મેઘાણીની સમગ્ર નવલિકા 2/‘મારો વાંક નથી’
“એનાં માણસ મરે રે એનાં!”
પોતાના સ્વજનને શરીરે આટલો રાક્ષસી માર જોતાં કોઈ પણ કાળા માથાનું માનવી આમ કકળી ઊઠ્યા વગર રહે નહિ; તો પછી રાયાં તો એક ભરવાડી હતી અને પોતાની નજર સામે જુવાન ધણી ખાટલે ઢળ્યો હતો. એના મોંમાં રૂડાને મારી લોથ કરી નાખનારાઓ માટે મીઠી દુવા તો ક્યાંથી જ હોય?
“હવે તું જ મર ને! પારકાંને શીદ મારવા ફરી છો?” રૂડો સૂતો સૂતો ચલમ પીવાનાં વલખાં મારતો પણ હાથ અને મોં બેઉને ભેગાં ન કરી શકતો વહુને વઢ્યો; “કોઈ પોતાનો ઊભો પાક ભાઈબંધીએ ચારી દેવા દ્યે કે? ઠાલી ગાંગરી રહી છો તે પરભાતના પો’રમાં.”
“તે નો ગાંગરું? આ તુંને ગૂંદીને લોટ કરી નાખનારાનાં ઠાકર અભરે ભરે એમ કહું, ખરું ના?”
“હવે એનાં તો ઠાકર મનને ઠાલાં ઠમકાવતો. તારે ને મારે ક્યાં ઠાકરનો નીયા તોળવા બેસવું છે? હું તો એમ કહું છું કે ભૈ, પારકા શેઢાના આપણે ચોર, ઈ તો ચારે, મારે, ને માર પણ ખાય; બાવડાં તોડીને વાડિયું ઉઝેરી હોય જેના કંધોતર દીકરાઓએ, ઈ કાંઈ પોતાના ઊભા મોલ ભેળાવા ન દ્યે.”
“તયેં, તેં કેમ આખું ભરોટું કડબનું લીધેલ તે પારકી ગાયુંને નિરાવી દીધું, મોટો શાવકાર થા છ તે?” થોડાક દિવસ પર રૂડા ભરવાડે પોતાની માલિકીનું આખું ભરોટું સંધીઓની પરદેશી ગાયોને નિરાધાર જોઈ ખવરાવી દીધું હતું તે વાત યાદ કરાવીને રાયાંએ જૂની દાઝ કાઢી.
“ન નિરાવી દિયે ત્યારે શું ગામને પાદર ગાય માતાજીઉંને ભૂખી મરવા દ્યે? અસલ તો આપણે ક્ષત્રી હતા ખબર છે? બારોટને ચોપડે ટાંક મારી છે તે ખોટી ન હોય. ને અસલ ક્ષત્રીનું દૂધ થઈને હું ગાઉંને પાદરમાં ભૂખી મરવા દઉં?”
“પણ એ ગાયું તારા સગાની હતી?’ રાયાં ધણીના શરીર પરની ભરોલો પર ખદખદાવેલી આંબાહળદર ચોપડતી બોલી: “હતી તો પરદેશી સંધીઓની.”
“પણ હતી તો ગાઉં ને! ગધાડિયું તો ન’તી! ન જોવાણું તી ધરાર ભરોટું ભેળાવી દીધું.”
“ને આપણે?”
“આપણે આપણી ગાઉંને એકે દી ભૂખી તો નથી રાખી ને?” પોતે રોજ રાત્રિએ ચોરી કરતો તેનો ગર્વ કરીને બોલ્યો. “રાતે લીલા ભારા બાંધતોય આવું છું, ને ગાઉંને ધરવતોય આવું છું. હવે આજ ટોયો જાગતો હશે ને પટલના પાંચેય છોકરા લાગ જોઈને વાડીએ બેઠા હશે ઈ શું ઠાકરનો દીકરો હતો તી જાણી શકું?”
“પાંચ-છ જણ તૂટી પડ્યા? અરર! આ તો જો, કડિયાળી લાકડિયુંની છાપું ઊઠી છે. ને આ પરોણાના સોળા તો જો! છોલી નાખ્યો જ છે ને પછાડીને પછાડીને.” રાયાં હળદર ચોપડતી જતી હતી, અને હળદરની વાટકીમાં એની આંખો ટપકતી જતી હતી.
રૂડો માર ખાઈને આવ્યો છે એ જાણતાં ભરવાડવાડો એને વાડે એકઠો થઈ ગયો. એ સૌને બતાવતી રાયાં લાજ કાઢીને કહેતી હતી: “જુઓ તો ખરા, ભીમા આતા! આમ જુઓ, ગોકળ કાકાજી, માણસને શું આમ ચેપી નખાતો હશે?”
“તે આમ કેમ થ્યું, હેં રૂડા?”
“મારે વાંકે જ તો. આપણને તો ખબર છે કે ખેડુને આપણી ઢૂકડો ન આવવા દેવો. ઈ જો આવીને બથ નાખી વળે, તો પછી આપણે રાંક.” રૂડો સંગ્રામનું શાસ્ત્ર ચર્ચવા લાગ્યો.
“પણ તને — તું જેવો પલીતને — બથ શે નાખી શક્યા?”
“હવે ઈનો કાંઈ નેઠો છે, કાકા? કોક દી આપણે શી (સિંહ), તો કોક દી શિયાળ. દરરોજ શી (સિંહ) થવાતું નથી. મને ઓસાણ રિયું નૈ કે વાંસેથી પટલનો વચેટ છોકરો બથ નાખશે. નીકર તો લાકડીનું ચકર ફેરવું ને પાંચેય ને ઢાળી દઉં. ઠીક, ગાઉંને તો ઊભે છાહટિયે ધરવી! બાકી તો કોક દી મારતા ભલા, કોક દી માર ખાતા ભલા. ગાયુંને કે દીય ભૂખી નથી રાખી, ઠાકર મા’રાજ સાક્ષી છે.”
રાયાં છાણું લઈને વરને શેકવા લાગી હતી. તેણે કહ્યું, “ઈ વાતની હું ના ક્યાં કહું છું? મારી ગાઉં કેદીય અરધે પેટે પાછી નથી વળી.”
“તયેં હાંઉં. આ માર થોડો બેઠો રે’શે? આ માર સારો, ગાઉંના પેટનો માર ભૂંડો.”
“પટલે પણ હવે ઠીકાઠીકનો ઉપાડો લીધો છે.” ભીમો તપતો હતો. “ચરિયાણ પણ કાળમખો ખેડવા મંડ્યો.”
“ઈમાં પટેલ શું કરે? રાજ જ ચરિયાણ ખેડાવે છે.”
“રાજેય શું કરે? હોલ પ્રથમીને માથે દાણાનો દકાળ ફરી વળ્યો છે.”
“એમાં દકાળ શું કરે? ધાનના મોટા ડુંગરા ને ડુંગરા રાજવાળાએ સડવા દીધા ને પછે નાકે ડૂચા માર્યેય ન રહેવાણું તો નદિયુંમાં ને દરિયામાં ઝીંકી દીધા, કાંક બાળ્યા, કાંક બજારમાં વેપારીઉંને વેચ્યા.”
“કોનો વાંક કાઢવો આમાં?”
“આપણાં કરમનો.”
રૂડાને ઘેરે સૌ રાયાંના હાથનો, સારી પેઠે ઉકાળેલો રાતો ચોળ ચા પીને ઊઠ્યા ત્યારે એકે કહ્યું: “તો હવે પટલના છોકરાને આપણે ઢાળી દયેં.”
રૂડો કહે કે “ના, એમ કલોગે નહિ, લોગે લડાય. આપણે રાતે એના મોલ ચારીએં ને પકડાઈ જાયેં તો પે’લી તો પાઘડી ઉતારીએ, કે ભાઈ, બાપુ, માફ કર, શેઢાના ચોર તો છયેં જ, ખાધું છે તો ગાઉંએ, અમે એક સાંઠોય નથી ભાંગ્યો, તેમ છતાં પણ એ ન માને તો પછી લોગે લેખાં લઈએ, કલોગે નહિ, ને સૌએ સરત રાખવી, ખેડુને ઢૂકડો ન આવી જવા દેવો, જો એણે આપણને બથ ભરી લીધી તો પછી થઈ રયું. ઈ તો બથ લઈ વાળે તે પહેલાં જ ડાંગે પોંખી નાખવા. ને આગળ આવી બે જણા વઢવેડ કરતા હોય તે ટાણે વાંસે સરત રાખવી, ગફલત ન કરવી.”
“હા ભાઈ, ઈ કણબા ને સતવારા તો પલીત હોય છે; ઈ વરણ જ બાબરા ભૂતનો વસ્તાર છે. એનો ઢૂકડા આવ્યે વશવા ન કરવો.”
“ને પાછો દયાનો છાંટોય પેટમાં હોય છે એને? વાડીમાં ઢોર દીઠું કે ધ્રોડે, ખરપો હોય તો ખરપો લઈને, ને કોદાળી હોય તો કોદાળી લઈને. ઢોર લાગમાં આવે તો આંખ્યું મીંચીને ઠઠાડે. આંખ ફોડી નાખે, ખોપરીનાં કાછલાં ઉડાડી મૂકે, ગાભણી ગા’નો ગાભ પણ ન જુએ. એવું ખાટકી વરણ છે ખેડુ તો.”
નિષ્ઠુરતામાં તો, કાથરોટ કૂંડાને હસે એ કહેવત પ્રમાણે, ખેડૂતને માથે સવા વેંત શગ કાઢનારા આ ગોવાળો આવી આવી ચર્ચા કરતા કરતા, બાઈડીઓએ આવીને જ્યારે હડબડાવ્યા ત્યારે પોતપોતાને વાડે ગયા, કેટલાકે ગાયોનું ધણ સીમમાં ઘોળ્યું, બાકીના થોડા તાજા જન્મેલા જીવતા બોકડાને ગધેડાં પર લગડામાં ઠાંસી ઠાંસી બાજુના શહેરની પાંજરાપોળ તરફ રવાના થયા.
રૂડો ત્રીસેક વર્ષનો હતો. રાયાં એના કરતાં દસ વર્ષ મોટી હતી, કારણ કે મૂળ તો રાયાં રૂડાની ભોજાઈ થાય. એ દસેક વર્ષનો હતો ત્યારે રાયાં એના મોટા ભાઈને પરણીને ઘરમાં આવેલી. દસ વર્ષના સંસાર પછી વર ગુજરી ગયો, એટલે ભરવાડની ન્યાતના કડક રિવાજ મુજબ રાયાંને અમસ્તી પણ ‘વીંડા બહાર’ કુટુંબીઓ જવા દેવાના જ નહોતા, એને ફરજિયાત દેરવટું વાળવું જ પડત. આ તો ઠીક કે રૂડો તે વખતે વીસ વર્ષનો જુવાન હતો, પણ બાર વરસનો કિશોર હોત તોયે એનું જ ઘર રાયાંને માંડવું પડત. પણ દેર દેખાવડો અને જુવાન હતો એટલે રાયાંએ રાજીખુશીથી રૂડાનું દેરવટું વાળ્યું. બાળક જેવો તો પોતે આવી ત્યારથી હતો, એટલે રાયાંની જીભ તુંકારો ન છોડી શકી અને એનો જીવ મા-પણું ન મેલી શક્યો. અમસ્તું પણ આ વર્ણમાં પુરુષો પશુ જેવા રહી જાય છે ને સ્ત્રી ચબરાક, વાક્પટુ ને વ્યવહાર-કુશળ બને છે. રૂડાને તો પશુપણું અને બાળકપણું બંનેના લાભ-ગેરલાભ મળ્યા. એ ગભરુ જ રહી ગયો.
પાંચ-સાત દિવસમાં તો રૂડાને શરીરે પાણી ઢોળાયું ને એણે પાછી લાકડી લઈ ગાયોને સીમમાં લીધી. સીમમાં તો જમીન ચાટીને જીભ જરાતરા ખારી કરવા સિવાય ગાયો માટે કંઈ બાકી રહ્યું નહોતું. ‘વધુ અનાજ વાવો!’ એવા સરકારી સૂત્રને અપનાવી લઈ રાજ્યે ખરાબા-ખાડા પણ ખેડાવી નાખ્યા હતા. ખેડૂતોએ છેલ્લાં વીસ વરસમાં પૂર્વે આવા ઊંચા ભાવ જોયા નહોતા. મગફળીનાં વાવેતર રોજ વિસ્તરતાં હતાં, ને ઠેકાણે ઠેકાણે શીંગ પીલવાના તેલ ઘાણાના સંચા રાતદિવસ ઘડી પણ અટક્યા વગર ચાલુ હતા. રૂડો વધુ ને વધુ ઝનૂનથી ખેતરો-વાડીઓના શેઢા ગાયોને ચરાવી દેતો રહ્યો. ને એ એક બાબત નિરંતર ગોખ્યા જ કરતો કે ખેડુ આવે તો એ બથ નાખી ન શકે એટલે અંતરે રાખીને જ એને લાકડીથી ઢાળી દેવો.
એક દિવસ સીમની એક વાડીમાં રૂડાએ નવી જાતનું વાવેતર નિહાળ્યું. પાસે જઈને પાંદડાં તપાસ્યાં. પણ કંઈ સૂઝ પડી નહિ. પાણોતિયો ક્યારા વાળતો હતો તેને પૂછ્યું. જવાબ મળ્યો —
“બજર.”
“બજર?” રૂડો ચકિત થયો. “બજર આંહીં ક્યાંથી?”
“ગુજરાતમાંથી.”
“કોણે વવારી?”
“ચરોતરનો એક પાટીદાર આંઈ ઊતર્યો છે. એણે જમીન રાખી છે, કૂવા માથે અંજીર મેલીને બજરનું વાવેતર કરે છે.”
“આંહીં શીદ આવ્યો?”
“આવે તો ખરો જ ના! બજરના ભાવ કેવા બોલે છે, જાણતો નથી?”
હાં, યાદ આવ્યું રૂડાને. શહેરમાં દૂધ વેચવા જતી રાયાં હમણાં હમણાં રૂડાને ચલમમાં પીવાની જે તમાકુ લાવતી, તેની પૈસામાં તો પડતલી ભરાતી તેને બદલે હવે બે આના ભાંગતાં પણ માંડ પાંચ-છ વાર પીવા જેટલી આવતી અને પોતે ટકોર પણ કરતો કે ‘આવી છાણ જેવી ગડાકુ શું લાવછ?”
“છાણ જેવી કહે કે મૂતર જેવી — આ આવે છે,” એવા જવાબ પછી એની ને રાયાંની વચ્ચે એક વાર બોલાચાલી પણ થઈ હતી. પણ રાયાં જે તમાકુ લાવતી તેમાં દિન પર દિન બેસ્વાદ વધતો જતો. કેફ જેવું કોઈ તત્ત્વ જ તમાકુમાં નહોતું રહ્યું. સીમમાં ચપટી માગનારાઓ હવે કડવા ઝેર લાગતા. પોતે એકલો પડતો ત્યારે છાનોમાનો પીતો, એકલા પીવાથી મોજ નહોતી આવતી એટલે પાછો ટોળામાં જઈ પીવા બેસતો.
પાણોતિયાએ કહ્યું: “દોઢસો રૂપિયાની મણ બજર બોલે છે, રૂડાભાઈ, ને ચરોતરના પાટીદારો ઠેઠ કલકત્તે ચડાવે છે. એમાં તો ચરોતર ન્યાલ થઈ ગયું. વીઘા વીઘાનો ધણીયે લાખું રળ્યો. કૈંક પાટીદારે પચી પચી વરસની દીકરીઉં ઘરની કોઠીમાં ઘાલી મૂકેલ તે કુલહોલ ઓણ પરણી ગઈ.”
“અટલે?”
“અટલે એમ કે પાટીદારુંમાં તો વરને ગુંજે હજારું ઘાલવા પડે ને! તી વન્યા પરણે કયો ભા એની છોકરીઉંને! અરે કૈંક જુવાનોએ તો આગલી વહુઉંને કાઢી મેલી, કોક કોતકે તો ઠાર મારી નાખી, ને ગુંજાં ભરી ભરી ફરી ફરી પરણ્યા.”
“ગુંજામાં તે કેટલુંક ભરાતું હશે?” રૂડો કલ્પના કરી શકતો નહોતો. “બૌ બૌ તો પંદર વીશું.”
“અરે ભાઈ, રૂપિયા નહિ, લીલીઉં નોટુંની થોકડીઉં.”
“લીલીઉં નોટું?” રૂડાને કદી દર્શન થયાં નહોતાં.
“હા, સો સો રૂપિયાની અક્કેક. ઈ લીલીઉંના તો પાટીદારો લગનટાણે માંડવે તોરણ બંધાવે છે!”
“ટોડા માર મા હવે.”
“પૂછી આવ ઈ આવ્યો છે તે પાટીદારને. આ બેઠો વાડીએ.”
“આંઈ ઈ બધા જમીનું લેશે?”
“અરે આંઈ તો આપણા ખેડુય બજર વાવવા મંડી ગ્યા છે.”
“પાપનો કામો.”
“બસ કર. આમ આઘેરાક તો ગાંજોય વાવવા મંડ્યા. ઝાંઝ-પખાજની ઝૂક બોલે છે.”
“ઝાંઝ-પખાજ?”
“તયેં નહિ? ગાંજો કચરાવે દા’ડિયાં પાસે. જેમ ધ્રાબા દેવરાવે તેમ ગાંજો કચરાવે. ખૂબ શૂરાતનથી કચરે તે માટે ઝાંઝ-પખાજ વગડાવે.”
બે ઘડી ઊભો રહીને પછી રૂડો ગાયોને હાંકતો આગળ વધ્યો એના ડાલા જેવડા માથામાં પણ આ નવી બાબતો સ્પષ્ટતા પામી નહિ. મહાભારતના કરતાં પણ મોટી એક લડાઈ દુનિયામાં ચાલતી હતી એવું એણે સાંભળ્યું હતું. આઘે આઘે જ્યાં પોતાને નિસ્બત નથી એવા દેશાવરમાં છતે અનાજે લાખો માણસો તરફડી તરફડી રસ્તા પર મૂઆં, પણ રસ્તે ઉઘાડી ફટાક ચાલી રહેલી મીઠાઈની ને દાણાની દુકાનોમાં ભરી ભરી તાવડી કે સૂંડલીમાંથી એક ગાંઠિયાનો દાણો કે ધાણીની ચપટી પણ તેઓ ન ઝૂંટવી શક્યાં તેવું એણે સાંભળ્યું હતું, પણ પોતાના પ્રાંતમાં તમાકુ અને ગાંજાનાં વાવેતર આવ્યાં એની મોડી ખબર પડી. કારણ કે આવી ખબરો તો શહેરમાં દૂધ લઈ જનારી રાયાં જ લાવતી, રાયાંએ આવું કાંઈ કહ્યું નહોતું. હૉટલને બારણે કે કંદોઈને હાટડે બેસી આવતી રાયાં જે કંઈ ખબર લઈ આવે તે સિવાયનું કશું જ ન માનવાની રૂડાને આદત હતી.
“તું હમણે કાંઈ વધુ પાણી ભેળવ છ, એલી?” રૂડાએ એક દિવસ સાંજે
ગાયો ઘોળીને ઘેર આવી પૂછ્યું.
“ના, જેટલું નાખું છું તેટલું જ નાખું છું.”
“ચોખામું, હાંડામાંથી જ નાખ છ?”
“હા જ તો. માટલામાંથી તો કે દીય ન નાખું. ચોમાસે વળી ટેશન લગી ભાર ઓછો પડે એમ ગણી કેડે નદીનું નાખી લઉં. એટલું તો હુંયે સમજું ને, કે શે’રનાં ઊંચાં વરણને અભડાવાય નહિ.”
“તયેં મને હમણે આખે વગડે ગંધાણા જ કેમ કરે છે? માતા રૂઠી છે કેમ?”
“કેવી ગંધ આવે છે?”
“અરે મૂએલી ગાયુંની — હજારો ગાયું જાણે સડતી હોય ના!”
“ઊભો રે.” રાયાં ગાયો દોહવાનું બોઘરું વીછળતી અટકી ગઈ ને વિચારે ચડી. પછી પૂછ્યું: “કઈ સીમમાં ગંધાય છે?”
“ઉગમણી.”
“ટેશણ દીમની ને? અરે ઘેલા! માતા તો ભૂખેય નથી રૂઠી. માને ગોખલે દીવો મેલતાં ભૂલું તો ને? તને ગંધ આવે છે ઈ તો ટેશણમાંથી ત્યાં પાર વિનાનાં ચામડાં ચડે છે તેની. મોટા ગંજ ખડકાણા છે ચામડાંના ને હાડકાંના. મેંથી તો હવે શે’રમાં જઈ ચપટી ભજિયાં મોંમાં મેલાતાં નથી. થૂકી થૂકીને મોઢું થાકી ગ્યું મારું તો!”
“ચામડાં! એટલાં બધાં? ક્યાંથી આવે છે?”
“શેલરના ડુંગરની કાંટ્યમાંથી. ખોજા ચડાવે છે — ચામડાં ને હાડકાં. ઢોર લાગટ મરે છે, માડી! પોર ને પરાર બામણુંએ હાંક્યું કે ઝાંપડાની દેવી રોગચાળો મેલે છે, કારણ કે ઝાંપડા દેવીને જુવારે છે...”
“હા, તે ઝાંપડાનાં તો અમે મારી મારીને હાડકાં ભાંગી નાખ્યાં.”
“હા, મૂઆ બામણોને ચડાવ્યે તમે ભરવાડો પણ ચડી હાલ્યા. એક ઝાંપડો ચોય ફરતો ક્યાંઈ ન રહ્યો. જડાબીટ કાઢી નાખ્યું. તોય ઢોર તો આટલાં મરે છે. રોગચાળો તો સાંભળ્યો નથ.”
“તયેં શું હશે?”
“ઠાકર જાણે, માડી! હું તો રાતદી ફફડું છું. આપડીઉં પંદર છે તે સાંજે પાછી હીમખીમ ઘરે આવે છે ત્યાં લગી જીવ થર રે’તો નથી. નૈ રોગચાળો, નૈ દવા કવા, નૈ ઝાંપડાનાં ડાકલાં-ફાકલાં, કાંઈ કરતાં કરતાં કાંઈ નૈ. ને ડુંગરમાં તો ચરિયાણ પણ ચોમાસે હોય. રાજ માગે છે તેટલી મસવાડી દઈને ચારે છે માણસો. જેઠ-વૈશાખ તો ઠીક કે ઢોરાં ભૂખે મરે પણ શ્રાવણ-ભાદરવે આટલાંના સોથ કેમ વળી રહ્યા છે! ગાડીમાં રોજ વાતું થાય છે — બોરડી, ગુંદવડી, ગાજરડા, બાવળી, સમિયાણું, હર એક ગામનાં ઢોર નખમાંય રોગ વગર ટપોટપ કાંટ્યમાં ઢળી પડે છે; કાંટ્યમાં નૈ તો ઘરે આવીને ખીલે મરે છે. તું ભલો થઈને સંભાળજે. નાહક ઝાંપડાની ખાલ ઉતારી તમે અભાગિયા ગોકળીઓએ, ને વાણિયા-બામણ તો છેટે રિયા સિસકારતા’તા.”
રાયાં એ બધું કહેતી કહેતી સીમમાંથી આવેલી ગાયોને ખાણ મેલતી હતી, ગાયો ધરાઈ છે કે નહિ તે, એનાં પેટ પર હાથ થાબડીને નક્કી કરતી હતી. બોઘરાં વીછળતી હતી, ગાયને પગે, દોવા ટાણે બાંધવાનું નોજણું થાંભલીએથી છોડતી હતી; ને એની ખુલ્લી છાતીએ રૂપાની સાંકળી ઝપાટા દેતી હતી. બગલ તરફ અને ખંભા તરફ ફાટેલ કાપડું એના દેહને ખુલ્લો કરતું હતું. તે પણ એની સમગ્ર શોભા સાથે સુમેળ લેતું હતું. એના દેહપરિધાનની ગરીબી અને ગમારુ ગોબરાઈ પર એના શરીરની સચિંત સ્ફૂર્તિ તેમ જ તરવરાટ એક અનેરી શોભા છાઈ દેતાં હતાં. એ ચિંતામગ્ન હતી, તેથી કદાચ વધુ રૂપાળી લાગતી હતી. વાછરુ પાસે જઈ ખીલેથી છોડતી વેળાએ વધુ સુંદર ભાસતી. માનવીનું સૌંદર્ય એના દેહમાં છે તે કરતાં એના ‘સેટિંગ’રૂપી જીવનસ્થિતિમાં વિશેષ છે.
રાયાંની વાત પછી રૂડો ઊંડા વિચારમાં પડી ગયો હતો. સ્ટેશન એક ગાઉને છેટે હતું. એક વાર ત્યાં જઈને જાતે જોવાની ઇચ્છાને એ ન રોકી શક્યો. નાકે મોહરિયું વાળીને પણ એ ગયો. આજ સુધીનું કંગાલ આ સ્ટેશન એકાએક લખપતિ બની ગયેલા કોઈ વરદાનધારી માનવી જેવી ઉગ્રભાગી દશામાં દેખાયું. ત્યાં એક નવી સાઇડિંગ નખાઈ હતી. અગાઉ જે કેવળ પાટિયું (ફલૅગ સ્ટેશન) હતું તેની ઑફિસમાં તારના કડકડાટો ચાલતા હતા. અને હાડકાં-ચામડાંના ગંજ તો એણે રાયાંની વાતે કરાવેલી કલ્પના કરતાં સાતગણા મોટા દીઠા. રૂડાનો જીવ ઘૂમરાઈ ઊઠ્યો. ત્રણચાર મોટાં વૅગનો ચામડે ભરાતાં હતાં. બે-ત્રણ મેમણો ને ખોજાઓ ઉતાવળે ચોમેર આંટા મારતા હતા. માસ્તરની ઑફિસમાં એ બધા ટેબલ તરફ ફરતા વીંટળાઈ વળ્યા હતા અને તડાતડ આવા શબ્દો સંભળાતા હતા:
‘તાર કરો!’, ‘અમારે વાઘીન જોઈએ’, ‘માલ ભરાવો તો જોશો ને?’, ‘આ તો મિલિટરીનું કામ છે, પછી તમે જાણો, માસ્તર, પાછળથી અમને ઠપકો દેશો નહિ’, ‘તમારે શું વાંધો છે? તમને અમે કાંઈ કહેવાપણું રાખીએ છીએ? હજી તો કાંટ્યમાં કેટલા ઢગલા પડ્યા છે તે જાણો છો? સાહેબ ના પાડતા હશે તો સાહેબ જાણે ને મિલિટેરી જાણે.’
‘મિલિટરી’ એ શબ્દ જ્યારે આમ નૂરભાઈ જમાલભાઈના મોંએથી પણ ધમકીરૂપે વપરાતો હતો, દેશી રાજ્યના દીવાનો ને રેલવે ઉપરીઓ પણ ‘મિલિટરી જરૂરિયાત’નો દમ છંટાતાં કંપતા, ત્યારે આ નાનકડા સ્ટેશનના સ્ટેશન-માસ્તરે નાકે સુગંધી છીંકણીની સટ મારીને ગાવા માંડ્યું:
સબૂરી રાખજો શાણા!
સબૂરી ઈશ્કની ફાકી
હજુ તો ચાર વૅગનનું
રહ્યું છે આચમન બાકી.
‘આચમન’ એ લાંચરુશ્વતને માટે એમણે પોતે યોજેલો એક નવતર પ્રયોગ હતો. ને પછી એણે સૂર ઊંચો કરી, તાનપલટાની એક અનોખી રીતે ગાયું —
રહ્યું છે આચમન બાકી:
અમે તો રાંકડા સાકી;
પરંતુ સાકીને મૂકી
તમે ટી.એસ.ને સાધ્યા.
ટી.એસ. એટલે રેલવેના ટ્રાફિક સુપ્રિન્ટેન્ડેન્ટ.
“હવે રાખો ને, મે’રબાન!” પેલા પાંચ જણમાંના એકે કહ્યું: “કોઈક સાંભળશે.”
સ્ટેશન-માસ્તરે નાટકના તખ્તા પરથી શૅર બોલવાની છટા ચાલુ કરી —
સૌ સાંભળે એમ જ કહું.
પરવા નથી કો’ની;
મોટા તણાં મોટાં ખીસાં;
(તો) ગજવી ગરીબોની.
“મોટાંના ખીસાં ભરશો અને અમારા જેવા ગરીબોની ગજવીને ખાલી રાખશો? ગરીબો થયા એટલે શો ગુનો અમારો! સમરથકુ નહિ દોષ ગુંસાઈ! ગરીબો ખાય એ ચોરી ને અમીરો જમી જાય તે નીતિ! અનીતિ-નીતિનાં કાટલાં તો, મિયાં, માર્યાં ફરે છે! કોઈ બેટો એકબીજાને કહી શકે તેમ નથી. અમો પણ આચમન કરાવીએ છીએ ઠેઠ ઉપર બેઠેલા સુધી.”
એવા કશાક ધૂમધડાકા સ્ટેશન ઑફિસમાં ચાલી રહ્યા હતા તેને યાર્ડ બહાર ઝાડવાં પાસેથી સાંભળી રહેલો રૂડો બીજાને પૂછતો હતો: “કોણ બાઝે છે?”
જવાબમાં સાંધાવાળાએ કહ્યું: “કોઈ બાઝતું નથી, ગોકળી! સૌ પોતપોતાની વેતરણમાં હોય છે.”
પોતાને માટે કોઈની વહારે જવાનું કર્તવ્ય આવી પડ્યું નથી એટલું જ જાણીને એ કૂવે ગાયોને પાણી પાવા હાંકી ગયો. ચામડાની બોખથી સીંચી સીંચી એ કૂંડી ભરતો હતો ને ગાયો ઊભી હતી. એ વખતે એક માણસ આવ્યો. એણે ધોતિયું, પહેરણ ને કબજો પહેર્યાં હતાં.
“ગાયો વેચાઉ છે?” એણે ચોખી બોલીમાં પૂછ્યું.
“ના બાપુ!” રૂડો સમજ્યો કે કોઈક વેપારી માણસ છે.
“ગૌશાળામાં જોઈએ છે. બીજે કયાંય નથી મોકલવી. હોય તો કહેજો. દામ પૂરાં, તારા બે ખોબા ભરાયા તેટલાં દેશું.”
“ના બાપુ,” રૂડાએ બોખ પાણીમાં વહેતી મૂકી.
“સુખમાં પડશે ઢોર, એક ગાદલું ને ગોદડું નહિ. બાકી બધી વાતે સુખમાં.”
“ના રે બાપુ,” રૂડો કૂવામાંથી વાંભો ભરી ભરી બોખ ખેંચતો બોલ્યો. એનું ખુલ્લું બદન લોહીથી ધમધમતું હતું.
“તો મરજી.” એટલું કહીને એ ચાલ્યો ગયો. ગાયો પ્રત્યે જોવાની એ માણસની રીત રૂડાને ગમી નહિ. હીણનજરો લાગ્યો.
જઈને એ માણસ એક વૅગનને છાંયે બેઠો. ત્યાં બીજા બે બેઠા હતા. પેલો કંઈક કહેતો હતો તે પરથી એ બે જણ પણ રૂડાની ગાયો તરફ તાકી રહ્યા, ને પછી ગુસપુસ વાતોએ ચડ્યા. રૂડાને સંદેહ પડ્યો કે મારી ગાયોની વાતો હશે. એણે ઝટપટ પાઈને ગાયોને હાંકી. સ્ટેશન માસ્તરની ઑફિસમાંથી ગાયનના ને ભાષણના સ્વરો હજુ ઊઠતા હતા. એ ઘોષ અટકી ગયા. સ્ટેશન-માસ્તર બહાર નીકળ્યા. એણે કપાળે વૈશ્નવ-ટીલાંનો, ‘વી ફૉર વિક્ટરી’માં પણ ચાલી શકે તેવો આકાર તાણ્યો હતો. સિમલા રેલવે બૉર્ડનું ઇન્સ્પેક્શન આવ્યું હતું તેમાંના ગોરા સાહેબે આ માસ્તરના કપાળ-તિલકને જોઈ ઘણો હર્ષ બતાવ્યો હતો. એને જોઈને રૂડાને વિસ્મય થયું. આ સીમમાં પણ ન સહેવાય તેવી બદબો આ ટીલાંટપકાંવાળો માસ્તર શેં વેઠી શકતો હશે!
વળી આગળ ચાલ્યો ને રેલવેના કૂવાને કાંઠે થોડાં રાડાં પડેલાં તેમાં ગાયોએ મોં નાંખ્યા એટલે પોતે ઊભો રહ્યો. એક વૅગનની પછવાડે બીજા બે જણ વાતો કરતા હતા. વાતો રૂડાને કાને પડી:
‘પાંચ હજાર ચામડાં તેં જેઠ વદ નોમ સુધીમાં આપવાં કહેલ.’
‘ના, ચાર હજાર.’
‘ખા તારી દેવીના સમ.’
‘ખાઓ તમારા ઇમામના સોગાન.’
‘ચુપ મર.’
‘તયેં પછી? સૌને સરખું ઈ તો. માટે સમબમની વાત મેલો પડી.’
‘પણ હવે કરવું છે શું?’
‘શું કરે?’
‘હજી તો અઢી હજાર બાકી છે.’
‘પણ લાવું ક્યાંથી?’
‘એમાં હું શું કરું? તારો જે કસબ હોય તે કર.’
‘કસબ તો કરું જ છું ને! નીકર આ ચામડાના ઢગલા આભેથી વરસતા હશે, ખરું ને?
‘તો ગરમાં કોઈને મોકલ.’
‘મોકલ્યા છે ભૈ, ચારને મોકલ્યા છે.’
‘ઠાંગામાં?’
‘ત્યાં દરબારો પેસવા નથી દેતા.’
‘ગમે તેમ કર. નીકર આકરું પડશે. આ તો મિલિટેરીનો કંત્રાટ કહેવાય. પકડીને પૂરી દ્યે. યાં કોઈનું મોઢુંય જોવા નહિ પામ. કહી રાખું છું. ને નથી નથી શું કરછ? આ પંદર ઊભી. આંધળો છો? ધણનાં ધણ ચરે છે.’
‘ગેડા લઈને માથે બેઠા હોય છે મુછાળા.’
‘ઈ હું કાંઈ ન સમજું. મારાં ચામડાંનાં નંગ પૂરાં કરી દે. નીકર તારાં ઊતરડાશે. ને, ગાંડા! આજ તો વારી છે. પછી તો કોઈ સૂંઘશેય નહિ.’
‘વારી સમજીને તો સૌ મંડાણા છયેં. જુવાન છોકરો ત્રણ દીના તાવમાં ઊડી પડ્યો, વઉ સુવાવડમાં માંડ મરતી બચી, માતાનાં નિવેદ જારી જારીને મારો તો ડૂચો નીકળી ગ્યો, ભાઈ! હત્યા તો લાગે જ ને દેઈ કોપ્યા વિના રે’ છે કાંઈ?’
‘કોપ્યો હવે મારા ભાઈ. મોટા કન્ટ્રાટી તો ઊંચ વરણના હિંદુ છે, દિલ્લી કલકત્તે બેઠા મોજ કરે છે. એને કેમ કોઈ દેવ કોપતો નથી?’
‘એને કાંઈ મારી જેમ હત્યા લેવી પડે છે? કરે ઈ ભરે. મારે નિવેદ કર્યા વિના નો હાલે.’
‘આ લે, નિવેદ કરજે, રોતલ રાંડ જેવા!’ કહેતેક પેલાએ સો રૂપિયા કાઢીને આપ્યા.
રૂડો ધ્રૂજી ઊઠ્યો. એણે સીમમાં પણ ન રોકાતાં ઝાઝો દહાડો બાકી હતો તે છતાં ઘેર ગાયો હાંકી મૂકી. રાયાંને દેખી ત્યારે એના જીવમાં જીવ આવ્યો.
[૪]
એક દિવસ રાયાં રૂડાની બહેનની સુવાવડ કરવા બીજે ગામ ચાલી. બપોરે સીમમાં રૂડાને કોઈકે ખબર આપ્યા કે રાયાંને તો પોલીસે રસ્તામાં પકડી અટકમાં લીધી છે.
“કેના સપાઈયું?”
“રાજના. સીમાડે સીમાડે ઘોડસવારો ચોકી કરતા ઊભા છે એમણે.”
પ્રથમ તો રૂડાએ વાત માની નહિ. પછી એને પાકી ખાતરી મળી ત્યારે એ વિચારમાં પડ્યો. આ પંદર જીવને કોના વસુ છોડીને જાઉં? આવશે એ તો આફૂડી. જબરી છે. કોઈની ગાંજી જાય તેવી નથી. ભૂંગળી પીતાં પીતાં વળી વિચાર આવ્યો. શીદ પકડી હશે? ચોરી છિનાળી તો એ કરે તેમ નથી. દૂધમાં પાણી ભેળે. પણ આ તો બે’નને ઘેર ગઈ છે, દૂધ વેચવા ક્યાં ગઈ છે? હશે. મરશે. આવશે ઈ તો આફૂડી. બાલિષ્ટરનેય ભૂ પાઈ દ્યે તેવી છે. હું તે શી રીતે જાઉં? છોકરાં હોય તો ચાર રોટલા ઘડાવી ઘંટી માથે મૂકીને કહું કે કરડજો પાછો આવું ત્યાં સુધી, ને હાલી નીકળું, પણ આ ગાઉં હું કેને ભળાવું! નૈ ને વાંસેથી શું થયું.
એને સ્ટેશન પરની તે દિવસની કાળવાતો યાદ આવી ને દિલ ધડકી ઊઠ્યું. ઢગલા ને ઢગલા ઢોર ચારે તરફ મરતાં હતાં. અને ચામડાંની બુલંદ કમાણી માટે મરતાં હતાં. ને એમાં નાના મુસલમાન વેપારીઓ, અડીખમ હિંદુ ઉદ્યોગપતિઓ, વાઘરીઓ, આડોડિયાં, ડફેરો, ને બ્રાહ્મણો પણ ભળેલા હતા. પોતે નવાં કાંટારખાં સિવડાવવા ગયેલો ત્યારે મોચીએ પાંચ રૂપિયા કહ્યા હતા. સવાના પરબારા પાંચ! પાણી ભરવાની બોખને હથેળી જેટલું થીગડું દેવાની પણ ચમારે પાવલી માગી હતી. વગરવાંચ્યે પણ એને સૂઝ પડી ગઈ હતી. મનવો બોલ્યો કે ગાયોને રેઢી ન મેલાય.
પણ ત્રીજી વાર જ્યારે ખબર આવ્યા કે “ભૂંડા, મારી એક રાત ફુલેસ-થાણામાં એક જુગ જેવડી ગઈ છે, તું વે’લો આવ!” ત્યારે પછી એ ગાયોને પણ હાંકી લઈને બહેનના ગામને માર્ગે પડ્યો. મહાલનું પોલીસ-થાણું મોટું હતું. રૂડાએ ઝાંપડાને માર મારનારાઓમાંના એક તરીકે ગઈ સાલ આ થાણાનો અનુભવ બેએક દિવસ કરેલો. એટલે એ ગાયોને બહાર ઊભી રાખી લૉકઅપ પર ગયો. ત્યાં એણે રાયાંને જોઈ. જીવ વલોવાઈ ગયો.
“તારી બાયડી પરહદમાં અનાજ ખસેડી જતી હતી!” એને અમલદારે એ શબ્દોમાં શું કહ્યું તે રૂડો સમજ્યો નહિ. અનાજની નિકાસબંધીની તો ઠીક પણ પોતાનું ને બહેનનું ગામ બે જુદી હકૂમતોની સરહદમાં આવેલાં છે તેની પણ એ જાડપછેડિયા જુવાનને સાનભાન નહોતી.
“શું હતું તારી આગળ?” રૂડાએ રાયાંને પૂછ્યું.
ગઈ કાલે ઘેરથી નીકળેલી ત્યારે જે રાયાંએ ઠાંસીને માથું ગૂંથેલું, ભરત ભરેલો રાતો ઘાઘરો પહેરેલો અને ઉપર કસુંબલ કામળી ઓઢેલી, તે જ રાયાં વીખરાયેલ માથે અને રજોટાયેલ પોશાકે તાડૂકી પડી: “કાંઈ નોતું. આ દસ શેર ઘઉંની પોટલી બાંધીને લઈ જાતી’તી.”
“હં — અને કહે છે કે કાંઈ નો’તું.” પોલીસે વ્યંગ કર્યો.
“પણ ભાઈ, હું કાંઈ વેચવા થોડી જાતી’તી? મારી નણંદની સુવાવડે જાતી’તી. નણંદે બાપડીએ કહેવરાવેલું કે આંહીં જિલ્લામાં સળેલ ઘઉં મળે છે, ભાભી, મોંમાં નખાતો નથી, તે મારા સારુ રાબશીરો થાય એટલા ઘઉં ઉપાડતી આવજે. આંઈ જાર-બાજરો પણ ગંધારાં મળે છે. આ લ્યો, ઈ સારુ લઈ જાતી’તી, સંતાડીને ચોરીને કાંઈ ન’તી લઈ જાતી. જનમારો ધરીને ચોરવું શું કે’વાય ઈય મેં તો જાણ્યું નથી.”
“દૂધમાં પાણી કેટલું ભેળવ છ?” પોલીસ હસ્યા.
ઈ તો દેવીનું કરી મેલેલ છે. ભેળવાતું હોય એટલું ભેળવાય, મારા ભૈ! ને તેય તે ચોખામું ભેળવીએ છયેં. કોઈની દેઈને અભડાવતા નથી. માથે દી જેવો દી છે. શા સારુ ખોટું બોલવું!”
રૂડાને માટે તો આ આખી વાત શાસ્ત્રના જેવી અકળ ને અગમ હતી. અનાજની નિકાસબંધી આવી, ક્યારે આવી, કયું અનાજ ક્યાં લઈ જવાય ને ક્યાં નહિ, એક ગામથી બીજે ગામ તો ઠીક પણ એક ઘેરથી બીજે ઘેર પણ ફેરવાય કે નહિ, ને બહેનનું ઘર એ પોતાનું કહેવાય નહિ — એમાંનું એ કશું જાણતો નહોતો. પોતાની ‘બાલિષ્ટર’ પત્ની રાયાં તડાક તડાક જવાબ દેતી હતી તેનો જ અહોભાવ અનુભવતો પોતે ઊભો હતો.
પછી રૂડા અને રાયાંની સાથે એક દલાલે વિષ્ટિ ચલાવી. “જુઓ, તમારા પર રહેમ લાવીને જ સાહેબે હજી કાગળિયાં કર્યાં નથી. કર્યાં હોત તો તો જેલમાં બેઠા વિના છૂટકો જ નહોતો. પણ હવે એમ કરો. એક ગાય દૂઝણી હોય તે સાહેબને ઘેર — દોહી પીવા પૂરતી જ હો — બાંધો, પછી વસૂકશે એટલે પાછી મોકલશે.”
“ગા તો હું મરી જાઉં તોપણ ન દઉં.”
છેવટે રોકડ રકમ ઠરી. ને એ રાયાંએ ચાર આનાને વ્યાજે હૉટલવાળા કનેથી ઉપાડીને ચૂકવી. ઘઉં ફોજદારને ઘેર રહ્યા, રાયાં નણંદની સુવાવડ કરવા જઈ શકી, ને રૂડો ગાયો હાંકી પાછો વળ્યો ત્યારે એનું જ્ઞાન અતિઘણું વધી ગયું હતું.
[૫]
રોટલાનાં પાંચેક બટકાં લીધાં પણ પછી તો દૂધનો કોગળો પણ ગંધાઈ ઊઠ્યો એટલે રૂડો ઊભો થઈ ગયો. રાયાં પણ કાંઈ બોલી નહિ. રોજ તાણ કરી કરી ખવરાવનારી સ્ત્રી હવે ઊલટાની એવું કહેતી થઈ ગઈ હતી કે દૂધ ખા દૂધ, રોટલો ઓછો ખાતો જા. રૂડાને રાયાં પર રોષ કરવાનું આવડતું જ નહિ. એટલે એ રોજ ખાતી વેળા મનની અંદર ખિજાતો છતાં ગુસ્સો બતાવવાના બોલ ગોઠવી શકતો નહિ. પણ દિનપ્રતિદિન જુવારના રોટલામાં અસલનાં સ્વાદ-સુગંધ આવતાં બંધ પડ્યાં હતાં. પછી તો જુવાર-બાજરો અઠવાડિયાં સુધી અદૃશ્ય થઈ જતાં ને મગ-મઠના રોટલા પીરસતી રાયાં અણગમો ઉપજાવતી હતી.
“મનમાં ને મનમાં શીનો ધૂંધવાછ?” એક વાર રૂડો ઊના રોટલાને પણ ઠેલીને ઊભો થઈ ગયો તેથી રાયાંએ કહ્યું: “એવી ચાગલાઈ કાંઈ ચાલે? સૌ આપણા જેવી જ જાર ખાય છે.”
“સૌની વાત શીદ કરછ? હું તારે મન સૌ જેવો જ છું, એમ ને?”
“પણ ન મળે તેનું શું?”
“ગામમાં તો મોતીના દાણા જેવી પાકી’તી.”
“તે લઈ ગ્યા રાજવાળા.”
“કોને ખવરાવવા?”
“ઠાકરને ખબર કોને ખવરાવવા.”
“શે’રમાં જાછ ને એટલી ખબર નથી?” પોતાની બાલિષ્ટર સ્ત્રીને માટે રૂડાને ઓછું આવ્યું.
“કાંઈ ખબર નથી પડતી. કોઈને નથી પડતી. જાર, બાજરો, ઘઉં આંઈથી દાણેદાણો લઈ વાળીને શે’ર ભેગાં કરે છે. પછી કોણ જાણે ક્યાં પગ કરી જાય છે દાણો. આપણને તો માપે મળે છે. ને એ પણ કોઈક પરદેશી દાણો મળે છે. વાતું કરે છે, કે આમ ક્યાંક આઘેરાંક અનાજ ખડકી મૂકેલ ને સડી ગંધાઈ ગયાં, એટલે ઈવડા ઈ લોકને આપણો નવો દાણો મોકલાવે ને એ આપણને ઈનો સડેલ દાણો મગાવી આપે છે. આ માલગાડિયું દી ને રાત દોટું કરે છે — સાંભળ છ ને? પળનોય પોરો નથી. અંજીરવાળાઓને. ઈના ઈ અંજીર હાંકનારા, રાત-દીની ખેપું ખેંચે, પછેં તો આંખ્યું કામ કેટલુંક કરે? લમણાં હાલે નહિ. એટલે ગાડિયું સામસામી ભટકાવે, ક્યાંક અંજીર ઊંધાં વાળે, ક્યાંક નદિયુંના પૂરમાં ગાડિયું ને ગાડિયું આખી જઈ પડે છે; ક્યાંક વળી અંજીર છૂટું પડીને ડબા વિનાનું એકલું ભાગ્યું જાય, ને વાંસે આખી ગાડી વગડામાં ઊભી ઊભી વા ખાય! રોનક પણ છે ને માડી! હું તો જોઈ જ રહી. માવતર જેવું અંજીર પોતાનાં છોરુડાંને ઊભે વગડે મેલીને ભાગી નીકળે! કળજગનાં એંધાણ જ તો. પરમને દા’ડે શામજી ડરાવરની માલગાડીનું એવું જ બન્યું. સંચોડી ગાડી સીમમાં અંતરિયાળ મેલીને શામજી એકલું અંજીર હાંકી આવતો રહ્યો. ઠેસણે આવ્યો ત્યારે તો ભાન આવ્યું. નોકરીમાંથી કાઢી મેલ્યો.”
“તુંય એવું જ કરછ ના!”
“શું?”
“મુદ્દાની વાત આપણા રોટલા ગંધાય છે તેની હતી, તેને અંતરિયાળ મેલીને તું ચડી ગઈ શામજી ડરાવરના અંજીરની વાતે.”
“હવે થોડા દી કડવું કરીને ખાઈ લે ને મારા ભૈ! આ ડીંડવાણું હાલી હાલીને તી કેટલુંક હાલશે? ત્રણ વરસ ભેળું એક નીકળી જાશે. કડવું ઓસડ કેમ પીઈં છઈં એમ નરસું ધાન પણ ગળા હેઠ ઉતારી જાયેં.”
“પણ પેટ હડૂડે તેનું શું?”
“ઇ તો હડૂડે કે ગડૂડે. એમ કરતાં બધુંય કોઠે પડી રે’શે.”
આશ્વાસનનાં આવાં એક પછી એક પગથિયાં મૂકતાં મૂકતાં મહિના ખેંચતાં આ ભરવાડ દંપતી આખાયે લોકસમૂહની મનોદશાના પ્રતિનિધિ હતાં. સારીય વસ્તી સમયપલટાની આશામાં જીવતી હતી. શહેરો-કસબાઓના લોકો સભાઓ ભરે છે, રાજને તાર કરે છે, મોટા અમલદારોને બંગલે સરઘસો લઈ જાય છે, તુરદાળ, ખાંડ ને ચોખાની અછતથી અકળાઈ ઊઠે છે, એવું આ ગામમાં દૂર દૂરના ઘનગર્જન સમું સંભળાયા કરતું, ને રાયાં એ રોનક શહેરમાં જોઈ પણ આવતી. જોઈ જોઈને હસતી. એની તો આંખો કામ નહોતી કરતી, કે આ ગામડાંમાં મગ-મઠનાંયે ફાંકાં છે ત્યારે આ શહેરની હૉટલો કેમ રાત-દી ચિકાર રહે છે, આ કંદોઈઓના તાવડા ઘડી પણ ટાઢા કેમ નથી પડતા, આ લાડુ બરફી ને ઘેવરની તાસકો હબ્બેશ ક્યાં ઊપડી રહી છે, આ પતરાવળીઓ ને પડિયાના ઢગલે ઢગલા ઉકરડે ઉકરડે ખડકાય છે, તે શું જમણવારાને પોરો જ નથી! મલક કાઢે છે ક્યાંથી આટલાં લોટ, ઘી ને ખાંડ!
ત્રણ દિવસનાં ટાઢાં ભજિયાં આઠ આને શેર મળતાં તે પાશેર ખરીદીને, કંદોઈ કે હૉટલવાળો વાટકી ચા આપે તેની સાથે ચાવતી ચાવતી રાયાં બજારે બેસી બોલતી કે ‘રોનક તો જો, મૂઈ, જો રોનક!’
એ રોજના રોનકમાં એક દિવસ ખલેલ પડી. દૂધનાં બે ઠામ માથે મૂકીને રોજ સવારે સ્ટેશને પહોંચતી એ આજે આધેડ ઉંમરે પણ ગાડી ચૂકતી નહિ. ટ્રેનના ધુમાડા દેખાતા હોય તોપણ દોડીને ગાડીમાં પહોંચી જતી. અરે, કેટલીક વાર તો એની ને ટ્રેનની વચ્ચે હોડ થઈ પડતી. રોજ મોડી પડતી ગાડી ઓચિંતી ટાણાસર આવે તે દિવસે તો દૂધવાળીઓની શી દોટાદોટ મચી જતી! શ્વાસધમણ, પરસેવે નહાતું શરીર, ઊછળી ઊછળીને પછડાતાં સ્તનો, પેટમાં આંટી, લફર લફર લૂગડાં, કામળી ખભે પડે, નીચે સરકી જાય, કેડેય બાંધી દેવી પડે, મોં પરથી નૂરતેજ ઊડી જાય, ‘હે વાછરા દેવ! ગાડીને સિંગલ જરી મોડો દેવરાવજો. દીવો કરીશ સાંજે...’ એવી માનસિક કાકલૂદીઓ, સામે કોઈક માલગાડી આવી પડજો એવી પ્રભુપ્રાર્થના, અને આ ગાડી ચૂક્યે બપોરે બે વાગ્યે શહેરમાં દૂધ કોણ લેશે એના ઉચાટ — એવી દશા વચ્ચે પચીસ-ત્રીસ ભરવાડણોની સ્ટેશનની ઉગમણી સીમમાંથી અને પચાસેકની આથમણેથી દોટાદોટ ચાલતી. રોજે રોજનું એ દૃશ્ય હતું; રાતાંચોળ મોં, પિત્તળના હાંડાના શિર પર ચકચકાટ, વસ્ત્રોનાં ઠેકાણાં નહિ, ટ્રેન પર કોઈ રીતે નહિ જ પહોંચાય એવી ખાતરી છતાં અધ અધ ગાઉથી, આશાના એકાદ ક્ષીણ તંતુને ટેકે દોડી આવતી ગોવાલણો —
એની વચ્ચે જે રાયાં લગભગ રોજ પહેલો નંબર લઈ જતી તે રાયાં હવે એક દિવસ ગાડી ચૂકી. જગતના કોઈ પણ ચૅમ્પિયનને કે ક્રિકેટના સેન્ચરી બૅટ્સમૅનને પંચાંગી ક્રિકેટ જેવા મોટા તમાશામાં મીંડું મુકાવીને પાછા વળવું પડતાં જે શરમ ને સંતાપ થાય તેની માત્રા તે દિવસની રાયાંનાં રોષ, આત્મધિક્કાર અને અપમાનવૃત્તિ કરતાં વધુ હોઈ શકે નહિ. તે દિવસે એની દોટ ભયંકર હતી, મરણિયાપણાથી ભરેલી હતી. રૂડો ગડાકુ વિના રહે તેમ હતું. બેહદ ઝનૂન કરીને દોડી. પણ એ માંદી પડી તે દોડવાને લીધે હતું તે કરતાં પહેલી જ વાર પાછી પડી, ભોંઠી પડી, સ્ટેશન પર મશ્કરીનું પાત્ર બની તેને લીધે વિશેષ હતું. એનો મદ ભાંગ્યો.
રૂડાએ ઘણું ઘણું સમજાવી, કે “એમાં તારો વાંક નથી, અનાજનો વાંક છે, આપણે બે સાલથી સળેલાં ફોફાં આરોગીએ છીએ. પછી તે શરીર કેટલીક ઝીંક ઝાલે! મૂઉં હવે ન પોં’ચી તો.”
“કહો ન કહો, પણ મારામાંથી રામ ઊઠી ગયા હવે, ગોકળી!” રાયાં ગોદડી પર પડી પડી બોલી.
બાઈઓ જોવા આવી, ને ‘રાયાં માશીનું રોનક’ કરવા લાગી.
“હં — અં, દા’ડી અમારાં જુવાનડિયુંના પાણી ઉતારતાં, તે લ્યો હવે.”
“અરે મૂઈ, મોતડી, ઈ તો તેં મને ધોડતાં દાંત કઢાવ્યા તેના જ પરતાપ.” રાયાંએ કહ્યું. “તારો જ વાંક છે. પણ એક વાર મને ઊભી તો થવા દે, તને હસાવીને રોજ હાંડો ઢોળાવું તો હા કહેજે ને!”
પણ રાયાં ફરી ઊઠી ત્યારે ગાયોમાંથી બે દૂઝતી હતી, બાકીની પાંચ દૂઝણી હતી તે વસૂકી ગઈ. છ તો હજી પાંકડી જ હતી. હવે શહેરમાં જવાનું નહોતું. તેમ તેર વસૂકેલ ઢોરને ખવરાવવાનું કાંઈ નહોતું. ખડનું તરણું પણ સીમમાં નહોતું રહ્યું. ધરતીનો ક્ષાર પણ ઢોરાં ચાટી ચૂક્યાં હતાં. બીજા ઘણાખરા ભરવાડો વેળાસર વાંઢ્યે નીકળી ગયા હતા. પણ રાયાંની માંદગીથી રૂડાને માટે અતિ મોડું થઈ ગયું. ફાગણ-ચૈત્રમાં ફરી વાર કોળેલી ઝાડવાંની ટીશીઓ દાંત કાઢતી હતી, ને વગડો વરાળે ફૂંફાડતો હતો.
ઢોરની નિકાસબંધી હતી. બહાર લઈ જવા માટે ‘પરમેટ’ (પરમિટ) કઢાવવા રાયાં દોટાદોટ કરી રહી. એમાં એને છેલ્લી રહેલી કાંબીની જોડ વેચવી પડી. પછી ચાલ્યાં બેઉ જણાં, પણ કાંટ્યમાં ઢોરાંનો પાર નહોતો. વળી રૂડાને પેલી સ્ટેશને સાંભળેલી વાત ડરાવતી હતી. સગાંને ઘેર જઈને ખાવું શું? બહેનને પુછાવ્યું તેનો જવાબ મળ્યો કે ‘આંઈ દાણા નથી. નવી ચિઠ્ઠિયું કાઢી દેતા નથી.’
ઘર તો મેલ્યું, પણ જવાનું ઠેકાણું નહિ. અંતરિયાળ રહી ગયાં. દિશાએ દિશામાં લખ્યું હતું: દાણાની માપબંધી ને ઢોરની નિકાસબંધી.
તે દિવસ સ્ટેશનને કૂવે જે પેલો હીણનજરો મળ્યો હતો તે ફરી પાછો એક ખીજડા પાસે મળ્યો: “કાં, હવે તારે વેચવી છે ગાઉં? કે હજીય મરડ કરવો છે?” એણે એવી ઢબથી પૂછ્યું કે એ પોતે જ જાણે બધાં કારસ્તાનનો કરનારો હોય એવું લાગે.
હા કે ના રૂડો કહી શક્યો નહિ.
રાયાં કહે કે “કાઢી નાખીએં, જીવતાં હશું તો ફેર ધણ જમાવશું. તારી કાયા હશે તો મારે ગાઉંનું ગોકળિયું જ છે. હવે વધુ તાણ મા.”
“ઠીક, તો તું એની હારે ધડ કરી જો. કેટલીક કિંમત કહે છે તે તો નક્કી કર. તું બાલિષ્ટર છો તે પહોંચીશ એને. મારો કાંઈ ગજ વાગે નૈ.”
“ઠીક, હું એના આગેવાનને મળી આવું.”
રાયાંના ગયા પછી રૂડો સારી વાર વિચારમાં બેઠો. પોતે કાંઈ ખોટું તો વિચારતો નથી ના, એની ખાતરી કરવા માટે ચલમ પણ ભરીને પીધી. પછી ભૂંગળી સાફ કરી ચકમક લોઢું ને સૂતરની વાટ્ય ચીવટથી સમેટી ચામડાના કાળા કમ્મરપટાની પડતલીમાં મૂક્યાં. પછી એણે ડોકું હસાવીને પોતાની જાતને કહ્યું કે ‘ના, ઈ જ બરાબર છે.’
ઊઠીને એણે પોતાનું માથાબંધણું ઝાડની ડાળીએ બાંધ્યું. એક છેડે સરકણી ગાંઠનો ગાળિયો કર્યો.
ખોખાં થઈ ગયેલી ગાયો ઊભી હતી. તડકેથી છાંયે જવાની પણ ગાયોમાં શક્તિ નહોતી. ઘણું ખડ ખાધું હોય તેવો ડોળ રાખીને કેટલીક તો ખોટેખોટું વાગોળતી પણ હતી.
હળવે પગલે રૂડો પહેલી ગાય પાસે જઈને ઊભો રહ્યો. ગાયે એનો હાથ ચાટ્યો. પછી રૂડો પોતાનું મોઢું છેક ગાયના કાન સુધી લઈ જઈને બોલ્યો: ‘માતાજી, મારો કાંઈ વાંક છે? તું જ કહે. મારો કાંઈ વાંક નથી’. એમ બોલી એણે ગાયની સામે હાથ જોડ્યા. રૂડો ખજવાળશે એવી આશાએ ગાયે ડોક લાંબી કરી. પણ રૂડો ખસી ગયો. બીજી પાસે ગયો. હાથ જોડ્યા, કહ્યું, ‘માતાજી, મારો આમાં કાંઈ વાંક નથી’.
એ ગાય ‘આંહ’ એવો ક્ષીણ અવાજ કાઢીને રૂડાની સામે તાકી રહી.
ત્રીજી પાસે — ચોથી પાસે. એક પછી એકની પાસે — પંદરે પંદરને કાને મોઢું લાવીને રૂડાએ કહ્યું: ‘આમાં મારો કાંઈ વાંક નથી, માતાજી!’
— ને પછી એણે ઉતાવળ રાખી. બીક હતી કે રાયાં ક્યાંક આવી જશે. ઝાડ પર ચડીને જ્યાં પાઘડી બાંધી હતી તે ડાળ પર પહોંચ્યો. પાઘડીનો ગાળિયો કર્યો હતો તેમાં માથું પરોવી, ગાળિયો ગળા પર ગોઠવી, પોતે નીચે લટકી પડ્યો. ગાળિયાની ગાંઠ સરકણી હતી. થોડી ઘડી એ લટકતા રૂડાના પગ તરફડીને રહી ગયા.