફાળ પડી. મારે પ્રશ્ન કયા શબ્દોમાં મૂકવો તે સૂઝ ન પડી. પણ પ્રશ્નની વાટ જોયા વિના જ એણે બીડીઓ વાળતાં વાળતાં વેગ વધારીને મને કહ્યું: “ટી.બી. — ને આ તો, સાહેબ, પાછો ‘ગૅલપિંગ’ ટી.બી.” હું ન સમજ્યો હોઉં તેવી ધારણાથી તેણે સમજ પાડી: “આ તો ઘોડાપૂર ટી.બી. કડેડાટ આવ્યો. જોતજોતામાં ઢાળી દીધી. નીકર કેવી જોધાર ને મસ્તાન હતી! — હેં! કેવી ખૂંટિયા જેવી! પણ ઢાળી દીધી. કાલ સાંજે કાઢી ગયેલ. અટાણે તો રાખેય ઊની નહિ રહી હોય.” આભા જેવો હું ઊભો રહ્યો. થોડી વારે પૂછ્યું: “લાલો ક્યારે આવેલો?” “ઈ બધુંય ભેળું જ પતી ગ્યું. લાલો કાલ્ય મેલમાં જ આવી પહોંચ્યો. આંઇથી તાર કરેલ, કે હવે આવી જા, ફેરો ફોગટનો નહિ થાય.” “ને સંતોક ક્યારે આવી?” “ઈ બધાંય કાલ્ય સાંજે કડેટાટ કરતાં ભેળાં થ્યાં. સંતોક આવી જેતલસરની મેલમાં ને લાલો ધોળા માથેથી. તાર મેલેલ તાર, મુંબઈથી ગરવાળે. ઠીક મારા ભૈ, ટાણાસર પહોંચી ગ્યાં.” “મેળાપ થઈ શક્યો?” “ના, એમ ટાણાસર નહિ, પણ દેન પાડવામાં ટાણાસર; જીવ તો મેલ પહેલાં જ ગયેલ, પણ મડું ઢાંકી મૂકેલ.” એક રીતે સારું થયું, સાહેબ, કારણ કે મરનારે સંતોકડીને જોઈ હત તો બહુ થાત. એણે તો છેવટ સુધી કહ્યા કર્યું કે મારી દેરાણી ન આવે એ બને જ નહિ. બ્રહ્માંડ ફરે તોય બને નહિ. નક્કી મારી દેરાણી માંદી હશે, ખાટલાવશ હશે, મને ચિંતા ન કરાવવા માટે થઈને જ ના પડાવી હશે. મારી સંતોક — મારી બે’ન — મારી કાયાનો માંહ્યલો પ્રાણ, આવ્યા વગર કેમ રહે? આમ એ મરનારને પણ પ્રેમ રહ્યો, ને વાતેય સાચી નીકળી.” “શું?” “સંતોકે તો આંઈ આવી માથા પછાડ્યાં છે કાંઈ!” “કેમ? એને ખબર નહોતી પડી?” “ના, ખબર તો હતી. એના વરે — ઓધાએ પોતે જ કાગળ લખેલ, કે ખબરદાર, તારે સૂરજ પાસે ચાકરી તો શું પણ જોવા નિમિત્તેય નથી જવાનું. તને તરત ચેપ લાગી જશે. એમ સંતોકડી વારે વારે આંઈ ના કહી મેલતી’તી એનું કારણ કે વરની મુંબઈથી સખત મનાઈ હતી. એટલે હાંઉ, આંઈ આવીને માથાં પટક્યાં. કહે કે મને ઉપરાઉપરી કાગળ લખીને આવવાની મના જ કરી! મને તો પા’ણાય પડત નહિ. મારો અવતાર બગાડી મૂક્યો. હું જેઠાણીને જીવતે જોવાય ન પામી, આ એમ કહેતી કહેતી બહુ રોઈ, સાહેબ! — સાલું મને નહિતર કોઈ કરતાં કોઈ દી આંસુ આવે નૈ, હું મારો છોકરો મૂઓ તે ટાણેય, ઈ કાલ મનેય સંતોકના રોણાએ રોવરાવી દીધો. કડેડાટ આંસુ આવી ગ્યાં. ખેર! પતી ગયું. ટૂંકથી પત્યું કહો ને સાહેબ! નીકર આ તો ટી.બી.! રાજાના રાજભંડારોય ખુટવાડે. પણ લાલો ભાગ્યશાળી. પતી ગયું. ઘરનો બરાબર જાબદો કરીને આજ ને આજ ઊપડીયે ગ્યાં. અટાણે તો ગાડી ઢસે પહોંચી હશે.” હું કશું બોલ્યા વગર ઘેર ચાલ્યો આવ્યો.